વિક્રમએ રોયને પૂછ્યું અથર્વ વિશે કે તેણે અથર્વને કોઈ છોકરી સાથે જોયો છે પણ રોયએ ના કહી.
વિક્રમ આગળ બોલ્યો, પણ મેં આજ તેને એક છોકરી સાથે જોયો...મસ્ત હસી મજાક સાથે બંને આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા, મે કહ્યું હતું ને તીર નહિ તો ખંજર પણ હું શોધીને રહીશ, અથર્વના દિલના કટકા કરવા માટે. વિક્રમ અભિમાની અને શાતીર હાસ્ય સાથે બોલ્યો.
બોસ એક વાત કહું, પણ મને ખીજાતા નહીં. ગભરાઈને રોયએ સવાલ પૂછ્યો.
હંમમમ બોલ.
બોસ પાક્કું અથર્વ જ હતો? કોઈ બીજું પણ હોઈ શકે. રોય એકદમ ડર સાથે બોલ્યો.
રોય મને આંખે તાળા નથી, હું મારા દુશ્મનને પડછાયા પરથી પણ ઓળખી લઉ. વિક્રમ ગુસ્સામાં બોલ્યો.
બોસ તો શું કરવાનું છે આગળ, એ છોકરીને ઉઠાવી લઉ.
નહિ રોય....હવે જે કરીશ એ હું કરીશ. વિક્રમએ શેતાની મુસ્કાન સાથે કહ્યું.
વિક્રમએ મીરાનો બે દિવસ પીછો કર્યો અને મીરાની આખી દિનચર્યા વિશે જાણી લીધું.
એક દિવસ વિક્રમ બેઠો હતો તેની કારમાં મીરાની રાહ જોઈને અને તે જે મોકાની તલાશમાં હતો તેને તે મોકો મળી ગયો.
અનાથ આશ્રમમાંથી કોલ હતો, સામે છેડેથી એક મહિલા કહી રહી હતી, બેન આ રવિવારે તમે આશ્રમ આવશો? રિયા અને બીજા બધા બાળકોને તમારી યાદ આવે છે...તે વાતમાં મશગુલ હતી અને રીક્ષાની પણ રાહ જોઈ રહી હતી. તે આમ તેમ નજર કરી રહી હતી કે તેને કોઈ રીક્ષા દેખાય જાઈ.
તે તકનો લાભ લઈ, બહુ ચાલાકીથી વિક્રમ મીરાની પાછળ ઉભો રહી ગયો. મીરાએ વાત કરતા કરતા ઊંધા પગલે ત્રણ ચાર ડગલાં ભર્યા અને તે સીધી વિક્રમ સાથે ભટકાઈ.
મીરાનો ફોન ભટકાવવાની લીધે તેના હાથમાંથી છૂટી નીચે પડ્યો અને ફોન નીચે પડતા તૂટી ગયો. વિક્રમએ પણ જાણી જોઈને પડવાનું નાટક કર્યું.
આ... હહ્, વિક્રમએ ખોટી ચીસ પાડી.
વિક્રમ ઉભો થયો. મીરાએ તરત પૂછ્યું, તમે ઠીક તો છો ને?
વિક્રમએ સારા માણસ જેવું વર્તન કર્યું, અરે હા તમે ચિંતા ના કરો, હું ઠીક છું,....તમે તો ઠીક છો ને મિસ? વિક્રમ બની શકે તેટલું મીઠું બોલ્યો.
મીરાએ જવાબ આપ્યો, હા હું પણ ઠીક છું અને આગળ કહ્યું, સોરી મારું ધ્યાન જ ના રહ્યું.
વિક્રમ ફરી એકવાર એકદમ મીઠાશ ભેળવીને બોલ્યો, અરે મિસ તમારી ભૂલ નથી, તમે તો પીઠ કરી ઊભા હતા, મારું ધ્યાનના રહ્યું.
થોડીવાર બાદ વિક્રમએ મીરાનો ફોન જમીન પર પડ્યો જોયો, ફોન તૂટી ગયો હતો. તેણે જમીન પરથી ફોન ઉપાડ્યો અને બોલ્યો, આઇ એમ સોરી, મારી લીધે તમારો ફોન તૂટી ગયો. વિક્રમ અફસોસ કરતો હોય તેમ નાટક કરી બોલ્યો.
