"દેવી, દરેક આત્મા પોતાનું ભાગ્ય અને વૃત્તિ લઈને જન્મે છે. એક જ સૂર્યના કિરણો કમળને ખીલવે છે અને કાદવને પણ ગરમાવે છે. દોષ પ્રકાશનો નથી, સ્વભાવનો છે. વિરમન્યુ અને શિવમન્યુ બંને એક જ ક્ષણે જન્મ્યાં હતાં. બંનેમાં દેવશક્તિ વહેતી હતી. બંનેને સમાન ગુરુ મળ્યા હતા. બંનેએ સમાન શિક્ષણ મેળવ્યું હતું. પરંતુ બાળપણથી જ એમના માર્ગ જુદા હતાં.
શિવમન્યુનું હૃદય કરુણાથી ભરેલું હતું. સમુદ્રમાં ઘવાયેલું કોઈ પ્રાણી જોતા જ તે મદદે દોડી જતો. નાનામાં નાના જીવમાં પણ તે ભગવાનનો અંશ જોતો. જ્યારે વિરમન્યુ શક્તિમાં આનંદ અનુભવતો હતો. તે જળચરોને પીડા આપીને હસતો હતો. પોતાના બળનું પ્રદર્શન કરવું એ જ તેને ગમતું હતું. જે દિવસે તે કોઈને હરાવતો ન હતો, તે દિવસ તેને અધૂરો લાગતો હતો.
બંને ભાઈઓને એકસરખા વસ્ત્રો ગમતા, એકસરખું ભોજન ગમતું અને એકબીજા વિના ઊંઘ પણ આવતી ન હતી. પરંતુ જ્યાં શિવમન્યુ ભાઈને મિત્ર માનતો હતો, ત્યાં વિરમન્યુ શિવમન્યુને પોતાની શક્તિનો પડછાયો જ માનતો હતો.
સમય વીતતો ગયો. શિવમન્યુની અંદર જ્ઞાનનો પ્રકાશ વધતો ગયો. વિરમન્યુની અંદર અહંકારનો અંધકાર ઊંડો થતો ગયો. દેવગુરુઓએ અનેક વખત વિરમન્યુને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જે હૃદયમાં અહંકાર વસે ત્યાં ઉપદેશ ટકી શકતો નથી.
એક દિવસ એક નાનકડી માછીમાર બાળકી રમત રમતમાં વિરમન્યુને જાળમાં ફસાવી બેસી. એ ઘટનાથી સમગ્ર બ્રહ્માંડ હસી પડ્યું.પરંતુ વિરમન્યુ માટે એ અપમાન હતું. એના ક્રોધે આખી પૃથ્વી ધ્રુજાવી દીધી. ખેતરો ઉજડી ગયા. અનાજનો નાશ થયો. મનુષ્યો ભૂખથી મરવા લાગ્યા.અને ત્યારે પ્રથમ વખત શિવમન્યુને પોતાના ભાઈથી ભય અનુભવાયો.
તે સમજી ગયો કે,
‘આ શક્તિ જો ધર્મના માર્ગે નહીં વળે તો સૃષ્ટિ માટે પ્રલય બની જશે.’
વિરમન્યુ શેતાન સાથે મળીને પોતાના અંતિમ અને સૌથી ભયાનક કાવતરાને પૂર્ણ કરવા મથતો હતો. તેના મનમાં હવે માત્ર વિજય મેળવવાની ઇચ્છા નહોતી રહી; તે તો સમગ્ર માનવજાતિને જ પૃથ્વી પરથી મિટાવી દેવા માગતો હતો. તેને સ્યામંતક મણિનુ રહસ્ય સમજાય ગયું હતું. સ્યામંતક મણિનું તેજ સામાન્ય રત્ન જેવું નહોતું. તેમાં સૂર્ય જેટલી ઊર્જા અને બ્રહ્માંડના અનેક રહસ્યો સમાયેલા હતાં. પરંતુ જ્યાં દિવ્ય શક્તિનો ઉપયોગ કલ્યાણ માટે થવો જોઈએ, ત્યાં વિરમન્યુએ તેને વિનાશના માર્ગે વાળ્યો હતો. દિવસો સુધી ગુપ્ત સ્થળે રહી તેણે અને શેતાને મળીને એક ભયાનક અસ્ત્રની રચના કરી. અસ્ત્રનો આકાર જેમ જેમ પૂર્ણ થતો ગયો તેમ તેમ તેની આસપાસનો વિસ્તાર અંધકારમય બનતો ગયો. તેની અણીમાંથી નીકળતી શક્તિથી આકાશના રંગ બદલાઈ જતા અને ધરતીના ગર્ભમાં અજાણી ધ્રુજારીઓ અનુભવાતી. અંતે તે ક્ષણ આવી જ્યારે અસ્ત્ર સંપૂર્ણ રીતે તૈયાર થયું. અસ્ત્રની અણી પર સ્યામંતક મણિ ઝળહળી રહ્યો હતો. તેની અંદરથી નીકળતું તેજ એટલું પ્રચંડ હતું કે સામાન્ય મનુષ્ય તેની સામે આંખ પણ ખોલી ન શકે. વિરમન્યુએ અસ્ત્ર હાથમાં લીધું અને ગર્વથી હસ્યો,
"હવે કોઈ મને રોકી શકશે નહીં...!"
