Premni Anukampa - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમની અનુકંપા - ભાગ ૬

સોમવારનો દિવસ વીર માટે અલગ બનવા જઈ રહ્યો હતો. કેમકે તે આજે પ્રકૃતિ સાથે પોતાની સગાઈ થઈ ગઈ છે તે વાત પલ્લવીને કરવાનો હતો. અને પછી પલ્લવી તરફ થી શું અભિપ્રાય મળે છે તે જોવાનું હતું. જો પલ્લવી સગાઈ થયા પછી પણ મને ચાહશે છે તો કોઈ રસ્તો કાઢીને હું પ્રકૃતિ સાથે સગાઈ તોડી નાખીશ એવું વીરે વિચારી લીધું હતું. બસ પલ્લવી શું કહેશે તેના પર હતી.

વીર કોલેજમાં પહોચ્યો. જે સમયે પલ્લવી અને વીર મળતા હતા તે સમયે બન્ને કોલેજના ગેટ પાસે મળે છે. બન્ને કોફી પીવા બાજુમાં આવેલ કોફીશોપ પર જઈને વાતો ની શરૂઆત કરે છે. તે સમયે કોફીશોપ એકદમ ખાલી હતો. ત્રણ દિવસથી પલ્લવી વીર ને મળી હતી નહિ.
"તું ક્યાં હતો"? પલ્લવી પૂછે છે.

વીર દિલ ખોલીને વાત કરે છે. હું તને જે છોકરી વિશે વાત કરી રહ્યો હતો તે છોકરી સાથે મારી સગાઈ ગઈકાલે થઈ ચૂકી છે.

આ સાંભળીને પલ્લવીનો ચહેરો ફિક્કો પડી ગયો. તેના અરમાનો પર પાણી ફરી ગયું હોય તેવું દેખાવા લાગ્યું. જાણે કે પળભરમાં કોઈ પોતાની ખુશી લઈ ગયું હોય અને અચાનક દુઃખના વાદળો છવાઈને વરસવા લાગ્યા હોય તેમ પલ્લવીની બન્ને આંખો માંથી આંશુ વહેવા લાગ્યા. એવું લાગ્યું કે જિંદગીમાં પહેલી વાર પલ્લવી રડી હશે.

પલ્લવીને રડતી જોઇને વીર તેને બાહોમાં ભરીને શાંત કરે છે ત્યાં પલ્લવી તેને દૂર કરીને કહે છે.
"જો તારે બીજી છોકરી સાથે સગાઈ કરવી જ હતી તો મને કેમ પ્રેમનાં સપના દેખાડ્યા. શા માટે તે મને પ્રેમ કર્યો...?"

વીર પાસે તેનો કોઈ જવાબ હતો નહિ છતાં પણ વીર તેને પ્રેમથી સમજાવવાની કોશિશ કરે છે.
"હું સમજુ છું કે મે બહુ મોટું ભૂલ કરી છે પણ હું લાચાર હતો. પરિવારના કહ્યા પ્રમાણે મારે કરવું પડ્યું પણ પલ્લવી હું હજુ તને તેટલો જ પ્રેમ કરું છું જેટલો પહેલા કરતો હતો."

"જે બીજાનો થવા જઈ રહ્યો હોય તે હવે મારો ક્યાંથી થવાનો."
પોતાનું દુઃખ વ્યક્ત કરતી હોય તેમ પલ્લવી બોલી.

ફરી વીર સમજાવવાની કોશિશ કરવા લાગ્યો.
પલ્લવી હું તને પ્રેમ કરું છું અને આજીવન તને પ્રેમ કરતો રહીશ. હું તને વચન આપું છું કે હું હંમેશા તારી સાથે રહીશ ભલે મારે મારી સગાઈ તોડવા માટે હું કઈ પણ કરીશ પણ હું તને મારાથી અળગી નહિ કરું.
લવ યુ પલ્લવી..

વીર નો આટલો દિલાસો અને વચન સાંભળીને પલ્લવી શાંત થઈ અને વીર ભેટી પડી.
લવ યુ ટુ વીર....

