Munno books and stories free download online pdf in Gujarati

મુન્નો

મુન્નો

દિવસ દરમ્યાન સૂરજનો અસહ્ય તાપ અને તેમાં ધગધગતી સુકી ધરા. છાયડાનું નામોનિશાન નહીં. એકલદોકલ હાડપિંજર જેવું સુકું ઝાડવું ક્યાંક જોવા મળે. અને રાત્રે પવનના સૂસવાટા. ક્યારેક એની સાથે મસ્તીમાં ઝૂમી ઉઠીને જોડાઈ જતી ધૂળની ડમરીઓ. ઠીઠુંરતા અર્ધઢાકયા શરીર પર અથડાતા ફ્રિજમાંથી કાઢેલા ઠંડા બરફના ચોસલા જેવી પેલી ટાઢ તો જાણે કોઈ વેરીએ પોતાની કમાનમાંથી છોડેલા તીક્ષ્ણ બાણોનો વરસાદ જ જોઈ લ્યો.

એ બધું ચોગરદમ અને વચ્ચે બેઠેલું એ દેવનું દીધેલું બાળક. બે દિવસનું ભૂખ્યું, તરસ્યું. માના ઉઠવાની રાહ જોતું બેઠેલું. સ્તનપાનની પ્રતિક્ષામા. હમણાં મા ઉઠશે. 'મા ...ઊઊઠ ...' કાલી કાલી ભાષામાં એને કહેવા પ્રયાસ કરે. પણ મા નિરૂત્તર. બાળક માંને જોયા કરે. જરીક એને ઢંઢોળે. પછી એના મુખ પાસે જઈને કહે 'મા ..ઓ .. મા'. માના મુખ પર માનું હેત શોધવા મથે. અને પછી 'એં ..એં ..એં.' કરી એનું રડવાનું શરુ કરે. રડાતું જ ન હતું ને એનાથી તો. ગાલે ચોટેલા એ સુક્કા આંસું. એનો 'એં એં એં .' નો હ્ર્દયદ્રાવક બેસુરો સુર ...એ પણ તરડાઇ ગયેલો. એ રુદનમાં ન તો એકાદું આંસુ કે ન કોઈ અવાજ.

'પણ મા કેમ હજી ઉઠતી નથી? હદ થઇ ગઈ' એને થાય. રડી રડીને થાકીને પછી એ બાળક આજુબાજુમાં પડેલી વસ્તુઓ ઉપર નજર કરે. પડેલા પથરા અને કાંકરા સાથે રમત કરી સમય વિતાવવાનો પ્રયાસ કરે. સમયની ટક ટક ચાલુ .

ઉપર ચકરાવા લેતું પેલું વનવાગળા જેવું કાગડાઓનું ટોળું અને તેમનો 'કા કા.' નો કૃશ અવાજ. નીચે બાળક એકલું. માનવસમૂહથી, એના પોતાના ટોળામાંથી છૂટું પડેલું , અટવાયેલું, એની રીતે ટકી જવા મથતું ...

આ અસહ્ય ગરમી, દઝાડતો તડકો, ઊની ઊની લૂ, એ બાળકની કુમળી ચામડીને દઝાડતી, રીતસર બાળતી જાણે.

પડી ગયેલી એકાદ દીવાલની ઓથે જઈ એ કોકડું વળી જરીક બેસે, છાયડો શોધતું.

અહીતહી રખડતું એકાદું કૂતરું પણ પેલા બાળકની જેમ જ ભૂખ્યું, તરસ્યું; વાસી, ગંધાતો, ફેકાયેલો ખોરાક ફંફોસતું ...

બાળક અને રમતનો તો જુનો નાતો. પોતાની આજુબાજુમાં પડેલા કાંકરા ઉપાડીને દૂર ફેકવાની પેલી રમત ચાલુ થાય. ફેકાયેલા કાંકરાથી પેલા કાગડાઓ ડરીને ઊડી જાય એ જોઇને બાળક હરખી ઊઠે. 'એ ..એ ..એ ..કાગડા ઉડી ગયા' . તાળી પાડે. ગમ્મત રે ભાઈ ગમ્મત. કાંકરા ફેકવાની સાથે કાગડાઓનો ઉડવાનો સંબંધ સમજાય. બીજો કાંકરો ફેકાય, કાગડાઓ ઉડી જાય , ફરી આવે, ફરી કાંકરો ઉચકાય, ફેકાય, ફરી કાગડાઓ ઉડી જાય ... સમય વીતે .

