Kamli - 1 books and stories free download online pdf in Gujarati

કમલી - ભાગ 1

નમસ્તે દોસ્તો,

બહુ લાંબા સમય પછી માતૃભારતી પર આવી છું.. આ મારી પ્રથમ નવલકથા છે. આ ઉપરાંત, મારી એક લઘુકથા અને એક બાળકોની રેસીપી બુક પણ માતૃભારતી પર પ્રકાશિત થઈ ચુકી છે, આ માટે હું માતૃભારતીની આભારી છું.

આમ તો હું એક સાયન્સ ની સ્ટુડન્ટ ..... પણ મારા પપ્પાને વાંચવાનો બહુ શોખ હતો એટલે, રોજ નવી નવી વાર્તાની ચોપડીઓ લાવતા અને મને વાંચવા આપતા... એ પોતે પણ તે વાંચતા અને પછી તે વિશે ચર્ચા પણ કરતા... પણ તે માત્ર વાંચન પૂરતું. તેને કોઈ માર્ક્સ સાથે લેવું દેવું નહીં.. પરીક્ષામાં ભાષા સંબધી વિષયોને બહુ મહત્વ અપાતું નહીં.. ઘરમાં પણ તે જ વાતાવરણ ગણિત અને સાયન્સના માર્કસની ચર્ચા થાય.. મેં પણ હંમેશા પરીક્ષામાં મુદ્દાસર અને ટૂંકમાં જ જવાબ લખ્યા છે… ક્યારેક સમય મળે તો કઈ લખી લેતી પણ કોઈને ક્યારેય બતાવેલું નહીં.. પણ,એક દિવસ મારી ફ્રેન્ડે તે જોયું તો મને કહે તું સારું લખે છે.. લખજે... જિંદગીની દોડધામમાં ફરી ક્યારેય સમય મળ્યો નહીં...અને તે બાજુ બહુ ધ્યાન પણ ગયું નહીં.

પરંતુ, મારી બંને દીકરીઓના જન્મ પછી કોવિડ આવી ગયો, એટલે બંનેને એકલા હાથે મોટા કરવાની જવાબદારી આવી. સાથે કોઈ helping hand હતું નહીં. જે કોઈ મને મળે તે એક જ સવાલ કરે કે, કેવી રીતે twins ને એકલા હાથે હેન્ડલ કરે છે....? બસ, હું બધાને જવાબ આપતી આમાંથી જ મને વિચાર આવ્યો કે મારો અનુભવ હું બીજા સાથે શેર કરું. અને માતૃભારતી ની મારી સફર શરૂ થઈ... આ બદલ હું મારા વાચકો અને માતૃભારતીનો આભાર માનું છું.

"કમલી," આ બિલકુલ કાલ્પનિક નથી એક બનેલી ઘટના પર આધારીત છે, પરંતુ એક લેખક તરીકે મેં ગણી છૂટછાટ લીધી છે. સ્થળ અને પાત્રોના નામો મેં બદલ્યા છે. કોઈ પણ સમાજ કે વ્યક્તિને હર્ટ કરવાનો કોઈ ઉદ્દેશ નથી...

આજના જમાનામાં જ્યારે ટેકનોલોજી આટલી વિકસિત છે. આજે તો મોબાઈલ, ઈન્ટરનેટ બધું જ ઉપલબ્ધ છે..... એ જમાનામાં આમાંનું કશુ જ અવેલેબલ ન હતું.....

આજે, લિવ-ઇન-રિલેશન કોમન છે. પરંતુ, સભ્ય સમાજ આજે પણ એ સ્વીકારવા તૈયાર નથી ત્યારે, આજથી લગભગ દોઢસો વર્ષ પહેલા, બે સગા કાકાના દીકરા અને દીકરી ના લગ્ન....... એ વખતના સભ્ય સમાજમાં તહેલકો મચાવી દીધો હતો.

આ વાત છે સન 1940ની આસપાસ ની જયારે આપણો દેશ આઝાદ થયો ન હતો. અંગ્રેજોની ગુલામી હતી. અખંડ ભારત ન હતું, કે ના ગુજરાત રાજ્ય હતું.

