Women's Sunday books and stories free download online pdf in Gujarati

સ્ત્રીનો રવિવાર

લેખ:- સ્ત્રીનો રવિવાર
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


રવિવાર!!! કોને ન ગમે? આખું ય અઠવાડિયું કામ કરતાં કરતાં સૌને જો સૌથી વધુ કંઈક રાહ જોવાલાયક લાગતું હોય તો એ રવિવાર છે. ઑફિસમાં કામ કરનાર કર્મચારી હોય કે, કંપનીનો માલિક પોતે હોય, કે હોય શાળા કે કૉલેજમાં ભણતાં બાળકો - સૌ કોઈ રવિવારની આતુરતાપૂર્વક રાહ જુએ છે. નોકરી કરતી સ્ત્રી હોય કે ગૃહિણી હોય, રાહ તો એ પણ જુએ જ છે કે કોઈક રજા આવે, પણ રવિવાર તો એને ખબર જ નથી પડતી કે ક્યારે આવીને જતો રહ્યો!!! વિશ્વાસ નથી? ચાલો, મારા અને રવિવાર વચ્ચે થયેલી વાતચીત થકી તમને સમજાઉં.




"હાય સ્નેહલ, કેમ છે?"


"સ્નેહલ, જવાબ તો આપ. પહેલાં તો તુ મારી રાહ જોતી હતી. હવે તો ધ્યાન પણ નથી આપતી."


મેં કહ્યું, "હા, મને ખબર છે. મને તુ બહુ વ્હાલો છે. પહેલાં શું છે ને કે મારાં કામ અને જવાબદારીઓ ઓછી હતી, એટલે તને માણી શકતી હતી. હવે તો ક્યાં નવરાશ જ મળે છે? છતાં પણ મારી પાછળ પાછળ રહેજે. જો સમય મળશે તો તને માણીશ." આટલું કહીને મેં રવિવારને ચૂપ કર્યો.


એક કલાક પછી ફરીથી એણે બોલાવી. મેં કહ્યું, "વાર છે હજુ. આ આખા અઠવાડિયાથી કપડાં બરાબર ઘસાયા નથી, એ ઘસી લઉં પહેલાં, પછી તારી પાસે આઉં." આમ ને આમ બીજો કલાક નીકળી ગયો. ત્યાં તો ફરીથી રવિવાર આવ્યો.


આ સમયે હું બધાં માટે ગરમ ગરમ નાસ્તો બનાવી રહી હતી. એટલે મેં એને ફરીથી મોકલી આપ્યો. એ જ્યારે પાછો આવ્યો ત્યારે હું કચરા પોતું કરી રહી હતી. આખા અઠવાડિયામાં એક જ વાર બધું ઝાપટીને સાફ કરવાનો મોકો મળે છે. દરરોજ તો ફટાફટ સાફ કરી દેવું પડે. આમાં ને આમાં બીજા બે કલાક નીકળી ગયાં. હવે તો મારે પોતે જ નહાવાનું બાકી હતું. એ પતાવીને તૈયાર થઈ ત્યાં પાછો રવિવાર આવીને ઊભો રહ્યો.


વળી પાછું એને કહેવું પડ્યું, "ભાઈ, થોભી જા તુ. હજુ તો રસોઈ બનાવવાની બાકી છે. રસોઈ કરીશ, પછી રસોડું સાફ કરીશ. પછી તુ આવજે."


સવારનું જમવાનું ને બધાં કામો પતાવ્યાં ત્યાં તો સૌ કોઈને થોડી વાર સુવાનો સમય થયો. એટલે ભેગી ભેગી હું ય કલાક આડી પડી. એક નાનકડી કવિતા લખવાનો સમય ચોરી લીધો. થોડી ઉંઘ ખેંચી ત્યાં તો બપોરની બધાંની ચા મૂકવાનો સમય થઈ ગયો. હવે જ્યારે રવિવાર મને મળવા આવ્યો ત્યારે હું સ્તુતિનાં ધોયેલા વાળમાં તેલ નાંખી ચોટલો વાળવાની તૈયારી કરી રહી હતી. એનાં વાળ લાંબા અને જાડા હોવાથી ધોયેલા વાળમાં આ બધું કરતાં સ્હેજે અડધો કલાક નીકળી જાય.


હવે આ કામ પત્યું ત્યાં તો આજે રવિવાર - સાંજે કંઈક અલગ પ્રકારનું ખાવાનું બનાવવાનું હોય! અને તમને બધાંને તો ખબર છે ને કે અલગ પ્રકારનું ખાવાનું જેટલું સરળ ખાવું છે એટલું જ બનાવવું અટપટું હોય છે. એટલે રવિવારને અવગણીને ફરીથી પાછા રસોડામાં!😒


પછી જ્યારે એકદમ નવરાશ જેવું લાગ્યું ત્યારે મેં રવિવારને બૂમ પાડી કે, "હવે તુ આવ. હવે મારાં બધાં કામો પત્યા." ત્યાં એણે સામેથી કહ્યું કે, "ધ્યાનથી જો, હજુ કપડાંની ઈસ્ત્રી કરવાની બાકી છે." અને આપણે ઊઠીને મંડ્યા ઈસ્ત્રી કરવા. એમાંથી પરવારી ફરીથી રવિવારને બોલાવ્યો, તો કહે, "ઘડિયાળ જો. હું ચાલ્યો. તુ સુઈ જા હવે. કાલે સવારે વહેલાં ઊઠીને સ્કૂલે જવાનું. આવતાં અઠવાડિયે આવીશ હવે." અને એને રોકું એ પહેલાં તો એ જતો પણ રહ્યો.


બસ, આવો જ હોય છે એક સ્ત્રીનો રવિવાર. જિંદગીની સફરની એક્સપ્રેસ ટ્રેનમાં આવેલું એવું સ્ટેશન કે જ્યાં ટ્રેન ક્યારેય ઊભી રહેતી નથી. સ્ટેશન જતું રહે છે અને આપણે ઉતરવાનું ચૂકી જઈએ છીએ.



આભાર.

સ્નેહલ જાની