Shri Ashadi Shravak in Gujarati Spiritual Stories by shreyansh books and stories PDF | શ્રી અષાઢી શ્રાવક

Featured Books
Share

શ્રી અષાઢી શ્રાવક


*શ્રી અષાઢી શ્રાવક*

*આજે વાત કરવી છે લગભગ સાધિક ૧૮ કોડાકોડી સાગરોપમ પહેલાંની ! ગઈ ઉત્સર્પિણીના કાળની ! ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા ધરાવનાર મહા શ્રાવક આષાઢી ! તે મહાપુણ્યશાળી, ભદ્રક પરિણામી આષાઢી શ્રાવકને મનમાં આગળ વર્ણન કર્યું તેવા સંસારસ્વરૂપના પ્રશ્નો સતત હૈયું કોતરી નાખતા હતા. વૈભવ - વિલાસ તેના ઘરમાં ઊભરાતા હતા, પણ તેને ચેન ન હતું. તે સંસારનું સાચું સ્વરૂપ સમજી ગયો હતો અને સતત એક જ વિચારમાં તે રત રહેતો હતો કે આ ભવોભવના ફેરામાંથી હું મુક્ત ક્યારે થઈશ ? હું આવા દુઃખમય સંસારમાંથી ક્યારે છૂટીશ ? વિનયવિજયજી મ.સા. શ્રીપાળ રાજાના રાસમાં કહે છે ને કે પુણ્યવંતને ઇચ્છામાત્રનો વિલંબ ! તેવું જ આ પુણ્યાત્માના જીવનમાં પણ બન્યું.*

*એક દિવસ આષાઢીના નગરમાં સોનાનો સૂરજ ઊગ્યો. પક્ષીઓ મધુર કલરવ કરતાં હતાં. ઉદ્યાનમાં સુંદર રંગબેરંગી સુગંધી પુષ્પો, લતાઓ તન-મનને પ્રસન્ન કરી રહ્યાં હતાં. ઉદ્યાન પાછળનું સરોવર વિવિધ ફૂલો અને કમળોથી ઊભરાતું હતું અને ત્યાં ચોત્રીશ અતિશયોથી શોભતા ગઈ ચોવીસીના નવમા તીર્થંકર પ્રભુ શ્રી દામોદર સ્વામીની પધરામણી થઈ. દેવોએ દિવ્ય સમવસરણની રચના કરી. દેવદુંદુભિ ગુંજવા લાગી અને લોકોનાં ટોળેટોળાં પ્રભુની દેશનાનો મંગલમય મધુર રસાસ્વાદ માણવા ઊમટવા લાગ્યાં. આષાઢી શ્રાવક પણ આવી ગયા. એકચિત્તે અમૃતવૃષ્ટિ સમાન પ્રભુની વાણીનું પાન કરી કરીને હૈયે તેના ઘૂંટડાં ઉતારવા લાગ્યા. દેશનાનો સમય પૂરો થયો. આષાઢી શ્રાવકને થયું, મારી મોટી મૂંઝવણનો ઉકેલ અત્રે ચોક્કસ મળી જશે. તેથી તેણે પ્રભુ પાસે આવીને નતમસ્તકે વંદન કરીને વિનયપૂર્વક પૂછ્યું, ‘પ્રભુ હું સંસારથી ક્યારે છૂટીશ ? હે ત્રિભુવનપતિ ! મારો મોક્ષ ક્યારે થશે ?' કરુણાના મહાસાગર એવા વીતરાગ ભગવંતે અમૃત પણ પાછું પડે તેવી મીઠી વાણી વડે ઉત્તર આપ્યો - “વત્સ ! આવતી ચોવીશીમાં ભરતક્ષેત્રમાં ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ થશે. તમે તેમના આર્યઘોષ નામે ગણધર થશો અને તે ભવમાં જ નિર્વાણ પામીને મોક્ષે જશો.’*

*આષાઢી શ્રાવકના મુખ પર આનંદ આનંદ છવાઈ ગયો. તેનાં રોમેરોમ હર્ષથી ઉલ્લસિત થઈ ગયાં. તેની આંખોમાંથી હર્ષાશ્રુની ધાર વહેવા લાગી. તેનું મન તો મહાનંદમાં મહાલવા લાગ્યું ! તે બોલી ઊઠ્યો - ‘પ્રભુ ! આપે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. ઘણા સમયથી મને ચેન ન હતું. આપે મને નિશ્ચિત કરી દીધો. હું આપનો ઉપકાર માથે ચઢાવું છું.’*

