Cancer in Gujarati Moral Stories by Tr Mrs Snehal Rajan Jani books and stories PDF | કેન્સર

Featured Books
Categories
Share

કેન્સર

વાર્તા:- કેન્સર


લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


સ્મિત માથું પકડીને બેસી ગયો. એને સમજાતું નહોતું કે શું કરવું? છેલ્લાં ત્રણ વર્ષમાં એણે એનાથી બનતાં તમામ પ્રયત્નો કરી લીધાં, એની પાસે હવે આર્થિક રીતે પણ લગભગ કશું બચ્યું ન હતું. 

ત્રણ વર્ષ પહેલાં એની વ્હાલસોયી પત્ની માહીને બ્રેસ્ટ કેન્સર નિદાન થયું. આમ તો એવા ઘણાં કિસ્સાઓ છે જેમાં આ કેન્સરથી પીડાતી સ્ત્રીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ છે, અને ફરીથી પોતાની નિયમિત જીંદગી જીવવા માંડી છે. આથી જ સ્મિત અને માહીને પૂરો વિશ્વાસ હતો કે માહી પણ આમાંથી સાજી થઈ જશે.

સ્મિતનાં માતા પિતા એ એક વર્ષનો હતો ત્યારે જ ગુજરી ગયેલાં. કોઈને ખબર નથી કે એઓ કઈ રીતે ગુજરી ગયાં. સ્મિતનાં કાકા એને શહેરનાં એક અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હતા. એ ત્યાં જ રહીને મોટો થયો, ભણ્યો, અને નોકરી મળતાં કંપનીએ આપેલ ઘરમાં રહેવા લાગ્યો. અઠવાડિયે એક વાર અચૂક અનાથ આશ્રમની મુલાકાત લેતો. એણે નિયમ લીધો હતો કે એનાં પગારનાં 25% એ દર મહિને આશ્રમમાં જ આપશે. એ નિયમિત રીતે આશ્રમમાં જઈને દર મહિને પગારનાં 25% આપી આવતો. આમ ને આમ દસેક વર્ષ વીતી ગયાં. હવે તો એ કંપનીમાં મેનેજર હતો. 

મહેનતુ અને ઈમાનદાર. આથી એણે નોકરી બદલવાની જરૂર જ ન પડી. એ સતત પ્રગતિ કરતો રહ્યો અને પોતાની મહેનતથી આજે આ મુકામે પહોંચ્યો હતો. 32ની ઉંમર વટાવી હોવાં છતાં લગ્ન થયાં નહોતાં. કોણ એને છોકરી શોધવામાં મદદ કરે? સગાં તો કોઈ હતાં નહીં! જે હતાં એમણે એક વાર પણ આશ્રમમાં જઈને સ્મિત વિશેની પૃચ્છા કરી ન્હોતી. 

આખરે એક દિવસ એને જીવનસાથીનાં રૂપમાં માહી મળી. એ અનાથ તો ન્હોતી, પણ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતી હતી. એની માતા ઘરે ઘરે જઈને વાસણ, કપડાં, કચરા, પોતા કરવાનાં કામ કરતી. એનાં પિતા એક કારખાનામાં મજૂરી કરતાં. માંડ ઘર ચાલતું હતું. છતાંય બંનેએ મળીને દીકરીને બી. એ. સુધી ભણાવી અને સંસ્કાર આપવામાં ક્યાંય કચાશ નહીં રાખી. 

સ્મિત જે ફ્લેટમાં રહેતો હતો, એની સામેનાં જ ફ્લેટમાં માહી બાળકોને ટ્યુશન કરાવવા આવતી હતી. એક બે વખત એ લોકો બાળકોને સ્મિતને ત્યાં મૂકી બહાર પ્રસંગમાં ગયા હતાં અને માહી બાળકોને ભણાવવા સ્મિતનાં ઘરે ગઈ હતી. આ રીતે બંને વચ્ચે ઓળખાણ થઈ. ધીમે ધીમે ઓળખાણ પ્રેમમાં પરિણમી. માહી પણ 27 વર્ષની તો થઈ જ હતી, કારણકે એમની ગરીબીને કારણે કોઈ એની સાથે લગ્ન કરવા તૈયાર નહોતું. 