એને ફરી પેલી ભૂખ તરસ યાદ આવી જાય. કાંકરા ફેકાતા બંધ થાય. રમત અટકે એટલે કાગડાઓને વધુ છૂટછાટ મળે. કા ..કા ..કા .. નો કંકાશ વધે. ઉડાઉડ કરતા એ કાગડાઓ પણ ભૂખ્યા જ હતા ને ?

તે બાળકના સુક્કા હોઠ અને ખાલી પેટ. પછી તે પા પા પગલી ભરીને આજુબાજુની જગ્યા તપાસે. એના પગની અડફટે આવતા વાસણો, ઘરવખરીઓ, પરચુરણ સામાન, અને આ શું..? બિસ્કીટ જેવું કશુક, ...અને એક ચમકારો. ક્યાં પેલી બેસ્વાદી ધૂળ અને ક્યાં આ બિસ્કીટની મજજા!!! સુક્કા હોઠ પર ફરતી સુક્કી જીભ. જોર એકઠું કરી દબાયેલ ટુકડો ખેંચે. જરીક હાથમાં આવે અને ... જેવો એ ટુકડો મોમાં મુકવા જાય ત્યાં જ પેલું દુશ્મન ખાઉધરું કુતરું હાથમાંથી એ ટુકડો પણ ઝુટવી જાય. ઘડી પહેલાની જ પ્રસન્નતા 'એં .. એં ..'ના રૂદનમાં વિલાપે. બાળક રડે , દુખ રડે , ભૂખ, તરસ અને દુખની પરાકાષ્ટ।. પછી પેલો મણ મણનો દુઃખનો ભાર સુકાયેલા આંસુમાં લઈને સુતેલી માં પાસે એ ફરિયાદ કરવા જાય. પાલવ પકડી કહે, 'પેલું કુત્તું માલી બીક્કિત લઇ ગયું '. એની કાલી કાલી ભાષા. 'મને લઇ આલ ' કહેતા ડૂમો જ ભરાય. પણ એની અસર એની માને કઈ જ નહિ. થાકી હારીને એ પછી માનું વક્ષ:સ્થળ શોધે. વાંકું વળે . પાલવ આમતેમ કરીને જુએ, ન મળે . નિરાશ થાય. 'ખરી છે એ પણ ....' ભોય્ સરસું વક્ષ:સ્થળ કરીને સુતેલી માને પોતાનું પેટ બતાવીને એ કહે, 'મને ભૂખ લાગી છે ...'.

'એટલું બધું કેમ માં ઉઘતી હશે? ઉઠતી જ નથી .'બાળમાનસ વિચારે. એને જવાબ ન મળે. માંને ઢંઢોળવાનો બાળક ફરી વ્યર્થ પ્રયાસ કરે. એટલામાં પેલી બિસ્કીટ આરોગીને કાટમાળ તળેથી બીજી બિસ્કીટના ટુકડા કાઢવા આકાશપાતાળ એક કરતા પેલા લુચ્ચા ભૂખ્યા કુતરા ઉપર એની નજર જાય. તેવામાં જ કાગડાઓનું પેલું ઝુંડ કા ...કા ...કરતુ પેલા કુતરા ઉપર હુમલો કરે..અને કુતરું તેમને ઉડાડી મુકે..શક્તિશાળી કૂતરાનો અશક્તીશાળી કાગડાઓ ઉપર આ બીજો વિજય. આ દૃશ્ય જોવામાં થોડીવાર તો ભૂખનું દુખ એ બાળક ભૂલી જાય. 'માં ઉઠતી નથી..' નું દુખ પણ થોડીવાર માટે ભુલાય.


