Premni Anukampa - 11 books and stories free download online pdf in Gujarati

પ્રેમની અનુકંપા - ભાગ ૧૧

બે દિવસ પસાર થયા પછી હું ત્રીજા દિવસે કોલેજમાં જવા તૈયાર થઈ રહી હતી. ગૌરવ ને મળવાનો આજે ઉમંગ હતો. પણ ઘરની બહાર નીકળું તે પહેલા પપ્પાએ મને રોકી અને કહ્યું બેટા મહેમાન આવે છે એટલે કોલેજમાં આજે જવાનું ટાળી દે. હું થોડી માયુસ થઈ. આજે ગૌરવ ને મળવાના સપના પર પાણી ફરી ગયું. પપ્પાની આજ્ઞા તો મારે પાળવી રહી. હું તે દિવસે ઘરે રહી.

થોડા કલાકોમાં મહેમાન મારી ઘરે પધાર્યા. એક વડીલ તેની સાથે તેની પત્ની અને મિત્રની પાછળ એક યુવાન સુંદર સુશીલ છોકરો આવી રહ્યો હતો. મો નીચે કરેલું જોઈને હું સમજી ગઈ કે યુવાન મારી જેમ શરમાળ છે પણ એ સમજી શકી નહિ કે તે મને જોવા આવ્યો છે. કેમકે ઘણી વાર એવા મહેમાનો ઘરે આવતા જેને હું ઓળખતી ન હતી.

મહેમાન સોફા પર બેઠા એટલે હું તેમના માટે પાણી લાવી. પછી બધાને ચા પીવડાવી. ત્યાં પપ્પાએ મને તેમની પાસે બેસવાનું કહ્યું.
વડીલો વ્યવહારિક વાતો કરવા લાગ્યા ને હું ચૂપચાપ સાંભળતી રહી. મારી નજર તે યુવક પર હતી જે શરમાળ હતો. તે ક્યારેક ક્યારેક મને જોઈ રહ્યો હતો એવું મે નોટિસ પણ કરી લીધું. પછી પપ્પાએ મારા વિશે કહેવાનું શરૂ કર્યું.
પપ્પા કહેવા લાગ્યા.
"મારી દીકરી પ્રકૃતિ હજુ કોલેજ કરી રહી છે. અભ્યાસમાં બહુ હોશિયાર ની સાથે સુશીલ અને સંસ્કારી છે."

આટલી વાત પછી પણ હું સમજી શકી નહિ પણ જ્યારે પપ્પાએ મહેમાન બનીને આવનાર યુવક ને કહ્યું. "બેટા તારે પ્રકૃતિ સાથે વાત કરવી હોય તો પ્રકૃતિના રૂમમાં જતા રહો."
બેટી પ્રકૃતિ મહેમાન ને તારો રૂમ બતાવ.

હું હવે સમજી ગઈ હતી કે આવનાર મહેમાન મને જોવા આવ્યા છે અને પપ્પાએ કહ્યું છે તો યુવક સાથે વાત કરવી પડશે હું તે યુવકને મારા રૂમમાં લઈ ગઈ. પલંગ પર તેમને બેસાડીને હું તેમના થી થોડી દૂર બેસી ગઈ.

તે યુવાન સ્વભાવે શાંત લાગી રહ્યો હતો. શરમ નાં કારણે તે મારી તરફ તે આંખ મિલાવીને વાત કરવાની હિંમત તેનામાં દેખાઈ રહી ન હતી. પણ તે મને ત્રાસી નજરે જોઈ રહ્યો હતો. મને એવું લાગ્યું કે તે મારી સાથે વાત કરવા આવ્યો છે પણ વાત કરી શકતો નથી એટલે મેં સામેથી પૂછ્યું.

આપ શું કરો છો.?

