Dhirgambhir in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ધીરગંભીર - ૧૦

Featured Books
Categories
Share

ધીરગંભીર - ૧૦

કિશનભાઇ સહેજ કડકાઈથી બોલ્યા એ અશોકને ન જ ગમ્યું જે દીનાબહેન સમજી ચૂક્યા હતા. એમણે ચર્ચા અધૂરી રાખી અને કહ્યું, "બેટા સાંજ થવા આવી તે જમ્યું નથી, હું તને ચા નાસ્તો આપું અને આંધણ પણ મૂકું! અત્યારે હવે આ વાત કરવી યોગ્ય નથી. આપણે ખોટા અંદરોઅંદર વિવાદ પર ઉતરી જશું."

મમ્મીનાં શબ્દો સાંભળી અશોક ઘડિયાળ તરફ નજર કરી ૫:૩૦ થઈ ચૂક્યા હતા. મનમાં જ મોહિતને યાદ કર્યો અને વિચાર્યું મારો દીકરો પણ જમ્યો નહી હોય! એ ભૂખ્યો હોય અને મારા ગળે જમવાનું કેમ ઉતરે?? એ બોલ્યો, "હું આવું થોડીવાર પછી તમે જમી લેજો હું આવીશ ત્યારે જમી લઈશ!" આવું કહી સડસડાટ ઘરની બહાર નીકળી ગયો. 

કિશનભાઇ અને દીનાબહેન બન્ને એને જતા જોઈ રહ્યાં. આજ દીનાબહેનને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું. એમણે એક તીરછી નજર પોતાના પતિ તરફ કરી અને રસોડામાં જતા રહ્યા.

અશોક દરિયાકાંઠે જઈને બેઠો. એનું મન ખૂબ વ્યાકુળ હતું, દરિયાના મોજામાં આવતા ઉછાળા જોઈ એને પોતાના જીવનમાં આવનાર તોફાન નજરે દેખાઈ રહ્યું હતું. મોહિત અને ચેતનાની ચિંતા એને ખૂબ થઈ રહી હતી અને એમાં મમ્મી પપ્પા એ પોતાને અંધારે રાખ્યો એ વાત ભીતર સુધી એને ડંખી રહી હતી. સૂર્યાસ્ત થતો એ એકનજરે જોઈ રહ્યો. થોડી જ વારમાં અંધકાર ચોતરફ એનું સામ્રાજ્ય ફેલાવી રહ્યું. આકાશમાં ચંદ્ર અને તારા ઝગમગવા લાગ્યા! અશોક હજુ એમ જ સ્થિર નજર કરી બેઠો હતો. ત્યાં જ અચાનક એને ઉધરસ ઉપડી, પાણીની તરસ એને અત્યંત લાગી, એ ભારે કલેજે ઘર તરફ વળ્યો, એના પગલા અચાનક અટક્યા. એને યાદ આવ્યું ઘરે હવે જઈ શકાય એવી પરિસ્થિતિ નથી એ ફરી પોતાના પપ્પાના ઘર તરફ વળ્યો. મન ત્યાં જવા પણ રાજી ન્હોતું જ, છતાં એને અત્યારે ત્યાં જવું પડે એવી લાચાર સ્થિતિ એની હતી.

અશોક એના પપ્પાના ઘરે પહોંચ્યો, અશોકને જોઈને એના મમ્મી અને પપ્પાના જીવમાં જીવ આવ્યો. દીનાબહેન એને જોઈને તરત બોલ્યા, "બેટા ક્યાં જતો રહ્યો હતો? તારી કેટલી ચિંતા થતી હતી!"

અશોક ચુપ રહ્યો એણે જોયું, હજુ બન્નેએ જમ્યું નહોતું. એને અત્યારે ચૂપ રહેવું જ ઠીક લાગ્યું. દીનાબહેને બધા માટે થાળી પીરસી અને બધા જમવા બેઠા. અશોકે જમવા ખાતર જમ્યું અને એ પથારીમાં આડો પડ્યો. ત્યાં જ ફોનની રિંગ વાગી, એણે જોયું કે ચેતનાના ભાઈનો ફોન છે. શું કહેવું એ ચિંતામાં એણે ફોન જ ન ઉપાડ્યો! 

