Pranay Parinay - 66 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 66

પ્રણય પરિણય ભાગ ૬૬


વિવાન, રઘુ, કિયારા તથા સમાઈરા નજીકની એક ફાઈવ સ્ટાર હોટેલમાં પહોચ્યા. થોડીવારમાં ડોક્ટર પણ પહોંચ્યા. વિવાન, કિયારા તથા રઘુએ પોતાની અલગ મંડળી જમાવીને સ્ટીફન અને સમાઈરાને પૂરતી મોકળાશ કરી આપી જેથી કરીને તેઓ બન્ને સાથે સમય ગાળી શકે.


એ બધાં વાતો કરી રહ્યા હતા ત્યારે રઘુના મોબાઈલ પર એક મેસેજ આવ્યો. મેસેજ વાંચીને તરત જ તેણે વિવાનને ફોરવર્ડ કર્યો.


વિવાનના ફોનમાં મેસેજ ટોન વાગ્યો, તેણે નોટીફિકેશનમાં જોયું તો રઘુનો મેસેજ હતો. એક જ ટેબલ પર બેઠાં હોવા છતા રઘુએ મેસેજ કર્યો એટલે વિવાન સમજી ગયો કે જરુર કોઈ અતિ મહત્વની વાત હશે. મેસેજ ઓપન કરીને તેણે જોયું તો તેમાં લખ્યું હતું કે: 'મલ્હારના જામીન મંજૂર થઇ ગયા છે. કાલે બહાર આવી જશે.'


વિવાને રઘુ સામે જોયુ, બંનેએ આંખોથી જ કંઈક વાતચીત કરી લીધી. અને ડિનરમા ધ્યાન પરોવ્યું.


ડિનર પતાવીને ત્યાંથી નીકળતા પહેલા સમાઈરાએ બધાના ઘણાં ફોટા લીધા અને પોતાના સ્ટેટસમાં નાખ્યા. તેમાં વિવાન અને કિયારાના પણ ઘણા ફોટા હતાં.


આ બાજુ ગઝલ નવરી પડીને સૂવા માટે પોતાની રૂમમાં આવી. વિવાનની વાટ જોતા જોતા તે મોબાઈલમાં ટાઈમ પાસ કરી રહી હતી. ત્યાં તેને સમાઈરાનું અપડેટ થયેલું સ્ટેટસ દેખાયું. સ્ટેટસ ખોલીને તે ફોટા જોવા લાગી. ફોટામાં કિયારાને વિવાનની એટલી નજીક જોઈને તેને બળતરા થવા લાગી. અને રડવા જેવી થઈ ગઈ.


તેણે તરતજ નીશ્કાને ફોન લગાવ્યો.


'નીશુઉઉઉ..' ગઝલ નાક ખેંચતી બોલી.


'હવે શું થયું ગઝલ?'


'એ જોને વિવાન..' ગઝલએ રડમસ અવાજે આખી વાત કહી સંભળાવી.


'અરે ગાંડી.. બધું વ્યવસ્થિત ચાલતું હતું પછી એટલું બધું લાંબુ તાણીને નકામી ઉપાધિ ઉભી કરવાની શું જરૂર હતી?' નીશ્કા તેને ખીજાતા બોલી.


'એ તો સમાઈરાએ મને કહ્યુ હતું કે વિવાનની ભૂલ છે તો એને પનીશ કર એમ..' ગઝલ રડતાં રડતાં નાક ખેંચતી બોલી.


'એ ઈડિયટ.. કોઈ તને કહે કે ઊંડા ખાડામાં પડ તો પડી જવાનું? એ તો કંઈ પણ કહે, તને તો ખબર છે ને કે તને તકલીફ ના થાય એટલે વિવાને તને કશું નહોતું કહ્યુ! એ વિષયમાં ચોખવટ પણ થઈ ગઈ હતીને તમારી બંનેની? તને પણ ખબર છે કે વિવાન તને ખૂબ પ્રેમ કરે છે. ચલ, એકાદ દિવસ માટે ઠીક છે, પછી એ તને એટલો મનાવતો હતો તો તારે રીસામણાં છોડી દેવા જોઈતા હતા. તું કારણ વગર ખેંચવા ગઈ એમાં આ બધું થયું! હવે બેસ થોબડો ચઢાવીને..' નીશ્કા ખરેખરની ખીજાઈ હતી.


