Shamanani Shodhama - 41 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શમણાંની શોધમાં - પ્રકરણ 41

Featured Books
Share

શમણાંની શોધમાં - પ્રકરણ 41

          બ્લેક વાન એક જુના અને વર્ષોથી બંધ કતલખાના આગળ રોકાઈ. ભલે એ કતલ ખાનાને લોકો બંધ સમજતા હતા પણ ત્યાં કતલ થતી હતી. જોકે એ કતલ જાનવરોની નહિ વિક્ટરના દુશ્મનોની થતી. વિકટર છેલ્લા કેટલાય વર્ષોથી એ કતલખાનાનો ઉપયોગ અલગ જ રીતે કરતો હતો.

          વાનની ફ્રન્ટ સીટમાંથી ઉતરી બલબીર કતલખાનાના બંધ દરવાજા તરફ આગળ વધ્યો. એ જ સમયે કતલખાનાથી ત્રણેક બ્લોક દુર એક સફેદ કાર હાલ્ટ થઇ. કારનો દરવાજો ખુલ્યો અને એમાંથી શ્યામે જમીન પર પગ મુક્યો. એણે કઈક અલગ જ વિચાર્યું હતું. એ ઓળખી ગયો હતો કે એ યુવતીને કિડનેપ કરી એ બંધ કતલ ખાનામાં લઇ જતા માણસો વિક્ટરના જ હતા.

          એણે ડેશબોર્ડમાંથી પિસ્તોલ હાથમાં લીધી. એ પિસ્તોલ ચાર્મિની મહેરબાની હતી. એ પઠાણકોટની મીલીટરી યુનિટમાંથી બહાર નીકળ્યો ત્યારે ચાર્મિએ એને ઓફિશિયલી એક પિસ્તોલ હાથમાં થમાવી કહ્યું હતું, “નેવર અફ્રેડ ટુ યુઝ ઈટ ઇફ યુ નીડ.”

          એને એ શબ્દો યાદ આવ્યા. એ જાણતો હતો ચાર્મિ તેને ચાહવા લાગી હતી પણ એ અર્ચના સિવાય કોઈને ચાહી શકે એમ ન હતો માટે એણે ચાર્મિનો એ ઉપકાર વાળ્યા વિના જ ત્યાંથી નીકળી જવું પડ્યું.

          બલબીરે શટરનું હેન્ડલ ફેરવ્યું. કોઈ સામાન્ય વ્યક્તિ માટે એ હેન્ડલ ચડાવી શટર ચડાવવું અશક્ય હતું કેમકે એ શટર ચડાવવા ઓછામાં ઓછા બે વ્યક્તિની જરૂર પડે એમ હતી.

          શટર ચડાવી બલબીર ફરી વેનમાં ગોઠવાયો. વેન ઓલ્ડ બુચર હાઉસમાં દાખલ થઇ. દસેક મિનીટ બાદ ફરી એ શટર બંધ થઇ ગયું પણ એ પહેલા શ્યામ એ શટરમાં દાખલ થઇ ચુક્યો હતો.

          કદાચ આર્મી કેમ્પમાં રહેવાને લીધે કે પછી ત્રણ ચાર મહિનાની ચાર્મિની સંગત એ રંગ લાવી હતી જે હોય તે પણ શ્યામ એ બુચર હાઉસમાં દાખલ થવામાં સફળ રહ્યો હતો.

          વાન અંદરના ભાગે જઈ ઉભી રહી. એમાંથી ફરી બલબીર ઉતર્યો.

          એ વાનના પાછળના દરવાજા પાસે ગયો અને એક બે વાર વેનના ખોખલા પતરા પર હલકી થાપટ મારી. એ ખાસ ઈશારો હતો. એ ઈશારો અંદર બેઠેલા માઈકલ અને હેરીસ માટે હતો. વિક્ટર ખાસ પોતાના કામ માટે એના ગોવાના સાથીઓ જ પસંદ કરતો. કદાચ બલબીર ત્યાનો લોકલ હતો અને કીડનેપીંગ જેવા કામમાં લોકલ માણસની જરૂર પડે એ માટે જ એને રાખ્યો હતો. વાનનો દરવાજો અંદરથી ખુલ્યો.

          હેરિસે દરવાજા બહાર પગ મુક્યો અને બુચર હાઉસના બંધિયાર વાતાવરણમાં શ્વાસ લીધો. એ ત્યાની હવાથી ટેવાયેલો હતો. એણે પોતાની શિકારી જેવી આંખ વેનની અંદરની તરફ ફેરવી. માઈલક એના ઈશારાની રાહ જોઈ રહ્યો હોય એમ અંજલીને ધક્કો આપી વેન બહાર લઇ પોતે પણ એની પાછળ બહાર આવ્યો.

