મેં ફરી એ પત્ર વાંચ્યો હતો,
I love you.
આખી દુનિયામાં કોઈએ કોઈને ના કર્યો હોય એટલો પ્રેમ હું તમને કરું છું અને મને વિશ્વાસ છે કે તમે પણ મને એટલું જ ચાહો છો.
મને નથી ખબર કે આપણે ક્યાં અને ક્યારે મળીશું પણ જો આ દુનિયામાં ખરેખર પ્રેમ જેવું કઈંક છે તો આપણે મળીશું ચોક્કસ. હું મારા છેલ્લા શ્વાસ સુધી તમારા આગમનની પ્રતિક્ષા કરીશ.
તમે આવશો ને?
તમારી પ્રેયસી,
- અ જા
કાગળના અંતમાં જ્યાં એ છોકરીએ એનું નામ લખેલું હતું એ ભાગ થોડોક ફાટી ગયો હતો. મને યાદ આવ્યું કે પેલા બળદીયા મહેન્દ્રએ ઉતાવળે કાગળને બહાર ખેંચતા એનો એક ટુકડો ફાટી ગયો હતો. કાગળ પણ એવી જગ્યાએથી જ ફાટેલો કે એ છોકરીનું નામ વચ્ચેથી કપાઈ ગયું હતું. મેં એ ચીપિયો તપાસી જોયેલો એના છેડા પર એ કાગળનો કપાયેલો ટુકડો નહોતો ચોંટેલો, મતલબ કે એ નીચે પડી ગયો હશે. મેં નીચે તપાસ કરી, ક્યાંય કોઈ કાગળનો ટુકડો પડેલો ના દેખાયો. મને યાદ આવ્યું કે હાલ જ મહેન્દ્રએ અહીં સાવરણી ફેરવી હતી. અડધા સેન્ટિમીટરથી પણ નાનો કાગળનો ટુકડો ખોળવું હવે લગભગ અશક્ય હતું. મેં એ બાટલીમાંના કાગળના પાનાને ફરી નજર આગળ રાખ્યું. હવે મારી નજર એ છેલ્લા અધૂરાં નામ પર જઈને જ અટકતી હતી. પહેલો અક્ષર ‘અ’ અને છેલ્લો ‘જા’ વંચાતો હતો. એની વચ્ચે માંડ એકાદ અક્ષર આવે એટલી જ જગ્યા હતી. મતલબ કે એટલો જ ભાગ ફાટેલો હતો.
એવું કયું નામ હોય શકે જેમાં પહેલો અક્ષર ‘અ’થી ચાલું થાય અને અંતે ‘જા’ આવે? મેં મનોમન કક્કાનો એક એક અક્ષર એ બે અક્ષરોની વચ્ચે મૂકી નામ વિચારી જોયા પણ મેળ ના પડ્યો.
“ભાઈ તમારે આજે કોલેજ નથી જવાનું?”
મહેન્દ્રનો અવાજ સાંભળી મને ભાન થયેલું કે મારે કોલેજ જવાનું મોડું થઈ રહ્યું હતું. એ દિવસે પછી હું તૈયાર થઈને કોલેજ જવા નીકળ્યો એ પહેલાં મેં એ ચિઠ્ઠીને સાચવીને એક પુસ્તકની વચ્ચે મૂકી હતી અને પુસ્તકને કબાટમાં મૂકેલું. હું કોલેજ ગયો હતો, એ દિવસના મારા બધા કામ મેં નિપટાવ્યા હતા, હું મારું દરેક કામ સાવધાની પૂર્વક કરી રહ્યો હતો અને તોય મારા મનમાં એક પ્રોસેસ અવિરતપણે ચાલું હતી. એ પ્રોસેસ હતી ‘અ’ અને ‘જા’ વચ્ચે ખૂટતો અક્ષર મૂકવાની.
આખો દિવસ અકળામણ અને કંટાળામાં વ્યતીત થઈ ગયેલો. સવારે ચીઠ્ઠી મળતા જે આનંદ થયેલો હાલ એનાથી અનેક ઘણી વધારે અકળામણ થઈ રહી હતી. મારે એ યુવતીનું નામ જાણવું હતું. રહી રહીને મને પેલા ઉતાવળિયા મહેન્દ્ર પર ગુસ્સો આવી રહ્યો હતો. શી જરૂર હતી એને આમ ઉતાવળ કરવાની. એક કામ એનાથી જો સરખું થાય તો.
“ભાઈ જમવાનું તૈયાર છે, આજે મારે જરાક વહેલા ઘરે જવું પડશે, હું જાઉં?”
મહેન્દ્ર મને કહી રહ્યો હતો અને મેં ખિજાઈને એને કહેલું કે હા, તું જા, જા.
