Preet kari Pachhtay - 2 books and stories free download online pdf in Gujarati

પ્રિત કરી પછતાય - 2

પ્રિત કરી પછતાય*

2

"શુ કહેવુ છે?"

સાગરના આ સવાલથી સરિતા શરમાઈ ગઈ.હવે આગળ શું બોલવું સાગરને કઈ રીતે કહેવુ કે.

"હું તમને..."

" કેમ શું થયું? કેમ ચૂપ થઈ ગઈ?" સરિતા ને ખામોશ જોઈને સાગરે પૂછ્યુ. જરા વાર લાગી સરિતાને આગળ બોલવા મા.

થોડીક હિંમત ભેગી કરીને પોતાના હૃદયમાં ઉતારતી હોય એમ પહેલા સરિતાએ એક ઊંડો શ્વાસ લીધો.અને પછી બોલી.

" મારે કંઈક જોઈએ છે તમારી પાસે થી."

" મારી પાસેથી?."

સાગરે અચરજ પામતા પૂછ્યુ. સરિતાનો આ.

*કંઈક*

શબ્દ એને રહસ્યમય લાગ્યો.સરિતા થી માંડ માંડ હકાર માં માથું હલ્યુ.

"શું જોઈએ છે?"

" પહેલા તમે કહો કે આપશો"

સરિતાને વિશ્વાસ ન હતો કે સાગર પાસેથી પોતાનું માંગેલુ પોતાને મળશે. અને સરિતાને શું જોઈએ છે એ વાતથી સાગર અજાણ હતો.પોતાની કઈ ચીજ ની સરિતાને જરૂરત છે એ સાગર હજી સમજી શક્યો ન હતો.

" તુ માંગી તો જો."

સાગર સરિતા ની આંખોમા ડોકાતા બોલ્યો.પણ સરિતાની જીભ ના ઉપડી. ફેવિકોલ થી એના હોઠ જાણે ચિપકાવી દીધા હોય એમ.એના ગુલાબી હોઠ જરાય ન હલ્યા.લજામણીના છોડની જેમ એ લજ્જાઈ ગઈ.સંધ્યા ટાણે સુરજ આથમવા ની તૈયારી કરતો હોય. ત્યારે જેવી લાલીમા આકાશમા છવાઈ જાય છે.એવી જ લાલી સરિતાના સુંદર મુખડા ઉપર છવાઈ ગઈ.સાગર પાસેથી પોતે જે મેળવવા ઈચ્છે છે.એ આજે તો નહીં જ માંગી શકે.એવું એને લાગ્યુ. એનું હૃદય.અને એનું મન પણ.એને એમ કરતાં વારતુ હતુ.એને કહેતું હતુ કે.

"નહીં સરિતા નહી. સાગર પાસેથી કંઈ પણ માગવાનો કે મેળવવાનો તને કોઈ અધિકાર નથી."

હૃદયની આ દલીલ માં એને તથ્ય લાગ્યુ. એને પોતાને પણ એમ થયું કે ખરેખર સાગર પાસે માંગવા વાળી હું કોણ? આ વાતને અહીં જ આટોપી લેવી જોઈએ. એવો મનોમન વિચાર કરી એ પલંગ ઉપરથી ઊભી થઈ.અને ઊભા થઈને બોલી.

" પછી વાત."

પણ સાગરે એનો હાથ પકડીને પાછી પલંગ ઉપર બેસાડી દીધી.

"જો.આ રીતે તુ વાત અધૂરી મૂકી દઈશ સરિતા.તો આખા દિવસ મારો બેચેનીમાં જશે.તારે જે જોઈતું હોય તે તુ બે ધડક માંગી લે.હું તને નિરાશ નહીં કરું."

" પણ.પણ મારી જીભ નથી ઉપડતી."

થોથવાતા સ્વરે સરિતા એ પોતાની મૂંઝવણ વ્યક્ત કરી.પણ સાગર પાસે સરિતાની આ મૂંઝવણનો પણ ઉકેલ હાજર જ હતો.તરત જ એણે પોતાના શર્ટના ખિસ્સામાંથી બોલપેન કાઢીને સરિતાના હાથમાં મૂકી.પછી પોતાની હથેળી સરિતાની સામે ધરતા કહ્યુ.

