Sandhya - 10 books and stories free download online pdf in Gujarati

સંધ્યા - 10

સંધ્યાનો ચહેરો એકદમ ઉદાસ થઈ ગયો હતો. એને શું કહેવું કેમ કહેવું એ સમજાઈ રહ્યું નહોતું. એના ચહેરાને જોઈને આખું ગ્રુપ એની પરિસ્થિતિ સમજી જ ગયું હતું. છતાં કોઈ જ કઈ બોલ્યા વિના સંધ્યાને તાકી રહ્યા હતા. સંધ્યા અમુક સેકન્ડ ચૂપ રહી શબ્દો ગોઠવતા બોલી, "તારી વાત સાચી છે. મારી ભૂલ થઈ, મને માફ નહીં કરે?" સંધ્યાના અવાજમાં અફસોસ છલકી રહ્યો હતો. એ ખુબ એના વર્તનથી શરમાઈ રહી હતી.

"આ તો તારો જૂનો ડાયલોગ થયો, લાસ્ટ ટાઈમ પણ તું આમ જ કહેતી હતી. બે દિવસ ની જ વાત છે ને! હકીકત તો એ જ છે કે તને હવે અમારી કિંમત જ નથી." ગુસ્સો ઠાલવતા રાજ બોલ્યો. એના ચહેરા પર ભારોભાર દર્દ દેખાય રહ્યું હતું.

"અમે તને એમ થોડી કહીએ છીએ કે, તું સતત અમને જ સમય આપ, તું કદાચ એ સમય તારામાં રહી, ઠીક છે, પણ આટલી મસ્ત ખુશી તને અમારી સાથે શેર કરવાનું મન પણ ન થયું? તું તારા ખુશીના સમયે અમને ભૂલી ગઈ ને!" અનિમેષ એકદમ ભાવુક સ્વરે બોલ્યો હતો.

સંધ્યા એ બંનેની વાત સાંભળીને એકદમ ગળગળી થઈ ગઈ હતી. સંધ્યાની આંખોના ખૂણે પાણી સહેજ છવાઈ ગયું હતું. એ ચૂપ જ રહી હવે એ કાંઈ જ કહી શકે કે, પોતાની લાગણીનો ખુલાસો આપી શકે એવો કોઈ જ રસ્તો રહ્યો એની પાસે નહોતો. એની નજર જલ્પા, વિપુલા અને ચેતના તરફ એવી રીતે ફરી કે જાણે એ સાથ માંગી રહી હતી કે અનિમેષ અને રાજને સમજાવવા મદદ કરે, આજ એ ત્રણેય સખીઓ પણ ચૂપ જ હતી. સંધ્યાએ ખુદ જ બોલવાનો પ્રયાસ કર્યો અને એ હજુ કાંઈ બોલે એ પહેલા જ રાજ બોલી પડ્યો કે, "ચાલ આજ તું નક્કી કરી લે કે તારે તારી લાઈફમાં તારા આ ફ્રેન્ડ જોઈએ છે કે સૂરજ? કારણ કે, હવે તારું આવું વર્તન અમને ખુબ તકલીફ આપે છે. તને કદાચ કોઈ જ ફેર નથી પડતો પણ અમને પડે છે." બેફિકર સડસડાટ એ જે મનમાં આવ્યું એ સંધ્યાની સામે બોલી ગયો હતો.

સંધ્યાની આંખમાંથી આંસુ સરી જ પડ્યા. એ દડદડ આંસુ વહાવા લાગી. એકદમ ખુશીથી કોલેજ આવેલી સંધ્યા આજે પહેલીવાર કોલેજમાં રડી રહી હતી.