"હું તમારી સાથે વાતો." આટલું કહીને તે હસ્યો.
હું જે યુવાન ને થોડીવાર પહેલા જોતી હતી તે યુવાન હવે દેખાતો ન હતો. એકદમ શાંત લાગતો યુવાન નાં ચહેરા પર ખુશી અને ઉમંગ દેખાવવા લાગી. તે તો મારી સાથે વાતો કરવા લાગ્યો જાણે કે તે મને પહેલેથી ઓળખતો હોય. હું એક સવાલ કરું ત્યાં તો તે મને દસ સવાલ પૂછી લેતો. અને મારા જવાબમાં તેની હા હોય તેવું લાગી રહ્યું હતું.

આખરે તેણે છેલ્લે મને પૂછી લીધું.
તું મને પસંદ છે.?

તેના સવાલમાં મારી આખી જિંદગી હતી. એટલે હું વિચારમાં પડી ગઈ કે હું શું જવાબ આપુ. એકબાજુ તે યુવાન થોડી મિનિટોની વાતોમાં પોતાની છાપ મારા દિલમાં છોડી ગયો હતો અને બીજી તરફ ગૌરવ હતો.

હું તને પસંદ છું. અને તને વિચારવાનો સમય આપુ છું. તારો નિર્ણય છેલ્લો નિર્ણય હશે. પછી તો પરિવાર જે કરે તે. આટલું કહીને તે યુવક રૂમ બહાર નીકળી તેના મમ્મી પપ્પા પાસે બેસી ગયો અને કહ્યું.

પ્રકૃતિ મને પસંદ છે પણ મને થોડો સમય જોઈએ.

સારું બેટા..
આટલું કહીને બધા ઊભા થયા અને પોતાની ઘરે જવા રવાના થયા.

મહેમાન ગયા પછી મને પપ્પાએ કહ્યું. તે બાપુનગર થી આવ્યા હતા. છોકરો અને તેનો પરિવાર મને પસંદ આવ્યો હતો એટલે અહી બોલાવી લીધા.
તને છોકરો પસંદ આવ્યો કે નહિ.?
પપ્પાએ મને પ્રેમથી કહ્યું.

મારી પાસે નાં કહેવાનું કોઈ કારણ દેખાયું નહી એટલે હું શરમાઈ ને મારા રૂમમાં જતી રહી. પપ્પા સમજી ગયા કે પ્રકૃતિ ને છોકરો પસંદ આવ્યો છે.

હજુ તો ગૌરવ સાજો થઈને કોલેજ આવે તે પહેલાં મને જે ડર હતો તે દૂર થઈ ગયો. જે યુવક મને જોવા આવ્યો હતો તેમની નાં આવી અને મને હાશકારો થયો. પણ એક ડર હમેશા પેસી ગયો કે આજ નહિ તો કાલે પપ્પા મારી સગાઈ માટેની ઉતાવળ જરૂરથી કરશે તે પહેલાં જો મારે ગૌરવ સાથે લગ્ન કરવાનાં હશે તો મારે કઈક તો કરવું પડશે.

ગૌરવ સાજો થઈને કોલેજ આવવા લાગ્યો અને અમે ફરી પ્રેમના દિવસો માણવા લાગ્યા. અને ફરી તમે મને જોવા આવ્યા ને મને પસંદ કરી. હું ફરી સગાઈ માટે નાં કહી શકી નહિ અને આજે આપણા બંનેની સગાઈ થઈ ગઈ. અહી પ્રકૃતિ એ પોતાના પ્રેમની આખી વાત પૂરી કરી.

વીરે પ્રકૃતિ ના પ્રેમની આખી વાત સાંભળીને કહ્યું.
તો તમે બંનેએ હજુ સુધી લગ્ન કેમ કર્યા નહિ.? શું ગૌરવ લગ્ન માટે તૈયાર નથી.?

પ્રકૃતિ જવાબ આપતા કહે છે.
લગ્ન માટે અમે બંને તૈયાર છીએ પણ ગૌરવ એવું વિચારે છે કે જો હું પગભર થઈ જઈશ તો તને સારી રીતે સાચવી શકીશ. હાલ મારો અભ્યાસ પૂરો થઈ જવા દે. જોબ પર લાગી જાવ એટલે આપણે લગ્ન કરી લેશું.

