Preet Na Kario Koi, Chapter: 2.1 in Gujarati Love Stories by Niyati Kapadia Nirjhar books and stories PDF | પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.1

Featured Books
Categories
Share

પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.1

એ સવારે હું ભીના કપડે ઘરે પાછી ફરી હતી. જો કે કોઈનું મારી તરફ ધ્યાન નહોતું ગયું. એ આખો દિવસ મેં અવનવા સપનાં જોવામાં કાઢેલો. દરેક સપનામાં અલગ અલગ રીતે મારી એ ચીઠ્ઠી અને બોટલ મારા પ્રેમી સુધી પહોંચતી હતી, પણ શું એ સાચે પહોંચતી હતી ખરી? દરેક સપનાનાં અંતમાં જાણે એ પણ મારી રાહ જોઈને બેસી રહ્યો હોય એમ ચીઠ્ઠી વાંચતાં જ ખુશખુશાલ થઈ જતો અને પછી કોઈ ને કોઈ રીતે મારા દ્વાર સુધી આવી પહોંચતો હતો. ફક્ત નામ પરથી એક અજાણી છોકરીને શોધી શકાય, છેક એના ઘર સુધી પહોંચી શકાય એ માટેના સેંકડો આઈડિયા મારા મગજમાં આવી રહ્યાં હતાં અને મને લાગતું હતું કે એ પણ મારા જેટલો જ હોશિયાર હશે.
   જ્યાં સુધી આપણી ગમતી વ્યક્તિ આપણા મનમાં હોય એ એવી જ રીતે વર્તે છે જેવું આપણે ઇચ્છતા હોય અને એટલે જ એ વહાલી લાગે છે. જેવી રૂબરૂ મુલાકાતો ચાલું થાય કે તરત જ બધા ભ્રમ ભાંગીને ભુક્કો થઈ જાય છે.
   એ દિવસે બપોરે બાર વાગે મારા ઘરે રોક્કડ મચી હતી. મારી બંને નાની બહેનો શોભા અને શોભના સ્કૂલેથી પાછી આવતા જ મોટેથી રડી રહી હતી, રડતાં રડતાં કોઈકને ગાળો આપી રહી હતી. હું એમની પાસે બહાર આંગણામાં ગઈ હતી.
   “જો ને લી શોભાડી કો’ક આપણી બાટલી પણ ચોરી ગયું. કોણ લઈ ગયું હશે?”
   “પેલો મનુડો જ લાગે છે મને તો. પેલા ભંગાર વાળાએ આપણને આ બાટલી આપેલી ત્યારે એ કેવું કતરાઈને જોતો’તો ભૂલી ગઈ? એનો પે’લાથી જ એ બાટલી પર ડોળો હતો.”
    “નખ્ખોદ જાય મુવાનું!”
    “અરે કોઈને આવું ના કહીએ. એક બાટલી માટે એવું કોણ કરે?” મને સારી રીતે ખ્યાલ આવી ગયો હતો કે અહીંયા કઈ બાટલીની વાત ચાલી રહી હતી અને એ ક્યાં ગાયબ થઈ ગઈ હતી. મારે એમને પૂછીને એ લેવી જોઈતી હતી પણ મને એ વખતે એવું કંઈ યાદ જ નહોંતુ આવ્યું.
    “ના કેમ કહીએ? અમારું આખું ઘર તોડી નાંખ્યું ગધેડાએ...માતાજી કરે ને એનું ઘર પણ આમ જ તૂટી જાય.” શોભના રડતાં રડતાં કહી રહી હતી.
   “હારા’ને જિંદગીમાં કદી હખ નહીં મળે.” શોભા એના તૂટેલા રમકડાં જોઈ કહી રહી હતી.
   સવારે ઉતાવળે ગોદળું ખાટલા પર નાંખતા એક ખાટલો પડી ગયો હતો, બે ખાટલા ઊભા રાખી એની ઉપર ગોદળું ઢાંકી બનાવેલું મારી બહેનોનું ઘર તૂટી ગયું હતું અને એ પાપ મારા હાથે થયું હતું. એમની બધી ગાળો મારા માટે હતી. બધા નિઃસાસા મને લાગું પડતાં હતાં. મને થયેલું કે મારે એમને સાચું કહી દેવું જોઈએ. મારાથી ભૂલથી એમનું ઘર ભાંગ્યું હતું, એમના વાસણો તૂટ્યાં હતાં એ જાણીને કદાચ એમનો આઘાત થોડો હળવો થઈ જાત પણ મેં એમને કશું જ નહોંતુ કહ્યું. એ બંને કલાકો સુધી બળતરા ઠાલવતી રહેલી અને હું બસ મૂક સાક્ષી બની એમને જોઈ રહી હતી.
   બાએ એ બંનેને સમજાવી હતી, મનાવી હતી, ચોકલેટની લાલચ આપી છાની રાખી હતી એ વખતે પણ હું મૂક બની રહી હતી. મને જ જાણે આજે સવારે મેં જે કૃત્ય કર્યું હતું એને વિશે બીજા કોઈને કહેતાં સંકોચ થઈ રહ્યો હતો. કેટલીક વાતો આપણા માટે ખૂબ અગત્યની હોય છે, આપણે જાણતા હોઈએ કે બીજાને મન એ એક ઘેલછાથી વધારે કંઈ જ નથી અને એટલે જ આપણે એ વાત બીજાને કહી નથી શકતા, એને છોડી પણ નથી શકતા. શોભા અને શોભનાએ અજાણતા જ સહી પણ મને જ ગાળો આપી હતી. મારું ઘર તૂટી જાય, મારો સંસાર સળગી જાય એવી બદદુઆ આપી હતી અને ત્યારે મેં એમની વાતોને છોકરમત માનેલી. મેં એમને ક્યારેય નથી કહ્યું કે એમની બાટલી મેં ચોરી હતી. એમનું ઘર, માટીના વાસણો મારાથી જ તૂટી ગયેલા.
    સાંજે મારી બાએ કહ્યું હતું કે આવતી કાલે મને જોવા છોકરવાળા આવવાના છે અને હું ચિંતામાં પડી ગયેલી. મનમાં એક ડર હતો, મારા પરિવાર વાળા દબાણ કરી મારા લગ્ન કરાવી દેશે તો? મારી ઈચ્છા અનિચ્છાનું ધ્યાન રખાશે કે નહીં?
   બીજે દિવસે હું સોનેરી બોર્ડર વાળી ભારે સાડીમાં સજ્જ હતી. બાએ મારાં ગળામાં સોનાના મોટા ચકતા વાળી ચેઇન અને હાથમાં સોનાના પાટલા પહેરાવ્યાં હતાં. મારા લાંબા વાળને ઢીલાં ચોટલામાં બાંધી એને મોગરાની વેણીથી સજાવાયો હતો. જો કે મને એ બધું વધારે પડતું લાગેલું પણ હું ચૂપ રહેલી. મારું બધું જ ધ્યાન મને જોવા આવનાર છોકરો કેવો હશે એ જ વિચારવામાં લાગેલું હતું. છોકરો મને જોવા આવે એવો એ મારા જીવનનો પહેલો પ્રસંગ હતો અને મનમાં એક આશા પણ હતી કે કદાચ એવું બને કે મને જોવા આવનાર છોકરાના જ હું પ્રેમમાં પડી જાઉં!
   એ લોકો આવી ગયા હતા. છોકરા સાથે એના પપ્પા અને વચેટિયા કાકા આવ્યા હતા. હું હાથમાં ચાની ટ્રે લઈને એ લોકો બેઠા હતા ત્યાં ગઈ હતી. મને જોવા આવેલા યુવકની સામે ટ્રે ધરતી વખતે મેં નજર સહેજ ઉપર ઉઠાવી એની તરફ જોયું હતું. દેખાવે ઠીક હતો પણ મને ગમે તેવું એનામાં કંઈ જ નહોતું. મેં એને એક પળ માટે જ જોયો હતો અને જે પહેલો વિચાર મનમાં આવ્યો એ હતો- આવા ચક્રમ સાથે આખી જિંદગી શેં જાય!
