andaman ni adbhut yatra books and stories free download online pdf in Gujarati

આંદામાન ની અદ્ભુત યાત્રા

આંદામાનનો પ્રવાસ

હું મારા ઓક્ટોબર 2014 માં કરેલ

આંદામાન પ્રવાસની વિગતો આપ સહુ સાથે માહિતી અને આનંદ માટે શેર કરીશ.


અમે ગોએરની રાત્રે 10 વાગે ઉપડતી ફ્લાઇટ દ્વારા ચેન્નાઇ ગયાં. ત્યાં રાત્રે 12.30 વાગે પહોંચી એરપોર્ટ પરજ રાત્રી વિતાવી. સવારે 7 વાગે અમારી પોર્ટ બ્લેર જતી ફ્લાઇટ હતી. એરપોર્ટના વોશરૂમમાં જ ફ્રેશ થઈ ત્યાં જ કોફી તથા બ્રેકફાસ્ટ પતાવ્યાં. હવે આખી બે કલાકની મુસાફરી ગાઢ ભૂરા રંગના અફાટ સમુદ્ર પરથી કરી, જે એક આલ્હાદક અનુભવ હતો.

(આંદામાન નજીક આવતાં પ્લેનની બારીમાંથી દ્રશ્ય)


દિવસ 1

પોર્ટ બ્લેર સવારે 9 વાગે અને અમારી હોટેલ પર 9.30 વાગે પહોંચ્યાં. પહોંચતાં જ અમને દાડમ અને ઓરેન્જ નો જ્યુસ વેલકમ ડ્રિન્ક તરીકે સર્વ થયો. અમને ફ્રેશ થઈ, થોડો આરામ લઈ જમીને 1 વાગ્યે તૈયાર રહેવા કહેવામાં આવ્યું. અહીંથી અમારે રોસ આઇલેન્ડ અને ત્યાંના સ્થાનિક બીચની મુલાકાત લેવાની હતી.

પોર્ટ બ્લેર શહેરમાંથી સિમેન્ટ કોન્ક્રીટના સ્વચ્છ રસ્તાઓ, બન્ને બાજુ નારીયેળીઓકે વૃક્ષાચ્છાદિત રસ્તે થઈને, ત્યાંથી લૉન્ચમાં બેસી અર્ધો કલાક સફર કરી રોસ આઇલેન્ડ પહોંચ્યાં. રસ્તો આખો હારબંધ દુકાનો, સુંદર રસ્તાઓ અને ફરી બપોરના ચમકતા સમુદ્રનાં દ્રશ્યો માણતા ગયા.

રોસ આઇલેન્ડ પર જુનાં બ્રિટિશરોનાં મકાનો, ઘણાંખરાં ત્યજી દેવાયેલી હાલતમાં છે. કોઈ એક મોટા ધરતીકંપમાં અને પછી જાપાન સાથે વિશ્વયુદ્ધ દરમ્યાન બધી જ ઇમારતો નાશ પામેલી. ત્યાં એક ચર્ચ અને નવેસરથી ઉભી કરેલી સરકારી ઓફિસો હતાં.ખૂબ સુંદર બગીચો હતો અને સહેલાણીઓ ઈચ્છે તેમ ફરી શકતા હતા. વચ્ચે હરણનાં બચ્ચાં પણ ફરતાં હતાં જેને લોકો ગલુડિયાંની જેમ તેડતા પણ હતા.

નજીકમાં મેનગૃવ કહેવાતી દરિયાઈ વનસ્પતિથી બોર્ડર કરી રક્ષાએલો આખો માત્ર સફેદ રેતીનો બીચ હતો. લગભગ બે કલાક ત્યાં પસાર કરી ફરી જેટી પર ગયાં. અમારી લોન્ચ આવે એટલી વાર ત્યાં નાસ્તાપાણી પતાવ્યાં. ભારતના દરેક ભાગની વસ્તુઓ ત્યાં મળે છે પણ ભાવ ઊંચા હતા. 2014માં ચા નાએક કપના 40 રૂ. હતા.

(સફેદ રેતી અને મેનગૃવ વાળો બીચ. રોસ આઇલેન્ડ.)

ત્યાંથી 4 વાગે ઉપડી પોર્ટ બ્લેર ના સ્થાનિક બીચ પર 4.30 વાગે ગયાં. તે જગ્યા આંદામાનનાં સેન્ટ્રલ ગવર્નમેન્ટનાં તંત્ર દ્વારા સારી રીતે મેઇન્ટેઇન થાય છે. અહીં તમારે નિરાંતે બેસવું હોય અને નહાઈને શરીર લૂછવું હોય તો રુ. 20 માઇક કલાક બાંકડે બેસવા મળે. ભાડેથી સફેદ ટુવાલ પણ મળે. અમે દરિયામાં ખાલી પગ બોળ્યા અને સફેદ રેતીમાં થોડું બેઠાં.

