Sandhya - 2 books and stories free download online pdf in Gujarati

સંધ્યા - 2

સંધ્યા ઊંઘવા માટે જતી તો રહી પણ આજ ઊંઘ એને આવતી નહોતી. એ પથારીમાં પડખા ફરી રહી હતી. મન બેચેન હતું અને હૈયે પગરવ અજાણ્યા ચહેરાએ પાડી દીધા હતા. સંધ્યા ઉભી થઈ અને બાલ્કનીએ આવીને ઉભી રહી ચાંદને નીરખી રહી હતી. ચાંદ ના હળવા ઠંડા પ્રકાશે પોતાના હૈયાને જાણે ટાઢક આપી રહી હતી. મન એક કાલ્પનિક દુનિયામાં પહોંચી ગયું હતું. ખુબ ખુશ થઈ રહી હતી. મનના તરંગોએ જાણે ગીતના તાલે ચહેકી રહી હતી. જે પણ અહેસાસ હતો એ ખુબ રોમાંચિત કરી રહ્યો હતો. રાત્રીના ઠંડા પવનની લહેરખીમાં એના વાળની લટ સહેજ હલતી એના ગળાને સ્પર્શી રહી હતી. આ અહેસાસ જ સંધ્યાને ખુબ આનંદિત કરી રહ્યો હતો. સંધ્યાએ મન ભરીને એ અહેસાસને માણ્યો અને મન શાંત થતા આંખ ઘેરાવા લાગી એટલે એ બેડ પર આવી ઊંઘી ગઈ હતી.

સંધ્યા એના નિયમિત સમયે ઉઠીને નિત્યક્રમ પતાવી કિચનમાં એના મમ્મી પાસે આવી હતી. એના મમ્મી નાસ્તો બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. એ પોતાના મમ્મીને પાછળથી વળગીને બોલી, "મમ્મી! શું બનાવો છો?"

"શું તું પણ આમ અવાય? ગભરાવી દે છે! હું પૌંવાબટેકા બનાવવાની તૈયારી કરું છું."

"તમે તો કાયમ ડરી જ જતા હોવ છો! આવો, અહીં બેસો આરામ થી પેપર વાંચો. આજ નાસ્તો હું બનવું છું." સંધ્યા મમ્મીનો હાથ ખેંચતી ડાયનિંગ ટેબલ પાસે લઈ જતા બોલી રહી હતી.

"ઓ..હો..શું વાત છે? આજ બહુ ખુશ છે?"

"હા, મમ્મી! આજ હું ખુબ જ ખુશ છું. કારણ તો કોઈ નથી પણ બસ બધું જ બહુ જ ગમે છે."

"સવારમાં તું અને સુનિલ ખુશ હોય એટલે આખો દિવસ મને પણ બહુ જ મજા આવે, વાતો નહીં કર અને ફટાફટ નાસ્તો બનાવ તારા પપ્પા હમણાં આવી જશે."

"હા, મમ્મી બસ બે જ મિનિટ"

"ઓ મારી લાડલી.. મેગી નથી બનાવવાની હો.."

મમ્મીની વાત સાંભળી સંધ્યા ખડખડાટ હસવા લાગી.

સંધ્યાની આજની સવાર પણ ગઈકાલ ના પ્રભાવ હેઠળ ખુશનુમા હતી. થોડીવારમાં નાસ્તો રેડી કરીને એ ડાયનિંગ ટેબલ પર બધું સજાવીને ગોઠવી રહી હતી. ત્યાં જ એના પપ્પા અને ભાઈ પણ તૈયાર થઈ ને આવી ગયા. આજ સંધ્યાએ જ બધાને ચા નાસ્તો સર્વ કર્યા હતા. આમ તો ઘણું કામ કરતી પણ આજ કંઈક અલગ જ એનું વર્તણુક સુનિલની નજરમાં આવી જ ગયું હતું.

