Pranay Parinay - 65 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 65

The Author
Featured Books
Share

પ્રણય પરિણય - ભાગ 65

પ્રણય પરિણય ભાગ ૬૫


'હેલો..' ડોક્ટર સ્ટીફન ગઝલ અને સમાઈરાની સામે જોઈને બોલ્યા.


ગઝલ અને સમાઈરાએ પણ તેમનુ અભિવાદન કર્યું. એકબીજાના ખબર અંતર પૂછ્યા પછી ગઝલ ઉભી થતા બોલી: 'નાઉ યૂ ટુ પ્લીઝ કન્ટિન્યુ યોર કન્વર્શેશન, આઈ એમ ગોઈંગ આઉટ.' અને તે બંને સામે સ્માઈલ કરીને નીકળી ગઈ.


ગઝલના ગયા પછી ડોક્ટર સ્ટીફન અને સમાઈરા એકલા પડ્યાં. બેએક ક્ષણની અકળાવનારી ખામોશી તોડતા ડોક્ટર સ્ટીફન બોલ્યાં: 'સો મિસ સમાઈરા, 'યૂ વોન્ટેડ ટૂ ટોક ટુ મી. પ્લીઝ આસ્ક મી એનીથિંગ યુ વોન્ટ.'


'ડોક્ટર..' સમાઈરા બોલી. પછી ગળુ ખંખેર્યુ અને પુછ્યું: ' તમે શા માટે મારી સાથે લગ્ન કરવા માંગો છો?' સમાઈરા સીધી મુદ્દા પર જ આવી. ડોક્ટર સ્ટીફનને સમાઈરાના આમ સીધા સવાલની અપેક્ષા નહોતી એટલે તે અચંબો પામ્યા, ક્ષણાર્ધ માટે ખચકાયા પણ તરતજ તેમણે સ્વસ્થતા કેળવી લીધી.


'બિકોઝ આઈ લાઈક યુ..' ડોક્ટર સ્ટીફને કહ્યું. તે મૃદુ અને સરળ પણ સ્પષ્ટવક્તા હતાં.


'આપણે મળ્યાં એને હજુ વીસ દિવસ થયા છે, ત્યાં હું તમને ગમવા પણ લાગી?'


'ના, મેં તો તને બે વર્ષથી જોઈ છે, અને ત્યારથી તું મને ગમે છે.'


'વ્હોટ?' સમાઈરાને આશ્ચર્ય થયું.


'હાં, તને કદાચ યાદ નહીં હોય પણ યુ.એસ.માં આપણે બે વખત મળ્યા છીએ.' એમ કહીને ડોક્ટર સ્ટીફને તેમની મુલાકાત ક્યાં અને કેવી રીતે થઈ હતી એ વિશે વાત કરી.


ડોક્ટર સ્ટીફને પણ સમાઈરાની જ કોલેજમાંથી એમ. એસ. કર્યુ હતું. એ સમાઈરા કરતાં ચાર વરસ સિનીયર હતા.

એક વાર કોન્ફરન્સ માટે અને એક વાર કોલેજ ગેધરિંગ વખતે તેઓ તેની કોલેજમાં આવ્યા હતાં. પહેલી વાર આવ્યાં હતાં ત્યારે સમાઈરાએ ગેસ્ટ્રોસ્ટોમી સર્જરી પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. સમાઈરા તો ડોક્ટર સ્ટીફનને ઓળખતી નહોતી પણ ડોક્ટર સ્ટીફનને એ પહેલી નજરે જ ગમી ગઈ હતી. પછી તેના બાબત ઇન્કવાયરી કરતાં તેને ખબર પડી હતી કે તે ઈંડિયાથી આવી છે.

તે જાણતા હતાં કે ભારતની લગ્ન સંસ્થા ખૂબ મજબૂત છે. અહીં લગ્નને બે શરીરનું મિલન નહીં પણ બે આત્માઓનુ પવિત્ર બંધન માનવામાં આવે છે. ફકત બે વ્યક્તિઓ નહીં પરંતુ બે કુટુંબ વચ્ચે સંબંધ બંધાય છે. અહીં દંપતિ એક બીજાને પ્રેમ કરે છે અને જીંદગીભર સાથ નિભાવે છે. તેને ભારતીય સંસ્કૃતિ પણ ખૂબ આકર્ષતી હતી.

