Patanni Prabhuta - 3 books and stories free download online pdf in Gujarati

પાટણની પ્રભુતા - ભાગ 3

૩. મુંજાલ

આનંદસૂરિ છજાને બીજે છેડે પહોંચ્યો. તે તેના મનમાં મલકાતો હતો. ગુરુદેવની રજા લઈ ચંદ્રાવતીથી તે પાટણ આવ્યો ત્યારે તેને આશા નહોતી કે, આવા શુભ શુકનમાં તે આવશે.

'પ્રભુ ! મહારાજ !' એક સ્ત્રીનો સાદ આવ્યો.

જતિ વિચારમાંથી જાગ્યો. 'કોણ, રેણુકા ?'

'જી હા; પધારો. મેં મંત્રીને તમારો કાગળ આપ્યો અને તે આપને બોલાવે છે.'

'ક્યાં છે ‘

‘ચાલો મારી જોડે,' કહી રેણુકા જતિને ત્યાંથી લઈ ગઈ.

જતિને જરા ક્ષોભ થયો. મુંજાલ – ગુજરાતના મહામંત્રીની ખ્યાતિ કોણ જાણતું નહોતું ? તેના નામની હૂંડીઓ બગદાદ અને વેનિસમાં સ્વીકારાતી. તેની શક્તિની સાક્ષી ધ્રૂજતા સામંતો અને મંડલેશ્વરી પૂરતા. માલવરાજ તેને હાથ કરવા અવંતીની અઢળક દોલત આપવા તૈયાર હતો અને પાટણના લોકો તેની પાછળ ગાંડા હતા તથા તેનો હુકમ થાય તો મરવા તૈયાર રહેતા. આવા માણસને પહેલી વખત મળતાં જતિને ક્ષોભ થાય, એ સ્વાભાવિક હતું.

એક ઓરડામાં બે-ત્રણ મહેતાજીઓ કાંઈ લખી રહ્યા હતા અને એક ખૂણામાં ચારપાંચ શસ્ત્રથી સજ્જ થયેલા માણસો ધીમે ધીમે વાતો કરતા હતા. જતિને જોઈ બધાએ એકમેકના સામું જોયું, પણ કોઈ બોલ્યું નહિ. રેણુકાએ હાથ વતી જતિને થોભવા સૂચવ્યું અને તે અંદર ગઈ. થોડી વારે તે પાછી આવી અને તેને અંદર લઈ ગઈ.

અંદર હીંચકા પર મંત્રી બેઠો હતો. તે પાંત્રીશેક વર્ષનો દેખાતો હતો. તેનું મોઢું સ્વરૂપવાન હતું, આંખો તરવારની ધારની માફક તીક્ષ્ણ હતી. શરીર સશક્ત અને ઘાટીલું હતું; અને મોઢા પર આ ઉંમરે પણ ઊગતી જુવાની જેટલી જ મૂછો હતી. તેના કપાળ પર વિચારની ગૌરવશીલ રેખાઓ દીપતી હતી. તેની લાંબી ચોટલી વાંસા પર પથરાઈ રહી હતી, તે તે ભેગી કરતો હતો.

જતિ તરફ એક તીક્ષ્ણ નજર નાંખી તેને નમસ્કાર કર્યા, અને તેને હીંચકા પર બેસવા સૂચવ્યું. પોતે પાસે પડેલા પાટલા પર જઈને બેઠો.

‘બિરાજો.’

