aadamkhor nu rahsya in Gujarati Thriller by Rupen Patel books and stories PDF | આદમખોર નું રહસ્ય : પ્રકરણ ૧૯

Featured Books
Categories
Share

આદમખોર નું રહસ્ય : પ્રકરણ ૧૯

આદમખોર નું રહસ્ય 
પ્રકરણ ૧૯: અચ્યુતનું પુનરુત્થાન (રાજાનો ન્યાય)
પ્રાચીન અવાવરૂ ગુફાની અંદર વાતાવરણ અતિશય રહસ્યમય અને ભવ્ય હતું. ગુફાની પથરાળ શિલાઓ વચ્ચેથી કુદરતી રીતે ફૂટી નીકળેલા ઠંડા પાણીના ઝરણાનો 'ખળ-ખળ' અવાજ અંધારામાં ગૂંજતો હતો. પ્રાકૃતિક શિલાઓ પર યુગો જૂની લીલ બાઝેલી હતી અને ગુફાની વિરાટ છત પરથી પાણીના ટીંપા ટપકી રહ્યા હતા. બહાર ખાબકેલા મૂસળધાર વરસાદ પછી ગુફામાં ફેલાયેલી ભીની માટી અને જળચર વનસ્પતિઓની સોડમ વાતાવરણને કોઈ અલગ જ અલૌકિક દુનિયાનો અહેસાસ કરાવી રહી હતી.
જમીન પર પડી ભાંગેલી ઈવા જે ચમકતી વિરાટ આંખો જોઈને ડરી ગઈ હતી, એ આંખો કોઈ અનાદિ ક્ષેત્રપાળ કે કોઈ ત્રીજા આદમખોર રાક્ષસની નહોતી!
ગુફાના મુખ પરથી પડેલા વીજળીના આછા પ્રકાશ વચ્ચે અંધારામાંથી બે આકૃતિઓ સામે આવી. એ બીજું કોઈ નહીં પણ ગીરનો સાચો ડાલામથ્થો 'અચ્યુત' અને તેની સિંહણ 'રાની' હતાં!
રાનીએ સીમડીની લડાઈ પછી ગંભીર રીતે ઘવાયેલા અચ્યુતને સુરક્ષિત રાખવા માટે આ પ્રાચીન ગુફાનો આશરો લીધો હતો. અચ્યુતના સોનેરી આળવાળા ગળામાંથી હજુય લોહીના ટશિયા ફૂટી રહ્યા હતા અને તેની તાકાત ક્ષીણ થઈ ચૂકી હતી, પણ પોતાના વિસ્તારમાં આવેલી માનવ-બાળકી ઈવાને ડરેલી જોઈને અચ્યુતના રોમ-રોમમાં જંગલની રાજશાહી ખુમારી પાછી જાગી ઊઠી.
ઈવાને પોતાના રક્ષણ હેઠળ જોઈને અચ્યુત પોતાની બાકી બચેલી તમામ શક્તિ એકઠી કરીને કાદવ અને લોહીથી ખરડાયેલી જમીન પર અડીખમ ઊભો થયો! તેની સાથે રાની પણ પોતાના તીક્ષ્ણ પંજા ખુલ્લા કરીને અચ્યુતની પડખે આવીને ઊભી રહી.
અચ્યુતે પોતાની ગરદન ઊંચી કરી અને ગુફાની શિલાઓ ધ્રૂજી ઊઠે તેવી મહા-ગર્જના કરી—‘ગ્ગગ્ગ... ઘુઉઉઉ... ત્રાડડીડીડી!’
એ ગર્જનાનો પ્રચંડ અવાજ ગુફાની એક-એક પથરાળ દીવાલો સાથે અથડાઈને બહાર સુધી ગૂંજી ઊઠ્યો.
અર્જુનસિંહ લોહીલુહાણ હાલત માં રાઇફલ સાથે ગુફાના દ્વાર પર દોડી આવ્યા હતા. ગુફાની અંદરનું આ દ્રશ્ય જોઈને તેમની આંખોમાં અશ્રુ અને અસીમ ગર્વ છવાઈ ગયા.
ઈવાએ શિવલિંગની પાસે ઊભા થઈને, અર્જુનસિંહ તરફ જોઈને આદર અને ભાવુક અવાજે કહ્યું:
