DHULO TO HARKHPADUDO (DTH) - 35 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 35

Featured Books
Categories
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 35

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૫

આપણે જોયું કે એક તરફ 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આગલી માસિક શનિવારીય બેઠકમાં એક અનોખી સ્પર્ધા ગોઠવાઈ ચૂકી હતી. તો બીજી તરફ સહેલી વૃંદે આવી અનોખી અને વિચિત્ર વિષય ધરાવતી થીમ માટે એમની આગામી મિત્ર વર્તુળ માસિક શનિવારીય બેઠક વિશે સંક્ષિપ્ત ચર્ચા કરી એક વિશેષ પ્લાન બનાવી લીધો હતો. હવે આગળ...

આવી ભારેખમ છતાં ઉત્સુકતા જગાવે એવી 'રશિયા યુક્રેન વોર' આધારીત થીમ આ મિત્ર વર્ગ માટે મોટો હોબાળો સર્જવા સમર્થ હતી.

ઉત્કંઠા પોતાની ચરમસીમાએ પહોંચી ચૂકી હતી. હવે સૌ માસિક શનિવારીય બેઠકની કાગ ડોળે રાહ જોઈને બેઠાં હતાં. વિનીયાએ વિસ્તારપૂર્વક વિસ્તરીને વિજયી વાજા વગાડી, સોશિયલ મિડીયા પર મંડી પડ્યો હતો રશિયા યુક્રેન વોર વિશેની દરેક માહિતી એકત્ર કરવા. ભાવલો ભૂસકો પણ બેફિકર હતો, એ આ રશિયા યુક્રેન વોર વિશેની દરેક માહિતી પહેલાંથી જાણતો હતો. બાકી બધાં ચકરાવે ચડી ગયા હતા, 'આવી તે કોઈ થીમ હોય!'

ગમે તે વાત હોય પણ આ અનોખી અને અવળચંડી થીમને લીધે સૌ એકદમ ઉત્સુક તો હતાં જ. એક આશ્ચર્યકારક બાબત એ હતી કે આ ગ્રુપની મહિલાઓ આ વખતે કોઈ અકળ કારણસર આ થીમ વિશે નાની મોટી કોઈ પણ જાતની ચર્ચાઓ કર્યા વગર બિલકુલ ધીરજ રાખીને બેઠી હતી. આ અસંલગ્ન વ્યવહારની નોંધ પણ ધૂલા હરખપદૂડાએ તથા મૂકલા મુસળધારએ લઈ લીધી હતી. બાકીનો મિત્ર વર્ગ અંદરખાનેથી ખૂબ ખૂબ ખુશ હતો કે આવી થીમ હોય તો આ કાયમ હોંશિયારી ઠોકતી આ સખીઓને આટા દાળનો દામ ખબર પડે.

આ તરફ ઈશા હરણી જોતરાઈ ગઈ હતી, દાળ પકવાન નામની વાનગી કેમ બને છે એ જાણવા! એણે સોશિયલ મીડિયા પર ખૂબ રિસર્ચ કરી છેવટે આ નોંધ કરી.

સિંધીઓની ઘણી વાનગીઓમાં આ એક વાનગી જે ઘણી પ્રખ્યાત છે તે છે દાળ પકવાન. આ રેસિપી બનાવવામાં સરળ અને સ્વાદમાં અત્યંત સ્વાદિષ્ટ હોય છે. દાળ પકવાનને આપણે સવારે નાસ્તામાં અથવા તો લંચ કે ડિનરમાં લઈ શકીએ છીએ. (ડિનરમાં ચાલે, હાશ!)

કઈ રીતે દાળ બનશે?

ચણાની દાળને ધોઈને ૪૦-૪૫ મીનીટ માટે હુંફાળા પાણીમાં પલાળી દો. પલાળીને રાંધવાથી દાળ વહેલી તૈયાર થઈ જશે.આ પલાળેલી દાળને કુકરમાં નાખો અને સાથે ખપ પૂરતું પાણી, મીઠું, હળદર અને એક તજ પત્તું નાખો. અને સ્લો ફ્લેમ પર ૧ સિટિ વાગે ત્યાં સુધી બાફી લેવાથી એ તૈયાર થઈ જશે.

ત્યારબાદ મિક્સરમાં સમારેલું ટામેટુ, સમારેલા મરચાં, મીઠો લીમડો, આદુ ઉમેરીને પેસ્ટ બનાવો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં જીરું ઉમેરો અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ત્યાર પછી હિંગ ઉમેરો અને પછી એ તેલમાં પહેલાંથી મિક્સરમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો. સ્લો ફ્લેમ પર પેસ્ટને સાંતળો અને તેલ છુટું પડે તો તેમાં જરુરી મીઠું, હળદર, ગરમ મસાલો, લાલ મરચું ઉમેરીને શેકો. હવે બાફેલી ચણાની દાળ પાણી સાથે જ કઢાઈમાં ઉમેરો. આ બધી સામગ્રીને વ્યવસ્થિત મિક્સ કરો અને પછી ધીમી આંચ પર ૨-૩ મિનિટ સુધી ઉકાળો. જરુર લાગે તો લીંબુનો રસ ઉમેરો. બસ, સ્વાદિષ્ટ દાળ તૈયાર છે.