ઉત્તર ગુજરાતમાં આવેલું મોડાસા ગામ આજે તો અરવલ્લી જિલ્લામાં આવેલું છે. પણ, ત્યારે બ્રિટિશ શાસનના કબજામાં આવેલુ એક નાનકડું ગામ હતું. હા, આજુબાજુના નાના ગામની સરખામણી એ થોડું મોટું અને વિકસિત કહી શકાય. કેમકે, બાકીના નાના-નાના ગામો ઇડર સ્ટેટના કંટ્રોલમાં હતા. એ જમાનામાં મોડાસામાં પ્રાથમિક શાળા હતી, રસ્તા હતા અને રસ્તા પર સ્ટ્રીટ લાઇટ હતી..... એ જમાનામાં સ્ટ્રીટ લાઇટ હોવી એ બહુ મોટી વાત કેહવાતી. લોકો ઘરમાં ફાનસનો ઉપયોગ કરતા હતા.....

આ ગામમાં વણિક, પટેલ, જૈન અને ભાવસાર ની વસ્તી હતી. આવા જ એક ધનાઢ્ય વૈષ્ણવ વાણિક પરિવારમાં જન્મેલી કમલીની આ વાત છે.

આશા રાખુ આ નવલકથા તમને જરૂર થી ગમશે. તમારા પ્રીતિભાવો અને વિચારો જરૂર થી જણાવશો.

 

********  કમલી ભાગ 1 ********

"શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ, હૈયામગાવીન પ્રિયમ...,

નિત્યમ શ્રી મથુરાધીપમ સુખકરમ, શ્રીવિઠલેશમ મુદા......"

સાવિત્રી બેન સવારના સાત વાગે મંગલાચરણ ગાઈ રહ્યા હતા. એટલામાં એમની મોટી દીકરી લતા, તેમની પાસે ફૂલોની છાબ મૂકવા માટે આવી.

લતા સાવિત્રી બેનના ચાર સંતાનોમાં સૌથી મોટી, સોળ વર્ષની લતા દેખાવમાં એકદમ સુંદર હતી.એકદમ મોટી મોટી આંખો, દાડમના દાણા જાણે દાંતમાં ગોઠવ્યા હોય એવા એના દાંત, ગુલાબી એના હોઠ, ઉજળો વાન, પાતળી કમર,લાંબા વાળ છેક કમરથી નીચે સુધી આવતા. હસે તો, 'જાણે ફૂલ ખરતા હોય એવું જ લાગે.' એણે આચ્છા ગુલાબી રંગનો લાંબો સ્કર્ટ, અને વાદળી કલરનો ટોપ પહેર્યા હતા.અને, ઉપર આછા પીળા રંગની ઓઢણી પહેરી હતી જે એના પર સુંદર લાગતી હતી....

લતામાં સવિત્રીબેનનું રૂપ બરોબર ઉતર્યું હતું. એ જમાનામાં, લતાને સાત ચોપડી ભણાવી હતી... વળી, અંગ્રેજી શીખડાવવા માટે ગોરી મેમ ઘરે આવતી. તે ઘણું સારું અંગ્રેજી બોલી અને વાંચી શકતી. ...

એનું વેવિશાળ સોમાલાલના દીકરા રાકેશ સાથે તે નાની હતી, ત્યારે જ નક્કી કર્યા હતા... સોમાલાલ અને પાનાચંદ બંને મિત્રો હતા, અને સાથે જ રહેતા હતા.... પરંતુ, સોમાલાલ તેમની પત્નીના મુત્યુ બાદ વતન જતા રહ્યાં હતાં. રાકેશને પાછળ ત્રણ નાના ભાઈ-બહેન હતા. તેથી, પિતાને આર્થિક મદદ કરવા માટે, તે નાની ઉંમરમાં જ કામે લાગી ગયો હતો..

સવિત્રીબેને લતાને કહ્યું કે, 'જા કમલીને ઉઠાડને બેટા સાત વાગી ગયા છે'. એને સ્કૂલમાં જવાનું મોડું થશે. વળી, આજે તારા બાપુ મુંબઈથી પાછા આવવાના છે. પાનાચંદ શેઠ મુંબઇમાં કામ માટે ગયા હતા..

શું હતું તે કામ ને કેમ ગયા હતા પાનાચંદ શેઠ તે વાંચવા થોડી રાહ જુવો .. ક્રમશ...