Barood - 12 - Last Part books and stories free download online pdf in Gujarati

બારૂદ - 12 - છેલ્લો ભાગ

૧૨. જિંદગી અને મોત... !

સડકની બંને તરફ લશ્કરી ટૅન્કોની કતાર ઊભી હતી અને ટેન્કોની આજુબાજુમાં કેટલાય સૈનિકો ગોઠવાયેલા હતા. રજનીએ ચેકપોસ્ટથી થોડે દૂર વેગન ઊભી રાખી દીધી.

‘દિલીપ... !' એણે દિલીપ સામે જોતાં કહ્યું, ‘તું અહીં જ આ કાળમુખાનું ધ્યાન રાખ.... ! કાળી મર્સિડિઝ અહીંથી પસાર થઈ છે કે નહીં એની હું તપાસ કરી આવું છું.'

દિલીપે હકારમાં માથું હલાવ્યું.

રજની વેગનમાંથી ઊતરીને ચેકપોસ્ટ તરફ આગળ વધી ગઈ.

દિલીપ બેહદ સાવચેતીથી કુરેશીની પીઠ પર રિવૉલ્વરની નળી મૂકીને બેઠો હતો. અત્યારે પોતાની કોઈ પણ ચાલબાજી, તિકડમ કે અવિચારી પગલું પોતાને મોતના જડબામાં ધકેલી દેશે એ વાત કુરેશી બહુ સારી રીતે જાણતો ને સમજતો હતો.

પાંચેક મિનિટ પછી રજની પાછી ફરી. એના ચહેરા પર અત્યારે ચિંતાની લકીરો સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી.

‘શું થયું... ?’ દિલીપે વ્યાકુળ અવાજે પૂછ્યું.

‘માઠા સમાચાર છે દિલીપ... !' રજનીએ ચિંતાતુર અવાજે કહ્યું, ‘કાળી મર્સિડિઝ ઘણી વાર પહેલાં જ ચેકપોસ્ટ વટાવી ગઈ છે. ચેકપોસ્ટ પર મોજૂદ બધા સૈનિકો એમ જ માનતા હતા કે ભારતીય હાઈકમિશ્નર જ ક્યાંક બહાર જઈ રહ્યા છે એટલે એ કારને અટકાવવાની કોઈની હિંમત નહોતી ચાલી.'

તો એ લોકોની યોજના સફળ થઈ ગઈ છે, ખરુંને?'

કુરેશીના હોઠ પર પળભર માટે હળવું સ્મિત ફરકીને વિલીન થઈ ગયું.

‘હવે શું પ્રોગ્રામ છે... ?'

'મેં ચેકપોસ્ટના ઇન્ચાર્જને સમગ્ર વસ્તુસ્થિતિ સમજાવી દીધી છે. સાચી હકીકત સાંભળીને એ પણ ખૂબ જ ગભરાઈ ગયો છે અને હવે તાબડતોબ પોતાના હેડક્વાર્ટરે ફોન કરવા માંડ્યો છે. થોડી મિનિટોમાં જ ચારે તરફ મર્સિડિઝની શોધ શરૂ થઈ જશે. ટૂંક સમયમાં જ તેઓ મર્સિડિઝને પકડી પાડશે એવી તેને આશા છે.'

‘હું...’ દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો.

‘હવે કઈ તરફ જવું છે.. ?' રજનીએ વૉલ્કસ વેગનની ડ્રાઇવિંગ સીટ પર બેસતાં પૂછ્યું.

‘હવે આગળ જવું તો નકામું છે ! પાછાં દૂતાવાસે જ જઈએ... !'

‘ઓ..કે..’

રજનીએ વેગનને પાછી વાળીને ભારતીય દૂતાવાસ તરફ દોડાવી અડધો કલાક પછી વૉલ્કસ વેગન ભારતીય દૂતાવાસના વિશાળ મૂકી.

કંપાઉન્ડમાં પહોંચીને ઊભી રહી.

ત્યાં પહોંચ્યા પછી કેટલાંય કામ ઝડપથી થયાં.

જેમકે હાઈ કમિશન પહોંચતાં જ કુરેશીના હાથમાં હાથકડી પહેરાવી દેવામાં આવી અને પછી તેને કડક જાપ્તા વચ્ચે હાઈ કમિશનમાં લઈ જવાયો.

આઈ.એસ.આઈ.નો ચીફ અબ્દુલ વહીદ કુરેશી પકડાઈ ગયો છે એ સમાચારથી સમગ્ર દૂતાવાસમાં ખળભળાટ મચી ગયો. પવનકુમાર નામના ક્લાર્કને પણ તાબડતોબ ગિરફતાર કરી લેવાયો.

નાગપાલના રૂમમાંથી પણ બેહદ શક્તિશાળી ટ્રાન્સમીટર મળી ગયું. ટ્રાન્સમીટરને મહાત્મા ગાંધીના ફોટા પાછળ છુપાવવામાં આવ્યું હતું.

‘થેંક યૂ... !' બધી કાર્યવાહી પત્યા પછી દિલીપે રજનીને ઉદ્દેશીને આભારવશ અવાજે કહ્યું, ‘આજે તારે કારણે જ આ બધું શક્ય બન્યું છે. જો તું અણીના સમયે ન પહોંચી હોત તો ભગવાન જાણે શું થાત... !'

‘અને તેં શું કહ્યું હતું એ તને યાદ છે.. ?' નાગપાલે સ્મિતસહ પૂછ્યું.

‘શું કહ્યું હતું... ?’

‘એ જ કે મેં નાહક જ રજનીને તારી પાછળ મોકલી છે... ! તારા રક્ષણ મારે તને કોઈની જરૂર નથી... ! તારું રક્ષણ તું જાતે જ કરી શકે છે... ! મેં રજનીને અમસ્તી જ તારી પાછળ કામે નહોતી લગાડી એની હવે તને ખાતરી થઈ ગઈ હશે !' નાગપાલ હસીને બોલ્યો.

દિલીપ મનોમન ભોંઠપ અનુભવતો નીચું જોઈ ગયો.

બનાવો હવે વધુ ઝડપથી બનતા હતા. કાળી મર્સિડિઝની ચેકપોસ્ટ વટાવ્યા પછી ગણતરીની મિનિટોમાં જ શોધખોળ શરૂ થઈ ગઈ હતી, પરંતુ તેમ છતાંય આ શોધખોળનું કંઈ પરિણામ નહોતું આવ્યું.

નાગપાલ, દિલીપ અને રજની અત્યારે દૂતાવાસમાં જ નાગપાલના રૂમમાં બેઠાં હતાં.

