“અરે શું થયું? તું આમ રડે છે કેમ બકા? છ સાત દિવસ જ આપણે જુદા રહેવાનું છે એ પછી તું કહે તોય તને પિયર નહીં જવા દઉં. આઈ લવ યુ.” એણે મને જોશભેર છાતીએ વળગાડી હતી અને એ પહેલીવાર હતું જ્યારે આલોકનો સ્પર્શ મને ગમ્યો હતો. એ આલિંગનમાં ભારોભાર ઉષ્મા હતી, સ્નેહ હતો. મારા દીલને હાલ કદાચ એની જ જરૂર હતી.
હું આંખો બંધ કરીને આલોકની છાતીમાં શાંતિ શોધી રહી હતી અને ત્યાં જ એણે કહ્યું, “કેદાર બિલકુલ સાચું કહેતો હતો. એણે મને કહેલું કે આ છોકરી ખૂબ લાગણીશીલ છે જેના પણ જીવનમાં જશે એને પ્રેમથી ભરી દેશે.”
મને સમજાયું નહીં કે આલોકની આ વાત પર હું શું જવાબ આપું. કેદારે મારા વખાણ કર્યા હતા! વાહ ભાઈ વાહ! જેણે પોતે મને ના કહી દીધી હતી એ જ માણસ એના પિતરાઇ નાના ભાઈને કહે છે કે એ ખૂબ સારી છોકરી છે, લાગણીશીલ છે. વાહ કેદાર હજી તારા કેટકેટલા નવા રૂપ મને જોવા મળશે?
“આપણા લગ્નના દિવસે એમને જોયા પછી એ ક્યાંય દેખાયા નથી. એ આપણા ઘરે નથી આવતા?” મેં આલોકની છાતી પરથી માથું હટાવી પૂછ્યું હતું.
“એ અહીંયા છે જ ક્યાં? એ તો આપણા લગ્ન માટે જ ખાસ બે દિવસની રજા લઈ આવેલો. એ ભાઈ તો હાલ એમની પ્રેમિકાને મળવા અધીરા થયા છે અને એટલે જ મુંબઈ ચાલી ગયા.”
આલોક બાપડાએ તો ખાલી કહેવા ખાતર કહ્યું હતું. એને શી ખબર કે એણે છેલ્લે કહેલાં વાક્યનો એક એક શબ્દ મારા દિલ પર કરવતની જેમ ફરી વળ્યો હતો.
માનવ સ્વભાવનીય આ એક કમજોરી છે, એને ખ્યાલ હોય કે અમુક સવાલનો જવાબ ભલે ગમ્મે તે હોય એ દુખ જ આપવાનો છે તોય એ તે સવાલ પૂછ્યા વગર નથી રહી શકતો. મેં આલોકને પૂછ્યું હતું, કેદાર તમારા મોટા ભાઈ થાયને તો પછી એમની પહેલા તમારા લગ્ન કેમ કર્યા?
“કેદાર મારો મોટો ભાઈ છે એ સાચું પણ સગો ભાઈ નથી ને. એ પાછો જીદ લઈને બેઠો છે કે પરણશે તો એની પ્રેમિકાને જ નહીંતર આખી જિંદગી કુંવારો રહેશે.
તો પરણાવી દો ને વાંધો શું છે? એ કોઈ બીજી નાતની છે? બીજા ધર્મની?”
“મને કશી જ ખબર નથી. ભાઈ કંઈ કહેતો પણ નથી. મને એવું લાગે છે કે એ બંને વચ્ચે કોઈ વાતે તણાવ ચાલી રહ્યો છે.”
તણાવ! મને એ શબ્દ ગમ્યો. કેદાર અને એની પ્રેમિકા વચ્ચે એ જ રહેવું જોઈએ. હંમેશા માટે નકરો તણાવ. પ્રેમ નામનું તત્ત્વ એમના સંબંધમાં ક્યારેય નહીં ઉમેરાય કેમ કે, કેમ કે...એવું કંઈ ત્યાં છે જ નહીં. જે પણ છે અણસમજ છે ફક્ત. મને કોઇકે બૂમ પાડી હતી. મારા કાકાજી આવી ગયા હતા અને હું મારો સામાન ભેગો કરવા લાગી.
“થોડા દિવસો બાદ અહીંયા જ પાછા આવવાનું છે એ ભૂલી ના જતી.” હું ડ્રેસિંગ ટેબલ પાસેથી મારો કાંસકો અને લિપસ્ટિક વગેરે લઈ રહી હતી ત્યારે આલોકે હસતા હસતા કહેલું. એની વાત જો કે સાચી હતી. આ બધું હાલ પિયર લઈ જવાની જરૂર નહતી. ત્યાં તો આવી બીજી કેટલીય વસ્તુઓ પહેલેથી જ પડી છે.
આલોક પથારીમાંથી ઊભો થઈ મારી નજીક આવ્યો હતો અને મને પાછળથી કમરેથી પકડી લીધી હતી. એ મને જતાં પહેલા એક કિસ કરવા ઈચ્છતો હતો. મારી એવી કોઈ ઈચ્છા નહતી અને એને રોકવો કેમ એની સમજ પણ નહતી. એણે મને ગુમાવીને એની સામે ફેરવી અને મારા હોઠ પર એના હોઠ એક આવેગ સાથે ભીડી દીધાં. ગઈ કાલે રાત્રે અમે હોઠો વડે જે કુસ્તી કરેલી એના નિશાન હજી મારા હોઠ પર હતાં. અત્યારે જેવું એ ભાગ પર અંકુરે જોર આપ્યું કે મારાથી એક હળવો ઉંહકારો નીકળી ગયો.
“શું થયું?”
“દુખે છે હોઠ પર.”
આમાં શું હસવા જેવું હતું અને તોય એ હસ્યો હતો. ક્યારેક એ મને સાવ બુધ્ધુરામ લાગતો. પુરુષોને આવી વાતોમાં એમની મર્દાનગી દેખાઈ આવતી હશે? સ્ત્રી પર જોર કાઢવું એને મર્દાનગી કહેવાય?
“તમને રોજ પીવાની આદત છે?” મને થયું કે હું પણ સાવ ડોબી જ છું. જે સવાલ છોકરી છોકરાને મળે અને પહેલી કે બીજી જ મુલાકાતમાં પૂછી લેતી હોય એ હું લગ્નના ત્રીજે દિવસે પૂછી રહી હતી.
“ના...હવે. એ તો મારા મિત્રો બધા હરામી છે સાલા. છેલ્લા બે દિવસથી લગ્નની પાર્ટીનું કહી કહીને મારા ગજવા ખાલી કરાવે છે. એમાં જ છાંટોપાણી લેવાઈ ગયેલું. પલંગતોડ પાન અને દેશી વાયગ્રા ને નામે સાલાઓ ખબર નહીં મને શું શું ખવડાવી ગયા.”
