Mithai banavta shikho books and stories free download online pdf in Gujarati

Mithai banavta shikho

ગુજરાતી વાનગીઓ

મીઠાઈ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.અંગૂરી બાસુદી

૨.રેડનો કોપરાપાક

૩.બ્રેડ ફ્‌રુટ્‌સ પુડિંગ

૪.બ્રેડના ગુલાબજાંબુ

૫.બ્રેડ રસ બોલ્સ

૬.બૂંદીનો દૂધપાક

૭.બટર આઈસિંગ

૮.ગાજરના ઘૂઘરા

૯.ગાજરના લાડુ

૧૦.ગાજરની રબડી

૧૧.ગાજરની સુખડી

૧૨.ગાજરની મેવા લાપસી

૧૩.ગાજરનો હલવો

૧૪.કેરટ પુડિંગ

૧૫.ચોકો ફીરની

૧૬.ચોકલેટી શિંગ બરફી

૧૭.ચોકલેટ ચૂરમું બરફી

૧૮.લીલા કોપરાનો બિરંજ

૧૯.કોકોનેટ માવા બરફી

૨૦.માવા કેક

૨૧.માવા કેસર રોલ્સ

૨૨.માવા ભરેલા લાડુ

૨૩.ઠંડા માવા રોલ

૨૪.અંગુર રબડી

૧. અંગૂરી બાસુદી

સામગ્રી :

‘‘૨ લિટર દૂધ

૫૦ ગ્રામ પનીર

૧ ટીસ્પૂન મેંદો

૨ કપ ખાંડ

ટીસ્પૂન એલચીનો ભૂકો

૨ ટેબલસ્પૂન બદામની કતરી

૧ ટેબલસ્પૂન ચારોળી

૨ લિટર દૂધ

૫૦ ગ્રામ પનીર

૧ ટીસ્પૂન મેંદો

૨ કપ ખાંડ

ટીસ્પૂન એલચીનો ભૂકો

૨ ટેબલસ્પૂન બદામની કતરી

૧ ટેબલસ્પૂન ચારોળ’’

રીત :

‘‘પનીરમાં મેંદો બરાબર મિક્સ કરી, નાની દ્રાક્ષ જેટલી ગોળીઓ બનાવવી. ખાંડમાં પાણી નાખી ઉકાળવું. એક ચમચી દૂધ નાખી, મેલ તરી આવે તે કાઢી લેવો, ચાસણી પાતળી અડધા તારી થાય એટલે પનીરની ગોળીઓ નાખી દેવી. ફૂલી જાય એટલે ચાસણી ઉતારી ઠંડી પાડવી.

એક વાસણમાં દૂધ નાખી, ઉકાળવું. બરાબર જાડું બાસુદી જેવું થાય એટલે ઉતારી લેવું. બાસુદી ગળી થાય તેટલી ચાસણી નાખી હલાવવું. પછી તેમાં પનીરની ગોળીઓ, એલચીનો ભૂકો, છોલેલી બદામની કતરી અને ચારોળી નાખી, રેફ્રિજરેટરમાં મૂકી બરાબર ઠંડી કરવી.

નોંધ :- પનીરની ગોળીમાં ગ્રીન કલર નાખીએ તો અંગૂરી બાસુદી વધારે આકર્ષક લાગશે.પનીરમાં મેંદો બરાબર મિક્સ કરી, નાની દ્રાક્ષ જેટલી ગોળીઓ બનાવવી. ખાંડમાં પાણી નાખી ઉકાળવું. એક ચમચી દૂધ નાખી, મેલ તરી આવે તે કાઢી લેવો, ચાસણી પાતળી અડધા તારી થાય એટલે પનીરની ગોળીઓ નાખી દેવી. ફૂલી જાય એટલે ચાસણી ઉતારી ઠંડી પાડવી.

એક વાસણમાં દૂધ નાખી, ઉકાળવું. બરાબર જાડું બાસુદી જેવું થાય એટલે ઉતારી લેવું. બાસુદી ગળી થાય તેટલી ચાસણી નાખી હલાવવું. પછી તેમાં પનીરની ગોળીઓ, એલચીનો ભૂકો, છોલેલી બદામની કતરી અને ચારોળી નાખી, રેફ્રિજરેટરમાં મૂકી બરાબર ઠંડી કરવી.

નોંધ :- પનીરની ગોળીમાં ગ્રીન કલર નાખીએ તો અંગૂરી બાસુદી વધારે આકર્ષક લાગશે’’

૨. રેડનો કોપરાપાક

સામગ્રી :

‘‘૧ વાડકી બ્રેડનો ભૂકો

૧ વાડકી નાળિયેરનું ખમણ

૧ વાડકી ખાંડ દળેલી

૧ ટીસ્પન એલચીનો ભૂકો

૧/૨ ટીસ્પૂન જાયફળનો ભૂકો

ઘી, દૂધ, બદામ, ચારોલી, કેસ’’

રીત :

‘‘બ્રેડની ચારે બાજુની લાલ કિનાર કાઢી, ૧ વાડકી ભૂકો બનાવવો.

