Durguno thi mukt thavani aksir dava! books and stories free download online pdf in Gujarati

દુર્ગુણોથી મુક્ત થવાની અકસીર દવા !

અમારા પડોશીને, ત્યાં એક દહાડો નવ વર્ષના બાબાને એના ફાધર (પિતા) મારતા હતા. છોકરો સામું કશુંક બોલતો હતો. ‘હા, હા, હું કરીશ.’ તેથી તેને ફરી માર્યો. મને થયું, આટલો જોર-જુલમ બાળક ઉપર શા માટે કરતા હશે ? પછી તપાસ કરી. છોકરો સ્કુલમાં એના મિત્રના દફતરમાંથી દસ રૂપિયાની ચોરી કરી, હોટલમાં જઈને નાસ્તા-પાણી કરી આવ્યો હતો. વાત સ્કુલમાં પકડાઈ ગઈ. સ્કુલના શિક્ષકે બાપા ઉપર લેટર લખી મોકલ્યો. તે વાંચીને બાપાને ખૂબ ક્રોધ ચઢ્યો અને ક્રોધમાં ને ક્રોધમાં છોકરાને ધીબી નાખ્યો, કે ‘આવી ચોરીઓ કરે છે ? સ્કુલમાં તને એટલા માટે મોકલ્યો છે ? મારી આબરુના કાંકરાં કરી નાખ્યા તે તો, હવે જો ફરી આવું ખોટું કામ કર્યું છે તો ઘરમાં પગ મૂકવા નહીં દઉં, કાઢી મૂકીશ તને !’ નાનું બાળક મા-બાપના આશ્રય વિના ક્યાં જાય ? મૂંઝાય ને રડતો રડતો એ સૂઈ ગયો.

એ છોકરો અઠવાડિયા પછી સરસ બોલપેનથી હોમવર્ક લખતો હતો. તે ફાધરે પૂછ્યું, ‘આ બોલપેન ક્યાંથી લાવ્યો ?’ પેલાએ જવાબ આપ્યો, ‘મારા મિત્રે મને ભેટ આપી છે.’ ત્યાં તેના ફાધર તાડુક્યા, ‘સાલા, જૂઠું બોલે છે. બોલ, તું ચોરી કરીને લાવ્યો છે ને ?’ પેલો ‘ના’ કહે છે, તો પણ એને ખૂબ માર્યો. ચોરી પણ કરે છે ને પાછું જૂઠું પણ બોલે છે ?

તે પછી છોકરો તો રીઢો ગુનેગાર હોય તેમ થવા માંડ્યો. ના મારની અસર થાય, ના વઢવાની બીક લાગે. અને ‘તમારાથી થાય તે કરો, હું તો ગમે તે કરીશ’, એમ સામો થવા માંડ્યો. કેસ બગડવા માંડ્યો.

એ પાડોશી સાથે વાતચીત થઈ. તમે આવું કરશો તો છોકરો જ હાથથી ગુમાવશો. તમને એક ઉપાય બતાડું, ચાલો જ્ઞાની પુરુષ પાસે. એમના આશીર્વાદથી કંઈક માર્ગદર્શન મળશે ને ઉકેલ આવશે. એ તૈયાર થઈ ગયા.

પાડોશી પછી એક દિવસ છોકરાને લઈને એના ફાધર સાથે જ્ઞાની પુરુષ પાસે ગયા. વિગતે બધી વાત કરી. જ્ઞાની પુરુષે એમને પૂછ્યું, ‘ભાઈ, તું બહુ દહાડાથી ચોરી કરે છે ?’ પેલો કહે છે, ‘હા.’ પ્રેમથી પૂછે તો બધું કહે ને ! કેટલા વર્ષથી કરે છે ? ત્યારે એ કહે છે, ‘એકાદ વર્ષથી.’ ત્રણ-ચાર વખત ચોરી કરી છે. તેં ચોરી કરી એ સારું કામ કર્યું કહેવાય ? ત્યારે પેલો છોકરો કહે છે, ‘ના’. પછી એને કરુણા ભાવથી સમજાવ્યો કે જો ભાઈ, તું કોઈનું ચોરી કરીને લઈ આવે છે, તો તારું કોઈ ચોરીને લઈ જાય તો તને ગમશે ? ચોરી કરવાનું શું ફળ આવે છે એ તને ખબર છે ? બધાને ખબર પડશે તો પછી તારા પ્રત્યે લોકો કેવી દ્રષ્ટિએ જોશે ! તારી ઉપર કોઈને વિશ્વાસ નહીં આવે. ચોરી કરે એટલે શું થાય ? પોલીસવાળા જેલમાં લઈ જાય એ ગમશે તને ? આમ જ્ઞાની પુરુષે એને વિગતવાર સમજણ પાડી. એનો અંદરનો અભિપ્રાય જ બદલાઈ જાય ત્યાં સુધી સમજણ પાડ પાડ કરી. એ છોકરાએ કબૂલ્યું કે, ‘હા, ચોરી કરું છું, એ ખોટું છે. હવે હું નહીં કરું.’ એને સાચા દિલનો પસ્તાવો શરૂ થઈ ગયો અને એ છોકરો સુધરી ગયો.

જ્ઞાની પુરુષનો એ જ બોધ છે, કે તમારાથી ક્રોધ થઈ જાય છે, જૂઠું બોલાઈ જાય છે, તો તમે આચરણ બદલવાનો પ્રયત્ન કરો છો તે સફળ થતો નથી, એટલે પછી હતાશા અનુભવો છો. તેને બદલે ભૂલના ખૂબ પશ્ચાતાપ લઈ હૃદયમાં ભાવને ફેરવો.

આ અધ્યાત્મ વિજ્ઞાન તદ્દન અજાણ્યું લાગે પણ સંપૂર્ણ ક્રિયાકારી છે. અત્યાર સુધી લોકોએ શું કર્યું કે આ ખોટો કર્મ છોડો અને સારા કર્મ કરો. તેમાં મનુષ્યના હાથમાં ખોટા કર્મ છોડવાની શક્તિ નથી ને સારા કર્મ કરવાનીય શક્તિ નથી. તેથી પછી લોકોને ગૂંચવાડો વધે છે કે મારે સારું બોલવું છે પણ બોલાતું નથી.

ત્યારે જ્ઞાની પુરુષ દાદા ભગવાને જગતને નવો જ અભિગમ આપ્યો. ભઈ, તારાથી અસત્ય બોલાય તો ક્રિયા તારાથી બંધ નહીં થાય પણ તું અંદર ભાવ આવી રીતે ફેરવજે. ‘હે ભગવાન, આ અસત્ય બોલાઈ ગયું, તેની માફી માંગું છું, એનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. ફરી આ ભૂલ નહીં કરું એવો દ્રઢ નિશ્ચય કરું છું, મને આવી ભૂલ નહીં કરવાની શક્તિ આપો.’ જેમ ડુંગળીને પડ હોય છે, તેમ દોષો પણ પડવાળા હોય છે. એક વખત ભૂલ થઈ, તેનો પસ્તાવો લેવાથી પડ જશે. ફરી સંજોગ મળતા એવી ભૂલ થશે પણ તે બીજું પડ હશે, તેનો પસ્તાવો લેશો તો બીજું પડ પણ જશે. એમ કરતા કરતા ભૂલના બધા પડો ખલાસ થઈ જશે, ત્યારે ભૂલવાળો વ્યવહાર બંધ થઈ ગયો હશે. આ દવા છે, એનાથી તમામ પ્રકારના દુર્ગુણોના ગુના ધોવાઈ જાય તેમ છે.