અશોક ફરી એના પપ્પા પાસે ગયો અને કહ્યું, "આપણી વાત જે અધૂરી રહી એ મને કહો."

"અમે ઋષિબાપુને એમની ઈચ્છા મુજબ રૂપિયા આપ્યા. એમણે જે વિધિ કરવાની હતી એ એમણે કરી. સમય જતા એમણે કહ્યું એ મુજબ તારે ત્યાં પુત્રરત્નનો જન્મ થયો! અમે ખૂબ ખુશ હતા. હું અને તારી મમ્મી બન્ને ઋષિબાપુની વાત કરી રહ્યા હતા એ બધી વાત ચેતના સાંભળી ગઈ. એણે સાંભળ્યું અમે એની જાણ બહાર ચેતનાને જળ પીવડાવ્યું હતું. એ ખૂબ ગુસ્સામાં આવી અને અમારી સાથે ખૂબ ઝઘડી. એ દિવસે તું ઓફિસ પર ઓવરટાઇમ પર હતો. એ વાત તારા સુધી ન પહોંચે એ માટે અમે ફરી ઋષિબાપુ પાસે ગયા. એમણે કહ્યું, 'ચેતના ક્યારેય આ વાત તમારા પુત્રથી નહી છુપાવે, જો તમે કહો તો મંત્રથી હું તમારી વહુને બાંધી આપું જેથી એ આ વાત ક્યારેય તમારા પુત્રને નહી કહે અને તમારા ઘરમાં કોઈ ક્લેશ આ વાતના લીધે નહી થાય!' 

હું ખુદ એ સમયે ખૂબ શરમ અનુભવતો હતો કે તને ખબર પડશે તો તું શું વિચારીશ? એક જૂઠ છુપાવવા ફરી જુઠ ચલાવ્યું. મેં બાપુની વાત માન્ય રાખી. એમણે કહ્યું, આ જળ ફરી ફ્કત ચેતનાને જ આપજો, એ કઈ કહેશે નહી. અને આ મંત્ર ના એમણે પચીસ હજાર લીધા. તારી મમ્મીએ સંજોગ જોઈ ફરી ચેતનાને એ પાણી પીવડાવી દીધું. ચેતના એના ગુસ્સા પર કાબુ મેળવી ચૂકી એટલે એમને ખાતરી થઈ ગઈ કે, બાપુના મંત્રથી એ બંધાઈ ચૂકી હતી. પણ... "

"પણ.. શું પપ્પા? તમે કેમ અટકી ગયા?"

"પણ.. ચેતના એમ વિચારી ચુપ હતી કે પહેલા એના પિયર વાત કરશે અને પછી એ લોકોના સાથ સાથે તને જણાવશે એ આવું વિચારી ચુપ હતી."

"તમને એના મનની વાત કેમ ખબર પડી?"

"એ બે ત્રણ દિવસ પછી મોહિતને ઊંઘાડી રહી હતી અને બોલી રહી હતી કે, 'તારા બા અને દાદાને તો બરાબરનો પાઠ ભણાવવો છે એ મને પીવડાવે છે ને!!! જો આ બધું તારા નાના નાનીને સાથે રાખી તારા પપ્પાને કહેવું છે. મને એકલી પાડી હું સાચી હોવ છતાં મને ખોટી સાબિત કરે છે. હંમેશા મને પરેશાન કરે છે. હવે એના કરતૂત મારે તારા પપ્પા સામે લાવવા જ છે.' ચેતના આમ બોલી એ સાંભળી અમે બંને ડરી ગયા! કારણ કે બે લાખ અને પચીસ હજાર ની રકમ નો હિસાબ તને આપવો પડે! અને આ રકમ અમે તારી મમ્મી અને ચેતનાની સોનાની બંગડી વેચી ભરપાઈ કરી હતી. આથી એ બંગડી ક્યાં ગઈ એ વાત પણ તારી સામે છતી થાય અને ઘરમાં હું અને તારી મા બધાની નજરમાં પડી જઈએ."
અત્યંત સંકોચ અને શરમ સાથે કિશનભાઇ નીચી નજર કરી બોલ્યા.