એક વાસણમાં ૨ ચમચા ઘી મૂકી, તેમાં નાળિયેરનું ખમણ, ખાંડ અને થોડા ગરમ દૂધમાં કેસર ઘૂંટીને નાંખવું. ખાંડ ઓગળે એટલે તેમાં બ્રેડનો ભૂકો નાંખવો. ઘટ્ટ અને ઠરે તેવું થાય એટલે એલચી-જાયફળનો ભૂકો નાંખી, હલાવી ઉતારી લેવું. થાળીમાં ઘી લગાડી, કોપરાપાક ઠારી દેવો. છોલેલી બદામની કતરી અને ચારોળીથી સજાવટ કરવી. તેને બદલે ચાંદીના વરખ પણ લગાડી શકાય’’

૩. બ્રેડ ફ્‌રુટ્‌સ પુડિંગ

સામગ્રી :

‘‘૬ બ્રેડની મોટી સ્લાઈસ

૨ ટેબલસ્પૂન કસ્ટર્ડ પાઉડર

૧ લિટર દૂધ

૨ ટેબલસ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક

સીઝન ફ્‌રુટ્‌સ — કેરી, સફરજન, ચીકુ, લીલી દ્રાક્ષ ગમે તે લેવાય.

સજાવટ માટે — ૨૫ ગ્રામ માખણ,

૫૦ ગ્રામ આઈસિંગ શુગર,

૧૨ ટીસ્પૂન ડ્રિકિંગ ચોકલેટ પાઉડર બધું ફીણી આઈસિંગ તૈયાર કરવું.

જરુર પડે થોડું પાણી નંખાય.’’

રીત :

‘‘એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. કસ્ટર્ડ પાઉડરને થોડા દૂધમાં મિક્સ કરી નાંખવો. ઘટ્ટ થાય એટલે ઉતારી, ઠંડુ થાય એટલે કન્ડેન્સ્ડ મિલ્ક નાંખવુ.

બ્રેડની સ્લાઈસના વાડકીથી કાપી ગોળ કટકા કરવા. તેને તૈયાર કરેલા કસ્ટર્ડમાં પલાળી, ઠંડા કરવા. એક ડિશમાં બ્રેડનો ઠરેલો એક કટકો મૂકવો. તેના ઉપર ફ્‌રુટ્‌સના કટકા મૂકવા. પછી તેના ઉપર બીજો બ્રેડનો કટકો મૂકી, આઈસિંગ કરી સજાવટ કરવી.’’

૪. બ્રેડના ગુલાબજાંબુ

સામગ્રી :

‘‘૧ પેકેટ બ્રેડ

૨૦૦ ગ્રામ માવો,

૫૦૦ ગ્રામ ખાંડ

ઘી, દૂધ, એલચી, ગુલાબજણ

પીળો રંગ, પતાસું’’

રીત :

‘‘બ્રેડની સ્લાઈસની લાલ કિનાર કાઢી, તેને દૂધમાં પલાળી, તરત કાઢી લેવી. તેમાંથી દબાવી, દૂધ કાઢી નાંખવું. પછી તેને ગ્રાઈન્ડરમાં વાટી, લોચો બનાવવો. તેમાં માવો નાંખી, બરાબર મિક્સ કરી, તેનાં જાંબુ બનાવવાં. જાંબુ બનાવતી વખતે તેમાં વચ્ચે એલચીના દાણા અને પતાસાની નાની કટકી મૂકવી. પછી ઘીમાં તલી લેવા.

એક તપેલીમાં ખાંડ, લઈ તે ડૂબે તેટલું પાણી નાંખી ઉકાળવું. તેમાં દૂધ નાંખી, મેલ કાઢવો. તેમાં પીળો રંગ નાંખી, ચાસણી એકતારી થાય એટલે તેમાં ગુલાબજાંબુ નાંખવાં. થોડી વાર ઉકાળી, ઉતારી લેવા. ૨ ચમચા ગુલાબજળ નાંખી, ત્રણ-ચાર કલાક ઠરવા દેવા.’’

