Sandhya - 9 books and stories free download online pdf in Gujarati

સંધ્યા - 9

સંધ્યાને ગુસ્સે થયેલી જોઈને સુનીલ હસતા હસતા બોલ્યો, "આ તારા નખરા હું સમજી જાવ હો! મનમાં તારા જે સૂરજ વસે છે એનુ તેજ તારા મોઢા પર ફેલાયેલું હું જોવ છું. એટલે તું ખોટી ગુસ્સે થવાના નાટક રેવા દે!"

"આ તારા જીવનમાં કોઈ રાજકુમારી આવી નહીં ને એટલે તું મારી મજાક ઉડાવે છે. જોજે ને! અત્યારે તું હશે છે ને પછી હું નહીં હોવ ત્યારે તું જ જાજુ રડીશ!"

"આ તું મોટી ક્યારે થવાની? તારું તો હસવા માંથી ખસવું થવાનું બંધ જ નથી થતું!" ફરી મજાક કરતા બોલ્યો.

"હું તારાથી નાની જ છું તો મોટી થવાનો તો પ્રશ્ન જ નથી.. હું તો નાની જ રહેવાની!" હસતા નખરાળા ચહેરે સંધ્યા બોલી રહી હતી.

બંને ભાઈબહેન હસી પડ્યા હતા.

આ તરફ સૂરજ પોતાના સ્ટુડન્ટ સાથે ફૂટબોલની ટ્રેનિંગ આપવા પોતાની કોલેજ પહોંચ્યો હતો. એક કલાક સુધીની ટ્રેનિંગ આપ્યા બાદ પોતાના રૂમ પર પહોંચ્યો હતો. ખુરસી પર આરામથી બેઠો અને એકલો પડ્યો કે, સંધ્યા આંખ સામે ઉપસ્થિત થઈ ગઈ હતી. સૂરજને ઘડીક એમ થયું કે, આ આજ સવારથી કેમ મને આવું આકર્ષણ છોકરીયું તરફ થઈ રહ્યું છે? પોતાના પ્રશ્નના જ જવાબ સૂરજ પાસે નહોતા. એને એક જેવી જ લાગણી બંને સુંદરી માટે થતી હોવાથી થોડો રઘવાઈ રહ્યો હતો. મનમાં જ વિચારી રહ્યો કે, અત્યાર સુધી ક્યારેય આવું આકર્ષણ અતિ રૂપવાન છોકરી પણ કેમ ન હોય છતાંપણ નથી થયું, તો પછી આજ કેમ મારું મન બંન્ને સુંદરી તરફ ઝૂક્યું? સૂરજે જાત સાથે મથામણ ખુબ કરી પણ આકર્ષણ તો બંન્ને માટે સરખું જ અનુભવી રહ્યો હતો. એને પોતાના માટે જ અચરજ પણ ખુબ થઈ રહ્યું હતું! જાજુ ન વિચારતા એ ફ્રેશ થવા ઉભો થયો હતો.

આ બધી સૂરજને મથામણ એટલે થઈ રહી હતી કારણકે એ જાણતો નહોતો કે સવારે મળી એ સુંદરી સંધ્યા જ હતી!

સૂરજ ફ્રેશ થઈ ને પોતાના વાળને અરીસામાં જોઈને ઓળવી રહ્યો હતો. એને અરીસામાં સવારવાળી જ એ સુંદરીની આંખ નજર આવી! એક સેકન્ડ એ જોઈ જ રહ્યો, આંખ બંધ કરી માથા પર હાથ મૂકી ઉપર તરફ ચહેરો રાખી ક્ષણીક ખુદને સમજવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યો હતો. હજુ તો થોડી મિનિટ પહેલા સંધ્યા અને હવે એ અજાણી સુંદરીની આંખો! ગજબ ઉલજન સૂરજ અનુભવતો હતો. મન બંન્ને તરફ ખેંચાઈ રહ્યું હતું. એ વાત સૂરજને તકલીફ આપી રહી હતી. બંન્નેની આંખનું ખેંચાણ એક સરખું જ હતું છતાં સૂરજને એ ખ્યાલ નહોતો આવ્યો કે એ બંનેની આંખો સમાન હતી, અને એ એક જ વ્યક્તિ હતી.

