Premni Anukampa - 8 in Gujarati Thriller by Jeet Gajjar books and stories PDF | પ્રેમની અનુકંપા - ભાગ ૮

Featured Books
Categories
Share

પ્રેમની અનુકંપા - ભાગ ૮

વીર ની પાસે બેસીને પ્રકૃતિ આખી વાત શરૂ કરે છે.

કોલેજનું પહેલું વર્ષ હતું. હું કોલેજ થી સાવ અજાણ હતી. એટલે મારે ખાસ કોઈ ફ્રેન્ડ હતું નહિ. બસ એકલી જતી અને આવતી અને અભ્યાસ પર જ મારું ધ્યાન હતું. મારો શાંત સ્વભાવ ક્યાંક ને ક્યાક મિત્રો બનાવવામાં નડતરરૂપ બની રહ્યો હતો. મારો ઉદાસ ચહેરો જોઈને ઘણા મારી સાથે દોસ્તી કરવા પણ તૈયાર હતા નહિ. હું સાવ એકલી અટૂલી હતી. તો પણ હું અંદર થી ખુશ હતી કેમકે હું મારી પોતાની જાત સાથે પ્રેમ કરતી. પોતાની જાત ને સમય આપતી. જે અત્યારે કોઈ કરતું નથી. બસ બીજાને પ્રેમ કરે છે અને બીજા માટે જીવે છે. હું મારા માટે જીવતી હતી.

એક દિવસ હું બસમાં કોલેજ જઈ રહી હતી. બસ માંથી નીચે ઉતરીને કોલેજના ગેટ પાસે ચાલીને પહોચી કે તરત એક મોટા વાહને મને ટક્કર મારી અને હું નીચે પડી ગઈ. લોહી લુહાણ હાલતમાં હું રોડ પર પડી હતી. મને ક્યાં ક્યાં વાગ્યું હતું તે મને ખબર હતી નહિ. બસ થોડી ભાનમાં અને થોડી બેહોશ હતી. ત્યાં એક યુવાન મારી પાસે આવ્યો. હું તેને સરખી રીતે જોઈ શકી નહિ. તેણે પહેલા મારો હાથ પકડ્યો. એવું લાગ્યું કે કોઈ મને જાણવાની કોશિશ કરે છે કે આ જીવે છે કે નહિ.

ત્યાંથી પસાર થતી એક કાર ને તેણે રોકી અને મને તે યુવાન હોસ્પિટલ લઈ ગયો. તરત મારી સારવાર શરૂ કરાવી. જ્યારે હું ભાનમાં આવી ત્યારે મારા હાથે અને પગે પાટાઓ બાંધ્યા હતા. મે સામે નજર કરી તો એક યુવાન મારી સામે બેઠો હતો. મારી બાજુમાં મમ્મી પપ્પા બેઠા હતા. મે મમ્મી પપ્પાને જોઈને તેમને કહ્યું.
આ યુવાન કોણ છે.?.

આ યુવાને જ તને હોસ્પિટલ પહોંચાડી છે. ડોકટરે કહ્યું સારું થયું સમય સર આવી ગઈ તમારી દીકરી નહિ તો તેનું લોહી વહી જવાના કારણે કઈ પણ થઈ શકે તેમ હતું.

આ સાંભળીને મને તે યુવાન પર પ્રેમ આવવા લાગ્યો. જાણે મારી નવી જિંદગી આપી હોય. હું બે ઘડી તો તેને નિહાળતી રહી. અને તે યુવાનનો મનમાં આભાર વ્યક્ત કરતી રહી. પણ થોડી મિનિટોમાં તે ત્યાંથી નીકળી ગયો.

બીજો દિવસ થયો એટલે હું હોસ્પિટલ નાં બેડ પર સૂતી હતી. પપ્પા મારી બાજુમાં બેઠા હતા. ત્યાં પેલો યુવાન આવ્યો અને મને કહ્યું.

હવે કેમ છે તમને.?
હું તમારી ખબર પૂછવા આવ્યો છું.

એક અજાણી વ્યક્તિ આપણી આટલી બધી કેર કરી શકે છે એવું પહેલી વાર મે જોયુ. હું થોડી ઊભી થઈને તેમને જવાબ આપ્યો.
"કાલ કરતાં બેટર છું.
તમારો ખુબ ખુબ આભાર."

એમાં આભાર શાનો. આતો મારી ફરજ હતી. એટલું કહીને તેમણે મારી સામે સ્માઈલ કરી અને મારા દુઃખી ચહેરા પર રોનક છવાઈ ગઈ હોય તેમ મે પણ તેમની સામે સ્માઈલ કરી. એવામાં પપ્પા એ કહ્યું. હું નીચે નાસ્તો કરીને આવું છું. પપ્પા નાસ્તો કરવા ગયા એટલે તે યુવાન પપ્પાની જ્ગ્યાએ બેસી ગયો. હું તેમને જોઈ રહી હતી. તે એકદમ મારી જેમ શાંત સ્વભાવ નો લાગી રહ્યો હતો. ચહેરા પર તેજ હતું. અને તે એક સારી વિચારધારા વાળો યુવાન લાગી રહ્યો હતો.

હું તેમને જોઈ રહી હતી ત્યાં તે યુવાન બોલ્યો.
"તમે જે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છો ત્યાં હું પણ અભ્યાસ કરું છું."

અરે વાહ...બસ હું એટલું બોલી. કેમકે હજુ મારામાં જોઈએ તેટલી હિંમત હતી નહી. મારા શરીર પર દુખાવો હતો.