ડોક્ટર સ્ટીફને પોતાના પેરેન્ટસના ખરાબ લગ્ન જીવનને જોયું હતું. એથી એ અંદરથી ઈચ્છતા હતા કે તેના લગ્ન કોઈ ભારતીય છોકરી સાથે થાય. એમાં તેણે સમાઈરાને જોઈ અને પહેલી નજરમાં જ તેને ગમી ગઈ. જયારે બીજી વખત જોઈ ત્યારે તે નજીક જવાનો મોકો શોધી રહ્યા હતા પણ સમાઈરા તેના આટલા બધા ફ્રેન્ડસ વચ્ચેથી એકલી જ ના પડી. એ સમયે જ ડોક્ટર સ્ટીફને મનમાં ગાંઠ વાળી કે નેક્સ્ટ ટાઈમ ગમે તેમ કરીને સમાઈરા સાથે ડેટ પર જવું. પરંતુ કુદરતની ઈચ્છા કંઈક અલગ હશે એટલે તેઓ કામમાં એટલાં બધાં વ્યસ્ત થઈ ગયા કે મળવાનું તો છોડો બે વરસ સુધી તેનો ચહેરો જોવાનું પણ શક્ય ના બન્યું. ડોક્ટરો સાથે હંમેશા આવુ બનતું હોય છે.


જોકે ડોક્ટર સ્ટીફનના મન હૃદયમાં સમાઈરાનો ચહેરો અંકાઈ ગયો હતો એટલે કાવ્યાનાં ઓપરેશન વખતે જ્યારે તેણે સમાઈરાને જોઈ ત્યારથી તેની ઉર્મિઓ ઉછાળા મારવા લાગી હતી. તેઓ કાવ્યા સાજી થઇ ત્યાં સુધી ભારતમાં જ રોકાઈ ગયાં. તેણે ધીમે ધીમે સમાઈરાનો સ્વભાવ ઓળખ્યો અને શ્રોફ ફેમિલી વિશે જાણ્યું. તેને સમાઈરા અને તેની સંસ્કારી, મળતાવડી ફેમિલી ખૂબ ગમી એટલે એક દિવસ તેણે ડોક્ટર આચાર્ય પાસે પોતાનું હૃદય ખોલ્યું. અને શ્રોફ ફેમિલી સાથે પોતાની ફેમિલી વિશે વાત પણ કરી. પછી જ્યારે કૃષ્ણકાંત અને વિવાન સમાઈરા માટે વાત લઈને આવ્યાં ત્યારે તેમણે તરત જ હાં પાડી દીધી.


'હવે સમજાયું કે ફક્ત વીસ જ દિવસમાં તું મને નહોતી ગમવા લાગી.' ડોક્ટર સ્ટીફને પોતાની વાત સમાઈરાને વિસ્તાર પુર્વક સમજાવતાં કહ્યુ.


તેને હવે શું કહેવું એ કંઇ સમાઈરા ને સમજાતું નહોતું.


'વેલ, બિફોર વી કમ ટુ એની ડિસીજન, તમારે મારા વિશે બધું જાણી લેવું જોઇએ. બાળપણથી મે..' સમાઈરા તેના અને વિવાન વિશે કહેવા માંગતી હતી પણ ડોક્ટર સ્ટીફને તેને અધવચ્ચે જ અટકાવી.


'બાળપણથી જ તને વિવાન ગમતો હતો.. આજ સુધી તેના સિવાય તે બીજા કોઈ છોકરા માટે વિચાર પણ નથી કર્યો બરોબર?' ડોક્ટર સ્ટીફન બોલ્યાં.

સમાઈરા આશ્ચર્યથી એને તાકી રહી.


'વિવાને આ બધું મને પહેલાંથી જ જણાવી દીધું છે. એન્ડ આઈ એમ ઓકે વિથ ઈટ.. મને કોઈ પ્રોબ્લેમ નથી. ઈટ ઈઝ અ પાર્ટ વ્હોટ મેડ યુ અમેઝિંગ ટુ ડે. ઈનફેકટ, આઈ એમ ફીલિંગ પ્રાઉડ ઓફ યુ, આઈ લાઈક ધ વે યુ હેવ નેવિગેટેડ યોર લાઈફ વિથ સચ ગ્રેસ એન્ડ સ્ટ્રેન્ગ્થ..' કહીને ડોક્ટર સ્ટીફને સમાઈરાનો હાથ પોતાના હાથમાં લીધો.