‘દિલીપ... !’ નાગપાલ ચિંતાતુર અવાજે બોલ્યો, ‘દુશ્મન અનહદ ચાલાક પુરવાર થયા છે. થોડી વાર પહેલાં જ મને રિપોર્ટ મળ્યો છે કે આઈ.એસ.આઈ.ના એજન્ટો આટલી જડબેસલાક સિક્યોરિટી હોવા છતાંય આપણા વડાપ્રધાનને માત્ર મોસ્કોમાંથી જ નહીં, બલ્કે રશિયામાંથી પણ બહાર લઈ જવામાં સફળ થઈ ગયા છે.

‘રશિયાની બહાર ક્યાં... ?

‘અફઘાનિસ્તાનમાં... !'

‘પરંતુ તેમણે સરહદ કેવી રીતે ઓળંગી.. ?'

વાસ્તવમાં મર્સિડિઝ તો તેમણે મોસ્કોમાંથી બહાર નીકળતાં જ છોડી દીધી હતી. ત્યાંથી તેઓ બીજી કોઈક રીતે કેસ્પિયન સાગર વટાવીને દશામ્બે પહોંચ્યા. દશામ્બેથી જ તેઓ કોઈક મદદ મેળવીને સરહદ ઓળંગી ગયા હોવા જોઈએ એમ હું માનું છું.

‘ઓહ...!’

‘બીજી તરફ પાકિસ્તાનથી પણ હમણાં એક નવા સમાચાર મળ્યા છે... !'

‘શું?’

‘મળેલા સમાચાર મુજબ પાકિસ્તાનની સરકારે કાશ્મીરી ત્રાસવાદીઓને દસ કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. આ ઉપરાંત કાશ્મીરી ત્રાસવાદીઓએ પણ ભારતના વડાપ્રધાનને સહીસલામત રીતે પાકિસ્તાનના પ્રતિનિધિઓને સોંપી દીધા છે. વડાપ્રધાન અત્યારે અફઘાનિસ્તાન સ્થિત પાકિસ્તાનના દૂતાવાસમાં છે અને ખુદ ભારતના રાષ્ટ્રપતિ તથા વિદેશમંત્રીએ ફોન પર તેમની સાથે વાત કરી છે. અફઘાનિસ્તાન સ્થિત ભારતીય હાઈકમિશ્નર પણ ત્યાં જઈને તેમને મળ્યા છે અને તેમણે પ્રેસને જણાવ્યું છે કે વડાપ્રધાન એકદમ કુશળ અને સ્વસ્થ છે. એટલું જ નહીં, ભારત સરકારે પાકિસ્તાની સ૨કા૨ને દસ કરોડ રૂપિયા ચૂકવી આપ્યા છે તથા જે સ્થળે વડાપ્રધાન તથા આઠ યુદ્ધકેદીઓની અદલાબદલી થશે, એ સ્થળ પણ બંને દેશોના પ્રતિનિધિઓએ બેસીને નક્કી કરી લીધું છે.'

‘અદલાબદલી માટે કયું સ્થળ નક્કી થયું છે... ?'

‘આને માટે અફઘાનિસ્તાન તથા રશિયાની સરહદ નક્કી કરવામાં આવી છે... !'

‘અને કુરેશીનું તમે શું કરવા માગો છો... ?' મને સીધો ભારતીય હાઈકમાન્ડ તરફથી આદેશ મળ્યો છે કે હાલતુરત કુરેશીની બાબતમાં કોઈ પગલાં નથી ભરવાનાં.. ! વડાપ્રધાન હેમખેમ ભારત પાછા ન ફરે ત્યાં સુધી અદલાબદલીમાં અડચણરૂપ થાય એવું કોઈ કામ આપણે નથી કરવાનું. અલબત્ત, વડાપ્રધાનના સ્વદેશ પાછા ફરતાં જ કુરેશીની ખબર લઈ નાખવામાં આવશે. જો તે આઈ.એસ.આઈ.નો ચીફ હોવાનું કદાચ કબૂલ નહીં કરે તોપણ ભારતના વડાપ્રધાનનું અપહરણ કરવાના તથા બૂલેટપ્રૂફ ગાડીના ડ્રાઇવરને મોતને ઘાટ ઉતારવાની યોજના બનાવવાના આરોપસર તેને સોએ સો ટકા ફાંસીની સજા થશે એમાં કોઈ બેમત નથી. મોસ્કોની પ્રજા તો એટલી ગુસ્સામાં છે કે જો આપણે અત્યારે કુરેશીને તેમની વચ્ચે છોડી મૂકીએ તો તેઓ એનાં હાડકાંનો પણ પત્તો ન લાગવા દે.. !'

નાગપાલની વાત સાંભળીને દિલીપ કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો.

‘અંકલ... !’ અચાનક એ ચપટી વગાડતાં બોલ્યો, ‘મને એક યોજના સૂઝે છે... !'

‘યોજના... ?’નાગપાલે ભવાં સંકોચીને પૂછ્યું, ‘કૈવી યોજના... ? અને જ્યારે ઉપરથી જ કડક આદેશ આવી ગયો છે તો પછી હવે યોજનાની શું જરૂર છે... ?'

‘છતાંય તમે મારી યોજના સાંભળી લો... !' દિલીપ આગ્રહભર્યા અવાજે બોલ્યો, ‘આ મિશનમાં તેઓ ઘણી સફળતા મેળવી ચૂક્યા છે એ હું કબૂલ કરું છું, પરંતુ કુરેશીએ મને એક કહેવત યાદ કરાવી હતી કે 'સો ઘા સોનીના તો એક ઘા લુહારનો... !'

લુહારનો ઘા કેવો હોય એ મારે તેને બતાવી આપવું છે. આમેય મારી યોજના પર કામ કરવાથી આપણા વડાપ્રધાનને કશુંય નુકસાન નહીં થાય.. !' નાગપાલ નર્યા અચરજથી દિલીપના ચહેરા સામે જોવા લાગ્યો.

‘શું આવી કોઈ યોજના છે... ?' એણે પૂછ્યું.

'હા...અને હું માનું છું કે આ યોજના અદ્ભુત છે... !'

‘બોલ, શું છે તારી યોજના... ?’ દિલીપ ધીમે ધીમે તેને પોતાની યોજનાની વિગતો સમજાવવા લાગ્યો.

નાગપાલ જેમ જેમ દિલીપની યોજના સાંભળતો હતો તેમ તેમ એના ચહેરા પર અચરજ છવાતું જતું હતું. પરંતુ આ આશ્ચર્યમાં પણ અનિશ્ચિતતા અને દ્વિધાની ઝલક દેખાતી હતી.