'હવે તુ તો ગુસ્સો નહીં કર પ્લીઝ..' ગઝલ ઢીલાઢસ અવાજે બોલી.


'ગુસ્સો ના કરું તો શું આરતી ઉતારું તારી?'


'એવું કેમ બોલે છે નીશુડી? તું કંઈક આઇડિયા આપને.' ગઝલ લાચાર અવાજે બોલી.


નીશ્કાને પણ પોતાની ફ્રેન્ડની હાલત માટે દુઃખ થતું હતું. છેવટે એ તેની બેસ્ટ ફ્રેન્ડ હતી.


'સાંભળ, હવે વધુ મૂર્ખાઈ કરતી નહીં. વિવાનને રીઝવવા માટે તું તૈયાર થા, થોડું રોમેન્ટિક વાતાવરણ બનાવ અને એ જેવો ઘરમાં આવે કે તરતજ એના સામે તારા પ્રેમનો એકરાર કરી દેજે. મતલબ કે તું વિવાનને "આઈ લવ યુ" કહી દેજે.'


'હમમ..'


'હમમ.. નહીં, ચોક્કસ કહી દેજે.' નીશ્કા કડક અવાજે બોલી.


'હાં, ઓકે..' ગઝલ બોલી.


પછી થોડી આડી અવળી વાતો કરીને ગઝલએ ફોન મુક્યો. અને આંખો લૂછતી ફ્રેશ થવા ગઈ. તેણે પહેલા જે શોપિંગ કર્યું હતું એમાંથી એક સરસ મજાનો ડ્રેસ પહેર્યો અને સરસ રીતે તૈયાર થઈ. તેણે રૂમમાં સુંદર સુવાસિત કેન્ડલ્સ લગાવી, મ્યુઝિક સિસ્ટમ પર ધીમુ રોમાન્ટિક સંગીત શરૂ કર્યું અને એકદમ આહ્લાદક વાતાવરણ તૈયાર કર્યું.

પછી પોતે બાલ્કનીમાં જઈને વિવાનની રાહ જોતી ઉભી રહી.


થોડીવારમાં જ બંગલાના મોટા ગેટમાંથી વિવાનની કાર દાખલ થઇ. એ જોઈને ગઝલ ખૂબ ખુશ થઈ. તે અધીરાઇથી કારને જોઈ રહી પણ એમાંથી ફક્ત રઘુ અને સમાઈરા બહાર આવ્યાં. વિવાન અને કિયારા કારમાં હતા જ નહીં.


ગઝલ તરતજ અંદર આવી. એટલી વારમાં સમાઈરા પણ ઉપર આવીને તેની રૂમમાં આવી.


'ઓહ માય ગોડ!! કેટલી મસ્ત લાગી રહી છે! શું તું પણ બહાર ગઈ હતી?' સમાઈરા તેની સામે જોઈને બોલી.


'નહીં રે! હું ક્યાં જવાની હતી?'


'અચ્છા તો વિવાન માટે તૈયાર થઇ છે!' સમાઈરા મસ્તી કરતાં બોલી.

ગઝલ શરમાઈ ગઈ.


'વિવાન ક્યાં રહી ગયા?' ગઝલએ પૂછ્યું.


'એ તો કિયારાને હજુ રખડવું હતું એટલે તેની સાથે રોકાયો છે. અમે થાકી ગયા એટલે આવી ગયાં.' સમાઈરાએ કહ્યુ. પછી એક બગાસું ખાધું અને બોલી: 'ચલ હું તો સૂવા જઉં છું. ફૂલ જમી છું તો હવે ઉંઘ આવે છે.'


'પેલીને ફરાવવા માટે હજુ રોકાયા છે અને હું અહીં રાહ જોઈ રહી છું એનો વિચાર પણ નથી કરતાં..' સમાઈરા ગઈ પછી ગઝલ બબડી અને બેડ પર જઇને બેઠી.