ડોક્ટર સ્ટીફનની વાત સાંભળીને સમાઈરાને સાનંદાશ્ચર્ય થઈ રહ્યું હતું. એને માનવામાં નહોતુ આવતું કે કોઈ અમેરિકનનુ હૃદય પણ એટલું લાગણીથી ભરેલું હોય શકે છે.


'જે છોકરી નાનપણથી એક જ છોકરાને ચાહતી હતી, તેની સાથે જીંદગી વિતાવવાના સપના સેવ્યા હતા.. તેની ખુશી માટે થઈને પોતે જ પોતાના પ્રેમની કુરબાની આપી દીધી.. આજે એ છોકરી બધુ ભૂલીને એ છોકરાને ખુશ જોઈને પોતે ખુશ થઈ રહી છે.. એના પરથી હું દાવા સાથે કહી શકું છું કે તારા લગ્ન જેના પણ સાથે થાય, તું તેને પણ એટલી જ વફાદારીથી પ્રેમ કરશે એ નકકી વાત છે.' ડોક્ટર સ્ટીફન બોલ્યાં અને સમાઈરાની આંખો ભરાઈ આવી.


ડોક્ટર સ્ટીફને ટિશ્યૂ લઈને પોતાના હાથે સમાઈરાના આંસુ લૂછ્યાં.


'હું તને કયારેય નહીં કહું કે તું વિવાનને ભૂલી જા.. મને ખબર છે કે એ શક્ય નથી કેમકે એ તારો પહેલો પ્રેમ છે. મારે તો તારા હૃદયમાં મારી અલગ જગ્યા બનાવવી છે. એના માટે પ્લીઝ મને એક ચાન્સ આપ..' ડોક્ટર સ્ટીફન ભાવુક થઇને બોલ્યા.


સમાઈરાને તેની આંખોમાં નિતાંત પ્રેમ સાથે તેને મેળવવાની તડપ અને શુધ્ધ પ્રામાણિકતા સ્પષ્ટ દેખાઈ રહી હતી.


'આઈ વિલ બી ઓલવેઝ બાય યોર સાઈડ વીથ માય અનકન્ડિશનલ લવ એન્ડ કેર. સમાઈરા, વિલ યૂ મેરી મી..?' ડોક્ટર સ્ટીફને સમાઈરાનો હાથ પોતાના હાથમાં લઈને ખૂબ પ્રેમથી પૂછ્યું.


સમાઈરાએ તેની આંખોમાં જોઇને હકારમાં માથુ હલાવ્યું. ડોક્ટર સ્ટીફને ખુશ થઈને તેને આલિંગન આપ્યું. સમાઈરા કંઇ બોલી શકી નહીં. તેણે ડોક્ટર સ્ટીફનની પીઠ ફરતા હાથ વીંટાળીને એક અનન્ય સંતોષથી આંખો મીંચી લીધી જાણે તેને આવા જ પ્રેમની તલાશ હતી. એક એવી વ્યક્તિ હોય કે જે ફક્ત તેની જ હોય, ફકત તેને જ પ્રેમ કરે, કોઈ શરતો વિના. ડોક્ટર સ્ટીફન એ વ્યક્તિ હતા.


'જઈશું?' ડોક્ટર સ્ટીફન તેનાથી અળગા થતાં બોલ્યા.


'હમ્મ..' કહીને સમાઈરાએ તેનો હાથ પકડયો અને બોલી: 'થેન્ક યુ.'


બંને જણ એકબીજાનો હાથ પકડીને રૂમની બહાર આવ્યાં. તેઓને જોઈને ગઝલ ઉછળી પડી. એ તરતજ નીચે દોડી. વૈભવીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.


'શું થયું..' ગઝલને એટલી હરખાયેલી જોઈને કૃષ્ણકાંત, કાવ્યા અને દાદી એક સાથે બોલી ઉઠ્યા.


'ડન..' ગઝલ બેઉ હાથે થમ્બસ્અપની નિશાની બતાવીને બોલી.