   મેં નક્કી કરી લીધું હતું, એને ના જ કહેવાનું હતું. મનમાં એમ પણ હતું કે જે ચિઠ્ઠી મેં પહોંચાડી છે એ યોગ્ય વ્યક્તિને મળે, એ એને વાંચે અને પછી આત્મજા ક્યાં રહેતી હશે એની ભાળ કાઢતો એ આટલે સુધી આવે એમાં દિવસો શું મહીનાઓ પણ વીતી શકે. મારે એના આગમનની પ્રતિક્ષા કરવી રહી.
   એ રાત્રે મારી બાએ મને પૂછ્યું હતું કે ઝમકું છોકરો કેવો લાગ્યો અને મેં તરત કહી દીધું હતું કે ચક્રમ જેવો! મને એ છોકરો જરાય પસંદ નથી. હું એની સાથે નહીં પરણું! મારી બા તો બા મારી બે નાની બહેનો અને મારા બાપા સુધ્ધા મારી વાત સાંભળીને અચંબિત થઈ ગયા હતાં. એમને મન કોઈ છોકરી છોકરાને પરણવાની ના કહે એ વાત જ નવાઈ હતી.
   બીજે દિવસે બપોરે મારા ઘરે વડીલોની બેઠક મળી હતી. મારા મોટા બાપા અને ભાઈ કહી રહ્યા હતા કે છોકરાવાળા તરફથી ‘હા’ છે. એ બે મહિના રહીને સગાઈ અને પછી શિયાળામાં લગન લેવાનું કહે છે. એ લોકો આગળ બીજી કોઈ ચર્ચા કરે કે મારા બાબાપુ કોઈક રીતે એમને મારી મરજી જણાવે એ પહેલાં મેં જ ઉતાવળે કહી દીધું,
    “મને આ સંબંધ મંજૂર નથી. હું એ ઘેર નહીં જાઉં.”
   ઘડીભર બધાને જાણે સાપ સૂંઘી ગયો હતો. એમને માટે આ નવાઈની વાત હતી. એમણે આવું કશું બની શકે એવં વિચાર્યું જ નહતું.
   “અરે પણ તને વાંધો શું છે?” મારા મોટા બાપુએ કહ્યું, “છોકરો દેખાવે સારો છે. ખાનદાન ઘર છે અને પાછો એ સરકારી નોકરી કરે છે. ગામડે ઘર છે, જમીન છે. બીજું શું જોઈએ?”
  “એ બધું ઠીક છે પણ એ મને ચક્રમ જેવો લાગ્યો. મને નથી લાગતું કે હું એની સાથે મારી આખી જિંદગી વિતાવી શકીશ.”
   “આ ફિલ્મી ડાયલોગની દુનિયામાંથી બહાર આવ ઝમકું કૉલેજ પૂરી થઈ ગઈ.” વિકાસભાઈ સહેજ ઊંચા અવાજે બોલ્યા હતા અને તરત મને યાદ આવ્યું, સલોની પણ મને આવું કહેતી, ફિલ્મી ડાયલોગ મારવાનું બંધ કર કૉલેજ લાઈફ પૂરી થઈ ગઈ હવે થોડી સમજદાર બન. મને સમજાતું નથી કે કૉલેજ લાઈફ પૂરી થઈ ગઈ એને મારા જીવનસાથી વિષેના વિચારો સાથે શું લાગે વળગે? ફિલ્મી ડાયલોગ મારા વિચારોને વાચા આપતા હોય તો એને બોલવામાં વાંધો શું છે? મારા મનની વાત હું કોઈ બીજા શબ્દોમાં ગોળ ગોળ કહું એ ચાલે પણ સીધેસીધું કહી દઉં એ ના ચાલે આ કેવું...?
    “તમે લોકો મારી મરજી વગર મને પરણાવી દેવા માંગતા હોં તો પછી સીધી પરણાવી જ દોને છોકરો જોવાનું નાટક શા માટે કરો છો?” ઓ મા આવેશમાં ને આવેશમાં હું આ શું બકી ગઈ હતી. બોલ્યા બાદ મેં જીભ કચરેલી અને એ જ વખતે મારી ચીઠ્ઠી, મારો પ્રેમી યાદ આવી જતા હું રડી પડેલી. એક પળ એમ પણ થયેલું કે હું કેટલી બુધ્ધું છું!
   મારા મોટા બાપુનો ચહેરો લાલાશ પકડી રહ્યો હતો. એમને ગુસ્સો આવી રહ્યો હતો. મારા બાબાપુ જાણે હવે શું થશે એમ વિચારીને કાંપતા જીવે ઘડીકમાં મોટાબાપા સામે તો ઘડીકમાં મારી સામે જોતાં ઊભા હતાં. વિકાસને કઈંક કહેવું હતું અને મોટી માનો એક ઈશારો થતાં જ એણે કહ્યું, “તે છોકરાને લગ્નની ના કહી એ વાત તરત આખા પંથકમાં ફેલાઈ જશે અને પછી કેટલાય છોકરા તને જોવા આવતા પહેલાં જ એમનું પણ આવું અપમાન ના થાય એમ વિચારી ‘ના’ પાડવાનું નક્કી કરીને આવશે.”
   “એ જે હોય તે પણ હું આ લગ્ન માટે રાજી નથી.”
   “હજી વધારે ભણાવો છોડીઓને. એ પછી બાપને માથે ચઢીને નાચે એટલે જોતાં રહો.” મોટાબાપુ અચાનક જ ખૂબ આવેશમાં આવીને બોલી ઉઠયા હતા, “સાંભળ છોડી આ વાત તને મંજૂર નથી તો ઠીક છે હું એ છોકરાના ઘરે કહેવડાવી દઈશ કે અમારી ઈચ્છા જરા ઓછી છે પણ એના પછી હું જે વાત લાઉ ત્યાં તારે હા જ કહેવી પડશે. આનું આ પસંદગીનું નાટક ફરી કર્યું તો પછી તારા લગ્ન બાબતે હું કોઈ ભાગ નહીં લઉં.”
   મનમાં તો આવ્યું કે કહી દઉં કે એક શું દસ છોકરા મને જોવા આવે અને મને એ દસમાંથી એકેય ના ગમે એવું પણ બની શકે એટલી સાદી વાત તમને કેમ સમજાતી નથી. અહીં વાત છોકરા કે છોકરી તરીકે જન્મ લેવાની નહીં પણ મારા બાકીના આખા જીવનની થઈ રહી છે અને મને પૂરો હક છે એ વ્યક્તિ પસંદ કરવાનો જેની સાથે હું રાજીખુશીથી જીવી શકું.
   મોટાબાપુએ એમની વાત પૂરી કરી કે તરત મારા બાબાપુ દોડીને એમને પગે પડી ગયા હતાં અને માફી માંગી રહ્યાં હતાં.
   “આ શું બોલ્યા મોટાભાઈ? તમે જે કહો તે ફાયનલ! એ તો નાદાન છે એણે હજી દુનિયા ક્યાં જોઈ છે? અમે એને સમજાવી લઈશું તમે ફિકર ના કરો.” એમણે મને પણ ઈશારો કરીને મોટાબાપુને પગે લાગવા બોલાવી હતી અને મારે જવું પડેલું. મારા મોટાબાપુ પ્રત્યે કે એમણે આજ સુધી મારા પરિવાર માટે લીધેલા નિર્ણયો માટે મને કોઈ વાંધો નહોતો. મારી બસ એમને એટલી જ વિનંતી હતી કે મારો જીવનસાથી મને મારી મરજી મુજબ પસંદ કરવા દે.
                              ******
    એ વખતે મને જોવા આવેલા પહેલાં છોકરાને ના કહેવાઈ ગઈ હતી. એક બલા મારા માથેથી ટળી ગઈ હતી અને એક નવી બલા આવી રહી હતી. ચાર જ દિવસની અંદર મોટાબાપુ મારા માટે એક નવી વાત લઈ આવ્યા હતાં અને મને સંભળાવતા કહેલું કે ખૂબ જ સરસ વાત છે.