વીર ઘરે આવીને એ વિચારવા લાગ્યો કે હું આ સગાઈ કેમ તોડી શકું પણ તેને કોઈ રસ્તો સૂઝતો ન હતો કેમકે સગાઈ તોડવા માટે કોઈ ખામી તો હોવી જોઈએ ને.! પણ પ્રકૃતિ કે તેના પરિવારમાં એવી કોઈ ખામી દેખાતી ન હતી કે તે સગાઈ તોડવામાં મદદ કરી શકે. અને સગાઈ ને કોઈ બહાનું કે ખામી વગર તોડવાનો પ્રયાસ કરીશ તો બહુ નુકશાની બેઠવી પડશે. ખાસ તો એ હતું કે પરિવારની વિરુદ્ધ વીર ક્યારેય જઈ શકે તેમ હતો નહિ એટલે સમય પર છોડી દેવું જ વીર ને ઉચિત લાગ્યું.

એક શુકુન જરૂરથી મળ્યું હતું કે પલ્લવી હજુ પણ મને પ્રેમ કરે છે એટલે તે બીજા દિવસે પલ્લવીને મળવા કોલેજના ગેટ બહાર રાહ જોવા લાગ્યો. પણ ઘણી રાહ જોયા પછી પણ પલ્લવી આવી નહિ એટલે દુઃખી થતો વીર ઘરે જવા નીકળ્યો ત્યાં રસ્તા પર પ્રકૃતિનો ફોન આવે છે. વીર ને પ્રકૃતિ સાથે વાત કરવાનું મૂડ હતું નહિ એટલે પહેલી રીંગ પર કોલ ઉઠાવ્યો નહિ પણ બીજી રીંગ વાગી એટલે કોલ ઉઠાવવો પડ્યો કેમકે જો કોલ રિસિવ નહિ કરીશ તો મમ્મી પપ્પા સુધી વાત પહોંચશે અને હું કોઈ કારણ આપી શકીશ નહિ એટલે કોલ ઉઠાવી લીધો.

પ્રકૃતિ બોલી.
હલ્લો.... કેમ છો તમે...?

"બસ મઝામાં છું." ધીમે અવાજે વીર બોલ્યો.

એક પછી એક હાલચાલ અને થોડા સવાલો પ્રકૃતિ પૂછવા લાગી. વીર પણ જવાબ આપતો રહ્યો પણ પ્રકૃતિને કોઈ સવાલ કે બીજુ કઈ વીરે પૂછ્યું જ નહિ. થોડી મિનિટોમાં પ્રકૃતિએ ફોન મૂકી દીધો. પ્રકૃતિ એમ સમજી કે હજુ વીર અને હું અજાણ્યા છીએ એટલે શરૂઆતની વાતો આવી જ હોય પણ તેને ક્યાં ખબર હતી કે વીર પોતાની મરજીથી વાત નથી કરતો.

બીજા દિવસે જ્યારે વીર કોલેજના લેક્ચર પૂરા કરીને કોલેજની બહાર પલ્લવીની રાહ જુએ છે ત્યારે પલ્લવી ત્યાં આવી પહોંચે છે.
પલ્લવી ધીમે પગલે આવી રહી હતી. તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. તે થાકેલી જણાઈ રહી હતી. જાણે બીમાર હોય તેવું લાગી રહ્યું હતું.
પલ્લવી પાસે આવી એટલે વીરે તેનો હાથ પકડ્યો. ત્યાં તો તેને પલ્લવીનો હાથ ગરમ લાગ્યો. તરત વીર સમજી ગયો કે પલ્લવીને તાવ છે. તરત તેની બાઈક લઈને પલ્લવીને હોસ્પિટલ લઈ ગયો અને તેની સારવાર શરૂ કરી. બે દિવસથી તાવ નાં કારણે પલ્લવી લોથપોથ થઈ ગઈ હતી. દવા ન લેવાના કારણે તે વધુ બીમાર પડી ગઈ હતી.

