Prem thi karna vishe Jano books and stories free download online pdf in Gujarati

પ્રેમ થી કર્મ વિશે જાણો....

નમસ્કાર મિત્રો ...
આજે હું તમને એક એવા કર્મ ના સત્ય તરફ લય જવા માગું છું મે તમને કહેલું કે પ્રેમ ની શોધ માં મને ગણું બધું શીખવા મળ્યું છે એમાં એક કર્મ વિશે જાણીએ..

_ સોલંકી મનોજભાઈ
{8401523670}
{પ્રેમ ની શોધ માં}

કર્મ એટલે શું...અને એના પ્રકાર

ભગવાન શ્રીકૃષ્ણે સ્વમુખે ગીતામાં કહ્યું છે કે કર્મની ગતિ ગહન છે. શ્રીકૃષ્ણના મિત્ર સુદામાજી કર્મની ગહનતા ગાતાં કહે છે કે : ગહન દીસે છે કર્મની ગતિ, એક ગુરુના વિદ્યાર્થી, તે થઈ બેઠો પૃથ્વીપતિ, મારા ઘરમાં ખાવા રજ નથી; રમાડતો ગોકુળ માકડાં, ગુરુને ઘેર લાવતો લાકડાં, તે આજ બેઠો સિંહાસન ચઢી, મારે તુંબડી ને લાકડી.

કર્મની ગતિ અટપટી છે, કારણ કે જીવન અટપટું છે. એક માણસ દુ:ખી કેમ અને બીજો સુખી કેમ ? વધારે આશ્ચર્ય તો એ દેખાય છે કે હરામખોરો, લુચ્ચાઓ, કાળાબજારિયાઓ, લાંચ લેનારાઓ સુખી દેખાય છે ! તેમની પાસે બંગલા, મોટરો, રેડિયો, લાખો રૂપિયા છે, જ્યારે ન્યાય, નીતિ, ધર્મથી પવિત્ર જીવન જીવનાર લોકો દુઃખી દેખાય છે તેનું કારણ શું ? આવું જ્યારે જગતમાં પ્રત્યક્ષ દેખાય છે ત્યારે ઈશ્વરમાંથી આપણી શ્રદ્ધા ડગી જાય છે. આ સૃષ્ટિના સંચાલનમાં કોઈ કાયદો-કાનૂન હશે કે નહિ ? કે બધું અંધેર ચાલે છે ? - આવો પ્રશ્ન પણ થાય છે. આવું જોઈને આપણને કેટલીક વખત એમ લાગે કે ભગવાન ના ઘર અંધેર છે !

પરંતુ ખરી હકીકત એ છે કે ભગવાન ના ઘર દેર પણ નથી અને અંધેર ભી પણ નથી . આ વાતને યથાર્થ રીતે સમજવા માટે કર્મના કાયદાનો અભ્યાસ કરવાની જરૂર છે.

. કર્મનો અટલ સિદ્ધાંત અને કાયદો કેવો છે જાણો....

દુનિયામાં દરેક ડિપાર્ટમેન્ટને ચલાવવાના અને નિયંત્રણમાં રાખવાના કાયદા ઘડાયેલા હોય છે. પોલીસખાતા માટે પોલીસ મૅન્યુઅલ હોય છે. પી. ડબ્લ્યુ. ડી. ખાતા માટે તેનું મૅન્યુઅલ હોય છે. ન્યાય માટે ઇન્ડિયન પીનલ કોડ હોય છે. રેવન્યુ ખાતા માટે લૅન્ડ રેવન્યુ. કોડ અને રુલ્સ હોય છે. રેલવેખાતાના પણ કડક કાયદા ઘડેલા હોય છે. તેવી જ રીતે આખી સૃષ્ટિના અને અનેક બ્રહ્માંડના સંચાલન માટે પણ નીતિનિયમો છે જ. જેમ કે સૂર્ય નિયમિત ઊગે અને આથમે, પૃથ્વી, તારા, નક્ષત્રો નિયમિત ગતિ કરે, વરસાદ ચોમાસામાં નિયમિત વરસે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય વ્યવસ્થિત રીતે થાય, વગેરે વિશ્વના સંચાલન માટે પણ અને તે સુવ્યવસ્થિત ચાલે તેને માટે પણ કાયદો છે અને તે કર્મ'નો કાયદો છે.

