લેખ:- દિવાળીની યાદો(સત્ય ઘટનાઓ પર આધારિત, સ્વજીવનનાં સંસ્મરણો)
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.
દિવાળી એટલે ફટાકડા. દિવાળી એટલે એકવીસ દિવસોનું વેકેશન. દિવાળી એટલે મઠીયા ને ચોળાફળી. બરાબર ને? પણ દિવાળીની ખરી મજા તો રંગોળી અને રાત્રે થતી દીપમાળા છે. રંગોળી અને ઘરનાં આંગણે તેમજ ઘરનાં દરેક ઉંબરે મૂકવામાં આવતાં દીવડાઓથી ઘરની આખી રોનક જ બદલાઈ જાય છે.
આવી જ કંઈક હતી મારી બાળપણની દિવાળી! વિવિધ પ્રકારનાં ફટાકડા ફોડવા, જેમાં તારામંડળ, કોઠી, ચકરડી, દોરી, પેન્સિલ ફૂલગર અને વિવિધ પ્રકારનાં બૉમ્બ તો ખરાં જ! એક કલાક દરરોજ માત્ર ફટાકડા ફોડવા પાછળ જતો.
અગિયારસનો દિવસ એટલે દિવાળીનો પહેલો દિવસ. આ દિવસ આવે એ પહેલાં દિવાળીનો બધો નાસ્તો બનીને તૈયાર થઈ જવો જોઈએ એવો મમ્મીનો આગ્રહ! તે સમયે તો દરેક જણાં એકબીજાનાં ઘરે મદદ કરવા જતાં. વણલખ્યો નિયમ જ બની ગયો હતો. પછી મારી મમ્મી અને બીજા ત્રણ ચાર ઘરનાં લોકોએ નક્કી કર્યું કે એકબીજાનાં ઘરે જઈને મદદ કરીએ એનાં કરતાં અલગ અલગ લોકોનાં ઘરે અલગ અલગ વાનગી બધાંની એકસાથે જ બનાવી દઈએ તો? એટલે કે જેનાં ઘરે મઠીયા બનાવવા જઈએ એનાં જ ઘરે બધાંનાં મઠીયા બનાવી દેવાનાં! પછી બીજા કોઈનાં ઘરે જઈને ઘૂઘરા બનાવવા બધાંનાં એકસાથે. આવી જ રીતે અન્ય વસ્તુઓ પણ અલગ અલગ ઘરે જઈને બધાંની બનાવી દેવી. બધાંને આ પ્રસ્તાવ ગમ્યો. પછી તો પૂછવું જ શું? ચાર દિવસમાં ચાર અલગ અલગ ઘરમાં બધો જ નાસ્તો બની જતો. આ સિવાય કોઈએ પોતાનાં ઘર માટે કંઈક અલગ બનાવવું હોય તો જાતે જ ઘરે બનાવી લેવાનું બાકી કોઈને ખોટું નહીં લાગે! બાકી રહ્યાં અમે છોકરાઓ! અમને મજા પડી જતી. એક જ ઘરમાં બધાં! વચ્ચે વચ્ચે મારે અને બીજી બે છોકરીઓએ કામમાં મદદ કરવા જવું પડતું. મોટી ખરી ને, બધાં કરતાં😂😂😂
તહેવારની મજાની સાથે સાથે સ્કૂલમાંથી આપેલું દિવાળીનું લેસન કરવાની પણ મજા આવતી. હા, ફરીથી નહીં વાંચો. બરાબર જ વાંચ્યું છે. લેસન કરવાની મજા આવતી. અમે લગભગ વીસેક છોકરા છોકરી ભેગા મળીને લેસન કરતાં. પાંચ પાંચ જણના ગ્રુપમાં વિષય વહેંચી લેતાં. દરેક ગ્રુપ પોતાનું લેસન પતાવી દે એટલે નોટ બીજાને આપી દે. આમ કરીને બહુ જ જલ્દીથી અમે લેસન પણ પતાવી દેતાં. સ્કૂલમાં રજા હોય કે ન હોય સાંજે બધાંએ બહાર બે કલાક રમવાનું એટલે રમવાનું! દિવાળી વેકેશનમાં આ મજા લેતાં પણ ખરાં અને નહીં પણ! અમુક જણાં મામાને ત્યાં જતાં રહેતાં અને અમુક જણાં કુળદેવી કે કુળદેવતાના દર્શને. તે સમયે કંઈ અત્યારની જેમ લાંબા લાંબા વિદેશપ્રવાસો કોઈ નહીં કરતું!