*અંતરમાં પ્રસન્નતાની હેલી સાથે તે પોતાના ભવન પર આવીને વિચારવા લાગ્યો. ‘કેવા હશે મારા તારક શ્રી પાર્શ્વપ્રભુ ? હું તેમની સેવા અત્યારથી જ કરવા લાગું તો મારા દેહના અણુએ અણુમાં, આત્માના પ્રદેશે પ્રદેશે તે પ્રભુનાં બેસણાં થઈ જાય અને મારા નિર્વાણકાળ સુધીનો સંસાર સુખે સુખે મારા તારકના સાંનિધ્યમાં પાર કરી શકું. હું એક ઉત્તમ શિલ્પી પાસે તેમની પ્રતિમા અત્યારે જ ભરાવીને તેમની આરાધના શીઘ્ર ચાલુ કરી દઉં.’*

*આમ, વિચારી તરત જ શિલ્પીને બોલાવીને તેણે કહ્યું – ‘હું તમે માગશો એટલું ધન આપીશ પણ મને તમારી બધી જ કળા નીચોવીને એક સુંદર, સંપૂર્ણ વિધિવત્, સર્વ શુદ્ધિ સહિત પ્રભુ પાર્શ્વની દિવ્ય જિનપ્રતિમા બનાવી આપો.’ ઉદારતા ગુણ એવો છે કે ધાર્યું કામ પાર પાડી શકે. શિલ્પીએ પ્રાણ પૂરીને પ્રતિમા ઘડી. આષાઢી શ્રાવક ખુશખુશાલ થઈ ગયો. પ્રભુનું મુખડું નીરખવામાં તલ્લીન બની ગયો.*

*તેણે આંગણામાં ભવ્ય જિનાલય બનાવ્યું અને નિપુણ નિમિત્તક પાસે શુભ મુહૂર્ત કઢાવીને, સુગુરુ ભગવંત પાસે મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. તે દિવસે આષાઢી શ્રાવકે દાનની ગંગા વહેવડાવી. સાધર્મિકોની શ્રેષ્ઠ ભક્તિ કરી. સાતે ક્ષેત્રોને તરબતર કરી દીધાં. શ્રી જિનશાસનનો જયજયકાર બોલાવી દીધો અને પ્રભુજીને ત્રિકાળ, સાતે પ્રકારે (અંગ, વસ્ત્ર, મન, ભૂમિ, ઉપકરણો, દ્રવ્ય અને વિધિ) શુદ્ધિ સહ નિયમિત પૂજવામાં લીન બની ગયો. પ્રસન્નતાપૂર્વક ધર્મમય જીવન જીવવા લાગ્યો. હવે તો તે નગરીમાં પધારતા સાધુ ભગવંતો સાથે તે હંમેશ સત્સંગ કરતો. તેમના વિનય, વૈય્યાવચ્ચ, ભક્તિ વિગેરે કરતો. એમ કરતાં કરતાં એક મંગળ પ્રભાતે તેને સાધુ થવાના મનોરથો થયા. વૈરાગ્યનો દીપક પ્રગટ્યો, વિધિ સહ ચારિત્ર લીધું અને સુંદર રીતે ચારિત્ર પાળતાં આયુષ્ય પૂર્ણ થયે તે વૈમાનિક દેવ થયો. દેવલોકમાં પહોંચતાં જ આ ભાગ્યશાળીએ ઉપયોગ મૂક્યો કે ‘હું ક્યાંથી આવ્યો ? અહોહો.... ગતભવે હું આષાઢી શ્રાવક હતો અને પ્રભુ પાર્શ્વની ભક્તિ કરતાં કરતાં આ દેવભવ પામ્યો છું.’ તુરત જ તેને થયું ‘અહો ! પેલા મેં ભરાવેલા શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજીને અહીં દેવલોકમાં લાવીને નિયમિત તેની આરાધના કરું.’ દેવને શું વાર ? પ્રભુ પાર્શ્વની પ્રતિમા તે લઈ આવ્યો અને પોતાના દેવવિમાનમાં તેને સ્થાપ્યાં, ભાવપૂર્વક પૂજ્યાં, જાવજ્જીવ નિયમિત સેવ્યાં. પણ દેવભવ કાંઈ કાયમનો થોડો હોય છે ? આષાઢીનો દેવનો ભવ પૂરો થયો. પછી ઘણા સમય સુધી દેવલોકમાં સૌધર્મેન્દ્રે તેની પૂજા કરી.