ગોસ્વામી તુલસીદાસજી રામાયણમાં લખે છે કે : કર્મપ્રધાન વિશ્વ કરિ રાખા |

જો જસ કરઈ સો તસ ફલ ચાખા || આ આખું વિશ્વ કર્મના કાયદાના આધારે બરાબર વ્યવસ્થિત રીતે ચાલે છે અને તેમાં જરા પણ ગરબડ નથી.

આ કર્મના કાયદાની એક ખાસ ખૂબી છે. દુનિયાના તમામ કાયદાઓમાં કોઈ ને કોઈ અપવાદ (exception to the rule pro viso) વગેરે હોય છે, પરંતુ કર્મના કાયદામાં કોઈ પણ ઠેકાણે જરા પણ અપવાદ કે બાંધછોડ નથી. ખુદ ભગવાન રામના પિતા થતા હોય તોપણ રાજા દશરથ ને કર્મના નિયમ પ્રમાણે પુત્રના વિરહથી મૃત્યુને ભેટવું પડ્યું. તેમાં ખુદ ભગવાન રામ પણ એમ ના કરી શકે કે રાજા દશરથ મારા પિતા થતા હોવાથી કાયદામાં થોડી બાંધછોડ કરીને અપવાદ રૂપે હું તેમને ૧૪ વરસનું extension આપીશ, નિર્ગુણ નિરાકાર શુદ્ધ બ્રહ્મ પણ જ્યારે સગુણ સાકાર બનીને દેહ ધારણ કરીને પૃથ્વી ઉપર પધારે છે, ત્યારે તેને પણ આ કર્મના કાયદાનું ચુસ્ત રીતે પાલન કરવું પડે છે. કર્મના કાયદામાં ક્યાંય દે૨ પણ નથી અને અંધેર પણ નથી, જરા પણ બાંધછોડ કે લાગવગશાહી નથી, કોઈ અપવાદ નથી, એ કાયદાની ખાસ ખૂબી છે. હવે આ 'કર્મ'ના કાયદાને ઉઘાડીને વાંચીએ.
કર્મ એટલે શું? સાદી સરળ ભાષામાં કર્મની વ્યાખ્યા કરીએ તો કર્મ એટલે ક્રિયા. આપણે જે કોઈ કામ (ક્રિયા) કરીએ છીએ તે કર્મ કહેવાય, ખાવું-પીવું, નાહવું-ધોવું, ચાલવું, ઊભા રહેવું, નોકરી કરવી, ધંધો કરવો, વિચારવું - ના વિચારવું, વેપાર કરવો, ઊંઘવું-જાગવું, જોવું-સાંભળવું, સૂંઘવું - ના સૂંઘવું, સ્પર્શ-અસ્પર્શ, બોલવું - શ્વાસોચ્છ્વાસ લેવા-મૂકવા, જન્મવું, જીવવું મરવું ઇત્યાદિ તમામ શારીરિક અને માનસિક ક્રિયાને કર્મ કહેવાય છે.
આ કર્મના મુખ્યત્વે ત્રણ ભાગ છે :

(૧) ક્રિયમાણ કર્મ, (૨) સંચિત કર્મ, (૩) પ્રારબ્ધ-કર્મ.

