DHULO TO HARKHPADUDO (DTH) - 39 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 39

Featured Books
Categories
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 39

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૯


આપણે જોયું કે 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આ માસિક શનિવારીય બેઠક બાદ વિનીયો વિસ્તારી અને કેતલો કીમિયાગાર સપરિવાર મિત્ર વર્ગ વોટ્સએપ ગ્રુપમાંથી ગાયબ તો છે તદુપરાંત સંપર્ક પણ ટાળે છે. ઘણાં પ્રયત્નો બાદ પણ તેઓ એમની ગતિવિધિ વિશે ગણસારો કે સંકેત મળતો નથી. આખરે મૂકલો મુસળધાર અને ધૂલો હરખપદૂડો એમના ઘરે જઈને, તાળુ જોઈ એમને કોલ કરે છે તો આ વાતથી અજાણ એ બંને ઘરમાં જ હોય એમ ખોટું બોલે છે. હવે આગળ...


મૂકલો મુસળધાર અને ધૂલો હરખપદૂડો એકદમ દિગ્મૂઢ થઈ ગયાં. પ્રસ્થાપિત પરિસ્થિતિ પર પરિપક્વ પગલાં પડકારજનક થઈ પડ્યા હતા.


કુલ મળીને બે જ શક્યતાઓની કલ્પના કરી શકાય તેમ હતી. એક આ બંને કોઈ અકલ્પ્ય, એમના મિત્ર વર્તુળથી ખાનગી રીતે અચાનક અવ્યવહારદક્ષ ખીચડી પકાવી રહ્યા હતા. તો બીજી તરફ એ પણ શક્ય હતુ કે બંને કોઈ અગમ્ય મોટી મુસીબતમાં મૂકાઈ ગયા હોય અને એ પોતાના મિત્રોને પોતાની આ મુસીબતથો દૂર રાખવા ઇચ્છુક હોય. જે હોય એ, પણ હવે વાત ગંભીર થઈ ગઈ હતી. હવે આ વાતના મૂળ સુધી પહોંચવુ ખૂબ ખૂબ જરૂરી બની ગયું હતું.


ધૂલા હરખપદૂડાએ સજેશન આપ્યુ કે પિતલી પલટવાર અને સોનકી સણસણાટને ફોન કરાવીએ હીરકી હણહણાટ દ્વારા, પણ મૂકલા મુસળધારે એ વાતને જાકારો આપી દીધો, "તો તો એમને શક થઈ જાય કે આપણે એમના વલણ પ્રત્યે શંકાશીલ છીએ. બનતી વાત બગડી જાય. કાંઈ અલગ વિચારવુ પડશે."


એમણે આપસમાં મસલત કરી, મૂકલા મુસળધારએ એ બંને માટે અલગ અલગ પ્લાનનું સૂચન કર્યુ. ધૂલા હરખપદૂડાને એ યોગ્ય લાગતા એ આયોજન પ્રમાણે એમણે બંન્નેએ ઝડપભેર આગળ નક્કી કર્યુ.


આ યોજના અંતર્ગત ધૂલાએ એમના મિત્ર વર્તુળ વોટ્સએપ ગ્રુપની વોલ પર એક મેસેજ લખ્યો, 'મારા એક મિત્ર, જે લંડનમાં જ વસે છે. એ મુંબઈ ફરવા આવવાનો છે. એને ફક્ત ત્રણ દિવસમાં મુંબઈના દરેક જોવાલાયક સ્થળો જોઈ, ફરી લેવા છે. એની મદદ કરી શકે એવું કોઈ ધ્યાનમાં હોય તો જણાવજો.'


ક્ષણેકમાં, તરત જ અપેક્ષિત જવાબ કેતલા કીમિયાગાર તરફથી આવ્યો, 'તારા એ મિત્ર લંડનથી ક્યારે આવવાના છે?'


ધૂલાએ પણ તરત જવાબ આપ્યો, 'આજે મધરાતે. છે કોઈ એવું જે એને મદદરૂપ થઈ શકે?'


આ વખતે અનપેક્ષિત જવાબ પણ કેતલા કીમિયાગાર તરફથી જ આવ્યો, 'ભલે. કોઈ હોય તો જણાવુ.' ટૂંકમાં એણે આ જરૂરિયાત તાત્કાલિક હોવાથી ઝાઝો રસ દાખવ્યો નહીં.


આ મેસેજ બાદ તરત જ મૂકલા મુસળધારનો ફોન કોલ ધૂલા હરખપદૂડા પર આવી ગયો, "મને ધરપત થઈ ગઈ છે કે આપણો કેતલો કોઈ તકલીફમાં તો નથી જ. પણ નક્કી કોઈ મોટા ચક્કરમાં, કોઈ મોટા જુગાડમાં કીમિયાગીરી કરતો હોય તેમ લાગે છે. બાકી લંડનથી આવેલા મિત્રને ફેરવી ફેરવીને પાઉન્ડ નીચોવવાનો મોકો છોડે એવો આ કેતલો કીમિયાગાર નથી. શું ચક્કર હશે! હવે આ વિનીયા વિસ્તારી કેટલા ઊંડા પાણીમાં છે એ પણ જોઈ લઈએ."


