Patanni Prabhuta - 10 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 10

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

Categories
Share

પાટણની પ્રભુતા - ભાગ 10

૧૦. કર્ણદેવનું મરણ

ત્રિભુવન જ્યાં કર્ણદેવને ભોંયે નાખ્યા હતા ત્યાં ગયો. આખા ગઢમાંથી બધા ત્યાં દોડી આવ્યા હતા; અને પળે પળે બહારથી માણસોનાં ટોળાં પર ટોળાં ત્યાં આવતાં હતાં. રડારોળ શરૂ થઈ ગઈ હતી. આજે કેટલા દિવસ થયા સામાન્ય લોકોને લાગતું હતું, કે કાંઈ ભયંકર પીડા પાટણને માથે આવી પડવાની છે. કર્ણદેવના મૃત્યુએ તે પીડાના ગણેશ બેસાડ્યા. બને એટલા લોકો રાજગઢમાં આવ્યા. બાકીના બહાર ચોરે ઊભા. ત્યાં નહિ માયા તે ચકલે ઊભા; અને સર્વ જુદી જુદી વાતો કરવા લાગ્યા. રાણી કેવાં દેખાય છે ? મુંજાલના મોઢા પર શા ભાવો છે ? દેવપ્રસાદ પાટણ આવ્યો છે કે નહિ ? એવા અનેક પ્રશ્નોની ચર્ચા થવા માંડી, અને બને તેટલાની આબરૂનાં ચીંથરાં ફાડવા માંડ્યાં. આ ખબર પહોંચતાં મંડલેશ્વર આવી પહોંચ્યો. તેને જોઈ લોકોમાં વધારે ગભરાટ થયો. આજે કેટલે વર્ષે તે જાહેર રીતે ગઢમાં આવ્યો હતો.

મંડલેશ્વરે કર્ણદેવના શબને પ્રણામ કર્યા, અને ત્રિભુવનને ખોળી કાઢ્યો. 'કેમ, કાંઈ થયું ? ધીમેથી તેણે પૂછ્યું.

'ત્રિભુવને ડોકું હલાવ્યું: ના.'

'પણ જીવે છે કે નહિ, તે કાંઈ જાણ્યું " મંડલેશ્વરે પૂછ્યું.

'કાંઈ કહેવાય નહિ, મને કાંઈ ભેદ લાગે છે.'

‘ઠીક. પછી વિચારીશું, પણ હવે આંખ અને કાન ઉઘાડા રાખજે. કાલે સવારે ઉઠમણા પહેલાં કાંઈક નવુંજૂનું થશે.'

‘હરકત નહિ.’

એટલામાં ક્રિયા રાજગોર આવ્યા, અને ઓરડામાં લોકો આઘાપાછા થયા. એટલામાં એક બિહામણો રાજપૂત મૂછોના થોભિયા ચડાવતો આવ્યો, અને જાણે જાણતો નહિ હોય, તેમ મંડલેશ્વરની પાસે ઊભો રહ્યો. તે વીરપુરનો સામંત હતો.

'રાજા ! તૈયાર છો કે " ધીમેથી મંડલેશ્વરને તેણે પૂછ્યું.

'શા માટે'

'મેં તમને નહોતું કહ્યું ? મારા માણસો તૈયાર છે. કહો તો કાલે સવારે આની જગ્યા તમે પૂરો,' કહી તેણે રાજાના શબ તરફ નજર કરી.

મંડલેશ્વર મૂછમાં હસ્યો : 'વિજયમલ્લજી ! પાટણની રાજા હવે જયદેવ, બીજો કોઈ નહિ.’