1. ક્રિયમાણ કર્મ :
માણસ સવારે જાગે અને ઊઠે ત્યારથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધી જે-જે કર્મ કરે તે ક્રિયમાણ કર્મ કહેવાય. સવારથી સાંજ સુધી, સોમવા૨થી રવિવાર સુધી, પહેલી તારીખથી છેલ્લી તારીખ સુધી, કારતક સુદી એકમથી આસો વદી અમાસ સુધી, જન્મે ત્યારથી મરે ત્યાં સુધી માણસ જે-જે કર્મ કરે તે તમામ ક્રિયમાણ કર્મ કહેવાય, આવાં જે-જે ક્રિયમાણ કર્મ કરે તે અવશ્ય ફળ આપે પછી જ તે શાંત થાય - ફળ આપ્યા સિવાય શાંત થાય નહિ. ક્રિયમાણ કર્મને ફળ આવ્યે જ છૂટકો - ફળ ભોગવ્યે જ છૂટકો. દાખલા તરીકે, તમને તરસ લાગી, તમે પાણી પીધું. પાણી પીવાનું કર્મ કર્યું, તરસ મટી ગઈ. કર્મ ફળ આપીને શાંત થઈ ગયું. તમે ખાધું, ખાવાનું કર્મ કર્યું, ભૂખ મટી ગઈ, કર્મ ફળ આપીને શાંત થઈ ગયું. તમે નાહ્યા, નાહવાનું કર્મ કર્યું, શરીર શુદ્ધ થઈ ગયું, કર્મનું ફળ મળી ગયું. કર્મ ફળ આપીને શાંત થઈ ગયું. તમે કોઈને ગાળ દીધી, તેણે તમને લાફો માર્યો, કર્મનું ફળ મળી ગયું. કર્મ ફળ આપીને શાંત થઈ ગયું. આવી રીતે તમામ ક્રિયમાણ કર્મને ફળ બાઝે જ અને ફળ ભોગવાવીને જ શાંત થાય.અને આ એક દમ સાચું છે.....

2 સંચિત કર્મ :

વિશે થોડું ધ્યાન થી વાચો અને સમજજો કેટલાંક ક્રિયમાણ કર્મ એવાં હોય છે કે તે કર્મ કરતાંની સાથે તાત્કાલિક ફળ આપતાં નથી. તેમનાં ફળ મળતાં વાર લાગે છે. અને કર્મના ફળને પાકતાં વાર લાગે, ત્યાં સુધી તે કાચાં રહે છે અને કર્મ ફળ આપે નહિ ત્યાં સુધી સિલકમાં જમા રહે, સંચિત થાય છે તેને સંચિત કર્મ કહેવાય. દાખલા તરીકે, તમે આજે પરીક્ષાનું પેપર લખ્યું. મહિના પછી તેનું પરિણામ બહાર પડે, તમે સવારે રેચ લીધો, ચાર કલાક પછી બપોરે તમને રેચ લાગે, તમે આજે કોઈને ગાળ દીધી, દસ દિવસ પછી લાગ જોઈને તે તમને લાફો મારી જાય. તમે તમારી જુવાનીમાં તમારાં મા-બાપને દુઃખી કર્યાં, તમને તમારો દીકરો તમારી વૃદ્ધાવસ્થામાં દુઃખી કરે. તમે આ જન્મમાં સંગીતવિદ્યાની ઉપાસના માટે મહેનત કરી, આવતા જન્મમાં નાનપણથી જ તમે સારું સંગીત ગાઈ શકો. એમ કેટલાંક ક્રિયમાણ કર્મો તાત્કાલિક ફળ નથી આપતાં, પરંતુ કાળે કરીને પાકે ત્યારે ફળ આપે, ત્યાં સુધી તે સંચિત કર્મમાં જમા પડ્યાં રહે.અને આમ સંચિત કર્મ ભેગુ થાય છે... ઉ.દા જોઈએ તો.....
બાજરી નેવું દિવસે પાકે, ઘઉં ૧૨૦ દિવસે પાકે, આંબો પાંચ વર્ષે ફળ આપે, રાયણ દસ વર્ષે ફળ આપે, જે જાતનાં ક્રિયમાણ કર્મનાં બીજ તે પ્રકારે તેમને ફળતાં ઓછીવત્તી વાર લાગે. આવાં અનેક સંચિત કર્મો જીવની પાછળ પડ્યાં છે. દાખલા તરીકે, આજે આખા દિવસમાં ધારો કે તમે ૧૦૦૦ ક્રિયમાણ કર્મ કર્યાં, તેમાંથી ૯૦૦ ક્રિયમાણ કર્મો એવાં હોય કે જે તાત્કાલિક ફળ આપીને તરત જ શાંત થઈ જાય છે, પરંતુ ૧૦૦ કર્મો એવાં હોય છે કે જેમને ફળતાં વાર લાગે, તે સંચિત કર્મમાં જમા થાય. એવી રીતે આજે ૧૦૦ કર્મો સંચિત થયાં, આવતી કાલે બીજાં ૧૨૫ કર્મ સંચિતમાં જમા થાય, ૫૨મ દિવસે તેમાંથી ૭૫ કર્મ ફળે, વપરાય અને શાંત થાય. ચોથે દિવસે વળી બીજાં ૮૦ કર્મ સંચિતમાં જમા થાય. એ પ્રમાણે ભરઢોળ કરતાં-કરતાં અઠવાડિયાના અંતે ધારો કે ૩૦૦ સંચિત કર્મ થાય અને મહિનાની આખરે ૧૧૦૦ કર્મ સંચિત થાય અને વર્ષની આખરે ૧૪૦૦૦ કર્મ સંચિતમાં જમા થાય અને જીવનના અંતે ધારો કે આઠ લાખ કર્મ સંચિત થાય. બીજા જન્મમાં પાછાં બીજાં સાત લાખ કર્મ સંચિત થાય...જેનો અંત જ ન થાય અને આમ
તે અનાદિકાળ થી અનેક જન્મનાં અસંખ્ય સંચિત કર્મના ઢગલા અસંખ્ય કરોડો હિમાલય પર્વત ભરાય તેટલાં સંચિત કર્મના ઢગલા જીવની પાછળ જમા થયેલા પડેલા છે. આ તમામ સંચિત કર્મો આ જન્મે અગર તો હવે પછીના અનંતકાળ સુધીના અનેક જન્મોમાં ગમે ત્યારે પાકે અને તમે તે કર્મોને ભોગવો, ત્યાર પછી જ તે શાંત થાય, ન ભોગવો ત્યાં સુધી શાંત થાય નહિ, જીવ જો સાવધાનીથી ગંભીરતાપૂર્વક આની કલ્પના કરે તો ધ્રુજી ઊઠે, પરંતુ અવિદ્યાથી ઘેરાયેલો જીવ આની કદાપિ કલ્પના કરતો જ નથી.