જલ્પાએ રાજને ઈશારો કરીને હાથ જોડીને મૌન રહી કહ્યું કે, હવે તું જ જો સંધ્યાને.. રાજ નાટક સારી રીતે કરી શકે આથી સંધ્યા સામે જોતો જ નહોતો, વળી અનિમેષ નીચું મોઢું રાખીને ઉભો હતો. જલ્પાના ઇશારાથી રાજે પોતાની બાજુમાં બેઠેલી સંધ્યા સામે જોયું, એ પણ જોઈને દુઃખી થઈ ગયો, તરત બોલ્યો, "ઓય તું શું રડવા લાગી? તારું આંજણ વિખાય જશે!"

"અલી તું પણ ખરી છે? રાજની વાત સાંભળી રડે છે! એ તારી ફીરકી લે છે. શું સંધ્યા તું પણ.." એકદમ ખડખડાટ હસતા અનિમેષ બોલ્યો.

"સાચે જ?" રાજ તરફ નજર કરી સંધ્યાએ પૂછ્યું હતું.

"હા, પણ તું હજુ થોડું રડવું હોય તો રડી લે આંખ ચોખ્ખી થઈ જાય! અને એ ચોખ્ખી આંખે તારો ગંધારો સૂરજ તને ચોખ્ખો દેખાશે!" હસતા ચહેરે રાજ બોલ્યો હતો.

"તારા પપ્પા સૂરજની પાછળ બેસીને જતા હતા એ જ ફોટો રાજે ગ્રુપમાં મુક્યો હતો, અને નીચે લખ્યું હતું કે, 'ભવિષ્યમાં થનાર સસરા જમાઈ' એટલે જ એ તને વારે વારે ગ્રુપમાં બોલાવી રહ્યો હતો. પણ તું કાલ આવી નહીં તો ન જ આવી.. જો ગ્રૂપમાં એને છેલ્લા મેસેજમાં કહયું પણ છે કે, સંધ્યા તું કાલ રોવાની!" ખોલ પાડતા અંતે જલ્પાએ બધી વાત કહી જ દીધી.

જલ્પાની વાત સાંભળીને સંધ્યાએ તરત રાજની સામે જોયું અને એનો હાથ પકડતા કહ્યું, "તું સાચે જ ગુસ્સે નહીં ને!"

"ના જરા પણ નથી!"

"તો આમ ક્યારેય દૂર જવાની ફરી વાત નહીં કરે ને?"

"એ નહીં કરે પણ હું તો રોજ કરીશ! આ તારી મેકઅપ વગરની આંખો જોવા" ફરી અનિમેષ ચીડવતા બોલ્યો.

"બસ હો હવે એને હેરાન કરવાનું બંધ કરો!" વિપુલાએ સંધ્યાનો પક્ષ લઈ કહ્યું હતું.

"તારાથી જ નહી આપણા આખા ગ્રુપમાંથી કોઈથી દૂર મારે જવું નથી. હું ફક્ત તને હેરાન જ કરતો હતો. તું નજર તો કર ગ્રુપમાં તને ખાતરી થઈ જશે!" રાજે પોતાનો બીજો હાથ સંધ્યાના હાથ પર મૂકીને હકીકત રજૂ કરતા કહ્યું હતું.

સંધ્યા ફરી ખુશ થઈ ગઈ હતી. એના ચહેરાની ચમક જે દૂર થઈ ગઈ હતી, એ ફરી ઝળહળવા લાગી હતી. લેક્ચર લેવા માટે સર આવ્યા એટલે બધા પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. સરે લેક્ચર શરૂ કર્યો હતો. સંધ્યાને મહામહેનતે પૂરતું ધ્યાન લેક્ચરમાં રહે એવો પ્રયાસ કરવો પડતો હતો. મનમાં હરતી ફરતી એજ સૂરજની આજ સવાર વાળી સ્માઈલ એને યાદ આવી જતી હતી. આજનો આખો દિવસ સંધ્યાએ ખુબ આનંદમાં વિતાવ્યો હતો.

