Patanni Prabhuta - 6 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 6

Featured Books
Share

પાટણની પ્રભુતા - ભાગ 6

૬. ધર્મ અને સામ્રાજ્ય

આનંદસૂરિએ પ્રણામ કર્યા; મીનળે સામો જવાબ વાળ્યો.

'દેવી ! આ સૌભાગ્યભાઈએ મોકલેલા મહાત્મા. હવે હું જઈશ. જોઈ આવું કે અન્નદાતાની તબિયત કેમ છે ?'

‘હા, જા. હું હમણાં આવું છું.'

'દેવી !' આનંદસૂરિએ કહ્યું, આજ મારાં અહોભાગ્ય છે. હું દેશદેશ રખડ્યો, પણ આપને જોવાની ઈચ્છા હૃદયમાં હંમેશ હતી. આજે હું કૃતાર્થ થયો.'

‘આપનું નામ ?'

‘આનંદસૂરિ.'

'આપ અહીંયાં કેમ આવ્યા છો ? કાંઈ ખાસ કામ છે ?' 'મહારાણી ! ખરું કહું ?' જતિની આંખમાં જુદું તેજ આવ્યું. મુંજાલની હાજરીમાં જે ક્ષોભ હતો, તે ચાલ્યો ગયો. ધીમે ધીમે તેનો પ્રભાવ દેખાવા લાગ્યો.

'મારું જીવન મેં જિન પ્રભુજીને અર્પણ કર્યું છે.'

‘ત્યારે રાજખટપટમાં શા માટે પડો છો ?'

'રાજનીતિ શું ધર્મ નથી ? અને જીવન અભિન્ન છે, દેવી ! અને આપણી અવનતિ એ ભિન્નતાએ જ આણી છે.'

'મહારાજ ! શિખામણ દો છો ?' જરા ગર્વથી મીનળે પૂછ્યું.

'દઉં છું; શા માટે નહિ ? તમારા કરતાં ગીઝનીના યવનો વધારે ડાહ્યા છે. દુનિયાની કતલ તે પણ એમનાં શાસ્ત્રો જ શીખવે છે.'

'મુંજાલ મંત્રીનો અભિપ્રાય જુદો જ છે !'

'તેથી જ તે ખત્તા ખાય છે.

'તમે શું ધારો છો ત્યારે ?' આતુરતાથી મીનળે પૂછ્યું.

'મંત્રીએ અમારી ચંદ્રાવતીની રાજ્યપદ્ધતિ વિષે બહુ બોલવાની મને ના કહી છે, અને તેમાં આપ તો ચિન્તાતુર છો; પછી વાત કરીશું.'

'નહિ, મારે હમણાં જ સાંભળવું છે. પાટણની સ્થિતિ હમણાં કઢંગી છે, અને તમારા જેવા વિદ્વાન અનુભવીના અભિપ્રાયો મને ઘણા કામ લાગશે.’

'મુંજાલ મંત્રી સિવાય બીજાનો અભિપ્રાય કામ નહિ લાગે.' ધીમે રહીને ઝેર પ્રસારતાં જતિએ કહ્યું, પણ હું માનું છું, કે એક ધર્મ વિના એકતા નથી, એક ધર્મના પ્રભાવ વિના પ્રજા નથી, તેના ઉત્સાહ વિના વીરતા નથી.'

'તમે અત્યારે પાટણના પ્રધાન હો તો શું કરો ?”

'મારું ચાલે તો હું જૈન ધર્મને મારી રાજનીતિનો પહેલો મંત્ર કરીને સ્થાપું. તેના અનુયાયીઓમાં તેને નામે ઉત્સાહ અને એકતા પ્રેરું, તેના રક્ષણ માટે લોકોમાં વીરતા પ્રગટાવું; અને તેના પ્રચલન માટે દેશદેશમાં જિન ભગવાનનો ભગવો વાવટો ઊડતો કરું.' ધર્મના જુસ્સાથી જ્વલંત મુખે જતિએ કહ્યું,

'તમારી વાત તો ઠીક લાગે છે, પણ રાજપૂતોનું શું ?'

'રાજપૂતો સત્તાના અને શૌર્યના સેવકો છે, અને જ્યાં ધર્મને તેમનો પ્રતિનિધિ દેખશે, એટલે તરત તેને આધીન થશે.'

'મહારાજા મને વાત કરતા હતા. તેમણે સસરાજી પાસે સાંભળી હતી. ગીઝનીના બાદશાહે નવખંડ જીતી પોતાની આણ આખી દુનિયામાં વર્તાવી હતી.'