'નમસ્કાર, મંત્રીમહારાજ !' કહી આનંદસૂરિ બેઠો. પહેલી વખત મુંજાલને જોતાં તેને કાંઈ કાંઈ વિચારો આવ્યા. મુંજાલની લોકપ્રિયતા, તેનો વિશાળ વ્યાપાર, તેની દૃઢ રાજ્યનીતિ, દુશ્મનોને મોઢે સંભળાતો મીનળદેવી સાથે તેનો સંબંધ : આ બધું તરત તેના મન આગળ તરી આવ્યું. એ બધા વિચારો રોકી તેણે મંત્રી સાથે વાતો આરંભી. ‘ચંદ્રાવતીમાં બધાં ખુશીમાં છે. નગરશેઠનો પત્ર વાંચ્યો ?' ‘હા,’ જરા ગંભીર અવાજે મંત્રીએ કહ્યું, 'પણ એમનાં માની ખબર કેમ નથી લખી ? માસી કેમ છે ?'

'હું આવ્યો ત્યારે તો હાલત નબળી હતી.'

'બોલો, કેમ આવ્યા છો ? તમે જાણો છો, અત્યારે મને ફુરસદ નથી.

‘હું આપના કામમાં વિઘ્ન નાંખવા નથી આવ્યો; મદદ કરવા આવ્યો છું. મંત્રી જરાક તિરસ્કારભર્યું હસ્યો અને મૂંગો રહ્યો.

'જિન ભગવાનની કૃપાથી ગુરુદેવનું વચન છે, કે આ સમયે મારે હાથે અનેક કાર્યો થવાનાં લલાટે લખાયાં છે. પણ ખરું જુઓ તો એક જ કામ કરો’ મંત્રીએ જરાક બેદરકારીથી કહ્યું, મહેરબાની કરી પાટણના રાજ્યતંત્રમાં ચંદ્રાવતીનું તોફાન આણશો નહિ.” ધીમેથી દૃઢતાથી મુંજાલે કહ્યું.

‘શું ?' જતિ ચમક્યો. મુંજાલે કેમ જાણ્યું, કે તે આ માટે આવ્યો હતો ? મંત્રીથી તે જરા ડરવા લાગ્યો. ‘હું કાંઈ તોફાન કરવા નથી આવ્યો. અમારા નગરશેઠે લખ્યું છે, તે પ્રમાણે આપને મળી, પછી મીનળબાને મળીશ; અને મારે લાયક કાંઈ કામ જડશે, ત્યાં સુધી અહીંયાં રહીશ.'

આ શબ્દો જાણે નહિ માનતો હોય, તેમ મુંજાલ થોડી વાર તેની સામે જોઈ રહ્યો. પછી તે બોલ્યો : 'આનંદસૂરિજી ! મને લાંબી વાતો પસંદ નથી. ચંદ્રાવતીના શ્રાવકોની સત્તાના પ્રતિનિધિ તરીકે તમે આવ્યા છો, પણ ધર્મનું ઝનૂન માટે પાટણની ખટપટમાં નથી લાવવું; અને તે લાવવા મથશો તો મારે ને તમારે નહિ બને. એટલું જ કહું છું, કે એવું કરશો તો મારે તમને દુશ્મન લેખવા પડશે.’

‘ના, તેમ કરવાની જરૂર નથી. હું હમણાં તો મિત્ર થઈને આવ્યો છું અને તેનો પુરાવો જોઈએ તો હમણાં આપું.’

'શું ?'

'એક ખાનગી વાત કહું ?'

જરા ફરીથી તિરસ્કારભર્યું હસતાં મુંજાલે કહ્યું : ‘શી ?'

'કર્ણદેવનો ભત્રીજો દેવપ્રસાદ અહીંયાં છે.'

મુંજાલ ખડખડ હસી પડ્યો.‘આનંદસૂરિજી ! ચંદ્રાવતીમાં આવો જ રાજ્યકારભાર ચાલે છે ?”

'કેમ ?'

'આ ખાનગી વાત ? પાટણ બહાર બપોરે તમે તેને મળ્યા. અત્યારે છજામાં નિરાંતે વાતો કરી. શું એ વાતો મારી જાણ બહાર છે ? જતિજી ! તમે લોકોને મોક્ષ અપાવ્યા કરો. અને મારું કામ મને કરવા દો.' જરાક હસતાં મુંજાલે કહ્યું. જતિ દિઙમૂઢ થઈ ગયો. તેનો ગર્વ જરા ઊતર્યો.