પછી વાત માહીનાં માતા પિતા સુધી પહોંચી અને એમને પણ સ્મિત વિશે બધું જાણીને સ્મિત સાથે પોતાની દીકરીનાં લગ્ન કરાવવામાં કોઈ વાંધો લાગ્યો નહીં. પરસ્પર સમજૂતીથી કોર્ટમાં લગ્ન થયાં. સ્મિતની શરત મુજબ માહીનાં માતા પિતાએ માહીને કરિયાવર તરીકે માત્ર એક રૂપિયો જ આપવાનો હતો. 

બધું સુખરૂપ ચાલી રહ્યું હતું. લગ્નનાં પાંચ વર્ષ થઈ ગયાં. હજુ સુધી ઘરે પારણું બંધાયું નહોતું. પરંતુ એમને એની ચિંતા ન્હોતી. 'ભગવાનને મંજુર હશે તો આપણને બાળક આપશે' આમ વિચારીને એ બંને જીવી રહ્યાં હતાં. એક દિવસ અચાનક જ માહીએ સ્મિતને કહ્યું, "મને મારા ડાબા સ્તન પર ગાંઠ હોય એ રીતનું કંઈક કડક કડક લાગે છે." 

તાત્કાલિક ધોરણે સ્મિત એને ગાયનેક પાસે લઈ ગયો. બધાં રિપોર્ટ તપસ્યા બાદ ડોક્ટરે એમને કેન્સરનાં ડૉક્ટર પાસે મોકલ્યાં. ત્યાં ખબર પડી કે માહીને બ્રેસ્ટ કેન્સર છે. આ સાંભળીને પહેલાં તો બંનેને એવું લાગ્યું કે જાણે એમનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘરે પહોંચ્યા બાદ શું કરવું એ જ નહીં સમજાયું. પછી બંનેએ આ સાથે બેસીને આ રોગ વિશેની માહિતિ મેળવવાનું શરુ કર્યું. અને જ્યારે જાણ્યું કે આ રોગમાં ઘણી બધી સ્ત્રીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે, ત્યારે એમનાં મનમાં આશાનું એક કિરણ ઝબકી ગયું.

સ્મિત અને માહીએ ભવિષ્ય માંટે કરેલી બચતનાં રૂપિયા ઈલાજ માટે વાપરવાનાં શરુ કર્યાં. દરેક પડાવ સફળ જતો હતો. છતાં પણ કુદરતને શું મંજુર હશે ખબર નહીં, એક દિવસ અચાનક માહીની તબિયત અચાનક લથડી અને એ બેભાન થઈને પડી. કોઈને નહીં સમજાયું કે આવું શા કારણે થયું!

ફરીથી એનો ઇલાજ શરુ કરાયો. થોડાં રિપોર્ટ કરાવ્યાં. રિપોર્ટમાં ખબર પડી કે એની છેલ્લી વારની ટ્રીટમેન્ટ વખતે એને જે ઇન્જેક્શન અપાયા હતાં એમાં જે રસાયણ વપરાયા હતાં એની એનાં શરીરને એલર્જી હતી. પરંતુ આ વાતથી કોઈ વાકેફ જ નહોતાં. ક્યારેય આવો કોઈ રિપોર્ટ કરાવ્યો જ નહોતો! અને આ રસાયણ એનાં આખાય શરીરમાં ફેલાઈ ગયું હતું. 

ડોક્ટરે સ્મિતને કહી દીધું કે, "તમારી પત્ની હવે વધારેમાં વધારે એક અઠવાડિયું જીવશે, એ પણ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમનાં સહારે." માહીનાં માતા પિતા પણ ત્યાં જ હતાં. અંતે ત્રણેય જણાંએ ભેગાં મળીને નિર્ણય લીધો કે માહીને ઘરે લઈ જવામાં આવે, જેથી કરીને એ જીવનની અંતિમ ક્ષણો પોતાનાં ઘરમાં વીતાવી શકે. સ્મિત જાણતો હતો કે સાત દિવસ પછી માહી એને છોડીને કાયમ માટે જતી રહેશે. એની આખીય દુનિયા ખતમ થઈ જશે. એટલે જ આ સાત દિવસ માટે એણે ઓફિસમાં રજા મુકી દીધી અને માહી સાથે જ રહેવાનું નક્કી કર્યું.


આભાર.

સ્નેહલ જાની