Patanni Prabhuta - 7 books and stories free download online pdf in Gujarati

પાટણની પ્રભુતા - ભાગ 7

૭. કર્ણદેવ

આ બધો વખત બિચારો મંડલેશ્વર વાચસ્પતિની રાહ જોતો છજામાં આઃટા મારતો હતો. પહેલાં તેણે વાચસ્પતિને ગાળો દીધી, પછી લીલા વૈદને, પછી મુંજાલને, પછી મીનળદેવીને પછી પોતાના ભાગ્યને; છતાં કોઈ આવ્યું નહિ. આખરે બગાસું આવ્યું. એટલે તે ભોંય પર બેસી ગયો. તરત તેને એક ઝોકું આવ્યું, અને તે ઊંઘી ગયો. ઊંઘમાં તેને અનેક સ્વપ્નાં આવ્યાં. એક સુંદર મુખ હંમેશાં તેમાં દેખાયા કરતું. મંડલેશ્વર વધારે નિરાશ અને ચિંતાતુર થયો. ઊંઘમાં પણ જાણે છાતી બેસી ગઈ હોય એમ તેને લાગ્યું. આમ કેટલીક ઘડીઓ વહી ગઈ, મધ્યરાત્રિ વીતી, પરોઢિયું ફાટવાનો વખત પાસે આવ્યો; રાતના અંધકારમાં ન સમજાય એવો મીઠો, આછો પ્રકાશ ભળવા લાગ્યો. પાછળથી વાચસ્પતિએ આવી મંડલેશ્વરના ખભા પર હાથ મૂક્યો અને તે ચમકીને તરત જાગ્યો, ઊભો થઈ ગયો, અને આમતેમ જોવા લાગ્યો.

'વાચસ્પતિ ! કેટલી રાત ગઈ ? અરુણોદય થયો ?" કહી છજામાંથી ડોકું કાઢી મંડલેશ્વર પૂર્વ તરફ નીચે વળી જોઈ રહ્યો.

'હા, થોડીક વાર થઈ, વાચસ્પતિએ કહ્યું; પણ મંડલેશ્વરે કાંઈ ઉત્તર વાળ્યો નહિ તે છજામાં વળેલો રહ્યો. તેના ડોળા જાણે આંખોમાંથી નીકળી જતા હોય તેમ બહાર નીકળ્યા હતા, અને એકાગ્ર નજરે તે નીચે બાગમાં કાંઈક જોઈ રહ્યો હતો. તેનું અંગેઅંગ ધ્રૂજતું હતું. કપાળે પરસેવાનાં મોટાં મોટાં બિંદુ આવી ગયાં હતાં.

'શું છે મંડલેશ્વર ?'

'તે ફર્યો; લોઢાની સાણસી વળગાડી હોય તેવા બળથી વાચસ્પતિનો હાથ દાળ્યો. જો, જો; પેલું શું દેખાય છે ?”

'મને તો કાંઈ દેખાતું નથી.' વાચસ્પતિએ અંધારામાં કાંઈ ન દેખાતાં કહ્યું.

'પેલી સ્ત્રી જેવું, જો, જો, આ જાય છે. આ ગઈ. આ, આ −'

'ના, ભાઈ ! મારી આંખ જરા નબળી છે, એટલે અત્યારે નહિ દેખાય.'

'આજે બીજી વખત. ઊભો રહે, હું ખાતરી કરી આવું. 'ક્યાં ખાતરી કરવા જશો ? ભળભાંખળું તો થયું છે, અને અન્નદાતા જરા હમણાં શુદ્ધિમાં છે, તે પાછા બેભાન થઈ જશે. તેમને મળવું નથી ?'

'વાચસ્પતિ !' ઊંડા વિચારના વમળમાં પડી મંડલેશ્વરે કહ્યું : ‘વાચસ્પતિ ! શું કરું? મારું મન ચકડોળે ચડ્યું છે.'

'પણ કોઈ સ્ત્રી ગઈ, તેમાં તમે કેમ આટલા બધા ?' 'પંડિત ! તું શું જાણે ? પંદર વર્ષે આજે મેં પાછી બે વખત દીઠી.'

'કોને?'

'મારી પ્રિયતમાને, મારી વર્ષો થયાં મરેલી પણ અણવીસરેલી હૃદયેશ્વરીને,' ધ્રૂજતા અને બેસી ગયેલા અવાજે મંડલેશ્વરે કહ્યું.

'બાપુ ! ભ્રમણા હશે.'

'ભ્રમણા ? ના, ના. હજુ મારી આંખો નિસ્તેજ નથી થઈ. મારી બુદ્ધિ ઘરડી નથી થઈ.'