          અંજલીના મોં પર ટેપ લગાવેલ હતી. એના હાથ ખુલ્લા હતા પણ એ જાણતી હતી કે તેની સામે રહેલ હેરીસ, માઈકલ અને બલબીર એ ત્રણમાંથી કોઈ એક પણ એને માત કરી શકવા કાફી હતો. એને હુમલો કરવો મૂર્ખાઈ ભર્યું લાગ્યું કેમકે એના હાથમાં એનું આઠ દસ મહિનાનું બાળક પણ હતું. એ બાળકના લીધે જ કદાચ એણીએ કોઈ પ્રતિકાર કર્યા વિના એ વેનમાં બેસી જવાનું પસંદ કર્યું હતું. એની આંખો જુના બચર હાઉસને જોઈ રહી.. સાતથી માંડીને અઠ્ઠાવીસની સાઈઝ સુધીના હુક ત્યાં લટકતા હતા. કદાચ ખરગોસથી માંડીને મોટા જંગલી સુવર સુધી લટકાવવાની ક્ષમતા એ હુક્સમાં હતી.

          એને કયા હુક પર લટકાવવામાં આવશે? એને એક પળ કરતા વધુ વિચારવાની જરૂર ન પડી. એને એનો જવાબ મળી ગયો હતો. પોતે સાઈઠ કિલો આસપાસના વજનની હતી માટે અઠ્ઠાવીસના હુકને જ પસંદ કરવામાં આવશે. માઈકલ કદાચ એને અઠ્ઠાવીસના હુક પર જ લટકાવશે. અને એના બાળક ને? એ ધ્રુજી ઉઠી. એનું મન એને એ સવાલ પૂછી બેઠું જે એ સાંભળવા માંગતી નહોતી.. એ જવાબ આપવા માંગતી નહોતી પણ એનું મન એ જવાબ જાણતું હતું. પેલા ખરગોસ લટકાવવાના હુક પર. એ વિચાર સાથે એના શરીરમાં કંપારી ઉઠી. એને એમ લાગ્યું જાણે એક પળ માટે એના પગ નીચેની જમીન ખસી ગઈ હતી. એ મહામહેનતે પોતાની જાતને પડતા રોકી શકી.

          “ટાઈ હર વિથ અ ચેર.” એક શાર્પ અને ડરાવણો અવાજ સ્ટીલ ટેબલ પર બે ચાર લાંબા પાનાં જેવી નાઈફ રેસ્ટ કરી રહી હતી એ તરફથી આવ્યો.

          અંજલિએ અવાજની દિશા તરફ જોયું. અંજલી અવાજ ઓળખતી હતી. એ જાણતી હતી એ વિક્ટર હતો. વિક્ટર જેને એ પોતાનો બોસ સમજતી હતી. વિક્ટર જે દુનિયામાં બધા સામે એક સફેદ પોસ વ્યક્તિ બની રહેતો હતો. જે પોલીસ અને નેતાઓ વિક્ટરને શોધતા હતા એ જ મોટા પોલીસ અફસરો અને નેતાઓ વિકટરના જન્મ દિવસની પાર્ટી પર એના ભવ્ય બંગલા પર પાર્ટીમાં ઘણીવાર મિજબાની કરી આવ્યા હતા કેમકે એમના માટે એ વિકટર નહિ વીરપ્રીત હતો.

          અંજલિ પણ વર્ષો સુધી એને વીરપ્રીત સર તરીકે ઓળખતી આવી હતી પણ એક સાંજે એણીએ વીરપ્રીતની ખાનગી વાત સાંભળવાની ભૂલ કરી લીધી અને એ વીરપ્રીતને એના અસલી ચહેરા વિકટર તરીકે ઓળખી ગઈ જે કોઈ પણ રીતે જોતા અંજલી માટે ફાયદાકારક નહોતું. એને અંદાજ પણ ન હતો કે વિકટર એને એકને એક દિવસ શોધી લેશે. જોકે અંજલી એ બાબત જાણતી હતી કે જે દિવસે વિકટર એને શોધી લેશે એ એની જિંદગીનો આખરી દિવસ હશે પણ એ દિવસ એ સમયે આવશે જયારે એ પોતાના બાળક સાથે હશે એ કલ્પના પણ ક્યારેય એના મને કરી નહોતી.