રાતના દસ વાગી ચૂક્યા હતા હજુ સુધી વિવાન આવ્યો નહોતો. ગઝલ તેની રાહમાં અધીરી થઇને રૂમમાં આમતેમ આંટા મારવા લાગી. તેને રઘુએ સવારે કહેલી વાત યાદ આવી કે ક્યારેક તો વિવાન ચાર ચાર દિવસ સુધી ઘરે આવતો નથી. ગઝલ ટેન્શનમાં આવી ગઈ. 'બધું બરાબર ચાલતું હતું મેં જ હાથે કરીને તેને દૂર કરી દીધા.' એ પોતાને જ દોષ દેવા લાગી.


સાડા દસ વાગી ગયાં. ગઝલના મનમાં કેટલાયે ઉલટા સુલટા વિચારો આવી ગયાં. હવે તેનાથી રહેવાતું નહોતું, બહાર નીકળીને તેણે રઘુની રૂમનો દરવાજો ખટકાવ્યો. રઘુએ દરવાજો ખોલ્યો.


'અરે ભાભી! તમે? અત્યારે?' રઘુ નાટક કરતાં બોલ્યો.


'રઘુ ભાઈ..' એટલું બોલતા ગઝલને ગળે ડૂમો ભરાઈ આવ્યો.


'શું થયું?' રઘુએ પરાણે હસવું રોકીને પૂછ્યું.


'વિવાન હજુ ઘરે નથી આવ્યાં..'


'હાં, તો ઠીક છે ને.. એ ભલે ને રખડે, આપણે શું? તમે સૂઇ જાઓ શાંતિથી.'


'તમને કંઈ ફિકર નથી થતી?' ગઝલ ઢીલા અવાજે બોલી.


'મને શાની ફિકર થાય ભાભી?'


'એ હજુ ઘરે નથી આવ્યાં. તમને ચિંતા નથી થતી કે ક્યાં હશે? શું કરતાં હશે?'


'ભાઈ ક્યાં છે એ મને તો ખબર છે.' રઘુ બેફિકરાઈથી બોલ્યો.


'વ્હોટ?' ગઝલને શોક લાગ્યો.


'હમમ્..'


'મારે અત્યારે ને અત્યારે જ તેની પાસે જવું છે.' ગઝલ રઘવાઈ થઈને બોલી.


'શું કામ? તમે તો એનાથી રિસાયેલા છોને?'


'એ બધું તો હું નાટક કરતી હતી.. બાકી હું તો તેને ખુબ પ્રેમ કરૂ છું.' ગઝલ ગરીબડા અવાજે બોલી.


'પણ આ તેની સામે ક્યારે કહેશો?' રઘુ ઝીણી આંખો કરીને તેની સામે જોતા બોલ્યો.


'મારે તો કહેવું જ છે પણ એ છે ક્યાં?'


'રીયલી???' રઘુ ખુશીથી ઉછળતા બોલ્યો.


'હાં..' ગઝલ માથુ નમાવીને બોલી.


'ચલો..' રઘુ બોલ્યો.


'ક્યાં?' ગઝલએ પૂછ્યું.


'ભાઈ પાસે..' રઘુ બોલ્યો અને ગઝલને લઈને બહાર નીકળ્યો.


'પણ આપણે ક્યાં જઇ રહ્યા છીએ?' ગઝલ ગાડીમાં બેસતાં બોલી.


'બઘુ સમજાઈ જશે.' કહીને રઘુએ ગાડી મારી મૂકી.


થોડીવારમાં તેઓ શ્રોફ ગૃપ ઓફ કંપનીઝના હેડક્વાર્ટર પર પહોંચ્યા.


'અહીં?' ગઝલ આશ્ચર્યથી બોલી.


'હમ્મ..' કહીને રઘુ એને હેડક્વાર્ટરમાં જ્યાં વિવાનનો પ્રાઈવેટ સ્યૂટ હતો ત્યાં સુધી લઈ આવ્યો.


'ભાભી.. બેસ્ટ ઓફ લક..' કહીને રઘુએ અંદર જવાનો ઈશારો કર્યો અને અંગૂઠા વડે થમ્બ્સ અપ કર્યું. અને ત્યાંથી નીકળી ગયો.


ગઝલ ધડકતે હૈયે સ્યૂટના દરવાજા સુધી ગઈ, એક ક્ષણ થોભી પછી દરવાજો નોક કર્યો. અંદરથી કોઈ રિસ્પોન્સ ના આવ્યો એટલે તેણે દરવાજો જરા ધકેલ્યો અને ડોકું કાઢીને અંદર જોયુ, અંદર મંદ મંદ પ્રકાશ હતો.