   ફરીથી એક છોકરો મને જોવા મારા ઘરે આવેલો. મેં એને જોયો અને જે પહેલો વિચાર મારા મનમાં આવેલો એ હતો ‘ડોબો’. એ સાંજે બાએ પૂછ્યું હતું કે, ઝમકું છોકરો કેવો લાગ્યો? અને મેં તરત કહેલું, “સાવ ડોબા જેવો. હું એની સાથે નહીં પરણું.”
   બીજા દિવસની બપોરની વડીલોની બેઠકમાં બધાએ મારા પર એક સાથે હલ્લો કરેલો. બધા મને સમજાવી રહેલા અને મારી બસ એક જ દલીલ હતી, “એવા ડોબા જેવા સાથે હું નહીં પરણું.”
    એ વખતે મારા મોટાબાપુ પાછા ઢીલા પડ્યા હતાં અને ત્યારે હું દોડી જઈને એમને પગે લાગી હતી. એમણે મારા માથે હાથ મૂકતા કહેલું, “આ છેલ્લી વખત છે હોં છોડી, આગળ હું આવું નહીં ચલાવી લઉં.”
   મારા મોટાબાપુ દેખાવે અને અવાજ પરથી જ કડક લાગતા હતા પણ અંદરથી તો એ જ સૌથી વધારે નરમ હતા એની જાણ ત્યારે જ મને થઈ ગઈ હતી અને એટલે જ ડોબા પછી એક ઘનચક્કર પણ મારા દ્વારેથી ખાલી હાથે પાછો ફરી ગયેલો. જોકે વિકાસભાઈ ખાસ્સા બગડેલા અને કહેલું કે આ છોકરી આખા કુટુંબનું નામ બોળવાની થઈ છે. એ દિવસે મેં બધાની સામે જ કહી દીધેલું કે મને ગમે એવો છોકરો મળી જાય એવું મારું મન નહીં થતું હોય...
    લગભગ બે મહિના સુધી પછી બીજી એકેય વાત નહોતી આવી. એ પછી મોટાબાપુ ખુદ એક વાત લઈ આવેલા. એમણે મારા માબાપ સાથે મને પણ બોલાવીને વાત કરતા કહેલું કે એક સરસ વાત આવી છે. આખા પંથકમાં જાણીતું ખોરડું અને રૂડો રૂપાળો પ્રોફેસર છોકરો છે. આપણી ઝમકું ત્યાં મોજ કરશે. એમણે મારી સામે જોઈને કહેલું કે, “આ વખતે તારું એકેય બહાનું નહીં ચાલે છોડી. એ છોકરાનું કુટુંબ અને આપણા કુટુંબ વચ્ચે વરસો જૂની મિત્રતા રહી છે. એમના ઘરેથી આપણે ત્યાં માંગુ આવે એ જ મોટી વાત છે.”
   એ સમયે મારી મોટી માએ પણ મને સમજાવી હતી. વિકાસે કહેલું કે આ વખતે એને પૂછવાની જરૂર જ નથી છોકરો જોઈને જાય એવું તરત સગાઈનું મુહૂર્ત કઢાવી લેવાનું.
   એ લોકોની વાત બરાબર હતી પણ હું મારા મનને કેમનું સમજાવું? તે દિવસે પાણીમાં છોડેલી બોટલ કશોક ચમત્કાર કરી શકે છે એ વાત પર હજી મને ભરોસો કરવાનું મન થતું હતું. મારી એ નાનકડી ચિઠ્ઠી એના હાથમાં આવશે અને એ મને ખોળતો છેક અહીં સુધી આવી પહોંચશે એવી પહેલી નજરે બાલિશ લાગતી વાત પર મને વિશ્વાસ હતો એવું નહતું પણ વિશ્વાસ ન હતો એવુંય નહતું. મારો પ્રિયતમ જો ખરેખર ક્યાંય છે, જો સાચે જ એના સુધી, ફક્ત એના સુધી મારા દિલની પોકાર પહોંચે છે તો એ જરૂર આવશે. મારે બસ એની રાહ જોવાની છે. હા, એની રાહ જોવાની છે...
   ત્રણ દિવસ બાદ મોટાબાપુએ વિકાસભાઈ સાથે કહેવડાવેલું કે છોકરાને અચાનક કોઈ જરૂરી કામ આવી ગયું હોવાથી એ થોડા દિવસ બાદ જાણ કરીને ઝમકુંને જોવા આવશે.
   હાશ! એવું લાગ્યું જાણે એક મોટી આફતમાંથી હું બચી ગઈ હતી. મેં મનોમન એ પ્રોફેસર છોકરાને ધન્યવાદ કહી દીધું હતું અને એને વિનંતી કરેલી કે હજી તું કામમાં રચ્યો પચ્યો રહેજે, એક મહીના સુધી તારે મને જોવા આવવાની કોઈ જરૂર નથી સમજ્યો!
    મને ખૂબ નવાઈ લાગેલી પણ એ પ્રોફેસર છોકરાએ જાણે મારા દિલની વાત સાંભળી હતી અને એને ત્યાંથી કહેણ આવેલું કે હાલ જોવા આવવાનો મેળ નહીં પડે પણ આવતા મહિને ચોક્કસ આવશું. મને એક આખો મહિનો મળી ગયો હતો મારી કલ્પનામાં રાચવાનો અને એ સાચી થઈ જાય એવો સંકલ્પ કરવાનો. એ આખો મહિનો મેં મહાદેવ સહિત સમગ્ર જડ ચેતન સૃષ્ટિને મારી મદદ કરવા આહવાન આપ્યું હતું...
   રોજ સવાર પડતી અને હું મારા ઓરડાની બહાર દેખાતા ઊગતા સૂરજને જોઈ કહેતી, હે સૂરજ તને ઊગતો જેમ હું જોઈ રહી છું એમ ક્યાંક એ પણ જોતો હશે ને! તું એને સંદેશો આપજે કે હું એની રાહ જોઈ રહી છું. મારે મારા જીવનના બધા જ ઊગતા સૂરજ એની સાથે જોવા છે. નદીએ જાઉં ત્યારે એના પાણીમાં મારા અશ્રુ ભેળવી દેતી અને એને પૂછ્યા કરતી કે મારી ચિઠ્ઠીનું શું થયું? તે એને સાચી જગ્યાએ પહોંચાડી કે નહીં? એ જો મને શોધતો ક્યાંક દૂર તારા પ્રવાહમાં એના પગ પલાળતો ઊભો હશે તો તું એને મારા સુધી ખેંચી લાવીશ ને? તું એને માર્ગ ચીંધીશ ને? મારા ઘરનું આંગણું વાળી રહી હોઉં, બોગનવેલના ઢગલો ખરી ગયેલા ફૂલ ભેગા કરી રહી હોઉં ત્યારે એ ઝાડને જોઈ હું વિનંતી કરતી કે એ જ્યારે પણ મારા આંગણે પધારે ત્યારે તું તારામાં એવી મોહિની જગાડજે કે એને ઘડીભર તારી નીચે ઊભા રહેવાનું મન થઈ જાય. મેં એને જોયો નથી પણ એય જો તારી મોહિનીથી આકર્ષિત થશે તો હું એને ઓળખી જઈશ. ઓયે ચકલીઓ, કાબરો અને કબૂતરા એ મારા ઘરે મને શોધતો આવી ચઢે ત્યારે તમે બધા ભેગા મળીને એનું સ્વાગત કરવા ગીતો ગાજો. તમારા બધાનો સહિયારો કોલાહલ સાંભળી હું જાણી જઈશ કે મારો ભવભવનો સાથીદાર મને લેવા આવી પહોંચ્યો છે.