વિજયમલ્લે હોઠ કરડ્યા અને ડોળા ઘુમાવી ત્યાંથી તે ખસી ગયો. થોડીવારે કર્ણદેવના શબને ત્યાંથી સ્મશાને લઈ ગયા. આખું ગામ લોકપ્રિય રાજાને વળાવવા આવ્યું; અને શોભાને ખાતર, રાજાની ભલાઈની ખાતર, ભવિષ્યની બીકને લીધે ઘણાએ આંસુ ઢાળ્યાં. પાટણના રાજાની રાખ થઈ ગઈ; અને સ્મશાનિયા પાછા ફર્યા. સહુથી આગળ જયદેવકુમાર સાથે દેવપ્રસાદ ચાલતો. દુશ્મન બની રહેલા ભાઈઓને સાથે જોઈ લોકોને ભાતભાતના વિચારો આવ્યા. બધા રાજગઢ ગયા. રડ્યા, કકળ્યા, છૂટા પડ્યા, થાક્યા, હાર્યા. મંડલેશ્વર અને ત્રિભુવન ઘેર આવ્યા અને થોડી વારે જોરાવર આવ્યો.

'બાપુ ! પાછલે બારણે રાજા મદનપાળ આવીને ઊભા છે. તે અન્નદાતાને ખાનગીમાં મળવા માંગે છે,' જોરાવરે કહ્યું.

'આજે આ બધાને થયું છે શું ? બધા કાવતરાંબાજ થઈ ગયા છે ! ઠીક;

----------------

* બકુલાદેવી + ભીમદેવ + ઉદયામતિ  મદનપાળ

।-------------------------------------।

ક્ષેમરાજ કર્ણદેવ

। ।

દેવપ્રસાદ જયદેવ

અંદર બોલાવ.

મદનપાળ આવ્યો. તે સાઠ વર્ષનો મજબૂત, જમાનાનો ખાધેલ રાજપૂત યોદ્ધો હતો અને તે કર્ણદેવનો મામો થતે હતો. મુંજાલે તેની સત્તા ઓછી કરવા તેણે કર્ણાવતીના દુર્ગપાળની માનભરી પદવી આપી હતી. બધા જાણતા હતા, કે મદનપાળના મગજમાં કાંઈ કાંઈ કાવતરાં રચાતાં હતાં; પણ એની આકાંક્ષા શી હતી, તે કોઈ કળી શક્યું નહોતું

'કેમ મંડલેશ્વર ! શી નવાજૂની? ' જરા હસતાં મદનપાળે પૂછ્યું. તેની ઘરડી પણ તીક્ષ્ણ આંખે તે દેવપ્રસાદનું મન કળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

'તમે કહો, તે,' દેવપ્રસાદે જવાબ વાળ્યો.

'કેમ હવે કાંઈ કરવું છે ? આમ ને આમ ક્યાં સુધી બેસી રહેવું છે ?' ગાદી પર બેસી, હાથમાં હુક્કો લેતાં મદનપાળે પૂછ્યું.

'શું કરીએ ? કાલે ઉઠમણું છે. આપણા રિવાજ પ્રમાણે નવા રાજાને તિલક થશે ત્યારે કોઈ નવા ફેરફાર થશે. પછી જોઈશું કે શું કરવું. હમણાં તો પાટણમાં બેઠા છીએ.'

'મંડલેશ્વર ! આ થોડી મૂર્ખાઈ કરો છો ? તમે સામંતોના મુકુટરૂપ છો, છતાં આટલી બેદરકારીથી બેઠા છો ? શરમ નથી આવતી?" જરા તોછડાઈથી મદનપાળે કહ્યું.

'શું કરવું ? બહુ થશે તો મારું દેહસ્થલી તો છે. ત્યાં જઈ નિરાંતે રાજ કરીશ,' મદનપાળનું મન જાણવા કૃત્રિમ બેદરકારીથી તેણે જવાબ આપ્યો.

'મીનળ જવા દેશે ? રાજા ! દરેક પળ સોનાની જાય છે.'

'મને દેહસ્યલી જતાં કોઈ રોકશે ? શી ગાંડી વાત કરો છો ?'

'મંડલેશ્વર ! તમે ભલા છો; ભોળા છો; એ રાણીની ખટપટને પહોંચો એમ નથી.'

'પણ કરીશું શું ત્યારે ' ગૂંચવાડામાં હોય તેમ મંડલેશ્વર બોલ્યો.