'વિવાન..' ગઝલ ધીરેથી સાદ પાડતી અંદર આવી. એ આજુબાજુ જોતી વિવાનને શોધતી હતી. એ હજુ થોડીક જ અંદર આવી હતી ત્યાં વિવાને પાછળથી આવીને તેને જકડી લીધી.

ગઝલ ચમકી, પણ તરતજ વિવાનનો સ્પર્શ ઓળખાતા એ નિશ્ચિંત બની. વિવાને તેનુ માથુ ચુમીને તેની સુગંધ શ્વાસમાં લીધી. ગઝલના ધબકારા વધવા લાગ્યા.


'વિવાન..' ગઝલએ મદહોશી ભર્યા અવાજમાં હળવેકથી એનું નામ લીધુ. વિવાને તેને પોતાની તરફ ફેરવી. બંનેની નજરો મળી. બંને એકબીજાની આંખોમાં ખોવાઇ ગયાં.


વિવાન તેને કિસ કરવા માટે ઝુક્યો અને ગઝલએ તેના ગાલ પર નાનકડી ઝાપટ મારી.


વિવાન થોડો ઓછપાયો પણ તરતજ તેના ચહેરાના હાવભાવ બદલાયા.


'હાઉ ડેર યુ?' કહેતા વિવાને તેને પાછળ ધકેલતા દિવાલ સાથે ટેકવીને પોતાના ભારથી ભીંસી દીધી.


'હાઉ ડેર આઇ?' હાઉ ડેર યુ વિવાન?' કહીને ગઝલ ગુસ્સા ભરી આંખે તેને તાકી રહી. એક્ચ્યુલી વિવાન સવારથી તેને ઈગ્નોર કરી રહ્યો હતો એ વાતનો મેડમને ગુસ્સો આવ્યો હતો.


વિવાન ફરીથી તેની ગુસ્સા ભરી આંખોમાં ખોવાઇ ગયો. પછી ભાનમાં આવતા તેનાથી દુર થવા ગયો ત્યાં ગઝલએ બેઉ મુઠ્ઠીમાં વિવાનનો શર્ટ છાતી પાસેથી પકડીને તેને પોતાની તરફ ખેંચ્યો અને તેના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા.


વિવાન તો જાણે ચારસો ચાલીસ વોટનો ઝટકો લાગ્યો હોય તેમ સ્તબ્ધ હતો.

ગઝલ આવેશમાં આવીને વિવાનના હોઠ ચૂસતી પોતાનો ગુસ્સો ઠાલવી રહી હતી. વિવાન લગભગ ડઘાયેલી હાલતમાં તેને સાથ આપી રહ્યો હતો.

તેને પણ સમજાઈ રહ્યું હતું કે આજે તેણે ગઝલને ઘણી હર્ટ કરી હતી.

લગભગ દોઢ મિનીટે ગઝલ છુટી પડીને તેનાથી દૂર થઈ. તેની છાતી ધમણની જેમ હાંફી રહી હતી. એ જોર જોરથી શ્વાસ લેતી વિવાન સામે જોઈ રહી.


વિવાન રમતિયાળ હસ્યો.


'કાઢી લીધો બધો ગુસ્સો? હજુ બાકી રહી ગયો હોય તો કાઢી શકે છે.. આઈ ડોન્ટ માઈન્ડ.' વિવાન પોતાના હોઠ લૂછતો આંખ મારીને બોલ્યો.


ગઝલએ શરમાઈને તેની છાતીમાં મોઢુ છુપાવી લીધુ. વિવાને તેની ફરતા હાથ વીંટાળીને તેને આલિંગનમાં ભીસી લીધી.


'આવું શું કામ કર્યું તમે?' ગઝલ તેની બહોંમાં રહીને બોલી.


'આવું મતલબ?'


'શું કામ દૂર રહેતા હતા મારાથી?'


'તે જ તો કહ્યું હતું કે દૂર રહો મારાથી..'


'હું જે કહીશ તે બધું જ માનશો તમે?' ગઝલએ ચહેરો ઉપર કરીને પુછ્યું.


વિવાને નકારમાં માથું હલાવ્યું.


'તો પછી આ વાત કેમ માની લીધી?'