૫. બ્રેડ રસ બોલ્સ

સામગ્રી :

‘‘પૂરણ માટે —

૧૦૦ ગ્રામ કોપરાનું ઝીણું ખમણ

૫૦ ગ્રામ ખાંડ દળેલી

૫૦ ગ્રામ માવો

૧ ટેબલસ્પૂન કાજુનો ભૂકો

૧/૨ ટીસ્પૂન એલચીનો ભૂકો

માવાને સાધારણ શેકી, ઉતારી, તેમાં કોપરાનું ખમણ

દળેલી ખાંડ, કાજુનો ભૂકો અને એલચી નાંખી મસળી પૂરણ તૈયાર કરવું. રબડી - ૧ લિટર દૂધ

૩ ટેબલસ્પૂન ખાંડ

૨ ટેબલસ્પૂન માવો

કેસર અથવા યલો કલર

એક પેણીને ઘી લગાડી, દૂધ ઉકાળવું, જાડું થાય એટલે ખાંડ અને ગરમ દૂધમાં કેસર ઘૂંટીને નાંખવું. કેસરને બદલે યલો કલર અને કેસરનો એસેન્સ નાંખી શકાય. પછી તેમાં થોડો માવો મસળીને નાંખવો. બરાબર મિક્સ કરી રબડી ઉતારી, રેફ્રિજરેટરમાં મૂકી ઠંડી કરવી.

બોલ્સ માટે — ૧ પેકેટ મોટી બ્રેડ, ૧ કપ દૂધ, ઘી

સજાવટ માટે — ૨ ટેબલસ્પૂન ચારોળીનો ભૂકો, ૨ ટેબલસ્પૂન કાજુનો ભૂકો’’

રીત :

‘‘બ્રેડની ઉપર-નીચેની સ્લાઈસને ઉપયોગમાં લેવી નહિ. બ્રેડની આજુબાજુની કિનાર કાઢી, દૂધમાં બોળી, દબાવી, દૂધ કાઢી નાંખવું. પછી તૈયાર કરેલું પૂરણ ભરી, ગોળ બોલ્સ વાળવા. પછીથી ઘીમાં તળી લેવાં.

એક ડીશમાં તળેલા બોલ્સ ગોઠવી, તેના ઉપર રબડી રેડવી, બોલ્સ રબડી ચૂસી લેશે. ઉપર ચારોળી-કાજુનો ભૂકો નાંખી, બોલ્સ પીરસવા.’’

૬. બૂંદીનો દૂધપાક

સામગ્રી :

‘‘૨ લિટર દૂધ

ચમચી પાઈનેપલ કસ્ટર્ડ પાઉડર

ગ્રામ જીણી બૂંદી’’

રીત :

૨ લિટર દૂધને ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં ૧ ચમચી પાઈનેપલ કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી, તે દૂધ નાંખવું. ઉકળે અને જાડું થાય એટલે ખાંડ નાંખવી. ઘટ્ટ થાય એટલે ઉતારી તેમાં ૫૦ ગ્રામ જીણી બૂંદી નાંખવી. છોલેલી બદામની કાતરી અને ચારોળી નાંખવાં. ચાર-પાંચ કલાક બૂંદી પલળવા દેવી. પછી ફ્રિજમાં મૂકી, દૂધપાક ઠંડો કરવો.

૭. બટર આઈસિંગ

સામગ્રી :

‘‘૭૫ ગ્રામ માખણ (સફેદ)

૧૦૦ ગ્રામ આઈસિંગ શુગર

લાલ, લીલો, પીળો રંગ

વેનીલા એસેન્સ’’

રીત :

એક વાસણમાં માખણને ખૂબ ફીણવું. પછી તેમાં ચાળેલી આઈસિંગ શુગર નાંખી ખૂબ ફીણવુ. તેના ત્રણ ભાગ કરી, જુદા જુદા રંગ નાંખવા. આઈસિંગ સિરિન્જ અથવા કોનમાં ભરી, કેક ઉપર રંગબેરંગી ડિઝાઈન પાડવી. વચ્ચે સ્વીટ વરિયાળી અને શુગર સીલ્વર બોલ્સથી સજાવટ કરવી.

૮. ગાજરના ઘૂઘરા

સામગ્રી :

‘‘૨૫૦ ગ્રામ લાલ ગાજર

૨૦૦ ગ્રામ ખાંડ

૫૦ ગ્રામ માવો

૨૫ ગ્રામ કોપરાનું ખમણ (ઝીણું)

૧ ટેબલસ્પૂન ખસખસ

૧ ટેબલસ્પૂન કાજુનો ભૂકો

૨૫૦ ગ્રામ મેંદો

૧ ટેબલસ્પૂન કોર્નફ્‌લોર

ઘી, એલચી - પ્રમાણસર’’

રીત :

‘‘ગાજરને છોલી, ધોઈ, લીલો અને સફેદ બાગ ન આવે તેમ છીણવાં. આ માટે ગાજરને બાજુથી ગોણ છીણવાથી વચ્ચે સફેદ ભાગ રહેશે તે કાઢી નાંખવો. પછી છીણને વરાળથી બાફી લેવું. એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચીના દાણાનો વઘાર કરી, છીણ સાંતળવું. પછી તેમાં ખાંડ નાંખવી. ખાંડનું પાણી બળે અને સાધારણ કોરું પડે એટલે ઉતારી, સાધારણ શેકેલો માવો, કાજુનો ભૂકો, શેકેલી ખસખસ, કોપરાનું ખમણ અને એલચીનો ભૂકો નાખી હલાવી, સાંજો તૈયાર કરવો.