સંધ્યાને સુનિલ એની કોલેજ ડ્રોપ કરીને જ પોતાની કોલેજ જતો હતો. સુનિલ આજ સંધ્યાને ડ્રોપ કરીને જઈ જ રહ્યો હતો ત્યારે જ સંધ્યાને એ ચહેરો ફરી નજરમાં આવ્યો. સંધ્યા પોતાનો ભ્રમ છે કે હકીકત એ નક્કી કરે એ પહેલા જ એ ચહેરો રોડ પરની ભીડમાં લુપ્ત થઈ ગયો. સુનિલ પણ સંધ્યાને મૂકીને ઉંધો ફરી ગયો હતો આથી એનું સંધ્યા પર ધ્યાન જ નહોતું. થોડીવાર સંધ્યા ત્યાં જ ઉભી રહી કે કદાચ ફરી એને જોઈ શકે! પણ હવે એને નજર આવે એ શક્ય ન જણાતા એ પોતાની કોલેજમાં અંદર પ્રવેશી હતી.

સંધ્યાએ શિફોનનો આછા વાદળી રંગનો ડ્રેસ પહેર્યો હતો. વાળ એક જ પિન વડે બાંધ્યા હતા. એક હાથમાં સ્ટાઈલિશ ઘડિયાળ અને બીજા હાથમાં સુંદર બ્રેસલેટ પહેર્યું હતું. નાની બિંદી અને થોડા મોટા ઍરિંગ્સ સંધ્યાની સુંદરતામાં વધુ નિખાર લાવી રહ્યા હતા. આંખમાં કરેલ આંજણ એની અણિયારી આંખને વધુ સુંદર કરી રહ્યું હતું. અને હોઠ પર કરેલ લાઈટ પિન્ક લિપસ્ટિક સંધ્યાના રૂપને વધુ આકર્ષિત કરી રહી હતી. એમાં એકદમ સરસ સુવાસ ધરાવતું માદક સ્પ્રે સંધ્યાના શરીરને સુગંધીત કરી રહ્યુ હતું. સંધ્યા પોતાના ક્લાસ તરફ જઈ રહી હતી અને ત્યાં ઉપસ્થિત દરેક છોકરા છોકરીઓની નજર પણ એની તરફ જ વળી રહી હતી. હજુ કોલેજમાં આવી એને પંદર દિવસ જ થયા હશે એટલે એમના સિનિયરથી બહુ પરિચિત સંધ્યા નહોતી, પણ સંધ્યાને મોટાભાગે આખી કોલેજ ઓળખી ગઈ હતી. એના રૂપની સુંદરતા કોલેજમાં ખુબ વખણાઈ ચુકી હતી આથી એને બધા જાણતા હતા.

સંધ્યા પોતાના ક્લાસમાં ગઈ કે એના મિત્રો તરત જ બોલી ઉઠ્યા, "અરે વાહ સંધ્યા! આજ તો તું રોજ કરતા પણ વધુ સુંદર લાગે છે."

સંધ્યા એના સ્વભાવ અનુસાર હળવું હસી અને બધાને ગુડ્મોર્નીગ કહી વાતો કરવા લાગી હતી. એના ગ્રુપમાં ચાર છોકરીઓ અને બે છોકરાનું ગ્રુપ કે, જેમાં અનિમેષ, રાજ, જલ્પા, ચેતના, વિપુલા અને સંધ્યાનો સમાવેશ થતો હતો. બધા જ ખુબ એકબીજા સાથે ભળી ગયા હતા. સંધ્યા હજુ ગઈકાલની વાત એના મિત્રોને કહેવાની શરૂઆત કરવા જઈ જ રહી હતી ત્યાં જ પ્રોફેસર ક્લાસ લેવા આવ્યા અને સંધ્યા વાત કહી જ ન શકી.

પ્રોફેસર લેક્ચર લઈ રહ્યા હતા. અને સંધ્યાનું ધ્યાન ઘડી ઘડી ભટકી જતું હતું. એકવાર તો જલ્પાએ એને કોણી મારીને એની તંદ્રા તોડી હતી. સંધ્યા તો સંપૂર્ણ એ અજાણ્યા ચહેરામાં જ વશ થઈ ગઈ હતી એમ કહીએ તો પણ ખોટું નથી!