કઈ રીતે પકવાન બનશે?

એક મોટી થાળીમાં ઘઉંનો લોટ, મેંદો, મીઠુ, અજમો, જીરુ, મરી પાવડર અને તેલ ઉમેરો. થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને સામાન્ય કણક તૈયાર કરો. લોટ વધારે કઠણ અને વધારે ઢીલો ન હોવો જોઈએ. આ લોટ તૈયાર થઈ જાય તો તેને ઢાંકીને ૨૦-૩૦ મિનિટ માટે બાજુ પર મુકી દો. બાદમાં તૈયાર કરેલા લોટમાંથી નાના લુવા બનાવો અને પાપડ જેટલી મોટી મોટી પુરી વણો. ત્યારબાદ કાંટા ચમચીથી કાણાં પાડી દેવા, જેથી પુરી ફુલે નહીં. ધ્યાન રાખો કે પુરી વધારે જાડી કે પાતળી ન હોવી જોઈએ. ગરમ તેલમાં મધ્યમ આંચમાં તળો. પુરી તળાઈ જાય અને ઠરે તો તેને એર ટાઈટ ડબ્બામાં ભરી દેવાની હતી.

પકવાન દાળની સાથે તો ખાઈ જ શકો છો, સાથે સાથે ચા સાથે પણ ખાઈ શકો છો. દાળ પકવાનની સાથે ઝીણાં ઝીણાં સમારેલા સલાડના ટુકડા, કોથમીરની ખટાશ પડતી તીખી તમતમતી ચટણી, ખજૂર આમલીની ખટમીઠી ચટણી સાથે પીરસી તો મહેમાન સૌ ખુશખુશાલ.

એ હસી પડી, 'આ સિંધી લોકો આને પકવાન કેમ કહેતા હશે! અને જો આ પકવાન હોય તો એમની મીઠાઈઓ કેવી હશે!' ફરી સોશિયલ નેટવર્કિંગ, વેબસાઇટ સર્ફિંગ અને ઇન્ફોર્મેશન ગેધરિંગ શરૂ.

પરિણામ :

સિંધી ભોજન માત્ર પકવાન, સન્ના પકોડા, આલુ ટુક વગેરે જેવા તેના ટેસ્ટી ક્રિસ્પી નાસ્તા માટે જ નહીં, પણ મીઠાઈઓની લાંબી યાદી માટે પણ જાણીતું છે. નિયમિત ગુલાબ જાંબુ, પિસ્તા મિઠાઈ, બદામ બર્ફી ઉપરાંત, સિંધીઓની ઘણાં પ્રકારની ખાસ મીઠાઈઓ આજકાલ લોકપ્રિય છે.

સૌથી ફેમસ એવી મીઠી દાભલા એ ખાંડની ચાસણીમાં પલાળેલી તળેલી બ્રેડ સ્લાઈસ હોય કે પછી મેસુ જેવી કેટલીક ભુલાઈ ગયેલી માનવામાં આવતી મીઠાઈઓ હોય, એ આજે પણ એટલી જ લોકપ્રિય છે.

ઈશાએ નોંધ કરી કે સૌથી વધુ ન સાંભળેલી સિંધી મીઠાઈઓ આ છે:

પ્રઘરી (મીઠા સમોસા): ખોયાથી ભરેલું ક્રન્ચી, લેયર્ડ પફ એ એક મોસમી સ્વાદિષ્ટ વાનગી છે, જે તેઓ દ્વારા લગભગ ફક્ત હોળી દરમિયાન બનાવવામાં આવે છે.

ઘી (મીઠાઈ) : ફરીથી ફરજિયાત હોળીની મીઠી, ઘેવર અને જલેબી વચ્ચેનો કોર્સ, ગરમ ઘીમાં ડૂબેલા ગોળાકાર મોલ્ડમાં કપડાના નાના છિદ્રો દ્વારા, ગરમ તેલ/ઘીમાં આથો લોટના વાસણને નીચોવીને આ ઘી બનાવવામાં આવે છે.

વારો : ડ્રાય ફ્રુટ પ્રલાઇન, આ સંપૂર્ણ રીતે સ્ફટિકીકૃત ખાંડમાંથી બનાવવામાં આવે છે જેમાં સૂકી ખજૂર, સૂકા નારિયેળ અને બદામ ઉમેરવામાં આવે છે, તે શિયાળા દરમિયાન પરિણીત પુત્રીઓને મજુન સાથે મોકલવામાં આવે છે. આ મજુન બદામ, સૂકા ફળો, માવા, ખસખસ અને ખસખસમાંથી બનેલી સમૃદ્ધ મીઠાઈ છે.

