Gumraah - 32 books and stories free download online pdf in Gujarati

ગુમરાહ - ભાગ 32

ગતાંકથી.....

તો હવે પૃથ્વી શું કરે છે તે તપાસીએ .પૃથ્વી કેટલીક વાર સુધી તો તે કબાટ આગળ એમનેમ પડી રહ્યો .બાદ તેણે આંખ ખોલી. કબાટ તરફ નજર કરતાં વીજળી તેમાંથી નહિ નીકળતી એમ તેના જોવામાં આવ્યું .પોતે ઊઠીને ઊભા થવાનો પ્રયત્ન કર્યો. એક દારૂડિયાની માફક તેના પગ લથડવા લાગ્યા. આ ભયંકર સ્થાનમાંથી હવે તો ભાગી જ જવું એવો વિચાર કરી તે બળપૂર્વક ચાલવા લાગ્યો, પણ શરીરમાં આવી ગયેલી નબળાઈને લીધે તે પાછો જમીન પર પડકાઈ પડ્યો .તો ઘસડાતો ઘસડાતો તે દિવાલ તરફ ગયો અને તેને ટેકો દઈને તે ઊભો થયો.

હવે આગળ......

જે રૂમમાં વીજળીના સાધનો અને સોના- ઝવેરાતની પેટીઓ હતી તેમની દીવાલોમાં એક પણ સાઈડ એકે બારણું નહોતું. નકલી ઇન્સ્પેક્ટર તરીકે વીજળીના ટોર્ચ સાથે જ્યારે બદમાશ બહાર નીકળ્યો ત્યારે આ દિવાલના કોઈ ભેદી બારણા માંથી નીકળ્યો હતો. પૃથ્વીને બારણું કેવી રીતે ખુલે છે એ વિશે ખબર નહોતી. હવે શું કરવું? પૃથ્વી હિંમત હાર્યો નહિ .દીવાલમાં ક્યાંક પણ સ્વીચ હોવી જોઈએ. તે શોધ્યા વિના પોતાને હવે છૂટકો ન હતો.

જે દિવાલને ટેકો દઈને તે ઉભો હતો તે ઉપર તેણે ધીમે ધીમે પોતાના હાથ ફેરવ્યા. શરૂઆતમાં તો નિરાશા ઉપજી પણ તેણે આગળ થોડું થોડું આગળ સરકવા માંડ્યું તે સરકતો ગયો ને હાથ ફેરવતો ગયો એમ કરતાં કરતાં આખરે તે સફળ થયો. એક જગ્યાએ તેનો હાથ તેના માથા ઉપર એક ખીલાને અડક્યો તે ખીલો દબાવતા જ બારણું ખુલી ગયું ,તે બહાર નીકળ્યો. ચારે તરફ અંધારું હતું, પરંતુ સામે જ એક ખુલ્લું બારણું દેખાયું અને તેમાંથી લાઈટનું અંજવાળું પણ આવતું હતું. આસપાસ નજર કરતાં પૃથ્વીને સમજાયું કે જે ખાલી રૂમમાં તે પહેલા બે વાર ફરતો ફરતો આવી ચડ્યો હતો તે જ આ રૂમ છે. પણ લાઈટનું અજવાળું આ ઓરડામાં બહારથી શેનું આવે છે ? શું પાછો તે બદમાશ એનો જીવ લેવા માટે ત્યાં આવીને બેઠેલો હશે ?તે ધીમે ધીમે બારણા ની નજીક ગયો .બહાર નજર પડતા તેના જોવામાં આવ્યું કે પોલીસનો સિપાઈ હથોડી અને કટર વડે કંઈક કાપતો હતો. તેનો પાછળનો ભાગ પૃથ્વી તરફ હતો. પૃથ્વી હવે ભાનમાં આવ્યો હતો. તેની આંખોના ડોળા મોટા કરીને નજર કરી તો તેને ખબર પડી કે પોલીસ બીજો કોઈ જ નહીં પણ પડછંદ કાયાનો ઇન્સ્પેક્ટર ખાન છે. વળી પાછો ખાન?? અને તે સાચો કે ખોટો?? એ કરે છે શું? તે તપાસવા માટે તેને તે તરફ જોયા જ કર્યું .તેના પગ પાસે તારના દોરડા નું એક ગૂંચળું પડેલું હતું. ઇન્સ્પેક્ટર દિવાલ સાથેથી દોરડા નો સંબંધ તોડી નાખતો હતો. અચાનક પૃથ્વીને એવી સ્ફુરણા થઈ કે : "કદાચ ઇન્સ્પેક્ટરે આ દોરડું કાપી નાખવા ને કારણે જ વીજળીનો પ્રવાહ બંધ પડી ગયો હોય અને તેથી જ મારો જીવ બચ્યો હોય!" બધું વિચાર કરતા આ અનુમાન તેને સાચું લાગ્યું. આ સાચો ઇન્સ્પેક્ટર જ છે .એ સિવાય કોઈ દોરડું કાપે નહિં એવો નિશ્ચય કરી લઈને તેણે બૂમ મારી : " ઇન્સ્પેક્ટર સાહેબ! આ તારનું દલડુ તમે કાપ્યું ?"