રાજા દશરથે શ્રવણનો વધ કર્યો ત્યારે તેના વિરહથી મરતાં-મરતાં તેનાં માબાપે રાજા દશરથને શાપ દીધો કે તારું મૃત્યુ પણ તારા પુત્રના વિરહથી થશે ! કારણ કે તે વખતે રાજાને તો એક પણ પુત્ર નહોતો, એટલે આ ક્રિયમાણ કર્મ ફળ આપીને શાંત થઈ શક્યું નહિ, પરંતુ તે સંચિત કર્મમાં જમા થયું. કાળે કરીને રાજાને એકને બદલે ચાર પુત્રો થયા, તે મોટા થયા, પરણાવ્યા અને જ્યારે રામના રાજ્યાભિષેકનો દિવસ આવ્યો તે વખતે પેલું સંચિત કર્મ ફળ આપવા તત્પર થયું અને આવા શુભ દિવસે પણ દશરથ રાજાને મૃત્યુનું ફળ પ્રાપ્ત કરાવીને જ શાંત થયું. તેમાં ઘડીભરનો પણ વિલંબ ચલાવી લેવાયો નહિ.

ખુદ ભગવાન રામ પણ તેમના પોતાના પિતાને ઓછામાં ઓછાં ૧૪ વરસ પૂરતું પણ જીવતદાન આપી શક્યા નહિ (extension આપ્યું નહિ). તેમની પણ લાગવગ કે શેહશરમ કાળની આગળ નભી શકી નહિ. જે શુદ્ધ ચૈતન્ય પરાત્પર બ્રહ્મ પોતે સગુણ સાકાર સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર પધાર્યા તે રામ, પોતાના ચરણની ૨જના સંસ્પર્શમાત્રથી શલ્યાને અહલ્યા બનાવી શકે, જેમની ચરણરજના સ્પર્શમાત્રથી પથ્થરને જીવતદાન મળી શકે, તે પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રીરામ જો પોતાના પિતાનું આયુષ્ય માત્ર ચૌદ વરસ માટે જ લંબાવી આપે - extension આપે - તો તેમાં કોણ વાંધો લેવાનું હતું ? અને શું વાંધો પડી જવાનો હતો ? પણ ના, કર્મના કાયદાનું ચુસ્ત પાલન કરવામાં કોઈ લાગવગશાહી ચાલે જ નહિ, એટલે ખુદા કે ઘર અંધેર નહિ હૈ, એટલું જ નહીં, પણ દેર ભી નહિ હૈ - તેવો કર્મનો જડબેસલાક કાયદો છે.