આમ મૂકલા મુસળધારએ પણ એમના મિત્ર વર્તુળ વોટ્સએપ ગ્રુપની વોલ પર એક મેસેજ નાખ્યો, 'મારા ચંપકકાકાનો મકાનના દાદરા પરથી પગ લપસી પડવાથી અકસ્માત થયો છે. એમને થાપાના હાડકામાં ઈજા થઈ છે. એમને વિનીયાની ઓણખાણવાળી હાડ હોસ્પિટલ તરફ લઈ જઈ રહ્યા છે. @વિનીયા વિસ્તારી, શક્ય હોય તો ત્યાં પહોંચ.'


કાચી સેકન્ડમાં વિનીયાનો જવાબ આવ્યો, 'ત્યાં પહોંચો ત્યારે મને ફોન કરાવજે. હું ડોક્ટર સાહેબ સાથે વાત કરી લઈશ એટલે કામ થઈ જશે.'


મૂકલા મુસળધારનો ફરી એક વખત ફોન કોલ ધૂલા હરખપદૂડા પર આવી ગયો, "મને એકદમ ધરપત થઈ ગઈ છે કે આ વિનિયો પણ કોઈ તકલીફમાં તો નથી જ. છતાં પણ એટલુ તો નક્કી છે કે એ પણ કોઈ એવા જ મોટા ચક્કરમાં અથવા કોઈ મોટા જુગાડમાં વાત વિસ્તારી રહ્યો છે. હવે કોયડો એક જ છે કે આ બંને એક જ ચક્કરમાં છે કે અલગ અલગ!"


બંને એ એકમેક સાથે વાતચીત કરી આ મિશનને થોડો બ્રેક આપવા નક્કી કર્યુ. ધૂલા હરખપદૂડાના વિચારો સાથે પીઢ પાકટ મૂકલા મુસળધારએ સહમતી દર્શાવી. એમણે નક્કી કર્યુ કે તેલ જોઈ, તેલની ધાર જોઈ આગળનું પગલું ભરવુ.


બીજી તરફ ઈશા હરણી એ સહેલી વૃંદમાં હિરોઇન બની ચૂકી હતી. એનું આ અલગ પણ મજેદાર મેનું, સિંધી ભોજન, સફળ સાબિત થઈ છવાઈ ગયું હતું. વળી સૌથી શ્રેષ્ઠ બાબત એ હતી કે એણે કોઈ સિંધી મિત્ર કે સિંધી ભોજનના જાણકાર અથવા કોઈ રેસીપી કે રસોઈ નિષ્ણાંતની મદદ વગર પૂર્ણ આત્મવિશ્વાસ સાથે આ સિંધી ભોજન પોતે જ તૈયાર કર્યુ હતું. એ માટે સોશિયલ નેટવર્ક મિડીયાનો એણે સર્વ શ્રેષ્ઠ ઉપયોગ કર્યો હતો.


એને જેટલી પણ શાબાશી અને વાહ વાહી મળી એનો શ્રેય એણે આ સોશિયલ નેટવર્ક મિડીયાને આપી સોશિયલ મિડીયાનો આભાર માન્યો.


હવે આવતી મિત્ર વર્તુળ માસિક શનિવારીય બેઠક હિરકી હણહણાટના ઘરે હોવાની શક્યતાઓ હોવાથી એ ચિંતિત થઈ ગઈ. એણે એની મૂંઝવણની પોતાના સહેલી વૃંદ પાસે રજૂઆત કરી. હિરકી હણહણાટે પોસ્ટ મૂકી, 'ઓલ ડન ઈઝ ડન. બટ વોટ ડન નેક્સ્ટ ટાઈમ?'


સધકીએ સંધિવાત સાઈડ પર મૂકી એને એની ભાષામાં જવાબ આપ્યો, 'નેક્સ્ટ ટાઈમ જે ડન તે ઈટ.' ફટાફટ હાસ્યની સ્માઈલીઓનો ઢગલો થઈ ગયો.


બૈજુ બાવરીએ મમરો મૂક્યો, 'જે ડન તે ડન, બટ નો કોલ સુષમા ઇન્ટિરિયર ડિઝાઇનર ફોર એડવાઇસ વીથાઉટ એડવાન્સ.' અને વોટ્સએપ ગ્રુપનું વાતાવરણ હાસ્ય સભર અને મનોરંજન મોડ પર આવી ગયું આ જ તો ખાસિયત છે આ મિત્ર વર્ગ તથા આ સહેલી વૃંદની. તેઓ મજાક મસ્તી સાથે સાથે મોજ મજા પણ કરી જાણતી હતી.


એક તરફ મૂકલો મુસળધાર અને ધૂલો હરખપદૂડો જે વાત ભૂગર્ભના ગુપ્તવાસમાં ધરબોળી રાખવા માંગતા હતા એ અચાનક લાવારસના વિસ્ફોટ સાથે જ્વાળામુખી બની ફુવારાની જેમ બહાર ઊભરાઈ આવ્યો. એના તણખાં કોને કોને દઝાડશે એની કલ્પના કરવી મુશ્કેલ હતી.


