Preet Na Kario Koi, Chapter 2.2 in Gujarati Drama by Niyati Kapadia Nirjhar books and stories PDF | પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.2

Featured Books
  • બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 7

        બૉસ તેને આપણે બિઝનેસમાં હરાવી દેશું, પણ તે તેના મનથી કોઈ...

  • પંચાયત - ભાગ 5

    ચૂંટણી અધિકારીની ઓફિસમાં ભારે તણાવ હતો. બહાર સેંકડો લોકો એકઠ...

  • રઘુવંશ - ભાગ 3

    "જેના નામ પરથી આ ધરા 'પૃથ્વી' કહેવાઈ, એ પ્રથમ ચક્રવર...

  • પત્ર

    વહાલા પપ્પા આજે પાંચ વર્ષ પછી તમારી સામે દિલ ખોલીને વાત કરવા...

  • સફળતા?? - 3

    રોહનને અટકાવતા કહ્યું , “હા ! મને ખબર છે  , પણ મારે હવે તારા...

Categories
Share

પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.2

મારા રડવાનો અવાજ છેક બહાર સુધી જતો હતો અને મારી નાની બહેન મારી પાસે દોડી આવી હતી. એને જોતાં જ મેં જાતને સંભાળવાનો પ્રયત્ન કરેલો અને તોય હું મારા આંસુને રોકવામાં નિષ્ફળ નિવડેલી. એણે પાસે આવીને મને બાથ ભીડી હતી અને એ લાગણીમાં હું આખી ઓગળી ગઈ હતી.
   એ પછી યાદ નથી કે કેટલા દિવસે હું સ્વસ્થ દેખાતી થઈ હતી, ક્યારે મારા બાબાપુએ મને આલોક વિશે વાત કરી હતી, ક્યારે મેં એની સાથે લગ્ન કરવાની ‘હા’ કહી હતી, ક્યારે મેં મારા ફોનમાંથી કેદારનો નંબર કાઢી નાંખ્યો હતો અને કસમ ખાધી હતી કે આજીવન કેદારને દરેક જગ્યાએ બ્લૉક કરી રાખીશ. મને ખાતરી હતી, મારું દિલ કહી રહ્યું હતું કે આ દુનિયામાં કેદારની સાચી જોડીદાર હું જ હતી પણ એને એ કેવી રીતે સમજાવવું એ હું નહોતી જાણતી. એ તો ખબર નહીં કઈ સ્ત્રીને પોતાની પ્રેમિકા માની બેઠો હતો, એ એની ભૂલ હતી. એના જીવનની સૌથી મોટી ભૂલ અને એ એને જ્યારે સમજાશે ત્યારે પછી બાકીની આખી જિંદગી પસ્તાવો કર્યા સિવાય કંઈ હાથ નહીં લાગે.
   એ રાતે હું જમી હતી, પેટ ભરીને જમી હતી. કોઈને ખબર સુધ્ધા નહોતી પડવા દીધી કે હું અંદરથી કેટલી તૂટી ગઈ હતી અને એ જ બરાબર હતું. જ્યારે મેં પ્રેમ કરેલો ત્યારે કોઈને ખબર નહોતી થવા દીધી, તો આજે એ પ્રેમનું રામનામ સત્ય થઈ ગયું ત્યારે ઉહાપોહ શા માટે કરવો?
   પ્રેમ! શું છે આ પ્રેમ? એક બે ઘડીની મજા અને પછી જિંદગી ભરની સજા! પાઉલો કોએલોના પુસ્તક ‘અલ્કેમીસ્ટ’માં વાંચેલું અને પછી એ જ વાક્ય શાહરૂખની એક ફિલ્મમાં સાંભળેલું, તમે જ્યારે પણ પૂરી લગનથી કોઈ વસ્તુની કામના કરો ત્યારે આખું વિશ્વ તમને એ વસ્તું સુધી પહોંચાડવામાં ભાગીદાર બને છે. એ વાક્ય પર મેં ભરોસો મૂક્યો હતો, જે મારી ભૂલ હતી. દુનિયાભરની નવલકથામાં આવતી દરેક પ્રેમકથા ખોટી છે. એ બધી એમના લેખકના મગજની ઊપજ સિવાય બીજું કંઈ નથી. મારો વિશ્વાસ તોડનાર એકલો કેદાર ન હતો પણ એની સાથે એ તમામ સજીવ, એ તમામ નિર્જીવ વસ્તુઓ પણ જવાબદાર હતી જેમને મેં મારા મનની વાત કહી હતી. જેમની પાસે મેં મદદ માંગી હતી અને જેમણે બખૂબી એવું નાટક કર્યું હતું જાણે કે એ મારું સાંભળી મારી મદદ કરી રહ્યાં હતાં.
