ઈસ્લામિક સ્ટોરી 26
બપોર સુધીમા ઈમામ હુસૈનના મોટા ભાગના સાથીઓ શહીદ થઈ ગયા હતા.
ઝહુરની નમાઝનો વખત થયો ઈમામ હુસૈનના એક સાથી અબુ સુમામા અદ સાઈદીએ આકાશ તરફ જોતા કહ્યુ.
"યા મૌલા.ઝહૂરની નમાઝનો સમય થઈ ગયો છે.અને મારી ઈચ્છા છે કે હું આપ ની પાછળ આ છેલ્લી નમાઝ અદા કરીને શહીદ થાઉ."
ઈમામ હુસૈને આકાશ તરફ નઝર કરી અને કહ્યુ.
"હા ખરેખર આ નમાઝનો સમય છે. અને તે અત્યારે મોતના સાયામા પણ નમાઝને યાદ કરી.અલ્લાહ તને નમાઝ પઢનારાઓમા ગણે."
યુદ્ધ ચાલુ હતુ અને ઈમામ હુસૈને યુદ્ધના મેદાનમાં જ નમાઝ પઢવાનુ નક્કી કર્યું. પણ યઝીદના સૈનિકોએ નમાઝ માટે યુદ્ધ રોકવા માટે સાફ ઈનકાર કર્યો.
છતા ઈમામ હુસૈન ચાલુ યુદ્ધે નમાઝ પઢવાનુ શરુ કર્યું.
ઈમામ હુસૈન નમાઝ પઢવા ઉભા થયા ત્યારે દુશ્મનોના તીરથી તેમને બચાવવા તેમના બે સાથી તેમની ઢાલ બનીને બીલકુલ તેમની સામે આવીને ઉભા રહ્યા.ઝુહેર ઈબ્ને કૈન અને અબ્દુલા અલ હનફી.એ બન્નેએ પોતાના હથિયાર હેઠા મૂકીને પોતાના શરીરને ઈમામ માટે ઢાલ બનાવી દીધુ.
યઝીદના સૈનિકોએ નમાઝ અદા કરી રહેલા ઈમામ હુસૈન ઉપર તીરોનો મારો ચલાવ્યો પણ ઝુહેર અને હનફીએ એ તીરોને પોતાની છાતી અને શરીર ઉપર ઝીલ્યા.અને તેમણે એક પણ તીર ઈમામ હુસૈનને લાગવા નહિ દીધુ.
ઈમામે નમાઝ પૂરી કરીને છેલ્લી સલામો આપી તેજ ક્ષણે એ બન્ને ઝખ્મી બહાદુરો જમીન ઢળી પડ્યા.ઝહૂર કંઈ બોલી ના શક્યા.પણ સઈદ બીન અબ્દુલાહ અંતિમ શ્વાસ લેતા બોલ્યા.
"યા ઈમામ.શુ હું મારી વફાદારી નિભાવી શક્યો છુ?"
ઈમામ હુસૈને આંસુ ભરી આંખે કહ્યુ.
"તુ જન્નતમાં મારી આગળ હોઈશ."
ઈમામ હુસૈને યુદ્ધના મેદાનમાં વરસતા તીરોની વચ્ચે નમાઝ અદા કરીને દુનિયાને દેખાડી આપ્યુ કે સત્યના માર્ગે ચાલનારાઓ ગમે તેવી વિકટ પરિસ્થિતિમા પણ અલ્લાહની ઇબાદત નથી છોડતા.
ઈમામ હુસૈનના વફાદાર સાથીઓ એક પછી એક શહીદ થઈ ગયા બાદ હવે ઈમામ હુસૈનના પરિવાર જનો યુદ્ધમાં ઉતરવા લાગ્યા.
ઈમામ હુસૈનની બહેન હઝરત બીબી ઝૈનબના બે પુત્રો વારા ફરતી શહીદ થયા.
ઈમામ હુસૈનના ભત્રીજા હઝરત કાસીમ જે ફક્ત તેર વર્ષના હતા તેમને દુશ્મનો એ ઘોડાની ખરીની નીચે કચડીને શહીદ કર્યા.
ઈમામ હુસૈનના અઢાર વર્ષના પુત્ર અલી અકબર કે જેઓ હુબહુ પયગમ્બર સાહેબ જેવા દેખાતા હતા તેઓ તરસથી વ્યાકુળ હતા છતા મેદાનમા સિંહની જેમ લડ્યા.યઝીદના એક સૈનિક મૂરેહ બીન મુંકીદે તેમની છાતીમાં ભાલો માર્યો ઘોડા ઉપરથી નીચે પડતા પડતા એમણે ઈમામને સાદ કર્યો.
"બાબા જાન.મારા આખરી સલામ."
ઈમામ હુસૈન દોડીને મેદાનમાં ગયા અને અલી અકબરની છાતીમાંથી ભાલો ખેંચી કાઢ્યો અને એ જ ક્ષણે અલી અકબર શહીદ થયા.
ઈમામ હુસૈનના તંબુમાં જે નાના બાળકો હતા એ તરસથી હવે તડપી રહ્યા હતા.ઈમામ હુસૈનના નાના ભાઈ હઝરત અબ્બાસ(અ.સ)યઝીદના સૈનિકો સાથે લડતા લડતા પાણી લાવવા ફુરાત નદી તરફ ગયા.
નદી કિનારે આવીને એમણે મશકમા પાણી ભર્યું.પોતે પણ તરસ્યા હતા છતા તેમણે ત્યા પાણી ન પીધુ.કારણકે તંબુમા બાળકો અને સાથે ઈમામ હુસૈન પણ તરસ્યા હતા.
એઓ પાણી ભરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે દુશ્મનોએ એક મોટા ઝાડ પાછળ છુપાઈને તેમની ઉપર હુમલો કર્યો. અને તેમના બન્ને હાથ કાપી નાખ્યા.
તેમણે છતા મશક પોતાના દાંતોમાં પકડી.રાખીને તંબુ તરફ દોટ મુકી.
તો દુશ્મનોએ પહેલા મશક ઉપર તીરો ચલાવીને મશકનુ પાણી વહાવી દીધુ અને ત્યાર બાદ હઝરત અબ્બાસની એક આંખમા તીર માર્યું.
હઝરત અબ્બાસ લાચાર બનીને આંખમાંથી તીર કાઢવા નીચે બેઠા તો એક પાપીએ તેમના માથા ઉપર ગદાનો જોરદાર વાર કરીને તેમને શહીદ કરી નાખ્યા.
હઝરત અબ્બાસની શહાદત પછી. ઈમામ હુસૈન હવે એકલા બચ્યા હતા.
તેમનો છ મહિનાનો પુત્ર અલી અસગર તરસથી બેભાન થઈ ગયો હતો.