                           ******
   એ દિવસે છોકરાવાળા મને જોવા આવવાના હતા. મોટાબાપુએ પહેલેથી જ તાકીદ કરી હતી કે હું ઉતાવળે કોઈ નિર્ણય ના લઉં. છોકરો અને ઘર બંને એમનું જાણીતું હતું અને એમની એવી ઈચ્છા હતી કે હું આ છોકરાને ‘હા’ જ કહું.
   વહેલી સવારથી જ ઘરમાં તૈયારીઓ ચાલું થઈ ગઈ હતી. આ વખતે મારાં માટે એક નવી સાડી અને ડ્રેસ બંને આવ્યા હતાં. છોકરો શહેરમાં રહે છે અને પાછો કૉલેજમાં બીજા છોકરાઓને ભણાવે છે એટલે એને ગામડાંની ગમાર લાગતી છોકરી કદાચ ના ગમે તો... મેં સાડીને બદલે એ પીળા રંગનો અનારકલી ડ્રેસ પહેર્યો હતો. છોકરાનું નામ કેદાર હતું એ મને વિકાસભાઈએ કહ્યું ત્યારે મારી નજર આગળ શિવલિંગ અને એની પર ચઢાવેલા ફૂલો આવી ગયા હતાં. મનમાં થયેલું જાણે શિવજીએ મારી પ્રાર્થના સાંભળી લીધી... એ ખરેખર ક્યાંક વસતા મારા પ્રેમીને પકડીને મારી પાસે લઈ આવવાના હતાં. મનમાં એમણેમ જ હરખ અનુભવાઈ રહ્યો હતો.
    હું સરસ તૈયાર થઈ હતી. મેથીના ગોટા, સમોસાં અને ચા ઘરે બનાવેલા જ્યારે કચોરી, ખમણ અને બુંદીના લાડું ભાઈ કંદોઈને ત્યાંથી લઈ આવ્યો હતો. એક એક પળ એક એક કલાકની જેમ વીતી રહી હતી. મારી આંખો મારા ઓરડાની બારીમાંથી બહાર દેખાતા મુખ્ય દરવાજે જ ચોંટી ગઈ હતી. ઘડી ઘડી મનમાં થતું હતું કે એ આવ્યો, એ આવ્યો...મારા મનનો મોરલો. એ દરવાજેથી અંદર આવનાર મહેમાનને જોવા મારી આંખો તરસી ગઈ હતી અને પછી એ પળ આવી પહોંચી હતી!
   મારા ઘરના દરવાજે એક સપ્રમાણ બાંધાનો, ગૌર અને ઊંચો દેહ આવીને ઊભો રહી ગયો હતો. એ ઊંચી દેહાકૃતિ હજી ત્યાં જ ઊભી રહી બોગનવેલના ઝુંડ તરફ તાકી રહી હતી. મારું હૈયું એક ધબકાર ચૂકી ગયું હતું. મન કહી રહ્યું હતું કે આ એ જ છે જેની તું વરસોથી રાહ જોતી આવી છે. હું એનો ચહેરો સરખી રીતે નહોતી જોઈ શકતી પણ ચહેરો જોવાની જરૂર જ ક્યાં હતી? મારે તો બસ મારા દિલના અવાજને અનુસરવાનું હતું.
    એની પાછળ જ પછી એક બીજો યુવાન અને એક વડીલ પણ અંદર આવ્યા હતાં. મેં મનોમન કહ્યું કે, હે મારા પ્રિય પંખીઓ જો આ યુવાન એ જ હોય જે આ દુનિયામાં ફક્ત મારા માટે જ આવ્યો છે તો મને જણાવો... પ્રેમની ભાષા તમને તો સમજાતી હશે ને? ના બોલાયેલા, ના કહેવાયેલા શબ્દો જે દિલથી નીકળીને છેક જીભ સુધી આવી અટકી જાય છે એ હૈયાના રક્તભીના શબ્દો તમને તો સંભળાતા હશે ને? એનું દિલ પણ મારા વિરહમાં તડપી રહ્યું હોય તો એક નિશાની આપો મને મારા વ્હાલા પંખીઓ...
   અચાનક એક બે ચકલીઓ જોરથી ચી ચી કરતી એ યુવાનના માથા પરથી ઊડી હતી. એ ચકલીઓને જોઈને કે આ યુવાનને જોઈને કે પછી મારી વિનંતી સાંભળીને હોય પણ ત્યાં હાજર કાબર, બીજી ચકલીઓ અને કબૂતર જોર જોરથી અવાજ કરવા લાગેલા. મારું અંગ અંગ ધ્રુજી રહ્યું હતું. થતું હતું કે હું હમણાં જ ચક્કર ખાઈને પડી જઈશ. મારું હૈયું એટલું જોર જોરથી ઊછળી રહ્યું હતું.
    એ બધા પછી અંદર આવીને બેઠા હતા. હું બીજા ઓરડામાંથી એ લોકોની વાતચીત સાંભળી રહી હતી. કેદાર! મને એ નામ આજ પહેલાં ક્યારેય આટલું વહાલું નહોતું લાગ્યું, પણ આજની વાત જ અલગ હતી. એનો અવાજ શાંત હતો, પૌરુષિ અને ગંભીર. એ અવાજમાં ભારોભાર નિરાશા કે દુખ ભર્યું હોય એવું મને લાગેલું અને પછી થયેલું કે એ પણ ચિંતિત હશે ને. એને પણ એની પ્રિયતમા સિવાય બીજી એક્કેને જોવામાં રસ નહીં હોય. હું મનોમન કેદાર સાથે સંવાદ સાધવાનો પ્રયત્ન કરી રહી હતી. હું એને સમજાવી રહી હતી કે આપણા બંનેનું દુખ હવે સદાને માટે દૂર થઈ જશે. બે અધૂરી આત્માઓનું મિલન હવે થઈ ને રહેશે. હું એ પળની રાહ જોઈ રહી હતી જ્યારે મારી બા મને કહે કે ઝમકું ચા નાસ્તો લઈને જા...
   આખરે એ ઘડી પણ આવી પહોંચી હતી. હું હાથમાં ચાના કપ ભરેલી ટ્રે લઈને મહેમાન આગળ ગઈ હતી. કેદારની સાથેના વડીલ અને એનો ભાઈ ટગર ટગર મારી સામે જ જોઈ રહ્યા હતા એ મેં નીચી નજરે પણ જાણી લીધું હતું. મને એ કોઇની પરવા ન હતી. હું કેદાર સામે ચાનો કપ લઈને ઊભી હતી ત્યારે મારા શરીરમાંથી જાણે અદ્રશ્ય કશુંક વહી રહ્યું હતું. મારું રોમ રોમ એક અલૌકિક આનંદમાં મગન હતું. મારા પ્રિયતમને મારે જોવો હતો અને એ જ ઘડીએ મારી પાંપણો પર એટલો ભાર આવી ગયો હતો કે એ ઊંચી થવાનું નામ જ નહોતી લઈ રહી. એના હાથમાં ચાનો કપ આપતી વેળાએ મેં મહાપરાણે પલકો ઉઠાવી એની સામે જોયું હતું. મારા હોઠ અને મારું અંગઅંગ હસી રહ્યું હતું એને મેં માંડ કાબુમાં રાખ્યું હતું અને એની સાથે નજર મળતા જ તરત હું ત્યાંથી પાછી વળી ગઈ હતી.
   એનો ચહેરો લંબગોળ હતો, ના પંચકોણ હતો. કદાચ માથેથી ગોળ પછી સીધો અને દાઢી આગળથી સહેજ લાંબો હતો. પાતળું લાંબુ નાક અને જાણે હસવાની ટેવ જ ના હોય એમ સખત રીતે બિડાયેલા રહેતા હોઠ. વ્યવસ્થિત રીતે કપાયેલા અને હોળાયેલા કાળા વાળ અને એની આંખો... ચમકતી કાચ જેવી, સ્વપનિલ! એ પણ મારી જેમ જ સપનાં જોવાનો શોખીન છે એ હું શરત મારીને કહી શકું. મારા મનમાં હરખની હેલી ઉઠી હતી. જાણે જીવતે જીવ મને સ્વર્ગ મળી ગયું હતું. મારે બૂમ પાડીને બધાને કહી દેવું હતુ કે કેદાર મને પસંદ છે! ખૂબ ખૂબ પસંદ છે અને હું એની સાથે લગ્ન કરવા તૈયાર છું.