    પ્રેમ! એની મજા ફક્ત કલ્પના કરવામાં છે હકીકતમાં નહીં! જ્યારે તમે વિચારો છો કે તમે પ્રેમમાં છો તમને અદ્ભુત સુખ અને આનંદ મળે છે. તમે કોઈ વ્યક્તિને પહેલાં જુઓ અને પછી એના પ્રેમમાં પડો કે મારી જેમ જોયા વગર જ પ્રેમમાં પડો, તમને જે ખુશી મળે છે એ ખુશી તમને તમારી પોતાની કલ્પના આપી જાય છે. જેવા તમે તમારા પ્રેમી પાત્રની નજીક જાઓ તરત જ એ સુંદર કલ્પનાઓ વિખરાઈ જાય છે. પહેલી વાર દુખ થાય એવો પ્રસંગ બને ત્યારે જ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે પ્રેમનો જાદુ હવે સમાપ્ત થઈ ગયો પણ ના તમને એ ખ્યાલ નહીં આવે. બીજી વાર, ત્રીજી વાર અને જેટલી વાર તમને તક મળે તમે તમારા પ્રેમી પાત્ર પાસે જશો અને દરેક વખતે કોઈ ને કોઈ વાતે દુખી થશો. તમારું દિલ પ્રેમનો જાદુ ઓશરી રહ્યો છે એ તરત જાણી લેશે અને એ વખતે તમે તમારી પોતાની જાતને દોષ આપી પાછા તમારા પ્રેમી પાત્ર પાસે જઈ માફી માંગશો, ફરીથી એ પ્રેમનો જાદુ તમે અનુભવી શકો એ માટે ભીખ માંગશો અને તમારા બધા જ પ્રયત્નો વ્યર્થ જશે. તમને જ્યારે સમજાશે કે તમારી કોઈ જ ભૂલ ન હતી, તમે સામેવાળાને જેટલું અને જેવી રીતે ચાહતા હતા એટલું અને એવી જ રીતનું એ તમને નહોતા ચાહતા બસ એટલી જ વાત હતી ત્યાં સુધી તો તમારા જીવનમાંથી પ્રેમની સદંતર બાદબાકી થઈ ગઈ હશે.
   લોકો કહી ગયા કે પ્રેમ આંધળો હોય છે, હું કહું છું કે પ્રેમ આંધળો જ નહીં બેરો, બોબડો અને લૂલો લંગડો પણ છે. એ તમારા જીવનમાં બસ આવી જાય છે, ટપકી પડે છે અચાનક અને પછી તમને સાવ પાંગળા, નિસહાય બનાવીને છોડી દે છે. તમે જેને ચાહી શકો એવી વ્યક્તિને શોધો, એવી વ્યક્તિ ક્યાંક મળી જાય એટલે એની પાસે જવાના બહાના શોધો, એની થોડાંક નજીક જઈ શકો એટલે પાછું એની સમક્ષ તમારા પ્રેમનો એકરાર કરો અને એની પાસેથી તમારા અઢળક પ્રેમની બદલે બે ચાર છાંટા જેટલાં પ્રેમની આજીજી કરો. બધે બધું તમે જ કરો અને આટલું કર્યા બાદ પણ તમને તમે જે વ્યક્તિ પાસેથી ઈચ્છો એ જ વ્યક્તિ પાસેથી પ્રેમ મળશે કે કેમ એની કોઈ ગેરંટી નથી. કદાચ પ્રેમ મળી પણ જાય તો એ ક્યાં સુધી કેટલો સમય તમારા જીવનમાં ટકી રહેશે એની જાણ તમને ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી તમે તમારી પોતાની જાતને પ્રેમ કરવા બદલ દોષિત નહીં માની લો. પ્રેમ તમારા જીવનમાં પ્રવેશ કરે ત્યારે જે સુખ આપે છે એ અદભુત હોય છે, એ જે સપના દેખાડે છે એ જીવનના બેસ્ટ સપનાં હોય છે પણ એ બધું થોડોક સમય જ રહે છે. જેવો એ ઓશરવા લાગે છે તમારા દિલમાં એક ખાલી જગ્યા છોડીને ચાલ્યો જાય છે. બાકીની આખી જિંદગી પછી તમે મથ્યા કરો એ ખાલીપો પૂરવા... એ ક્યારેય નથી ભરાવાનો!
    મારા ફોન પર રિંગ આવી હતી અને મેં સ્ક્રીન સામે જોયેલું. એક અજાણ્યો નંબર હતો. મેં એને કટ કર્યો તો તરત જ એ નંબર પરથી વોટ્સેપ પર એક મેસેજ આવેલો. એ આલોકનો મેસેજ હતો. એણે મને “થેન્ક યું” કહ્યું હતું. મેં મેસેજ જોયો. એના ડીપી પરથી એને ઓળખ્યો પણ ખરો પણ કોઈ જવાબ આપવાની ઈચ્છા નહોતી થઈ. એણે તરત બીજો મેસેજ મોકલેલો, “મારે તમારી એક ‘હા’ જોઈતી હતી. મળી ગઈ. એને માટે ફરીથી આભાર. મેં વિચાર્યું પણ નહોતું કે મારા જીવનમાં આમ સાવ અચાનક જ તમારા જેટલી સ્વરૂપવાન યુવતી આવી જશે. આઈ પ્રોમિસ કે આપણે સાથે સાથે એક બેસ્ટ કહી શકાય એવી જિંદગી જીવીશું.”
