Letter to the student in Gujarati Letter by Tr Mrs Snehal Rajan Jani books and stories PDF | વિદ્યાર્થીને પત્ર

Featured Books
Categories
Share

વિદ્યાર્થીને પત્ર

લેખ:- વિદ્યાર્થીને પત્ર

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


પ્રિય વિદ્યાર્થી/વિદ્યાર્થીની,

નવાઈ લાગે છે ને આ પત્ર જોઈને? વિચાર આવે છે ને કે 'કોણે લખ્યો હશે? શું કામ લખ્યો હશે?' વગેરે વગેરે... ચિંતા નહીં કરીશ. ધ્યાનથી આ પત્ર વાંચજે. મનને એકદમ શાંત રાખીને, મગજ એકદમ સ્થિર રાખીને, કોઈ પણ જાતનાં વધારાનાં વિચાર કર્યા વગર આ પત્ર વાંચી જજે.

મને ખબર છે તને ભણવામાં બહુ રસ નથી. તને શું, કોઈને જ નથી. આજનું શિક્ષણ એ ગોખણપટ્ટી બની ગયું છે અને માર્કશીટનું કાગળ જીવનનું લક્ષ્ય મેળવવા માટેની ચાવી! છતાં પણ હજુ ઘણી બધી જગ્યાએ આ કાગળો કરતાં વ્યક્તિમાં રહેલ કૌશલ્ય પર વધારે ભાર મૂકવામાં આવે છે. 

તારું ભણતર કે પરિણામ જોઈને નાસીપાસ ન થઈશ. મને ખબર છે કે મોટા ભાગનાં માતા પિતા પોતાનાં બાળક પાસે એની ક્ષમતા કરતાં વધારે અપેક્ષા રાખતાં હોય છે. જે સિદ્ધિ પરિસ્થિતિવશ એઓ ન મેળવી શક્યાં એ મેળવવાની એમનાં બાળક પાસે અપેક્ષા રાખતાં હોય છે. આ માટે નાનપણથી જ બાળકને જરુર કરતાં વધારે ભૌતિક સગવડો પૂરી પાડે છે. બાળકને વધારે પડતું પંપાળીને રાખે છે. તારી સાથે પણ કદાચ આવું થતું હશે!

જો તુ આ પત્ર ધ્યાનથી વાંચે છે અને એને સમજવાનો પ્રયત્ન કરે છે તો આજથી જ એક નિર્ણય લઈ લે કે ક્યાં તો તારે જે બનવું છે તે જ તુ બનીશ, અને ક્યાં તો તારા માતા પિતા તને જે બનાવવા માંગે છે એ બનવા માટે તુ બનતાં તમામ પ્રયત્નો કરી છૂટીશ. પરંતુ જો આમાં નિષ્ફળતા મળે તો હિંમત હારી જઈને જીવને જોખમમાં નહીં મુકીશ. 

એક નિષ્ફળતા જીવનની દિશા નક્કી કરતી નથી. જો લક્ષ્ય સુધી પહોંચવામાં તારાથી બનતાં તમામ પ્રયત્નો કર્યાં બાદ પણ તને સંતોષકારક પરિણામ નથી મળતું તો સમજી જા કે આ તારું ધ્યેય છે જ નહીં. લક્ષ્ય બદલ અને આ નવું લક્ષ્ય તારી પસંદનું તેમજ તારામાં જે કૌશલ્ય છે એને સિદ્ધ કરતું હોય એનું ધ્યાન રાખજે. 

જો તને એવું લાગતું હોય કે તારામાં કોઈ જ આવડત નથી તો એ તારી પોતાની જાતને સમજવામાં સૌથી મોટી ભૂલ છે. દરેક વ્યક્તિમાં કોઈકને કોઈક આવડત હોય જ છે. પોતાની જાત સાથે વાત કર, પોતાની સુષુપ્ત આવડતને બહાર કાઢ અને એ જ આવડત સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવ.

