Patanni Prabhuta - 2 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 2

Featured Books
Share

પાટણની પ્રભુતા - ભાગ 2

2. ભવિષ્યવાણી

રાજપૂત સવાર રાજગઢને પાછલે બારણે નોકરોને જવાઆવવાની બારી આગળ ગયો. અને તે ધીમેથી ઠોકી. થોડી વારે એક સ્ત્રીએ બારી ખોલી : 'કોણ ભીમો?'

સવારે જરા હસતા કહ્યું: 'ના જરા સમર્થન ચોપરદારને બોલાવશો?'

બૈરી શરમાઈ ગઈ, અને નીચું ઘાલી ચાલતી થઈ.

સવારે થોડીવાર સુધી વાટ જોઈ. આખરે થાકી એક બાજુ પર કડું હતું ત્યાં ઘોડો બાંધ્યો, અને બારી કૂદી તે અંદર આવ્યો. રાજમહેલના ખૂણેખૂણેથી પરિચિત હોય તેમ તે ડાબી બાજુએ નોકરોને રહેવાની ઓરડીઓ તરફ ગયો, અને એક ઓરડીનું બહારનું ઠોક્યું.

'કોણ છે અત્યારે?' કહી એક ઘરડા માણસે બારણું ઉઘાડયું. સવારને જોયો અને આશ્ચર્યચકિત થઈ રહ્યો. 'કોણ?'

'હું. છાનો રહે, મને અંદર આવવા દે.'

રાજપૂત અંદર આવ્યો અને સંભાળીને બારણાં દીધાં. ચોપદાર સામો હાથ જોડી ઉભો રહ્યો.

'પ્રભુ, આપ અત્યારે અને અહીંયાં? '

'સમર ! અત્યારે જ મારું અહીંયા કામ છે. હમણાં નહિ આવું તો પછી બધી જિંદગી સુધી દેહસ્થલીના ગઢમાં સડ્યા કરવું પડે.'

'પણ પ્રભુ ! મુંજાલ, મંત્રી કે મીનળદેવી જાણશે તો?'

'તો શું થશે? ત્રણચાર દિવસ આમ ચાલ્યા જશે તો પછી મને કંઈ હરકત નથી.'

'જેવી પ્રભુની આજ્ઞા. હવે-'

'હવે શું ? તારી પાસે જે કંઈ ખાવાનું હોય તે લાવ, અને પછી લીલા વૈદને અહીંયા બોલાવ.'

'બાપુ ! એ નહીં બને. તે તો અહર્નિશ મહારાજની તહેનાતમાં રહે છે.'

'ત્યારે એનો જમાઈ વાચસ્પતિ શું કરે છે?'

'હા ! તે નવરા છે. પણ શું કહું?'

'કહેજે કે જેને લીધે તમે ઉપાધ્યાય થયા, તે બોલાવે છે.'

ચોપદારે થોડુંક ખાવાનું લાવી આપ્યું. રાજપૂતે તે ખાધું. એટલી વારમાં ચોપદાર બહાર જઈને આવ્યો.

' બાપુ ! વાચસ્પતિ આવે છે.'

'ઠીક, ત્યારે તું તારે જા.'

'જેવી બાપુની આજ્ઞા.' કહી ચોપદાર ત્યાંથી ચાલ્યો ગયો.

રાજપૂતે આમતેમ ફરવા માંડ્યું. થોડી વારે તે બબડ્યો: 'તું આ વખતે ક્યાંથી? તેનાં ભવાં ચઢેલાં હતાં. આંખોમાં ખિન્નતા સ્પષ્ટ દેખાતી હતી. વિશાળ ખભામાં જરા ખૂંધ વળી હતી. થોડીવારે એક સુક્કો, જરા ખૂંધો અને દેખાવે બુદ્ધિમાન માણસ આવ્યો. ગમે તેટલી મેદનીમાં પણ તે બ્રાહ્મણ પંડિત તરીકે દેખાઈ આવે તેવો હતો. વાચસ્પતિ ગજાનંદ પંડિતે કાશીમાં અભ્યાસ કર્યો હતો, અને હાલ પાટણની પાઠશાળાનો મુખ્ય ઉપાધ્યાય હતો, રાજવૈદ લીલા નંદનો જમાઈ થયો હતો, અને વિદ્વતા અને વિશ્વાસુપણાને લીધે રાજગઢમાં માનીતો હતો. તેણે આવી બૂમ મારી : 'સમરસેન?'

'સમર નથી. હું છું. મેં તમને બોલાવ્યા છે.'