મેંદાના લોટમાં કોર્નફ્‌લોર ભેળવી, તેમાં ઘીનું મોણ નાંખી, કઠણ કણક બાંધવી. એકાદ કલાક કણકને ઢાંકીને રહેવા દેવી. પછી ઠરેલું ઘી લઈ, કેળવી, તેમાંથી પૂરી બનાવવી. તેમાં તૈયાર કરેલો ગાજરનો સાંજો ભર, પૂરી બેવડીવાળી ઘૂઘરા કટરથી કાપી કિનારે કાંગરી પાડવી. પછી ઘીમાં તળી લેવા.’’

૯. ગાજરના લાડુ

સામગ્રી :

‘‘૧ કિલો ગાજર

૫૦૦ ગ્રામ દળેલી ખાંડ

૨ ટેબલસ્પૂન મિલ્ક પાઉઢર

૧ ટેબલસ્પૂન કોપરાનું ખમણ

૧ ટીસ્પૂન એલચીનો પાઉડર

ઘી પ્રમાણસર’’

રીત :

ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી તેની પાતળી ચિપ્સ કરી, તાપમાં સૂકવી દેવી. સૂકાઈ જાય એટલે તેનો મિક્સરમાં ભૂકો કરવો. એક તપેલીમાં ઘી મૂકી, ગરમ કરવું. તેમાં ગાજરનો ભૂકો સાંતળવો. પછી તેમાં ખસખસ અને કોપરાનું ખમણ નાખી, થોડી વાર રાખી નીચે ઉતારી લેવું. સાધારણ ઠંડું થાય એટલે તેમાં એલચીનો ભૂકો, મિલ્ક પાઉડર, દળેલી ખાંડ અને ગરમ ઘી નાંખી લાડુ વાળવા.

૧૦. ગાજરની રબડી

સામગ્રી :

‘‘૧ લિટર દૂધ

૫૦૦ ગ્રામ લાલ ગાજર

૨૦૦ ગ્રામ માવો

૨૫૦ ગ્રામ ખાંડ (આશરે)

૨ ટેબલસ્પૂન ચારોળી

૭ કાજુ, ૫ બદામ, ૭ અખરોટ

વેનીલા એસેન્સ’’

રીત :

‘‘ગાજરને છોલી, સફેદ ભાગ કાઢી, તેના કટકા કરવા.

કટકાને વરાળથી બાફી લેવા. માવાને ધીમા તાપે શેકી લેવો. પછી ગાજરના કટકા અને માવો ભેગો કરી મિક્સરમાં વાટી બારીક પેસ્ટ બનાવવી. એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. તેમાં ખાંડ નાંખવી. દૂધ ઊકળે એઠલે તેમાં ગાજર-માવાની પેસ્ટ નાખવી. ઘટ્ટ થાય એઠલે અખરોટ અને કજુના નાના કટકા નાખવા. બરોબર જાડું થાય એટલે ઉતારી વેનીલા એસેન્સ નાખી, હલાવી, છોલેલી બદામની કાતરી અને ચારોળી નાખી સજાવટ કરી, રેફ્રિજરેટરમાં મૂકી રબડી એકદમ ઠંડી કરી પીરસવી.’’

૧૧. ગાજરની સુખડી

સામગ્રી :

’’ ૫૦૦ ગ્રામ ગાજર

૧૦૦ ગ્રામ ઘઉંનો લોટ

૩૦૦ ગ્રામ ગોળ (નરમ)

૧ કપ દૂધ

૨ ટેબલસ્પૂન સિંગદાણા

૨ ટેબલસ્પૂન તલ

ઘી, નંગ-૩ એલચી’’

રીત :

ગાજરનું છીણ કરવું.ગાજરને ચારે બાજુથી છીણવાથી તેનો લાલ ભાગ છીણાશે અને સફેદ રહેશે તે કાઢી નાખવો. પછી છીણને મિક્સરમાં વાટી માવો બનાવવો. એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચીના દાણા નાખી, ગાજરનો માવો શેકવો. તેમાં દૂધ નાખી ઘટ્ટ થઈ જાય એટલે ઉતારી અંદર શેકેલા તલ અને સિંગદાણાને શેકી, છોડાં કાઢી, તેનો ભૂકો નાખવો. ઘઉંના લોટને ઘીમાં બદામી રંગનો શેકવો. એક વાસણમાં થોડું ઘી નાખી, તેમાં નરમ ગોળ નાખી, પાયો બનાવવો. ગોળ બરાબર ઓગળી જાય એટલે ગાજરનો માવો અને ઘઉંનો લોટ નાખવો. બરાબર મિક્સ થઈ જાય એટલે ઉતારી, થાળીમાં ઘી લગાડી, સુખડી ઠારી દેવી. તેમાં નાના નાના ચોરસ કાપા કરી રાખવા. ઠંડી પડે એટલે કટકા ઉખાડી દેવા.