અમારાં ઘરે એક નિયમ હતો, 'જે દેહને તે દેવને'. એટલે કે ઘરમાં જે પણ કંઈ ખાવાનું બને એ જ્યાં સુધી ભગવાનને નહીં ધરાવાય ત્યાં સુધી કોઈએ એને ચાખવાનું પણ નહીં! આ બાબતે મારા પપ્પા બહુ કડક હતા. કોઈની હિંમત ન્હોતી થતી ભગવાનને થાળ ધરાવ્યાં વગર એક કોળિયો પણ મોંમાં મૂકવાની! કદાચ એટલે જ મારી રસોઈ સારી થાય છે. થાળ ધરાવવાની હોવાથી રસોઈ બનાવતી વખતે પણ એને ચાખી શકતાં નહોતાં. જેવી બને તેવી ખાઈ લેવાની! હું ક્યારેક પૂછી લેતી કે, "ચાખ્યા વગર કેવી રીતે ખબર પડે કે ખાવાનું બરાબર બન્યું છે?' તો મમ્મી પપ્પાનો એક જ જવાબ રહેતો, "ભગવાને જેવું ખાવું હશે એવું આપણી પાસે બનાવડાવશે." અને ખરેખર, ભાગ્યે જ ક્યારેક રસોઈમાં ગરબડ થતી. મોટા ભાગે રસોઈ સારી જ બનતી.
દિવાળીના પાંચ દિવસ પણ ઘરમાં આટલું બધું બન્યું હોય તો પણ જેટલી વાર ડબ્બામાંથી કાઢીને ખાવું હોય એટલી વાર ભગવાનને ધરાવવાનું, પછી જ ખાવાનું! કોઈક વાર કંટાળો આવી જતો. થોડી સમજણી(🙄🙄🙄) થઈ પછી વચલો રસ્તો કાઢ્યો મેં! સવાર પડે ને એટલે આખો દિવસ ચાલે એટલું એક થાળીમાં લઈને પપ્પા પૂજા કરતા હોય ત્યારે થાળ કરવા આપી દેવાનું. પછી બધું એક અલગ ડબ્બામાં ભરી દેવાનું. વારે ઘડીએ ભગવાનને ધરવું પણ ન પડે અને ખાવા પણ મળે. એ તો સમજતી થઈ પછી ખબર પડી કે વધારે બનાવવું પોષાય એમ ન હતું અને ગમે તેમ ખાઈએ તો માંદા પડાય અને ડૉક્ટરને પૈસા આપવા પડે. બંને રીતે આર્થિક નુકસાન જ વેઠવું પડે. ત્યારે મને પપ્પાની સમજદારી પર ગર્વ થયેલો.
પણ અમે ત્રણેય ભાઈ બહેનો માટે દિવાળીની ખાસ બાબત હતી નવાં કપડાં. દિવાળી પર અમને બે જોડી નવાં કપડાં મળતાં. આથી જ અમે દિવાળીની આતુરતાથી રાહ જોતાં. અત્યારે તો ખબર નહીં વર્ષે કેટલી વાર કપડાં લેતાં હોઈશું? પણ ત્યારે પપ્પાને પોષાય એમ નહોતું. વર્ષમાં બે જ વાર કપડાં મળે - દિવાળી વખતે અને વર્ષગાંઠ વખતે. બાકી નવાં કપડાં લેવાની વાત નહીં કરવાની.
દિવાળી તો ઘરે જ ઉજવવાની - એ અમારો નિયમ. દરરોજ રંગોળી હોય, પણ દિવાળીની રાત્રે મોડે સુધી જાગીને બીજા દિવસે નવા વર્ષની વધામણી કરવા ખાસ રંગોળી કરવામાં આવતી. નાનકડું ગામ એટલે રંગોળી ગમે એટલી મોડી પતે તો પણ અમે બધી બહેનપણીઓ ભેગી થઈને આખા ગામમાં રંગોળી જોવા નીકળી પડતી. કલાકેક ફર્યા પછી ઘરે જઈને સુઈ જવાનું. વહેલી સવારે ફરીથી ઉઠી જવાનું અને તૈયાર થઈને બેસી રહેવાનું😂😂😂.