"અર્જુન જુઓ! આ જંગલનો કાયદો છે... રાજા ક્યારેય પોતાના શરણમાં આવેલા માનવ પર આંચ નથી આવવા દેતો!"
અર્જુનસિંહે નીચું જોઈને વંદન કર્યા. "હા ઈવા, માણસે કાયદા તોડ્યા છે, પણ આ સાવજે આજે સાબિત કરી દીધું કે ગીરના સંસ્કાર કેટલા મહાન છે!"
પરંતુ ન્યાયનો ખેલ હજુ અધૂરો હતો.
ગુફાના બહારના મુખ પાસે, ઘેનની દવાથી પાગલ બનેલો આદમખોર 'ટારઝન' ગુફાની અંદર ઘૂસીને ઈવા પર તરાપ મારવા માટે ગર્જના કરી રહ્યો હતો. તેને લાગતું હતું કે ઘવાયેલો અચ્યુત હવે મરી ચૂક્યો છે.
પરંતુ અચ્યુત માટે આ માત્ર તેની ક્ષેત્રિય મર્યાદા બચાવવાનો પ્રશ્ન નહોતો, પણ જંગલના કાયદાનો ન્યાય કરવાનો સમય હતો!
અચ્યુત ગુફાની ઊંડાણમાંથી બહાર નીકળ્યો. સૂર્યોદયના પહેલા સોનેરી કિરણો અચ્યુતના ભવ્ય સોનેરી આળ પર પડ્યા. ઘવાયેલો હોવા છતાં, ગીરનો આ અસલી મહારાજા પોતાના ન્યાયિક ક્રોધ સાથે આદમખોર 'ટારઝન' પર કાળ બનીને તૂટી પડ્યો!
‘ધડામડીડીડી...!’
અચ્યુતે પહાડ તૂટી પડે તેમ ટારઝન પર છલાંગ લગાવી. બંને કદાવર સાવજો ગુફાની બહાર પથરાળ જમીન પર ગબડી પડ્યા. અચ્યુતે પોતાના સોનેરી પંજાથી ટારઝનની છાતી ચીરી નાખી અને પોતાના અણીદાર જડબા વડે ટારઝનની ગરદન ભીંસી લીધી. આદમખોર ટારઝન ચિટકારી ઊઠ્યો. અચ્યુતનો આ હુમલો જંગલના અસલી રાજાનો અંતિમ અને આખરી ન્યાય હતો!
માત્ર બે મિનિટની ઘમસાણ લડાઈમાં અચ્યુતે આદમખોર ટારઝનને પૂરો કરી દીધો. ટારઝનનું શરીર જમીન પર નિશ્ચેષ્ટ થઈ પડ્યું.
પરંતુ જંગલનો આ રોમાંચ અહીં પૂરો નહોતો થતો...
જેવો અચ્યુતે વિજયી ત્રાડ નાખી, તે જ ક્ષણે દૂર ઝાડીઓમાંથી એક સીટીનો તીવ્ર અવાજ આવ્યો અને એક સાથે દસ-બાર હથિયારબંધ કમાન્ડોનો ઘેરાવો ગુફાની ચારેય તરફ થઈ ગયો!
એ રાઠોડની જવાનોની ટુકડી નહોતી! એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્પેશિયલ 'ગીર રેસ્ક્યુ ટાસ્ક ફોર્સ'ના વડા અને સશસ્ત્ર કમાન્ડો હતા, જેઓની સાથે સમીર અને ભાનુ ભગત પણ હતા!
પરંતુ કમાન્ડોની બંદૂકો અચ્યુત તરફ તાકેલી હતી!
ટાસ્ક ફોર્સના કમાન્ડરે મોટેથી આદેશ આપ્યો: "ફાયર! આ ઘવાયેલા સિંહને પૂરો કરી દો, એ આદમખોર છે!"
"નહીં... અટકાવ તેમને અર્જુન!" ઈવાએ ચીસ પાડી.
શું અર્જુનસિંહ અને ઈવા પોતાની છાતી આડે ધરીને ગીરના આ અસલી વિજેતા રાજા 'અચ્યુત'ને સરકારી બંદૂકોની ગોળીઓથી બચાવી શકશે?