‘ત્યારે શું ભૂત ?’ વિચારમાં પડતાં વાચસ્પતિએ પૂછ્યું, અને ગભરાટમાં કહ્યું : “તમે એમ ધારો છો? शान्तं पापं शान्तं पापं |’

'પંડિત, એમાં शान्तं पापं ની જરૂર નથી. મારા માથા પર મોત ભમવા માંડવું છે, ગુજરાતના શ્રેષ્ઠ યોદ્ધાના દહાડા ગણાઈ ગયા છે. એક જણે આજે એમ પણ ભવિષ્ય ભાખ્યું કે હું થોડા વખતમાં મરવાનો. આજે બે વખત સ્વર્ગે સંચરેલી સ્ત્રી પણ તે જ ચેતવી ગઈ. હરકત નહિ મેં જેવી જિંદગી ગાળી છે તેવો જ મરીશ. મારે નામે બારે મંડલો અને બાવન શહેર ત્રાસી મરશે; પછી હું મરીશ. ચાલો વાચસ્પતિ ! કાકાજી પાસે લઈ જાઓ, મંડલેશ્વરે ભયંકર અવાજે કહ્યું, અને વાચસ્પતિ પાછળ પાછળ દૃઢતાથી જવા લાગ્યો.

પાસે એક ઓરડામાં પાટણનો ધણી છેલ્લી પથારીએ પડ્યો હતો. લીલો વૈદ અને એકબે બીજા માણસો કાંઈ દવા તૈયાર કરતા હતા. મંડલેશ્વરને આવતાં જોયો, એટલે લીલો ઊઠ્યો અને પાસે આવ્યો : 'મંડલેશ્વર ! કેટલી વાર લાગી ? મહામુશ્કેલીએ બેભાન થતા અટકાવ્યા છે, અને હવે ભાન જશે તો પછી રામ રામ.' 'ઠીક,' કહી મંડલેશ્વર પથારી પાસે આવ્યો. લીલાએ નિશાનીથી બીજા માણસોને બહાર મોકલ્યા, અને નિરાંતે દવા વાટવા પોતાનું જાડું શરીર ગોઠવ્યું. ‘કાકાજી ! કાકાજી ! ઓળખો છો ?'

'મરણપથારીમાં પણ સ્વરૂપવાન લાગતા કર્ણદેવે જરાક પાસું બદલ્યું, અને મહામુશ્કેલીએ આંખો ઉઘાડી. તેનું આખું શરીર મરી ગયા જેવું થયું હતું. અત્યારે દવાના જોરથી મગજમાં કાંઈક શુદ્ધિ હતી.

'કોણ, દેવુ ?' મહામુશ્કેલીએ કર્ણદેવે અવાજ કાઢ્યો.

'હા, કાકાજી ! દેવુ; કાંઈ કહેવું છે ? જે કાંઈ કહેવું હોય તે કહો.'

‘તો... ફાન કરવા –' પોતાની ફિક્કી પડતી આંખો દેવપ્રસાદ પર ઠેરવતાં રાજાએ પૂછ્યું.

‘ના, કાકાજી ! મેં કાંઈ તોફાન કર્યુ હોય તો બીજાના જુલમને લીધે જ. મારું ચાલશે તો હું સમાધાન કરીશ. બીજું કાંઈ કહેવું છે ?' કાનમાં દેવપ્રસાદે બૂમ પાડી કહ્યું

‘જ....ય...દે. ..વ,’ કર્ણદેવે ધીમે ધીમે અક્ષરો મોઢામાંથી કાઢ્યા.

‘કાકાજી ! તમારો છોકરો તે મારો ભાઈ. તેને આડી આંચ નહિ આવવા દઉં.'

'વચન.'

‘વચન. મારું માનભંગ કરવા કોઈ નહિ ઇચ્છે તો જરૂર જયદેવનો વાંકો વાળ થવા નહિ દઉં..

'અં-અં ! દેવું!' મહામહેનતે ચિત્ત ઠેકાણે રાખતાં કર્ણદેવે કહ્યું.

'ઓ ! બીજું કાંઈ ?'

'પાસે –'

દેવપ્રસાદ પાસે આવ્યો અને નીચો વળ્યો.

'હં-હં-સા જીવે છે !'

દેવપ્રસાદ ચમક્યો. 'હેં? ' કહી એકદમ પાછળ હઠ્યો : શું ? ક્યાં ?' તેની આંખ આગળ ઓરડો ફરવા માંડ્યો. 'વિ-વિ-વિ,' કહેતાં કર્ણદેવને ગળે ઘૂઘરી આવી. તેના ડોળા દેવપ્રસાદની પાછળ કોઈ વસ્તુ પર ઠરી ગયા.