સૂરજને આજ ખાતરી થઈ ગઈ હતી કે એને પજવતી એ આંખો સંધ્યાની જ હતી, આથી આજ એ સંધ્યાના વિચારોથી છટકવાનો પ્રયાસ નહોતો કરતો. એને ઉલ્ટાનું એના અહેસાસ સાથે વર્ક કરવું ગમતું હતું. ખુબ જ ખુશ હતો. સંધ્યા જેટલી સુંદર હતી એટલી જ સંસ્કારી પણ હતી એ પહેલી મુલાકાતમાં જ સૂરજે નોંધી લીધું હતું. વળી બીજી મુલાકાતમાં એને ખાતરી થઈ જ ગઈ કે સંધ્યા એને પસંદ કરે છે. આથી એક અલગ જ અહેસાસ એને રોમાંચિત કરી રહ્યો હતો. સૂરજનું પણ ધ્યાન અમુક વાર ટ્રેનિંગ આપતા હટી જ જતું હતું. પણ એકંદરે પોતાને સાચવી જ લેતો હતો. એ પોતાના નિત્યક્રમ મુજબ જોગિંગમાં નીકળ્યો હતો. આજે એને પણ મનમાં થતું હતું કે, કદાચ સંધ્યા એને જોવા મળે! એવી આશાથી જ એ જોગિંગ કરતો એના ઘર તરફના રસ્તેથી જઈ રહ્યો હતો.

મન બેકાબુ અને હૈયું આશ ભરી થનગની રહ્યું હતું,
દિલની તડપ અને દીદારની આશ મનને વિચલિત કરી રહ્યું હતું,
અહેસાસ એવો જે દર્દ સાથે મીઠો અહેસાસ આપે
દોસ્ત! ચુંબકીય તારી લાગણી દિલને તારી તરફ ખેંચી રહ્યું હતું.

સંધ્યા કોલેજથી આવી ફ્રેશ થઈ અને એના નિયમ મુજબ સુર્યાસ્થ જોવા બાલ્કનીમાં પહોંચી જ ગઈ હતી. આકાશમાં સૂર્યના રંગીન કિરણોની ભાત વાદળોમાં પડવાથી આકાશ ખુબ આકર્ષિત લાગી રહ્યું હતું. મન ખુશ હતું અને કાયનાથે જે ખીલવી સંધ્યા મનના રોમાંચને વધુ રોમાચિંત કરી રહ્યા હતા.

સૂરજ જેમ જેમ સંધ્યાના એપાર્ટમેન્ટ તરફ જઈ રહ્યો હતો તેમ તેમ ઉત્સાહ વધી રહ્યો હતો. અહીં સુર્યાસ્તને જોતી સંધ્યા પોતાના સૂરજના દીદારને જીલવા જ જાણે બેઠી હતી. બંને એકબીજાને જોવાની ચાહમાં હતા. આજે બંનેના વિચારો અને લાગણી એક જ હતી. બંનેના મન તો ક્યારના એક થઈ જ ગયા હતા. બસ એકરાર જ કરવાનો બાકી હતો. બંનેને ખ્યાલ આવી જ ગયો હતો કે બંને એકબીજા માટે જ આ અવની પર અવતર્યા છે.

સૂરજને જોગિંગ કરતા આવતો જોઈને સંધ્યા ખુશ થઈ ગઈ હતી. અને સંધ્યાને બાલ્કનીમાં જોઈને સૂરજ પણ ઉત્સાહમાં આવી ગયો હતો. બંને એકબીજાને જોઈ જ રહ્યા હતા. સૂરજના કદમ જોગિંગ કરતા થોડા ધીમા થઈ ગયા. એ સંધ્યાને એની તરફ હસતા જોઈ પોતાને એના ઘર તરફ જતા રોકી ન શક્યો. સૂરજના કદમ સંધ્યાના ઘર તરફ વળ્યાં હતા.

સૂરજ અને સંધ્યાની કેવી હશે આ મુલાકાત?
શું હશે ભવિષ્યના ગર્ભમાં?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