“જા..?”
“જા...જા...”
“અનુજા!”
‘અનુજા’ હા, અનુજા એક છોકરીનું નામ હોય શકે, પણ ‘અનુજ’ એટલે તો ‘નાનો ભાઈ’ થાય તો ‘અનુજા’ એટલે ‘નાની બહેન’...?
એક પળ માટે મારું મન ખાટું થઈ ગયું પછી તરત પાછું ગૂગલ યાદ આવ્યું અને મેં ગૂગલને ‘અનુજા’નો અર્થ પૂછ્યો. એણે તરત બતાવ્યું કે ‘અનુજા’ ભારતીય મહિલાનું એક નામ છે. અરે વાહ મને એ છોકરીનું નામ મળી ગયું. એ નામનો અર્થ જોકે મને ગમે એવો નહતો થતો પણ મેં એમ વિચારીને મન મનાવ્યું કે આપણા દેશમાં બાળકોનું નામ એમના માબાપ રાખતા હોય છે અને પછી ગમે કે ના ગમે એ નામ સાથે જ બાળકે આખી જિંદગી ખેંચી કાઢવી પડે છે. ખેર, અર્થને મારો ગોળી મને એ નામ ગમ્યું હતું. અનુજા, મારી અનુજા...
હું ત્યારે એટલો ખુશ થઈ ગયેલો કે ના પૂછો વાત. સવારે પત્ર મળતા જે આનંદ થયેલો એ હવે બેવડાઈ ગયેલો કે ચાર ઘણો થઈ ગયેલો. આ દુનિયામાં જો ખુશી માપવાનું કોઈ યંત્ર હોત તો એમાં મારી હાલની ખુશીનો આંક મહતમ આવત. જીવનમાં આજ સુધી જેટલો પણ આનંદ મળેલો એ બધો એક તરફ અને આ પત્ર મળતા થયેલો આનંદ એક તરફ. હવે મને ખબર હતી કે આ દુનિયામાં ક્યાંક મારા જેવું જ વિચારતી છોકરી છે જરૂર અને મારે એના સુધી પહોંચાવનું છે. અનુજા, બસ અનુજા નામની યુવતીને મારે મળવાનું છે. મારા જીવનનું કેન્દ્રબિંદુ છે એ.
એ પત્ર મને સોમનાથના દરિયા કિનારેથી મળેલો એટલે એ યુવતી સોમનાથની આસપાસ રહેતી હોવી જોઈએ કે પછી એ આ બાજુ ફરવા આવી હોય એવું પણ બને. કોઈ જહાજમાંથી બોટલ ફેંકાઇ હોય તો પણ એ કિનારે આવી મળે. ઓહ મારી વહાલી અનુજા તું ક્યાં રહે છે? હું મનોમન વિચાર્યા કરતો. ક્યારેક થતું કે ગુજરાતમાં જ ક્યાંક દરિયા કિનારાના વિસ્તારે રહેતી હશે તો પછી થતું કે ના એ મુંબઈ જેવા કોઈ મોટા શહેરમાંથી અહીંયા ફરવા આવી હશે કે પછી વિદેશથી અહીંયા વેકેશન ગાળવા આવી હોય. હું દિવસમાં દસ કે તેથીય વધારે વખત એ ચિઠી વાંચતો હતો. એ ચિઠ્ઠીનું લખાણ, એ મરોડદાર અક્ષર જોઈ મને થતું આવું ખુલ્લે આમ લખી શકનાર છોકરી નક્કી ખૂબ આત્મવિશ્વાસી હશે. એ ખૂબ ભણેલી પણ હોય શકે છે. એના અક્ષર જોતાં એ ગુજરાતી સરસ રીતે લખી શકે છે. એને ગુજરાતીમાં લખવાનો વરસોનો મહાવરો હોવો જોઈએ. જે વિષય પર હું કવિતા કરવા બેસું તો ઓછામાં ઓછી પંદર કડીઓ રચું ત્યારે જે કહી શકું એ એણે એક નાના ફકરામાં સમાવી લીધું હતું મતલબ એ હોશિયાર અને જ્ઞાની છે. પોતાની વાત એ સાચા શબ્દો વાપરીને કહી શકે છે. એ જરૂર વાંચનની શોખીન હોવી જોઈએ. જે બોટલમાં એણે ચીઠ્ઠી ભરેલી એ એક મોંઘા શરાબની બાટલી હતી. જે મોટા ભાગે મોટા શહેરોમાં જ મળે છે. જો એ યુવતિ ક્યારેક દારુ પીવાનો શોખ રાખતી હોય તો એ મુંબઈ કે સુરત કે અમદાવાદ જેવા કોઈ શહેરની હોય શકે છે.