   મને થયું કે હમણાં સુધી હું કેદારને આવું બધું કહેવાનું વિચારતી હતી. એ કોઈ બીજીને ચાહે છે એવું એણે મારા મોંઢા પર ના કહ્યું હોત તો કદાચ હજી હું એને આવા જ મેસેજ કરી રહી હોત. એને વિનવી રહી હોત. આમ જુઓ તો ફક્ત સ્થાનફેર થઈ ગયો છે, પાત્ર બદલાઈ ગયા છે અને ઘટના એની એ જ છે. કેદારના સ્થાને હાલ હું છું અને મારા સ્થાને આલોક. પહેલાં હું કેદાર સામે પ્રેમની ભીખ માંગી રહી હતી અને હાલ આલોક મારા પગમાં આળોટવા તૈયાર છે. કેદારે મારું દિલ તોડ્યું હતું હું પણ આલોક સાથે એવું જ કરી શકું છું, એક પળ તો થયું કે કહી દઉં એને કે એય બબૂચક હું તને નહીં તારા મોટા ભાઈને ચાહું છું કે ચાહતી હતી. હાલ હું કોને ચાહું છું એની મને નથી ખબર. ભવિષ્યમાં કોને ચાહીશ કે કોઈને ચાહી પણ શકીશ કે નહીં એય હું નથી જાણતી. મારું દિલ તૂટી ગયું છે અને એની કરચો મારા જ સીનામાં ભોંકાઈ મને અંદરથી લોહી લુહાણ કરી રહી છે, પીડા આપી રહી છે. હું એ પીડામાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકું. મારું એ તૂટેલું દિલ બીજા કોઈને નહીં આપી શકું. તું એક સારો માણસ છે અને તારી જ ભલાઈ ખાતર કહું છું દૂર રહે મારાથી, આ પ્રેમ નામના રાક્ષસથી. એ તને દર્દ અને પીડા સિવાય બીજું કશું જ નહીં આપી શકે...
   “હજી કેટલું શરમાઈશ? કઈંક તો જવાબ આપ.”
   સામેથી આલોક પૂછી રહ્યો હતો અને મને થયું કે જવાબ નથી આપી રહી એમાં જ તારી ભલાઈ સમજ. “હું જાઉં છું મમ્મી બોલાવે છે.”
   “છોકરીઓનું એવર ગ્રીન બહાનું, મમ્મી બોલાવે છે! ઠીક છે જા પણ જલદી પાછી આવજે.”
    મેં વોટ્સેપ બંધ કર્યું. ડેટા પેક પણ બંધ કર્યું. હાશ હવે એનો કોઈ મેસેજ નહીં જોવો પડે. જો કે એક વાત મેં નોંધી હતી, આલોક સાથે વાત કરતા હું મારા દુખમાંથી, મારી તકલીફમાંથી ક્ષણભર મુક્ત થઈ શકી હતી. હા, આ જ ઉકેલ છે. સાચો પ્રેમ ના મળે, તમને તમારો ઈચ્છેલો પ્રેમ ના મળે ત્યારે બીજા સાથે એ જ પ્રેમનું નાટક કરી લઈ દુખમાંથી મુક્ત થઈ શકાય, કદાચ થઈ શકાય.
   મેં નક્કી કર્યું કે હું આલોક સાથે સરસ રીતે વાત કરીશ. મને મારો પ્રેમ ના મળ્યો, ના સહી પણ જે મને ચાહે છે એને હું નિરાશ નહીં કરું. જે ખુશી મને નસીબ ના થઈ એ હું મારા ચાહકને જરૂર આપીશ.
   થોડી વાર રહીને મેં ફરી નેટ ચાલુ કર્યું હતું અને આલોકને એક મેસેજ મોકલ્યો હતો. મેં એને શું લખ્યું હતું એમાં તો ત્યારે પણ ધ્યાન નહોતું અને આજે એનો એક અક્ષરેય યાદ નથી પણ હું મારા પતિને કઈંક લખી રહી છું એટલું યાદ રાખીને મેં પછી આલોક સાથે વાતો કરવાનું ચાલું રાખેલું. મારી એની સાથેની વાતો, મેસેજની આપ લે વગેરે છેક અમારા લગ્ન થયાં ત્યાં સુધી નિયમિત ચાલ્યું હતું. મને આલોક પ્રત્યે પ્રેમ નહોતો, કોઈ ફરિયાદ પણ નહતી. મારા જીવનમાં પ્રેમનું પુષ્પ એકવાર એની મેળે ખીલ્યું હતું આ વખતે હું ફરી એ જ પુષ્પને ખિલવવાનો પ્રયત્ન કરી રહી હતી...
                          ******
   અમારું સગપણ થઈ ગયું હતું. સગાઈ બાદ આલોક સાથે બહાર ફરવા જવાની મને છૂટ મળેલી. એ મારા ઘરે આવતો અને હું પણ સરસ તૈયાર થઈને એની સાથે જતી. મોટે ભાગે અમે પછી ફિલ્મ જોવા જતાં કે કોઈ બગીચામાં બેસી થોડી વાતો કરી, હોટેલમાં ખાણું લઈ ઘેર આવી જતાં. એ મને એની બાઇક પરથી મારા ઘરે ઉતારીને ચાલ્યો જતો. છેલ્લે જતી વેળાએ કે પછી બગીચાના એકાંતમાં એ તરસી નજરે મારા ગાલ સામે, મારા હોઠ સામે જોઈ રહેતો. એ સહેજ આગળ વધતો અને હું કોઈ બીજી જ વાત ચાલું કરી એનું ધ્યાન ભટકાવી દેતી.