તુ જાતે જ જુએ છે ને કે આજે ભણતરનાં ભારણથી થાકીને કેટલાંય અવ્વલ નંબરે આવતાં વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા કરી લે છે. આ આત્મહત્યા પાછળનું કારણ માનસિક તણાવ અને આપણી સતત બદલાતી રહેતી અને પ્રયોગાત્મક શિક્ષણ પદ્ધતિ છે. પણ આ બધું જોઈને તારે એ જ શીખવાનું છે કે ગમે તે પરિસ્થિતિ આવે તારે તારી જાતને માનસિક રીતે મજબૂત જ રાખવાની છે. ભલે હતાશ થાય, પણ નાસીપાસ તો ક્યારેય નહીં.

જ્યારે પરિસ્થિતિ કાબુ બહાર જતી લાગે ત્યારે શાંતિથી બેસીને આંખ બંધ કરી દેજે. બે હાથ જોડીને જે ભગવાનમાં તને શ્રદ્ધા હોય એમને પ્રાર્થના કરજે. એમની પાસે કશું જ માંગવાનું નથી. માત્ર પ્રભુ નામનું સ્મરણ જ કરવાનું છે. તુ જાતે જ અનુભવશે કે તને તારી સમસ્યાનો ઉકેલ મળી રહ્યો છે. 

એક શિક્ષક તરીકે હું કદાપિ એ સહન ન કરી શકું કે મારા દ્વારા ભણાવવામાં આવેલ બાળક નાસીપાસ થઈ જાય અને આત્મહત્યા કરવા જેટલું એક અત્યંત હીન પગલું ભરે. બાળક તો આત્મહત્યા કરી લે છે, પણ ત્યારબાદ એનાં માતા પિતાનું શું થાય છે એની તો એણે કલ્પના પણ કરી નથી હોતી. માતા પિતા હંમેશા બાળકનું ભલું જ ઈચ્છતા હોય છે. જો તારાથી તુ જે ભણે છે એમાં આગળ વધી શકાય એમ ન હોય તો શાંતિથી, ધીરજથી તારા માતા પિતાને સમજાવ. એમને તારી વાતમાં, તારામાં વિશ્વાસ થાય એવી સ્થિતિ ઊભી કર. વિશ્વાસ રાખ, એઓ તારી સાથે સહમત થશે જ!

બસ, આનાથી વધારે મારે તને કશું જ નથી કહેવું. આશા રાખું કે તને આ પત્ર વાંચ્યા બાદ એટલું સમજાઈ ગયું હશે કે આ મહામૂલું જીવન એક નજીવા કારણસર ત્યાગી ન દેવાય. સંસારનો ત્યાગ કરી સંત બની શકાય, પરંતુ આત્મહત્યા કરી ઈશ્વરે આપેલ જીવનને લાંછન ન લગાવી શકાય.


લિ.

પોતાનાં વિદ્યાર્થીની માનસિક મજબૂતાઈ માટે સતત પ્રયત્નશીલ રહેતી તમારી શિક્ષિકા,

સ્નેહલ જાની.


આ પત્ર આખાય ક્લાસનાં દરેક બાળકને પોતાની જગ્યા પરથી મળે છે. વાંચ્યા બાદ સૌ એકબીજાની સામે જુએ છે. કોઈકનાં ચહેરા પર એક ગજબનો આત્મવિશ્વાસ ઉભરી આવે છે, તો કોઈકની આંખોમાંથી લાગણીવશ અશ્રુધારા વહે છે.

બહારથી આ દ્રશ્ય  નિહાળી રહેલાં શિક્ષિકા સ્નેહલ જાણીજોઈને દસ મિનિટ પછી વર્ગમાં દાખલ થાય છે. કાયમ કડકાઈ દર્શાવતાં આ શિક્ષિકાથી હંમેશા ડરીને રહેતાં વિદ્યાર્થીઓ આજે એક ગજબનાં આત્મવિશ્વાસ સાથે ઉભા થયાં અને પોતાનાં શિક્ષિકાને લેખિતમાં વચન આપ્યું કે, "હું જીવનભર હિંમત દાખવીશ અને ક્યારેય આત્મહત્યા નહીં કરું.'

થોડી વાર માટે આખા ક્લાસમાં શાંતિ છવાઈ ગઈ અને પછી ફરીથી સૌ કોઈ અભ્યાસ પ્રત્યે ધ્યાનમગ્ન થઈ ગયા. હવે બાળકોને આ ટીચરનો ડર નહોતો, પણ એમનાં પ્રત્યે માન વધી ગયું હતું. 


આભાર.

સ્નેહલ જાની.