પપ્પા કાયમ કહેતા કે, "નવા વર્ષે વહેલી સવારે એક ફ્ટાક્ડો ફોડીએ તો આખું વર્ષ સરસ જાય." પહેલાં તો હું નાનાં ફટાકડા ફોડી આવતી. પછી એક દિવસ મેં પપ્પાને કહ્યું કે, "પપ્પા, એક નાનો ફ્ટાક્ડો ફોડીએ તો વર્ષ સારું જતું હોય તો મોટો બૉમ્બ ફોડવાથી તો કોઈ મુસીબત જ નહીં આવશે ને? હું તો મોટો બૉમ્બ ફોડીશ." ત્યારબાદ કાયમ મેં બેસતાં વર્ષની વહેલી સવારે મોટો બૉમ્બ જ ફોડ્યો છે.
ઉપરાંત, નવા વર્ષના દિવસે દરેકના ઘરે જઈને વડીલોને પગે લાગીને આશિર્વાદ મેળવવા એ અમે તમામ સખીઓનો નિયમ હતો. કોઈકના ઘરેથી પૈસા આપતાં તો કોઇક નહીં આપતાં. પણ એનાથી અમને ફરક પડતો ન હતો. બધાનાં ઘરે જઈને આશિર્વાદ લેવાનાં એટલે લેવાનાં. તે વખતે નાનાં છોકરાઓને બે રૂપિયાથી વધારે કોઈ આપતું ન હતું. અમારે સૌ બહેનપણીઓ માટે તો એ બે રૂપિયા એટલે આખા વર્ષની ખુશી! જીવની જેમ સાચવીને રાખતાં અને જરુર પડે તો જ વાપરતાં.
ઉપરાંત, મમ્મી કાયમ રસાવાળું શાક હોય કે દાળ હોય એમાં આખું મીઠું જ વાપરતી. આજકાલ તો ખાસ જોવા નથી મળતું, પણ તે વખતે આખું બળદગાડું ભરીને આખું મીઠું વેચનાર આવતાં. બેસતાં વર્ષે આખું મીઠું લેવું એ શુભ શુકન માનવામાં આવતું. મોટા ભાગે બધાં આખાય વર્ષનું મીઠું નવા વર્ષનાં દિવસે જ ખરીદી લેતાં. આ મીઠું 'સબરસ' તરીકે ઓળખાય છે.
લાભપાંચમ પતે એટલે સામાન પેક કરી અઠવાડિયું મામાના ઘરે જવાનું! આ જ અમારો દિવાળી પ્રવાસ! ત્યાં જવાનું અમને એટલે ગમતું કે કોઈને પણ અમને ખીજવાવાનો હક ન હતો. ત્યાં બસ મસ્તી, ફટાકડા અને ખાઈ પીને મોજ કરવાની! મમ્મીના દાદી, જેમને અમે મોટા બા કહીને સંબોધતાં, એ અમને દરેક તહેવારનું મહત્ત્વ જણાવતી વાર્તાઓ કહેતાં. દરરોજ એક વાર્તા. બપોરે અચૂક સાંભળવાની જ!
દિવાળીમાં સ્કૂલમાંથી લેસન તો આપ્યું જ હોય! મોટા ભાગનું ઘરે જ પતાવી દેવાનું અને એકાદ વિષયનું મામાના ઘરે જઇને પતાવવાનું. ભણવામાં અને સ્કૂલનું લેસન કરવામાં આળસ કરવાની અમને પરવાનગી ન્હોતી. મમ્મી પપ્પા બંને આ બાબતમાં બહુ ચોક્ક્સ હતાં. મમ્મી બી.એ. બી.એડ. થયેલી અને પપ્પા ઈજનેર. એટલે બંને જણાં અમારાં ભણતર પર એટલો જ ભાર મૂકતાં. કદાચ એથી જ આજે અમે ત્રણેય જણાં ખૂબ જ સારી નોકરી કરીએ છીએ અને સરસ મજાની જીંદગી જીવીએ છીએ. જે કરકસર કરીને મમ્મી પપ્પા દિવાળી ઉજવતા હતાં એમાંની એક ટકા જેટલી પણ અમારે કરવી પડતી નથી.
આમ, બાળપણની મારી દિવાળી અનેક યાદોથી ભરપૂર હતી.
આભાર.
સ્નેહલ જાની