"કોણ પૃથ્વી ?તું અહીં ક્યાંથી? મારા માણસોને મેં ચોખ્ખી ના કહેલી છે કે કોઈને અંદર આવવા દેવો નહિ અને તેઓએ તે છતાં તને આવવા દીધો ?શું કોઈને ફોડીને 'કટકી' આપીને આવ્યો?"
આ સાચો ઇન્સ્પેક્ટર છે એની પૃથ્વીને ખાતરી થઈ. તેણે જવાબ આપ્યો : મહેરબાની કરીને પહેલા મને એ તો કહો કે, દોરડું તમે કાપ્યું , સાહેબ ?"

"હા મેં કાપ્યું. કારણ દેખીતું છે. એકવાર આ દોરડા નો ચમત્કાર મેં અને મારા એક પોલીસ મેને અનુભવ્યો હતો. એટલે ,આજ નિશ્ચિંતપણે આગળ વધવા મેં કાપ્યું છે."

"સાહેબ, હું તમારો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું .તમે મારો જીવ બચાવ્યો છે."
"કઈ રીતે?"

"સાહેબ ,તમે આ જગ્યાએથી આગળ તપાસ કરી શક્યા છો?"
"ના. હું હમણાં જ આવ્યો અને પહેલું કામ આ દોરડું કાપવાનું કર્યું."

"બસ. એથી જ મારો જીવ બચ્યો. આવા જે દોરડા અહીં નાખેલા છે તે એક ભેદી રૂમમાં એક કબાટમાં મળે છે, જેમાં માણસને મારી નાખવાની ગોઠવણો કરેલી છે; તેમ જ સોના -ઝવેરાતના પટારાઓ તે રૂમમાં રાખવામાં આવેલા છે."
ઇન્સ્પેક્ટર થોડીવાર સુધી તેના તરફ જોઈ જ રહ્યો અને પછી બોલ્યો: " મને કંઈ સાંભળવાનો સમય નથી. મેં તારો જીવ બચાવ્યો હોય તો હવે કાયમને માટે તે બચાવવાની શરત સાંભળ :તું અહીંથી એકદમ જતો રહે, નહિતર હું મારા સિપાઈઓને બોલાવી તને ધક્કો મરાવીને બહાર કાઢીશ."

"પણ સાહેબ, તમે ભૂલી જાઓ છો કે ,આ ટોળકી ના કારસ્તાન પકડવામાં મને સાથે રાખવા તમે વચન આપેલું છે."

"હવે સંજોગો બદલાયા છે. મારે મારા કામમાં કોઈની મદદની જરૂર નથી."