'મારે તને વધુ પરેશાન નહોતી કરવી એટલે.'


'અચ્છા? કેમ?'


'કેમ કે હું તને ખૂબ પ્રેમ કરુ છું.' વિવાને તેની આંખોમાં જોઇને કહ્યું.


'આઇ લવ યુ ટુ વિવાન..'


'સાચ્ચે?'


'કેમ? તમને શંકા છે?' ગઝલએ આંખો ઝીણી કરીને પુછ્યું.


'તું કહે નહીં ત્યાં સુધી મને કેવી રીતે ખબર પડે?' વિવાને કહ્યું.


'બધી વાતો કહેવી પડે તો જ સમજાય?'


'બધી વખત નહીં પણ અમુક વખતે દિલની વાત વ્યક્ત કરવા સાથે કહેવી પણ પડે.'


'અચ્છા? ચલો ફરી એકવાર કહું.. આઇ લવ યુ વિવાન..' ગઝલ તેની આંખોમાં જોઇને બોલી.


'આજે તને ઈગ્નોર કરી એટલે તું આઈ લવ યુ કહે છે ને?'


'ના.. ઘણા સમયથી.. જ્યારથી તમે મારા જીવનમાં આવ્યાં ત્યારથી... પહેલા મારી ફીલિંગ્સ હું જ ના સમજી શકી. પછી સમજી તો કહી ના શકી.. જ્યારે થયું કે કહી દઉં ત્યારે સંજોગો ફરી ગયાં, ઘણું બધુ બની ગયું અને ગેરસમજણ ઉભી થઇ ગઇ અને..' બોલતી વખતે ગઝલની આંખોમાં પાણી આવી ગયાં. તેનું ગળુ રૂંધાઈ ગયું.


'શશશ.. હવે એ વાતોનો બિલકુલ વિચાર નહીં કરવાનો..' વિવાન તેને છાતીએ લગાવીને બોલ્યો.


'આઈ એમ સોરી..' ગઝલ રડતાં રડતાં બોલી.


'ફોર વ્હોટ?' વિવાને તેની પીઠ પર હાથ ફેરવતાં પૂછ્યું.


'હું વિના કારણ રિસાઈને બેઠી એટલે.'


'ઈટ્સ ઓકે, અને ખરુ કહું તો તને મનાવવામાં મને મજા આવી રહી હતી. આઇ રિયલી એન્જોઈડ ઈટ.'


'સાવ ખોટાડા..' ગઝલ ઉંચુ જોઈને લાડકાઈથી બોલી.


'સાચે.. તારી એવી નાદાનીઓ મને ખૂબ જ ગમે છે ગઝલ.. તું છેને આવી ને આવી જ રહેજે.. જરાય ચેન્જ નહીં થતી.' વિવાન તેનો ચહેરો બેઉ હથેળી વચ્ચે લઇને બોલ્યો.


'હમ્મ..' ગઝલ આંખો નમાવીને બોલી.


બંને જણ એકબીજાના આલિંગનમાં ઉભા હતા.


'આઈ લવ યુ ગઝલ..'


'આઈ લવ યુ વિવાન..'


'એક મિનિટ, વેઈટ..' વિવાન બોલ્યો.

અચાનક શું થયું એવા ભાવથી ગઝલએ તેની સામે જોયું. વિવાને બાજુના ડ્રોવરમાંથી એક જ્વેલરી બોક્સ કાઢ્યું.


'આ શું છે?' ગઝલએ કુતુહલથી પૂછ્યું.


'ક્લોઝ યોર આઈઝ.' વિવાને કહ્યુ.


ગઝલએ ઝીણી આંખો કરીને તેની સામે જોયું.


'પ્લીઝ..' વિવાને કહ્યુ એટલે ગઝલએ નજાકતથી પાંપણો ઢાળીને આંખો બંધ કરી લીધી. વિવાન તેને દોરીને મિરર પાસે લઈ ગયો અને જ્વેલરી બોક્સમાંથી એક સુંદર મજાનો ડાયમંડ નેકલેસ કાઢીને તેના ગળામાં પહેરાવ્યો.


'ઓપન યોર આઈઝ નાઉ..' વિવાને હળવેકથી તેના કાનમાં કહ્યુ.