૧૨. ગાજરની મેવા લાપસી

સામગ્રી :

’’ ૫૦૦ ગ્રામ ગાજર

૨૫૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ

૨૫૦ ગ્રામ ખાંડ

૨૫૦ ગ્રામ ઘી

૧ લિટર દૂધ

૨ ટેબલસ્પૂન છોલેલી બદામની કાતરી

૨ ટેબલસ્પૂન પિસ્તાની કાતરી

૨ ટેબલસ્પૂન એલચી

૧ ટીસ્પૂન એલચીનો પાઉડર

૧/૨ ટીસ્પૂન એલચીદાણા

૧/૨ ટીસ્પૂન જાયફળનો પાઉડર’’

રીત :

ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, કટકા કરવા — પછી મિક્ચરમાં વાટી માવો બનાવવો. એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચી દાણા નાખી ઘઉંનો લોટ નાખવો — બદામી શેકાય એટલે તેમાં ગાજરનો માવો નાંખવો. થોડો શેકી તેમાં દૂધા, ખાંડ, દ્રાક્ષ, એલચી — જાયફળનો પાઉડર અને અડધા ભાગનો મેવો નાખવો. બરાબર ઘટ્ટ થઈ જાય અને ઘી બહાર નીકળે એટલે ઉતારી બદામ-પિસ્તા અને ચારોળીથી ડેકોરેશન કરવું.

૧૩. ગાજરનો હલવો

સામગ્રી :

’’ ૨૫૦ ગ્રામ ગાજર

૧૦૦ ગ્રામ ખાંડ

૫૦ ગ્રામ માવો

ઘી, આઈસ્ક્રીમનો એસેન્સ’’

રીત :

ગાજરને છોલી, તેના લાલ ભાગનું છીણ કરવું. ગાજરને ચારે બાજુથી છીણવાથી લાલ ભાગનું છીણ થશે અને વચ્ચે જે સફેદ ભાગ રહે તે કાઢી નાંખવો. પછી ખાંડ ચોળીને અડધો કલાક રાખી મૂકવું. એક તપેલીમાં ઘી મૂકી ગરમ થાય એટલે ખાંડવાળું ગાજરનું છીણ નાંખી, ખૂબ ધીમા તાપે મૂકવું. છીણ બફાય એટલે માવો નાંખી, ઘટ્ટ થાય એટલે ઉતારી, આઈસક્રીમનો એસેન્સ નાંખી, દૂધીના હલવા ઉપર ઠારી દેવો. ગાજરનો પ્રાકૃતિક રંગ સચવાઈ રહે છે એટલે રંગ નાંખવાની જરુર રહેતી નથી.

૧૪. કેરટ પુડિંગ

સામગ્રી :

’’ ૫૦૦ ગ્રામ ગાજર

૧, ૧/૨ લિટર દૂધ

૪૦૦ ગ્રામ ખાંડ

૧ પેકેટ રાસબરી કસ્ટર્ડ પાઉડર

૧/૨ કપ ફ્રેશ ક્રીમ

૧૦ કોકોનટ કુકીઝ

ઘી, ગુલાબી રંગ, રાસબરી એસેન્સ, કાજુ,

ચીકુ, સંતરા, લીલી દ્રાક્ષ, રાયણ

અથવા કોઈપણ સીઝન ફ્‌રુટ્‌સ’’

રીત :

ગાજરને છોલી, ધોઈ, તેનો સફેદ અને લીલો ભાગ આવે નહિ તેમ છીણવા, ચારે બાજુથી છીણવાથી લાલ ભાગ જ છિણાશે અને સફેદ ભાગ રહેશે તે કાઢી નાંખવો. એક તપેલીમાં અડધો લિટર દૂધ ગરમ કરી, તેમાં ગાજરનું છીણ નાંખવું. છીણ બફાય એટલે ખાંડ અને થોડો ગુલાબી ખાવાનો રંગ નાંખવો. ઘટ્ટ થાય એટલે ઉતારી રાસબરી એસેન્સ નાંખી ઠંડું કરવું.