રાજા ધૃતરાષ્ટ્રના ૧૦૦ પુત્રો એકસામા મરી ગયા ત્યારે રાજાએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું : મારા જીવનમાં મેં કોઈ એવું પાપ નથી કર્યું કે જેના ફળસ્વરૂપે મારા એકસામટા ૧૦૦ પુત્રો મરી જાય.' ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેના પાછલા જન્મો જોઈ જવા માટે દૃષ્ટિ આપી ત્યારે તેણે જોયું કે આશરે ૫૦ જન્મ પહેલાં તે એક પારધી હતો અને વૃક્ષ ૫૨ બેઠેલાં પક્ષીઓને પકડવા તેણે સળગતી જાળ એક વૃક્ષ ઉ૫૨ નાખી. તેમાંથી બચવા કેટલાંક પક્ષીઓ ઊડી ગયાં, પરંતુ તે સળગતી જાળની ગરમીથી તેઓ આંધળાં થઈ ગયાં અને બાકીનાં ૧૦૦ નાનાં પક્ષીઓ બળીને ખાખ થઈ ગયાં. આ ક્રિયમાણ કર્મ ૫૦ જન્મ સુધી સંચિત કર્મમાં પાક્યા વગર પડી રહ્યું અને જ્યારે રાજાનાં બીજાં સઘળાં પુણ્યના પરિણામે તેને આ જન્મમાં ૧૦૦ પુત્ર પ્રાપ્ત થયા ત્યારે તે સંચિત કર્મ ફળ આપવા તત્પર થયું, તેથી તેને આ જીવનમાં અંધાપો આવ્યો અને તેના ૧૦૦ પુત્રો પણ મર્યા. ૫૦ જન્મ પછી પણ તેના ક્રિયમાણ કર્મે તેનો છાલ છોડ્યો નહિ. ૧૦૦ પુત્રો પ્રાપ્ત થાય તેટલું પુણ્ય પેદા થાય ત્યાં સુધી તે કર્મ રાહ જોઈને બેસી રહ્યું, સંચિત કર્મમાં જમા પડી રહ્યું અને બરાબર લાગ આવ્યો તે વખતે તત્કાલ - જરા પણ વિલંબ વગર ફળ આપીને શાંત થયું. ભગવાન ના ઘર અંધેર નથી હૈ અને દેર પણ નથી...
કોઈ એક માણસની પાસેથી તમે પાંચસો રૂપિયા માગતા હો, તે તમને ના આપે તો તમે દીવાની કૉર્ટમાં દાવો કરો. કૉર્ટ તેની સામે રૂપિયા ૫૦૦ વસૂલ કરવાનું હુકમનામું કરી આપે અને બેલિફ વૉરન્ટ બજાવવા જાય, તેમ છતાં કરજદાર પાસે બિલકુલ પૈસા હોય જ નહિ, તો બેલિફ હુકમનામાનું વૉરંટ બજાવીને વસૂલાત શામાંથી કરી શકે ? થોડાં વર્ષ પછી પેલો કરજદાર કાંઈક બીજા ધંધા કરીને હજારેક રૂપિયા કમાઈ લે કે તરત બેલિફ હુકમનામાનું વૉરંટ બજાવીને તેની પાસેથી પાંચસો રૂપિયા વસૂલ કરી જ લે, છોડે નહિ. બસ, એ જ રીતે ક્રિયમાણ કર્મનું ફળ કદાચ તાત્કાલિક ન અપાવી શકાય તો તેવાં કર્મ સંચિત કર્મમાં જમા પડ્યાં રહે અને ભવિષ્યમાં જ્યારે બરાબર લાગ આવે તે વખતે તે પાર્ક અને ફળ અપાવીને જ શાંત થાય.
આ પ્રમાણે ક્રિયમાણ કર્મ જે ફળ આપીને શાંત થયાં નથી તે સંચિત કર્મ કહેવાય....

