DHULO TO HARKHPADUDO (DTH) - 48 books and stories free download online pdf in Gujarati

ધૂલો તો હરખપદૂડો (DTH) - 48

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૮

આપણે જોયું કે હિરકી હણહણાટ, એમના મિત્ર વર્ગની માસિક શનિવારીય બેઠક જે એના ઘરે ગોઠવાઈ છે, એના આહાર બંદોબસ્ત માટે ગુવારનું શાક, બાજરાનો રોટલો, કઢી, ખીચડી, છાસ અને ગોળ પાપડીનું મેનુ બનાવવા એમની સોસાયટીના સફાઈ કર્મચારીની માતાને ઓર્ડર આપ્યો છે. આ વાતની જાણ થતાં ત્યાં સોપો પડી જાય છે. હવે આગળ...

હિરકી હણહણાટએ હિંમતવાન હાકલ કરી, "તમે કોઈ ચિંતા કરતાં નહીં. એક બા ત્રણ દિવસ પહેલાં જ દેશમાંથી અહીં આવ્યાં છે. એમની ગજબની હથોટી છે આ દેશી મેનુ બનાવવામાં. તેઓ દેશમાં રોજરોજ આ સ્વાદિષ્ટ અને અફલાતૂન ભોજન પંદરેક લોકો માટે, આમ ચપટી વગાડતાં બનાવી દેવાનો મહાવરો ધરાવે છે. હાથે ધડાયેલ દેશી બાજરાના રોટલા તો અહીં ચાખવા મળવા એ પણ ભાગ્યની વાત છે. વળી એ દેશમાંથી જ ત્યાંનુ દેશી ધી સાથે લઈ આવ્યાં છે. એટલે દેશી ધી, દેશી બનાવટ અને દેશી સ્વાદનો આ ત્રિવેણી સંગમ સૌના મન નિશ્ચિત જ જીતી લેશે. તમે બધાં ફક્ત વાટ જુઓ. ઠીક છે?"

જોકે આ બા એ એમની સોસાયટીમાં કચરો વાળવા આવતા મહેશભાઈની બા છે. એ વાતની જાણ થતા ત્યાં સોપો પડી ગયો. એક તો ગુવારનું શાક, બાજરાનો રોટલો, કઢી, ખીચડી, છાસ અને ગોળ પાપડીનું મેનુ અને આ બા...

બધાં આ ગ્રુપની બાથી નારાજ થઈ ગયાં. છતાં પણ કોઈ એ કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ આપ્યો નહીં. ફક્ત ઘરેથી ભરપેટ જમીને આવેલી બૈજુ બાવરીના ચહેરા પર પોતાની હોંશિયારીનો હરખ હેલીએ ચડ્યો. એણે પોતાની ભૃકુટિઓ તાણીને બાજુમાં બેઠેલી ઈશા હરણી તરફ સાંકેતિક ઇશારો કર્યો. પણ ઈશા હરણીએ ચહેરા પર સ્મિત જાળવી રાખ્યું.

મૂકલા મુસળધાર માટે કાપો તો લોહી ના નીકળે એવી મનોસ્થિતિ નિર્માણ થઈ ગઈ હતી. એણે પોતાના ક્રોધ પર મહા મુસીબતે કાબુ મેળવ્યો. એ જાણતો હતો કે આ મિત્ર વર્ગ એમનું માન જાળવવા ચૂપચાપ બેઠાં છે. સમય પસાર કરવા DTH ધૂલો હરખપદૂડાએ વિવિધ વન મીનીટ ગેમ રમાડી પણ સૌ યંત્રવત રમી રહ્યાં હતાં. કોઈના વર્તનમાં ઉત્સાહ નહોતો સિવાય હિરકી હણહણાટના.

સમય વિતતા સૌ સંકટની ઘડી લંબાઈ જાય એમ ઈચ્છતાં હોવા છતાં હિરકી હણહણાટના મોબાઈલ પર ફોન કોલ આવ્યો. એણે સગર્વ જાહેરાત કરી, "જમવાનું આવી ગયું છે." એ દરવાજો ખોલવા દોડી.

બધાં મૂકલા મુસળધાર સામે જોઈ રહ્યાં તો એની પાસે, સામે ફિક્કુ હસવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો.

દરવાજેથી એક સુંદર પ્રશ્ન રૂપે એક મીઠડો અવાજ આવ્યો, "હલો એવરી વન, મે આઈ કમ ઈન?"

હજી હિરકી હણહણાટ કોઈ જવાબ આપે એ પહેલાં સૌની નજરો આ અંગ્રેજી બોલતી બા તરફ ફરી અને સ્તબ્ધ થઈ ગઈ. આગંતુકે સરસ મજાનું પીંક કલરનું ફ્રોક, પીંક સેન્ડલ તથા સરસ રીતે ઓળલ, મધ્ય પાંથી અને બે વ્યવસ્થિત વાળેલા ચોટલાઓ પર પીંક રીબિન બાંધી હતી. એના ચહેરા પરના નિર્દોષ હાસ્યએ સૌના મન મોહી લીધાં.