   મને તો એમ હતું કે મારી અને કેદારની એક અલગ ઓરડામાં મુલાકાત થશે. તમારા શોખ શું છે? તમને રસોઈ કરતા આવડે છે? ભવિષ્યનું શું પ્લાનિંગ છે? વગેરે વગેરે જેવા સાવ ફાલતુ સવાલો એ મને પૂછશે અને હું એને કહી દઈશ તમે મને ગમો છો! વરસોથી હું તમને જોતી આવી છું, મારાં સ્વપ્નોમાં! મારું ભવિષ્ય હવે તમે જ છો અને તમને જેવું ગમે એવું કરવામાં મને કોઈ જ વાંધો નથી.
   હું હજી તો આ બધું વિચારી જ રહી હતી અને એ લોકો ઊભા થઈ નીકળી ગયા. અરે એ ચાલ્યાં કેમ ગયા? મારા મનમાં ધ્રાસકો પડેલો અને હું દોડતી મારા ઘરનાં પાછળના વાડામાં જઈ એ લોકોને જતાં જોઈ રહી હતી. હું મનોમન કેદારને વિનવી રહી હતી કે એ એકવાર પાછળ વળીને મારી સામે જુએ. મને બસ એ એક છેલ્લી નિશાની આપે કે એ મારા મનની વાત સાંભળી શકે છે.
    કેદારે એક વખત પણ પાછળ ફરીને જોયા વગર જ આગળ નીકળી ગયો. મારું મન ઉદાસ થઈ રહ્યું હતું અને ત્યારે જ કેદારની સાથે ચાલી રહેલા એના ભાઈ આલોકે પાછળ વળી મારી સામે જોયું હતું. એ પણ આકર્ષક હતો. કદાચ કેદાર કરતાં એનો ચહેરો વધારે સુંવાળો, રૂપાળો હતો. એની નજર કહી રહી હતી કે એ મારા રૂપથી અભિભૂત થઈ ચૂક્યો હતો પણ મારે એ વખતે એને નહીં કેદારને જોવો હતો...
   એ લોકો ચાલ્યા ગયા અને હું મારા ઓરડામાં જઈ રડી પડી હતી. મનમાં કંઇક અજીબ સંવેદન થઈ રહ્યું હતું. પ્રેમ એટલે નર્યો હરખ એવું નથી હોતું એવું મને ત્યારે જ પહેલીવાર સમજાયું હતું. જેને જોઈને મારા મનમાં આનંદની હેલી ઉઠી હતી એનું આ સાવ અજાણ્યા જેવું વર્તન મને ઘાયલ કરી ગયું હતું. મારું દિલ છોલાયું હતું અને હું એને મનાવવા પ્રયત્ન કરી રહી હતી. એને શરમ આવતી હશે કે એને વિશ્વાસ નહીં થયો હોય કે હું જ એની જનમો જનમની પ્રેમિકા છું. હશે હજી ક્યાં જિંદગી પૂરી થઈ ગઈ છે, બીજી મુલાકાત વેળાએ હું એનું મન જીતી લઈશ. માંડ માંડ દીલને સમજાવી મેં એને શાંત પાડેલું અને નવા સપનાં જોવા પ્રયત્ન કરેલો. જો કે એક વાતની ખુશી હતી કે મારા સપનામાં આવતી આકૃતિને હવે નક્કર રૂપ મળી ચૂક્યું હતું. એ અજાણ્યા હમસફરનું નામ હું જાણી ચૂકી હતી... કેદારના નામની માળા જપતી હું આખી રાત જાગતી પડી રહી હતી.
    ત્રીજે દિવસે સમાચાર આવ્યા હતા, કેદારને હું પસંદ નહોતી!
                           ******
છોકરાવાળા મને જોઈને ગયા એની પછીની સવારે ઉઠતાં જ હું હસી પડી હતી. વિતેલી આખી રાત મેં કેદારના સપનાં જોયા હતા. જાગતી અને સૂતી બંને આંખે કેદાર જ કેદાર છવાયેલો રહેલો. મારી બાએ મારું મન જાણવા હળવેથી પૂછેલું કે ઝમકું છોકરો કેવો લાગ્યો? એને હું શું જવાબ આપું? શરમથી મારા ગાલ લાલ થઈ ગયેલા અને મારી પાંપણ ઢળી પડેલી. મારી બા સમજી ગઈ હતી. રાજી થઈ હતી. એણે જ પછી એ વાત મારા બાપુને કહી હતી અને બાપુએ મોટાબાપુને...
   ઘરમાં સૌ રાજી હતાં. હવે જલદી ગોળધાણા ખાવા મળશે એની વાતો કરી રહ્યાં હતાં અને ત્યાં જ બે દિવસ બાદની બપોરે વિકાસભાઈએ કહેલું, “એ છોકરાએ આપણી ઝમકું માટે ના કહેવડાવી છે.”
   આગળ ભાઈએ શું કહ્યું એ મારા કાને નહોતું સાંભળ્યું. કેદારને હું પસંદ નહતી, હું પસંદ ના આવી? પણ કેમ? એવું તે શું ખૂટ્યું મારામાં? એણે તો મારી સાથે હજી વાતે ક્યાં કરી છે, હજી મારો અવાજ પણ નથી સાંભળ્યો અને આટલો ઝડપથી નિર્ણય લઈ લીધો? ના, આ ખોટું છે. નક્કી વિકાસભાઈથી સાંભળવામાં કોઈ ભૂલ થઈ લાગે છે. મારો પ્રિતમ મને ના ન કહી શકે.
   હું તરત મારા ઓરડામાં ગઈ હતી. મારા મનમાં કશુંક કરી નાંખવાનું ઝનૂન સવાર હતું. મારે મારો પ્રેમ, મારો વિશ્વાસ સાબિત કરવો હતો. ખબર નહીં શું વિચારી મેં કબાટ ખોલી એમાંથી ચોપડો લીધેલો. એમાંથી એક કાગળ ફાડી એના ચાર ટુકડા કરી એક પર કેદાર લખ્યું હતું અને બાકીનાને કોરા રાખી બધાનો અલગ અલગ ડૂચો વાળી દીધેલો. બારીના પથ્થર પર એ પેપરના ચાર ડૂચાને પાથરી મેં આંખો બંધ કરી હતી અને મનોમન સંકલ્પ કરેલો, જો કેદાર જ મારા સપનાનો રાજકુમાર હોય તો મારા હાથમાં એના નામનું કાગળ જ આવશે! મારું રોમ રોમ કહી રહ્યું હતું કે કેદાર જ એ વ્યક્તિ છે જેની હું વરસોથી રાહ જોતી હતી. એણે કેમ મને ના ઓળખી?
   ભીની અને બંધ આંખે મેં એ ચાર કાગળના ડૂચામાંથી એક ઉઠાવી એને ખોલ્યું હતું... એમાં કેદાર લખેલું હતું. હું રડી પડેલી. બિલકુલ નાના બાળકની જેમ. મોઢું ખોલીને, ધ્રુસકે ને ધ્રુસકે. હજી તો પ્રેમની રંગીન કલ્પનાઓને સાચી કરવાની દિશામાં પહેલું કદમ માંડ ભર્યું હતું ત્યાં જ કેટલી બધી પીડા, કેટલું બધું દર્દ ભોગવવાનું આવ્યું હતું. ઘડીભર થયું કે જવા દે એ બધું આત્મજા પ્રેમ કરવો અને જેને તમે ચાહતા હો એનો જ પ્રેમ પામવો બંને અલગ વાત છે. કોઈકને તમે મનોમન ચાહો ત્યાં સુધી જ આ પ્રેમનો માર્ગ સ્વર્ગ જેવો છે જેવો એ પ્રેમ હૈયામાંથી નક્કર હકીકત રૂપે આવે એ નકરી પીડા જ આપે છે. પાછી વળી જા, તું પાછી વળી જા આત્મજા, હજી મોડું નથી થયું. તારું કોમળ દિલ ત્યાં સુધી જ સલામત છે જ્યાં સુધી એ તારું છે. જેવું એને તું કોઈ બીજાને સોંપીશ તારો એના પર કોઈ હક નહીં રહે. એ પછી તારા દીલને નકરી પીડા આપે કે પ્રેમ આપે તારે બધું જ સહન કરવું પડશે. હાથે કરીને આ મુસીબત શા માટે વહોરવી?