હોસ્પિટલમાં એડમિટ થતાં જ પલ્લવીને સારવાર ડોકટરે શરૂ કરી. આમ તો પલ્લવીને રિપોર્ટમાં વાયરલ તાવ એટલે કે સામાન્ય તાવ હતો પણ બે દિવસથી કઈ ખાધું હતું નહિ એટલે તાવ વધુ આવી ગયો હતો. ડોકટરે એક બોટલ ચડાવી કે તરત પલ્લવી ને જીવમાં જીવ આવ્યો. બાજુમાં બેઠેલો વીર નો હાથ પકડીને કહ્યું.
"તું આવી રીતે મારો હંમેશા સાથ આપીશ ને..?"

"હું તારી હંમેશા સાથે જ છું. તું ચિંતા કરીશ નહિ. કપાળ પર હાથ ફેરવતા વીર બોલ્યો."

બન્ને એટલા બધા પ્રેમમાં પડી ગયા હતા કે એકબીજા વગર તે રહી શકે તેમ હતા નહિ. ત્યાં સુધી કે હવે પોતાની કારકિર્દી ને ભૂલી ને બસ બન્ને એકબીજાનું વિચારવા લાગ્યા હતા. ભવિષ્યમાં આપણી કઈ પોસ્ટ હશે તે નહિ પણ આપણું દામપત્ય કેવું હશે.! ત્યાં સુધી બન્ને વિચારવા લાગ્યા હતા પણ તેઓ એકબીજાને પોતાના સપના હજુ સુધી કહી શક્યા નહિ. તેઓ લગ્ન પહેલા એકબીજાને ખુબ પ્રેમ કરી લઈએ તેવું મનમાં ઈચ્છતા હતા એટલે જ તો બન્ને માંથી કોઇએ લગ્નની વાત ઉચ્ચારી ન હતી.

થોડી કલાકોમાં પલ્લવીને હોસ્પિટલ માંથી રજા આપી દીધી એટલે વીર તેને ઘર સુધી મુકવા ગયો. જ્યારે વીર પલ્લવીનાં ઘરે ગયો ત્યારે તે એકલી રહેતી હોય તેવું ઘર જોઈને લાગ્યું હતું. અત્યાર સુધી વીર એમ સમજતો હતો કે પલ્લવી સાથે તેની કોઈ રૂમ પાર્ટનર હશે. ઘર એટલું સ્વચ્છ હતું કે જોઈને એવું લાગે કે મકાન હમણાં જ બન્યું હોય. પણ મકાન જાણું જૂનું હતું.

પહેલી વાર વીર પોતાના ઘરે આવ્યો છે અને એમ જ તેને મોકલવો ઉચિત નહિ એમ સમજી ને બીમાર હોવા છતાં તે કિચનમાં જઈને વીર માટે કોફી બનાવવા લાગી. ત્યારે વીર પણ તેની પાસે જઈને કોફી બનાવી રહેલી પલ્લવી ને કિચનમાં બેસાડી ને તે કોફી બનાવવા લાગ્યો. પણ પલ્લવી તો પોતાના હાથે કોફી બનાવીને વીર ને પીવડાવવા માંગતી હતી એટલે વીર કોફી બનાવવાની નાં પાડી. ઘણી કોશિશ પછી પણ પલ્લવી માની નહિ એટલે વીરે તેને કોફી બનાવવા દીધી. વીર કોફી પી ને ઘરે જવા નીકળ્યો અને પલ્લવી ને કહ્યું. તું આરામ કરજે હું કાલે તારી પાસે ફરી આવું છું. તારી સેવા કરવા. એમ કહી થોડું હસતો ગયો જેથી પલ્લવી નાં ચહેરા પર થોડી ખુશી દેખાઈ.

પલ્લવી જલ્દી સાજી થઇ જશે.? પલ્લવી અને વીર નો પ્રેમ ક્યાં મુકામ પર જશે.? શું પ્રકૃતિ અને વીર ફોનમાં વાતો કરવા લાગશે કે વીર તેના ફોનની અવગણના કરશે.? આખરે સગાઈ પછી વીર અને પ્રકૃતિ વચ્ચે શું થશે તે જોવું રહ્યું. વધુ આવતા ભાગમાં....

ક્રમશ....