સૂરજે પોતાનું ડિનર પતાવ્યું અને એ ઊંઘવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ મન વિચલિત હતું આથી ઊંઘ આવે એવું તો નહોતું જ! સૂરજની આખી રાત પડખા ફરવામાં જ વીતી હતી. થોડી વાર ઊંઘ આવે અને ઉડી જાય, અંતે વહેલી સવાર પડતા એ ઉઠી જ ગયો હતો. ફ્રેશ થઈ એ કસરત કરવા લાગ્યો હતો. એક કલાક કસરત કરીને એ ૧૫ મિનિટ મેડિટેશન કરવું એ રોજનો એનો નિત્યક્રમ હતો. આજ જયારે એ મેડિટેશન કરવા બેઠો ફરી એજ ઉલજન એની સામે ઉપસ્થિત થઈ હતી. બંને સુંદરીઓની ઝલક સૂરજને દેખાય હતી. સૂરજ એક ઝાટકે આંખ ખોલીને મેડિટેશન ને તોડી એ બંનેના મોહમાંથી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મનમાં જ ગણગણ્યું મારે કોઈ વિશે કાંઈ જ વિચારવું જ નથી. હું જેમ છું એમ જ બરાબર છું. પણ સૂરજના મનમાં પ્રણયનું અંકુર સંધ્યા રોપી ચુકી હતી તો એમ સૂરજથી અસ્વીકારવું ક્યાં શક્ય જ હતું! સૂરજે અત્યારે પોતાનું મન મક્કમ ન હોય મેડિટેશન કરવાનું ટાળ્યું અને તૈયાર થઈને બહાર નીકળી ગયો હતો. સૂરજ સવારનો ચા અને નાસ્તો બહાર જ કરતો હતો. ફિટનેસને ખુબ ધ્યાન આપતો આથી સવારે ફ્રૂટ અને મિલ્ક અચૂક લેતો હતો. આજ પણ નાસ્તો પતાવી સૂરજ કોલેજ જવાનો સમય થતા કોલેજ જઈ રહ્યો હતો. કોલેજ જતી વખતે ફરી ગઈકાલની જેમ જ સુનીલ અને તેનું બાઈક આમને સામને થઈ ગયું હતું. સૂરજનું આજ પણ સુનીલ તરફ ધ્યાન નહોતું. એની નજર સીધી રોડ તરફ જ હતી ત્યાં જ અચાનક સુનીલની પાછળ એ આંખો દેખાય! ચહેરો સુનીલના ખંભ્ભા પાછળ ઢંકાયેલો હતો. પણ આંખ એ કાલ જે જોઈ એજ હતી. એ આંખોની આગળ રહેલ સુનીલને જોઈને સૂરજે બ્રેક મારી અને બાઈક સાઈડ પર ઉભી રાખી હતી. સુનીલે પણ એને ઉભો રહેતા જોઈને એ તરફ પોતાનું બાઈક ફેરવી ઉભો રહ્યો હતો. જેવો એ નજીક પહોંચ્યો કે એ સુંદર આંખો વાળો ચહેરો આખો નજર સમક્ષ આવ્યો હતો. આતો સંધ્યા! એક રાહત અને મનનો ખુલાસો કુદરતે કરાવ્યો હોય એવી રાહત સૂરજને થઈ હતી. એ બંને સુંદરી એક જ હતી એની ખાતરી સૂરજને ચોક્કસ પણે થઈ ચુકી હતી, એના ચહેરા પણ હાસ્ય ફરી વળ્યું હતું. હવે સૂરજે ધ્યાન સુનીલ તરફ કેન્દ્રિત કર્યું અને પૂછ્યું,
"પંકજસરને હવે કેમ છે?"

"પપ્પાને સારું છે. આજ ચક્કર તો નહોતા આવતા પણ તેમ છતાં આજ રેસ્ટ કરશે જેથી ફરી તકલીફ ન થાય!"

"ઓકે. સરસ. તમે અત્યારે અહીં?"

"સંધ્યાને કોલેજ છોડીને હું મારી કોલેજ જાઉં આથી અહીં." હસતા ચહેરે સુનીલે કહ્યું.

"અચ્છા તો તમે અહીં સ્ટડી કરો છો." સંધ્યા સામે નજર કરતા સૂરજે કહ્યું.

"હમમ." એટલું માંડ સંધ્યા બોલી શકી. એ તો અપલક સૂરજને જોવામાં જ તલ્લીન હતી. એની ચોરી જાણે સૂરજે પકડી લીધી હોય એવું લાગતા અન્ય શબ્દો સંધ્યાના મનમાં જ રહ્યા હતા.

"ચાલો તો પછી મળીએ અત્યારે કોલેજ માટે મોડું થઈ રહ્યું છે." સુનીલે કહ્યું.

"હા, ચોક્કસ મારે પણ મોડું જ થઈ રહ્યું છે." આટલું કહી ફરી નજર સંધ્યા તરફ કરી અને પોતપોતાને રસ્તે આગળ વધ્યા હતા.