   મારું જ મન મને સમજાવી રહ્યું હતું. એ મારી ભલાઈ ઈચ્છે છે એ સાચું, પણ હું પોતે ક્યાં મારી દુશ્મન છું! વરસોથી મારા જીવનની એકમાત્ર ઈચ્છા હતી અને હવે જ્યારે લાગે છે કે એ પૂરી થવામાં છે ત્યારે જ એને ત્યજી દેવું મને યોગ્ય નહોતું લાગતું. આમેય હાથ પર હાથ ધરી બેસી રહેવાનું મારા સ્વભાવમાં ન હતું. રહી રહીને થતું હતું કે કોઈ ભૂલ થઈ રહી છે. કેદાર મને સમજ્યો જ નથી, એ જો ફરી મને મળે, મારી સાથે વાત કરે તો એનો વિચાર બદલાઈ જશે. મારે એને મળવું જોઈએ... કોઈ પણ રીતે મારી વાત એના સુધી પહોંચાડવી જોઈએ...
   મારામાં થોડી હિંમત આવેલી અને એ સાથે જ મૂડ પણ સુધરી ગયેલો. આટલે આવીને હું હાર નહીં માનું. વાત જ્યારે મારા પ્રેમને પામવાની હોય ત્યારે તો આમ છેક કિનારે આવીને વહાણ ડૂબે અને હું બસ તમાશો જોતી ઊભી રહું એ શક્ય જ ન હતું. મેં મારા ભાઈ વિકાસ સાથે વાત કરવાનું નક્કી કરી એને એક મેસેજ મોકલી મને કેદારનો મોબાઈલ નંબર લાવી આપવા કહ્યું હતું.
   તરત જ એનો જવાબ આવેલો, એણે કહેલું કે, “ગાંડી થઈ ગઈ છું? એણે ચોખ્ખી ‘ના’ કહી છે ત્યારે આપણે શા માટે સામેથી એની સાથે વાત કરવી જોઈએ. અમે તારા માટે એનાથી પણ વધારે સારો છોકરો શોધી લાવશું.”
   “તારી વાત બરાબર છે ભાઈ પણ મારે એનું એક કામ છે તું પ્લીઝ કોઈ પણ ચર્ચા કર્યા વગર મને એનો નંબર આપ ને.”
   “મારી પાસે એનો નંબર નથી. દરેક વખતે મારી વાત એના ભાઈ આલોક સાથે જ થઈ છે. આપણા પરિવારની ઇજ્જતની તને સહેજ પણ પરવા હોય તો આટલેથી જ અટકી જજે ઝમકું.” વિકાસે ગુસ્સે થયેલા ઇમોજી સાથે આ મેસેજ મોકલેલો.
   મારા ઘરમાં અંધારું છવાયું હતું. સૌ મારા ભવિષ્યને લઈને ચિંતિત હતાં. ત્રણ ત્રણ વખત મેં મને જોવા આવનાર છોકરાને ‘ના’ કહી હતી અને આ વખત છોકરાએ મને ‘ના’ કહી હતી. મારા જેવી સ્વરૂપવાન અને ભણેલી ગણેલી છોકરીને કોઈ ‘ના’ કેમની કહી શકે એ વિચારી સૌ આઘાતમાં હતાં. કદાચ એમને હવે લાગતું હતું એ લોકોની નજરમાં હું જેટલી રૂપાળી હતી એટલી દુનિયાની નજરે ના પણ હોઉં! જે સંતાન માબાપને અત્યંત રૂપાળું લાગતું હોય એ દુનિયાની નજરે સામાન્ય હોય એવા કિસ્સા બને જ છે. બધા દુખી હતાં પણ હું સ્વસ્થ હતી. મને એ અંધારામાં હજી એક પ્રકાશનું કિરણ દેખાઈ રહ્યું હતું...
   મેં મારો ફોન લઈ ફેસબુકમાં લૉગ ઇન કર્યું હતું. અહીં ગામમાં નેટ સ્લો આવે છે પણ ત્યારે એ તરત પકડાઈ ગયેલું અને મને આશા બંધાણી હતી. મેં કેદારનું નામ લખી સર્ચ કર્યું તો ઘણા બધા કેદારની વચ્ચે મને મારા વાળો કેદાર દેખાઈ ગયેલો. મેં એના પ્રોફાઇલ પર ક્લિક કર્યું હતું. કવિતા, કવિતા અને કવિતા!
   બાપરે! આ મહાશય તો કવિ નીકળ્યા! બધી કવિતા છંદ અને અલંકારનું બંધારણ બરાબર જાળવીને લખાયેલી હતી. મેં એને વાંચવી શરૂ કરી. લગભગ દરેક કવિતામાં એક જ વાતનો સૂર હતો, “હું તને ચાહું છું, તારા વગર અધૂરો છું!” મારા દિલમાં કઈંક થયું હતું. એ જાણે બરફના ગાંગડાની માફક પીગળી રહ્યું હતું. નક્કી એ પણ મારી જેમ જ પ્રેમ પામવાના સપનાં જોતો હશે! નક્કી એણે પણ એના મનમાં એક યુવતીની છબી બનાવી રાખી હશે અને જ્યાં સુધી એને એ યુવતી ના મળે એને લગ્ન નથી કરવા અને એટલે જ એ બહાના બનાવી રહ્યો છે, મારી જેમ જ... હા મારી જેમ જ. મેં એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. થોડીવાર થઈ છતાં કોઈ જવાબ ના આવ્યો. એની પ્રોફાઇલ નીચેનું લીલું ટપકું દેખાડતું હતું કે તે ઓનલાઈન છે. મેં એને મેસેજ કર્યો હતો, જે એણે દસ મિનિટ વીતી જવા છતાં ન હતો જોયો. મને થયું કે એની કોઈ કવિતા નીચે કોમેન્ટ કરી દઉં કે તારું ઇનબૉક્સ ચેક કર. એની બધી પોસ્ટ પર હું માત્ર લાઇક કરી શકતી હતી, કોમેન્ટ નહીં! એણે એવું સેટિંગ રાખ્યું હશે. મને તરત એનો ભાઈ આલોક યાદ આવ્યો અને મેં એનું નામ સર્ચ કર્યું. એની પ્રોફાઇલ તરત મળી ગઈ.
   મેં આલોકને મેસેજ કર્યો હતો.
   “હાય, હું આત્મજા. તમે તમારા ભાઈ સાથે મારા ઘરે આવેલા યાદ છે ને? મારે તમારા ભાઈનો મોબાઈલ નંબર જોઈએ છે.”
    તરત જ એણે મારો મેસેજ જોયો હતો અને જવાબ પણ આપેલો, “તમારે ભાઈના મોબાઈલ નંબરનું શું કામ આવી પડ્યું?”
   “થોડીક વાત કરવી છે.”
   “એણે તમારા ઘરે જવાબ મોકલી આપ્યો છે તમને કદાચ હજી જાણ નથી થઈ લાગતી.”
   “મને જાણ છે. મારે એક બીજા કામસર એમની સાથે વાત કરવી હતી. તમે મને એમનો નંબર આપો ને.”
   “હું તને એનો નંબર આપું એના બદલામાં મને શું મળશે?” એણે ત્રણ હસતા ઇમોજી સાથે મેસેજ મોકલેલો.
   “શું જોઈએ છે તમારે?”
   “વધારે કંઈ નહીં બસ તારી એક ‘હા’.”