ઓહ એટલે બે રાતથી જે દુખ હું ભોગવી રહી હતી એને વિશે આ મહાશયને કંઈ ખબર જ નથી. એ તો દારૂના નશામાં હતા ઉપરથી ઉત્તેજના વધે એવી દવાઓ કે નુસ્ખા આજમાવીને આવેલા. જીવનની જે ઘડીઓ હંમેશા માટે યાદ રાખવાની હોય ત્યાં આલોકે એને દારૂના નશામાં વેડફી નાંખી હતી અને એને એનાથી કોઈ ફરક નહોતો પડતો. પત્ની સાથે પલંગ પર જે સુખ મેળવવાનું હતું એ તો હવે રોજનું થયું પણ મિત્રો સાથે આવી દારૂની મહેફિલ માણવાની મજા રોજ ક્યાં મળવાની હતી. એ સમયે પત્ની કરતાં મિત્રો સાથેની મજા એને મન વધારે જરૂરી હતી. ઠીક છે જા મેં તને માફ કર્યો. આમેય હવે મને કોઈના પર ગુસ્સો નહીં આવે કદાચ... મારા ગુસ્સા, મારી નફરતનું હવે એક જ શરનામું હતું...કેદાર!
******
હાશ, છેવટે હું સાસરીના ભારેખમ વાતાવરણની બહાર નીકળી આવેલી અને મેં એક ઊંડો શ્વાસ લીધો હતો. મારા કાકાજી ગાડી ચલાવી રહ્યા હતા અને હું પાછળ બેઠી બારી બહાર દોડી જતાં દ્રશ્યોની મજા માણી રહી હતી.
ઘરે એટલે કે મારા પિયરે પાછા આવતા જ એક શાંતિનો અહેસાસ થયો હતો. મારી બાએ આવતાની સાથે જ મારા માથે પાણી ભરેલો લોટો ફેરવી મને ગળે લગાડી હતી. મારી બે બહેનો દોડી આવીને મને વળગી પડેલી. બાપુની આંખોમાં મને જોતાં વેત ખુશીની ચમક આવી ગયેલી. હું એમને પગે લાગી હતી, એમણે મારે માથે હાથ મૂકેલો ને પછી હું અંદર ચાલી ગયેલી. રસોડામાંથી આવતી સુગંધ કહી રહી હતી કે કાકાજી માટે સરસ સરસ ભોજન તૈયાર હતું.
મારા રૂમમાં જતાં જ મને સૌથી પહેલી ઈચ્છા સાડી કાઢી નાંખવાની થઈ હતી. પછી વિચાર્યું કે કાકાજી જાય ત્યાર બાદ કપડાં બદલીશ. નવો ડ્રેસ કાઢવા મેં કબાટ ખોલ્યું તો સલોનીએ આપેલી ડાયરી પર મારી નજર ગઈ. મેં એને ઉઠાવી અને મન થઈ આવ્યું કે એમાં કઈંક લખું. શું લખું પણ?
મેં જ સલોનીને વચન આપ્યું હતું કે હું અહીં બધું સરસ જ લખીશ. મારા જીવનની એવી પળો જે હું ફરી ને ફરી જીવવા માંગતી હોય એને અહીં આલેખીશ. મેં ઘડી આંખો બંધ કરી વિચાર કર્યો. મારા જીવનની ઉત્તમ પળ યાદ કરવાનો વિચાર કર્યો...ને મને એ રઘા કેદાર સિવાય બીજું કંઈ જ ના દેખાયું. મનમાં તો આવ્યું કે એને ગાળો દઉં પણ હું એમ ના કરી શકી. એ કોઈ બીજીને ચાહે છે, ચાહે છે ખરો પણ મને નહીં કોઈ બીજીને. મેં જેવું વિચાર્યું હતું, જેવા માણસની વરસો સુધી કલ્પના કરી હતી, જેના મારા જીવનમાં આગમનની ગાંડાની જેમ પ્રતિક્ષા કરી હતી એ આવ્યો તો ખરો, ખરા સમયે આવ્યો હતો પણ એ મને જણાવવા આવ્યો હતો કે એ મને નહીં કોઈક બીજીને ચાહે છે...
દિલમાં જાણે કોઈએ ખંજર ભોંકી દીધું હોય એવી પીડા મને થઈ રહી હતી. હું અહીં કેટલું તડપી રહી હતી એનો કેદારને લગીરે અંદાજ પણ નહીં હોય. મને એની પર દયા આવે છે. જ્યારે પણ સાંભળું કે એ કોઈ બીજીને ચાહે છે ત્યારે થાય છે કે કોઈક ભૂલ થઈ રહી છે. એને ખબર જ નથી કે પ્રેમ એટલે શું. એ જે ઉત્કટ પ્રેમની તલાશમાં છે તે એને મારા સિવાય બીજે ક્યાંયથી નહીં મળી શકે. એ દુનિયાની કોઈ પણ છોકરીને ચાહી લે, એની સાથે ગમ્મે એટલો પ્રેમ કરી લે એને ક્યારેય શાંતિ નસીબ નહીં થાય. એના પ્રેમની તરસ નહીં છીપાય, ક્યારેય નહીં છીપાય અને આ હું એને બદદુઆ નથી આપી રહી પણ મને જે સમજાઈ રહ્યું છે એ સત્ય આ જ છે. આજીવન હું તરસી રહીશ અને જેટલી તરસ હું ભોગવીશ એટલી જ એને પણ ભોગવવી પડશે. આવું કેમ થાય છે એ હું નથી જાણતી પણ એ જ સાચું છે એ મને સમજાઈ ગયું છે.
એ મૂરખ મને મળ્યો હોત, મારી વાત સાંભળી હોત, મને એક મોકો આપ્યો હોત તો અમારી આજ નિરાળી હોત પણ એ મૂરખ નીકળ્યો એનું હવે શું થઈ શકે? એને એવો વહેમ છે કે એ કોઈ યુવતીને ચાહે છે, અનુજા નામની કોઈ રૂપાળી ઔરતને પ્રેમ કરે છે પણ એને એ નથી ખબર કે અનુજા સાથે આગળ વધ્યા બાદ, એની સાથે લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયા બાદ પણ એના દિલમાં જે પ્રેમ પામવાની તડપ છે એનો કોઈ ઈલાજ નથી થવાનો. એની એક મૂર્ખામીને લીધે એ અને હું તો તડપતા રહીશું જ પણ અમારી સાથે સાથે આલોક અને અનુજા પણ એમના જીવનમાં એ સુખશાંતિ નહીં પામે જેના એ લોકો હકદાર છે. આવું બધું કેમ કરતા બની ગયું એ હું નથી જાણતી અને જો કોઈ ઈશ્વર આ બધી લીલા કરતો હોય તો હું એને માનવાનો ઇન્કાર કરું છું.