ત્યારબાદ તે બિંબ તેણે સૂર્યને આપ્યું. સૂર્યે પોતાના વિમાનમાં તે પ્રતિમાજીને ૫૪ લાખ વર્ષ સુધી ભાવપૂર્વક પૂજ્યાં. ત્યારબાદ ચંદ્રે પોતાના વિમાનમાં ૫૪ લાખ વર્ષ સુધી તે પ્રભુજીની બહુમાનપૂર્વક ભક્તિ કરી.*

*પછી આ પ્રતિમાજી ક્યાં ક્યાં પૂજાયાં ? ઈતિહાસ એમ કહે છે કે ત્યારબાદ આ પરમાનંદી પ્રતિમાજી સૌધર્મ નામના પહેલા દેવલોકમાં, ઈશાન દેવલોકમાં, પ્રાણત નામના દશમા દેવલોકમાં, અચ્યુત નામના બારમા દેવલોકમાં, લવણોદધિ સમુદ્રમાં, ભવનપતિદેવોનાં ભવનોમાં, વ્યંતરદેવોનાં નગરોમાં, ગંગા નદીમાં, યમુના નદીમાં, વરુણ દેવ, નાગરાજ ધરણેન્દ્ર આદિ અનેક દેવતાઓ વડે અનેક ઉત્તમ સ્થાનોમાં વિધિપૂર્વક, બહુમાન સહ, અપૂર્વ ભક્તિનો અવસર મળ્યાના ભાવો સાથે પૂજાયાં છે.*

*હવે સમય આવ્યો આ ચોવીસીના પ્રથમ પરમાત્મા ઋષભદેવ પ્રભુનો. નમિ-વિનમિ પ્રભુની સેવા કરતા હતા. નાગરાજ ધરણેન્દ્રે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને અમૂલ્ય રત્નોની ખાણ જેવી આ પ્રતિમા તેમને આપી અને તેમણે વૈતાઢ્યપર્વત ઉપર જઈને હૈયાના પ્રાણ પૂરીને આજીવન તેમની પૂજા કરી.*

*આઠમા શ્રી ચંદ્રપ્રભુસ્વામીના કાળમાં તે વખતના સૌધર્મેન્દ્ર પરમાત્માના શ્રીમુખેથી જાણ્યું કે પોતાનો ભવનિસ્તાર ત્રેવીશમા શ્રી પાર્શ્વપ્રભુના કાળમાં થશે. આ પ્રતિમાજીને તેમણે ભાવપૂર્વક પોતાના વિમાનમાં પધરાવી. દેવ-દેવીઓએ સંગીત-નૃત્ય-વાજિંત્રો તેમજ ઉત્તમ દ્રવ્યોથી ભાવપૂર્વક ૫૪ લાખ વર્ષ સુધી ત્યાં પૂજી.*

*પછી નાગકુમાર દેવોએ તે પ્રતિમાજીને ગિરનારની સાતમી કંચનબાલક નામની ટૂંકમાં પધરાવીને ઘણો કાળ પૂજી. વર્તમાન સમયના જે સૌધર્મેન્દ્ર છે તેમનો પૂર્વભવ કાર્તિક શેઠનો હતો. તે કાર્તિક શેઠના ભવમાં આ જ પ્રતિમાના પ્રભાવની સહાયથી તેમણે શ્રાવકની ૧૧ પ્રતિમા (બહુ ઊંચું અનુષ્ઠાન છે, ગુરુદેવ પાસે સમજવું.) સો વખત નિર્વિઘ્ને વહન કરી હતી.*

*વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીનો કાળ આવ્યો. તે સમયના સૌધર્મેન્દ્રે આ પ્રતિમાને પોતાના વિમાનમાં લાવીને ઘણા કાળ સુધી પૂજા કરી. તે પ્રભુના શાસનમાં રામચંદ્રજી - સીતાજી વગેરેને વનવાસનો જયારે સમય આવ્યો ત્યારે તે વખતે સૌધર્મેન્દ્રે આ પ્રતિમાજીને રથમાં પધરાવીને બે દેવોની સાથે જંગલમાં (દંડકારણ્યમાં) તેમના દર્શન-પૂજનાર્થે મોકલી હતી. વનવાસ દરમિયાન રામચંદ્રજી અને સીતાજીએ ખૂબ ભાવપૂર્વક પ્રભુને પૂજ્યા. અને વનવાસનો કાળ વીતી જતાં સૌધર્મેન્દ્ર તે પ્રતિમાજીને પાછા પોતાના દેવવિમાનમાં લઈ ગયા.*

*ગિરનાર પર્વતની સાતમી ટૂંક ખૂબ પવિત્ર સ્થાન છે. ત્યાં પ્રતિમાજીને સૌધર્મેન્દ્ર પ્રતિષ્ઠિત કરી ત્યાં તેમની પૂજા કરતા. કોઈક જ્ઞાની પુરુષના વચનથી આ પ્રતિમાજીની પવિત્રતા, તેની પ્રભાવકતા, તેની ચમત્કારિકતા વગેરે નાગરાજ ધરણેન્દ્રના જાણવામાં આવી અને આ પ્રતિમાજીને તે પોતાના ભવનમાં (અધોલોકમાં) લઈ ગયા. ત્યાં પદ્માવતી દેવી તથા અન્ય દેવ-દેવીઓ તેની નિયમિત સાચે હૈયે ભક્તિ કરતા હતા.*

*શ્રી કૃષ્ણ રાજા અને જરાસંઘનું યુદ્ધ થાય છે. જરાસંઘે શ્રી કૃષ્ણના સૈન્ય પર જરા નામની વિદ્યા વિકુર્વી. શ્રી કૃષ્ણએ અરિષ્ટનેમિ સ્વામીને પૂછ્યું. અરિષ્ટનેમિએ અવધિજ્ઞાન જાણીને કીધું કે ' પાતાળમાં નાગ દેવતા વડે પૂજાતી એવી ભાવિ અરિહંત શ્રી પાર્શ્વનાથ ભગવાન પ્રતિમા રહેલી છે. તે પ્રતિમાને તારા વડે પૂજાશે અને તારું સૈન્ય નિરુપદ્રવી થશે. અને વિજય લક્ષ્મી મળશે. તે સાંભળીને શ્રી કૃષ્ણ રાજાએ વિધિ પૂર્વક ત્રણ દિવસ ઉપવાસ કર્યા નાગદેવતાની આરાધના કરી. અનુક્રમે વાસુકી નાગરાજ પ્રત્યક્ષ થયો. ત્યારપછી ભક્તિ બહુમાન પૂર્વક તે પ્રતિમાને માંગી. નગરાજે અર્પણ કરી. તે પ્રતિમાના પ્રક્ષાલનનું જળ સૈન્ય પર છંટકાવ જરા દૂર થયું. શ્રી કૃષ્ણ રાજાનો યુદ્ધમાં વિજય થયો. શ્રી કૃષ્ણ રાજાએ શંખેશ્વરમાં જિનાલય બનાવીને તે પ્રતિમાજી પધરાવ્યા.*

*આ પ્રતિમા બનાવનાર અષાઢી શ્રાવક સંસાર ભ્રમણ કરતા છેલ્લા ભવમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં જન્મ પામ્યા. તેમનો જન્મ રાજગૃહીમાં થયો. ફાગણ વદ 4ના દિવસે વારાણસીમાં દીક્ષા લીધી અને પાર્શ્વનાથના બીજા શ્રી આર્યઘોષ નામના ગણધર થયા. ગણધર શ્રી આર્યઘોષ સુંદર રીતે ચારિત્ર પાળે છે. જીવોને પ્રતિબોધે છે , તપસ્યા કરે છે. ગણધર આર્યઘોષજી કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય છે.*