‘દિલીપ... !’ એ પ્રશંસાભરી નજરે દિલીપના ચહેરા સામે તાકી રહેતાં બોલ્યો, ‘તારી યોજના અદ્ભુત છે એમાં શંકાને કોઈ સ્થાન નથી, પરંતુ પરિસ્થિતિ અત્યંત નાજુક અને કટોકટીભરેલી છે. આ સમગ્ર મામલા સાથે આપણા વડાપ્રધાનની જિંદગી અને મોતનો સવાલ જોડાયેલો છે.'

‘છતાંય તમે પ્રયાસ તો કરી જુઓ... !' દિલીપે વ્યાકુળ અવાજે કહ્યું.

‘ભલે...હું હાઈકમાન્ડ સાથે વાત કરું છું. જો તેમને આ યોજના યોગ્ય લાગે તો ઠીક છે, નહીં તો...' નાગપાલે જાણી જોઈને વાત અધૂરી મૂકી દીધી. ત્યાર બાદ તે હાઈકમાન્ડ સાથે વાત કરવા માટે ત્યાંથી ચાલ્યો ગયો.

દિલીપ મનોમન ખૂબ જ બેચેની અનુભવતો હતો. આ મિશનમાં પાકિસ્તાન જીતતું હતું એ વાત તેને ખૂંચતી હતી.

પાકિસ્તાનની યોજના સફળ થતી હતી.  અને સૌથી મોટી વાત—

પાકિસ્તાન પોતાનો સ્વાર્થ સાધવાની સાથે સાથે ભારત પર હાથ પણ રાખવા માગતું હતું.

દિલીપ જેવા દેશભક્તથી આ વાત કોઈ કાળે સહન થાય તેમ નહોતી.

સમય પસાર કરવાના હેતુથી તે એક સિગારેટ પેટાવીને ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો.

*

- અને છેવટે હાર-જીતની રમત શરૂ થઈ. ભારતના વડાપ્રધાનને એક ચાર્ટર્ડ પ્લેનમાં અફઘાનિસ્તાન તથા રશિયાની સરહદ પર જે સ્થળ અદલાબદલી માટે નક્કી કરવામાં આવ્યું હતું ત્યાં લઈ જવાયા. ભારતીય વડાપ્રધાનની સાથે પાકિસ્તાનના અધિકારીઓની એક ટુકડી પણ હતી જેણે વડાપ્રધાનને પોતાના સુરક્ષાઘેરામાં રાખ્યા હતા. આ સિવાય તેમની સાથે થોડા કાશ્મીરી ત્રાસવાદીઓ પણ હતા. એ ત્રાસવાદીઓના ચહેરા કપડાંથી ઢંકાયેલા હતા અને તેમના ખભા પર એ.કે.પ૬ રાઇફલો લટકતી હતી. બીજી તરફથી આઠેય યુદ્ધકેદીઓને લઈને ભારત તથા રશિયાના અધિકારીઓ સરહદ પર પહોંચ્યા.

એ બધા કારમાં સફર કરતા હતા.

આ કાફલામાં દિલીપ અને નાગપાલ પણ મોજૂદ હતા.

તેઓ અબ્દુલ વહીદ કુરેશીને પણ પોતાની સાથે લાવ્યા હતા. યોજના મુજબ કુરેશી અત્યારે એકદમ સ્વસ્થ લાગતો હતો. એ ન્હાયો હતો ઉપરાંત એણે જે સૂટ પહેર્યો હતો તેને પણ ખંખેરીને ઇસ્ત્રી ફેરવી દેવામાં આવી હતી. એની દાઢી સફાચટ કરી નાખવામાં આવી હતી અને બૂટ પણ ચમકાવી દેવામાં આવ્યા હતા.

પરંતુ આ બધી ઝાકઝમાળ હોવા છતાંય કુરેશીના ચહેરા પર જાણે તેનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય એવા હાવભાવ તરવરતા હતા. એ ખૂબ જ દુ:ખી લાગતો હતો. મુસાફરી દરમિયાન તે દિલીપ અને નાગપાલની વચ્ચે નીચે મોંએ બેસી રહ્યો હતો. દિલીપ એકદમ ગંભીર હતો. સ્ટેજ પણ ગફલત થતાં જ વડાપ્રધાનનો જીવ જઈ શકે તેમ હતો.

વડાપ્રધાન પણ હેમખેમ ભારત આવી જાય અને આઠેય કેદીઓને પણ પાકિસ્તાનના હવાલે ન કરવા પડે એવી યોજના બનાવવામાં આવી હતી. આ મિશનમાં પોતે કોઈ પણ રીતે પાકિસ્તાનને સફળ નહીં થવા દે એવો દૃઢ નિર્ધાર દિલીપે કર્યો હતો.

તે પાકિસ્તાનને હરાવીને બરાબરનો પાઠ ભણાવવા માગતો હતો.

અલબત્ત, દિલીપની યોજના સાથે પહેલાં તો કોઈ સહમત નહોતું થયું, પરંતુ પછી દિલીપે જ રાષ્ટ્રપતિ સાથે વાત કરીને તેમને મનાવી લીધા હતા. પોતે વડાપ્રધાનનો વાળ સુધ્ધાં વાંકો નહીં થવા દે એવું દે વચન એણે તેમને આપ્યું હતું.

દિલીપની યોજનાને છેલ્લી પળો સુધી ગુપ્ત રાખવામાં આવી હતી. દિલીપ છેલ્લી ઘડીએ શું કરવાનો છે એની બે-ત્રણ જણને બાદ કરતાં કોઈનેય ખબર નહોતી.

‘કુરેશી... !’ દિલીપ ગંભી૨ નજરે કુરેશી સામે જોતાં બોલ્યો. ‘હું...’ કુરેશીએ માથું ઊંચું કરીને તેની સામે જોયું.

‘મારી એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લે.. !' દિલીપ ધીમા પણ સૂસવતા અવાજે બોલ્યો, ‘આ મિશનમાં તારી સરકારે ભલે ગમે તેટલા મજબૂત દાવ અજમાવ્યા હોય, પરંતુ તેમ છતાંય તને સફળતા નથી મળવાની ! આ વખતે પણ કૅપ્ટન દિલીપના હાથેથી તારે પરાજયનો સ્વાદ ચાખવો પડશે !'

ઇચ્છા ન હોવા છતાંય કુરેશીના હોઠ પર હળવું સ્મિત ફરકી ગયું.

‘શું થવાનું છે એ તો આવનારો વખત જ કહેશે મિસ્ટર દિલીપ... !'