'ભગવાનની કૃપા..' દાદી ખુશ થઈને બોલ્યા પછી ગુરુજી તરફ જોઈને કહ્યું: 'ગુરુજી, તમે સમાઈરાના લગ્ન માટે વહેલામાં વહેલું મુહૂર્ત કાઢી આપો. શુભ કામમાં મોડું નથી કરવું.'


'ઠીક છે, પણ પહેલા હવનનું કાર્ય પતાવી લઈએ પછી હું મુહૂર્ત કાઢી આપીશ.' ગુરુજીએ કહ્યુ.


'હાં એ વાત બરાબર છે. પહેલા હવન.. પછી નિરાંતે મુહૂર્ત જોઈશું.' વૈભવીએ કહ્યું.


'ગઝલ બેટા, વિવાન ક્યાં છે? તમારે સજોડે હવનમાં બેસવાનું છે.' દાદીએ ગઝલને પુછ્યું.


'મને ખબર નથી બા.. એ તો સવારના બહાર નીકળી ગયા છે.'


'અરે માં, વિવાન તેના કોઈ ફ્રેન્ડને રિસીવ કરવા એરપોર્ટ ગયો છે.' કૃષ્ણકાંતે કહ્યુ.


'અરે ભગવાન! હવે?' દાદી મુંઝાઈને બોલ્યાં.


'હું ફોન કરી જોઉં છું.' એમ કહીને રઘુ બહાર નીકળ્યો અને થોડી મિનિટમાં પાછો આવ્યો. અને બોલ્યો: 'ભાઈ સાથે મારે વાત થઈ ગઈ છે, એ થોડી વારમાં આવે છે.'


'ઠીક છે, ત્યાં સુધી આપણે તૈયારીઓ શરૂ કરીએ..' ગુરુજીએ કહ્યુ અને હવનની તૈયારીઓ શરૂ કરી.


લગભગ દસેક મિનિટ પછી વિવાન આવ્યો. તેના હાથમાં એક મોટી બેગ હતી અને તેની સાથે એક ખૂબસૂરત યુવતી હતી. હકીકતમાં એ યુવતી સમાઈરાની ફ્રેન્ડ હતી. યુ.એસ.માં તેની સાથે જ એમ એસ કરી રહી હતી. પણ ગઝલ તો તેને ઓળખતી નહોતી એટલે એ યુવતીને જોઈને તેને ફફડાટ થયો.


'ફ્રેન્ડને રિસીવ કરવા ગયા છે એટલે મને તો એમ કે કોઈ છોકરો હશે, આ તો છોકરી એની ફ્રેન્ડ નીકળી..' ગઝલ મનમાં જ બોલી.


વિવાને એક નોકરને તેનો સામાન આપ્યો અને તે યુવતીને ગેસ્ટરૂમમાં મોકલી દીધી અને પોતે હવનમાં બેસવા આવ્યો. એ ગઝલની બાજુમાં જઈને બેઠો.


ગઝલ વિવાન તરફ જોઈ રહી હતી પણ વિવાનને જાણે કંઈ ખબર જ નહોય તેમ એ તો પૂરી એકાગ્રતાથી પૂજામાં લીન થઈ ગયો હતો. આહુતિઓ અપાઈ, હવન પૂરો થયો. બધાં ફરાળ વગેરે કરીને બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા.


ગુરુજીએ લગ્ન માટે અઠવાડિયા પછીનું મુહૂર્ત કાઢ્યું હતું. બધાને લાગતુ હતું કે ઘણું વહેલું મુહૂર્ત છે. ધામધૂમથી લગ્ન કરવા માટે સમય ઓછો છે. પણ ડોક્ટર સ્ટીફનના વિઝા પૂરા થઈ રહ્યાં હતાં અને અમેરિકામાં પણ તેના કમિટમેન્ટસ કરેલા પેશન્ટસ રાહ જોઈ રહ્યા હતા. જો કે તેનું શિડ્યૂલ ઘણું ટાઈટ હોય છે એ તો બધાને ખબર જ હતી. સમય ઓછો અને કાવ્યાને હજુ થોડી વીકનેસ હતી એટલે બધાએ નક્કી કર્યું કે ગુરુજીએ કાઢેલા મુહૂર્તને દિવસે સમાઈરા અને ડોક્ટર સ્ટીફનના સાદાઈથી કોર્ટે મેરેજ કરવાં.