   આલોક પ્રત્યે મારા મનમાં પ્રેમ જાગે એ માટે હું પ્રયત્ન કરી રહી હતી. એની તરસી નજરો જોઈ મને મન થતું હતું કે હું એની તરસ છીપાવી દઉં પણ એ કેવી રીતે શક્ય બને એ મને સમજાઈ નહોતું રહ્યું. આલોકે એકવાર પણ મારી સાથે અભદ્ર કહી શકાય એવું વર્તન નહોતું કર્યું. મને ગળે લગાડવા કે મારા હોઠ ચૂમી લેવા ભાન ભૂલીને મારી તરફ ધસી નહોતો આવ્યો. મને એનો સંયમ ગમ્યો હતો, સજ્જનતા ગમી હતી અને એટલે જ એને માટે દુખ થતું હતું.
   જો હાલ આલોકને બદલે મારી સગાઈ મારા પ્રેમી સાથે થઈ હોત તો? મેં એને કેટલા બધા આલિંગન અને ચુંબનોથી ભીંજવી નાંખ્યો હોત! એક ઘડી એનાથી છૂટા પડવાનું મન ના થાત. હાલ આલોક સાથે મને એવો કોઈ જ આવેગ નહોતો આવી રહ્યો. હું આલોકને અન્યાય કરી હતી એ હું સમજતી હતી પણ હું શું કરી શકું એ મને સમજાઈ નહોંતુ રહ્યું.
   એકવાર એણે મને એક ચિઠ્ઠી મોકલી હતી. એમાં એક સુંદર કવિતા લખેલી હતી. કવિતા તો સારી જ હતી એમાં મારા રૂપના, દેહ લાલિત્યના વખાણ કરેલા હતા પણ એ આલોકે નહોતી લખી એની મને પાક્કી ખાતરી હતી. કવિતામાં એક પણ વ્યાકરણની ભૂલ નહતી. છંદનું બંધારણ બરાબર જાળવીને એક એક શબ્દ મુકાયો હતો. હું સમજી ગયેલી કે આ કવિતા કેદારે લખી આપી હતી. મને ગુસ્સો આવી ગયો હતો...
   જે માણસે મારું દિલ તોડ્યું હતું, ભલે જાણતા કે અજાણતા પણ એ જ મારો દોષિત હતો, એ હવે એના પિતરાઇ નાના ભાઈને પ્રેમની કવિતાઓ ઉધાર આપી સાબિત શું કરવા માંગતો હતો? એને જાણ થઈ હશે કે હું કેટલી પીડા ભોગવી રહી છું અને એટલે જ એ મારા દીલને આલોક તરફ વાળવા આ હોશિયારી દેખાડી રહ્યો હતો? મેં તરત જ વળતો જવાબ લખી આલોકને મોકલી આપેલો.
   પ્રિય આલોકથી શરૂ થયેલા એ પત્રમાં શરૂઆતમાં આલોકના વખાણ ભર્યા હતાં, મધ્યમાં એની કવિતાના છોતરાં કાઢ્યાં હતાં અને અંતે લખું હતું કે તમે જેવો છે એવો જ મને પસંદ છો. મને રાજી કરવા તમારે કવિ થવાની કોઈ જરૂર નથી. આમેય કવિતા લખવી એ નવરા પંતૂજીઓનું કામ છે તમારા જેવા નોકરી ધંધામાં વ્યસ્ત માણસોનું નહીં. અત્યારે હવે વોટ્સેપના જમાનામાં કાગળ લખવાનું કોણ કરે? જ્યાં એક ક્લિક કરે તમારો મેસેજ સામેવાળા સુધી પહોંચી જતો હોય ત્યાં પત્ર લખી કાગળ અને સમય બંને વેડફવાની મૂર્ખામી શા માટે કરવી જોઈએ?
   મેં પત્ર મોકલી આપેલો એ આલોક સુધી પહોંચે એ પહેલાં તો બીજો એક પત્ર ટપાલી મારા ઘરે નાંખી ગયેલો. આ પણ જૂના પત્ર જેવો જ હતો. આલંકારિક ભાષામાં પ્રેમનું વર્ણન કરેલું હતું. મારા ઢગલો વખાણ અને છેલ્લે એક પ્રેમભરી કવિતા. હું સમજી ગઈ હતી કે આ પત્ર પણ કેદારે જ લખ્યો હતો. આલોકને તો આમાંના અડધા શબ્દોનો મતલબ પણ ખબર નહીં હોય. શું વિચારીને એ ડોબો પોતાના નાના ભાઈની થનાર પત્નીને ઉદેશીને આવા કાગળ લખી આપતો હશે?
   મેં એ જ દિવસે વળતો જવાબ લખી મોકલ્યો હતો. શરૂઆતમાં આલોકના વખાણ, મધ્યમાં મને મળેલાં બીજા પત્રની આલંકારિક ભાષાની મજાક અને અંતે એક સુજાવ- આ બધું તમે કોઈક નવસવા લેખકડાની કલમે લખાયેલું કૉપી મારી મને મોકલી રહ્યાં છો ને? તમારે મને રાજી કરવા આવું કરવાની જરાય જરૂર નથી. દિલમાંથી વહી આવતી લાગણીને વ્યક્ત કરવાની હજારો રીત છે એમાં બધાએ કલમ ચલાવવાની જરૂર નથી.