          અંજલિ જાણતી હતી એના બે ગુના હતા એક તો એને વિક્ટરની વાત છુપાઈને સંભળાવી જોઈતી ન હતી અને સાંભળી લીધા બાદ પણ અર્ચનાને કોલ કરી ભાગી જવાની સલાહ આપવી જોઈતી ન હતી. કદાચ વિક્ટરને એ બાબતની જાણ થઇ ગઈ હશે એ વિચાર એના ભયમાં વધારો કરી રહ્યો હતો. પણ અર્ચનાને મેરી મી ડોટ કોમ ઉપર એકાઉન્ટ બનાવી આપીને અંજલિએ એના ઉપર અહેસાન કર્યો હતો. પછી તો ઘણી વાર અંજલિ જ શ્યામ સાથે ચેટ કરતી કેમ કે અર્ચનાને શ્યામ જેવો સાજો નોર્મલ છોકરો મળ્યા પછી ખોઈ બેસે એમ ચાહતી ન હતી. અંજલીને અર્ચના માટે જેવી લાગણી હતી એવી જ લાગણી શ્યામ માટે પણ બંધાઈ હતી. એ સોરીના સાચા સ્પેલિંગ વાળી ચેટ અંજલીએ જ અર્ચના બનીને શ્યામ સાથે કરી હતી. પણ શ્યામ અંજલીને જાણતો જ નહોતો.

          માઈકલ અને હેરીસ માટે વિક્ટરનો અવાજ તેમના ઈશ્વરનો અવાજ હતો. માઈકલે અંજલીના હાથમાંથી બાળક લીધું અને બલબીરના હાથમાં આપ્યું.

          અંજલિ એનું બાળક એનાથી ન છીનવાય એ માટે પ્રયાસ કરતી રહી પણ એ નકામું હતું. એ કમજોર હતી. એ લાચાર અને નીશાહાય હતી. એ એક સ્ત્રી હતી અને એની સામે રહેલ ત્રણ ખૂંખાર ભેડીયાઓ સામે તેનું કોઈ ગજું નહોતું. હેરિસે એને એક ચેર સાથે બંધી. એને એ કામમાં માઈકલની મદદ મળી માટે એ કામ એના માટે સહેલું બની ગયું. અંજલી કોઈ પ્રતિકાર ન કરી શકી કેમકે બલબીર એના બાળકને જમીનથી સાતેક ફૂટ અધ્ધર ઉચકીને ઉભો રહ્યો હતો. એના એક પ્રતિકાર સાથે એ બાળકને હાથમાંથી છુટ્ટું મૂકી દે તો?

          એની આંખોમાં એના બાળક નું શું થશે એ ડર હતો. એનામાં પ્રતિકાર કરવાની કોઈ શક્તિ રહી નહોતી.

          “અંજલિ... મિસ અંજલિ.... વાય ઓલ ધીસ ટ્રબલ....” વિક્ટર આગળ આવ્યો.

          અંજલિએ વિક્ટરને પહેંલા જોયેલો હતો વીરપ્રીત સર તરીકે - પણ એ બધું એક ફેક વોલ પાછળ છુપાઈને જોઈ રહેલા શ્યામે વિકટરનો ચહેરો પહેલા ક્યારેય જોયો નહોતો.

          છ ફૂટ જેટલી ઊંચાઈ. મજબુત શારીરિક બાંધો અને ચહેરા પર એની દુષ્ટતાને પ્રગટ કરતા જુના જખમ. વિક્ટર કોઈ રીતે માનવ લાગતો જ ન હતો. શ્યામને એ માણસના રૂપમાં છુપાયેલ હેવાન દેખાયો.

          શ્યામે માઈકલ અને હેરીસ તરફ એક નજર કરી. બલબીરના હાથમાં અંજલીના બાળકને જોયું. એ સમજી ગયો પોતે એ લોકોને હરાવી નહિ શકે. એ ખુલ્લો પડી બહાર જશે તો અંજલી જેમ એ લોકો એને પણ એ બાળકને મારવાની ડર બતાવી સરન્ડર કરવા પર મજબુર કરી દેશે. એકાએક શ્યામને એક ઝબકારો થયો. વિક્ટરે અંજલિ નામ કહ્યું. ઓહ ઈશ્વર આ એ જ અંજલિ છે જેણે અર્ચનાને બચાવવા એને ફોન કર્યો હતો અને વિક્ટરથી દુશ્મની વહોરી.

          શ્યામ જાણતો નહોતો કે અંજલિને કઈ રીતે ખબર પડી કે વિક્ટર અર્ચનાને મારવાનો છે કેમકે એને ખબર જ નહોતી કે અંજલિ મેરી મી ડોટ કોમમાં કામ કરતી હતી. પણ એને અત્યારે કોઈ પ્લાનની જરૂર હતી.

          એ જાણતો હતો એ સ્થિતિમાં કોઈ ચાલાકી જ એ બાળક અને અંજલીને બચાવી શકે એમ હતી. એના મનમાં એકાએક જબકારો થયો. એણે આસપાસ નજર કરી. એને જે જોઈતું હતું એ મળી ગયું. એની નજર ખૂણામાં પડ્યા સફેદ કાર્બા પર ગઈ.