ઘાંટો સાંભળી વાચસ્પતિ બેબાકળા થઈ ગયા, તેનું કાળજુ ધબકી ઊઠયું, તેના હોશકોશ ઊડી ગયા. 'કોણ ? મંડલે-'

'ધીમે ધીમે, પંડિત ! આ કઈ બૂમ મારવાની જગ્યા છે?'

'પણ તમે અહીંયા?' તમારી હિંમત અવધિ કરે છે. મારી હિંમત રહી કોરે. હું કાંઈ કામસર આવ્યો છું.'

'શું?'

'કાકાજીને મારે મળવું છે.'

'તે નહીં બને. આખો દિવસ અને રાત મીનળદેવી, ઉદયબા અથવા મુંજાલ મહેતા પાસે બેસે છે.

'મારા કાકાને મારાથી મળાય નહિ?'

'પણ આપ બીજા બધાના દુશ્મન છો.'

'વાચસ્પતિ ! અત્યારે હું કહું છું, અને તારાથી આટલું નથી થતું ? આજે તું ઉપાધ્યાય છે. તે કોને લીધે ? એ પણ સમય છે, કે ભીમદેવનો પૌત્ર યાચના કરે, અને તું ના કહી શકે, હેં?'

'સમે સમો બળવાન છે, નહિ પુરુષ બળવાન.'

'બાળની તારું ડહાપણ. કાંઈ રસ્તો કહાડ.' 'માર્ગદર્શન કઠિન છે. ગુજરાતનું રાજ્યતંત્ર અત્યારે બગડ્યું છે. સુધારનારો શ્રીહિર –'

'શ્રીહિર ગયો –' કચવાઈને રાજપૂતે કહ્યું : 'સીધું કાંઈ બોલશે કે નહિ ? ગમે તેમ કર. આટલું કરવું પડશે.'

'પ્રભુ !' માથું ખંજવાળતાં પંડિતે વિચાર કરવા માંડ્યો. 'એક કામ કરશો ?'

'હા.'

'વાણિયાના જેવો ફેંટો બાંધો અને આ મારી શાલ ઓઢો. પણ જોખમ ભારે છે, શિરસટ્ટાની વાત છે. મારી સાથે ચાલો. હું તમને છુપાડી દઈશ, અને લાગ જોઈ વૈદરાજને કહીશ.'

'હા ! કબૂલ છે.' કહી રાજપૂતે ફેંટાનો ફેરફાર કરવા માંડ્યો.

'બાપુ ! કાંઈ અવળું થાય તો તેનો જોખમાર હું નહિ.'

‘ગભરાય છે શું ? આ તૈયાર થયો. પણ વાચસ્પતિ ! એક પ્રશ્ન પૂછું ?'

'પૂછો. મારી વિદ્વત્તા આપને માટે જ છે.'

'મરેલું માણસ ભૂત ક્યારે થાય ?' દિલગીરીભર્યા અવાજે રાજપૂતે પૂછ્યું. 'મહારાજ ! વિષય ગૂઢ છે, શાસ્ત્રનો છે. શ્રાદ્ધવિધિના અનાદરથી, અત્યંત વાસનાના વિકારથી, પ્રેતલોકમાં આત્મા રહી જાય તો પ્રસંગ પરત્વે તે પૃથ્વી પર પાછો આવે છે.'

'શા માટે?'

'સ્નેહીજનને મળવા કે ચેતવવા?'

'હેં!' જરા ફિક્કું હસતાં રાજપૂત બોલ્યો. તેના મોઢા પર ફરી નિરાશાના ચિન્હો આવ્યાં. આગળ વાચસ્પતિ નીકળ્યો. પાછળ રાજપૂત આવ્યો. બંને જણા ઓરડીની બહાર આવ્યા, સાંકળ વાસી અને ધીમે ધીમે કર્ણદેવ જે ઓરડામાં મરણપથારીએ સૂતા હતા, તે તરફ ચાલ્યા.

રાજમહેલમાં બધું સૂનકાર હતું. રાજાની માંદગીની ફિકરમાં, ભવિષ્યમાં શું થશે તેની ચિંતામાં, બધાના જીવ ઊંચા હતા, એટલે મહેલમાં દીવાઓ ધીમે ધીમે બળતા, સેવકો હળવે હળવે ફરતા, બધાનાં મોઢાં ગંભીર અને ચિંતાગ્રસ્ત જણાતાં હતાં. એક અંધારા ઓરડામાં થઈ વાચસ્પતિ રાજપૂતને ઉપર લઈ ગયો, અને જ્યાં રાજા કર્ણદેવની પથારી હતી, તેની બાજુના ઓરડા સુધી કોઈ પણ વિઘ્ન વિના તેઓ પહોંચ્યા. પણ એટલામાં કિલ્લાનો ખખડાટ સંભળાયો. વાચસ્પતિએ રાજપૂતનો હાથ ઝાલ્યો: "માર્યા !'