પૃથ્વીને ઇન્સ્પેક્ટર ની આ જીદ ગમી નહિ .તે આવી જીદ પહેલી જ વાર કરતો હતો કારણ ? પૃથ્વી એ માન્યું કે, બદમાશ ટોળકી ને એકલા હાથે પકડીને કીર્તિ મેળવવા ઇન્સ્પેક્ટરના મનમાં સ્પર્ધા ઉત્પન્ન થઈ હશે. એ કુદરતી સ્પર્ધા હોવાથી તેને અત્યારે ખામોશ રહેવાનો નિર્ણય કર્યો. ઇન્સ્પેક્ટરે. પોતાના કરેલા અપમાનનો જવાબ કાંઈ જ ન વાળતાં અને મૌન તિરસ્કાર બતાવતો પૃથ્વી ગુસ્સામાં ત્યાંથી ચાલી નીકળ્યો. ભોંયરામાંથી 'સૌભાગ્ય વિલા'ને રસ્તે તે બહાર આવ્યો ત્યારે પોલીસ સિપાહીઓ ત્યાં પહેરો ભરતા તેના જોવામાં આવ્યા. તેનો ઓળખીતો પોલીસસિપાઈ પહેરાવાળી પહેરેગીરોમાં હતો. પરસ્પર સલામ થઈ અને કાંઈ પૂછપરછ વિના પૃથ્વી ત્યાંથી પસાર થઈ શક્યો.
તે તરત જ ત્યાંથી મિસ શાલીનીને પાછો મળવા ચાલ્યો. ભોંયરામાં તેને દોઢેક કલાક રોકાવું પડ્યું. મિસ.શાલીનીના મકાન આગળ જતાં દરવાજા પર ચોકીદાર ન હતો .તે મકાનના બગીચામાં થઈને ડ્રોઈંગ રૂમમાં આગળ ગયો. તેના જોવામાં આવ્યું કે ચોકીદાર ત્યાં ઊભેલો છે. તેણે તેને અંદર જવા દેવાની આનાકાની કરી નહિ પણ એટલું જ કહ્યું કે ,"મેડમ પોલીસ અમલદાર સાથે અંદરના રૂમમાં વાત કરવા માટે ગયા છે. માટે ડ્રોઈંગ રૂમમાં બેસો."

ડ્રોઈંગ રૂમમાં મિસ શાલીનીના ટેબલ આગળની ખુરશીમાં પૃથ્વી બેઠો .એક બુક ટેબલ પર પડી હતી. પૃથ્વી એ હાથમાં લીધી પણ એ બુકના પાના ઉથલાવતાં તેમાં અમુક વસ્તુ જોઈને તે ચોંક્યો!

એ વસ્તુ શું હતી?

જે વસ્તુ જોઈને પૃથ્વી ચમક્યો તેવી વિચિત્ર અક્ષરો વાળું કવર હતું ! બરાબર આવું જ પરબીડિયું તેના પપ્પા ના ખૂન પછી તેના હાથમાં આવ્યું હતું ;સર આકાશ ખુરાના ના મૃત્યુ પછી પણ બરાબર આવું જ એક બીજું કવર તેના હાથમાં અહીંથી આવ્યું હતું !એમાંથી પ્રાણઘાતક રહસ્યમય ચકરડાં નીકળતા ! શું મિસ શાલીનીની પણ એવી જ દશા થવાની છે?

પૃથ્વી એ જોયું કે કવર હજી ખોલવામાં આવેલું નથી. તેનો જીવ હેઠો બેઠો. તે વિચારવા લાગ્યો :"નક્કી બદમાશો એ આ કવર એ ભોળી સ્ત્રીના પ્રાણ લેવા માટે જ મોકલાવ્યું લાગે છે. તે કવર તેને મળ્યા બાદ અચાનક પોલીસ અમલદાર આવ્યો હશે, તેથી તે ખોલવું પડતું મૂકી તે વાત કરવા ગઈ હશે; અથવા તો પોલીસ અમલદાર સાથે તે વાતોમાં રોકાઈ હશે તે દરમિયાન આ કવર કોઈક મૂકી ગયું હશે."

તેણે ચોકીદાર પાસે જઈ ધીમેથી પૂછ્યું : "પોલીસ અમલદાર અહીં આવ્યાં તે પહેલા બીજું કોઈ મેડમ ને મળવા આવેલું કે?"
"ના."
"અમલદાર સાથે મેડમ વાત કરવા ગયા તે દરમિયાન ?"

"નહિં .ફક્ત તમે જ આવ્યા છો."

"અમલદાર કયારના આવેલા છે?"

"લગભગ પંદર વીસ મિનિટ થઈ હશે."

આ કવર ક્યાંથી આવ્યો હશે ? તે જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ......
ક્રમશઃ......