          શ્યામ ઝડપથી પણ સાવધાનીપૂર્વક લપાઈને કાર્બા સુધી પહોચ્યો. એને ખાતરી હતી કે એ કાર્બામાં ડીઝલ હશે કેમકે કિડનેપ કરવાનું કામ કરતી એ ટોળી વેનમાં ઈમરજન્સી માટે ડીઝલનો કારબો બુચર હાઉસમાં રાખતી હશે પણ એનો અંદાજ ઠગારો નીવડ્યો. એ કાર્બામાં ડીઝલ ન હતું. હા એમાંથી ડીઝલની વાસ જરૂર અનુભવાઈ.

          ફરી એકવાર એને મગજ દોડાવવાની જરૂર પડી. આમ સામાન્ય રીતે તો એક ટ્યુટર માટે એ બધું વિચારી શકવું શક્ય નથી પણ ત્રણેક મહિના કેદખાનામાં અને બાકીના ત્રણેક મહિના આર્મી ક્વાર્ટરમાં વિતાવ્યા બાદ એ ચાર્મિ જેમ વિચારતો થઇ ગયો હતો.

          મારી જગ્યાએ ચાર્મિ હોત તો કઈ રીતે વિચારોત? આ પરીસ્થિતિમાં ચાર્મિ શું કરોત?

          એણે પોતાની જાતને જ સવાલ કર્યો. એને ચાર્મિ જાણે એની સામે ઉભી હોય એમ લાગ્યું. એને લાગ્યું કે ચાર્મિ એ ખાલી કાર્બાને ઘડીભર જોઈ રહોત. એ ગુસ્સો બતાવોત અને થોડાક સમયમાં રીલેક્ષ થઈ એ ફરી આસપાસની ચીજોનું અવલોકન કરોત. ચાર્મિની બાજ નજર દુર પાર્ક થયેલ વેન પર પડતા જ એ કારબો લઇ વેન પાસે જઈ વેનમાંથી કાર્બાને જેટલો ફિલ કરી શકાય એટલો ફિલ કરોત.

          ધેટ’સ ઈટ. શ્યામના હોઠ મલક્યા. થેન્ક્સ ચાર્મી.

          શ્યામને જવાબ મળી ગયો. એણે મનોમન માઈલો દુર રહેલ ચાર્મિનો આભાર માન્યો કેમેક ચાર્મિ ભલે ત્યાં નહોતી પણ એને જવાબ ચાર્મિને લીધે જ મળ્યો હતો. જોકે ચાર્મિ એનાથી માઈલો દૂર નહોતી. ચાર્મિ અને એના વચ્ચે ખાસ અંતર નહોતું.

          જયારે શ્યામને આર્મી હેડ ક્વાર્ટરમાંથી ઈન્ક્વાયરી પૂરી કરી રીલીઝ કરવામાં આવ્યો ત્યારે પણ આર્મી હેડને પૂરો વિશ્વાસ થયો ન હતો. એણે ચાર્મિને બે માણસોને સાથે લઇ એનો પીછો કરવા કહ્યું હતું. એને ખાતરી હતી કે જો શ્યામ ગુનેગાર હશે તો એ ગુજરાત નહિ જાય. એ પોતાના સાથીઓને મળવા જશે જ અને એ જ થયું. એને ફોલો કરી રહેલી ચાર્મિ અને બે જવાનોને લાગ્યું કે એ એના સાથીઓ સાથે જઈ રહ્યો છે કેમકે તેઓ એનાથી થોડુક અંતર જાળવી રહ્યા હતા એમને ખબર નહોતી કે શ્યામ અંજલીને બચાવવા માટે જતો હતો.

          શ્યામ કાર્બો હાથમાં લઇ વાન તરફ આગળ વધ્યો. એ વેન પાસે પહોચો, જમીન પર ચત્તા સુઈ એ વેનની નીચેના ભાગમાં ગયો. એને વેનની ડિઝલ પાઈપ શોધતા ખાસ્સો એવો સમય લાગ્યો અને ત્યાર બાદ કાર્બો ભરતા પણ એટલો જ સમય લાગ્યો.

          એ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે એના એ કામમાં કોઈ વિઘ્ન ન આવે. એણે અર્ચનાથી અલગ થયા બાદ ક્યારેય ભગવાનને કોઈ પ્રાથના કરી ન હતી. એણે ભગવાનને યાદ પણ કર્યાને લાંબો વખત થઇ ગયો હતો પણ એ સમયે એ ભગવાનને યાદ કરી રહ્યો હતો... પોતાના માટે નહિ અંજલી નામની એક યુવતી માટે જે એના માટે એકદમ અજાણ્યી હતી. એક એવા બાળક માટે જેનો ચહેરો પણ એણે જોયો નહોતો. જે બાળક સાથે એને માનવતા સિવાય બીજો કોઈ દુરનોય સંબંધ ન હતો.