એ સેન્ડલ ઊતારી, દરવાજા બહાર વ્યવસ્થિત રીતે ગોઠવી અંદર આવી. હિરકી હણહણાટએ એને પ્રથમ વખત જોઈ હતી છતાં એણે આત્મવિશ્વાસ સાથે સૌને એની ઓળખાણ કરાવી, "આ જીયા છે. જીયા સાત્વિક ભોજન તથા ટિફિન સર્વિસની માલિકણ."

એ સમય દરમિયાન જયાબેન રિક્ષાચાલક પાસે એમનો સામાન મૂકાવતાં હતાં. મૂકલા મુસળધારએ, ધૂલા હરખપદૂડાએ અને મયુરીઆ કળાકારે મળીને એ બધો સામાન દરવાજેથી ઊપાડી કીચનમાં પહોંચાડી દીધો.

જોકે જમવાની સોડમથી સૌની ભૂખ વધી ગઈ. મૂકલા મુસળધારએ હિરકી હણહણાટ સામે 'લુચ્ચી.' એ મતલબનું સ્મિત આપ્યુ. એ સાથે હિરકી હણહણાટ હસી પડી.

એણે સાદ આપીને જયાબેનને બહાર બોલાવી, સૌને એની ઓળખાણ કરાવી આપી, "આ છે જયાબેન. જીયા સાત્વિક ભોજન તથા ટિફિન સર્વિસની માલિકણ જીયાના મમ્મી." એ પ્રોફેશનલ સ્મિત આપી ફરી કિચનમાં જઈ પોતાનું કામ કરવા લાગી.

જોતજોતામાં આખી પંગતની થાળીઓ પિરસાઈ ગઈ. ચટાકેદાર મકાઈની રોટલી (મક્કી દી રોટી) અને સ્વાદિષ્ટ સરગવાનું રસાદાર શાક (સરસોં દા શાગ) સાથે ફરસાણ તરીકે સૌની લાડકી આઈટમ એટલે પંજાબી સમોસા સાથે સાથે પંજાબી મીઠાઈ તરીકે શક્કર પારા (ચોરસ સાટા), ઘાબા સ્પેશિયલ મસાલા રાઈસ અને લાલચટક દાલ તડકા. આ બધું જોઈને સૌ ખુશખુશાલ થઈ ગયાં, ફક્ત બૈજુ બાવરી સિવાય.

બૈજુ બાવરીએ બળવો પોકાર્યો, "આમ થોડી હોય! ગુવારનું શાક, બાજરાનો રોટલો, કઢી, ખીચડી, છાસ અને ગોળ પાપડીનું મેનુ કહી પંજાબી જમવાનું મંગાવાય! આ એક જાતની ચીટિંગ છે."

ઈશા હરણીએ પોલ ખોલી નાખી, "આ બૈજુ બાવરી ઘરેથી ભરપેટ ભોજન કરીને આવી છે. એટલે ઉકળે છે." અને બધાં હસી પડ્યાં. કોઈને અપેક્ષિત નહોતી એવી ગેમ આજે હિરકી હણહણાટએ રમી લીધી હતી.

એ હણહણી, "આ સ્વાદિષ્ટ પંજાબી રસોઈ ઉપરાંત નાસ્તા માટે છોલે ભતુરે. અને ભોજન બાદ દસ ઈંચ લાંબા તથા પહોળા ગ્લાસ ભરીને પંજાબી રબડી લસ્સી પણ છે."

બધાંએ તાળીઓના ગડગડાટ સાથે આ મેનુ તથા હિરકી હણહણાટની મજેદાર મજાકને વધાવી લીધી. બાકી કોઈને કાંઈ પણ ના કહી શકાય માટે બૈજુ બાવરીએ તાળીઓ પાડતા મયુરીઆ કળાકાર સામે જોઈ ડોળા કાઢ્યાં.

એ નાનકડી જીયા બધાં સાથે રમવા લાગી. એની વાતો, દોડાદોડી, મસ્તી તોફાન, બધાંને ખૂબ ખૂબ ગમવા લાગ્યાં. એ ઝડપભેર બધાં સાથે ભળી ગઈ. એ બધાંને પણ એ બાળ રમકડું ફાવી ગયું. જયાબેને એની થાળી પણ પીરસી દીધી. અને વાતોની મહેફીલની શરૂઆત થઈ . જયાબેને જેટલા પ્રેમથી રસોઈ બનાવી હતી એટલાં જ પ્રેમથી બધાંને આગ્રહ કરી જમાડતી ગઈ. આખો દિવસ પોતાની રસોઈ, ટિફિન સર્વિસ તથા વિવિધ નાસ્તાઓ બનાવી, પીરસીને ફરી પંજાબી ભોજન બનાવી ગરમાગરમ લાવી મધરાતે દોડધામ કરી સૌને પીરસવું એ જેવા તેવાનું કામ ચોક્કસ નહીં.