'કોન્ગ્રેચ્ચુલેશન્સ..' વિવાને ડોક્ટર સ્ટીફનને ભેટીને અભિનંદન આપ્યા.


'થેન્ક યુ..' સ્ટીફને કહ્યુ.


'આઈ એમ વેરી હેપ્પી ફોર યુ..' વિવાને સમાઈરાને ભેટીને કહ્યુ. સમાઈરા મીઠું હસી.


બધા વારા ફરતી ગુરુજીને પગે લાગ્યા. ગુરુજી બધાને આશિર્વાદ આપીને વિદાય થયા. એના ગયા પછી થોડીવારમાં ડોક્ટર સ્ટીફન પણ બધાંને બાય બાય કરીને નીકળ્યા. સમાઈરા, કૃષ્ણકાંત, દાદી અને વૈભવી તેને વળાવવા માટે બહાર સુધી ગયાં.

હવે હોલમાં રઘુ, વિવાન, કાવ્યા અને ગઝલ જ હતાં.


'વિવાન..' ગઝલ કંઈક બોલવા ગઈ ત્યાં પાછળથી કોઈનો અવાજ આવ્યો: 'હેય, વિવાન..'


'યસ કિયારા..' વિવાન એકદમ લાડથી બોલ્યો.


'આ ખોલી આપ ને..' કિયારા બોલી.


'શું ખોલવું છે?' રઘુએ પુછ્યું.


'મારી બેગ..'


'હાં ચલ, હું ખોલી આપુ.' કહેતો રઘુ આગળ વધ્યો.


'ના ના, વિવાન તું જ આવને..' કિયારા બોલી.


'હાં, આવ્યો.' કહીને વિવાન તરત જ તેની રૂમમાં ગયો. ગઝલ મુંઝાઈને તેને જતો જોઈ રહી.


'કહેતો હતો.. હું કહેતો હતો કે માની જાવ.. બહું રિસાવામાં માલ નથી.. હવે આવી ગઈને આ કિયારા??' રઘુ એકદમ ગઝલના કાન પાસે જઈને ધીમેથી બોલ્યો અને ત્યાંથી નીકળી ગયો.


ગઝલનો ચહેરો રડવા જેવો થઈ ગયો અને તે દોડતી પોતાની રૂમમાં જતી રહી.


આ બધું જોઇને કાવ્યા હસી પડી.


**


રાત્રે ડિનર સમયે વૈભવીએ બધાને બોલાવ્યા. ગઝલ અને દાદી કંઈક વાતચીત કરી રહ્યા હતા. એટલામાં વિવાન તૈયાર થઈને નીચે આવ્યો. ગઝલ તેની સામે જોઈ રહી.


'વિવાન બેટા, ક્યાં બહાર જાય છે કે?' દાદીએ પૂછ્યું.


'હાં દાદી.. ડિનર બહાર કરવાના છીએ.' વિવાને કહ્યુ.


'અચ્છા!? પણ ગઝલએ તો કંઈ કહ્યું નહીં! ઠીક છે, જાઓ.. ગઝલ બેટા, જા તું તૈયાર થઈ જા.' દાદીએ કહ્યું. ગઝલ ખુશ થઈ ગઈ. આજે દિવસ દરમિયાન વિવાન તેની સાથે બોલ્યો નહોતો કે નહોતું તેની સામે જોયુ એટલે જ કદાચ ડિનરનો પ્લાન બનાવ્યો હશે એવું તેણે ધાર્યું.


'હાં બા..' ગઝલ ઉભી થતા બોલી.


'દાદી, હું તો કિયારા જોડે જવાનો છું.' વિવાન બોલ્યો.

બધાં આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યાં.


'સાથે સમાઈરા પણ આવે છે, અને સ્ટીફનને પણ બોલાવ્યા છે. ફકત અમે ચાર જણા જ મળવાના છીએ.' વિવાને ચોખવટ કરી.


સમાઈરાને સ્ટીફન સાથે સમય પસાર કરવા મળશે એ જાણીને વૈભવી ખુશ થઈ. તેણે વિચાર્યું કે એ બંનેને એકબીજાને સમજવાનો મોકો મળશે.