જોકે એવું પણ બની શકે કે એ રોજ ના પીતી હોય પણ એના પ્રેમીના વિરહમાં તડપીને બિચારી પી લેતી હોય. આખરે એ પીડા સહેવી કેટલી ભારે પડે છે એ તો એજ સમજી શકે જેણે ક્યારેક પ્રેમ કર્યો હોય.
એવું પણ બની શકે કે એના ઘરમાં એના ભાઈ કે પિતા પીવાના શોખીન હોય. એ જે પણ હોય એ છોકરી પાસે આટલા મોંઘા શરાબની બાટલી હાજર હતી એનો સીધો સાદો મતલબ એ જ કે એ એક સુખી, સંપન્ન અને શહેરી કુટુંબમાંથી આવતી હશે.
ઘણું બધું વિચાર્યા બાદ હું એટલું નક્કી કરી શક્યો હતો કે મારે અનુજાની તપાસ અમદાવાદ, સુરત કે મુંબઈ જેવા કોઈ મોટા શહેરની શ્રીમંત યુવતીઓમાં કરવાની હતી. બની શકે છે કે શહેર કોઈ બીજું હોય કે એની ઉંમર મારાથી વધારે હોય ત્યારે જ આટલું ઠરેલ પણું આવ્યું હોય, પણ એનાથી મને કશો ફેર નહોતો પડતો. પ્રેમના મારગમાં વળી ઉંમર રૂપી કાંટા નડી નડીને કેટલું નડી લેવાનાં?
મેં અનુજાને શોધવાના પ્રયાસ ચાલું કરી દીધાં હતાં. મોટા શહેરોમાં થતાં કવિ સંમેલનમાં હું અચૂક જતો, કોઈના પણ લગ્ન કે એવો કોઈ પ્રસંગ હોય ત્યાં હાજરી પુરાવતો. જેવી કોઈ ઠરેલ છોકરી નજરે ચઢે હું કોઈ ને કોઈ બહાને એનું નામ પૂછી લેતો. સોશ્યલ મીડિયા પર અનુજા નામે જેટલી પણ છોકરી મળી એ દરેકને મેં મારી દોસ્ત બનવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. એ દરેકને મેં કહેલું કે હું જ છું એ જેની તમને તલાશ છે. કેટલીય જગ્યાએથી અપમાનિત થવું પડેલું. કેટલીય છોકરીઓ કહેતી કે આ પ્રોફેસરનું છટકી ગયું છે પણ મને એનાથી કોઈ ફરક નહોતો પડતો. મારા જીવનનું હવે એક જ લક્ષ્ય હતું, અનુજા!
જ્યારે આત્મજાને જોવાની વાત આવી ત્યારે જ કાશ એના સાચા નામની જાણ થઈ ગઈ હોત. મારા માટે તો એ ત્યારે ઝમકું હતી. જો ત્યારે આત્મજા નામ મારા કાને પડ્યું હોત તો હું ચોક્કસ એનામાં રસ લેત. ‘અનુજા’ ને ‘આત્મજા’ સાથે સાંકળવાનો પ્રયત્ન કરત અને ત્યારે જ કદાચ અમારો મેળાપ થઈ ગયો હોત. એ દિવસે હું ‘અનુજા’ના વિચારોમાં એટલો ઓતપ્રોત હતો કે એ સિવાય બીજું કંઈ મને દેખાતું જ નહતું. ઝમકું ગામડાંની અને સાધારણ પરિવારની દીકરી હતી. ગામમાં રહીને અભ્યાસ કરેલો અને પછી બાજુના થોડાંક મોટા ગામમાં જઈ કોલેજનું ભણતર લીધેલું એટલી માહિતી પરથી મેં નક્કી કરી લીધું હતું કે એ મારી અનુજા નથી. જો એ મારી અનુજા નથી તો મારે એની તરફ જોવું પણ નથી! બસ, એ એક જીદ મને નડી ગઈ હતી.
આત્મજા ખબર નહીં કેવી રીતે પણ મને જોતાં જ ઓળખી ગઈ હતી. એનું મારી સામે આવતા જ મારા શરીરમાં અજીબ સ્પંદન થવું, એનું મારી સામે જોઈ સહેજ મલકવું, એ બધું જ મુજ અક્કરમીને હવે સમજમાં આવી રહ્યું હતું. એ છોકરી મને ઈશારો કરી રહી હતી પણ હું જ મૂરખ કશું સમજ્યો નહીં.