થોડા ઠંડા દૂધમાં રાસબરી કસ્ટર્ડ પાઉડર મિક્સ કરવો. એક વાસણમાં બાકી રહેલું દૂધ ગરમ મૂકવું. પછી તેમાં ખાંડ અને કસ્ટર્ડવાળું દૂધ નાંખવું. બરાબર ઘટ્ટ થાય એટેલ ઉતારી લેવું.

કેસરોલ ડિશમાં ઘી લગાડી, કોકોનટ કુકીઝ ગોઠવવી. તેના ઉપર ગાજરનું લેયર કરવું. તેના ઉફર ક્રીમ અને કાજુની કાતરી ભભરાવવી. પછી તેના ઉપર કસ્ટર્ડનું લેયર કરવું. આમ ઉપરાઉપરી બધાં પડ કરવાં. ઉપરનું લેયર કસ્ટર્ડનું આવે તેમ ગોઠવવું. પછી સેટ થવા રેફ્રિજરેટરમાં મૂકવું. બરાબર સેટ થઈ જાય એટલે ચીકુના બારીક કટકા, લીલી દ્રાક્ષ, કેળાના કટકા અથવા કોઈપણ સસ્તાં સીઝન ફ્‌રુટ્‌સથી સજાવટ કરવી. પછી ફ્રિજમાં મૂકી, ઠંડું કરી પીરસવું.

૧૫. ચોકો ફીરની

સામગ્રી :

’’ ૧/૧-૨ લિટર દૂધ

૧૦૦ ગ્રામ બાસમતી ચોખા

૧૦૦ ગ્રામ ખાંડ

૧૦૦ ગ્રામ મલાઈ (૧ ટીસ્પૂન દળેલી ખાંડ મિક્સ કરી)

૧/૧-૨ ટેબલસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર

ચારોળી, સીઝન ફ્‌રુટ્‌સ (કેળાં, હાફૂસ કેરી, દ્રાક્ષ, ચીકુ ગમે તે)’’

રીત :

ચોખાને ધોઈ, ૭-૮ કલાક પલાળી રાખવા. પછી કરકરા વાટી, થોડા પાણીમાં મિક્સ કરવા. એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. ઊકળે એટલે વાટેલા ચોખા નાંખવા. બફાય એટલે ખાંડ નાંખવી. દૂધ ઘટ્ટ થાય એટલે તેમાં ચોકલેટ પાઉડર દૂધમાં મિક્સ કરી નાંખવો. દૂધ બરાબર ઘટ્ટ થઈ જાય એટલે નીચે ઉતારી જુદી જુદી નાની કટોરીમાં ફીરની ઠારી દેવી. ઠરે એટલે ઉપર ૧ ચમચી મલાઈ અને સીઝન ફ્‌રુટ્‌સથી સજાવટ કરી રેફ્રીજરેટરમાં મૂકી ઠંડી કરી પીરસવી.

૧૬. ચોકલેટી શિંગ બરફી

સામગ્રી :

’’ ૨૫૦ ગ્રામ સિંગદાણા

૧૦૦ ગ્રામ માવો

૧૫૦ ગ્રામ દળેલી ખાંડ

૩ ટેબલસ્પૂન ઘી

૧ ટીસ્પૂન એલચીનો ભૂકો

ચારોળી, છોલેલી બદામની કતરી

ચોકલેટી લેયર માટે — ૧૦૦ ગ્રામ માવો, ૫૦ ગ્રામ દળેલી ખાંડ,

૧/૨ કપ દૂધ, ૨ ટેબલસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર, ૧/૨ ટીસ્પૂન કોકો પાઉડર’’

રીત :

સીંગદાણાને શેકી, છોડાં કાઢી, કરકરો ભૂકો કરવો. તેમાં દળેલી ખાંડ, માવો અને ઘી નાંખી, ધીમા તાપ ઉપર ગરમ કરવું. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એલચીનો ભૂકો નાંખી, ઘી લગાડેલી થાળીમાં ઠારી દેવું.

માવામાં ખાંડ અને દૂધ નાંખી ગરમ કરવું. પછી તેમાં ડ્રિંકિંગ ચોકટેલ પાઉડર અને કોકો પાઉડર નાંખી, બરાબર મિક્સ કરી, સીંગદાણાની બરફી ઉપર સરખું પાથરી દેવું. ચારોળી અને બદામની કતરીથી સજાવટ કરી, રેફ્રિજરેટરમાં મૂકી ઠરે એટલે કટકા કાપવા.