સિંઘર જી મીઠાઈ : એ સેવ અને ખોયામાંથી બનેલી એક સામાન્ય સિંધી મીઠી વાનગી છે

ચભુનો હલવો / કરાચીનો હલવો : પિસ્તા ઉમેરી મકાઈના સ્ટાર્ચમાંથી બનાવેલ, આ ઘી ભરેલી મીઠાઈ જૂના જમાનામાં ખૂબ જ લોકપ્રિય હતી. હવે એની મહત્તા તહેવાર પુરતી જ બચી છે.

સાટા અને ખાચ : લોટ અને ઘીમાંથી બનાવેલ, ડીપ ફ્રાય અને જાડી ખાંડની ચાસણી સાથે કોટેડ ગોળમટોળ આકારીત આ મીઠાઈની જોડી છે.

તોશા: પરંપરાગત રીતે આ પંજાબી મીઠાઈ, આજકાલ સિંધીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આ મેંદા, ઘી, દહીં, ખાવાના સોડાથી બનેલ મીઠાઈ છે. કણકને લંબચોરસ રોલનો આકાર આપવામાં આવે છે અને તેને તળવામાં આવે છે અને ખાંડની ચાસણીમાં ડુબાડવામાં આવે છે. આ તોશા એ બદુશા જેવો સ્વાદ ધરાવે છે.

બૂંદી સિંઘાર : ચણાના લોટના મોતીનાં ટીપાં જેવા તદ્દન બારીક લાડુ, તળાઈ ગયા બાદ ખાંડની ચાસણીમાં ડુબાડવામાં આવે છે, જેને બૂંદી તરીકે ઓળખવામાં આવે છે. ઘણાં ઝુલેલાલ મંદિરોમાં પ્રસાદ તરીકે તીખી સેવ સાથે વહેંચવામાં આવે છે.

આમ સારી એવી માહિતી એકત્ર કરી અને ઘણા બધા મનોમંથન બાદ ઈશા હરણીએ ગુલાબ જામુન (ગુલાબ જાંબુ) પર પસંદગી ઊતારી. ઘણા ખુશ પ્રસંગોએ ગુલાબ જામુન સંબંધીઓ, મિત્રો અને પરિવાર સાથે વહેંચવામાં આવતા હોવાથી, મોટાભાગના સિંધી પરિવારોમાં આ ચાસણીવાળા સુગર બોમ્બ સહજતાથી જોવા મળે છે.

એટલે ગુલાબ જામુનનો સ્વાદ માણવા ઉપરાંત પ્રઘરી, લોલા (લોટ, ચાસણી અને ઘીમાંથી બનેલી ફ્લેટ બ્રેડ) અથવા મીઠી દાભલા, ખાંડની ચાસણીમાં પલાળેલી તળેલા બ્રેડના ટુકડા, શાહી ટુકડા, રબડી બનાવીને અથવા વધારાની ખાંડની ચાસણીનો ઉપયોગ કરી બનાવી શકાય એવું સંપૂર્ણ સિંધી મેનુ ફાઇનલ કરવામાં આવ્યું ત્યારબાદ ઈશા હરણીને હાશ થઈ.

જોકે એક વાતમાં કોઈ સંદેહ નહોતું કે આ વખતની મિત્ર વર્તુળ માસિક શનિવારીય બેઠકનું અનોખું, અદ્વિતીય, અપૂર્વ, આશ્ચર્યકારક, અલૌકિક અને અદ્ભૂત છતાં નોખું એવુ થીમ તત્વ, ઉપરાંત નવપ્રયોગી સિંધી મેનુ પણ અજોડ અને અનન્ય બની જવાનું હતું.

એટલે જે બધાં આ અકલ્પ્ય અને અસ્પૃશ્ય વિષય માટે ચકરાવે ચડી ગયાં હતાં કે આવી તે કોઈ થીમ હોય! એ સૌ પણ આ થીમ કેવી હશે એ વિશે કલ્પનાના અશ્વો દોડાવી દોડાવીને અત્યંત આતુરતાથી શનિવારીય બેઠકવાળા શનિવારની કાગ ડોળે રાહ જોઈ રહ્યાં હતાં.

આ માસિક શનિવારીય બેઠકમાં ખરેખર શું થશે? શું આ રશિયા યુક્રેન વોરની થીમ સક્સેસ થશે કે ફેઈલ? શું આ સહેલી વૃંદ સાથે મળીને એમના પતિઓની ફિરકી લઈ શકશે? આ અકલ્પ્ય અને અસ્પૃશ્ય વિષયવાળી થીમ હીટ જશે કે ફ્લોપ? હવે આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૩૬ તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).

લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).