‘હું તે જ વિચાર કરવા આવ્યો છું. મારું મંડળ નાનું સરખું છે. અને એણે મને કર્ણાવતીમાં સડવા મોકલી આપ્યો છે. કાલે ઊઠીને મારું મંડળ સર કરતાં એને વાર શી?'

દેવપ્રસાદે જોયું કે મદનપાળ કાંઈ યુક્તિ રચીને આવ્યો છે. તે જાણવી તેને અવશ્યની લાગી. ત્યારે તમે શો રસ્તો કાઢ્યો છે ?'

'તે હું તમને પૂછવા આવ્યો છું. જ્યાં સુધી મીનળદેવીના હાથમાં લગામ છે ત્યાં સુધી મંડળો નિર્ભય કદી નથી બનવાનાં !' પોતાની યુક્તિ ઉકેલતાં ડોસાએ કહેવા માંડ્યું.

'કાકી તે કાંઈ રસ્તાનો કાંકરો છે, કે ઊંચકીને ફેંકી દેવાશે ?

'ના, પણ માદીકરો છૂટાં પાડી શકાય ખરાં.'

'હેં! શું કહો છો ? કેવી રીતે ?' ચમકીને દેવપ્રસાદ બોલ્યો.

'હા, તમારી હિંમત જોઈએ. આજે રાત્રે અહીંયાંથી જયદેવકુમારને ઉપાડીએ, અને પરમ દિવસે કર્ણાવતીમાં તિલક કરીએ.’

દેવપ્રસાદ ડોસાની હિંમત પર આશ્રર્ય પામ્યો. જયદેવને કર્ણાવતીમાં ગાદીએ બેસાડવો; અને ત્યાંથી રાજ્યસત્તા ચલાવવી, એ યુક્તિ ઘણી સારી હતી. દેવપ્રસાદને વિચાર આવ્યો કે રાજ્યબાજી શું શું કરાવે છે?

'પણ જયદેવને લઈ જવો સહેલ નથી.'

'રાજા ! બધું નક્કી કર્યા વિના હું કાંઈ કહું નહિ.'

'પણ મદનપાળજી ! તમે કેમ જાણ્યું, કે આ તોફાનમાં હું સામેલ થઈશ ?'

'મંડલેશ્વર ! મારા કરતાં તમારી સ્થિતિ વધારે ખરાબ છે અને થશે.'

'પણ મામા ! દુઃખ કરતાં ટેક મને વધારે વહાલી છે અને થશે.'

'રાજ્યખટપટમાં ટેક રાખશો તો માર્યા જશો. સામે મીનળ અને મુંજાલ બે કપટીઓ ભેગાં મળ્યાં છે. એ તો शठं प्रति शाठ्यं कुर्यात् । ’

'આટલાં વર્ષો થયાં આ હાથ અનીતિએ દૂષિત ન કર્યા, તે હવે કરું ? રાજપૂતવીરની શૂરતા સિવાય બીજો એક પણ રસ્તો હું તો નહિ ગ્રહણ કરું.'

'પણ ભાઈ ! આ જમાનો તે નથી. હજુ વિચાર કરી જોજો,' જરા સમજાવતાં મદનપાળ બોલ્યો.

‘એમાં વિચાર શો કરતો હતો ? એક લૂંટારુની માફક છાનામાના રાત્રે પાટણના ધણીને ઉપાડી લઈ જાઉં અને તેને કબજામાં રાખી હકૂમત ચલાવું તેના કરતાં મારું લશ્કર લાવી પાટણને સર શા માટે ન કરું ? મર્દાઈ તો તેમાં.’

'મંડલેશ્વર !” મદનપાળે પાન લીધું અને ઊઠતાં કહ્યું : ‘તમારી મર્દાઈ તમે જાણો, પણ કોઈને કહેશો નહિ.' 'હા.'

‘વચન આપો.’

'હા, આ વચન. શું કરું ? મારું મન ના પાડે છે. નહિ તો તમારી યોજનામાં સામેલ થાત,' દેવપ્રસાદે કહ્યું.