૧૭. ચોકલેટ ચૂરમું બરફી

સામગ્રી :

’’ ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ

૫૦ ગ્રામ મિલ્ક પાઉડર

૭૫ ગ્રામ ખાંડ

૨૫ ગ્રામ ડ્રાયફ્‌રુટ્‌સનો ભૂકો (બદામ-કાજુ વગેરે)

ઘી, એલચી, જાયફળ, કેસર, કંન્ડેન્સ્ડ મિલ્ક

ચોકલેટ સોસ માટે — ૧૦ મિલ્ક ચોકલેટ ૧ ટેબલસ્પૂન ઘી, બદામ-કાજુની કતરી’’

રીત :

ઘઉંના લોટમાં મૂઠી પતું મોણ નાંખી, કણક બાંધી, જાડી રોટલી બનાવવી. તવા ઉપર ધીમા તાપે ઘીમાં શેકી લેવી. ઠંડી પડે એટલે ખાંડી, ચૂરમું બનાવવું.

એક તપેલીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે રોટલીનું ચૂરમું અને ખાંડ નાંખવાં. ખાંડ ઓગળે એટલે તેમાં મિલ્ક પાઉડર, ડ્રાયફ્‌રુટ્‌સનો ભૂકો, એલચી-જાયફળનો ભૂકો, અને કેસરની ભૂકી નાખી, ઉતારી લેવું. પછી કન્ડેસ્ડ મિલ્ક નાખી, લોચા જેવી મિશ્રણ થાય એટલે થાળીમાં ઘી લગાડી, મિશ્રણ ઠારી દેવું. રેફ્રિજરેટરમાં ૧ કલાક મૂકી ઠંડું કરવું.

ચોકલેટના કટકા કરી, બાઉલમાં ભરવા. એક તપેલીમાં પાણી ભરી, તેમાં વાડકો મૂકવો. પાણી ઊકળે એટલે ચોકલેટ ભરેલું બાઉલ વાડકા ઉપર મૂકવું. ચોકલેટ ઓગળે એટલે તેમાં ૧ ચમચો ઘી નાખી, ઠરેલી બરફી ઉપર સોસ રેડી દેવો. ઉપર બદામ-કાજુની કતરી નાખી સજાવટ કરવી. ઠંડી પડે એટલે કટકા કરવા.

નોંધ : વધેલી રોટલીનો ભૂકો ચૂરમાને બદલે લઈ શકાય.

૧૮. લીલા કોપરાનો બિરંજ

સામગ્રી :

’’ ૨ કપ ચોખા, ૫ ટેબલસ્પૂન ખાંડ

૧/૨ કપ નાળિયેરનું ખમણ

૧/૨ ટીસ્પૂન એલચીનો ભૂકો

૪ ટેબલસ્પૂન ઘી

તજ, લવિંગ, પીળો રંગ, ચારોળી - પ્રમાણસર’’

રીત :

ચોખાને ધોઈ, થોડી વાર પલાળી રાખવા. એક તપેલીમાં પાણી મૂકી, ઉકળે એટલે ચોખા ઓરવા. બફાય એટલે ચાળણીમાં કાઢી, પાણી નિતારી લેવું. ભાત છૂટો બનાવવો. થાળીમાં કાઢી, તેમાં પીળો રંગ નાંખી, ઠંડો પાડવો.

બેકિંગ બાઉલમાં ભાત મૂકી તેમાં ખાંડ, નાળિયેરનું ખમણ અને એલચીનો ભૂકો નાંખવો. ઘીમાંતજ, લવિંગનો વઘાર કરી ભાતમા નાંખી, હલાવી દેવો. પ્રિહીટેડ ઓવનમાં ૩૫૦ ફે. તાપે ૧૫ મિનિટ ચોખા છૂટા થાય ત્યાં સુધી રાખી, પછી કાઢી લઈ ઉપર ચારોળી ભભરાવવી.

૧૯. કોકોનેટ માવા બરફી

સામગ્રી :

‘‘૧ કિલો માવો

-૩૦૦ ગ્રામ કોપરાનુ છીણ

-૬૦૦ ગ્રામ ખાંડ

-૧૦૦ ગ્રામ ખાવાનો રંગ

- ઝીણા સમારેલા સૂકામેવા’’

રીત :

એક જાડા તળિયાવાળી કડાહીમાં માવો સેકો. માવો સારી રીતે સેકાય જાય તો પછી ગેસ બંધ કરો. હવે બીજા વાસણમાં ચાસણી બનાવો. કડક ચાસણી બન્યા પછી તેમા માવો, કોપરાનું છીણ અને ઝીણા સમારેલા મેવા નાખીને સારી રીતે ભેળવો. હવે કે મિશ્રણના બે ભાગ કરો. એકમાં કલર ભેળવો અને બીજા ભાગને એવો જ રહેવા દો. ઘી લાગેલી ટ્રેમાં પહેલા સાદુ મિશ્રણ ફેલાવો અને ઉપરથી કલરવાળુ મિશ્રણ ફેલાવો. ઠંડુ થયા પછી મનપસંદ આકારમાં કાપી લો.