   “મારી ‘હા’ શેને માટે?”
   “બહુ જલદી તને જાણ થશે.” એણે કેદારનો નંબર મોકલી આપ્યો હતો.
   મને શું જાણ થશે? મનમાં એક વિચાર આવ્યો ને તરત પાછો ચાલ્યો ગયો હતો. ત્યારે મને બીજી કોઈ વાતમાં રસ નહોતો. મારે કેદાર સાથે વાત કરવી હતી. એકવાર બસ એ માની જાય પછી આ બધી ઝંઝટનો આપોઆપ અંત આવી જવાનો હતો. મેં મારી બુધ્ધિ વાપરી કેદારનો ફોન નંબર મેળવી લીધો હતો હવે એને પણ મેળવી લઈશ એમ વિચારી મારો ઉત્સાહ વધ્યો હતો. કેદાર સાથે વાત કરવા મન તલપાપડ થઈ રહ્યું હતું અને તોય મેં, મેં એ ઇચ્છાને દબાવી રાખી હતી. એની સાથે એકદમ શાંતિથી વાત કરવાની હતી. એ મને સમજે, મારી વાતને સમજે એ ખૂબ જરૂરી હતું અને એમાં ઉતાવળ કરે મેળ પડવાનો ન હતો.
   એ દિવસે સાંજ ઢળતા સુધીમાં મેં હજારો વાર મનમાં ને મનમાં કેદાર સાથે વાતો કરી લીધી હતી. એના દરેક સવાલનો, દરેક શંકાનો ઉચિત ઉત્તર આપેલો અને યેનકેન પ્રકારે એને છેવટે મનાવી જ લીધેલો. મેં નક્કી કરી લીધું હતું કે હું એની સાથે ફોન પર વાત કરીશ અને એની ‘ના’ને ‘હા’માં બદલીને રહીશ.
   સાંજે સાડા સાતે મેં મારો ફોન હાથમાં લીધો હતો અને કેદારને ફોન જોડેલો. બે રીંગ ગઈ તો પણ એણે ફોન ઉચક્યો નહોતો. મારું દિલ જે જોર જોરથી ધડકી રહ્યું હતું. મારી છાતીમાં જાણે નગારા વાગી રહ્યાં હતાં. મારા હાથ ધ્રુજી રહ્યાં હતાં. પ્રેમની એક નવી જ અસરનો હું અનુભવ કરી રહી હતી. એકવાર તો થયું કે એ એનો અવાજ સાંભળતાં જ મારા પ્રાણ નીકળી જશે!
   “હલ્લો”
   “કોણ બોલે છે?”
   કેદારે ફોન ઉઠાવી પૂછ્યું હતું અને એ જ ક્ષણે હું બધું જ ભૂલી ગયેલી. એને શું કહેવાનું હતું, શું વાત કરવાની હતી મને કંઈ જ સૂઝ્યું નહીં. એ બિચારાએ ફરી ત્રણ વખત હલ્લો, હલ્લો કહ્યું હતું અને હું બોબડી બની એનો અવાજ સાંભળી રહી હતી.
   મેં ફોન કટ કરી દીધો હતો. મારી જાત પર એટલો તો ગુસ્સો આવેલો, એટલી ખીજ ચઢેલી પછી તરત દયા પણ આવી હતી. જે માણસને તમે પળે પળે ઝંખ્યો હોય એ આમ અચાનક ફોનના બીજા છેડે આવી હલ્લો, હલ્લો કહે ત્યારે તમારા શરીરમાં શું નું શું થઈ શકે છે એ હું અનુભવી ચૂકી હતી.
   ગમ્મે તે થાય એની સાથે વાત કરવી જરૂરી હતી. આજ સુધી મારો પ્રેમ મારા માટે એક સુંદર સપનાં રૂપ હતો. એનું સાચુકલું ક્યાંય અસ્તિત્વ છે કે નહીં એ પણ હું જાણતી ન હતી પણ હવે એવું ન હતું. હવે મારા પ્રેમને એક નામ મળી ચૂક્યું હતું, કેદાર! હવે મારા પ્રેમને એક સુંદર દેહાકૃતિ મળી ચૂકી હતી જેને જોતાં જ હું એના પ્રેમમાં પડી ગઈ હતી. કુદરત પાસે મેં માંગેલી બધી નિશાનીઓમાં એ ખરો ઉતર્યો હતો. હું નથી જાણતી કે એ પણ મારા વિશે મારા જેવું જ વિચારે છે કે નહીં, હું નથી જાણતી કે તે મને ચાહે છે કે નહીં અને આ ક્ષણે મને એ જાણવું જરૂરી પણ નથી લાગી રહ્યું. આ પળે મારે એનો પ્રેમ મેળવવો નથી મારે બસ એને કહેવું છે કે હું તને ચાહું છું. આખી દુનિયામાં સૌથી વધારે હું તને જ ચાહું છું. જીવનમાં કેટલીય એવી પળો આવીને ગઈ જ્યારે મેં તને અને ફક્ત તને ઝંખ્યો હતો. એ સમયે તું મારી સાથે હોત તો જીવનની મજા કઈંક અલગ જ હોત. ખેર, હવે મને એ વાતનો જરાય અફસોસ નથી. જે થયું એ સારું હતું અને હવે જે થશે એ એનાથીય વધારે સુંદર હશે.
   હું મલકાઈ રહી હતી. ના ઈચ્છવા છતાં કેદારને યાદ કરીને હું હસી રહી હતી. એનું મારા ઘરમાં આવવું, મારું એને માટે ચા લઈને જવું, મારા ઘરમાં દાખલ થતાં જ બોગનવેલના પુષ્પોથી એનું સ્વાગત થવું, પંખીઓનો કલબલાટ... એ એક એક દ્રશ્ય મારા મનમાં ફરી ને ફરી ભજવાઈ રહ્યું હતું અને દરેક વખતે એમાં હું એક નવા કેદારને જોઈ રહી હતી. હસી રહી હતી.
   મેં હિંમત કરી ફરી ફોન જોડ્યો. સામેથી ફરી બે રીંગ ગઈ પછી કેદારનો ગંભીર અવાજ સંભળાયો, “હલ્લો! કોણ વાત કરે છે? કોનું કામ છે તમારે?”
   એ સવાલોની વણઝાર ઊભી કરી રહ્યો હતો અને મને મુઈને એક્કેનો સીધો જવાબ આપવાને બદલે મસ્તી સુઝી રહી હતી. મેં ધીમેથી કહ્યું, “હું.”
   “હું? હું, કોણ? મારી કોઈ સ્ટુડન્ટ વાત કરે છે?” એના અવાજમાં હવે થોડી લાગણી ભળી હતી.
   “હું જેને તમે ગામડે જોવા આવ્યા હતા.” અચાનક લાગ્યું જાણે સામે છેડે શાંતિ છવાઈ ગઈ. ના એ કંઈ બોલી શક્યો, ના હું.
   “જી કહો શું વાત કરવી છે?” એણે શાંતિથી કહ્યું અને મારી હિંમત વધી.
   “તે દિવસે તમે આવ્યા અને એક નજર મને જોઈને ચાલ્યા ગયેલા, આપણી વચ્ચે સરખી રીતે વાત પણ નહોતી થઈ એટલે મને થયું કે,” મેં એકદમ શાંત ચિતે અવાજમાં શક્ય એટલી મીઠાસ ભરીને કહ્યું હતું.
   “શું થયું?”
   “એ જ કે આપણે થોડી ચર્ચા વિચારણા કરવી જોઈએ. એકબીજાને ઓળખવાનો પ્રયાસ કરવો જોઈએ. શક્ય છે કે આપણી વચ્ચે મનમેળ વધે.”
   “આપણી વચ્ચે મનમેળ વધારે શું થશે?”