મોડે સુધી મુંજાલમંત્રી રાજ્યતંત્રને ઠેકાણે રાખવાનો પ્રયત્ન કરી રહ્યો. અત્યાર સુધી કરેલી મહેનતથી તે કામ તેને ઘણું સહેલું લાગ્યું. દરેક પક્ષની શી હિલચાલ છે, કયો કયો મંડલેશ્વર સામો થાય એમ છે, પાટણમાં કોના કોના જાસૂસો ફરે છે, તે સર્વ ખબર તેણે સાંભળી લીધી; ને દરેક ઠેકાણે વિશ્વાસુ માણસો છે કે નહિ, તેની તપાસ કરી, અને આખા મહેલમાં સખ્ત ચોકીપહેરો મૂક્યો. પછી તે રણવાસ તરફ ગયો.

'બાનું માથું ઘણું દુખે છે. સવારે મળો તો નહિ ચાલે ?” દાસીએ કહ્યું. મુંજાલ માથું દુખવાના બહાના ઉપર હસ્યો. તેને ખબર આવી ગઈ હતી કે અત્યાર સુધી મીનળદેવી શાંતિચંદ્ર અને જતિ જોડે મસલત કરી રહી હતી. 'કાંઈ નવો પ્રયોગ થાય છે,' એમ તેને લાગ્યું હતું, અને તે જાણવા જ તે અત્યારે આવ્યો હતો.

'ના, અત્યારે ઘણું જ જરૂરી કામ છે.'

દાસી અંદર જઈ આવી : ‘આવો, બા બેઠાં છે.' સ્વસ્થતા રાખી મુંજાલ અંદર ગયો. મીનળદેવીની વૈધવ્યદશા જોતાં તેના હૃદયને દુઃખ થયું. કાળાં લૂગડાંમાં આંસુવાળી આંખો લઈ મીનળદેવી બેઠી હતી, છતાં તેનામાં કાંઈ અદ્ભુત મોહકતા મુંજાલને દેખાઈ. ખિન્ન હૃદયને દબાવી તેણે કર્તવ્યને આગળ ધર્યું.

'દેવી ! અત્યારે આવ્યો તે ક્ષમા કરજો : પણ કાલે સવારે ઉઠમણા વખતે કુમારને તિલક કરવું પડશે. પછી શો હુકમ બહાર પાડવો છે ? નવાં પદો પણ તે જ વખતે આપવાં પડશે.' દબાયેલે સ્વરે મંત્રીએ કહ્યું.

મીનળ કંટાળાથી ઊંચું જોયું, મુંજાલે જોયું, કે તે ખેલ કરતી હતી.

'હવે અત્યારે કાંઈ વાત થાય એમ નથી. મારું તો માથું ભમે છે. હમણાં તો ચાલે છે તેમ ચાલવા દો.'

'દેવી ! હમણાં શાંતિચંદ્ર અને જતિ જોડે વાતો કરતાં માથું નહિ ભમ્યું ?'

રાણીએ હોઠ કરડ્યા. “જોજો, એક પગલું ઊંધું ભરશો તો કર્યુંકારવ્યું ધૂળ થઈ જશે.'

'પછી બધી વાત નિરાંતે કરીશું.'

મીનળદેવી રાજ્યની વાતોથી કંટાળે, એ આટલે વર્ષે આજે જ જોયું. ઠીક, મને કાંઈ પરવા નથી, પણ એટલું યાદ રાખજો કે મુંજાલ જેવી નિઃસ્વાર્થી સલાહ કોઈ નહિ આપે.' ગર્વથી માથું ઊંચકીને મુંજાલે કહ્યું

'હું ક્યાં નથી જાણતી ?'