ગઝલએ ધીરેથી આંખો ખોલીને સામે મિરરમાં જોયું. તેના ગળામાં સુંદર ડાયમંડ નેકલેસ હતો. જેમાં બે હરોળમાં ડી કલર ફ્લોલેસ બ્રિલિયંટ કટના ડાયમંડ લગાવ્યા હતા. વચ્ચોવચ એક્સેલેન્ટ કટનો લંબચોરસ લગભગ ત્રીસેક કેરેટનો ડાર્ક બ્લુ ડાયમંડ જડેલો હતો. ગઝલના સુરાહીદાર ગળામાં એ નેકલેસ ભવ્ય દેખાઈ રહ્યો હતો.

ગઝલ ચકાચોંધ થઈને નેકલેસ સામે જોઈ રહી. આટલા મંદ પ્રકાશમાં પણ એના ડાયમંડ ઝળાંહળાં થઈ રહ્યાં હતાં.


'ગમ્યો તને?' વિવાન થોડો ઝૂકીને તેના કાન પાસે બોલ્યો.


'ઈટ્સ વેરી બ્યૂટિફૂલ.. પણ શું જરૂર હતી ખરીદવાની?'


'તને મનાવવા માટે..'


'પણ વિવાન આ ખૂબ મોંઘો લાગે છે..' ગઝલ તેની તરફ ફરીને બોલી.


'મારા માટે તારાથી વિશેષ કિંમતી કશું નથી ગઝલ.. અને હાં, યૂ વેર રાઈટ, તુ ગઝલ વિવાન શ્રોફ છે, તારે કોમન વસ્તુઓ બિલકુલ નહીં પહેરવાની. તારા માટે જે કંઈ આવશે તે એક્સક્લુસિવ જ આવશે. ફક્ત એકજ પીસ બનાવવામાં આવ્યું હશે.' વિવાન મંદ મંદ મુસ્કુરાતાં બોલ્યો.


'વિવાન.. એ હું અમસ્તું જ બોલી હતી.'


'હાં, પણ સાચુ જ તો બોલી હતી. એની વે, તને આ નેકલેસ ગમ્યો કે નહીં?'


'ખૂબ સુંદર છે..' કહીને ગઝલએ નેકલેસ પર હાથ ફેરવ્યો અને બોલી: 'થેન્ક યુ..'


'ફક્ત થેન્ક યૂ?' વિવાન શરારતી સ્માઈલ કરીને બોલ્યો. ગઝલએ તેના ગાલ પર કિસ કરી.


'બસ એટલું જ?' વિવાન બોલ્યો.


ગઝલએ તેના બીજા ગાલ પર પણ હોઠ અડાડ્યા.


'ધીસ ઈઝ નોટ ફેર ગઝલ..'


ગઝલએ તેના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. વિવાને તેની કમર ફરતા હાથ વીંટાળીને તેને ઉંચકી લીધી અને બેડ પર લઈ ગયો અને તેને સૂવડાવીને પોતે સાઈડમાં થયો. શરમાઈને ગઝલએ બંને હાથ વડે પોતાનો ચહેરો ઢાંકી લીધો. વિવાને ચહેરા પરથી તેના હાથ હટાવીને પોતાની તરફ ખેંચી.


તેને ગઝલને ખૂબ પ્રેમ કરવો હતો. લગ્ન થયા ત્યારથી તેણે પોતાની બધી ઈચ્છાઓ દબાવી રાખી હતી. એ ગઝલની ઘેરી કથ્થઈ આંખોમાં જોઈ રહ્યો.


'ગઝલ..' વિવાન એકદમ લાગણીભર્યાં અવાજે બોલ્યો: 'મારે તને એક વાત કહેવી છે.'

.

.


ક્રમશ:

**

મલ્હારને જામીન મળી ગયા છે, હવે શું થશે?


શું મલ્હાર વિદેશ ભાગવામાં સફળ થશે?


કે પછી વિવાનનો પ્લાન સફળ થશે?


ફાઈનલી ગઝલએ વિવાનને આઇ લવ યુ કહી દીધું, શું હવે તેઓનું વિવાહિત જીવન શરૂ થશે?


વિવાનને શું વાત કહેવી હશે?


**

❤️ આ પ્રકરણ વાંચીને આપનો અભિપ્રાય જરૂર આપશો. ❤️