          એ કાર્બો ભરી બહાર નીકળ્યો. એણે પોતાના ખિસ્સામાં હાથ નાખી પોતાનું લાઈટર ચેક કર્યું. એ હજુ એના પોકેટમાં જ હતું. શ્યામ ફરી મલક્યો કેમ કે એણે જે સિગારેટ પીવાની આદત પાડી હતી એ આજે ખરા સમયે કામ આવવાની હતી!

          એનો હાથ એના ગજવામાંના સિગરેટના પોકેટને અડ્યો. એના હાથ સાથે એના હોઠોએ સિગરેટની ગરમી મહેસુસ કરી પણ એને એના મનની એ લાલચને રોકી કેમકે એના મન પર એક અલગ જ નશો સવાર હતો – મોતનો નશો.

          એ જાણતો હતો એ સિગારેટની ગરમી નહિ પણ બચર હાઉસની ગરમી મહેસુસ કરવાનો દિવસ હતો. એ ફરી પાછો એ જ સ્થળે આવ્યો જ્યાં અંજલિ બાંધેલી હતી પણ એ હવે ત્યાં નહોતી. ત્યાં કોઈ નહોતું.

          શ્યામને ઉપરના સ્ટેરકેસ પર અવાજ સંભળાયો. એ સમજી ગયો કે એ લોકો અંજલીને વધુ ટોર્ચર કરવા માટે ઉપરના સ્લાઈસિંગ કે ડાઈસિંગ મશીન સામે લઇ ગયા હશે. એ જાણતો હતો કે એ હેવાનો એ બાળકને ચીકનની જેમ સ્લાઈસિંગ મશીન આગળ રાખી અંજલી પાસેથી એમને જે માહિતી જોઈતી હશે એ માહિતી આપવા એને મજબુર કરી રહ્યા હશે.

          એણે જ્યાં પહેલા અંજલિને બાંધેલ હતી એ ફ્લોર પર અને લાકડાની ખુરશી પર ડીઝલ છાંટ્યું અને બીજા ખૂણામાંની સ્ટેરકેસ તરફ જતા પોતાના ખિસ્સામાંથી સિગરેટનું પોકેટ નીકાળી એક પોતાના બંને હોઠો વચ્ચે ભરાવી.

          એ સ્ટેરકેસ સુધી પહોચ્યો. એણે સિગારેટનું પોકેટ ખિસ્સામાં પાછુ સરકાવ્યું અને લાઈટર બહાર નીકાળ્યું. ચાંદી જેવું ચમકતું એ લાઈટર સળગ્યું. એ એને સિગારેટના ફિલ્ટર સિવાયના બીજા  છેડા નજીક લઇ ગયો. એણે સિગારેટ સળગાવી અને લાઈટર પાછું ખિસ્સામાં સરકાવ્યું. એ સ્ટેરકેસ પર ઉભો રહો. સિગરેટના બે ચાર કશ લઇ સિગારેટ ફ્લોર તરફ ફેકી. એ સ્ટેરકેસ ચડવા લાગ્યો એ સાથે સિગારેટ નીચેની તરફ જવા લાગી હતી. જયારે એ સ્ટેરકેસના છેલ્લા પગથીયા પર પહોચ્યો એ જ સમયે સિગારેટ જમીન સાથેના ડીઝલ પર અથડાઈ અને ભડકો થયો. એક પળમાં ડીઝલે આગ પકડી લીધી. આગની જવાળા એ ખુરશીને લપેટી લીધી અને એ પછી આસપાસ ફેલાવા લાગી.

          એ ત્યાં જ ઉભો રહ્યો. એને ખાતરી હતી કે બીજી તરફની સ્ટેરકેસ પરથી અવાજ આવતો હતો મતલબ વિક્ટર અને એના માણસો એ સ્ટેરકેસની નજીક જ હતા.

          અંજલિને ટોર્ચર કરતા માઇકલ અને હેરિસના ધ્યાનમાં આવે એ પહેલાં વિકટરે બલબીર તરફ જોઈ ચીસ પાડતા કહ્યું, "ફાયર.. ફાયર એટ ડાઉન સાઈડ.”

          એ અવાજથી ચોકેલા માઈકલ અને હેરિસે પણ સ્ટરકેસ તરફથી આવતા ધુમાડાને નોંધ્યો.

          “ચેક ઈટ.”

          વિકટરના અવાજને ઈશ્વરનો અવાજ સમજતો બલબીર એના હાથમાંથી બાળકને બુચર ટેબલ પરની કાર્ટમાં મૂકી સ્ટેરકેસ તરફ જવા લાગ્યો.

          અંજલિએ એ બધું જોયું નહોતું કેમ કે એ ટોર્ચરથી જ બેહોશ થઇ ગઈ હતી.