'ભલે ભલે, જાઓ તમ તમારે!' વૈભવી ફઈ હસીને બોલ્યા.

વિવાન પોતાને છોડીને બીજા સાથે જાય છે એ જોઈને ગઝલને ખૂબ ખરાબ લાગ્યું. સૌથી વધુ દુખ તો વિવાને એને સાથે આવવાનું સાચે ખોટે પણ પૂછ્યું નહીં એ વાતનું થયું.


એટલામાં સમાઈરા અને કિયારા એકદમ મસ્ત તૈયાર થઈને નીચે આવ્યા.


'વાઉ..!! યૂ આર લુકિંગ બ્યૂટીફૂલ..' વિવાને કિયારાની તારીફ કરી.


'થેન્કસ ડિઅર!' કહીને કિયારા વિવાનને ભેટી.

પછી ત્રણે જણા બહાર જવા વળ્યા.


'ફઈ, અમારે આવતાં મોડું થશે..' વિવાન ભાર દઇને બોલ્યો અને બહાર નીકળી ગયો. તેણે એકવાર પણ ગઝલ સામે જોયું નહીં. ગઝલ સજળ નયને તેને જતો જોઈ રહી.


'ગઝલ બેટા, ચલ આપણે જમી લઇએ..' કૃષ્ણકાંત બોલ્યાં.


'હાં પપ્પા..' ગઝલ ધીમે અવાજે બોલી અને બધા સાથે બેસીને જમી. એકચ્યુઅલી તેને જમવાની ઈચ્છા જ મરી ગઈ હતી પણ બધા નકામા ચિંતા કરશે અને વાત વધુ બગડશે એમ વિચારીને પરાણે હસતું મોઢું રાખીને તેણે થોડું ખાધું.


'વિવાન, તું તો ગયો હવે.. ગઝલ તારો વારો પાડવાની છે.' બહાર નીકળતાં જ કિયારા બોલી.


'બહુ નારાજ થઈ ગઈ હતી કે?' વિવાન ચિંતિત સ્વરે બોલ્યો.


'નારાજ તો નહીં પણ રડવા જેવી તો થઈ જ ગઈ હતી.' કિયારાએ કહ્યુ.


'આ બધું આ રઘુના લીધે થયું છે.' એમ કહીને વિવાન રઘુને મારવા દોડ્યો.


રઘુ ગાડી પાસે ઉભો હતો વિવાન તેની નજીક આવ્યો એટલે 'મેં શું કર્યું?' એમ કહેતા રઘુ ભાગ્યો.


'સવારે હું એરપોર્ટ પર હતો ત્યારે તે જ મને ફોન કરીને આઈડિયા આપ્યો ને કે ભાભીને ઈગ્નોર કરો તો એ તમારી વધુ નજીક આવશે?' વિવાન બોલ્યો.


'એમ જ થશે ભાઈ..'


'એક વાત સમજી લેજે, જો એ વધારે નારાજ થઈને પિયર જતી રહેશે તો તને અહીને અહીં જ જીવતો દાટી દઈશ..' વિવાને રઘુનો કોલર પકડીને કહ્યું.


'તમે નિરાંત રાખોને ભાઈ, એવું કંઈ નહીં થાય..' રઘુ હસતા હસતા બોલ્યો.


'એવું થાય પણ ખરુ હો કંઈ કહેવાય નહીં.' સમાઈરા વિવાનને ભડકાવતા બોલી.


'અરે યાર.. તમે બધા મારા પ્યારના દુશ્મન છો.. મહા મુસીબતે એ મારી નજીક આવી રહી હતી..' વિવાન ઉદાસ થઈને બોલ્યો.


'ભાઈ, થોડી ધીરજ રાખો.. એ તમને સામેથી આઈ લવ યુ પણ કહેશે.' રઘુ બોલ્યો.


'સાચ્ચે?' વિવાન ખુશ થયો.


'૧૦૦ ટક્કા..' રઘુએ છાતી ઠોકી.


.

.

ક્રમશઃ


**


શું રઘુનો પ્લાન સફળ થશે?


શું ગઝલ વિવાનને આઈ લવ યૂ કહેશે?


કે પછી ગઝલ પાછી પિયર જતી રહેશે?


**


❤ પ્રકરણ વાંચીને આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. ❤