સંધ્યાએ પાછું વળી નજર કરી બસ, એજ ક્ષણે સૂરજે પણ પાછું વળી જોયું હતું. બંને એ સુંદર સ્મિત સાથે એકબીજાને મૌન રહી આવકાર્યા હતા.

સંધ્યા ખુબ ખુશ હતી. સુનીલે કહ્યું, "આજ તો મોર્નિંગ ખરેખર ગુડ ને!"

"હા, હો સાચે જ ગુડ."

"ચાલ તને પણ મોડું થાય છે અને મને પણ.. મળીયે સાંજે."

"હા ધ્યાન રાખજે."

"તું ધ્યાન રાખજે. હું તો ઠીક જ છું." મજાક ના સ્વરે સુનીલે કહ્યું હતું.

"તું એક પણ મોકો નથી ચૂકતો ભાભીનું આગમન થવા દે તારા જીવનમાં જો પછી હું તારા શું હાલ કરું છું." ખોટો ગુસ્સો દેખાડતા સંધ્યા બોલી.

"હા હવે એ તો ત્યારે ને! અત્યારે સમય જો .. જા, તું નખરાળી" હસતા હસતા બંને છુટા પડ્યા.

સંધ્યા કોલેજ પહોંચી ત્યારે એનું ગ્રુપ આવી જ ગયું હતું. સંધ્યાની ખુશી એના ચહેરા પર તો જણાઈ રહી હતી, પણ ખરેખર એ ખુશી કઈ વાતની છે એ જાણવા જલ્પાએ પૂછ્યું, "ક્યાં વસે છે? કાલની ગ્રુપમાં દેખાણી પણ નથી. રાજ તને ગ્રુપમાં ખુબ યાદ કરતો હતો. પણ તારા કોઈ મેસેજ ન આવ્યા. બહાર ગઈ હતી કે શું?"

"અરે શાંતિ તો રાખ એક મસ્ત વાત તને કહું છું. રાજ ક્યાં? નથી આવ્યો?"

"આવ્યો છે. તું વાત કર ને! કે તું શું આટલી ખુશ છે? અનિમેષે કહ્યું.

"ના. રાજ આવે એટલે કહું. ત્યાં સુધી રાહ જો."

"શું છે ચાંપલી? કાલ કેમ બહુ ભાવ ખાતી હતી. ગ્રુપમાં અમે કેટલા મસ્તી કરતા હતા, તું કેમ ઓનલાઇન ન થઈ?" રાજે પાછળથી એક હળવી ટપલી સંધ્યાને મારી અને બોલ્યો.

"આઊચ! આ ચંપુ મારતો જ રહે છે. રાજનો હાથ ખેંચતા એને પોતાની સીટ પાસે બેસાડતા સંધ્યા બોલી.

"ચાલ હવે બહુ સસ્પેન્સ ક્રિયેટ ન કર અને તું જે કહેવાની છો એ કે!" ઉતાવળી થતા વિપુલા બોલી હતી.

સંધ્યાએ ગઈકાલ સાંજથી માંડી બધી જ અત્યાર સુધીની વાત જણાવી! સૂરજે કડવી ચા પી લીધી એ પણ કહ્યું. અને વળી એની બેઝિક તપાસ તો સારી જ છે એ પણ બધાને જણાવતા એ ખુબ જ ખુશ હતી. સુનીલ બધું જાણતો હોવાથી એણે જ વાતમાં અને વાતમાં પૂછી લીધું, આથી થોડી માહિતી મળી હતી, વળી પપ્પા એને ઓળખે જ છે એ જાણી હું ખુબ જ ખુશ છું. એક સાથે બધું જ સંધ્યા બોલી ગઈ હતી.

"તું ફરી સૂરજ માટે અમને ભૂલી ગઈ ને! આમ કરવાનું સંધ્યા?" ઉદાસ સ્વરે રાજ બોલ્યો.

"હા યાર! આપણી તો કોઈ જ કિંમત જ નથી. બસ સૂરજ.. સૂરજ .. અને સૂરજ." અનિમેષે પણ સાથ પુરાવતા કહ્યું હતું.

સંધ્યાનો હસતો ચહેરો એ બંનેની વાત સાંભળીને સાવ ઉદાસ થઈ ગયો. એના ચહેરે જે ચમક હતી એ ઓઝલ થઈ ગઈ હતી.

શું સૂરજના લીધે મિત્રતા ખંડિત થશે?
સૂરજ અને સંધ્યા કેમ જણાવશે મનની વાત?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