          શ્યામ સ્ટેરકેસ તરફ ગન એન કરીને તાકી રહ્યો. એણે બલબીરના પગ લાકડાના પગથીયા ઉતરતા દેખાયા. શ્યામે ગોળી ચલાવી. ગોળીએ બલબીરના ઘૂંટણના ફુરચા ઉડાવી દીધા. બલબીર સંતુલન ગુમાવી સીડીઓ પરથી ગબડતો નીચે જઈ પડ્યો જ્યાં આગ ભૂખી ડાકણની જેમ તેની રાહ જોતી હતી. બલબીર બેઠો થાય એ પહેલા આગે તેની આસપાસ ભરડો લઈ લીધો. વાતાવરણ ઘડીભર માટે અશાંત બની ગયું. બલબીરની ચીસોએ વાતાવરણની શાંતિ ડહોળી નાખી. ભયાનક દ્રશ્ય સર્જાયું હતું. બલબીરની ચીસો એ વાતાવરણને ઓર ભયાનક બનાવતી હતી.

          થોડાક સમયમાં ફરી વાતાવરણ શાંત બની ગયું. બલબીરની ચીસો સમી ગઈ કેમકે આગ પોતાનું કામ સારી રીતે જાણતી હતી. આગ એને ભરખી ચુકી હતી. શાંત બનેલ વાતાવરણની શાંતિ ફરીથી ડહોલાઈ ગઈ. વાતાવરણ ગન શોટના અવાજથી ધણધણી ઉઠ્યું. ગોળીઓ બંને તરફથી છૂટી હતી પણ આ વખતે શ્યામના અંદાજ કરતા જરાક અલગ થયું.

          શ્યામ જે સ્ટેરકેસ પર ઉભો હતો એ તરફથી ક્રિસ્ટી આવી ગઈ. એ ક્રિસ્ટીને જુએ કે સાવધાન થાય એ પહેલા શ્યામના ડાબા હાથના ખભાને ઘસરકો કરીને બુલેટ નીકળી ગઈ. એના હાથમાં પારાવાર વેદના થઇ. એણે જીવનમાં પહેલી ગોળી જીલી હતી. એ ન કોઈ અનુભવી પોલીસ અધિકારી હતો કે ન કોઈ ભાગેડુ મુઝરીમ. કદાચ એટલે જ એને અંદાજ નહોતો કે ગોળીથી કેટલું ડરવું જોઈએ.

          શ્યામ બાર તેર વર્ષનો હતો ત્યારે એકવાર ભૂલમાં એણે વીંછી પર પગ મૂકી દીધો હતો. એના ખભાની વેદનાએ એને એ દિવસ યાદ કરાવી નાખ્યો. શ્યામે ક્રિસ્ટીને ગુજરાતીમાં ગાળ દીધી. જોકે એ ભાષા ક્રિસ્ટી સમજી શકી નહી માટે એ શબ્દોની એના પર અસર ન થઇ પણ શ્યામે ચલાવેલ અંધાધુંધ ગોળીઓ ક્રીસ્ટીની છાતીને વીંધીને નીકળી ગઈ. ગોળીઓની કોઈ ભાષા નથી હોતી. ટ્રીગર દબાવનાર વ્યક્તિ ગુજરાતી હોય કે મરાઠી, એ ગોળીઓ હતી ગાળ નહિ. ક્રિસ્ટી જમીન પર ફસડાઈ પડી.

          “માઈકલ..” વિક્ટર બરાડ્યો, “એજન્ટ મલિક આ ગયા હે. કમીના સાયમનકી ગોલીસે ભી બચ ગયા હે. મેરા અંદાજા સહી થા વો હમારે પીછે થા.”

          “બોસ, આપ નીકલ જાઓ. હમ સંભાલ લેગે ઉસ કુત્તે કો..”

          વિક્ટર જીવનમાં પહેલીવાર પીછે હટ કરી રહ્યો હતો. એ જાણતો હતો કે સાયમન દુનિયાનો નંબર વન કિલર હતો અને એ મરીને પણ જો એજન્ટ મલિકને નથી મારી શક્યો તો હવે મલિકને મારવો અશક્ય હતું. પ્રથમ વખતની જેમ વિક્ટર અને તેના માણસોએ શ્યામને એજન્ટ મલિક સમજી લીધો હતો.

          “ક્યા સોચ રહે હો બોસ... આપ નીકલ જાઈએ. બલબીર ઔર ક્રિસ્ટી નહિ રહે હે.. આપકા જિન્દા રહેના જરૂરી હે..”

          એ વિકટરને પોતાનો ઈશ્વર માનતો હતો.

          વિકટરે હેરિસને એક અનાથ આશ્રમ આગળથી લઇ ઉછેર્યો હતો. હેરીસ માટે વિક્ટરનો અવાજ જાણે એના ભગવાનનો અવાજ હતો પણ આજે જાણે વિક્ટર માટે હેરિસનો અવાજ ઈશ્વરનો અવાજ હોય એમ એ હેરિસની વાત માની ગયો.