અશ્રદ્ધાથી મુંજાલે ડોકું ધુણાવ્યું. ઠીક ત્યારે’ કહી તે બહાર ગયો, અને પોતાના ઓરડા તરફ વિચારમાં અને વિચારમાં ર્જ્યો. એટલામાં એક જાસૂસ સામો મળ્યો. તેણે કાનમાં કાંઈક કહ્યું,

તેના ઓરડામાં આનંદસૂરિ તેની વાટ જોતો બેઠો હતો. તેને જોઈ મંત્રીએ નિરાશા દબાવી. હંમેશનો સ્વસ્થ વિજયી રુઆબ તેણે ધારણ કર્યો. જરા સખ્તાઈથી તેણે પૂછ્યું : 'કેમ જતિજી! કાંઈ અત્યારે ?'

'મહેતાજી ! જરા કામ છે.'

'શું છે બોલો ! પણ જે કહેવું હોય તે જલદી કહો. આજે તો હું થાકી ગયો છું.'

‘આપ શ્રાવકશ્રેષ્ઠ છો, બુદ્ધિશાળી છો. આપને એક વિનંતી કરવા આવ્યો છું.'

'શું છે ?' જરા ભવાં ચઢાવી મુંજાલે પૂછ્યું.

‘હાલ પાટણની સ્થિતિ ખરાબ છે, અને તે સુધારવી તમારા જ હાથમાં છે.'

'કેવી રીતે ?' તીક્ષ્ણ નજરે જતિ સામું જોતાં મુંજાલે પૂછ્યું. આપ દંડનાયક થાઓ તો સુધરે એમ છે,' જતિએ કહ્યું.

મુંજાલ એમ પકડાય એમ નહોતો.

'તે કાંઈ આપણા હાથમાં છે ?' તેણે ઠંડે પેટે જવાબ વાળ્યો.

'પણ મીનળબાને કહી શકાય એમ નથી ?'

'તેની મને કશી પરવા નથી,' બનાવટી બેદરકારીથી મંત્રીએ કહ્યું,

'કરતાંકારવતાં દેવી છે. તેનો હુકમ મારે શિરસાવંદ્ય છે.’

'પણ તમારી રાજ્યનીતિથી તે થાકી ગયાં છે.'

'તે કહેવા માટે દેવીએ તમને અત્યારે મોકલ્યા છે?' જરા સખ્તાઈથી મુંજાલે પૂછ્યું.

જતિએ હોઠ કરડ્યા. મુંજાલને માત કરવાની આશા તેણે છોડી.

'જુઓ, મંત્રીજી! આપણા જેવા રાજ્યના મિત્રોએ સમજીને કામ કરવું જોઈએ.'

મુંજાલે એક તિરસ્કારભરી નજર નાખી. ઉત્તર વાળ્યો નહિ

'તમે જૈન સત્તાના પ્રતિનિધિ થાઓ તો તરત દંડનાયક બની શકો.'

'જતિજી !' શાંતિથી, હૃદયભેદક ભાવહીનતાથી મુંજાલે કહ્યું : ‘રાજ્ય કેમ ચલાવવું, તે હવે આજકાલના ગમે તે આવે, તેની પાસે મારે શીખવાનું નથી રહ્યું. હું કોઈનો પ્રતિનિધિ નથી, માત્ર સમસ્ત ગુજરાતનો છું. પાટણનું ચક્ર ફરતું કરીશ તો આખી પ્રજાનું અને જયદેવકુમાર મહારાજા થશે તો તે આખા દેશના. પક્ષાપક્ષી સાથે મારે કાંઈ સંબંધ નથી.'

'પણ તે હું ક્યાં કહું છું ?'

'કહો કે નહિ કહો. જતિ ! હજુ તમે બાળક છો. મુંજાલ પોતાના અભિપ્રાય પ્રમાણે રાજ્ય ચલાવશે, નહિ તો ઊંચો બેસશે, સમજ્યા ? જેણે તમને મોકલ્યા હોય તેને કહેજો કે, મુંજાલને શાસન કરવાની ફરી હિંમત કરે નહિ. લોકોના હેતથી અને મારી બુદ્ધિથી હું મારું પદ ભોગવું છું; અને તે કોણ ખૂંચવી લેવાની હિંમત કરે છે તે હું જોઈશ. તમે પણ મેં ધાર્યા હતા તેવા જ ટૂંક બુદ્ધિના નીકળ્યા. હરકત નહિ. પધારો હવે.'