‘આવનારો વખત નહીં, પણ હું જ તને કહું છું કુરેશી.’ દિલીપ ભારપૂર્વક બોલ્યો.

કુરેશીએ વ્યાકુળ નજરે દિલીપ સામે જોયું. દિલીપ જેવો માણસ આટલી દઢતાથી કહે છે તો એની પાછળ ચોક્કસ કોઈક ખાસ કારણ હોવું જોઈએ એ વાત તે જાણતો હતો.

એ ચૂપ થઈ ગયો.

મોટરોનો કાફલો નિરંતર પોતાની મંઝિલ તરફ દોડતો હતો. તેઓ હવે દશામ્બેથી આગળ નીકળી ગયા હતા અને અહીંથી અફઘાનિસ્તાન તથા રશિયાની સરહદ બહુ દૂર નહોતી.

એકદમ નિર્ધારિત સમયે આઠેય યુદ્ધકેદીઓને લઈને કાફલો સરહદ પર પહોંચ્યો.

સરહદ પર આજે લશ્કરની જબરી હિલચાલ દેખાતી હતી. સરહદની બીજી તરફ વડાપ્રધાન બેઠા હતા તે હેલિકોપ્ટર પણ પહોંચી ગયું હતું.

આ ઉપરાંત થોડી મોટરોમાં પણ પાકિસ્તાની અધિકારીઓ બેઠા હતા.

કાફલો સરહદ પર પહોંચ્યો કે તરત જ એક રશિયન અધિકારી નાગપાલ પાસે દોડી આવ્યો.

‘શું રિપોર્ટ છે... ?’ નાગપાલે પૂછ્યું.

‘અત્યાર સુધી તો બધું બરાબર જ ચાલે છે.’

અધિકારીએ જવાબ આપ્યો, ‘વડાપ્રધાન સરહદની બીજી તરફ એકદમ સહીસલામત મોજૂદ છે.’

નાગપાલ ચૂપ થઈ ગયો. વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો હતો. ખૂબ જ અકળાવનારું વાતાવરણ હતું. નાગપાલ જેવો નાગપાલ પણ ખૂબ જ ટેન્શન અનુભવતો હતો. અત્યારે તેને પાઇપ ફૂંકવાનું પણ યાદ નહોતું. જ્યારે એનાથી વિપરીત દિલીપ એકદમ શાંત હતો. એનું મગજ અત્યારે એક માત્ર પોતાની યોજનાના જ વિચારોમાં અટવાયેલું હતું.

‘મારી એક વાતનો જવાબ આપ કુરેશી... !' અચાનક એ બોલ્યો

‘પૂછો...’ કુરેશીએ પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું.

‘તું પાસપોર્ટ કે વીઝા વગર રશિયામાં કેવી રીતે દાખલ થયો હતો... ?’

‘અફઘાનિસ્તાન તરફથી... !' કુરેશીએ જવાબ આપતાં કહ્યું, ‘અફઘાનિસ્તાનની સરહદની લગોલગ ખૈરમની જે પહાડીઓ છે એ પહાડીઓમાં અફઘાનિસ્તાની મુજાહિદ્દીનોના મોટા મોટા અડ્ડાઓ છે અને તે પાકિસ્તાનના સમર્થક છે. મેં તેમની જ મદદ લીધી હતી. તેઓ સરહદ પાર કરાવવાના અનેક માર્ગોથી વાકેફ છે અને આ કામ તેમને માટે ચપટી વગાડવા જેટલું સહેલું છે.’

‘એ લોકો તને ઓળખતા હતા... ?'

‘ના...’ કુરેશીએ નકારમાં માથું હલાવ્યું, ‘મને કોઈ જ નહોતું ઓળખતું.’

‘તો પછી વગર ઓળખાણે એ લોકોએ તને કેવી રીતે મદદ કરી... ? તું પાકિસ્તાનનો પ્રતિનિધિ અથવા તો આઈ.એસ.આઈ.નો ચીફ છો એ વાત તેં એમની સમક્ષ કેવી રીતે પુરવાર કરી...?'

કુરેશીએ કંઈ જવાબ ન આપ્યો. એ ચૂપ જ રહ્યો. ‘કુરેશી... !’ એને ચૂપ જોઈને દિલીપ બોલ્યો, ‘તું પાકિસ્તાનનો પ્રતિનિધિ છો એવું પુરવાર કરતો કોઈક અધિકારપત્ર ચોક્કસ જ નવાઝ શરીફની સરકાર તરફથી તને આપવામાં આવ્યો હશે એમ હું માનું છું.'

આ વખતે પણ કુરેશી ખામોશ જ રહ્યો.

‘આ રીતે ચૂપ રહેવાથી કશુંય નહીં વળે કુરેશી !' સહસા દિલીપનો અવાજ એકદમ કઠોર થયો, ‘મારા સવાલનો જવાબ આપ. જો તારી પાસે આવો કોઈ અધિકા૨પત્ર હોય તો મને બતાવ ! બાકી તો હું બળજબરીથી પણ એ અધિકારપત્ર તારી પાસેથી મેળવી શકું તેમ છું, એની તો તને ખબર જ છે !'

કુરેશીએ ચૂપચાપ પેન્ટના ગુપ્ત ગજવામાંથી એક કાગળ કાઢીને દિલીપના હાથમાં મૂકી દીધો.

દિલીપે તરત જ એ કાગળ ઉઘાડીને વાંચ્યો. એ નવાઝ શરીફની સરકાર તરફથી નહીં, પણ સીધો નવાઝ શરીફ તરફથી જ તેને આપવામાં આવેલો અધિકારપત્ર હતો. ‘વડાપ્રધાન સચિવાલય'ના લેટરપેડ પર આ પત્ર લખવામાં આવ્યો હતો અને નીચે કાયદેસર નવાઝ શરીફની સહી પણ કરેલી હતી.

દિલીપ જેમ જેમ પત્ર વાંચતો હતો તેમ તેમ એની આંખો અચરજથી વિસ્ફારિત થતી જતી હતી.

એ પત્ર અફઘાનિસ્તાનના મુજાહિદ્દીનો માટે લખવામાં આવ્યો હતો. જેમાં નવાઝ શરીફે તેમને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે તેઓ અબ્દુલ વહીદ કુરેશીને સરહદ પાર કરાવે તથા તેના દરેક આદેશને નવાઝ શરીફનો આદેશ જ માને... !

પત્ર વાંચતાં જ દિલીપની આંખોમાં હજાર વૉલ્ટના બલ્બ જેવી નમક પથરાઈ ગઈ.