તે યુવાન ઘણી વાતો કરવા માંગતો હતો પણ મારા તરફ થી હજુ જવાબ ન મળવાના કારણે તે ચૂપ રહ્યો. તે પણ મને જોઈ રહ્યો. ત્યાં થોડી મિનિટોમાં પપ્પા આવ્યા એટલે તે યુવાન ત્યાંથી નીકળી ગયો.

થોડા દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી મને રજા આપવામાં આવી. હું ઘરે પહોંચી પણ હજુ એકદમ ઠીક થઈ હતી નહિ એટલે ઘરે થોડા દિવસ આરામ કર્યો. પણ જ્યારે સાવ સાજી થઈ એટલે કોલેજ જવા નીકળી.

કોલેજમાં પહોચી એટલે તે યુવાન તેમના મિત્રો સાથે ઊભો રહીને વાતો કરી રહ્યો હતો. હું તેનો ફરી આભાર માંગવા માંગતી હતી પણ ઘણા મિત્રો તેની પાસે ઊભા હતા એટલે આ સમય મને યોગ્ય લાગ્યો. પણ હું જ્યારે તેની પાસેથી પસાર થઈ ત્યારે તે યુવાને મને જોઈ હતી.

બીજા દિવસે હું તને મળવા માંગતી હતી. તેનો આભાર વ્યક્ત કરવા માંગતી એટલે હું કોલેજના કેમ્પસમાં ઉભી રહીને તેની રાહ જોવા લાગી. મને ખ્યાલ હતો કે ક્લાસ પૂરા કર્યા પછી તે જરૂરથી આ તરફ આવશે અને એવું જ થયું. તે તેના મિત્રો સાથે આ તરફ આવી રહ્યો હતો. મિત્રો સાથે છે અને હું તેને મળી નહિ શકું તેઓ દિલમાં એક અફસોસ થવા લાગ્યો. આજ સુધી હું કોઈ યુવાનો સાથે મળીને વાત કરી ન હતી એટલે મને સરમ સંકોચ હતો.

મારી પાસેથી તે યુવાન અને મિત્રો પસાર થયા અને હું તેને બોલવી પણ શકી નહિ. એ દુઃખ થવા લાગ્યું હતું ત્યાં તે યુવાન તેમના મિત્રો થી અલગ થઈને મારી પાસે આવ્યો.

તેને જોઈને મારા ચહેરા પર ખુશી આવી ગઈ. જાણે આજે મનમાં રહોલો બોજ આજે હળવો થશે એવું લાગવા લાગ્યું. કોઈક તો છે જેને હું ઓળખું છું તેને જાણું છું એવું મનમાં થવા લાગ્યું હતું. તે યુવાન સામે આવવાની સાથે હું બોલી.

તમારો ખુબ ખુબ આભાર. તમારા કારણે હું અહી છું. નહિ તો ખબર નહિ હું ક્યાં હોત અને કેવી સ્થિતિમાં હોત. આભાર વ્યક્ત કરતી હું બોલી.

તે યુવાન મારી સામે જોઇને હસ્યો અને બોલ્યો.
આપ આવી રીતે આભાર વ્યક્ત કરતા રહેશો તો.... હું તો....!
આટલું કહીને તે યુવાન અટકી ગયો.

મારે આગળ શું કહેવું તે સમજ પડી રહી ન હતી પણ એટલું જરૂરથી બોલી.
જો તમારા જેવા સેવાભાવીઓ આ દુનિયામાં હશે તો માનવતા મરી નહિ જાય. આટલું કહીને મે મારો પરિચય આપ્યો.
"મારું નામ પ્રકૃતિ છે."

હાથ લંબાવીને તે યુવાન બોલ્યો.
મારું નામ ગૌરવ છે.

અમે બંનેએ હાથ મીલાવ્યા એટલે એવું લાગ્યું કે દોસ્ત બની ગયા. હજુ આગળ કઈ વાતો થાય તે પહેલાં ગૌરવ ને તેના મિત્રોએ સાદ પાડીને તેની પાસે બોલાવી લીધો.

ઘણા દિવસો વીતતા ગયા પણ જાણે તે યુવાન સપનું બનીને મારી લાઇફ માંથી નીકળી ગયો હોય તેમ અમે બંને પરિચય થયા પછી મળી ચૂક્યા નહિ હું મારા અભ્યાસમાં ધ્યાન આપવા લાગી. ક્યારેક તેને જોઇને મળવાનું મન થતું હતું પણ તેમની સાથે તેમના મિત્રો હોવાના કારણે હું તેને મળી શકતી ન હતી. તે પણ તેના મિત્રો સાથે એટલો વ્યસ્ત હતો કે મારી તરફ તેની નજર પડતી ન હતી. મને ફરી ગૌરવ ને મળવાનું મન થયું હતું કેમકે કોલેજમાં આ એક જ યુવાન હતો જેને હું નજીકથી ઓળખતી હતી. પણ હું તેને મળી શકતી ન હતી તે અફસોસ રહેવા લાગ્યો હતો. આમ દિવસો પછી દિવસો પસાર થવા લાગ્યા. અને હું ગૌરવને ભૂલવા લાગી.

શું ગૌરવ અને પ્રકૃતિ ની મિત્રતા આગળ વધશે છે કે પ્રકૃતિ નાં જીવનમાં બીજો કોઈ યુવાન આવશે.? પ્રકૃતિ પોતાની જીવનની વાત વીર સામે શા માટે કરી રહી હતી.? હું તેમાં તેનો પણ સ્વાર્થ હતો. પ્રકૃતિ ના જીવનની ગાથા શું છે તે જોઇશું આપણે આગળના ભાગમાં....

ક્રમશ..