મુંજાલની આંખોમાંથી તરવારની ધાર જેવું તીક્ષ્ણ તેજ નીકળ્યું. તેના પીસેલા હોઠો પર અડગતાનો મુદ્રાલેખ પડ્યો હતો. જતિ નિરાશ થયો; નિરાશામાં પણ મંત્રીની શક્તિ વખાણી.

'જેવી મરજી,' કહી આનંદસૂરિ ત્યાંથી ગયો.

'દેવી ! દેવી ! આ શું કરવા બેઠાં છો ?' મુંજાલ બબડ્યો.

ક્યાં સુધી વિચારમાં અને વિચારમાં મંત્રીએ ફર્યા કર્યું. સામ્રાજ્ય પેદા કરવાનાં તેનાં સ્વપ્નાં અત્યારે જતાં દેખાયાં. બાળપણથી તે વિમલ મંત્રીની બુદ્ધિને ઊંધી બુદ્ધિ લેખતો હતો. તેના કરતાં સત્તાવાન થવાની હોંશ મુંજાલને વધારે હતી. ભીમદેવ કરતાં કર્ણદેવ વધારે અશક્ત અને પ્રભાવહીન હતો. બીજું ચંદ્રાવતી વસાવતાં એને જરા વાર લાગે એમ નહોતું, છતાં એ બધા એને મન ટૂંકી બુદ્ધિના વિચારો હતા. તેના કરતાં પાટણની સત્તા દૃઢ કરી, આખા દેશને પ્રભાવશાળી કરવા તરફ તેની નજર દોરાઈ. તેમાં સદ્ભાગ્યે તે જ્યારે ચંદ્રપુર ગયો ત્યારે મીનળકુંવરીની મૈત્રી મેળવી શક્યો. મહામહેનતે તેને પાટણની રાણી બનાવી. અત્યાર સુધી તો બધુ બરોબર ચાલ્યું; હવે બધી આશાની અટારીઓ પડી જવા લાગી. મુંજાલ અભિમાની હતો, સત્તાનો શોખીન હતો; છતાં ભરતખંડમાં પાટણનો ડંકો પોતે વગડાવે, એવી તેની આકાંક્ષા હતી. પણ જ્યારે એ બધી આકાંક્ષાઓ નિરર્થક થયેલી દેખાઈ ત્યારે તેને સખત ઘા લાગ્યો. વર્ષો થયાં સ્વીકારેલી ગુલામગીરી, રાણીના હુકમે વર્ષો થયાં રિબાવેલી બહેન, વિના કારણે તરછોડેલો ભાણેજ – એ બધાંની મૂર્ત મનઃચક્ષુ આગળ ખડી થઈ. શા માટે આ બધું કર્યું ? રાણીની અદેખાઈથી ટળવળી મરી ગયેલી સ્ત્રી કેટલે વર્ષે યાદ આવી; પ્રભાવશાળી માણસની દૃઢતાથી તેણે તે વિચારો દૂર કર્યા. 'હવે શું કરવું ? એક વિચાર આવ્યો. 'તોફાન ઉઠાવી પાટણ હાથ કરી, રાણીને રઝળાવું ?' – ના, ના. દેવી તે તો દેવી જ ગણવી. મહત્ત્વાકાંક્ષા તો ગઈ, પણ આટલાં વર્ષના સ્નેહને ઠેસે મારવો, તે તેને ગમ્યું નહિ. ગમે તે થાય, પણ હાલ મૂંગે મોઢે જોયા કરવું અને વખત આવે એવો હાથ દેખાડવો, કે જેથી પોતાનાં સ્વપ્નાં પણ ખરાં પડે અને રાણીનો સ્નેહ પણ કાયમ રહે, સવારે શું થશે, તે ચોક્કસ જાણતો નહોતો. જેવાં પડરો તેવાં દેવાશે' એમ નક્કી કરી તે સૂઈ ગયો.