છેલ્લે એણે ક્યાંકથી મારો નંબર મેળવી મને ફૉન કર્યો હતો. બે વખત અમારી વાત થયેલી અને ત્યારે પણ એની લાગણી સમજ્યા વગર હું સાવ જડ બની રહેલો. અનુજા નામના ચશ્મા મારી આંખો આગળ એટલી હદે અંધારું કરી રહ્યા હતા કે આત્મજા મને ક્યાંય દૂર દૂર સુધી દેખાઈ જ નહોતી.
એ મારી ભૂલ હતી. હું સ્વીકારું છું કે હું મૂરખનો સરદાર છું. સાવ અણસમજુ અને જેની બુધ્ધિ કટાઈ ગઈ હોય એવો નાલાયક પ્રેમી છું. મેં મારા જ હાથે મારી પ્રેમિકાનું દિલ તોડી એને મારા ભાઈ સાથે પરણાવી હતી! મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. ત્યારે થઈ રહ્યું હતું કે કાશ હું ભૂતકાળમાં પાછો જઈ શકત. કાશ હું મારી બધી ભૂલોને સુધારીને નવેસરથી જીવી શકત...
જે થઈ ગયું એને હું બદલી શકું એમ નહોતું પણ મેં નક્કી કર્યું કે હવે આત્મજાને હું સહેજ પણ તકલીફ નહીં પડવા દઉં. જીવન એ જ છે જે હાલ તમારી સામેથી પસાર થઈ રહ્યું છે અને એમાં હું મારી આત્મજાનો સાથ ઝંખું છું. ભૂત કે ભવિષ્યની મને ફીકર નથી મારે મારી આજને સાચવી લેવાની છે.
મેં તરત ઊભા થઈને આલોકને ફૉન જોડ્યો હતો. એણે કહેલું કે એ આત્મજાને લઈને હોસ્પિટલ જઈ રહ્યો છે. મેં એ હૉસ્પિટલનું નામ પૂછેલું અને પછી હું પણ ત્યાં જવા તૈયાર થયેલો.
હું ઘરેથી નીકળતો જ હતો કે ફરી મારી નજર આત્મજાની ડાયરી પર પડી હતી. અચાનક જ હું બેસી ગયો હતો અને મેં ઉતાવળે એ ડાયરીનું લખાણ વાંચવાનું ચાલું કર્યું હતું. અંતિમ પાને પહોંચતા સુધી મને મારી જાત પર નફરત થઈ આવી હતી. જેની આંખમાંથી એક આંસુ સરી જતું અટકાવવા હું દુનિયા સામે લડી જવા તૈયાર હતો એની આવી દશા અને એ પણ મારી મૂર્ખામી ને લીધે. એણે ભલે એના પતિ આલોકના વખાણ કર્યા હતાં કે ખૂબ થોડા શબ્દોમાં એની પીડા ઠાલવી હતી આલોક એને વિશે શું વિચારતો હતો એ હું સારી રીતે જાણતો હતો. એના દોરવાયા મેં પણ એ બિચારી વિશે કેવું કેવું વિચાર્યું હતું...આત્મજાની સરખામણી અનુજા સાથે કરીને મેં દર વખતે આત્મજાને હીન અને અનુજાને મહાન ચિતરી હતી, આજે એ બંને એક જ છે એ જાણ્યા બાદ મને મારી હાલત વ્યક્ત કરવા શબ્દો નથી મળી રહ્યા.
બહુ ગુમાન હતું મને મારા ઉચ્ચ દરજ્જાના સાહિત્યકાર હોવા પર અને એ છોકરી મારું એ ગુમાન છીનવી ગઈ હતી. હું મારી પોતાની નજરમાંથી ઉતરી ગયો હતો. ભારે હ્રદયે મેં ડાયરી કબાટમાં મૂકી હતી. આત્મજાની ચીઠ્ઠીને પણ હવે એની જ ડાયરીમાં સંભાળીને મૂકી હતી. એનાં પર જે કંઈ વીત્યું હતું એ બધા માટે હું જ જવાબદાર હતો પણ હવે હું એને સહેજે દુખી નહીં થવા દઉં. એ જેવી ભાનમાં આવશે એને હું અહીં લઈ આવીશ અને એની લખેલી ચીઠ્ઠી દેખાડીશ. બસ, પછી અમારે કોઈએ કંઈ કહેવું નહીં પડે.
હું હૉસ્પિટલ પહોંચ્યો હતો... મનમાં કેટલીય આશા અને સુખી ભવિષ્યના સપનાં લઈને. આજે આ બધું લખી રહ્યો છું જેલના સળિયા પાછળથી. મારો ગુનો શું હતો એ હું નહીં કહી કહી શકું...પણ હા એટલું ચોક્કસ કહીશ કે તમેય જો મારા જેવા અવ્વલ દરજ્જાના મૂરખ હો તો પ્રીત ના કરતા...