" લે.તારી જીભ ન ઉપડતી હોય.તો આ પેન થી મારી હથેળીમાં લખી દે.કે તારે શુ જોઈએ છે."

સાગરનો આ પ્રસ્તાવ સરિતાને ગમ્યો. અને આ પ્રસ્તાવને એણે સ્વીકારી લીધો પોતાની નાજુક આંગળીઓની વચ્ચે એણે પેન પકડીને સાગરની હથેળી મા પોતાના દિલની વાત કોતરવા જ્યારે એણે સાગરની હથેળીને પોતાની નાજુક હથેળી મા લીધી ત્યારે એક ઝણઝણાટી વ્યાપી ગઈ એના આખા શરીરમા. સરિતા ના સ્પર્શથી સાગરના હૃદયના ધબકારા પણ વધી ગયા.સરિતા પોતાની હથેળીમાં કઈ માંગણી મૂકે છે એ જોવા એ જાણવા.સાગર અધીરો થયો.પણ સરિતાએ એને ટોક્યો.

" પહેલા તમારી બંને આંખો બંધ કરો."

" કેમ.?"

સાગરને આશ્ચર્ય થયું.

"તો જ હું લખીશ."

સરિતાની જીદ.

" પણ મારી આંખો ખુલ્લી હોય એમાં તને વાંધો શું છે?"

" તો હું નહીં લખુ."

સાગરના પ્રશ્નના જવાબમાં સરિતાએ ધમકી ઉચ્ચારી.અને આ ધમકીની સાગર ઉપર ધારી અસર થઈ.તરત જ સાગરે પોતાની કીકીઓ ઉપર પાંપણ નો પડદો પાડી દીધો.ધ્રુજતા હાથે સાગરની હથેળીમાં એણે ફક્ત બે જ અક્ષર ચીતર્યા.અને આ બે અક્ષરોમાં જ પોતાને સાગર પાસેથી જે જોઈતું હતું એ માંગી લીધું હતુ.પોતે લખેલા એ બંને અક્ષરો ઉપર નજર ફેરવીને સરિતા બાહર દોડી ગઈ.સરિતાના દોડી જવાના પગરવ ના અવાજથી સાગરે પોતાની આંખો ઉઘાડી.ત્યારે સરિતા બાહર જઈ ચૂકી હતી.એણે પોતાની હથેળી મા જોયુ તો.હથેળીમાં લખાયેલા એ બે અક્ષરો તીરની જેમ એની છાતીમાં ભોંકાણા.

* તમે *

પોતાની હથેળી મા * તમે * .લખીને સરિતાએ પોતાને જ માંગી લીધો છે એ સમજતા સાગરને વાર ન લાગી. કેટલીય વાર સુધી સાગરની સામે.

" તમે. તમે. તમે .."

ના જાણે પડઘા પડતા હોય એમ લાગ્યુ. સાગર આગળ નક્કી ન કરી શક્યો કે. પોતે શું કરે? સરિતા ની આ માંગણી પર પોતે ખુશી વ્યક્ત કરે.યા અફસોસ. સરિતાની આ માંગણી નો સહર્ષ સ્વીકાર કરે.યા મન મક્કમ કરીને ઈનકાર કરી દે.મુંઝાઈ ગયો સાગર.

કે શું કરવુ? જો પોતે કુંવારો હોત તો વગર ખચકાટે સરીતા નો થઈ ગયો હોત.અને ક્યારની સરિતા એની બાહો માં સમાઈ ગઈ હોત.પણ પોતે તો.....

" અરે સાંભળો છો. કેટલી વાર દાઢી કરતા?"

પત્નીની ટકોરથી તંદ્રામા ખોવાયેલો સાગર ઝબકી ગયો.

" આ જુઓ ગરમ કરેલું પાણી સાવ ઠરી ગયું મોંઘા ભાવનું ઘાસલેટ પાછું બગાડવું પડશે."

દોઢ મહિના પહેલાના વીતી ગયેલા ભૂતકાળ ની ભુતાવળ ને પોતાના મસ્તક માંથી ખંખેરવાની કોશિષ કરતા સાગરે કહ્યુ.

"મોંઘા ભાવનુ ઘાસલેટ ફરીથી બગાડવા ની જરૂર નથી.પાણી જેવું હશે તેવું ચાલશે."

અને દાઢી ઉપર ઝડપથી એ બ્રશ ફેરવવા લાગ્યો.