જાણે કુબે૨નો ખજાનો મળી ગયો હોય એવો આનંદ એના ચહેરા પર ઊભરાયો.

ભારતીય વડાપ્રધાનના અપહરણમાં પાકિસ્તાનનો હાથ છે અથવા કુરેશી આઈ.એસ.આઈ.નો ચીફ છે અને એણે જ ગેરકાયદેસર રીતે રશિયામાં પ્રવેશીને આ કાવતરું પાર પાડ્યું છે, એવું પુરવાર કરવાનું હવે દિલીપ માટે જરા પણ મુશ્કેલ નહોતું.

‘હવે મારી વાત ધ્યાનથી સાંભળ કુરેશી... !' એ બોલ્યો, ‘તું ખૂબ જ સમજદાર છો... ! જે ખોફનાક ષડ્યંત્ર પાર પાડતાં તું પકડાયો છે, એ ગુનાસર શું સજા થશે એ તને સમજાવવાની મને જરૂર નથી લાગતી. તારું મોત હવે લગભગ નિશ્ચિત છે, પરંતુ હું તને એક એવો ઉપાય બતાવી શકું તેમ છું કે જેનાથી તારો જીવ બચી જશે એટલું જનહીં, તું અત્યારે જ હેમખેમ તારા વતનમાં પણ પાછો જઈ શકીશ !’

કુરેશીએ ચમકીને તેની સામે જોયું.

‘શું....શું ઉપાય છે... ?' એણે આશ્ચર્યથી પૂછ્યું.

‘ઉપાય તો એકદમ સહેલો છે !' દિલીપ ગંભીર અવાજે બોલ્યો, થોડી વાર પછી જ્યારે અદલાબદલીની કાર્યવાહી શરૂ થાય ત્યારે કારગીલ યુદ્ધ દરમિયાન પકડાયેલા કેદીઓના સ્થાને તારે સરહદ પાસે જવાનું છે અમે પાકિસ્તાની અધિકારીઓને સમજાવવાનું છે કે યુદ્ધકેદીઓની જગ્યાએ હવે વડાપ્રધાન તથા તારી વચ્ચે અદલા-બદલી થશે. અર્થાત્ અને પાકિસ્તાનના અધિકા૨ીઓને વડાપ્રધાનના બદલામાં આઠ કેદીઓ નહીં, પણ તને સોંપીશું અને સાચું કહું તો વર્તમાન સંજોગોમાં એ જ પાકિસ્તાનના હિતમાં છે.'

‘કેવી રીતે... ?’ કુરેશીએ પૂર્વવત્ અવાજે પૂછ્યું. ‘ઘડીભર માટે માની લે છે કે આઠ કેદીઓના બદલામાં અમે અમારા વડાપ્રધાનને પાછા મેળવી લીધા છે, પરંતુ ત્યાર બાદ અમે જ્યારે આખી દુનિયા સમક્ષ તને રજૂ કરીશું અને વડાપ્રધાનના અપહરણવાળાં તારાં કરતૂતો વિશે જણાવીશું, ત્યારે પાકિસ્તાનની કેટલી મોટી બદનામી થશે એની કલ્પના તું કરી લે... !' દિલીપ પોતાની યોજનાના તાણાવાણા ગૂંથતાં બોલ્યો, ‘પાકિસ્તાન આ આઠેય કેદીઓને પોતાના ઘૂસણખોરો માની લે અને તેમની જે બદનામી થશે, એના કરતાં તારાં કરતૂતોનો ભાંડો ફૂટવાથી મળેલી બદનામી અનેક ગણી ભયંકર હશે. મોટા ભાગના દેશો જાણે છે કે આ આઠેય કેદીઓ પાકિસ્તાનના ઘૂસણખોરો છે, પરંતુ મોસ્કોમાં ભારતના વડાપ્રધાન સાથે જે કંઈ બન્યું એ બાબતમાં હજુ સુધી ખાસ કોઈ નથી જાણતું, પરંતુ તારી મારફત અમલમાં મુકાયેલા આ કાવતરાનો ભાંડો ફૂટતાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની રહીસહી આબરૂનાં પણ ચીંથરાં ઊડી જશે. આ એક વડાપ્રધાનના અપહરણનો મામલો છે. આવું નીચ કૃત્ય કરવા બદલ પાકિસ્તાનનાં મિત્રરાષ્ટ્રો પણ તેની ટીકા કરશે… ! મારી વાત શું ખોટી છે?'

કુરેશીનું માથું ભમવા લાગ્યું. પાકિસ્તાનની બધી ચાલબાજી દિલીપના એક જ દાવ સામે ઊંધી વળી ગઈ છે એવો ભાસ તેને થતો હતો.

દિલીપે અદલાબદલીનો જે નવો પ્રસ્તાવ મૂક્યો હતો એનાથી કુરેશી પણ મૂંઝવણમાં પડી ગયો હતો. દિલીપની વાત એકદમ સાચી હતી.

જો વડાપ્રધાનના બદલામાં આઠ યુદ્ધકેદીઓને લેવામાં ન આવે તો પાકિસ્તાને અત્યાર સુધી કરેલી બધી મહેનત અને ચાલબાજી પર પાણી ફરી વળે તેમ હતું.

ટૂંકમાં, કોઈ પણ પરિસ્થિતિમાં વિજય તો દિલીપનો જ થતો હતો.

‘મિસ્ટર દિલીપ... !' કુરેશી ખમચાતા અવાજે બોલ્યો, ‘અત્યારે અહીં જે પાકિસ્તાની અધિકારીઓ આવ્યા છે તેઓ વડાપ્રધાનના બદલામાં માત્ર મને એકલાને જ સ્વીકારી લે એ કંઈ જરૂરી નથી.’

‘તેમને કેવી રીતે સમજાવવા એ તારા માથાનો દુઃખાવો છે !'

દિલીપે સ્પષ્ટ અવાજે કહ્યું, ‘આમેય અત્યારે તારી પાસે નવાઝ શરીફે આપેલો અધિકારપત્ર છે. તારા દરેક હુકમને નવાઝ શરીફનો હુકમ માનવો એવું પણ એમાં લખ્યું છે. એ અધિકારપત્ર તને ખૂબ ઉપયોગી નીવડશે એમ હું માનું છું.'

કુરેશી કંઈ ન બોલ્યો. એના ધબકારા એકદમ વધી ગયા હતા.