વીર એટલું તો સમજી ગયો હતો કે પ્રકૃતિ ગૌરવ ને પામવા માટે જીવી રહી છે. પણ તે અત્યારે લાચાર છે. એક બાજુ ગૌરવ ને પગભર થવાની રાહ જુએ છે અને બીજી બાજુ પરિવાર કહે તેમ ચાલે છે.

વીર પણ પ્રકૃતિ સામે પોતાના પ્રેમની આખી ઘટના કહે છે. તે પણ કહે છે હું પલ્લવી નામની છોકરીને પ્રેમ કરું છું પણ તારી જેમ પરિવાર નાં વસમાં રહીને કઈ જ કરી શકું તેમ નથી.

બન્ને લાચાર હતા. બન્ને કોઈ બીજાને પ્રેમ કરતા હતા પણ પરિવાર નાં કારણે તેઓ પ્રેમને પામવા નિષ્ફળ નીવડી રહ્યા હતા. બંનેની સગાઈ જાણે પરાણે થઈ હોય તેવું મહેસૂસ કરી રહ્યા હતા એટલે તો આજે પ્રકૃતિ એ પહેલ કરીને વીર પાસે મદદ માંગી હતી.

વીર આગળ વાત કરે છે. તો પ્રકૃતિ હું શું મદદ કરું કે તારો પ્રેમ તને મળે.? મને મારી પલ્લવી.

તમારે ગમે તેમ કરીને આ સગાઈ તોડી નાખવાની છે જેથી આપણે બંને પોત પોતાના પ્રેમને પામી શકીએ.

વીર પાસે સગાઈ તોડવાના કોઈ કારણ હતા નહિ એટલે પ્રકૃતિ ને કહે છે. મારી પાસે કોઈ એવા કારણ નથી કે હું સગાઈ તોડી શકું. જો તારી પાસે કોઈ રસ્તો હોય તો તું બતાવ. વીરે પણ આ સગાઈ તોડવા પણ ભાર મુકતા કહ્યું

બંન્નેએ ઘણા વાર્તાલાપ કર્યા પણ તેમને સગાઈ તોડવાનો કોઈ રસ્તો મળ્યો નહી એટલે બંનેએ આખરે નક્કી કર્યું. હાલ પૂરતી આ સગાઈ રહેવા દઈએ. આપણે એક ભાવિ પતિ પત્ની તરીકે નહિ પણ એક દોસ્તની જેમ સાથે રહીશું. કેમકે આપણો અલગ વ્યવહાર જો પરિવાર ને ખબર પડશે તો તેઓ જલ્દી આપણા લગ્ન કરી નાખશે એ કરતા દોસ્તી નિભાવીને આપણે બંને લગ્ન માટેનો સમય પરિવાર પાસેથી માંગતા રહીએ જેથી સમય મળશે તો ચોક્કસ કોઈ રસ્તો મળી જશે.

વીર અને પ્રકૃતિ બન્ને કોઈ બીજાને પ્રેમ કરતા હતા. તેમના બન્નેનાં સપના હતા પણ સગાઈ તેમના પ્રેમના બાધા રૂપ બની રહી હતી. પણ હજુ લગ્ન થયા નથી તે બંને માટે સારી વાત હતી. હવે તેઓ બંને દોસ્ત બની ગયા એટલે દોસ્તીની વાતો કરવા લાગ્યા.

શું પ્રકૃતિ અને વીર ને સગાઈ તોડવાનો રસ્તો મળી શકશે.? વીર અમદાવાદ ગયો છે તો પ્રકૃતિ સાથે કેવો સમય વિતાવશે.? શું વીર ની આ સફર લગ્ન માટે ની તૈયારી તો નથી ને.? શું હવે બન્ને પરિવારો લગ્ન માટે ઉતાવળ કરશે.? જોઇશું આપણે આગળના ભાગમાં...

ક્રમશ...