                                                                                                      *

          ચાર્મિ પણ બિલ્ડીંગમાં દાખલ થઈ ચુકી હતી. જોકે એ કોઈ શ્યામ જેમ બીન અનુભવી ન હતી.  એ પાછળના દરવાજેથી દાખલ થઈ હતી. શ્યામ અને વિક્ટરના માણસો વચ્ચેની મુઠભેડના અવાજ પરથી એ સમજી ગઈ હતી કે એના બોસનો શક નહીં પણ એનો વિશ્વાસ સાચો હતો. શ્યામ વિક્ટરનો માણસ ન હતો. શ્યામે નીચે નજર કરી આગ જાણે વર્ષોથી ભૂખી હોય એમ બલબીરના શરીરને ભરખીને સમી ગઈ હતી. જોકે નકામા પડદાઓ હજુ ધીમી આગે સળગી રહ્યા હતા. માઈકલ અને હેરિસ ગન એન કરી એની રાહ જોઈ રહ્યા હતા પણ શ્યામ દબાતે પગલે સીડીઓ ઉતરી બીજી તરફની સ્ટેરકેસ સુધી પહોંચી ગયો.

                                                                                                      *

          એકાએક બિલ્ડિંગમાં બીજી તરફથી ગન ફાયર સંભળાવા લાગ્યા. એ ચાર્મિ અને તેની સાથેના બે જવાનો હતા. તેઓ બુચર હાઉસની બીજી તરફ કેદ કરેલ યુવતીઓની ચોકીદારી માટે ત્યાં રહેલ વિક્ટરના માણસો પર તૂટી પડ્યા. બચર હાઉસના ફ્રીઝર રૂમમાં કેટલીક યુવતીઓને કેદ રાખેલી હતી અને એના દરવાજા બહાર ત્રણ માણસો પહેરો ભરી રહ્યા હતા. ચાર્મિ અને એના સાથીઓના હુમલાથી તેઓ ચોકી ગયા હોત પણ એ પહેલાં એમણે શ્યામ અને અન્ય લોકો વચ્ચે છુટેલી ગોળીઓનો અવાજ સાંભળી લીધો હતો.

          ચાર્મિની ટીમ આવી ત્યારે તેઓ સાવધ હતા. એમને વિક્ટર તરફથી કાયમી સૂચના મળેલ હતી કે ગમે તે થાય એમણે એ ફ્રીઝર રૂમમાં કેદ યુવતીઓ પર જ ધ્યાન રાખવાનું હતું. એ લોકો તૈયાર હતા માટે ચાર્મિંને ખુવારી વેઠવી પડી. એની સાથે આવેલ બંને જવાનો એ સાવધ થયેલા ત્રણ ઢેર થાય ત્યાં સુધીમાં શહીદ થઈ ગયા હતા.

          મુઠભેડ પૂરી થઈ ગઈ. વિક્ટરના ત્રણ માણસો શાંત થઈ ગયા હતા છતાં ચાર્મિ કોઈ ચાન્સ લેવા માંગતી ન હતી માટે દીવાલની આડશે સંતાઈને પોતાના ફોન પરથી ચીફને એ સ્થળે શુ થયું એની જાણકારી આપી દીધી. એ કોલ ખાસ તો મદદ બોલાવવા માટે હતો.

          ચાર્મિ જાણતી હતી નજીકની મદદ અંબાલા આર્મી યુનિટથી મળી શકે છે અને બાય એર મદદ મળે તો પણ હેલીકોપ્ટરના સ્ટાર્ટીગ ટાઈમ અને રીચીંગમાં વીસેક મિનીટ લાગી શકે તેમ હતી.

          એ ફોન ખિસ્સામાં સરકાવી ફ્રીઝર રૂમ તરફ આગળ વધી. અંબાલાથી મદદ આવે એટલો સમય બગાડવો પોસાય તેમ ન હતું. એણીએ લેવરની મદદથી ફ્રીઝર રૂમનું બહારનું લોક તોડ્યું અને ફ્રીઝર રૂમમાં દાખલ થઈ.

                                                                                                      *

          માઈકલ અને હેરિસની સલાહ માની ત્યાંથી નીકળી ગયેલો વિક્ટર પાછળના દરવાજાથી નીકળી જવાનું આયોજન કરી પાછળના ભાગ તરફ ગયો પણ એ જ સમયે એણે ચાર્મિ અને તેની ટીમને અંદર દાખલ થતી જોઈ માટે છુપાઈ ગયો. વિકટરે પોતાના ત્રણ માણસોને મરતા જોયા.