   એક ક્ષણ મને ગુસ્સો આવી ગયો હતો. લાગેલું કે જાણે હું કોઈ સાવ ભોટ જેવા માણસ સાથે વાત કરી રહી છું. એક છોકરીના મનની વાત ના સમજે એ વળી શું જોઈ કૉલેજમાં સાહિત્ય ભણાવતો હશે! મેં તરત મનને શાંત કર્યું અને ઠાવકી બની કહ્યું, “બની શકે છે છે કે થોડા દિવસો બાદ તમે તમારા ઘરે કહો કે મને એ ગામડાંની ગોરી પસંદ છે!”
   હે ભગવન આ પ્રેમ ના જાણે મારી કેટલી પરીક્ષા લેશે. દાંત વચ્ચે જીભ દબાવી હું એ આગળ શું કહે છે એ સાંભળવા ઊભી રહી ગઈ હતી. કેદારને એટલું એક વાક્ય કહેતા કહેતા તો મેં જાણે મારી બધી લાજ, શરમ પિંડલું વાળીને ક્યાંક ફેંકી દીધી હતી. મનમાં ઘણો કચવાટ થઈ રહ્યો હતો પણ એવું કર્યા સિવાય મારી પાસે બીજો રસ્તો જ ક્યાં હતો?
   પાછી થોડીક ક્ષણ બંને છેડે ચુપકીદી છવાઈ. હું આગળ કઈંક બીજું બોલવા જ જતી હતી કે એટલામાં એણે કહ્યું, “માફ કરશો બહેન પણ એવું ક્યારેય શક્ય નહીં બને.”
   એવું લાગ્યું જાણે કોઈએ મારા સીનામાં બરફનો ગાંગડો મૂકી દીધો. એની ઠંડક હું સહન નથી કરી શકતી અને એને ત્યાંથી હટાવી પણ નથી શકતી. મેં ફરી માંડ માંડ હિંમત ભેગી કરવા માંડી. વિચાર્યું કે આજનો દિવસ જ ખરાબ છે. હાલ બાય કહી ફોન કટ કરી દઉં અને કાલે પછી ફરીથી વાત કરું.
   “મને લાગે છે કે આજે તમારો મૂડ ઠીક નથી. કશો વાંધો નથી. આપણે કાલે ફરી વાત કરીશું.”
   “આવતી કાલે, પરમ દિવસે કે વરસો બાદ પણ મારો જવાબ આ જ રહેશે. હું તમારી સાથે લગ્ન કરવા ક્યારેય રાજી નહીં થઈ શકું.”
   મને લાગ્યું કે હું હમણાં જોર જોરથી રડી પડીશ. મારી આંખો તો મારી જાણ બહાર જ વહેવા લાગી હતી. “પણ એવું,” હજી હું કંઈ કહું એ પહેલાં જ કેદારે એ કહ્યું જેને સાંભળતાં જ હું ઠરી ગઈ હતી.
   એણે કહ્યું હતું કે, “હું કોઈ બીજી યુવતીના પ્રેમમાં છું. મેં મારા સમગ્ર જીવન દરમિયાન ફક્ત એને જ ચાહી છે અને હું એની સાથે જ લગ્ન કરીશ. તમે ખૂબ સુંદર અને ગુણવાન યુવતિ છો, તમારા માટે મેં મારા ભાઈ આલોકની વાત ચલાવવાનું કહ્યું છે, એ પણ સરસ યુવક છે, તમને એ મારા કરતા વધારે પસંદ આવશે,”
   ઘડીભર હું સુન્ન થઈ ગઈ હતી. મારા લગ્નની વાત હવે કેદારને બદલે આલોક સાથે થશે? હું તે પતિ પસંદ કરવા નીકળી છું કે સાડી? એક પસંદ કરેલી સાડી ના મળે તો એને મળતી આવતી બીજી સાડીથી જોઈ લો. મજાક છે આ કંઈ? કેદાર હજી બોલી રહ્યો હતો, મને આલોક સાથે આગળ વધવા કહી રહ્યો હતો અને મારા કાન બહેરા થઈ ગયા હતા. એનો બોલાયેલો એક પણ શબ્દ હવે મારા કાનની અંદર નહોતો જઈ રહ્યો. આજના દિવસે હવે બીજું અપમાન સહન કરવાની મારી સહેજે તૈયારી ન હતી. મેં ફોન બંધ કર્યો અને પછી જે પલંગ પર બેસી વાત કરી રહી હતી એ જ પલંગ પર આડી પડી રડી પડી...
   દિલ લગાડતી વખતે જેટલો આનંદ અને ખુશી મળે છે એનાથી અનેક ઘણી વધારે પીડા દિલ તૂટે ત્યારે સહન કરવી પડે છે એ ત્યારે જ મેં અનુભવ્યું હતું. મારા પ્રેમનો આટલો કરૂણ અંત કેમ આવ્યો એ મને નહોતું સમજાઈ રહ્યું. મેં ક્યાં ભૂલ કરી કે મારાથી ક્યાં ભૂલ થઈ ગઈ? મને કેદાર પર અતિશય ક્રોધ આવી રહ્યો હતો. જો પહેલેથી જ એના મનમાં લગ્ન કોની સાથે કરવાના છે એ નક્કી હતું તો એ મને જોવા આવ્યો જ શું કામ હતો? મને જોયા બાદ ના જ પાડવાની છે એમ એ પહેલેથી જ નક્કી કરીને આવેલો તોય એ મને કેમ ગમી ગયો? આ દિલ કેમ એને જોતા જ કોઈ જુદા જ લયમાં ધડકવા લાગેલું? કહે છે કે દિલમાં ઈશ્વરનો વાસ હોય છે, એનો લીધેલો નિર્ણય ક્યારેય ખોટો નથી હોતો તો મારી સાથે આવી મજાક શા માટે થઈ? મારું દિલ ખોટું બોલ્યું? એ અહેસાસ જેને માનવી પ્રેમ કહે છે એ બધું સાવ ખોટું છે? બધી લાગણી ને પ્રેમની વાતો તકલાદી છે? જો સાચે જ પ્રેમ જેવું આ દુનિયામાં કશું જ નથી તો કેદારને એનો પ્રેમ કેવી રીતે મળી ગયો અને જો પ્રેમ જેવું ખરેખર આ દુનિયામાં કશુંક છે તો મને કેમ મારો પ્રેમ ના મળ્યો?
   તે પાપ કર્યું છે કેદાર. તે મારા જેવી સાફ દિલની છોકરીના હૈયામાં પડેલા પ્રેમના બીજને અંકુરિત કરવાનું પાપ કર્યું છે. જ્યારે તને ખબર જ હતી કે તારા દિલમાં મારા માટે કોઈ સ્થાન નથી ત્યારે તે મારા દિલમાં તારી છબી ઉપાસવી જ શું કામ? તું શા માટે મારે ઘેર મને જોવા આવ્યો? મારા દીલને પ્રેમ કરવો હતો એની ના નથી પણ એ પ્રેમને કેદારનું નામ આપવામાં ખાલી મારી એકલીનો વાંક નથી તું પણ એમાં સરખે સરખો ભાગીદાર છે.
   દિલ તૂટયાની એ પીડા સહન કરવી મારા માટે અતિ મુશ્કેલ હતી. વચ્ચે બીજું કોઈ પણ નડતર હોત, કોઈ અડચણ હોત તો તું એને પહોંચી વળત પણ આ તો જેને પ્રેમી માન્યો એ જ દિલ તોડી રહ્યો હતો. મને કેદાર પર ગુસ્સો આવી રહ્યો હતો. હું રડતાં રડતાં જ એને ખરીખોટી સુણાવી રહી હતી, તું મારો ગુનેગાર છે કેદાર અને હું ઈચ્છું છું કે હાલ જેવી રીતે હું તડપી રહી છું એવી જ રીતે તું પણ ક્યારેક તડપે. તનેય ખ્યાલ આવે કે પ્રેમના માર્ગે જ્યારે ઠોકર વાગે ત્યારની પીડા કેવી હોય છે. તું પણ ક્યારેક મારી જેમ જ તડપીશ કેદાર, તું પણ મારી જેમ જ તડપીશ, તું પણ તડપીશ...
                         ******