દેવપ્રસાદે પાછળ જોયું. તેજસ્વી આંખની ભયંકર સ્થિરતાથી મીનળદેવી રાજા સામે જોઈ રહી હતી. મરતાં મરતાં પણ ભલા રાજા પ્રતાપી રાણીની એક નજરથી મૂંગા રહ્યા. શાંતિથી, તિરસ્કારથી રાણી ત્યાં ઊભી રહી. રાજાની આંખો ફાટવા માંડી.

‘વૈદરાજ !' રાણીનો શાંત સ્વર આવ્યો : જુઓ, પાછું ભાન જાય છે કે શું ?' દેવપ્રસાદના ઊકળતા સ્વભાવમાં રાજાની વાતે તેલ હોમ્યું હતું. તેની ઉગ્રતા વધી ગઈ હતી. હંસા, ઘણાં વર્ષ થયાં ગુમાવેલી તેની પત્ની, જીવે છે ! પોતે ભાનમાં છે કે બેભાનમાં, તે પણ તે કળી શક્યો નહિ. સામે મીનળદેવીને જોઈ તે વધારે અકળાયો. મહામુશ્કેલીએ તેણે મિજાજ કાબૂમાં રાખ્યો અને પૂછ્યું : ‘કાકી ! ખરી વાત ?'

'શી ?'

'મારી હંસા જીવે છે ? મેં આજે બે વખત જોઈ; અત્યારે કાકાજીએ પણ કહ્યું.'

'તમારા કાકાજી અત્યારે બોલે, એ તો તમે જ માનો.' જરા કટાક્ષમયતાથી મીનળદેવીએ કહ્યું : 'પછી બધી વાત કરીશું. હમણાં મારો જીવ ઠેકાણે નથી.'

'તમારો જીવ ઠેકાણ નથી, તો મારો ક્યાં છે ? મારી હંસા તમારા મહેલમાં છે,' આ વખતે શું કરવું, તે નહિ સૂઝતાં દેવપ્રસાદે કહ્યું.

‘કોણે કહ્યું ?”

'મેં દીઠી, અને અત્યારે –'

'ન જણાય એવી રીતે મીનળદેવી ચમકી.

'ભ્રમણા, મંડલેશ્વર ! ભ્રમણા. અત્યારે તમારે રાજ્યની ફિકર રાખવી જોઈએ. આમ નકામી વાતો કરો એ કાંઈ સારું?'

'કાકી ! રાજ્યની તો શી ફિકર રાખું ? તમારા મસલતીઆઓએ તો તમને ભરમાવી મૂક્યાં છે, એટલે તમે તો મારું સાંભળો એમ જ ક્યાં છો ? કાકાજીને હમણાં જ વચન આપ્યું છે કે હું મારા ભાઈની સેવા કરવા તૈયાર છું.'

દેવપ્રસાદનું ભોળપણ જોઈ રાણીની આંખો જરા હસી.

'પણ હું ક્યાં ના પાડું છું ? તમે કાંઈ ને કાંઈ છીંડાં શોધો છો.' જાણે નિરાધાર હોય તેવો ડોળ કરી રાણીએ કહ્યું. દેવપ્રસાદના વિચારો જાણવાની તેને આ સારી તક મળી હતી.

'હું છીંડાં શોધું છું કે તમારા મંત્રીઓ ? કાકી ! હજુ કાંઈ ગયું નથી. ગઈગુજરી જવા દો, તમે કહો, તે કરવા તૈયાર છું.' ભોળા મંડલેશ્વરે કહ્યું.

'હું ક્યાં ના કહું છું ! વા૨ે ફક્ત તમારી છે.'

'મારી વાર ? શું જોઈએ છે ?'

'મારો દીકરો એકચક્રે રાજ્ય કરે, એટલું જ જોઈએ છે.' મીઠાશથી મીનળદેવીએ કહ્યું.

'કાકી ! પાટણનો ધણી હંમેશાં એક જ ચક્રે રાજ્ય કરે છે.'

'માત્ર વાતોમાં ! ખરું જોતાં તો પાટણ બહાર એક કૂતરું પણ તેની સામે જોતું નથી.'

‘એકચક્રે રાજ્ય કરવું છે ? કાકી ! મને દંડનાયક નીમો. કાલે સવારે આખા ભરતખંડને પાટણને તાબે કરું' મગરૂરીથી દેવપ્રસાદે કહ્યું.