'કેમ ધીમેથી રાજપૂતે પૂછ્યું.

'દેવી આવતાં જણાય છે. આમ આવો, આ છજામાં જાઓ, વખત જોઈ બોલાવીશ.

'અરે'

'અરે ને બરે! જાઓની છાનામાના." કહી વાચસ્પતિએ અર્ધા ઉઘાડેલા છજાના બારણામાં રાજપૂતને ધકેલ્યો, અને બારણું બંધ કર્યું.

રાજપૂતે છજામાં જતાં જતાં પગલાં પાસે આવતાં સાંભળ્યાં, અને સ્થિર સત્તાવાહી અવાજે કોઈને પૂછતાં સાંભળ્યું.

'એ કોણ એ?'

'કોઈ નહિ, બા ! એ તો હું.' વાચસ્પતિનો જવાબ સંભળાયો.

રાજપૂતનું હૃદય જરા અધીરાઈથી ઊકળી આવ્યું. તેણે છજામાં આમતેમ આંટા મારવા માંડ્યા : શું કરું ? કાંઈ રસ્તો જડતો નથી.'

‘આવ, ભાઈ ! હું દેખાડું' અંધારામાંથી અવાજ આવ્યો.

રાજપૂત ચમક્યો; તલવાર પર હાથ મૂકી આગળ ગયો. 'કોણ છે?'

આથમતા ચંદ્રના પ્રકાશમાં કોઈ આવતું દેખાયું, રાજપૂતરાજ ! એટલામાં ભૂલી ગયા ?' નવા આવનારે કટાક્ષમય અવાજે પૂછ્યું.

'કોણ જતિ રસ્તે મળ્યા હતા તે ? અત્યારે અહીંયાં ક્યાંથી ?'

'જ્યાંથી તમે આવ્યા ત્યાંથી. આપણા નસીબમાં મિત્રો જ થવાનું લખ્યું હશે તે. ’ 'પણ તમે ક્યાંથી આવ્યા?'

'કેમ તમને કોઈએ સંતાડ્યા, તેમ મને કોઈ સંતાડનાર મળ્યું.' રાજપૂતે હોઠ કરડ્યા.

'જતિજી ! એકમેકની વાત જાણવામાં હાલ માલ નથી. પણ તમે કહો છો તે ખરું લાગે છે. આપણે મિત્રો થઈશું એમ લાગે છે, કે પછી ક્યાં તો કટ્ટા વેરી !'

‘હમણાં આ ભૂમિમાં વૈરનો જ ધ્વનિ સંભળાય છે.'

‘તે શ્રાવકોનો પ્રતાપ,’ રાજપૂતે ઉત્તર વાળ્યો. ‘કે પછી રાજપૂતોનો,' જતિએ પ્રતિઉત્તર વાળ્યો.

'એ તો કર્ણદેવ મરશે ત્યારે ખબર પડશે.’

'હવે એ વાત જવા દો.”

'ત્યારે દોસ્તીની વાત કરીએ.' મૂછ પર હાથ નાખી રાજપૂતે કહ્યું : તમારું નામ શું ?'

'આનંદસૂરિ. તમારું?'

‘લોકો –' જરા વિચાર કરતાં રાજપૂતે કહ્યું, 'મને દેવીસિંહ કહે છે.'

'મંડલેશ્વર જૂઠું બોલે છે, તે મેં આજે જ જાણ્યું,' જરા હસતાં જતિ બોલ્યો. દેવીસિંહ ચમક્યો, તેનો હાથ અજાણતાં ફરીથી તલવાર પર ગયો, 'તું કોણ છે?'

‘તરવાર કાઢવાની જરૂર નથી, મંડલેશ્વર ! અહીંયાં ધાંધલ થશે તે ભારે તમને પડશે, મને નહિ,' શાંતિથી જતિએ કહ્યું.

રાજપૂતે નિસાસો નાખી પોતાની સ્થિતિનું ભાન આણ્યું, અને તલવાર પરથી હાથ છોડ્યો.

'આનંદસૂરિ ! તમે કોણ છો? મને અત્યારે છતો કરવો છે ?