4.50ના તો સૂર્યાસ્ત થઈ ગયો! અને અહીં સંધ્યા ખીલવા જેવું કશું નહોતું. વિષુવવૃત્ત નજીક હોઈને. સૂર્ય ડૂબે એટલે સીધું પાંચ મિનિટમાં કાળું ધબ્બ અંધારું!

(પોર્ટ બ્લેર નો બીચ)

અમને એક સાથે ગોલઘર કહેવાતી જગ્યા, જે સ્થાનિક બજાર છે, ત્યાં લઈ જવાયા. યાદ છે ત્યાં સુધી પ્રસિદ્ધ સેલ્યુલર જેલનાં પ્રાંગણમાં સાઉન્ડ એન્ડ લાઈટ શો જોયો.

હોટેલ જતાં જ જમીને નિંદ્રાને શરણે ગયા. આગલી રાતનો ઉજગરો હતો તે!


દિવસ 2

આજે પોર્ટ બ્લેર શહેર અને હેવલોક આઇલેન્ડ જવાનું હતું. હેવલોક આઇલેન્ડ પર રાધાનગર બીચ નજીક રિસોર્ટમાં રાતવાસો હતો.

પ્રથમ ગયાં સેલ્યુલર જેલ જોવા.સ્વાતંત્ર્ય સેનનીઓએ વેઠેલાં કષ્ટો, તેમને થતી અમાનવીય શિક્ષાઓ, તેમને અપાતી ફાંસીની કોટડી, મર્યા પછી ત્યાં સહુની સામે અપાતો અગ્નિદાહ- એ બધું ગાઈડે સાથે ફરી બતાવ્યું. આ બધી યાતનાઓનો સાક્ષી એક 150 વર્ષ જૂનો પીપળો જેલનાં કમ્પાઉન્ડમાં આજે પણ ઉભો છે. તેને એક થી બીજી જગ્યાએ આખો શિફ્ટ કરવામાં આવ્યો છે.

ત્યાંથી સાગરિકા મ્યુઝીયમ જોવા ગયાં. તેમાં ત્યાંની આદિવાસી પ્રજાની રહેણીકરણી બતાવતાં મોડેલો, બોટ બનાવાતી, અલગ અલગ જાતની બોટ, જાળ વગેરે બતાવ્યું છે. બહાર ગળચટ્ટા ગોલ્ડન નારિયેળપાણીનો સ્વાદ માણ્યો.


સાંજે અમારા હેવલોક આઇલેન્ડ પરના રિસોર્ટથી વીસેક મિનિટ ચાલીને રાધાનગર બીચ પહોંચ્યાં. ખૂબ સુંદર બીચ, નજીક અલગ જાતનાં દરિયાઈ વૃક્ષો જોયાં. ભરતીનાં મોજાંઓ ઉપર કુદવાની અને પાછળ પછડાવાની મઝા અલગ જ હતી.

4.45 વાગતાં તો ફરી ઘોર અંધારું થઈ ગયું. ચોકીદારે જોતજોતામાં સિસોટીઓ મારી બીચ ખાલી કરાવી નાખ્યો. અમે સાંજે 5 વાગે ઘોર લતમ અંધારે જ રિસોર્ટ પહોંચ્યાં. એ ગાઢ અંધકારનું વર્ણન થઈ શકે તેમ નથી. અતિ બિહામણું. કાંઈ ન હોય તો પણ ચિત્ર વિચિત્ર વસ્તુ સામે છે તેવો ભાસ થાય. મોબાઇલની ટોર્ચના સહારે રિસોર્ટ પહોંચ્યાં.

રાત્રે જોરદાર વરસાદ પડ્યો. તેનો રિસોર્ટ નાં મોટાં પાંદડાં વાળાં વૃક્ષો પર પડતો અવાજ કોઈ ધોધની ગર્જના જેવો લાગતો હતો.

સવારે 5.15 વાગે સૂર્યોદય થયો. નવી જ જાતનાં પક્ષીઓના સુરીલા અવાજો સાથે ઊઠ્યાં. એ પક્ષીઓ પણ અનેકવિધ રંગનાં હતાં.


અહીં સરકારે ખૂબ નજીવા દરે વિશાળ જમીનો વેંચી, તેને ખેતી માટે વિકસાવી છે. શેરડી, ચોખા, નારિયેળ, સોપારી અને કદાચ ચા નું પણ ઉત્પાદન થાય છે. એક પોસ્ટ ઓફિસ, CBSE સ્કૂલ, કેટલાક ખાનગી બંગલાઓ અને સરકારી ઓફિસો પણ જોઈ.

(રાધાનગર બીચ પર સૂર્યાસ્ત)

(મોજાંઓમાં નહાતા લોકો)

(હેવલોક આઇલેન્ડનો રસ્તો)

દિવસ 3

ત્રીજે દિવસે ભરતપુર બીચ ગયાં.

ત્યાં અન્ડર વૉટર 20.મિનિટની વૉક માટે વ્યક્તિદીઠ 3200 ટિકીટ હોવા છતાં પૂરતો રશ હતો.

પરવાળા, અકલ્પનિય રંગો અને કદ, આકારની માછલીઓની શ્રુષ્ટિ માત્ર 15 ફૂટ ઊંડે જોઈ.

પાણી નીચે મોંએથી શ્વાસ લેવો ફાવે તેમને માટે સ્નોર્કેલિંગ 700રૂ. જેવામાં છે. મને તો ફાવ્યું નહીં પણ મારા પુત્રે તે કરી માત્ર થોડા જ ઊંડે, ડિસ્કવરી ચેનલ કે સારી ડોક્યુમેન્ટરી માં પણ ન જોઈ હોય તેવી દરિયાઈ શ્રુષ્ટિ જોઈ.

અન્ડર વૉટર વૉક માટે 30 કિલો વજનનો ટોપો પહેરી ઓક્સિજનની ટાંકી સાથે પાઇપમાંથી શ્વાસ લેતાં ટ્રેઇન્ડ ગાઈડ સાથે સહુએ હાથ પકડીનેજ રહેવાનું હોય છે. આપણને ખબર પણ ન પડે કે ક્યાં કિનારા પાસેની ખંડિય છાજલી, આશરે 30 ફૂટ જેટલી જ ઊંડી, પુરી થઈ અને કયારે અફાટ, અગાધ ઊંડાઈ ધરાવતો દરિયો શરૂ થયો. એ 15 ફૂટ પછી ઓચિંતી 3000 ફૂટ કે વધુ ઊંડાઈ હોઈ શકે!

અહીં દરિયો પૂરો પારદર્શક હતો. માત્ર થોડા ફૂટ અંદર આવી અદભુત શ્રુષ્ટિનું અસ્તિત્વ છે એ જોઈએ તો જ માની શકાય.


દિવસ 4

આજે અમારો સ્ટીમરમાં મુસાફરીનો પ્રથમ અનુભવ હતો. અગાઉથી ટિકિટ બુક કરાવી હતી. આજે નીલ આઇલેન્ડ જવા નીકળ્યાં.

મુસાફરીમાં ડોલ્ફીન, ઊડતી માછલીઓ અને અલગ અલગ રંગનાં પાણીવાળો સમુદ્ર નિહાળ્યો. ઘણોખરો સમય ડેક ઉપર જ ગાળ્યો. લગભગ ચાર કલાક જેવી મુસાફરી હતી.


(લેખક સહકુટુંબ સ્ટીમરમાં)


અહીંથી હજી એક નજીકના બીચ ઉપર ગયાં. દરિયો અહીં સંપૂર્ણ પારદર્શક અને સાવ છીછરો હતો. અમે સાચેજ એક કિલોમીટર અંદર સુધી 'સી વૉક' કરી- કેડ સમાણાં પાણીમાં! પાણી કોઈ પણ જગ્યાએ મારી છાતીથી વધુ ઊંડું ન હતું. અહીં રેતી અગાઉના બીચ જેવી સફેદ નહીં પણ રતાશ પડતી કથ્થાઈ હતી.

(ડેક પરથી સમુદ્ર)

દિવસ 5

આજે અમારો અહીં આખરી દિવસ હતો. અમારે અહીંની પ્રસિદ્ધ ચલથાન સો મીલ, જ્યાં રાક્ષસી કદનાં ઝાડ તેવી જ રાક્ષસી કદની કરવાતો વડે વહેરાય છે અને લાકડાની વસ્તુઓ બને છે તે જોવું હતું. કહેવાયુકે આજે એ બંધ હશે. (કદાચ એ ટ્રાવેલ વાળાઓને અનુકૂળ નહીં હોય.)