મીરાએ કહ્યું, હમમ, ફોન તો તૂટી ગયો, પણ કંઈ નહીં એ તો પાછો રિપેર થઈ જશે.
નહિ આ ફોન મારી લીધે તૂટ્યો છે. તો આનો ખર્ચો હું તમને આપી દઉં છું. વિક્રમએ પર્સ કાઢ્યુ અને તેમાંથી પૈસા કાઢતા બોલ્યો.
મીરાને વિક્રમ એક સારો વ્યક્તિ લાગ્યો એટલે તેણે ના કહી દીધી, ઇટ્સ ઓકે...થયા કરે. તમારે ખર્ચો દેવાની કોઈ જરૂર નથી તમે સારા માણસ છો જે પોતાની ભૂલ માને છે. અગર કોઈએ મારી સાથે ભૂલ હોવા છતાં, બત્તમીઝી કરી હોત તો હું તેની પાસેથી લડીને પણ ખર્ચો લઈ લેત. છેલ્લું વાક્ય મીરાએ મસ્તીમાં કહ્યું વિક્રમ પણ તેની મસ્તીમાં હસ્યો.
મીરાએ થોડીવાર પછી રીક્ષાને રોકી અને વિક્રમને કહ્યું ચાલો હું નીકળું. વિક્રમએ પાછું સોરી કહ્યું અને રીક્ષા વાળાને પરાણે ભાડું પણ આપી દીધુ, મીરાના ના પાડવા છતાં.
મીરાના ગયા બાદ વિક્રમ ખંધુ હસ્યો, ચલો પેલી મુલાકાત જેવી વિચારી હતી તેવી જ નીવડી.
અથર્વ તેના કેબીનમાંથી બહાર આવી બધા એમ્પ્લોયને કહયુ, તો ગાઈસ સ્ટાર હોટેલનું કામ ખતમ થવા આવ્યું છે, બધાએ ખૂબ મહેનત કરી છે અને આપણા ક્લાયન્ટ પણ આપણા કામથી ખૂબ પ્રભાવિત થયા છે.
આ પ્રોજેક્ટ ખતમ થવા આવ્યો છે, માટે આપણે હવે જે.બી મોલના પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરી દઈએ. જેથી આપણું સ્ટાર હોટેલનું કામ ખતમ થાય તે પહેલા આપણો જે બી મોલનો પ્રોજેક્ટ તૈયાર થઈ જાય અને હું ચાહું છું કે આપણે બધા તેટલી જ સિદ્દતથી આ પ્રોજેક્ટ પર પણ કામ કરશું.
અથર્વના કહ્યા પ્રમાણે પાછા બધા એમ્પ્લોય એકદમ દિલથી કામ કરવા લાગી ગયા.
આજે મિસ્ટર ચોપડા પણ આવ્યા હતા. તેમણે કહ્યું, અથર્વ તમે બહુ સરસ કામ કર્યું છે, ખરેખર તમારું કામ કાબીલે તારીફ છે. મને જરાય અફસોસ નથી તમને આ કંપની સોંપીને.
થેન્ક્યુ મિ.ચોપડા, પણ મારી કરતા વધુ મહેનત આપણા બધા એમ્પ્લોયસએ કરી છે, અથર્વ આ કહી રહ્યો હતો ત્યારે મીરાના દિલમાં કંઈ અલગ જ હલનચલન ચાલી રહી હતી, તે બસ અથર્વને જ જોઈ રહી હતી.
અચાનક અથર્વની નજર મીરા પર પડી, બંનેની નજર એક થઈ ગઈ. મીરાને શરમ આવી, તે આમથી તેમ નજર કરવા લાગી.
મીરા તેને જોઈ રહી હતી, તે જોયા બાદ અથર્વના દિલમાં પણ કંઈક અલગ અનુભવ થયો.
રવિવારનો દિવસ હતો, મીરા આજે આશ્રમ જવા માટે તૈયાર થઈ રહી હતી.
