Islamic Story in Gujarati Spiritual Stories by Amir Ali Daredia books and stories PDF | ઇસ્લામિક સ્ટોરી - 24

Featured Books
Categories
Share

ઇસ્લામિક સ્ટોરી - 24

ઈસ્લામિક સ્ટોરી 24

     ઘણી વિચારણા અને વિમર્શ કર્યા બાદ ઉમર સાદ અને શિમરે ઈમામ હુસૈનને છેલ્લી રાતની મોહલત આપવાનું સ્વીકાર્યું.
આ રાત નવમી મોહરમની રાત હતી.
આ રાત્રે ઈમામ હુસૈને સહુથી પહેલા પોતાના તંબુનો દીવો બુઝાવી નાખ્યો અને પોતાના બાકી બચેલા બોંતેર સાથીઓને અંધારામાં ભેગા કરીને કહ્યું.
"સાથીઓ આ દુશ્મનોને ફક્ત મારાથી જ ભય છે એટલે એ લોકો ફક્ત મને જ મારવા ચાહે છે.માટે તમે બધા જઈ શકો છો અંધારાનો લાભ લઈને તમે એક પછી એક અહીથી નીકળી જાઓ આ યઝીદી સેનાના લોકો કદાચ તમને જતા જોઈ લેશે તો પણ તમારો પીછો નહિ કરે." 
આમ કહ્યા બાદ હઝરત ઇમામ હુસૈન થોડીક વાર માટે એકદમ શાંત થઈને બેસી રહ્યા.
અને પછી ફરી એકવાર એમણે દીવો પ્રગટાવ્યો.
અને જોયુ તો તંબુમાં બોંતેરે બોંતેર સાથીઓ પોતાની જગ્યાએ એમને એમજ બેઠેલા હતા.
એક પણ સાથી પોતાની જગ્યાએથી હલ્યો પણ ન હતો.બધાની આંખો આંસુ સારી રહી હતી.
સહુથી પહેલા ઈમામ હુસૈનના ભાઈ હઝરત અબ્બાસ ઉભા થયા અને બોલ્યા.
"અમે તમને છોડીને કેવી રીતે જઈ શકીએ?તમારો જાન જોખમ હોય અને અમે અમારા પ્રાણ બચાવવા અહીંથી જતા રહીએ તો કયામતના દિવસે અલ્લાહને અને વાલીદને આમારો ચહેરો કઈ રીતે દેખાડીશુ?" 
ત્યાર બાદ ઈમામ હુસૈનના વફાદાર સાથી મુસ્લીમ ઇબ્ને અવસજા ઉભા થયા અને બોલ્યા.
"અલ્લાહની કસમ.હું જાણું છુ કે આ યુદ્ધમાં હું માર્યો જઈશ.પણ તમારા અને ઇસ્લામના માટે મારે સેંકડો વાર મરવું પડે તો હું મરીશ પણ તમારો દામન તમારો સાથ હું ક્યારેય નહીં છોડુ. ભલે આ લોકો મારી લાશને જલાવી દે મારી રાખને ઉડાડી દે." 
આ રીતે એક પછી એક સાથીઓએ ઝનૂન પૂર્વક મક્કમતાથી ઈમામ પ્રત્યે પોતાની વફાદારી પેશ કરી.પોતાના સાથીઓની અતુટ વફાદારી જોઈને ઈમામ હુસૈનની આંખોમાં આંસુ આવી ગયા સાથીઓનો આભાર માનીને એ લાગણી ભર્યા સ્વરે બોલ્યા.
"મેં દુનિયામાં ક્યાંય આવા બહાદુર અને વફાદાર સાથીઓ નથી જોયા.જે જાણે છે કે આ યુદ્ધમાં હારની સાથે સાથે મૃત્યુ પણ નિશ્ચિત છે છતા એ પીછે હઠ કે મારો સાથ છોડવા તૈયાર નથી."
ત્યાર બાદ તેમણે આધ્યાત્મિક દૃષ્ટિથી સમજાવ્યું કે આવતી કાલે જન્નતમાં તેઓનુ સ્થાન ક્યા ક્યા હશે.
તે આખી રાત ઈમામ હુસૈન.તેમના પરિવારજનો અને સાથીઓએ અલ્લાહ ની ઈબાદત.નમાઝ અને કુરઆનની તિલાવતમા ગુજારી.તંબુમાંથી ઇબાદત નો અવાજ મધમાખીઓના ગણગણાટ ની જેમ આવી રહયો હતો.
આ એ રાત હતી જેમા બધાએ સત્યની રાહમાં ખુશી ખુશી પોતાના પ્રાણ આપીને શહીદ થવાની તૈયારી કરી લીધી હતી.
દસમી મોહરમની સવાર થઈ.
અને યઝીદની સેનાના સેનાપતિ ઉમર બીન સાદ દ્વારા ઈમામ હુસૈનના તંબુ તરફ પહેલુ તીર છોડીને યુદ્ધની શરૂઆત કરવામા આવી.
અને યુદ્ધની જેવી શરૂઆત થઈ કે હઝરત હુર ઈબ્ને યઝીદ કે જેઓ યઝીદી સેનાના પહેલા સેનાપતિ હતા અને તેઓ જ ઈમામ હુસૈનને કરબલાના મેદાનમા લઈ આવ્યા હતા તેઓનુ અચાનક હૃદય પરિવર્તન થયુ.
એમને એવુ લાગ્યું કે અત્યારે અહલેબૈત ઈમામ હુસૈન જે પરિસ્થિતિમા છે એનુ મુખ્ય કારણ હું જ છુ.મેં તેમને અહી લાવવાના બદલે જો મદીના જવા દીધા હોત તો એમનો જીવ આમ સંકટમાં ના આવ્યો હોત.અને તેમણે તરત એક નિર્ણય લીધો કે હવે લડવુ તો ઈમામ હુસૈનના પક્ષમાં જ લડવુ.એ દોડીને ઈમામ હુસૈનના તંબુમાં દાખલ થયા અને ઈમામ આગળ મસ્તક ઝુકાવીને કહ્યું.
"મને માફ કરી દો મેં મારા જીવનની સહુથી મોટી ભૂલ કરી છે." 
ઈમામ હુસૈને એમને ગળે લગાવીને કહ્યું.
"તમે તો તમારી ફરજ બજાવતા હતા મને તમારાથી કોઈ શિકાયત નથી." 
અને ત્યાર બાદ હુર એકલા જ યઝીદની સેનાનો મુકાબલો કરવા મેદાનમાં કૂદી પડ્યા.અને બહાદુરીથી લડતા લડતા સહુથી પહેલા શહીદ થયા.ત્યાર બાદ યઝીદની સેનાએ સામૂહિક હુમલો કર્યો જેમા ઈમામ હુસૈનના ૩૮ જેટલા વફાદાર સાથીઓ શહીદ થઈ ગયા.