‘ના, રાજા ! તમને દુઃખ દેવું તે મારું કામ નથી, પણ તમારી ઉપર હાલ તો દૈવ કોપ્યો છે.'

'જતિ ! એવો દૈવ તો બહુ વાર કોપ્યો અને રીઝ્યો. મને તેનો હિસાબ નથી.'

'મંડલેશ્વર ! રાજા રાવણનું અભિમાન પણ ઊતર્યું છે, હો ! તમારું નસીબ આવી રહ્યું છે. અત્યારે દુશ્મન તરીકે નહિ, પણ મિત્ર તરીકે કહું છું. જે દિવસો રહ્યા છે, તેનો સદુપયોગ કરો.’

‘સદુપયોગમાં એટલું જ કે બનશે તેટલા શ્રાવકોને છૂંદી નાખીશ. મારું બધું એ પાપીઓએ લૂંટ્યું છે. અને વધારે લૂંટાઈશ, તેની પરવા નથી.'

'હવે તમારે હાથે બહુ છૂંદાવાના નથી.'

'કેમ ?'

'ગુરુદેવનું વચન છે –'

‘શું ?'

'મારે હાથે જિન ભગવાનના શત્રુઓ ઠેકાણે થવાના છે.'

મંડલેશ્વરને કમકમાં આવ્યાં. તે મૂંગો થઈ ઊભો રહ્યો.

'રાજા ! આજે વર્ષો થયું જિન મહાપ્રભુનાં દીન સેવકોને દગ્ધો છો, એટલે તમને માફી આપવી બને એમ નથી; છતાં તમે વીર નર છો, ગુજરાતના અલંકારરૂપ છો.'

'તમારી માફીની કોને પરવા છે?' આ તિરસ્કારથી હસતાં રાજપૂતે કહ્યું.

તે ભલે, પણ રાજા મરશે, એટલે તોફાન પણ ઘણું ઊઠશે. કોઈક દિવસ કાંઈ કામ પડે તો-'

'મારે કામ પડે -' મગરૂરીથી હસતાં મંડલેશ્વરે કહ્યું.

‘રાજા ! તમે દાના છો, શૂરવીર છો, ધર્મવિરોધ નહિ હોત તો તમારી ચડતી જોઈ હું રાજી થાત. છતાં આજના મેળાપની યાદગીરીમાં વચન આપું છે, તે યાદ રાખજો. કોઈ દિવસ કામ પડે તો આનંદસૂરિને કહેજો, તે કરશે.'

'જતિ ! મંડલેશ્વર યાચતો નથી, અને કોઈ પાસે યાચશે નહિ, જેમ પૈસાના તોરમાં શ્રાવક ફાટ્યા છે, તેમ અમારા બાહુબળના જોરે અમે પણ મસ્તાન છીએ.'

'જેવી તમારી મરજી ! પણ જોજો, સંભાળતા રહેજો.'

'મંડલેશ્વર ડરતો નથી.'

'તોયે મરણનો ડર લાગશે.'

'જતિ ! મરણ તો મારે મન રમત છે.'

'જેવી મરજી.ચાલો હું તો જાઉં છું, હું છજામાં પેલી બાજુએથી આવ્યો છું, તે ત્યાં જ જઈશ.' કહી જતિ છજાની બીજી બાજુ તરફ ગયો.

મંડલેશ્વરે વિચારમાં ને વિચારમાં મૂછો કરડવા માંડી. તેના મગજ આગળ સાંજે દેખાયેલું ભૂત અને જતિની આગાહી રમી રહ્યાં. કેટલાં વર્ષો થયાં તેણે એકલે હાથે તેના મંડળને નાનું સરખું રાજ્ય બનાવ્યું હતું. તેના નામનો ડંકો આખા ગુજરાતમાં વાગતો હતો, પણ દેહસ્થલીના પોતાના મંડળમાં પડી રહેવાનું તેને ગમતું નહિ. પાટણ તેને મન સૃષ્ટિના મુકુટરૂપ હતું. તેમાં મહામણિ તરીકે શોભવાની તેની આકાંક્ષા જબરી હતી. આ તરફ પાટણના રાજ્યકર્તાઓ તેને નિર્બળ કરવા મહેનત કરી રહ્યા હતા; અને જોકે તે મહેનત ઘણેખરે ભાગે નિષ્ફળ ગઈ હતી, છતાં અત્યારે મંડલેશ્વરને ગૂંચવી નાખ્યો હતો.

----