એકવાર લગ્ન થઈ જાય પછી છોકરી સાસરી મૂકીને પિયર આવે ત્યારે પણ સાસરી જાણે એને વળગી રહે છે. એનો શણગાર, એનો ચહેરો વગેરે તો એના પરિણીત હોવાની ચાડી ફૂંકે જ છે એ સિવાય પણ તરત ધ્યાનમાં ન આવે ને એની હાજરી સતત મહેસુસ કરાવે એવા કોઈ રૂપે સાસરું એની આસપાસ જ ક્યાંક ફર્યા કરતું હોય છે. મારી ભાભીઓ, સખીઓ કેટલીક કાકીઓ અને મામીઓ બધીને મને જોઈ દાંત આવી રહ્યાં હતાં. હું જો સહેજ વાત ઉખેળું તો એ તમામ સ્ત્રીઓ બધી લાજ શરમ નેવે મૂકીને એમની સુહાગરાતના અનુભવ કહેવા લાગી જશે એવું એમના દાંત નીચે દબાયેલા હોઠ, માંડ કાબુમાં કરેલું સ્મિત અને આંખોના ચેનચાળા જણાવી રહ્યાં હતાં. અત્યાર સુધી કુટુંબની આ જ સ્ત્રીઓ મને એમની ખાનગી વાતો સાંભળવામાંથી બાકાત રાખતી હતી. ત્યારે હું નાની હતી અલબત એમને મન નાની હતી અને હવે લગ્ન થતાં જ એ બધાને મારી સાથે એમની ખાનગી વાતો કહેવાનો અને મારી ખાનગી વાતો જાણવાનો પરવાનો મળી ગયો હતો.
એ બધી સ્ત્રીઓ પાસે કેટલી બધી વાતો હતી. રાતના અંધારામાં ભરેલા કેટલા બધા ‘ઉંહકારા’ અને ‘આહ’ હતી. ક્યાંક નાનકડી રમૂજ અને અંતે મજા જ મજા હતી જ્યારે મારી પાસે... મારી પાસે કશું જ નહતું સિવાય એક ઊંડો અંધકાર અને પીડા. સવારે ઉઠતાં જ બાથરૂમમાં જવાની ઈચ્છા અને એ વખતે થતી કાળી બળતરા. પુરુષનો પહેલો સ્પર્શ, પહેલું ચુંબન, પહેલી વારનું મિલન એ બધું કલ્પનામાં જેટલું આકર્ષક અને સુંદર લાગે છે એવું હકીકતમાં નથી હોતું, મારી સાથે તો નહોતું જ. હા, જે લોકો પ્રેમમાં પડીને લગ્ન કરતા હશે કે જે લોકો એમના શારીરિક આવેગને સમાવવાની તીવ્ર ઇચ્છાથી વિજાતીય પાત્ર સાથે જોડાતા હશે એમનો અનુભવ અલગ જ હશે.
મારા લગ્ન કેદાર સાથે થયાં હોત તો? એનો પહેલો સ્પર્શ, પહેલું ચુંબન, મિલનની વેળા... આટલું વિચારતાય મનમાં એક ગલીપચી થઈ આવી અને પછી મને મારી પોતાની જાત પર ઘૃણા થઈ આવી. એને હું ગમ્મે એટલો ચાહતી હોઉં એ હવે મારા માટે પરપુરુષ હતો. એ, એનો પ્રેમ કોઈક બીજી સ્ત્રીની અમાનત હતું. મારા શરીર પર હવે મારા પતિનો હક હતો, આલોકનો હક હતો. જેણે ક્યારેય મને ચાહી નથી, મારા વિશે કદીયે વિચાર્યું પણ નથી એના સપનાં જોવાની મૂર્ખામી હું શા માટે કરી રહી છું?
સપનાં? સપનાં પછી ભલે એ જાગતી આંખે જોવાય કે બંધ આંખે એ જોવા પર માનવીનો કોઈ કંટ્રોલ હોય છે ખરા? હું આજે નક્કી કરું કે હવેથી કેદારને હું એવી રીતે ભૂલી જઈશ કે એ જાણે મારા જીવનમાં આવ્યો જ નહોતો, તો હું સાચે જ એને ભૂલી જઈશ? એને ભૂલવાનો છે, સાવ જ ભૂલી જવાનો છે એમ યાદ રાખીને પણ છેવટે તો હું કેદારને જ યાદ કરી રહી હતી.
મારા પ્રેમીની કલ્પનામાંથી મારે કેદારને હટાવીને આલોકને ફિટ કરવો હતો અને ખરેખર મારે એવું જ કરવું હતું. મેં એ માટેનો પ્રયત્ન પણ ક્યાં નહોતો કર્યો પણ એ દરેક વખતે મને યાદ રહેલું કે હું પ્રયત્ન કરી રહી છું, પ્રેમ કરવાનો પ્રયત્ન. આલોક જ મારો પ્રિયતમ છે એ વાતને પ્રયત્ન કરીને સ્વીકારી લેવાની હતી. પતિને પ્રેમી બનાવવા પ્રયત્ન કરવાનો હતો એ વાત હું કેમે કરીને ભૂલી નહોતી શકતી અને એટલે જ સ્વીકારી પણ નહોતી શકતી.
પ્રેમ એટલે અંતરમાંથી એની મેળે ફૂટી નીકળતું ઝરણું! એનો ધોધ આપણે જાતે, પ્રયત્ન કરીને કેમનો વહાવી શકીએ? કેદાર ને જોતાં જ મારા અંતરમને જે રીતે એનો સ્વીકાર કરી લીધો હતો એવો જ સ્વીકાર આલોકનો નહોતો થઈ રહ્યો. હું પ્રયત્ન કરતી પણ પરિણામ શૂન્ય જ રહેતું. મેં પાછી મારી જાતને સમજાવી હતી, થોડી છેતરવાની કોશિશ કરી હતી, એક નાકામ કોશિશ.
મારી બધી સખીઓ આગળ, મારી બધી ભાભીઓ આગળ કશું કહ્યા વગર શરમાઈને આંખો ઢાળી લેવાનું હું શીખી ગઈ હતી. એટલું કર્યા બાદ એ બધાની અંગત વાતો સાંભળવાના ત્રાસમાંથી પણ હું બચી ગઈ હતી.
પિયરમાં થોડા દિવસ રહ્યાં બાદ આલોક મને તેડવા આવેલો અને હું સાસરીમાં પાછી ફરેલી. હવે મારે અમારા સંયુક્ત કુટુંબમાં નહોતું રહેવાનું પણ આલોક સાથે જ શહેરમાં થોડે દૂર આવેલા એના, હવે અમારા, ફ્લેટમાં રહેવા જવાનું હતું. ત્યાંથી આલોકની ઑફિસ નજીક હતી. મને કોઈ વાંધો નહતો પણ મનમાં એક છુપો ડર હતો. જે કામ લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં ફક્ત રાતનાં અંધારામાં જ થતું હતું એ હવે રાત-દિવસ જોયા વગર ગમે ત્યારે થઈ શકશે. આલોક ઈચ્છે ત્યારે એની મનમાની કર્યા કરશે. હું એને રોકી શકીશ? મારે એને રોકવો શું કામ જોઈએ? કેમ કે એ સમયે હું ત્યારે તૈયાર ન હોઉં તો? હું ક્યારે તૈયાર હોઈશ? હું ક્યારે તૈયાર હોઈશ એ વાતનો મારી પાસે જવાબ નહોતો.