   મારા ગામથી આલોકના શહેરના સુધી પત્ર પહોંચતા બે દિવસ લાગે. મારો પહેલો પત્ર હવે એને મળી ચૂક્યો હોવો જોઈએ તોય આ બીજો પત્ર, પ્રેમપત્ર કેમ આવ્યો? બે દિવસ રહીને ત્રીજો પત્ર આવેલો. એમાંય એ જ પ્રણય પ્રચુર કવિતાઓનો મારો કરેલો હતો. મેં એનોય જવાબ લખી મોકલ્યો હતો. આ વખતે મેં પત્રની શરૂઆતના આલોકના વખાણ અને અંતે લખાતા સુજાવ રહેવા દઈ ફકત મધ્યમ ભાગ જ લખેલો. મેં લખેલું કે આટઆટલી વાર ના કહ્યા છતાં કેમ દર બીજા દિવસે તમારો પત્ર આવી રહ્યો છે? બાલમંદિરમાં ભણતો છોકરો કક્કો બારખડી શીખી લે અને પછી વાક્યો જોડી કંઈનું કંઈ લખ્યા કરે એવી તમારી કવિતાઓ છે. પ્રેમની વાતો કરવી અને પ્રેમ કરવો બે સાવ અલગ વાત છે, આપણે પ્રેમની વાતો નથી કરવાની પ્રેમ કરવાનો છે!
   મેં પત્ર મોકલી આપેલો અને એ જ દિવસે આલોકને મેસેજ કરીને આ બધા પત્ર વિશે પૂછેલું. એણે બાપડાએ જે હતું એ ચોખ્ખું કહી દીધેલું. કેદારે જ એને સલાહ આપી હતી કે છોકરીઓને કવિતાઓ વાંચવી ગમે, પ્રેમપત્રો વાંચવા ગમે એટલે એણે મને આવા પત્રો લખી મોકલવા જોઈએ. મને પૂછવાનું મન થયેલું કે એણે પ્રેમપત્ર લખવાની ખાલી સલાહ જ આપી હતી કે નાનાભાઇને કંઈ નહીં આવડે એમ વિચારી પત્ર પણ લખી આપેલો, પણ મેં એવું નહોતું પૂછ્યું. મેં પૂછેલું કે મારાં પત્રો તમને મળ્યાં? એણે કહેલું કે એને ત્યાં રોજ અનેક પત્રો આવતા હોય છે. બપોરે ટપાલી આવે ત્યારે જે ટપાલ આવી હોય એ બધી ભેગી કરીને મારા ટેબલ પર મુકાઇ જાય છે. એ જ્યારે નવરો પડે ત્યારે એ બધા પત્ર જુએ છે અને હજી સુધી એણે મારો જવાબી પત્ર નથી જોયો!
    મેં એને કહ્યું કે આજે જ મારા લખેલા બધા પત્રો વાંચી જાઓ અને હવેથી આમ પત્ર ના મોકલો. એણે મારી વાત તરત માની લીધી હતી. મને થયું કે કેદારે એને એડવાંન્સમાં જ અમુક પત્રો લખીને આપી દીધાં હશે અને દર બીજે દિવસે એમાંથી એક એક પોસ્ટ કરવાનું કહ્યું હશે. એણે તો કલ્પના પણ નહીં કરી હોય કે હું એને આવો વળતો જવાબ લખીશ, દાઢાંરંગો એક નંબરનો! રામ જાણે એ કોને પ્રેમ કરતો હશે? એવી તો કેવી હશે એની પ્રેમિકા? કોઈ સ્વર્ગમાંથી ઉતરી આવેલી પરી તો નહીં જ હોય પણ હા કોઈ જાદુગરણી જરૂર હશે જેણે એને પોતાના વશમાં કરી લીધો હશે!
   એ પછી આલોકનો એકેય પત્ર નહોતો આવ્યો, કેદારે લખી આપેલો આલોકનો પત્ર નહોતો આવ્યો. મારા અને આલોકના લગ્ન નક્કી થઈ ગયા હતા અને એક દિવસ અમે પરણી ગયા.
   લગ્ન વખતે મારી સખી સલોની મને મળવા આવી હતી. એની સાથે મેં મારી બધી જ વાતો જ વહેંચી હતી. કેદાર અને એની પ્રેમિકા વિશે પણ વાત કરેલી. સલોની પહેલેથી જ કેદારને ઓળખતી હતી. એ એના ભાઇનો મિત્ર હતો. કેદાર કોઈ બીજી સ્ત્રીને ચાહે છે એ વાત સાચી છે અને એની પ્રેમિકાનું નામ અનુજા છે એવું સલોનીએ મને કહ્યું હતું. એણે એક સખી હોવાને નાતે મને સલાહ આપેલી કે હું મારો પ્રેમી કે પ્રેમ ક્યાંક બીજે શોધવાને બદલે એ આલોક જ છે એમ માનીને એને સ્વીકારી લઉં. એના કહેવા મુજબ મારી સાથે જે કંઈ ઘટ્યું એમાં કેદારનો કોઈ જ વાંક નથી. એને બાપડાને ક્યાંથી ખ્યાલ હોય કે જે ઘેર એ છોકરી જોવા જવાનું નાટક કરવા જઈ રહ્યો છે ત્યાં એક ઘેલી એની જ વાટ જોઈને બેસી રહી છે.