'ભરતખંડ તો આઘો રહ્યો, સોરઠ અને હાલારનું શું ? ઘેર તો સાંસાં છે.'

'એટલે !' મીનળની લુચ્ચાઈનો જરાક ખ્યાલ આવતાં દેવપ્રસાદે પૂછ્યું. તેને લાગ્યું કે મીનળદેવી પોતાની પક્કાઈમાં વાતો કરે છે.

'એટલે એ કે બાર બાર મંડલો અને બાવન શહેરો ધ્યાનમાં આવે તેમ કરે ત્યાં પાટણનો ભાવ કોણ પૂછે?'

‘તમારે એ બધું સર કરવું છે ?' જરા મૂછ પર હાથ નાખી દેવપ્રસાદ બોલ્યો. એ મીનળદેવીની વાત સમજી ગયો.

'હા. ત્યાર વગર મારો દીકરો એકચક્ર કેમ રાજ્ય કરે?' 'એટલે બધા મંડલેશ્વરો તમારા ગુલામો થઈને રહે ! સિંહ મટી તમારા ઘરનાં બિલાડાં થાય ! '

'રાજ્યના દુશ્મન મટી રાજ્યના સ્તંભ થાય,' મીનળે કહ્યું.

‘અને તે કરવા મારું દેહસ્યલી તમને સોંપી દઉં, મારું લશ્કર તમને આપી દઉં, જે બહાદુર વીરોએ મારા દાદાની સાથે રહી યવનોને ગુજરાત બહાર કર્યા, તેમની સ્વતંત્રતા સામે દ્રોહ કરું ?'

મીનળ મૂંગી રહી. લીલો વૈદ છાનોમાનો રાજાનો ઉપચાર કરી રહ્યો હતો. થોડી વાર બધાં છાનાં રહ્યાં.

'અને આ અધમતાનો અને દ્રોહનો શિરપાવ શો આપશો ?' મશ્કરી કરતાં મંડલેશ્વર ક્રૂરતાથી હસ્યો. મીનળની આંખો શાંતિથી તેના સામે જોઈ રહી. 'દંડનાયકની પદવી નાની નથી,' તેણે ધીમેથી કહ્યું, તે તમારા જેવા સોલંકી શૂરાને જ શોભે.’

‘તમારી પદવી ખાતર મારો દેશ, મારી સત્તા, મારી સ્વતંત્રતા ખોઉં ?' દેવપ્રસાદે ખોખરે અવાજે પૂછ્યું. તેની આંખો વિકરાળ થઈ ગઈ. તેના મોઢા પર સિંહનો સીનો આવ્યો. છાતી ઠોકી તે બોલ્યો : 'કાકી ! તમારી બુદ્ધિ તમારી પાસે રાખો. જ્યાં સુધી મંડલેશ્વરમાં પ્રાણ છે, ત્યાં સુધી રાજપૂત વીરોને તાબે કરનાર કોની માએ જણ્યો છે, તે હું જોઈશ. જોઉં છું કે જે રાજનીતિ પરાપૂર્વથી ચાલી આવે છે તે કોણ બદલે છે.'

'જોઈશ કે ગુજરાતમાં કેટલું પાણી છે !' તેમાં પસ્તાશો. પદવીને લોભે બાપદાદાની ટેક છોડવા કોઈ નીકળશે તો તેને ભારે પડશે.’

'મંડલેશ્વર ! પાટણની રાણી કોઈની પણ ડરાવી ડરતી નથી.'

'ત્યારે જોઉં તો ખરો કે ભીમદેવ સોલંકીના પૌત્રને પાંજરામાં પૂરનાર કોણ છે ?' કહી મંડલેશ્વરે મૂછો મરડી; પછી નરમ પડી કહ્યું : 'કાકી ! હજુ કાંઈક સારી સલાહ લો, અને કલહનું મૂળ ટાળો.'

'સલાહ માટે હું દેહસ્યલી નથી આવવાની; નિરાંત રાખજો.' કહી મીનળદેવી ત્યાંથી રાજા તરફ ગઈ.

દેવપ્રસાદ ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો.

લીલા વૈદે દવા બનાવતાં ઊંચું જોયું અને રાણીના મુખ પર કચવાટ જોયો.

'બા ! આ સિંહને પાંજરામાં પૂરવો સહેલ નથી.'

'વૈદરાજ ! વખત આવે તે પણ કરીશું.'

'જે કરો તે; પણ, બા, પાટણની ગાદીને કલંક ન ચોંટે તે સંભાળજો.' ઘરડા વૈદે હિંમતથી કહ્યું.

મીનળદેવીએ કાંઈ જવાબ દીધો નહિ,