'મંત્રીરાજ ! મને ક્ષમા કરો. આપની શિક્તથી હું અજાણ્યો હતો.'

'ઠીક; પણ એટલું યાદ રાખજો, કે મારી રાજ્યનીતિની વચ્ચે આવનારને હું ક્ષમા કરતો નથી.' ભયંકર દૃષ્ટિપાત નાંખી મુંજાલે કહ્યું, 'બોલો, હવે શું કરવું છે ? તમે ખાધું કે ભૂખ્યા છો ?”

'મીનળબાને પ્રણામ કરવાનું રહ્યું છે. આજે મારે તો ખાવું નથી, ઉપવાસ છે.'

'ઠીક ! મારી સાથે ચાલો. હું પણ દેવી પાસે જ જાઉં છું,' કહી પાસેની ખીંટી પરથી ખેસ લઈ મુંજાલે ઓઢ્યો, અને બીજે બારણેથી તે જતિને લઈ ગયો. આનંદસૂરિનું અભિમાન જરા ગળ્યું હતું. તેની આગળ ગૌરવથી પગલાં ભરતો મુંજાલ ઝપાટાબંધ ચાલતો હતો. તેને જોઈ જતિને થયું, ચંદ્રાવતી બીજી રીતે ગમે તેવી હોય, પણ પાટણના મંત્રી સમાન ત્યાં કોઈ નર નથી.

જ્યારે રાણીના ઓરડા આગળ આવ્યા ત્યારે મુંજાલે જતિને ઊભા રહેવા સૂચવ્યું. ઓરડાનાં બારણાં બંધ હતાં. બારણાં આગળ એક લીલી હાંડીમાંનો દીવો આછું અજવાળું આપતો હતો. મુંજાલે કડું ખખડાવ્યું. થોડી વારે એક ઘરડી સ્ત્રીએ બારણું ઉઘાડ્યું: 'કોણ ?'

'એ તો હું.' મુંજાલે કહ્યું.

'હા, આવો. બા તમારી જ રાહુ જુએ છે. આ કોણ છે ?'

'આ ચંદ્રાવતીના જતિ છે. ડોશી ! તું અહીંયાં બેસ, હું હમણાં બોલાવીશ,' કહી ડોશીને ત્યાં બેસાડી, મુંજાલ અંદર ગયો.

જતિએ મુંજાલ અને મીનળદેવી વિષે અનેક વાતો સાંભળી હતી. અત્યારે જો અજાણ્યા, ભીંત તોડી, અદૃષ્ટ રહી, આ બેની વાત સંભળાય તો કેવું ? જતિ ગુણપૂજક હતો, અને કર્ણદેવના પાટનગરમાં વસતી મહા વ્યક્તિઓનો સમાગમ અનુભવવા એ અહીંયાં આવ્યો હતો. તેના સદ્ભાગ્યે અત્યાર સુધી તે હેતુ સારી રીતે પાર પડ્યો હતો. ક્યારે બારણું ખૂલે અને આ મહા વ્યક્તિઓમાં પણ અદ્ભુત એવી મીનળદેવીને તે જોવા પામે, એ વિચાર કરતો તે ઊભો. એને લાગ્યું, કે જ્યાં સુધી મુંજાલની સત્તા ઓછી કરવાની કૂંચી જડે નહિ ત્યાં સુધી બધું નકામું. મીનળદેવી વિષે તેણે ઘણું સાંભળ્યું હતું. એટલે તેના વિચારો કેટલે અંશે ફળીભૂત થશે, એ રાણીના અભિપ્રાય પર જ રહેશે, એમ ધારી તેની સાથે કેવી રીતે વાત કરવી, તે વિચારવા લાગ્યો.

---