'જલદી ફેંસલો કર કુરેશી ! તારી પાસે વધુ સમય નથી. ત્યાં સામે જો... ! બંને દેશોની સરહદ વચ્ચેની સડક પર આજે ખાસ અદલાબદલી માટે જ સફેદ પટ્ટો દોરવામાં આવ્યો છે. આ પટ્ટાની બીજી તરફ પાકિસ્તાનના અધિકારીઓ તથા અમારા વડાપ્રધાન છે અને પટ્ટા પાસે પહોંચીને અટકી જવાનું છે. એક વાત ખાસ યાદ રાખજે. પટ્ટાની આ તરફ તારે માટે મોત અને બરબાદી જ છે, પરંતુ અમારા વડાપ્રધાન હેમખેમ અહીં પહોંચી જાય, ત્યાર પછી જ પટ્ટો ઓળંગીને સામેની તરફ જવાની મંજૂરી તને આપવામાં આવશે. મારી વાત સમજે છે ને તું ?'

‘હ....હા....સમજું છું... !' કુરેશી થોથવાતા અવાજે બોલ્યો. ‘આ લે...’ દિલીપે અધિકારપત્ર પાછો એના હાથમાં મૂકતાં કહ્યું, ‘આ તારી પાસે રાખ... ! જરૂર પડે તો આનો ઉપયોગ કરજે... ! કુરેશીનો બધો ઉત્સાહ ઠંડો પડી ગયો હતો. એનું બધું જોમ ઓસરી ગયું હતું.

દિલીપના હાથેથી તે પુનઃ એક વાર પોતાની જાતને પરાજિત અનુભવતો હતો.

આ તેની જબરી હાર હતી.

દિલીપ તેને જીવતો રાખતો હતો અને કુરેશી માટે સૌથી વધુ ડૂબી મારવા જેવી વાત એ હતી કે તેને દિલીપના દરેક આદેશનું પાલન કરવું પડતું હતું. જો પોતે દિલીપના કબજામાં રહેશે તો પાકિસ્તાન માટે ઘણું ખોટું થશે એ વાત બરાબર તેને સમજાઈ ગઈ હતી.

સફેદ પટ્ટાની બીજી તરફ વડાપ્રધાન સિવાય તમામ લોકો હેલિકોપ્ટરમાંથી નીચે ઊતરી આવ્યા હતા. જ્યારે પટ્ટાની આ તરફથી પણ મોટરોમાંથી સૌ નીચે ઊતરી ચૂક્યા હતા. અલબત્ત આઠેય કેદીઓ સૌથી છેલ્લે વેગનમાં જ હતા.

દિલીપ, નાગપાલ અને કુરેશી પણ કારમાંથી નીચે ઊતર્યા. નીચે ઊતરતાં જ દિલીપના હાથમાં રિવૉલ્વર ચમકવા લાગી હતી.

‘એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લે કુરેશી... !' દિલીપ બેહદ કઠોર અવાજે બોલ્યો, ‘તારે કારણે મોસ્કોમાં ખૂબ જ ધમાચકડી થઈ છે. કેટલાંય નિર્દોષ લોકો માર્યાં ગયાં છે. મોસ્કોની પ્રજા ખૂબ જ દુઃખી છે. દરેક જણ આ નિર્દોષ લોકોનાં મોતનું વેર લેવા માગે છે. આ પરિસ્થિતિમાં જો હું તને કોઈ કારણ વગર રશિયાની સરહદ ઓળંગવા દઈશ તો એ મોસ્કોની પ્રજા પ્રત્યે મેં બહુ મોટો અન્યાય કર્યો ગણાશે. એટલે જો તું પાકિસ્તાનના અધિકારીઓને તા૨ા બદલામાં વડાપ્રધાનને સોંપી દેવા માટે નહીં મનાવી શકે તો પછી તારે અહીં જ પાછા ફરવું પડશે. એ સંજોગોમાં અગાઉ નક્કી થયા મુજબ આઠેય કેદીઓની સોંપણી કરીને અમારા વડાપ્રધાનને છોડાવી લેશું. હવે બધું તારા હાથમાં છે.’

કુરેશીના વ્હેરા પરથી જાણે સમગ્ર લોહી નિચોવી લેવામાં આવ્યું હોય એમ એ ધોળો પૂણી જેવો થઈ ગયો.

‘આ ઉપરાંત મારી એક બીજી ચેતવણી પણ સાંભળી લે...’ દિલીપ ઝેરી સાપના ફૂંફાડા જેવા અવાજે બોલ્યો, ‘સફેદ પટ્ટા સુધી પહોંચતાં પહેલાં અગર તો પહોંચ્યા પછી જો તું કોઈ ચાલકી વાપરવાનો કે નાસી છૂટવાનો પ્રયાસ કરીશ તો એ જ પટ્ટા પર તારો મૃતદેહ તરફડતી હાલતમાં પડ્યો હશે.'

કુરેશીની આંખો પળભર માટે દિલીપની આંખો સાથે અથડાઈ. દિલીપની આંખોમાં સાક્ષાત્ મોતનું તાંડવ થતું જોઈને એ પગથી માથા સુધી ધ્રૂજી ઊઠ્યો.

'તારી જાણ માટે એક બીજી વાત પણ સાંભળ..!' દિલીપે હિંસક અવાજે કહ્યું, ‘પાકિસ્તાનના અધિકારીઓ તારી વાત માની લે તો પણ જ્યાં સુધી હું સંકેત ન કરું ત્યાં સુધી તારે સફેદ પટ્ટાને નથી ઓળંગવાનો, સમજ્યો ?'

‘પટ્ટાને ઓળંગવા માટે તમે મને કેવી રીતે સંકેત આપશો ? કુરેશીએ પૂછ્યું.

‘હું મારી રિવૉલ્વરની નળી નીચી નમાવી દઈશ !'

'ઠીક છે... હવે જો તમે રજા આપતા હો તો એક સવાલ મારે પણ પૂછવો છે.'

‘પૂછ...’ જાણે કુરેશી પર ઉપકાર કરતો હોય એવા અવાજે દિલીપ બોલ્યો. ‘જો આ મામલો સહીસલામત પૂરો થયા પછી પાકિસ્તાનની સરકારને પોતાના આઠેય યુદ્ધકેદીઓ પાછા જોઈતા હોય તો આને માટે તેમણે શું કરવું પડશે... ?'