અથર્વ મીરાના ઘરના રસ્તેથી જઈ રહ્યો હતો કંઈક કામ માટે, થોડી વારમાં જ પેલો રસ્તો આવ્યો જ્યારે પહેલીવાર અથર્વ અને મીરાની મુલાકાત થઈ હતી.
કારની અંદરથી જ તે પેલી રાતના દ્રશ્ય યાદ કરી રહ્યો હતો, પણ આ ફેરી તેને ગુસ્સો નહોતો આવી રહ્યો. તે મીરાની એક એક હરકત યાદ કરતો હતો, કેમ મીરા તેને ખીજાઈ રહી હતી...જ્યારે મીરાએ તેને પહેલી વખત નજર ઊંચી કરી જોયો, ત્યારે તે કેવી વિચારોમાં ખોવાઈ ગઈ હતી અને તેના ચહેરા પર હલકી સ્માઈલ આવી હતી. તે બધું યાદ કરતો હતો અને માથું હલાવતા હસતા હસતા બોલ્યો, પાગલ છોકરી સાવ.
થોડીવાર બાદ તેણે ગાડી ચલાવી અને મેડિકલ સ્ટોર આવ્યુ. એક વખત કંપનીમાં મોડે સુધી કામ ચાલ્યું હતું, ત્યારે તે મીરાને તેના ઘરે ડ્રોપ કરવા આવ્યો હતો.
તેણે કાર ત્યાં ઉભી રાખી....થોડીવારમાં તેણે મીરાને આવતા જોઈ.
મીરાના હાથમાં ઘણો સામાન હતો...અથર્વની નજર તેના પર પડી.
મીરાના હાથમાં ઘણી થેલીઓ હતી, જે તે માંડ માંડ બે હાથમાં પકડી ચાલી રહી હતી. તેમાંથી એક થેલી નીચે પડી ગઈ મીરા તેને ઉપાડવા ગઈ, તેના લીધે બીજા હાથમાંથી બીજી થેલી પડી ગઈ. મીરાએ કંટાળીને મોઢું નાના બચ્ચાની જેમ બગાડ્યું.
અથર્વ દૂરથી મીરાને જોઈને હસી રહ્યો હતો, તે બોલ્યો, સાચ્ચે પાગલ છે આ છોકરી,.. થોડીવાર બાદ તે ગાડીમાંથી નીચે ઉતર્યો. મીરા હજુ સુધી થેલીઓ સરખી કરતી હતી, તે થેલી લેવા નીચે વળી હતી. સવારનો સમય હતો જેથી તડકો પણ પડી રહ્યો હતો. અથર્વ મીરાની સામે ઊભો રહ્યો, તેની પર તડકો પડતો હતો તે બાજુ. અથર્વના આડા ઊભા રહેવાથી મીરા પર છાયડો પડયો.
મીરાએ ઉપર નજર કરી ત્યારે અથર્વએ પૂછ્યું, મારી કોઈ હેલ્પ જોઈએ?
મીરાએ થોડીવાર સુધી અથર્વને જોયો.....મીરાએ માસુમ ચેહરો કર્યો. અથર્વ સમજી ગયો અને મીરાના હાથમાંથી બધી થેલીઓ લઈ લીધી.
અથર્વએ મીરાને પૂછ્યું, આટલો બધો સામાન લઈને ક્યાં નીકળી?
મીરાએ સામો સવાલ કર્યો, પેહલા તો તમે એમ કહો કે તમે અહીંયા શું કરો છો?
મારા કામ માટે જઈ રહ્યો હતો, તને જોઈ એટલે કાર ઉભી રાખી.......તું ક્યાં જઈ રહી છો? અથર્વએ પૂછ્યું.
હું અનાથ આશ્રમ જતી હતી. ત્યાંના બાળકો આજે મારી રાહ જોતા હશે. હું દર રવિવારે ત્યાં જાવ છું, પણ આજે એક પણ રિક્ષા નથી મળી રહી. આ રિક્ષાઓને મારી સાથે શું દુશ્મની છે કોને ખબર....આજ સામાન પણ એટલો બધો છે. મીરાએ નિસાસો નાખતા કહ્યું.
ચાલ હું તને ડ્રોપ કરી દવ છું ..........વધુ આવતા અંકે