પ્રારબ્ધ કર્મ
સંચિત કર્મ ફળ આપવા આગળ આવે તે કર્મ ને પ્રારબ્ધ કર્મ કહેવાય .....
અનાદિકાળથી જન્મજન્માંતરનાં સંચિત કર્મોના અસંખ્ય કરોડો હિમાલયો ભરાય તેટલા ઢગલા જીવની પાછળ જમા થયેલા પડ્યા છે. તેમાંથી જે સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થાય તેવાં પ્રારબ્ધ- કર્મોને ભોગવવાને અનુરૂપ શરીર જીવને પ્રાપ્ત થાય અને તે શરીરકાળ દરમિયાન તે પ્રમાણે પ્રારબ્ધ-કર્મ ભોગવ્યા પછી જ દેહ પડે. પ્રારબ્ધ- કર્મને ભોગવવાને અનુરૂપ દેહ-આરોગ્ય, સ્ત્રી-પુત્રાદિક, સુખ-દુ:ખ વગેરે તે જીવનકાળ દરમિયાન જીવને આવી મળે અને તે પ્રારબ્ધ-કર્મ પૂરેપૂરાં ભોગવ્યા સિવાય દેહનો છુટકારો થાય નહિ.

ઘડપણમાં લકવો થાય અને દસ વરસ સુધી ખાટલામાં પડ્યાંપડ્યાં ગંધાય અને ‘હે ભગવાન ! હવે મારો ક્યારે છુટકારો થશે ? મારું પાનિયું ક્યારે નીકળશે ?' એમ અનેક વાર બકવાટ કર્યા કરે તોપણ જ્યાં સુધી પૂરેપૂરાં પ્રારબ્ધ-કર્મ ભોગવી રહે નહિ, ત્યાં સુધી તે દેહ છૂટે નહિ અને પ્રારબ્ધ-કર્મ ભોગવીને સમાપ્ત થયા પછી છોકરો મોઢામાં પાણી રેડે તો નાકે થઈને નીકળી જાય, પરંતુ એક ટીપું પાણી પીવા કે એક પણ વધારાનો શ્વાસ લેવા પણ જીવ ઊભો ના રહે. દેહ તરત જ છૂટી જાય અને પછી જે બીજાં સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થયાં હોય તે પ્રારબ્ધ-કર્મનાં ફળ ભોગવવાને અનુકૂળ એવો બીજો દેહ જીવ ધારણ કરે અને તેને અનુરૂપ માતા-પિતા, સ્ત્રીપુત્રાદિ તેને મળે અને તે જીવનકાળ દરમિયાન તે જીવનમાં ભોગવવાનાં તમામ પ્રારબ્ધ-કર્મો ભોગવીને છૂટે. એમ જીવ વારંવાર જન્મમરણના ચક્કરમાં ભમ્યા કરે છે.

આમ અનાદિકાળથી અનેક જન્મજન્માંતરનાં જમા થયેલાં સંચિત કર્મો પાકીને ફળ આપવા પ્રારબ્ધરૂપે તૈયાર થતાં જાય, તેમ તે અનંતકાળ સુધી જુદાજુદા દેહ ધારણ કરતો જ રહે અને જ્યાં સુધી દેહ ધારણ કરવા પડે, ત્યાં સુધી તેનો મોક્ષ થયેલો ના ગણાય. એ હિસાબે શ્રી શંકરાચાર્ય કહે છે તેમ

પુનપિ જનનં પુનરિપ મરણું, પુનરપિ જનનીજઠરે શયનં । ઇંહ સંસારે ખલુ દુસ્તારે, કૃપયા પારે પાહિ મુરારે ॥ અનેક યોનિઓમાં જીવ ભટક્યા જ કરે - ભટક્યા જ કરે, નવાં ક્રિયમાણ કર્મો કર્યા જ કરે. તેમાંથી અનેક સંચિત કર્મો જમા થયા જ કરે. તે કાળે કરીને પાકીને ફળ આપવા તૈયાર થઈને પ્રારબ્ધરૂપે જીવની સામે આવીને ઊભાં જ રહે અને અનંતકાળ સુધી જીવનો મોક્ષ થવા દે જ નહિ, એટલે સંસાર-સાગર દુસ્તર ગણાયો છે. ..... રાધે...... રાધે

મિત્રો આ બુક કેવી લાગી એક વાર તમારા વિચારો મને કહો.... @મનોજ ભાઇ સોલંકી
8401523670