   મને એની વાતોમાં કોઈ રસ નહતો પડ્યો, આમેય જ્યાં સુધી મારું દિલ મારી સાથે બકબક કરતું હોય ત્યાં સુધી મને બીજા લોકોની વાતો સાંભળવામાં કંટાળો આવતો. એ વખતે પણ મારું મન કહી રહ્યું હતું કે કેદારનો વાંક હોય કે ના હોય મારું દિલ તૂટયું એ તો હકીકત છે ને! ભલે હું ગાંડી રહી, ઘેલી રહી પણ હું ત્યાં મારા ઘરને આંગણે એના આગમનની પ્રતિક્ષા કરી રહી હતી એ વાત તો સાચી ને, એ ત્યાં આવ્યો જ શું કામ?
   માની લો કે એક તપસ્વી કન્યા એક જગ્યાએ બેઠી તપ કરી રહી છે. એક પળે એનો ઈશ્વર એની પર રીઝે, દર્શન આપે, વરદાન આપવાનું પણ કહે અને જ્યારે એ તપસ્વી કન્યા એની ઈચ્છા કહે ત્યારે જો એનો ઈશ્વર એમ કહે કે, એક મિનિટ દેવીજી કોઈ ભૂલ થઈ રહી છે હું તમારો ઈશ્વર નથી, હું તો કોઈ બીજી કન્યાને વરદાન આપવા આવેલો અને પછી એ વરદાન આપ્યા વગર ચાલ્યો જાય ત્યારે વાંક કોનો? એ તપસ્વિનીના તપનું શું? એની શ્રધ્ધા અને વિશ્વાસનું શું? એ હવે ફરીથી તપ કરવાની હિંમત કરી શકશે?
   કોઈ ભલે ગમ્મે તે કહે મારા માટે કેદાર જ મારો ગુનેગાર હતો અને હંમેશા રહેશે. મેં એને ચાહ્યો પણ એણે મને ના ચાહી એમાં જેમ એનો કોઈ વાંક નથી એમ જ મારોય કોઈ વાંક નથી. હું જે રસ્તે મારા પ્રેમીની રાહ જોઈ ઊભી રહી ગઈ હતી ત્યાં એણે ડગ માંડ્યા હતા. મારા મનમાં એક આશ જગાડી હતી અને પછી તરત જ એણે એ આશ તોડી હતી. હવે ફરીથી મારું દિલ પ્રેમ કરતા ગભરાશે, એ પ્રણય પ્રચુર સપનાં જે એક સમયે મારા શ્વાસની જેમ મારી સાથે ચાલતા હતાં એ ફરીથી જોવાની હિંમત હવે મારાથી નહીં થાય, આ બધામાં મારો કોઈ વાંક ખરો? પ્રેમ કરવાનું સુખ શું ઘડીક મેળવી લીધું જીવનભરની પીડા ઈનામ મળી ગઈ...
   સલોની મારા માટે એક ડાયરી લઈ આવી હતી. મારી લગ્ન ભેંટ. મને એ ડાયરી ખૂબ ગમી ગયેલી. મારા લગ્નની આગલી રાતે એણે એ ડાયરી મને આપતા કહેલું કે તારામાં પેલી જે પ્રેમિકા વસે છે એને હવે મહેરબાની કરીને થોડી ટાઢી પાડજે. આ દુનિયામાં સ્ત્રીને અમુક મર્યાદામાં રહી જીવવું પડે છે, એ જ એની નિયતિ છે. જ્યારે તારું મન ના માને અને કંઇક કહેવાને માટે, નવા રંગબેરંગી સપનાં જોવાને માટે લલચાઈ જાય ત્યારે તું આ ડાયરી ખોલજે અને એના પાને જે લખવું હોય એ લખી નાંખજે. આપણી સ્ત્રીઓની જિંદગીમાં જેટલા આવી ડાયરીના પાના ઓછા એટલી અધૂરી ઈચ્છાઓ ઓછી. જિંદગીની મથામણ ઓછી. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તારા જીવનમાં આ એક ડાયરી પૂરતી થઈ રહે.
   હું એની વાત સાંભળી હસી પડી હતી અને એને ગળે લગાડતા કહેલું, “તુંય સાવ ડોબી ને ડોબી જ રહેવાની. આ ડાયરીના પાને હું મારી વ્યથા અને દુખ નહીં પણ મારા જીવનનું સુખ આલેખીશ. જીવનના એ અનુભવ લખીશ જ્યારે મેં ખરેખર જિંદગીને માણી હોય.”
   “સાચે જ હું એક નંબરની ડોબી છું, મૂરખ છું!” એણે ભરાઈ આવેલી આંખો સાથે હસીને કહેલું, “તું સાચું કહે છે ડાયરીમાં એ જ લખાય જે આપણે વાગોળવું ગમે એવું હોય અને હવે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તું તારા જીવનમાં આવી અસંખ્ય ડાયરીઓ ભરાય એટલું લખ્યા કરે.”