'તેનું કારણ પણ તે જ. તે એકલો રાજા જ નથી, ધર્મવીર છે. હું ઉત્તરપ્રદેશમાં ગયો હતો ત્યારે એમનો એક ધર્મગુરુ મને મળ્યો હતો. તેણે મને એમના કેટલાક સિદ્ધાંતો સમજાવ્યા હતા. એ યવનો તો એટલું જ શીખ્યા છે, કે ધર્મના ઝનૂન વિના રાજ્ય નહિ

‘આનંદસૂરિ ! વિચારમાં ડોકું હલાવતાં મીનળદેવીએ કહ્યું, 'તમે જાણ્યેઅજાણ્યે મારા અંતરની ઈચ્છાને અનુસરતા ઉદ્ગાર કાઢો છો; પણ શ્રાવકોની સત્તા થાય તો વિમલશાહે કર્યું તેમ, રાજાને તિરસ્કારી તેઓ મહાજનની સત્તા જ બેસાડે ! પાટણ બીજું ચંદ્રાવતી થાય.'

'રાણી ! સાચું કહું ?' જતિએ નીચા વળી ભયંકર શાંતિથી કહ્યું, ‘તમારો એ ડર ખરો છે. પણ સારી વસ્તુ ગ્રહી ખરાબ દૂર કરાય છે.’

'કેવી રીતે ?”'

'રીત તમને પસંદ નહિ આવે.'

'તે જોઈશ; તમે કહો તો ખરા.'

'આને દૂર કરો.'

કોને ? મુંજાલને ?' ગૌરવથી માથું ઊંચકી, તીક્ષ્ણ સચોટ નજર આનંદસૂરિ ૫૨ નાંખી મીનળદેવી બોલી: 'તમે પરદેશી છો, તેથી જાણતા નથી. મુંજાલ મારો જમણો હાથ છે. ચંદ્રપુરમાં પહેલાં ગુજરાતની મોહિની મને એણે લગાડી; મહારાજા સાથે લગ્નની સગવડ એણે કરી આપી; મહારાજાએ જ્યારે મારા રૂપ પર નાખુશ થઈ મારો ત્યાગ કર્યો, ત્યારે સમાધાન એણે કરાવ્યું; અને તેર તેર વર્ષ થયાં મારે પડખે નિશ્વળ ભક્તિથી તે ઊભો રહ્યો છે.'

‘આ ઉદ્ગારો તમારી વડાઈ દેખાડે છે. મુંજાલ રાજભક્ત છે, બાહોશ છે; પણ તેની રાજનીતિ ટૂંકી બુદ્ધિની છે. એ જો માને તો તો ઘણું જ સારું; પણ નહિ તો થોડો વખત મુખ્ય સત્તા તમારા હાથમાં તમારે લેવી જોઈએ. મુંજાલ મંત્રીની નજરે જુએ છે, રાજાની નહિ.'

'જતિ ! તમારી જીભ જબરી છે. પરદેશી માણસ જોડે ખાનગી વાત મારાથી આજે પહેલી જ થાય છે. પણ તમારી સત્યતા પર ભરોસો રાખું છું.'

'જરાય ડરતાં નહિ, હું તમારી સેવા કરવા આવ્યો છું, અને મારા જેવો નિમકહલાલ બીજો નહિ મળે.'

'ઠીક, ત્યારે; કહું ? મુંજાલ અડગ છે, તે તૂટશે પણ વળશે નહિ.'

વાળતાં આવડતું હોય તો બધા વળે.'

'કેમ?'

'ચંદ્રાવતીએ મોકલેલા લશ્કરનો અધિપતિ મુંજાલને બનાવો. શ્રાવકો એને ઠેકાણે રાખશે. શાંતિચંદ્ર કુશળ છે, તેને પાટણનો દુર્ગપાલ બનાવો, અને બને તો દંડનાયક.'

રાણી ચમકી : 'શું ? વારુ, હું વિચાર કરી જોઈશ. કાલે સવારે શાંતિચંદ્ર શેઠને લઇ મારી પાસે આવજો.

'જરૂર, દેવી ! બીજું કાંઈ કામ હોય તો હું હંમેશ હાજર છું.'

'હા, એક કામ કરશો?'

'શું ? જે કહેશો તે કરવા તૈયાર છું.'

'શહેર બહાર વિમલશાહનું સ્થાનક જોયું છે?'

'હા, આજે આવતાં હું ત્યાં જ થોભ્યો હતો.'

'ત્યાં જઈ આચાર્યને ખાનગીમાં બોલાવી કહેજો, કે મીનળદેવી ગોરી સાધ્વીને બોલાવે છે.'

'ગોરી સાધ્વી?'

'હા, અને તેને ડોળીમાં ઘાલી અહીંયાં લઈ આવજો. ડોળીને ગઢમાં નહિ આણતા. આ પાછળ દાદર છે ત્યાં તેને લાવજો, અને મારી દાસીને સોંપજો.'

'દેવીની ઇચ્છા.'

આ વાત ઘણી ખાનગી રાખવાની છે.'

'એમાં કાંઈ કહેવું નહિ પડે, કહી આનંદસૂરિ ગયો.

મીનળદેવી ક્યાંય સુધી મૂંગી મૂંગી ઊભી રહી.

મુંજાલ અને જતિનાં વાક્યોનો ધ્વનિ તેના કાનમાં સંભળાતો હતો.

‘શું કરવું ?”