તેને અસ્ત્ર ચલાવવાની પણ જરૂર પડી નહીં.
માત્ર તેની અણી પૃથ્વીની દિશામાં ફેરવતાં જ સમગ્ર ધરતીમાં ધ્રુજારી ફેલાઈ ગઈ.
આમ યુધ્ધ કરતાં શિવમન્યુને પછાળી દીધો.
"ક્યાં ગઈ તારી તાકત!"
એમ કહેતાં ફરી એને શિવમન્યુને પછાળી દીધો.
ફરી ઉભા થતાં વિરમન્યુએ કહ્યું કે,
વિરમન્યુ : "તારી જીદ છોડી દે! પૃથ્વીમાં કોઈ મનુષ્ય બચશે જ નહીં. હવે હાર સ્વીકારી લે! પૃથ્વીમાં
માત્રને માત્ર શૈતાનોનું જ સામ્રાજ્ય રહેશે."
શિવમન્યુ: "તને શું લાગે છે, આ તારું હાડપિંજરોથી ભરેલું સૈન્ય જીતી જશે? શું અમને દેવોને આગળ વધતા આ તારું સૈન્ય રોકી શકશે?
વિરમન્યુ અંત્યત ગુસ્સામાં આગળ વધી રહ્યો હતો. એને
ઘણાં નિર્દોષ મનુષ્યોને માટીને ઘાટ ઉતારી દીધાં હતાં.
એનો ગુસ્સો આગની જેમ લાલચોળ થવા લાગ્યો હતો.
શિવમન્યુ : "આપણી માતા પૃથ્વી છે. પૃથ્વી પર રહેતાં બધાં મનુષ્યો આપણી માતાનાં સંતાનો છે. આમ કહું તો આ મનુષ્યો આપણાં ભાઈ-બહેન જ છે. તું ભાઈ થઈને તારાજ ભાઈઓનું અસ્તિત્વ છીનવી રહ્યો છે. આપણી મા આ ધરતીની રક્ષા હેતું પ્રકૃતિનું ઘ્યાન રાખવું એ આપણી સૌ પ્રથમ જવાબદારી છે. પરંતુ તું માનવ જગતને ન વિચારતા અસૂર જગતને વિચારી રહ્યો છે.
તારા આ વિચાર પર મને અંત્યત ગુસ્સો આવે છે.
તને ઘણું સમજાવુ છું છતાં તું સમજતો નથી ત્યારે એમ થાય છે કે, આ અસુર જગતને તારી સાથે જ આ
અસ્ત્રની આગની ઝપેટમાં લઇને નામશેષ કરી નાખું.
જે ધર્મમાં કપટ નથી કરતો એનું હંમેશા ભગવાન ભલું કરે છે. હવે તારામાંથી આ અસુર વૃત્તિ કાઢવી મને અશક્ય લાગે છે."
સમયની ગતિ સાથે વિરમન્યુનું અસુરત્વ ખુલ્લું પડવા લાગ્યું.તે મનુષ્યો સામે યુદ્ધો કરતો. દેવતાઓને લલકારતો. ગ્રહો પર વિજય મેળવવાની વાતો કરતો. અને આખરે રક્તથી સજેલા પોતાના રેડ ગ્રહમાં જઈ વસ્યો. ત્યાં લોહીની નદીઓ વહેતી હતી. હાડપિંજરોના પર્વતો ઊભા હતા. અને વિરમન્યુ એ મૃત આત્માઓને જોઈને ગર્વ અનુભવતો હતો.
તે ઘોષણા કરતો,
"હું મૃત્યુનો સ્વામી છું. હું ભયનો સર્જક છું.
એક દિવસ આખી સૃષ્ટિ મારી આગળ નમશે."
જ્યારે વિરમન્યુનો અત્યાચાર સીમા વટાવી ગયો ત્યારે દેવલોકમાં ચિંતા વ્યાપી ગઈ. મહાદેવે દેવસભા બોલાવી. વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર અને સર્વ દેવતાઓ ઉપસ્થિત રહ્યાં. ત્યારે શિવમન્યુના હાથથી સ્યામંતક મણિના તેજથી એક દિવ્ય મહાઅસ્ત્રની રચના કરવામાં આવી. તેનું નામ હતું, અગ્નેઅસ્ત્ર...!
આ અસ્ત્રમાં આઠ દિવ્ય ધારાઓ હતી. ચાર દિશાઓનું બળ. ચાર ખૂણાઓનું તત્વ. અને દેવતાઓની સંયુક્ત શક્તિ. મહાદેવ સ્વયં શિવમન્યુના ગુરુ બન્યા. તેમણે કહ્યું,
"હે પુત્ર, અસ્ત્ર ચલાવવું સહેલું છે, પરંતુ અસ્ત્ર ચલાવતાં પહેલાં કરુણાને જીવંત રાખવી કઠિન છે."