જોકે જયાબેન આ કામની કિંમત જાણતી હતી. આ 'જીયા સાત્વિક ભોજન તથા ટિફિન સર્વિસ' દ્વારા જ જીયાને મોટી કરી એનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું હતું. એટલે આ ધંધો એના માટે અર્થોપાર્જન જ નહીં પણ સુંદર ભવિષ્ય તરફ લઈ જતી નિસરણી હતી. એટલે એ આ કામને યજ્ઞ માનતી હતી અને દરેક ઓર્ડરને પૂજા.

એણે ભાડે લાવેલા મોટા દસ ઈંચ લાંબા તથા સારા એવા પહોળા ગ્લાસ ભરીને પંજાબી રબડી જેવી લસ્સી સૌને આપી. આ લસ્સીની ખાસિયત એ હતી કે પી શકાય એમ નહોતી. એને ખાવા માટે બાર ઈંચ લાંબા ચમચા પણ એ લઈ આવી હતી.

બધાં જ એની કાર્યશક્તિ તથા બોલચાલ, સેવા ભાવના ઉપરાંત અસાધારણ કાર્યદક્ષતાથી સૌ પ્રભાવિત થઈ ગયાં હતાં.
મધરાત બાદ પણ જીયા રમતી હતી. એટલે સધકી સંધિવાતએ જયાબેનને પૂછી લીધું, "આ જીયા આરામ કરે છે કે બસ ચોવીસ કલાક મસ્તી?"

જયાબેન હસતાં હસતાં બોલી, "રોજ કામકાજમાંથી નવરા થતાં બારેક સહેજે વાગી જાય એટલે મારી દિકરી દોઢ બે વાગ્યા સુધી જાગે. અમે બંને રમીએ. પછી એક વાર સૂઈ ગઈ એટલે સવારે આઠ વહેલા વાગે."

તો ઈશા હરણીએ વાત પકડી લીધી, "જીયા, અમને તો એકાદ ગેમ રમાડ."

જીયા તો તરત જ તૈયાર થઈ ગઈ. એણે સૌ પ્રથમ બધાંને 'લંગડી' રમાડી. તો બધાંએ લંગડીની રમતનો આનંદ લઈ, છલાંગો લગાવી બચપણમાં પહોંચી ગયાં. એ દરમ્યાન જયાબેને જમી લીધું.

મોજમાં આવી ગયેલ જીયાએ સૌને 'કલર કલર, વીચ કલર' નામની ગેમ રમાડી. એ રમતમાં તો બધાંને મોજ પડી ગઈ. કુલ મળીને ચાલીસથી વધુ રંગોનું જ્ઞાન જીયાને હતું. આ વનડર ગર્લ બધાંને ગમી ગઈ.

પછી એણે બધાંની બે ટીમ પાડી 'ટગ ઓફ વોર' રમત રમાડી અને છેલ્લે એણે 'પાસીંગ ધ પાસ' નામની મ્યૂઝિકલ ગેમ રમાડી સૌને વિવિધ જાતની પનિશમેન્ટ આપી.

છેવટે એ થાકી તો જયાબેનના ખોળામાં જઈ સૂઈ ગઈ. સૌ મિત્રોએ તરત જ પાંચસો પાંચસો રૂપિયા કાઢી કુલ ત્રણ હજાર રૂપિયા આ નાનકડી એન્કરને ગેમ રમાડવા માટે આપ્યા. જે થોડી આનાકાની બાદ જયાબેને સ્વીકારી લીધાં.

થોડીવાર બાદ જીયાને જયાબેને સોફા પર વ્યવસ્થિત રીતે સૂવડાવી દીધી. હવે એણે બધાં માટે ગેસ પર છોલે ગરમ કરીને સાથે સાથે સિલ્વર ફોઈલમાં લપેટીને લાવેલ ભતુરે ડીશમાં સજાવી પીરસ્યા. આ વખતે હિરકી હણહણાટએ એને પ્રેમ પૂર્વક, હાથ પકડીને સો સાથે નાસ્તો કરવા બેસાડી.

નાસ્તો પતી ગયા બાદ, ભાવલા ભૂસકાની ગાડીમાં સૂતેલી જીયા, જયાબેન તથા એમના સામાન સાથે ભાવલો ભૂસકો તથા મૂકલો મુસળધાર એમને સહી સલામત એમના ઘરે છોડી આવ્યા. પણ પાછાં આવ્યા કે એમને જાણ થઈ કે છોલે ભતુરે ખાધાં બાદ બૈજુ બાવરીની તબિયત બગડી ગઈ છે.

શું આ મિત્ર વર્ગ માસિક શનિવારીય બેઠકનું ભોજન ખરેખર ખરાબ હતું? શું જયાબેનથી છોલે ભતુરે બનાવવામાં કોઈ ગફલત થઈ ગઈ હશે? આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૪૯' તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).

લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).