    મારા લગ્ન થવાના હતાં. બધા મહેમાનો સાથે કેદાર પણ આવેલો. એ દિવસે સવારથી જ હું ખુશ હતી, નવા જીવનની શરૂઆત હકારાત્મક રીતે કરવા તૈયાર હતી. આલોકમાં જ મારો પતિ અને પ્રેમી મેળવવા કટિબધ્ધ હતી. નીચી નજરે, ધીમા ડગલે હું માંડવામાં પ્રવેશી રહી હતી. મારી આસપાસ મારું સખીવૃંદ હતું. ચોરીનું સ્થાન ચાર પગથિયાં ઊંચાઈ પર રખાયેલું હતું. મારી ચણિયાચોળી નીચે સુધી ઢસડાય એટલી લાંબી હતી એટલે પગથિયાં ચઢતી વખતે મારે ખૂબ સંભાળીને ચાલવું પડેલું. મારી એક સખીએ એક બાજુથી મારો ચણિયો પકડી એની કિનાર જમીનથી સહેજ અધ્ધર કરેલી જેથી હું આરામથી પગથિયાં ચઢી શકું અને તોય ઘેરદાર ચણિયાનો એક છેડૉ મારા પગમાં આવી ગયો હતો. એ જે થયું એનાથી તો તરત મેં મારી જાતને સંભાળી લીધી હતી પણ એ જ વખતે એક બીજી ઘટના પણ ઘટેલી એની આડઅસરથી હું બાકાત નહોતી રહી શકી.
   ચણિયો મારા પગમાં ફસાયો અને મેં ઘડીક ડગુમગુ થઈ ફરી સમતોલન સાધ્યું એ જ વખતે મારાથી ચાર કદમ દૂર ઊભેલો, વરરાજાનો ભાઈ કેદાર બે કદમ મારી તરફ દોડી આવેલો અને કહેલું, “ધ્યાન રાખજો, જરાક સંભાળીને.” અનાયાસ જ એનો હાથ મારી તરફ લાંબો થઈ ગયેલો અને મારા મનમાં રામ જાણે ક્યાંથી પણ એક ઈચ્છા જાગી ગયેલી, એક ક્ષણ પૂરતી જ, મને ઈચ્છા થઈ આવેલી કે હું અહીંયા આ માંડવામાં જ કેદારનો હાથ પકડી લઉં અને પછી એને છોડવાની ના કહી દઉં!
   મેં હકીકતમાં એનો હાથ નહોતો ઝાલ્યો પણ મારા મનમાં એ દ્રશ્ય ઉભરાતું હું રોકી નહતી શકી. લગ્નની બધી વીધી એક પછી એક ચાલતી રહેલી. મારો હાથ આલોકના હાથમાં સોંપાયેલો, એણે મારા ગળામાં મંગળસૂત્ર પહેરાવેલું અને માથામાં સિંદૂર પૂરેલું, મેં આલોક સાથે અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરેલા અને આ દરેક ઘટના ઘટી રહી હતી એ સમયે મારી નજર આગળ સતત એક જ દ્રશ્ય રમી રહ્યું હતું- કેદારે એનો હાથ મારી તરફ આગળ કર્યો અને મેં એ પકડી લીધો, ક્યારેય ના છોડવા માટે...
   લગ્ન થઈ ગયા અને પછી ચાલું થઈ મોટેરાઓને પગે લાગવાની રસમ. અમે, હું અને આલોક જ્યારે કેદારને પગે લાગ્યા ત્યારે કેદારે અમારા બંનેના માથે હાથ મૂકીને કહેલું, “ખુશ રહો!”
   એક તીર જાણે સીધું આવીને મારા સીનામાં ખૂંપી ગયું હતું. કોઈએ મીઠી ખીરમાં વખ ભેળવી મને પાઈ દીધું હતું. મારા સમગ્ર જીવનમાં વિષ ઘોળનાર મને કહી રહ્યો હતો કે “ખુશ રહો”, કેટલી કરૂણ મજાક હતી એ! એક પક્ષીની પાંખો કાપી એને ઉડવા કહેવા જેવું હતું એ... ભલે આખી દુનિયાની નજરે તું નિર્દોષ રહ્યો કેદાર મારી નજરે તું જ મારો ગુનેગાર છે અને હું તને ક્યારેય માફ નહીં કરું. ક્યારેય નહીં. ક્યારેય નહીં.
                        ******
   હું મારી સાસરીમાં આવી ગઈ હતી. ગૃહપ્રવેશની વીધી બાદ મને અને આલોકને ભગવાન ગણેશ આગળ બેસાડવામાં આવેલા. મારી આસપાસ એ નાનકડા ઓરડામાં ઘણી બધી બીજી સ્ત્રીઓ બેઠેલી હતી જે મારી સામે ધારી ધારીને જોઈ રહી હતી. મને એમાં કઈં નવાઈ ન હોતી લાગી. અમારા ગામમાં જ્યારે કોઈ પરણીને ઘેર વહુ લઈને આવતું ત્યારે હું પણ દોડી જતી, એ વહુને જોવા માટે. આજે હું પોતે વહુ બની હતી, આલોકની વહુ અને લોકો મને જોઈ રહ્યાં હતાં.