શિવમન્યુએ ફરી એક વખત વિરમન્યુ સમક્ષ આવી પોતાનું મસ્તક નમાવ્યું, કારણ કે તે હજુ પણ પોતાના ભાઈને બચાવવા ઇચ્છતો હતો. પરંતુ વિરમન્યુ યુદ્ધ જ ઈચ્છતો હતો. અને પછી આવ્યો તે દિવસ. જ્યારે બંને ભાઈઓ આમને, સામને ઊભા રહ્યા. એક બાજુ વિરમન્યુ, બીજી બાજુ શિવમન્યુ. એક બાજુ અહંકાર, બીજી બાજુ ધર્મ. એક બાજુ વિનાશ, બીજી બાજુ રક્ષણ. આકાશ કાળું પડી ગયું. સમુદ્ર ઉછળવા લાગ્યો. પર્વતો ધ્રુજવા લાગ્યા. દેવતાઓ નિઃશબ્દ બની ગયા.
વિરમન્યુ હસ્યો,
"આખરે આવી ગયો મારી સામે ઊભો રહેવા?"
શિવમન્યુએ શાંત સ્વરે ઉત્તર આપ્યો,
"હું યુદ્ધ કરવા નથી આવ્યો ભાઈ. હું તને પાછો લઈ જવા આવ્યો છું."
વિરમન્યુ ગર્જ્યો.
"મારે હવે કોઈ ભાઈ નથી. મારે માત્ર સામ્રાજ્ય જોઈએ છે."
એટલું કહી તેણે પોતાના અસુર સ્વરૂપને ધારણ કર્યું. તેનું શરીર પર્વતોથી પણ વિશાળ બની ગયું. એની આંખોમાંથી અગ્નિ વરસવા લાગ્યો.એના શ્વાસથી આકાશ ધ્રુજવા લાગ્યું. શિવમન્યુએ પણ પોતાનું દેવસ્વરૂપ પ્રગટ કર્યું. એના મસ્તક પાછળ સહસ્ત્ર સૂર્યનું તેજ ઝળહળવા લાગ્યું. હાથમાં અગ્નેઅસ્ત્ર પ્રગટ થયું.
પછી શરૂ થયું યુગો સુધી યાદ રહે એવું દ્વંદ્વયુદ્ધ. વિરમન્યુના પ્રહારો પર્વતોને તોડી નાખતા. શિવમન્યુના પ્રતિકારો સમુદ્રને શાંત કરી દેતા. એક પ્રહારે આકાશ ચીરી નાખ્યું. બીજા પ્રહારે ધરતી ધ્રુજાવી. એક ક્ષણે વિરમન્યુએ અગ્નિના સાગરો સર્જી દીધા. બીજી ક્ષણે શિવમન્યુએ પ્રકાશના વાવાઝોડાં ઊભાં કરી દીધાં.યુદ્ધ દિવસો સુધી ચાલ્યું. દેવતાઓ શ્વાસ રોકીને જોતા રહ્યા.
અંતે શિવમન્યુએ છેલ્લી વાર કહ્યું,
"ભાઈ, હજુ પણ પાછો ફરી જા. હું તને ક્ષમા અપાવી દઈશ."
પરંતુ વિરમન્યુનો અહંકાર હવે પર્વત કરતાં પણ મોટો બની ગયો હતો.
તે ગર્જ્યો,
"હું જ ભગવાન છું!"
એ શબ્દો સાથે જ શિવમન્યુએ અગ્નેઅસ્ત્ર પ્રગટ કર્યું. આકાશ અગ્નિમય બની ગયું. આઠ દિશાઓમાં જ્વાળાઓ ફાટી નીકળ્યાં. અગ્નેઅસ્ત્ર સીધું વિરમન્યુના હૃદયમાં પ્રવેશ્યું. એનું અસુર શરીર સળગવા લાગ્યું. એ ગર્જતો રહ્યો. લડતો રહ્યો. પરંતુ ધીમે ધીમે તેનું શરીર ઉત્તર ધ્રુવ તરફ ધકેલાતું ગયું. સમુદ્રનો ગર્ભ ખુલ્યો. અને વિરમન્યુ અગ્નિમાં સળગતો સળગતો સમુદ્રની અતળ ઊંડાઈમાં સમાઈ ગયો. પરંતુ મરતાં પહેલાં પણ તેણે એક ભયંકર વાણી સાથે ગર્જના કરી,
" પાંચ હજાર વર્ષનું આ સમયચક્ર પૂર્ણ થશે, અને હું ફરી પાછો આવીશ...!"
એના શબ્દો સાથે જ સમુદ્રનો એ ભાગ લુપ્ત થઈ ગયો. પૃથ્વી ઉપર ફરી શાંતિ છવાઈ ગઈ. પરંતુ ભવિષ્યમાં ફરી ઉદ્ભવવાના અંધકારનું બીજ સમુદ્રના તળિયે દટાઈ ગયું.
- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા' ✍️