નવા ઘરમાં બે બેડરૂમ હતાં. ઘર સુંદર હતું. સાફસફાઇ કરવા એક બાઈ આવતી હતી. મારે રસોઈ સિવાય કંઈ કરવાનું નહતું. આલોક સવારે દસ વાગ્યે ઑફિસ જવા નીકળતો અને સાંજે સાડા છ પછી ગમે ત્યારે ઘરે પાછો ફરતો. નવા ઘરમાં, નવા વાતાવરણમાં હું ટેવાઈ રહી હતી. ઘરમાં મને ગમતા અમુક સુધારા વધારા પણ મેં કરી લીધા હતા. જીવનની ગાડી એના પાટા પર ચાલવી શરૂ થઈ ગઈ હતી. આમ જુઓ તો હું અને આલોક એક આદર્શ જોડું હતાં. અમારી વચ્ચે ક્યાંય કોઈ ઝઘડો નહોતો, આપસી તણાવ નહોતો. એ જે કહે એમ હું કરી લેતી અને મારી વાત એ માની લેતો હતો. જીવનના બધા જ દિવસો સુખરૂપ હતાં અમુક કલાકો અને રાતના અંધકારને બાદ કરતાં બધું સારું હતું.
અમારા જીવનમાં એક જ સમસ્યા હતી. મારી અને આલોક વચ્ચે નવા પરણેલા વચ્ચે એકબીજાની સોડમાં ભરાઈ જવાની જે તડપ હોય એવું કંઈ નહોતું. એ રોજ મારી પાસે આવતો, મારા આખા શરીરને સ્પર્શ કરતો, ચુંબનો કરતો, મારા નિર્વસ્ત્ર શરીર પર એના ઉઘાડા શરીરનું એક એક અંગ ઘસ્યા કરતો. એ કશુંક શોધ્યા કરતો હતો, કદાચ એક જીવતી જાગતી સ્ત્રી, જે એને ક્યારેય મળી નહતી અને પછી એ નિરાશ થઈ જતો હતો. ક્યારેક અડધેથી જ ઊઠીને એ કપડાં પહેરી પડખું બદલી સૂઈ જતો તો કયારેક મને સલાહ આપતો... થોડુંક ટાઈટ પકડ, તારો હાથ અહીં ફેરવ, મને કસીને બાથ ભર... હું એ જેમ કહે એમ કરી લેતી, હા હું કરી લેતી હતી એને રાજી રાખવા, પણ એને એનાથી સંતોષ નહોતો મળતો. નવા ઘરમાં રહેવા આવ્યાને એક અઠવાડિયું પૂરું થાય એ પહેલા તો એણે મારું એક નામ પાડી દીધું હતું, હિમશીલા. બરફ જેવી ઠંડી. મને એ નામ સ્વિકાર્ય હતું.
આલોકનું કહેવું હતું કે મારો સાવ મોળો કે ઠંડો પ્રતિભાવ જોઈ એનો બધો ઉત્સાહ માર્યો જાય છે અને એને પછી ઉત્થાન નથી આવતું. એ ક્યારેક દારુ પીને મારા પર ચઢી આવતો. ક્યારેક કોઈ નશીલી દવા કે મિત્રોએ સૂચવેલી કોઈ ટેબલેટ લઈ આવતો. એ વખતે અમારી વચ્ચે જંગલીઓ જેવો સમાગમ થતો. હું મારા પગ ફેલાવી એક નિર્જીવ પ્રાણીની જેમ પડી રહેતી અને એ કોઈ રાની પશુ એના મારક પર તૂટી પડ્યો હોય એમ એની ભૂખ ભાંગતો. મને એનોય કોઈ વાંધો નહોતો. જનાવર હોય કે માનવ એને ભૂખ લાગે ત્યારે એની ભૂખ સંતોષાવી જોઈએ. કોઈ ભલા કેટલા દિવસ ભૂખ્યું રહી શકે. એક બે દિવસની આ વાત નહોતી આ તો આખા આયખાની વાત હતી. સમાજે એને હક આપ્યો હતો મારી પાસે આવી એની ભૂખ મિટાવી જવાનો. એ કંઈ ગલત નહોતો કરતો. હું આલોકને રોકતી નહીં, એ જેમ ઈચ્છે તેમ કરી લેવા દેતી અને તોય એ ખુશ નહોતો...
મારી ભૂખ મરી ચૂકી હતી. હું જીવીત હતી છતાં મને ભૂખ નહોતી લાગતી, જરાક પણ નહીં અને આલોક એને લીધે જ અકળાઈ ઊઠેલો. કોઈકને દિવસમાં ચાર ભૂખ લાગે તો કોઈકને ચાર દિવસે એકવાર, મને ભૂખ જેવું કંઈ અનુભવાતું જ નહતું તો હું શું કરતી? એ કેટલાક વિડીયો મને દેખાડતો, સ્ત્રી અને પુરુષના મિલનના વિડીયો અને મને એના જેવું કરવાનું કહેતો. હું એ ફિલ્મની હિરોઈન જેવું નાટક કરવા મારી જાતને તૈયાર કરી લેતી અને એવું નાટક કરતીય ખરા છતાં એ બૂરું માની જતો. એને તરત ખ્યાલ આવી જતો કે હું નાટક કરી રહી છું! એનો મૂડ ખરાબ થતો એ જોઈ મને પણ દુખ થતું પણ હું શું કરું એ જે સ્ત્રીને મારામાં શોધી રહ્યો હતો એને હું પણ તો શોધી રહી હતી. એ સ્ત્રી જે એના પતિને કામાતુર થઈને વળગી પડે એ મારામાં કદાચ નહોતી, પહેલા ક્યારેક હશે તોય હવે એ નહોતી. એની ગેરહાજરીમાં આલોકને મારામાં કોઈ રસ નહોતો. લગ્નને એક વરસ પૂરું થતાં પહેલા જ એણે મારામાંની એ સ્ત્રીને જગાડવાના તમામ નાકામિયાબ પ્રયત્નોને રજા આપી દીધી હતી. અમે લડતાં નહોતા, ઝઘડતા નહોતા, અમે દુખી નહતા, અમે સુખી નહોતા એવું પણ નહતું અને તોય જિંદગી જીવવવાનો જે રોમાંચ હોવો જોઈએ, જે એક ચાર્મ હોવો જોઈએ એ ધીરે ધીરે ખતમ થઈ રહ્યો હતો. આલોક કદાચ એવું નહોતો વિચારતો પણ મને હવે જિંદગી નિરસ લાગી રહી હતી...
હું ક્યાંક મારા મનમાં મને દોષિત માનતી હતી. આલોકની જિંદગી મારા લીધે ખરાબ થઈ રહી છે એવું મને લાગતું અને હું કશું જ કરી નહોતી કરી શકતી. એ મારી પાસે આવતો, એનો શર્ટ ઉતારતો, મને મારું ટોપ હટાવવાનુ કહેતો અને પછી મારા અંગો પર એનો પ્રેમ ઢોળવા લાગતો. હું દિલથી ઈચ્છા રાખતી હતી કે એનો પ્રેમ મારા શરીર પર ક્યાંક ઝીલાય. મારા શરીર પર કોઈ એક એવો પોઈન્ટ મળી આવે જ્યાં મારા પતિનો સ્પર્શ પામી મારામાં સૂતી પડેલી પેલી કામુક સ્ત્રી બેઠી થઈ જાય પણ એવું નહોતું થતું. એનો પ્રેમ જાણે એક પથ્થર પર ઢોળાઈને વ્યર્થ વહી જતો હતો. એ મારા શરીરને અડતો, મને તરત ખ્યાલ આવી જતો કે એ મને ઉત્તેજિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને એ જ પળે હું વધારે ને વધારે જડ થઈ જતી. મારું શરીર અક્કડ થઈ જતું. હું આલોકને માટે કોઈ કામની ન રહેતી, એનો મૂડ મરી જતો અને પછી અમે બંને એક જ પલંગ પર પાસપાસે સૂતા પડ્યા રહેતા. એકબીજાને અડવાનું કે વાત કરવાનું પણ મન ના રહેતું. મારે એને હજાર વાર સોરી કહેવું હોય પણ હું બોલી ના શકતી. એને મને હજાર ગાળો દેવી હશે પણ એ ચૂપ રહેતો. આખો દિવસ મૂંગી બની રહેતી ઘડિયાળની ટક-ટક પછી એ વેરાન રાતોમાં સંભળાવા લાગતી અને મને અહેસાસ થતો કે હું હજી જીવું છું. શા માટે જીવું છું? ખબર નથી.
******
ઈશ્વર! મને એવું લાગતું કે ઈશ્વરને આખી દુનિયામાં એક માનવ નામનું પ્રાણી જ ખૂબ રસપ્રદ લાગે છે અને એટલે જ જ્યારે પણ એને નવા નવા પ્રયોગ કરવાનું મન થાય ત્યારે એ માનવો પર અખતરા કરે રાખે છે. હું ભગવાનમાં માનું છું કે નહીં એ વાત વધારે મહત્વની નથી, મહત્વનું છે કે એ મને ક્યારેય એમને ભૂલવા નથી દેતા. મારું આખું જીવન, હું સમજણી થઈ ત્યારથી લઈને આજ સુધીનું મારું જીવન આમ જુઓ તો કોઈ કુશળ લેખકની પ્રયોગશાળા જેવું રહ્યું છે.
મારો પરિવાર જ જોઈ લો. હંમેશા કોટનની સાદી સાડી સેફ્ટીપિન માર્યા વગર પહેરતી મારી બા. એને મન દુનિયા એટલે અમારું ઘર અને ત્યાંથી બહાર નીકળીને મારા મોટા બાપુને ત્યાં જતાં જે ચાર ઘર રસ્તામાં આવતા એટલું જ. એનાથી વિશેષ કશું જ જાણવાની એને કોઈ જરૂર નહોતી જણાતી. ગામના પાદરે આવેલા શિવાલયમાં જઈ દર્શન કરી લેતા એને ચારધામની યાત્રા કરવા જેટલું સુખ મળી જતું. મનના એક છાના ખૂણે એ સ્ત્રી મને ક્યારેય ગમી નથી. હું એના જેટલી નીરસ ક્યારેય ના બની શકું. આખો દિવસ ઘરકામ કરવું અને ક્યાંક થોડી નવરાશ મળી જાય તો માળા ફેરવવા બેસી જવું. અમારા ઘરના કેટલાક મામૂલી નિર્ણય લેવામાં પણ એને મારી મોટી બાને પૂછવા જવું પડતું.
મારા બાપુ. દુનિયાના સૌથી સીધા અને સરળ માણસ. એમના મનમાં જરાય કપટ નહીં અને એમના મોટા ભાઈ માટે ભારોભાર આદરભાવ. એમના મોટાભાઈ એટલે કે મારા મોટા બાપુ જે કહે તેમ કરી નાંખવા માટે જ એ જાણે જીવીત હતા. રોજ સવારે અને સાંજે ખેતરે જઈ એક ચક્કર મારી એ ઘરે આવી જતા. ત્યાંનું બધું કામ પછી મારા મોટા બાપૂ જોઈ લેતા અને મારા બાપુ આરામ કરતા. અમારા વાડામાં લીંબડી નીચે હંમેશા એક ખાટલો ઢાળેલો જ રહેતો. એ ખાટલો જ એમનું સર્વસ્વ હતું. ત્યાં બેઠા બેઠા કે આડા પડ્યા ચલમ પીધા કરતા અને જાણે કોઈ ગહન વિચારમાં હોય એવું મોઢું બનાવી રાખ્યા સિવાય મેં ભાગ્યે જ એમને કોઈ બીજી અવસ્થામાં જોયા છે.
મારા બાબાપુનું જોડું એક આદર્શ જોડું કહી શકાય. એ બંને એક સરખા જ હતાં- સાદા, સરળ અને નિષ્ક્રિય. એમની વચ્ચે ભારોભાર પ્રેમ હતો કે સમજણની માત્રા હદથી વધારે હતી એ કહેવું જરાક મુશ્કેલ છે. એ ક્યારેય લડતાં નહીં. તરત જ બંને એકબીજાની બધી વાતે સહમત થઈ હતાં. બધી જ વાતે. જ્યારે હું નાની હતી અને મારી બે બહેનો જનમી નહોતી એ વખતના કેટલાક છૂટાછવાયાં દ્રશ્યો મને હજી યાદ છે. બપોરના સમયે હું ઓશરીમાં બેઠી મારા રમકડાથી રમી રહી હોઉં, માટીના વાસણોમાં ખાલી ખાલી રસોઈ બનાવી રહી હોઉં અને મારી રસોઈ તૈયાર થઈ જાય ત્યારે નાની બે ઈંચની થાળીમાં થોડાંક પાંદડા ભરી હું મારી બાને મારી એ રસોઈ દેખાડવા જતી ત્યારે એ ક્યાંય દેખાતી નહીં. હું આખા ઘરમાં એને શોધી વળતી અને પછી અમારા ઘરના છેલ્લા ઓરડામાં મને કઈંક અણસાર આવતો. ઝીણો ઝીણો સળવળાટ સંભળાતો. હું એ બંધ બારણે ઊભી રહી બે બારણાં વચ્ચેની તિરાડમાંથી અંદર નજર કરતી ત્યારે મારા બાપુને મારી બા પર ચઢીને બેસી ગયેલા જોઈ મને નવાઈ લાગતી. મને થતું કે બાપુ કેમ મારી બાને મારી રહ્યા છે? હું જોતી કે બા રડતી નહોતી, ક્યારેક એ હસતી દેખાતી તો ક્યારેક બાપુની છાતી પર હાથ ફેરવતી રહેતી. હું કશું જ ના જોયું હોય એમ ત્યાંથી ચાલી જતી અને પછી એ દ્રશ્ય ભૂલી જવાતું.