          વિકટરે એ આખી લડાઈ જોઈ હતી. એણે જોયું કે ચાર્મિના બે માણસો મૃત્યુ પામ્યા હતા. ચાર્મિ એકલી હતી પણ એણે હુમલો ન કર્યો કેમકે એ ત્યાંથી એસ્કેપ ચાહતો હતો. એ જાણતો હતો કે અંબાલાથી મદદ આવતા વાર નહિ લાગે. ચાર્મિ ફ્રીઝર રૂમમાં દાખલ થઇ એ સમયે વિકટરને પોતાનો એસ્કેપ મળી ગયો. જે રસ્તે ચાર્મિ દાખલ એ જ રસ્તે વિક્ટર બહાર નીકળી ગયો.

                                                                                                       *

          દરમિયાન બીજી તરફ શ્યામ બીજી તરફની સીડીઓ ચડ્યો. માઈકલ અને હેરીસ તેની રાહ જોઈ રહ્યા હતા પણ ચાર્મિ અને તેના જવાનોએ ફ્રીઝર રૂમ પર કરેલા ગોળીબારના અવાજે માઈકલ અને હેરિસને સ્પુક કરી નાખ્યા. તેમનું ધ્યાન ભંગ થઇ ગયું. એ મોકાનો લાભ લઇ શ્યામે એમને વીંધી નાખ્યા. શ્યામ સીડીઓથી ઉપર ખુલ્લામાં આવ્યો. એ અંજલિ પાસે ગયો. અંજલિની આંખો બંધ થવા પર હતી. એને અપાયેલ થર્ડ ડીગ્રી તેની સહન શીલતાની હદ બહાર હતી. શ્યામે તેની પાસે જઈ જમીન પર બેસી ગયો.

          “શ્યામ, મેરે બચ્ચે કો...” અંજલિ મહામહેનતે પોતાનો હાથ ઉંચો કરી બલબીરે જે કાર્ટમાં એના બાળકને મુક્યું હતું એ તરફ ઈશારો કરી શકી.

          શ્યામે એ તરફ એક નજર કરી ફરી અંજલિ તરફ જોયું. અંજલિ પોતાનું વાક્ય અધૂરું છોડીને ચાલી ગઈ હતી. શ્યામને એના ચહેરા પર દુઃખ સાથે એક ખુશી દેખાઈ. કદાચ એ ખુશી એનું બાળક બચી જશે એની હતી.

          શ્યામની આંખોના ખૂણા ભીના થઇ ગયા પણ ત્યારે માતમ મનાવવા રહેવાય એમ ન હતું. એ ઉભો થઇ ટેબલ પરની કાર્ટ પાસે ગયો. સફેદ રૂમાલમાં વીંટાળેલ અંજલીના બાળકને જોયું.

          શ્યામ સ્તબ્ધ થઈ ગયો. એ બાળક એ જ હતું જે એને સપનામાં દેખાતું હતું. એ જ આંખો, એ જ નાક, એ જ ઉપસેલા ગાલવાળો ભરાવદાર ચહેરો.

          શ્યામે બાળકને તેડી લીધું. એ બાળકને લઈને ચાલવા લાગ્યો. નીચે ઉતરી શ્યામને આગળના દરવાજેથી બહાર નીકળવું યોગ્ય ન લાગ્યું. એણે બાળકને લઈને પાછળના દરવાજેથી બહાર જવાનું નક્કી કર્યું.  એણેપાછળના રસ્તે જવા લાગ્યો. એ ફ્રીઝર રૂમમાંથી ચાર્મિએ આઝાદ કરેલી યુવતીઓના શોર બકોર વચ્ચેથી પસાર થતો આગળ ચાલ્યો. ચાર્મિ ત્યાં પહોચી ગઈ હતી એ બાબતનો તેને અંદાજ ન હતો.

          ચાર્મિ ફ્રીઝર રૂમમાંથી બહાર નીકાળેલ યુવતીઓને સાંત્વના આપવામાં વ્યસ્ત હતી. એની સાથળમાં ગોળી પણ વાગી ચુકી હતી જ્યાં બાંધેલ એનો હાથરૂમાલ વહી જતા લોહીને રોકવામાં દર પળે વધુને વધુ નિષ્ફળ બન્યે જતો હતો છતાં એનું પૂરું ધ્યાન એ યુવતીઓને શાંત કરવામાં હતું એટલે શ્યામને ત્યાંથી પસાર થતો એ જોઈ શકી ન હતી કે કદાચ એ શ્યામની હાજરી જાણી ચુકી હતી પણ એ યુવતીઓને શાંત પાડી શ્યામ પાછળ જઈશ એમ વિચારી રહી હતી. યુવતીઓને શાંત કરવી જરૂરી હતી કેમકે પડદાઓ એ સાચવીને રાખેલ આગ ફરી ફેલાવા લાગી હતી.  

ક્રમશ: