Aantarvathi pade Antray Karma ! in Gujarati Short Stories by Dada Bhagwan books and stories PDF | આંતરવાથી પડે અંતરાય કર્મ!

Featured Books
Categories
Share

આંતરવાથી પડે અંતરાય કર્મ!

જીવનમાં ઘણીવાર એવા પ્રસંગો બને છે કે આપણા મનમાં ધાર્યું હોય કે આ કાર્ય કરવું છે ને એ સફળ ના થતું હોય એવું શા માટે ? જે કાર્ય કરીએ છીએ એમાં વિરોધી શક્તિ આવે છે ને એ કાર્યને અટકાવે છે, તે શા માટે એવું થાય છે ?

એનું સમાધાન એવું છે, કે આપણને સાચું કાર્ય કરવા જતા અટકાવે છે, એને અંતરાય કર્મ કહે છે. એવા અંતરાય શાથી પડી ગયા છે ? એવું છે ને, એક દહાડો બગીચાથી કંટાળ્યો હોય ને, તો હું બોલી દઉં કે, ‘આ બગીચામાં કોઈ દહાડોય આવવા જેવું નથી.’ અને પછી આપણે જ્યારે ત્યાં જવાનું થાય ને, ત્યારે આપણો જ ઊભો કરેલો અંતરાય પાછો સામો આવે, તે બગીચામાં જવા ના મળે. આ જેટલા અંતરાય છે એ બધા આપણા જ ઊભા કરેલા છે, એમાં વચ્ચે કોઈની ડખલ નથી. કોઈ જીવનામાં કોઈ પણ જીવની ડખલ છે જ નહીં, પોતાની જ ડખલોથી આ બધું ઊભું થયું છે. આપણે બોલ્યા હોઈએ કે, ‘આ બગીચામાં આવવા જેવું જ નથી.’ અને ફરી પાછા ત્યાં જવાનું થાય, તે દહાડે પછી આપણને મહીં કંટાળો આવ્યા કરે, બગીચાના ઝાંપા સુધી જઈને પાછું આવવું પડે, એનું નામ જ અંતરાય કર્મ ! કારણ કે, ડખલ કરી કે અંતરાય પડ્યો.

ખાડી પાસે ઊભો રહ્યો હોય તો દુર્ગંધ આવ્યા કરે, ઘણુંય બગીચામાં જવું હોય પણ બગીચામાં જવાય નહીં, એનું કારણ શું ? કે પોતે અંતરાય બાંધ્યા છે, આ ભોગવવાના અંતરાય બાંધ્યા છે. એ અંતરાય તૂટે તો કામ થઈ જાય. પણ અંતરાય તૂટે કઈ રીતે ? ‘જવું છે, પણ શાથી નથી જવાતું’ એવો વિચાર કર કર કર્યા કરે ને, તો એ અંતરાય બધા તોડે. કારણ કે, વિચારોથી અંતરાય પડ્યા છે અને વિચારો જ એ અંતરાયને તોડે છે. ‘જવાય છે, નહીં જઈએ તો શું જતું રહેવાનું છે ?’ એવા વિચારથી અંતરાય પડે છે. અને ‘જવું જ છે, કેમ ના જવાય ?’ એ વિચારોથી અંતરાય તૂટે છે.

રાજા કોઈના પર ખુશ થઈ જાય એટલે કારભારીને કહે, કે ‘આને એક હજાર રૂપિયા આપી દેજો.’ ત્યારે પેલો કારભારી સો આપે. કેટલીક જગ્યાએ તો કારભારી ઠાકોરને સમજાવી દે, કે ‘આ માણસમાં કશું છે જ નહીં, આ તો બધું ખોટું છે.’ આપવા તૈયાર થયો હોય તેને આંતરે. ત્યારે એનું ફળ આવતા ભવે શું આવે ? ભાઈને કોઈ દહાડોય પૈસા ભેગા ના થાય, લાભાંતરાય થાય. કો’કના લાભને આપણે આંતર્યો એટલે લાભાંતરાય થાય. એવી રીતે જે જે તમે આંતરો, કોઈના સુખને આંતરો, કોઈના વિષયસુખને આંતરો, જે બધામાં તમે આંતરો પાડો, તે બધાના તમને આંતરા પડે અને પછી શું કહેશે, કે ‘મને અંતરાય કર્મ નડે છે.’ કોઈ સત્સંગમાં આવવા તૈયાર થાય ને તમે ના કહો, એટલે તમને અંતરાય પડે. એટલે જેમાં તમે આંતરો પાડો તેનું ફળ તમારે ભોગવવું પડશે. કેટલાક કારભારી તો એવો દોઢડાહ્યા હોય કે રાજાને પેલાને બક્ષિસ આપવા ના દે. રાજાને એવી સલાહ આપે ખરા ? ત્યારે પછી શું થાય ? એણે અંતરાય પાડ્યા માટે એને અંતરાય ઊભા થાય છે, પછી એને કોઈ જગ્યાએ લાભ જ ના થાય. કેટલાંક તો કોઈ ગરીબ માણસને કોઈ માણસ આપતો હોય તો એ પહેલા તો અંતરાય પાડે. અલ્યા, એમાં ડખો શું કરવા કરો છો ?

તમારે ત્યાં નાતમાં બધા જમવા બેઠા હોય, તેમાં એક જણ કહે, કે ‘આ ચાર-પાંચ જણને જમવા બેસાડી દો.’ ને તમે ના કહો ને, એ તમે જમવામાં અંતરાય પાડો છો. તે પછી તમે કોઈ જગ્યા એ એવી જ મુશ્કેલીમાં, ખરેખરા મુશ્કેલીમાં મુકાઈ જાવ. બીજાનામાં ડખલ કરી ત્યારે ભાંજગડ થઈ ને ! એટલે આપણે એટલું સમજવું જોઈએ ને કે આ અંતરાય કર્મ શાથી આવે છે ? જો જાણતા હોય તો આપણે ફરી એવું ના કરીએ ને ?! આ બધું તમારું જ આંતરેલું છે. જે છે તે તમારી જ જવાબદારી પર કર્યું છે. પોતાની જ જવાબદારી પર કરવાનું છે, માટે સમજીને કરજો. આ ઘરમાં બાબો આપતો હોય તોય તમે ના પાડી દો, કે ‘નથી આપવાના.’ તો એ બાબાને અંતરાય કર્મ નથી, પણ તમારે તો અંતરાય કર્મ પડ્યું.

આ તો અંતરાય કર્મ નડે છે, નહીં તો આત્મા જ્યાં પ્રાપ્ત હોય ત્યાં હરેક ચીજ હોય, જે જે વિચારે એ ચીજ હાજર જ હોય, પણ આ તો બધે પોતે અંતરાય પાડ્યા છે તેને લઈને બધું અંતરાયું છે ! આત્મા હોય ત્યાં એની ઈચ્છા થાય તે પ્રમાણે બધું તૈયાર જ હોય. આત્મા તો ભગવાન છે, એ તો કંઈ જેવી તેવી વાત છે ? પણ આપણે પોતે અંતરાય પાડ્યો છે એટલે શું થાય ? આપણે તો એટલું સમજવું જોઈએ કે ભાઈ, આ અંતરાય કર્મ શાથી નડે છે ! આ લોકો નથી કહેતા, કે ‘મારે તો અંતરાય નડે છે ?’ અલ્યા, પણ શાથી નડે છે ? જો જાણતા હોય તો આપણે ફરી આવું ના કરીએ ને ?! કેટલા બધા અંતરાય પાડ્યા છે જીવે ! એવું સાંભળ્યું હોય, કે ‘આ જ્ઞાની પુરુષ છે, હાથમાં મોક્ષ આપે છે, ચિંતારહિત સ્થિતિ બનાવે છે,’ તો પણ અંતરાય કેટલા બધા પાડ્યા છે કે એને વસ્તુની પ્રાપ્તિ જ ના થાય !

ભગવાન તો આપણી અંદર જ છે પણ કેમ દેખાતા નથી ? ભગવાન ક્યાં છેટા ગયા છે ? પણ શું થયું છે, કે વચ્ચે અંતરાય પડ્યા છે, તે પોતાને શી રીતે દેખાય હવે ? એ અંતરાય પોતે જ પાડ્યા છે. શું કહે છે, કે ‘હું ચંદુલાલ છું.’ ત્યારે ભગવાન શું કહે છે, કે ‘સારું ત્યારે, જેટલું બોલ્યા એટલા તને આંતરા પડ્યા.’ હવે એ આંતરા આપણે જ તોડવા પડશે. પણ એ પોતાની જાતે પાછું તૂટે નહીં, એ તો આત્મજ્ઞાની પુરુષ ભેગા થાય, ને એ તોડી આપે, ત્યારે તૂટે !!