પ્રોફેસર જેવા લેક્ચર લઈને બહાર ગયા કે, સંધ્યાના મિત્રો જ એને પૂછવા લાગ્યા, "ક્યાં ધ્યાન હતું?"
જલ્પા તો બોલી જ ઉઠી, "બેન કોઈક રાજકુમારના વિચારોમાં જ હોય એવું લાગ્યું!"

"હા યાર! એવું જ કંઈક છે. શું એ ચહેરો હતો! આંખ સામેથી હજુય હટતો નથી. એકદમ ચુસ્ત બાંધો.. યાર કેમ મન એની તરફ ન ખેંચાય?"

"ઓ મેડમ! કોનો ચહેરો? કોની ને ક્યારની વાત કરે છે?" રસ દેખાડતા અનિમેષ બોલ્યો.

"આ તો ગઈ કામથી.." એવું કહી રાજ હસી પડ્યો.

"અરે યાર! તમે એ કોની વાત કરે છે એ સંધ્યા ને કહેવા તો દો." એમ કહી ચેતના રસ દેખાડતી બોલી હતી.

"કાશ! હું પણ જાણતી હોત કે એ કોણ?" સંધ્યા ચોખવટ કરતા બોલી.

" તું આમ ગોળ ગોળ વાત ન કર સીધું બોલતો કે, વાત શું છે?" અકળાઈને જલ્પા બોલી ઉઠી.

સંધ્યા બોલવા જાય એ પહેલા જ બીજા મેડમ ક્લાસ લેવા આવી ગયા, અને બધા પોત પોતાની જગ્યાએ ગોઠવાય ગયા હતા.

સંધ્યાનું ગ્રુપ થોડી થોડી વારે સંધ્યાને જ જોઈ રહ્યું હતું. હવે સંધ્યાનું ધ્યાન એ ચહેરા પર નહીં પણ પોતાના મિત્રોમાં હતું. કેવા એ લોકો જાણવા તલપાપડ થતા હતા, અને એ વાત તો હજુ કંઈ રંગ લાવી જ નહોતી! આ વિચારે સંધ્યા મનોમન હસી રહી હતી. પણ સંધ્યાને આ મિત્રોની જાણવાની જીજ્ઞાશા ગમી રહી હતી.

લેક્ચર જેવો પત્યો કે, બધા જ મિત્રો સંધ્યાની આસપાસ ગોઠવાય ગયા હતા.

સંધ્યા બોલી, "ગઈ કાલે હું સાંજના સમયે મારા ઘરની બાલ્કનીમાં રોજની માફક સનસેટ થતો જોઈ રહી હતી. ત્યારે જ અચાનક મને એ અજાણ્યો યુવક જોગિંગ કરતો દેખાયો. એનો ચહેરો એટલો આકર્ષિત હતો કે એને જોવ પછી નજર એના પરથી હટે જ નહીં. હું એને જ્યાં સુધી જતા જોઈ શકી તથા સુધી એને જોતી જ રહી. મેં પહેલીવાર એને જોયો. હું ખુદ એને જાણતી નથી. એના વિશે હું શું તમને બીજું કઈ કહું!"

"અરે યાર! આ તો વન સાઈડ લવ જ રહ્યો. શું તું પણ સંધ્યા? એને જોરથી બુમ પાડવી જોઈએ ને!" મજાક કરતા રાજ બોલ્યો.

"ના ના વન સાઈડ વન મિનિટની લવ સ્ટોરી!" અનિમેષે પણ પોતાનો સુર પરોવ્યો.

બધા રાજ અને અનિમેષની વાત સાંભળી હસી પડ્યા હતા.

શું સંધ્યા પોતાના મિત્રો થકી એ અજાણ્યા યુવકને મળશે?
શું હશે એ અજાણ્યા યુવકનો ભૂતકાળ?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