અમને આદિવાસી જરાવા લોકોની વસાહત અને સ્ટેગમાલાઈટ ગુફાઓ જોવા બારાતંગ જવા સવારે 4 અથવા 5 વાગે ઉપડતી ટુર બુક કરવા સુચવાયું. તેમની વસાહતમાં લશ્કરી પરમિશન લઈને જ જઈ શકાય છે અને તે એન્ટ્રી સવારે 7 વાગે તો બંધ થાય છે. અમે સવારે 5 વાગે ઉપડયાં. પણ હું તમને 4 વાગ્યાની ટુર લેવા કહીશ કેમકે જરાવા દેખાવાની શકયતા વહેલી સવારે વધુ હોય છે. કેલ્શિયમ ગુફાઓ જોઈ બારાતંગ પાછા આવવામાં ઉતાવળ અને ટેંશન થઈ જાય છે. જો નજીકના કહેવાતા જ્વાળામુખી જોવા લાલચ થાય (જે તેઓ કમાવા માટે આપશે જ) તો છેલ્લી બપોરે 3 ની સ્ટીમર પકડવી અશક્ય બને અને ત્યાં બારાતંગમાં રાત રોકવા વ્યવસ્થા નથી. વળી ટ્રાવેલવાળાઓ દ્વારા એ ટુર છેલ્લા દિવસેજ રખાય છે. તમે બોટ ચુકો તો ફ્લાઇટ પણ ચુકો.

આ મુસાફરી થકવી નાખતી છે પણ વિષુવવૃત્તિય જંગલોમાં પહાડીઓ વચ્ચે થઈ જતી હોઈ અને પછી લાઈફબોટમાં બેસી કેલસાઈટની ગુફાઓ જોવા જવા જંગલમાં ટ્રેકિંગ પણ કરવાનું હોઈ એક નવો જ અનુભવ આપે છે.

તમારે બંધ ટેક્ષીઓના કાફલામાં મોખરે અને છેક પાછળ રહેલી લશ્કરી ટ્રક વચ્ચે રહી જવાનું હોય છે. ટેક્ષીની બારી ખોલી શકતા નથી. જરાવા દેખાય તો જલ્દી ખબર ન પડે. મારા પુત્રે જરાવા જોયેલો. કોલસામાં બાળી નાખેલું હોય તેવાં અતિ કાળાં શરીર વાળો, ઝાડ પાછળ છુપાએલો. મને કદાચ એનો પગ કોહવાયેલી ઝાડની ડાળી લાગ્યો હતો એટલે મેં જોયો કે નહીં એ માટે ચોક્કસ નથી. દેખાય એને તીર કે કેળાંની લૂમ સાથે દેખાય પણ ખરા પરંતુ તેઓ રસ્તા પર જલ્દી આવતા નથી. તેમની વસાહતો ખૂબ અંદર હોય છે.

ગાઢ જંગલોમાં થઈને, અમુક સમય વરસાદમાં જવાની મઝા આવી. 3 કલાક બાદ બારાતંગ આવ્યું.

અહીં એક જગ્યાએ બોટમાં બેસી પછી જંગલોમાં થઈ કેલ્શિયમની ગુફાઓમાં જવાનું હોય છે. ગુફામાં ગાઈડ છોકરો ટોર્ચ કરી ગણેશ, કમળ, શિવલીંગઅને એવા આકારો બતાવતો હતો જે કેલ્શિયમ ના ચુવાટથી બન્યા છે.

એ લોકોએ આપેલી લાલચને વશ થઈ માત્ર અર્ધા કલાકમાં જ્વાળામુખી જોવા જીપમાં ગયા. કાંઈ નહોતું. એક મોટો રાખનો કુંડ હતો જેમાંથી પરપોટા નીકળી બુડબુડ અવાજ આવતો હતો. હું ત્યાં ન જવા સલાહ આપીશ. સમય અને પૈસાનો બગાડ છે અને બહુ ઉતાવળ થાય છે.

પોર્ટ બ્લેર હોટલે પહોંચતાં થાકીને લોથ થયા હોઈ સુઈ ગયા. બીજે દિવસે સવારે ફ્લાઈટમાં ચેન્નાઇ.

(કેલ્શિયમની ગુફા)

ત્યાં જવાનો રસ્તો.

દિવસ 6

એરપોર્ટ ઉતરી એક મિત્રને ઘેર ચતપેટ એરિયા જવા નજીકનાં સ્ટેશનથી લોકલ પકડી. 10 સ્ટેશન દૂર જવાના વ્યક્તિદીઠ 5 રૂ. ટિકિટ! કેટલું સસ્તું!

(મરીના બીચ પરનું એક શિલ્પ)

ચેન્નાઇમાં મરીના બીચની મુલાકાત લીધી. અન્ના દુરાઈનું સ્મારક જોયું.

સવારે 5.30 ની ફ્લાઇટ માટે રાત્રે અઢી વાગે નીકળી ફ્લાઈટમાં અમદાવાદ પહોંચ્યા ત્યારે નવેમ્બરનો ઉગતો સૂર્ય આવકારવા ઊગી રહ્યો હતો.

**