ઘણી વખત રાતના મારી ભેગી સૂતેલી બા અચાનક ગાયબ થઈ જતી. મને એ સમયે ડર લાગી જતો અને હું મારા ખાટલામાં બેઠી થઈ બા, બાની બૂમો પાડવા લાગતી. ત્યારે બા લીંબડી નીચેથી આવતી દેખાતી. “શું થયું? અડધી રાતે આમ શેની બૂમો પાડે છે?” એમ કહી એ મને ધાબડો ઓઢાડી મારી બાજુમાં સૂઈ જતી. હું એને બાથ ભરતી અને ત્યારે મને ખ્યાલ આવતો કે બાના કબજાના ઉપરના એક સિવાયના બધા બટન ખુલ્લા હોતાં. એ બધું જ સવાર થતાં થતાં ભૂલી જવાતું. ધૂંધળી યાદ બની મનનાં કોઈ ખૂણે રદ્દી સામાનની જેમ ગોઠવાઈ જતું. પછી કોઈ વાર જેમ રદ્દી સામાનમાં મૂકેલી વસ્તુનું જરૂરી કામ આવી ચઢે અને આપણે બધો સામાન ઉપરતળે કરીને એ વસતુંને શોધીને બહાર કાઢીએ બિલકુલ એમ જ યાદોના પટારામાંથી એ ધૂંધળા દ્રશ્યો માનસપટ પર ઊભરી આવતા હતાં. થોડીક સમજણ આવી અને સ્ત્રી પુરુષ વચ્ચેનો ખાનગી સંબંધ સમજાવા લાગ્યો ત્યારે સૌથી પહેલા મને એ બપોરે બારણાની તિરાડમાંથી જોયેલાં દ્રશ્યો યાદ આવેલા. બાના કબજાના એક સિવાયના બાકી ખુલેલા બટનનું રહસ્ય સમજાયું ત્યારે હું સોળ વરસની થઈ ચૂકી હતી. એ વખતે પહેલા તો એ બધું ખૂબ ગંદુ લાગેલું. થતું હતું કે મારા બાબાપુ દુનિયાના સૌથી ખરાબ માણસો છે! ભલે આખી દુનિયા એવું કરતી હોય પણ એ બે જણે એવું નહોતું કરવા જેવું.
પાછું થતું કે મારી બે નાની બહેનો આવી એ માટે મારા બાબાપુની એ બધી ક્રિયાઓ જરૂરી હતી. એમનો ગુનો પછી મને થોડોક ક્ષમા આપવા જેવો લાગતો પણ મનથી હું નક્કી કરતી કે હું એવો ગુનો ક્યારેય નહીં કરું.
એ વખતે મારી શાળામાં મારી સાથે ભણતા અમુક છોકરાઓની મારી તરફ જોવાની દ્રષ્ટિ બદલાઈ હતી. જે પહેલા ખાલી મિત્ર હતાં અને નિર્દોષ ભાવે સાથે રમતા હતાં એ હવે જાણે હાથે કરીને મને અડવાની ફિરાકમાં રહેતા હતા. ક્યાંક હાથ પકડી લેવો, ક્યાંક મારા ગાલ પર હાથ ફેરવી લેવો વગેરે એ લોકો બિનજરૂરી જ કરતા. એક વાર તો અમે સૌ ભેગા મળી પક્કડ દાવ રમી રહેલા. હું ખૂબ તેજીથી ભાગી રહી હતી અને મારી પાછળ વિશાલ દોડી રહ્યો હતો. મેં હતું એટલું જોર લગાવીને ભાગવા પ્રયત્ન કરેલો અને તોય એણે મને પકડી પાડી હતી. એણે પાછળથી બે હાથ ફેલાવી મને કમરેથી પકડી લીધી હતી. હું પડતાં પડતાં માંડ બચેલી અને વિશાલ જાણે મને પડતી બચાવતો હોય એમ મને ઝાલીને ઊભો હતો. બધું બરાબર હતું, હું સખત હાંફી રહી હતી અને અચાનક લાગ્યું જાણે મારા ડાબી બાજુના સ્તન પર કંઇક થયું. વિશાલની આંગળીઓ મારા ડાબા અંગ પર ફરી રહી હતી અને એણે એ ભાગ દબાવ્યો હતો. મેં એની સામે જોયું હતું, એક લુંચ્ચું સ્મિત કરી એણે આંખ મારેલી અને મેં એને જોરથી ધક્કો મારી નીચે પછાડી મેલેલો. ત્યાં હાજર બીજા છોકરાઓ હસી પડેલા, કેટલીક છોકરીઓ જાણે નક્કી ના કરી શકતી હોય કે એમણે હસવું જોઈએ કે કેમ એમ એમના મોંઢા આગળ હાથ દબાવી મૂક પ્રેક્ષક બની રહેલી. વિશાલે નીચે પડ્યા બાદ હસતાં હસતાં કહેલું, “છત્રીસ ચોવીસ છત્રીસ.”
એની વાત સાંભળી ત્યાં હાજર બધા છોકરાઓ હસી પડેલા. મને એની વાત સમજાઈ નહતી પણ એ મારી મજાક ઉડાવી રહ્યો હતો એનો ખ્યાલ આવી ગયેલો અને મેં એને પગે એક લાત ફટકારી ગુસ્સાથી કહેલું, “ભોં###”
ત્યાં હાજર બધા મારું એ રૂપ જોઈ છક થઈ ગયેલા. અમારા પીટીના સાહેબ પણ ત્યાં આવી ગયેલા અને મને કહે, “છોકરી થઈને આવી ગાળ દેતા શરમ નથી આવતી?”
મેં તરત જ કહેલું, એણે મારી છાતી પર ફેરવ્યો!
મારું એમ કહી દેવું બધાની નજરમાં મારી મૂર્ખામી હતી. છોકરીઓની કોઈ છેડતી કરી જાય તો એમણે ક્યાં કયા અંગ સાથે શું કર્યું એ જાહેરમાં જણાવવાનું નથી હોતું. કોઈને કહેવાનું નથી હોતું. એણે બસ, ‘આણે મારી છેડતી કરી’ એટલું કહી ચૂપ રહી જવાનું હોય એ બધું મારી સમજની બહાર હતું. મેં જોયું કે મારી વાત સાંભળી ઘડીભર મારા શિક્ષકના ચહેરા પર જરાક મલકાટ આવી ગયો હતો. એમણે મારી છાતી તરફ, મારા ઉભરીને બહાર આવવા મથી રહેલા સ્તન પર એક નજર નાંખી, ના નાંખીને તરત બધાને, “ચાલો હવે હોબાળો મેલો અને ઘરે જાઓ, શાળા છૂટે પાંચ મિનિટ થઈ ગઈ તોય તમે બધા અહીં શું કરો છો?” એમ કહી વાત વાળી લીધી હતી.
વિશાલ ઊભો થઈ છોકરાઓના ટોળામાં ભળી ગયેલો. એ લોકો વચ્ચે હજી કઈંક કાનાફૂસી ચાલું હતી. મારા વર્ગની એક છોકરી મને કહે, “આવું સીધે સીધું ના કહી દેવાય આત્મજા.”