   અનાજમાંથી એક રૂપિયો સિક્કો શોધવાની રમત અમારે રમવાની હતી. મેં અને આલોકે સાથે જ વાસણમાં હાથ નાંખેલો. એ મારી સામે તો ઘડીક આજુબાજુ જોઈ રહ્યો હતો અને હું દુલ્હનની જેમ નજરો નીચે ઢાળીને બેસી રહેલી. મારા હાથમાં સિક્કો આવી ગયેલો અને એક બે છોકરીઓ મારી પાછળની બાજુએથી, “ભાભી જીતી ગયા” કહીને મોટેથી બુમરાણ મચાવી હતી. અમુક ડોશીઓના મોંઢા મચકોડાયા હતાં એ મને નીચે નજરે પણ દેખાઈ ગયેલું, કદાચ સંભળાઈ ગયું હતું, કશુંક એવું જેને લોકો શબ્દોમાં નથી કહેતાં પણ એમના વર્તન પરથી એ અવાજ સંભળાઈ જાય છે અને આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે એ વખતે એનું મોઢું કેવું થયું હશે.
   કોઇકે કહ્યું હતું કે ગૌરી વ્રત બરાબર ફળ્યા હોય એને જ અમારા આલોકભાઈ જેવો સીધો અને રૂપાળો છોકરો વર રૂપે મળે. ગૌરી વ્રત! મેં એ વ્રત કરેલાં?
   હા, બાળપણમાં કરેલા, જ્યારે એ સમજ પણ નહોતી પડતી કે આ વ્રત શેને માટે કરવામાં આવે છે અને મારે એ વ્રતના બદલામાં ભગવાન પાસે શું માંગવાનું છે. મને ભગવાન પ્રત્યે આસ્થા છે ખરી?
   આવું આજ પહેલાં ક્યારેય વિચાર્યું જ નહોતું. જ્યારે જરૂર પડી ત્યારે મેં ભગવાનને યાદ કરેલા. મારા ઘરથી થોડે દૂર જ શિવાલય આવેલું છે. મારા બાબાપુ વારે તહેવારે ત્યાં પગે લાગવા જાય ત્યારે હું પણ મારી બહેનો સાથે જતી. ખરું કહું તો ત્યારે મને મંદિર કરતા એની બાજુમાંથી પસાર થતી નદીનું આકર્ષણ વધારે રહેતું. હું નદીમાં નહાવા અને એના કિનારે બેસી મસ્તી કરવા જ મંદિરે જતી હતી. પરીક્ષામાં દરમિયાન પણ કોઈ અઘરું લાગતું પેપર હોય ત્યારે ઘડીભર મને ભગવાન યાદ આવી જતાં અને પછી તરત પાછા ભુલાઈ જતા. હું કેટલી સ્વાર્થી છું. મારો પ્રિયતમ જોઈતો હતો, કોઈ આશ નહોતી ત્યારે વારંવાર શિવજી યાદ આવી જતા હતા અને કેદાર સાથેનો સંબંધ બંધાતા પહેલાં જ તૂટી ગયો એટલે પાછી હું એમને ભૂલી ગયેલી.
    હા હું છું સ્વાર્થી. મતલબી. નાસ્તિક પણ કહી લો મને હવે કશોય ફરક નથી પડતો. આજ પછી ક્યારેય હું ઈશ્વરનું શરણું નહીં શોધું. ક્યારેય નહીં.
    રાતના લગભગ દસ વાગીને ઉપર થોડી મિનિટ થઈ હશે અને અને મને બે સ્ત્રીઓ મારા ઓરડા સુધી મૂકી ગઈ હતી. એ બંને મને ખ્યાલ ના આવે એમ અંદરો અંદર એકબીજા સામે જોઈ મલકાઈ રહી હતી. એમણે દરવાજો ખોલી મને અંદર જવાનું કહેલું અને પછી એક જણીએ ધીમા અવાજે કહેલું કે અમે આલોકભાઈને કહીશું કે અમારી સુંદર વહુને બહુ હેરાન ના કરે અને જલદી આવી જાય. એમના દોસ્તારો સાથે બેસી રહેશે તો ત્યાં ને ત્યાં બાર વગાડી દેશે.
    “આજે એ કંઈ બાર નહીં વગાડે. એનેય ઉતાવળ આવી હશે ને.” એકે કહ્યું હતું ને એ બંને ખડખડાટ હસી પડી.
   મને એમનો વાર્તાલાપ સાંભળી જરાય હસવું નહોતું આવ્યું. હું એમને હસતાં છોડીને ઓરડામાં અંદર આવી ગયેલી અને ફૂલોથી શણગારેલ પલંગ પર એક કિનારે બેસી ગઈ હતી. “નવા જમાનાની છોકરી છે.” એ લોકો કઈંક બબડતી ચાલી ગઈ હતી. જો કે જતાં જતાં એ દરવાજો આડો કરતી ગયેલી એ એક સારું કામ કરેલું. એ ક્ષણે પલંગ જોઈને મને આડા પડવાની ઈચ્છા થઈ આવી હતી. થતું હતું કે હું બસ સૂઈ જાઉં આરામથી. છેલ્લા બે દિવસથી ઊંઘવાના બિલકુલ ઠેકાણા નહોતા પડ્યા. હું ખરેખર હવે થાકી ગઈ હતી. શારીરિક અને માનસિક રીતે પણ મારે આરામની સખત જરૂર હતી.