પણ ...'ઉઠશે ' ની આશા હજી છે. ઉઠવા સિવાય બીજો કોઈ પર્યાય એને મન છે જ નહી. એની બૌધિક સીમા અહી સુધી જ વિસ્તરેલ છે. મૃત્યુ શબ્દથી જ એ અજાણ છે. ચેતન અને અચેતનનો તફાવત એને ક્યાં ખબર છે? આ બધી વાતોથી અજાણ એવું એ બાળક માંના પાલવથી જ પોતાના હાથ પર ચોટેલી ધૂળ સાફ કરે છે, ચહેરા પરનો પરસેવો સાફ કરે છે. નાનકડી બુદ્ધિ, નાનકડા હાથ, ધૂળ કે પરસેવો એટલે શું? એ પણ કદાચ એ સમજતું નથી. મનુષ્ય છે, સ્વાભાવિક હશે એટલે કૈક એવી ચેષ્ટ। અનાયાસે જ થઇ જાય છે. પછી એ નજર કરે છે માંના અર્ધ ઢંકાયેલા ચહેરા ઉપર. નિરાંતે સુતેલી માના વાળમાં હાથ ફેરવતા એ વિચારે છે, 'કેવી નિરાંતે માં સુતી છે? એને ભૂખ નહિ લાગી હોય? તરસ નહિ લાગી હોય?' માની ભૂખનું માપ કાઢવા એ પ્રયાસ કરે છે. પોતાના પેટ તરફ હાથ લઇ જાય છે ...જુએ છે. કશું સમજાતું નથી. તેવામાં એની નજર માના ગાલ ઉપર પડે છે. વાળની થોડી લટ હવામાં ઊડી રહી છે . બાળક હળવેકથી એ લટો સરખી કરે છે. તેમ કરતાં એને પોતાની હથેળીમાં કૈક ભીનાશ જેવું લાગે છે.

'અરે, આ લાલ લાલ રંગ અહી ક્યાથી આવ્યો?' એ વિચારવા મથે પણ એને કશું સમજાતું નથી. એ પોતાના જ પહેરણ ઉપર લાલ થયેલી હથેળી સાફ કરે છે. પછી માનો ઉડતો પાલવ પકડી માના જ માથા પરની પેલી લાલ ભીનાશ સાફ કરે છે. 'ગંદુ ગંદુ' એ બબડે છે. એને મન આ એક કામ છે, એથી વિશેષ કશું જ નહિ. એને ક્યાં ખબર છે કે વિધાતાએ કરેલી ક્રૂરતાના પરિણામસ્વરૂપ અચેતન માંના માથા પરની લોહીની ભીનાશ એ કાઢવા મથી રહ્યો છે! વિધાતાની સામે એકલો ઝઝૂમી રહ્યો છે. પછી ...

એની નજર પડે છે માના હાથ પરની રંગબેરંગી બંગડીઓ ઉપર . ખણ ...ખણ ...ખણ ... બાળક રમત શરુ કરે છે .'કેવો સરસ અવાજ છે?' એને થાય છે. પેલા કર્કશ કાગડાઓના કા ...ક। ...ક। ....કરતા કેટલો બધો સારો. બંગડીનો રણકાર થોડો સમય વિતાવે છે .

પવનના સુસવાટા, ધૂળની ડમરી, કાગડાઓના કા .કા..કા ની વચ્ચે કોઈકવાર બંગડીઓના ખણ ખણ ખણનું કુદરતી સંગીત અનુભવતા ભૂખ્યા કાગડાઓ, ભૂખ્યું કુતરું, ભૂખ્યું બાળક અને પેલી નિરાંતે સુતેલી માં ..