ઈશા હરણીએ આ વિસ્ફોટ કર્યો, 'પિતલી પલટવાર એન્ડ સોનકી સણસણાટ મિસિંગ ફ્રોમ ગ્રુપ લોંગ ટાઈમ.'


હિરકી હણહણાટએ વાતનો તંતુ પકડી લીધો. એણે મેસેજ મૂક્યો, 'સેમ થીંક. પિતલી પલટવાર એન્ડ સોનકી સણસણાટ મિસિંગ એઝ હોર્ન ફોર ડોન્કી હેડ.'


ઈશાને વધુ ગતાગમ પડી નહીં પણ સઘકી સંધિવાત સમજી ગઈ, 'હા ગધેડા માથે શિંગડાની જેમ એ બંને અચાનક ગાયબ છે. ડન સમથિંગ ડન.'


હવે ઈશા હરણી હવે આ ચર્ચામાં કૂદી પડી. એણે સોશિયલ મિડીયા પર સંશોધન કરી એ અનુસાર રિપોર્ટ આપ્યો, "હા આપણી શનિવારીય બેઠક બાદના રવિવારની સાંજથી બંને ઓનલાઈન થઈ નથી. પણ કેતનભાઈ અને વિનયભાઈ સતત ઓનલાઈન છે. દયા, કુછ તો ગડબડ હૈ.'


હીરકી હણહણાટે વોટ્સએપના બીજા ગ્રુપમાં આવેલી સતત હરતી ફરતી પોસ્ટ, અહીં પોસ્ટ કરી દીધી,


'તમે માર્ક કરજો, જે લોકો વોટ્સએપ ખાસ યુઝ કરતા જ નથી એમનાં સૌનાં વોટ્સએપ સ્ટેટસમાં લખ્યું હોય છે ‘હેય ધેર, આઈ એમ યુઝિંગ વોટ્સએપ.’


એ સિવાય પણ લોકો જાતજાતનાં સ્ટેટસ રાખે છે. એકનું સ્ટેટસ છે, 'Typing…’ પણ છેલ્લા છ મહિનાથી એમનો એક પણ મેસેજ આવ્યો નથી.


બીજા એકનું છેલ્લા બે વરસથી સ્ટેટસ છે, ‘Driving…’ મને તો નવાઈ લાગે છે કે એ પોતાનું નહાવા ધોવાનું અને ‘બીજું બધું’ ક્યાં અને ક્યારે પતાવતા હશે!


એક મિત્રએ પોતાના સ્ટેટસમાં લખ્યું છે ‘No Politics, Please !’ જરા ધ્યાનથી જોયું તો એમણે એમના DPમાં એક રાજકીય પક્ષનું ચિન્હ મૂકી રાખ્યુ છે.


એક બહેને પોતાના સ્ટેટસમાં લખી રાખ્યું છે ‘Busy….’ પણ જ્યારે જુઓ ત્યારે એ બહેન ‘Online’ હોય અને ‘typing’ જ કરતાં હોય છે. લાગે છે કે એમાં જ ‘બિઝી’ હોય છે.


એક ભાઈના સ્ટેટસમાં લખેલું હતું ‘Available…’ તપાસ કરતાં ખબર પડી કે ભાઈ પંચાવન વરસના છે અને હજી વાંઢા છે.


બીજા એક યુવાનના સ્ટેસમાં હતું ‘Happy…’ એ કિસ્સામાં પણ તપાસ કરતાં ખબર પડી કે ભાઈ ૩૨ વરસના થઈ ગયા છે પણ હજી કુંવારા છે.


અને વધુ એક ભાઈ દેખાયા જેનું સ્ટેટસ હતું ‘Can’t talk, Whatsapp only…’ સીધી વાત છે, એ ભાઈ પરણેલા છે.


એક ભાઈનું સ્ટેટસ તો એકદમ જોરદાર છે ‘શેર કભી ઘાસ નહીં ખાતે…’ એ ભાઈને મેં કાલે જ શાક મારકેટમાં પા કિલો ભીંડાનો ભાવતાલ કરતા જોયા હતા.


બીજા એક બહેનનું સ્ટેટસ પણ મસ્ત છે ‘પરી હું મૈં…’ પણ શી ખબર, એમના DPમાં કેમ કદી કોઈ ફોટો હોતો નથી!'


બૈજુ બાવરીએ ટકોરો ટંકાર્યો, 'બા, વોટ્સએપ ફોરવર્ડ છોડો, પણ એમના ફોન સુધ્ધાં બંધ છે.' હવે?


ખરેખર કોઈ ચક્કર છે આ કેતલા કીમિયાગાર અને વિનીયા વિસ્તારીનું? જે હોય તે પણ આ પિતલી પલટવાર અને સોનકી સણસણાટ પણ કેમ અચાનક ભૂગર્ભમાં ચાલી ગઈ છે? હવે આ મેટર એમની સહેલી વૃંદ હસ્તક ચાલી જશે? હવે આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૪૦ તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).