‘કશુંય નહીં કરવું પડે !' દિલીપ બોલ્યો, ‘એણે માત્ર છળ- કપટભરી પોતાની આ રાજનીતિ છોડવી પડશે... ! કારગીલમાં કંઈ બન્યું તેને માટે પાકિસ્તાન દોષિત છે, એ તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે કબૂલવું જોઈશે. નવાઝ શરીફે ભારતની પીઠ પાછળ ઘા કર્યો છે.... ! એક તરફ તેઓ મૈત્રીભર્યા સંબંધો સ્થાપવાની વાત કરતા હતા તો બીજી તરફ પાકિસ્તાનનું લશ્કર કારગીલમાં પોતાના અડ્ડા બનાવતું હતું. જો પાકિસ્તાન ખુલ્લા દિલે આ બધી વાતો, પોતાની ભૂલો કબૂલ કરશે તો ભારત ખુશીથી આઠેય કેદીઓને પાછા સોંપી દેશે. તેમને માનભેર ઇસ્લામાબાદ પહોંચાડી દેવામાં આવશે. પરંતુ જો પાકિસ્તાન આવી જ ચાલબાજી રમીને તેમને પાછા મેળવવાનો પ્રયાસ કરશે તો તો એ અશક્ય છે... ! આ જ રીતે દરેક વખતે “ના મોં પર પરાજયરૂપી તમાચો ઝીંકાશે !' કુરેશીએ પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવી.

બરાબર નવ વાગ્યે પાંચ સેકન્ડ માટે સાયરન વાગ્યું. અદલાબદલીની કાર્યવાહી શરૂ કરવા માટેનો આ સંકેત હતો, દિલીપે તરત જ કુરેશીની ખોપરીનું નિશાન તાક્યું. ‘બધું બરાબર યાદ છે ને કુરેશી... ?' એણે કઠોર અવાજે પૂછ્યું.

'જી...'

‘તો પછી આગળ વધ... !'

કુરેશી ધીમે ધીમે સફેદ પટ્ટા તરફ આગળ વધ્યો. વાતાવરણમાં ગહન ચુપકીદી છવાઈ ગઈ હતી. સરહદ પર બંને તરફ આટલા લોકો મોજૂદ હોવા છતાંય સૌ ચૂપ હતા. દિલીપ સાવચેત નજરે કુરેશી સામે તાકી રહ્યો હતો. એની આંગળી રિવૉલ્વરના ટ્રિગર પર જ હતી. એ કોઈ પણ ક્ષણે ગોળી છોડવા માટે તૈયાર હતો. કુરેશીનો જીવ જાણે કે તાળવે ચોંટી ગયો હતો. તે દિલીપ સામે જોયા વગર આગળ વધતો હતો.

સફેદ પટ્ટા પાસે પહોંચીને તે અટક્યો. એણે એક વખત પીઠ ફેરવીને દિલીપ તરફ જોયું, પરંતુ એની નજર દિલીપના ચહેરા પર નહીં પણ તેના હાથમાં જકડાયેલી રિવૉલ્વર પર હતી.

વડાપ્રધાનને હવે હેલિકોપ્ટરમાંથી ઉતારીને એક જીપમાં બેસાડી દેવામાં આવ્યા હતા. કુરેશી પોતાના પાકિસ્તાની સાથીદારો તરફ જોવા લાગ્યો. એણે કોઈકને કશુંક કહ્યું. જવાબમાં એક પાકિસ્તાની અધિકારી આગળ વધ્યો. એની પાછળ પાછળ વડાપ્રધાનવાળી જીપ પણ આગળ વધી. જીપ સફેદ પટ્ટાની પહેલાં જ થોભી ગઈ અને તેમાંથી વડાપ્રધાનની સાથે બે પાકિસ્તાની લશ્કરના ઑફિસરો તથા કાશ્મીરી ત્રાસવાદીઓ નીચે ઊતર્યા.

દિલીપે જોયું તો વડાપ્રધાનના ચહેરા પર ભય, ખોફ કે ગભરાટનું નામોનિશાન પણ નહોતું. એણે મનોમન તેમની ધીરજ અને નીડરતાને દાદ આપી.

અદલાબદલીની કાર્યવાહી ધીમે ધીમે આગળ વધતી હતી. કુરેશી એ વખતે પાકિસ્તાની અધિકારી સાથે વાત કરતો હતો અને કદાચ તેને પરિસ્થિતિની ગંભીરતા સમજાવતો હતો. અધિકારી થોડી વાર સુધી ગંભીરતાથી કુરેશીની વાત સાંભળતો રહ્યો, પરંતુ પછી એણે નકારાત્મક ઢબે માથું હલાવ્યું. કદાચ કુરેશીની સમજાવટની એના ૫૨ કોઈ અસર નહોતી થઈ. છેવટે કુરેશીએ પોતાના ગજવામાંથી નવાઝ શરીફનો અધિકારપત્ર કાઢીને તેને બતાવ્યો.

અધિકારપત્રની એ અધિકારી પર ધારી અસર થઈ. તે પત્ર લઈને થોડે દૂર ઊભેલા એક અન્ય અધિકારી તરફ આગળ વધ્યો. એ કદાચ તેનો પણ ઉપરી અધિકારી હતો.

એણે પણ ધ્યાનથી અધિકારપત્ર જોયો. પછી ત્રણ-ચાર અધિકારીઓએ અંદરોઅંદર કંઈક મસલત કરી અને કુરેશીને પોતાની પાસે આવવાનો સંકેત કર્યો.

દિલીપ એદમ સજાગ થઈ ગયો. ટ્રિગર પર એની આંગળીની પકડ વધુ મજબૂત થઈ. આગામી પળે શું બનવાનું છે એની તેને ખબર નહોતી. એણે જોયું– પાકિસ્તાની અધિકારીના બોલાવવા છતાંય કુરેશી પોતાના સ્થાનેથી એક ઇંચ પણ આઘોપાછો ન થયો. સફેદ પટ્ટાથી એક ડગલું પણ આગળ વધવાનો શું અંજામ આવશે એ વાતથી તે પૂરેપૂરો વાકેફ હતો. કુરેશીએ અધિકારીને ત્યાં જ પોતાની પાસે આવવાનું જણાવ્યું.

દિલીપનો સમગ્ર દેહ પરસેવાથી ભીંજાઈ ગયો હતો. આ મામલામાં જરૂર કરતાં વધુ સમય વીતતો હતો. હવે કદાચ પોતાની યોજના પાર નહીં પડે એવું તેને લાગતું હતું.

લશ્કરનો એક ઉચ્ચ અધિકારી કુરેશી પાસે આવીને તેની સાથે વાત કરવા લાગ્યો.