"પપ્પા આ શું વાત કરો છો? તમને બંગડી વિશે ખબર હતી? તમે એ દિવસે બધું જાણતા હતા છતાં તમે ચેતના માટે એક શબ્દ પણ ન બોલ્યા!!! હું એ દિવસે ચેતનાને કેટલું બોલ્યો હતો! બિચારી સાચું જ કહેતી હતી, તિજોરીમાં જ એણે બંગડી રાખી હતી. એ પછી એ કેમ ત્યાં નથી એની એને ખબર નહોતી! ખરેખર તમે બન્ને તમારી મનની શાંતિ માટે અમને પણ અંદરોઅંદર ઝઘડો થતા જોવ છતાં ચૂપ રહો એટલી છીછરી માનસિકતા ધરાવો છો. મને આજે ખરેખર દુઃખ થાય છે કે, તમે મારા માતાપિતા છો." આંખમાં ગુસ્સા અને અફસોસ ના મિશ્રભાવ સાથે અશોકે પોતાના પપ્પા સામે જોતા કહ્યું.

એકદમ નિરવ શાંતિ છવાઈ ગઈ. આ શાંતિ ભયંકર તોફાન લાવશે એવી દરેકના મનને ખાતરી થઈ ચૂકી હતી. 

અશોકને એ પળ યાદ આવી જ્યારે એણે ચેતના અને મમ્મી માટે સોનાની બંગડી લીધી હતી. રૂપિયા રોકડ એટલા એની પાસે ન્હોતા આથી દુકાનદાર એ હપ્તે આપે એવી વિનંતી કરી અને એણે બંગડી લીધી હતી. પોતાની અનેક ઈચ્છાઓને દબાવી એ ઘરના દરેક સભ્યને ખુશ રાખવા મથતો હતો, આજ એને પોતાના પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો.

કિશનભાઇ વિચારી રહ્યા, જે આજે થયું સારું થયું અત્યાર સુધી જે મનમાં ભાર હતો એ મારો દૂર થયો. અશોકને બધું કહ્યું એટલે હવે મને રાત્રે એકાંતમાં જે પ્રશ્નો મૂંઝવતા એ હવે નહી મૂંઝવે! આજે ઘણા સમય બાદ હું બેફિકર રહી ઊંઘી શકીશ!

દીનાબહેન વિચારી રહ્યા કે હજુ તો થોડું જ સત્ય અશોકે જાણ્યું છે, મહત્વની વાત તો હજુ એને જણાવી જ નથી. જ્યારે પૂર્ણ સત્ય અશોક જાણશે તો એ શું સત્યને સ્વીકારી શકશે? શું પરિણામ આવશે? અને મોહિત!!! મોહિત આ કુટુંબનો એકનો એક વારસદાર... શું એ પણ..... અનેક વિચારો અને પ્રશ્નોમાં દીનાબહેન ગૂંચવાઈ ગયા અને જવાબ એમની પાસે કોઈ જ ન્હોતો! 
વિચાર અને ચિંતાના કારણે એમનું શરીર પાણી પાણી થવા લાગ્યું! એમનું મન અત્યંત મૂંઝાઈ રહ્યું હતું.

નમસ્તે વાચકમિત્રો. મારી ધારાવાહિક "ધીરગંભીર" ને વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ અવશ્ય આપજો. મોહિતના સફરમાં જોડાવવા માટે હું આપ સર્વનો દિલથી આભાર માનું છું. ફરી મળશું નવા પ્રકરણ સાથે. જય શ્રી રાધે કૃષ્ણ.