ધસમસતું બણબણતું માખીઓનું ઝુંડ માં ની આસપાસ છે. બાળક એને ઉડાડે છે. પછી ઠોકર વાગતા ભમ્મ થઇ જાય છે અને પગેથી લોહી નીકળે છે. ધુળીયા હાથે જ પછી બાળક ઘા પર ફૂક મારે છે, 'હાય ...' કહેતા. દર્દ થાય છે, મો કરમાય છે. ધુલે પણ જાણે એના ઘા ને ઘૂંઘટે લીધો છે. ધરાનો રુધિર રોકવાનો જાણે નીજી પ્રયાસ. ..કે પછી પેલા નિષ્ઠુર વિધાતાનું પશ્ચાતાપ રૂપી એ એક આસુ હતું?

'પણ આ ..વડી મોટી દીવાલ કેડે લઈને મા સુતી છે તે એને એનો ભાર નહી લાગતો હોય ..?' એવું કૈક બાળમાનસ વિચારે . 'એના પગ ક્યાં ...?' દીવાલ તળે દબાયેલા માં ના પગ એ ખોળે …

પેલી માખીઓનો બણબણાટ પણ માખીઓ જોડે જ ઉડી જાય છે થોડી વાર માટે . એ પણ કદાચ ભૂખી જ હશે કે શું ?

બાળક વિચારે, 'અહી જે બધો ઘરો હતા તે બધા જ આજે કેમ ભમ્મ થયા છે? બધા ક્યાં ચાલી ગયા? એકદમ શાંતિ કેમ છે? ...અને મારો પેલો ઢીંગલો ક્યાં ગયો ...?' ત્યાં તો બાળમાનસની વિચાર ગતિને બ્રેક જ લાગે છે, મર્યાદા છે ને ?

બપોરનો ધોમધખતો તાપ, પાણી વિના કંઠ રુધાય, પોક્કળ પેટ, પાંસળીઓ ય દેખાય, .અને પછી તો .

..માં ને ઉઠાડી ઉઠાડીને, કાગડા અને માખીઓને ઉડાડી ઉડાડીને થાકેલું, પેલા કુતરાને ભગાડી ભગાડીને થાકેલું ભૂખ્યું, તરસ્યું, અશક્ત એવું એ બાળશરીર ધગધગતા તાવની લપેટમાં આવી જઈને માં પર જ ઢળી પડે છે, બેહોશીમાં .

  • * *
  • 'ધરતીકંપના ત્રણ દિવસ બાદ પોતાની જનેતાના શબ પરથી મળી આવેલ બેભાન બાળક તે મુન્નો.' હું મુન્નાની ઓળખાણ કરાવું છું. 'એની સુશ્રુષામાં હું હતી. ભાનમાં આવતા એણે મારી પાસે બીસ્કીટ માગી હતી.' રીપોર્ટરોના કાફલાને મારા ઈન્ટરવ્યુના સમાપનમાં હું કહું છું.
  • પછી એ કાફલો પેલા બાળક તરફ વળે છ. કેમેરાની ચાંપ ચપોચપ દબાય છે, ક્લીક ... ક્લીક ...ક્લીક .

    'તારું નામ શું બેટા?'

    'મુન્નો'

    '..... અને આ કોણ છે?'

    'બિસ્કીટવાળી મમ્મી '

    પ્રશ્નો અટકે છે. સવાલો જ ખૂટે છે. બધાની આંખો ભીની થયેલ છે .

    'મુન્નાની માં બની છું. મુન્નો અનાથ નથી. મારા જીવનનું સર્જન જ કદાચ પ્રભુએ મુન્નાની માં બનવા કર્યું છે,' રિપોર્ટરને કહેતા મારી આંખમાંથી રેલા ગાલ પર ઉતરે છે .

    પછી હું મુન્નાને કેડે તેડી અંદર જાઉં છું .

    એકાદ સંવાદદાતા કહેતો સંભળાય છે, 'વાહ વાહ રે વિધાતા, કરામત ખુબ કરી તેં '.

    બહાર તાળીઓનો ગડગડાટ સંભળાય છે .

    અંદર મુન્નો મારી બચીઓમાં ન્હાય છે , બિસ્કીટ ખાતો ખાતો .

    પછી મારા કરેલા ગલગલીયાથી એ ખડખડાટ હસી પડે છે , અને ...

    હું પણ .

    ___ ગુણવંત વૈદ્ય

    (2002)