‘ખબરદાર... !' એકાએક કુરેશી ક્રોધાવેશથી એટલા જોરથી બરાડ્યો કે એનો બરાડો દિલીપ પણ સ્પષ્ટ રીતે સાંભળી શક્યો, ‘તને જે કહેવામાં આવે છે એ જ તું કર... ! ખોટી લેક્ચરબાજી કરવાની જરૂર નથી. ધીઝ ઇઝ માય ઑર્ડર... ! દેશના અગત્યના મામલામાં માથું મારવાનો તારા જેવા અધિકારીને કોઈ હક નથી. તારું કામ માત્ર આદેશનું પાલન કરવાનું જ છે. જરૂર કરતાં વધુ હોશિયારી બતાવવાનો પ્રયાસ કરીશ તો તારી આ વર્દી ઊતરી જશે, સમજ્યો ?' પાકિસ્તાની અધિકારીએ કંઈક કહ્યું. કદાચ જવાબમાં એણે કુરેશીને કોઈક આકરા શબ્દો કહ્યા હતા. વળતી જ પળે કુરેશીનો હાથ હવામાં લહેરાઈને એક તમાચાના રૂપમાં અધિકારીના ગાલ પર ઝીંકાયો.

સૌ સન્નાટામાં આવી ગયા. કુરેશી તરફથી આવા પગલાની કોઈએ આશા નહોતી રાખી.

એ જ વખતે એક પાકિસ્તાની અધિકારી જોરથી કંઈક બરાડ્યો. તરત જ પાકિસ્તાની ફોજના સૈનિકો રાઇફલ સંભાળીને સજાગ બની ગયા. દિલીપ મનોમન હચમચી ઊઠ્યો.

કુરેશીએ અધિકારીને તમાચો ઝીંકીને સત્યાનાશ કાઢી નાખ્યું હતું. પોતાની યોજના તેને પત્તાંના મહેલની માફક તૂટી પડતી લાગી. જે અધિકારીના મોં પર તમાચો ઝીંકાયો હતો એ થોડી પળો સુધી તો આશ્ચર્યથી પોતાનો ગાલ જ પંપાળતો રહ્યો અને પછી સફેદ પટ્ટાની પાછળ ખસી ગયો.

ફરીથી એક વાર પાકિસ્તાની અધિકારીઓ વચ્ચે ગુસપુસ થવા લાગી. પછી તેમનામાંથી એક અધિકારીએ કુરેશી પાસે આવીને હકારાત્મક ઢબે માથું હલાવ્યું. ત્યાર બાદ એણે જ સૈનિકોને કશુંક કહ્યું. સૈનિકોએ તરત જ પોતપોતાની રાઇફલો નીચે મૂકી દીધી. ત્યાર બાદ એ અધિકારીએ કુરેશીને સેલ્યૂટ ભરી અને આગળ આવવાનું જણાવ્યું, પરંતુ આ વખતે પણ કુરેશી પોતાના સ્થાને જ ઊભો રહ્યો.

એણે ત્યાં ઊભાં ઊભાં જ કશુંક કહ્યું.

કુરેશીની વાત સાંભળીને એ અધિકારી પાછો ફર્યો અને બીજા અધિકારીને કંઈક આદેશ આપ્યો.

તરત જ ત્રણ-ચાર સૈનિકો વડાપ્રધાનને લઈને કુરેશી પાસે પહોંચી ગયા.

કુરેશીએ બંને હાથ જોડીને વડાપ્રધાનને પ્રણામ કર્યા અને પછી પીઠ ફેરવીને પ્રશ્નાર્થ નજરે દિલીપ સામે જોયું. દિલીપે રિવૉલ્વરની નળી નીચે નમાવી.

કુરેશી તરત જ સફેદ પટ્ટો ઓળંગીને અફઘાનિસ્તાનની સરહદમાં દાખલ થઈ ગયો. જ્યારે ભારતના વડાપ્રધાન પણ હવે એ જ પટ્ટો ઓળંગીને રશિયાની સરહદમાં પ્રવેશી ચૂક્યા હતા.

તરત જ નાગપાલ, ભારતીય હાઈકમિશ્નર તથા રશિયાના સૈનિકોએ તેમને ચારે તરફથી ઘેરી લીધા.

ચોમેર પ્રસન્નતાની લહેર ફરી વળી. દિલીપે પણ રાહતનો એક ઊંડો શ્વાસ લીધો.

એના મગજ પરથી જાણે કે મણ મણનો બોજો ઊતરી ગયો હતો.

નાગપાલે તો રીતસર આનંદાતિરેકથી દિલીપને પોતાની છાતી સરસો ચાંપી લીધો હતો. અત્યારે આ પળે એની આંખોમાંથી હર્ષનાં આંસુ વહેતાં હતાં.

એની નજરે આવી દિલેરી માત્ર દિલીપ જ દાખવી શકતો હતો. ત્યાર બાદ એ જ દિવસે વડાપ્રધાન દિલ્હી પાછા ફર્યા. રશિયાના રાષ્ટ્રપતિ બોરીસ યેલત્સિન પોતે તેમને મૂકવા માટે ભારત આવ્યા હતા.

કારગીલ યુદ્ધ દરમિયાન પકડાયેલા આઠેય કેદીઓને ભારત સરકારે ‘રેડક્રોસ'ને પાછા સોંપી દીધા હતા. અલબત્ત, દિલીપ તાબડતોબ ભારત પાછો ન ફરી શક્યો. બાબુભાઈ તથા નેન્સીના અનહદ આગ્રહથી તેને આઠ દિવસ મોસ્કો તેમના મહેમાન બનીને રોકાવું પડ્યું હતું, આઠ દિવસ પછી તે પૂરા સંતોષ સાથે ભારત પાછો ફર્યો.

નવાઝ શરીફની સરકારે ચાલબાજી વાપરીને પોતાના આઠ યુદ્ધકેદીઓને પાછા મેળવવાનું જે સપનું જોયું હતું, એ સપનું સપનું જ રહી ગયું હતું.

અલબત્ત, કુરેશીના બચી જવાનો દિલીપને ખૂબ જ અફસોસ થતો હતો.

પરંતુ પછી એણે પોતાના મનને મનાવી પણ લીધું. 'કંઈ વાંધો નહીં... ! પૃથ્વી ગોળ છે અને જિંદગી લાંબી છે.  ભવિષ્યમાં ક્યારેક તો કોઈક જગ્યાએ આ ખતરનાક માણસ સાથે પોતાની મુલાકાત થઈ જ જશે... !'

આમ દિલીપની હિકમતથી વડાપ્રધાન સહીસલામત ભારત પાછા પહોંચી ગયા હતા અને આઠેય યુદ્ધકેદીઓને પણ પાકિસ્તાનને નહોતા સોંપવા પડ્યા.

દિલીપની આ દિલેરી માટે એક જ વાત કહેવી પડે – દિલીપ ધી ગ્રેટ...!

[ સમાપ્ત ]