“કેમ ના કહેવાય? એ વિશાલડાને એવું કરતા શરમ ના આવી અને મારે કહેતા શરમાવાનું?” હું ગુસ્સામાં હતી અને રાડો પાડીને બોલી ગયેલી. છોકરીઓ સાથે જીવનના કોઈ ને કોઈ પડાવ પર આવી છેડતી થતી હોય છે એવું મેં સાંભળ્યું હતું પણ મારી પોતાની સાથેનો એ પહેલો અનુભવ હતો અને હું એ બધું સહન કરી લેવા જરાય તૈયાર નહતી. મારું ચાલત તો જમીન પર પટકી પટકીને એવો મારત એ નવરીનાને...
એ આખો દિવસ મને વારંવાર ગુસ્સો આવ્યા કરેલો. ઘડી ઘડી વિશાલ મારી છાતી દબાવી રહ્યો છે એ દ્રશ્ય મારી આંખો આગળ આવી જતું હતું. મને એ ક્ષણે ત્યાં પીડા થઈ હતી. મને સમજાતું ન હતું કે પુરુષોને આવી હરકત કરવાનું કેમ સૂઝતું હશે? એવું તે શું છે સ્ત્રીના સ્તનમાં કે એમને એને જોતાં જ હાથમાં પકડી દબાવી દેવાનું મન થઈ જતું હશે. ગંદા માણસો, છી...
એણે નીચે પડીને કંઇક કહ્યું હતું. હા, છત્રીસ ચોવીસ છત્રીસ! એની એ વાત સાંભળી ત્યાં હાજર બીજા છોકરાઓ પણ હસ્યા હતા. શું મતલબ થાય એનો? મારે એ ત્રણ આંકડાનો ભેદ જાણવો હતો પણ કોને પૂછવું એ બાબતે મૂંઝવણ હતી. મારી સાથે ભણતી બધી છોકરીઓ મારા કરતાંય ભોટ હતી. એમને આ બાબતે કશી ખબર નહીં હોય એની મને ખાતરી હતી. મારી બાને પૂછી જોઉં? મને પાછો બાળપણનો એ પ્રસંગ યાદ આવી ગયો જ્યારે મારી બાજુમાં સુવા આવેલી બાના કબજાના પહેલા સિવાયના બધા બટન ખુલ્લા હતાં. મેં એની ઉઘાડી છાતી પર હાથ ફેરવ્યો હતો. એ ભાગ સુંવાળો હતો, નરમ હતો બસ એટલું જ અને પછી મેં મારો હાથ ત્યાંથી હટાવી દીધેલો. બા જ્યારે લીંબડી નીચે બાપુ ભેગી સુવા જતી હશે શું બાપુ પણ વિશાલની જેમ જ મારી બાની છાતી...બાને દર્દ નહીં થતું હોય?
હું ભાગીને મારી બા પાસે ગઈ હતી. મારા મનમાં ગુસ્સા સાથે કંઇક નવું જાણી લેવાની ઉત્કંઠા જોર કરી રહી હતી. બા એના નિત્યક્રમ પ્રમાણે ઘરકામથી પરવારી માળા જપવા બેઠી હતી. મને જોઈ એણે સહેજ સ્મિત આપેલું. હું વિચારી રહી હતી કે વાત શરૂ કેવી રીતે કરું.
“આજે મારા વર્ગના એક છોકરાએ મારી છેડતી કરી. અમે બધા મેદાનમાં ભાગી રહ્યાં હતાં ત્યારે એણે મને પકડીને મારી,” હજી હું આગળ કંઈ કહું એ પહેલા મારી બાએ આવીને મારા હોઠ આગળ એનો હાથ આડો રાખી દીધો હતો.
“ચૂપ કર બેટા. એ બધું કહેવાનું ના હોય. આપણે રહ્યાં અસ્ત્રીનો અવતાર આપણે જ સાચવીને રહેવાનું. ક્યાંક કોઈ ઊંચનીચ થઈ જાય તો છેલ્લે આપણે જ ઝેર ઘોળવાનો વખત આવે.”
મને એ સમયે બા પર એટલો તો ગુસ્સો આવેલો. સ્ત્રી તરીકે જનમ લીધો એટલે શું? બધું અમારે સ્ત્રીઓએ જ સહન કરવાનું એવું કોણે કહ્યું? એવો નિયમ કોણે ઘડ્યો? મને એ મંજૂર નથી. એ વિશાલમાં કે અમારા વર્ગના એકેય છોકરામાં એટલી હિંમત નથી કે કોઈ પણ વાતે મારો મુકાબલો કરી શકે. હું એમના કરતાં ભણવામાં, રમતગમતમાં, શાળાની દરેક ઈત્તર પ્રવૃતિમાં આગળ હતી. ત્યાં ક્યાંય સ્ત્રી પુરુષનો ભેદ નહોતો નડતો તો અહીંયા શું બદલાઈ જતું હતું. સ્ત્રીને ભગવાને સ્તન આપ્યા છે જેથી એ એના બાળકને દૂધ પાઈ શકે એને જોઈ કેટલાક હલકટ પુરુષો ચેનચાળા કરે તો એમાં સ્ત્રીઓએ શા માટે ચૂપ રહેવાનું?
એ જ સમયે મને એક જૂની વાત યાદ આવી ગઈ હતી. હું જ્યારે પહેલી વખત માસિકમાં આવેલી ત્યારની વાત. એ દિવસે સ્કૂલમાં હું શિક્ષકે પૂછેલા સવાલનો જવાબ આપવા ઊભી થઈ હતી અને મને એવું લાગ્યું કે મારી પાછળ બેઠેલી છોકરીઓ અને બાજુની લાઇનમાં બેઠેલા કેટલાક છોકરાઓ હસી રહ્યાં હતાં. મારી બાજુમાં બેસેલી ગીતાએ મારો હાથ ખેંચી મને બેસી જવા કહેલું અને મને એમ કે હજી મારું બોલવાનું પૂરું નથી થયું અને આ કેમ મને નીચે બેસી જવાનું કહે છે. પહેલા લોકોના હસવાના અવાજ સાંભળી મને એમ કે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિધ્ધાંત વિશેના મારા વિચાર પર તેઓ હસી રહ્યાં છે પણ ના... મારા શિક્ષિકા બહેને વચ્ચે બોલવું પડેલું કે, શું થયું? અને ત્યારે જ મારી પાછળ બેઠેલી એક છોકરીએ કહેલું, “ટામેટું ફૂટ્યું!”
મને ‘ટામેટું ફૂટ્યું’ એટલે શું એ વિશે કોઈ જાણકારી ન હતી. ત્યારે હું સાતમાં ધોરણમાં ભણતી હતી. શિક્ષિકા બહેને કહેલું કે હું ઘરે ચાલી જાઉં. મને કશું જ સમજાઈ નહોતું રહ્યું. આખો વર્ગ મારા પર હસી રહ્યો હતો. મારી શિક્ષિકા પણ મારા અજ્ઞાન પર હસી રહી હતી અને હું એવું તો શું છે જે આ બધા જાણે છે અને હું જ નથી જાણતી એમ વિચારતી બેસી રહી હતી. મારી બાજુવાળી છોકરીએ પછી મારા કાનમાં કહેલું કે આત્મજા તને પિરિયડ્સ ચાલુ થઈ ગયા લાગે છે. જા ઘરે જતી રહે અને તારી બાને વાત કર.
સાચે જ મને પિરિયડ્સ વિશે કોઈ જ માહિતી નહતી. એ દિવસે સવારથી મને પેટમાં દુખી રહ્યું હતું. વર્ગમાં આવીને બેઠા બાદ પણ અચાનક જ પેટમાં ચૂંક આવતી હતી પણ મને એમ કે મટી જશે. હું ઊભી થઈ હતી અને મારું દફતર ખભે લટકાવી બહાર નીકળી ગયેલી. એ દિવસે હું ઘરે જઈ રહી હતી, મારી ચાલ રોજના જેવી જ હતી. મારા ચહેરા પર જરાય શરમ કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય એવા ભાવ નહોતા. કેટલાક લોકો જે મારી પાછળ ચાલી રહ્યાં હતાં એમણે થોડી ઝડપ વધારી, મારી આગળ નીકળી આવી મારી સામે જોયેલું અને પછી કશું કહ્યા વગર ચાલ્યાં ગયેલાં. એ વખતે મારી મોટીબા કોઈ કામે ઘરેથી બહાર નીકળેલા અને એમણે મને જોઈ બૂમ પાડેલી.
“તારું આખું ફરાક પાછળથી બગડયું છે ઝમકું તને હજી કંઈ ભાન જ નથી?”
એમની વાત સાંભળી ત્યારે મને ખ્યાલ આવ્યો કે વર્ગમાં હું ઊભી થઈ ત્યારે બધા કેમ હસી રહ્યાં હતાં. મેં મારું ફરાક પાછળથી સહેજ આગળ ખેંચી જોવાનો પ્રયત્ન કર્યો હતો, મારું માથું શક્ય એટલું પાછળ ગુમાવ્યું હતું અને ત્યારે જ પહેલી વાર સફેદ ગણવેશ પર લાલ ધબ્બો જોયો હતો.
એ દિવસે મારી મોટીબા મારી સાથે છેક મારા ઘર સુધી આવેલા અને એમણે જ મને માસિકધર્મ વિશે સમજાવેલું. એ મારી બાને એણે હજુ સુધી આ બાબતે કેમ મને કોઈ માહિતી નથી આપી એમ કહી વઢ્યાં હતાં. મારી બાનો જવાબ હતો કે એને એમ કે હું હજી નાની છું અને મને એની પર સખત ખીજ ચઢેલી. હું જ્યારે મારી નાની બહેનોને કોઈ કામ બાબતે ટોકતી ત્યારે મારી આ જ બા કહેતી હતી કે, ઝમકું હવે તું મોટી થઈ ગઈ, એ બંને હજી નાની છે. હું એમના રમકડાં લઉં ત્યારે પણ આવું જ કહેતી. હું બીજી વખત રસની વાડકી ભરું ત્યારે પણ બા મને શીખ આપતી કે બીજા બધાને બે વાડકી પહોંચી વળે એટલો રસ તપેલીમાં બચ્યો છે કે કેમ એ જોઈને મારે મારી વાડકી ફરી ભરવાની, હવે હું મોટી થઈ. મારા બાપુને અને મારી નાની બેનોને બે વાડકી રસ લેવાની છૂટ હતી અને મારે એ બધાનું થઈ જાય પછી કંઈ બચે એની રાહ જોવી પડતી. એ દરેક વખતે બાને યાદ રહેતું કે હું મોટી થઈ ગઈ છું અને માસિકધર્મ બાબતે સમજ આપવાની આવી ત્યારે અચાનક એને લાગ્યું કે હું હજી નાની છું!
મારી બામાં કદાચ એટલી શક્તિ જ નહતી કે એ મને સમજાવી શકે. મારા સવાલો પર એણે કદી વિચાર જ નહોતો કર્યો. મને જવાબ ના આપવો પડે એટલે જ એ મને દરેક વાતે ચૂપ રહેવાનું કહેતી. ક્યારેક ભગવાનના નામ પર, ક્યારેક ધર્મના નામે, તો ક્યારેક સ્ત્રી તરીકે જનમ લીધો એટલે મારે ચૂપ રહેવાનું. મારું મન કહે એ મુજબ મારે નહીં જીવવાનું એવું એ મને હંમેશા કહ્યા કરતી. મને એની એકેય વાત મંજૂર ન હતી. જરાય નહીં.
એ સમયે જ કદાચ મારામાં એક એવી નવી આત્મજાનો જનમ થયો હતો જેને દુનિયદારીની વાતો માથું હલાવીને માની નહોતી લેવી પણ એ બધું જ સમજવું હતું. મનમાં કેટલાય સવાલો હતાં પણ એ સવાલ પૂછવા જેવું એક્કે માણસ મારી આસપાસ નહોતું. મારી બા તો હરગીઝ નહીં.
એ વિશાલ વાળી ઘટનાનો પડઘો બે દિવસ રહીને મારા ઘરમાં પડેલો. મારા મોટાબાપુ અને મારો ભાઈ વિકાસ મારે ઘેર આવેલા અને એમણે મારા બાપુની હાજરીમાં મને બોલાવી કહેલું કે ઝમકું બે દિવસ પહેલાં તે શાળામાં એક છોકરાને માર્યો હતો અને ગંદી ગાળ આપેલી?
મેં હકારમાં માથું હલાવ્યું હતું અને વિશાલે મારી સાથે શું કર્યું હતું એ હું કહી જ દેત પણ ત્યાં જ મારી નજર મારી બા પર પડેલી અને એ એના હોઠ પર આંગળી મૂકી મને ચૂપ રહેવા ઈશારો કરી હતી. હું મન મારીને ચૂપ થઈ ગઈ હતી.
“આવી ગાળ તું શીખી ક્યાંથી હેં? સારા ઘરની છોડીઓ કદી આવી ગાળ બોલે? તે એને માર્યો એનો વાંધો નથી, ભૂલ કરે તો એકાદ ટપલી મારી દેવાય પણ ગાળો કદી નહીં. સમજાયું કંઈ?” મારા મોટાબાપુએ એમના હંમેશના કડક અવાજે કહેલું.
મેં માથું નમાવી ‘હા’ પાડેલી અને પછી ઘરની બહાર ચાલી ગયેલી. હજી તો હું ડેલાની બહાર જ પહોંચેલી કે મોટા બાપુનો ઘાંટો સાંભળાયેલો, “ભોં### તું શું કરતો’તો? કોઈ બેનને વતાવે ને તું,”
આગળનું એમનું કહેલું મને સંભળાયું નહોતું પણ મને ખબર પડી ગઈ હતી કે આવી ભારે ગાળ હું ક્યાંથી શીખી હતી!
હું નવમા ધોરણમાં ભણતી હતી ત્યારે આગળ ભણવા માટે ગામની સ્કૂલને બદલે કોઈ સારી મોટી શાળામાં દાખલો લઈ લેવો જોઈએ એવું મારા મોટાબાપુએ નક્કી કરેલું અને મને પછી શહેરની હોસ્ટેલમાં ભણવા મૂકી હતી.