૨૦. માવા કેક

સામગ્રી :

‘‘૨ વાટકી મેંદો

-૧ વાટકી છીણેલો માવો

-૧ કપ યીસ્ટ

-૧ ૧/૪ વાટકી ખાંડ

-૨ ચમચી બેકિંગ પાઉડર

-૨ ચમચા કિશમિશ

-૨ ચમચા તેલ

-૨ ચમચા દહીં’’

રીત :

મેંદો અને બેકિંગ પાઉડર ચાળી લો. યીસ્ટ ખાંડ અને ૩/૪ વાટકી માવાને બરાબર ફીણો. કિશમિશ નાખી ઓવનમાં ૪૦-૪૫ મિનિટ બેક કરો. ચડી જાય એટલે વધેલો માવો ભભરાવી અને ૪-૫ મિનિટ સુધી ફરી બેક કરો. આ કેક ગરમ કે ઠંડી પીરસી શકાય છે.

૨૧. માવા કેસર રોલ્સ

સામગ્રી :

‘‘-૨ કપ છીણેલો માવો

- કપ બુરૂ સાકર

-૧ ચમચી એલચી પાઉડર

- ૪ થી ૫ કેસરનાં તાંતણા

-૨ થી ૩ ટીપાં કેસર કલર

-૨ ખાવાના ચાંદીનો વરખ

-૨ થી ૩ ચાંદીનાં વરખવાળા પીસ્તા’’

રીત :

માવા અને બુરૂ સાકરને ભેગાં કરીને એક જાડા તળિયાવાળી કઢાઈમાં ધીમી આંચે જ્યાં સુધી સાકર ઓગળી જાય અને તેનું પાણી ઊડી ન જાય ત્યાં સુધી હલાવતા રહો. લગભગ ૧૦ થી ૧૨ મિનિટ લાગશે. ત્યાર બાદ તેનાં બે ભાગ કરો. તેનાં એક ભાગમાં એલચી પાઉડર ભેળવી તેને ઠંડુ પડવા દો. બીજા ભાગમાં કેસર અને કેસરનો રંગ ભેળવો અને તેને પણ ઠંડો પડવા દો. પહેલા પ્રથમ ભાગને લઈને પ્લાસ્ટિકના બે શીટની વચ્ચે મૂકી તેને ૪’’ થી ૬’’ જેટલો રોટલો વણો. તેવી જ રીતે કેસરવાળા ભાગને પણ વણી લો. ત્યારબાદ માવાના રોટલા પર કેસરનો રોટલો એવી રીતે ગોઠવો કે તુટે નહીં.બન્ને રોટલાના વચ્ચેથી પ્લાસ્ટિક શીટ ધીરેથી કાઢો જેથી તુટે નહીં પ્લાસ્ટિકના શીટનો ટાઈટ રોલ બનાવો અને ૧૦ મિનિટ સુધી મૂકો જેથી તે કઠણ બની જશે. ત્યાર બાદ તેમાંથી બાકી રહેલું પ્લાસ્ટિક શીટ ધીરે રહીને ખેંચી કાઢો. તેને ચાંદીના વરખમાં વીટાળી લો અને તેના ૧૬ ભાગ કરો. તેના દરેક ભાગને સ્લાઈઝ કરેલા સિલ્વર પીસ્તાથી શણગારો. તૈયાર છે ટેસ્ટી માવા કેસર રોલ્સ.

૨૨. માવા ભરેલા લાડુ

સામગ્રી :

‘‘૧ વાટકી ચણાની દાળ

-૧ ૧/૨ વાટકી માવો

-૧ વાટકી દળેલી ખાંડ

-૪ લીલી એલચી (વાટેલી)

-૧ ચપટી જાયફળ પાઉડર

-૧ ચપટી તજનો પાઉડર’’

રીત :

ચણાની દાળ બાફી લો. એ પછી તેને મિક્સરમાં ક્રશ કરી દો. એક કડાઈમાં ક્રશ કરેલી ચણાની દાળ અને અડધી વાટકી દળેલી ખાંડ નાખી ધીમા તાપે હલાવો. મિશ્રણ તળિયે ચોટતું બંધ થાય ત્યાં સુધી શેકો. પછી નીચે ઉતારી તેમાં એલચી તજ અને જાયફળનો ભૂકો નાખો. ઠંડુ થઈ જાય એટલે આ મિશ્રણના નાના-નાના ગોળા વાળો. માવો પણ સહેજ શેકી ઠંડો પડવા દો. એમાં ખાંડ નાખી બરાબર હલાવો. એના પણ પૂરણના ગોળા જેટલા, પણ થોડા ચપટા ગોળા વાળો. હવે માવાનો એક ગોળો લઈ તેને પહોળો કરી તેમાં પુરણનો ગોળો ભરી દો અને ફરી ગોળો તૈયાર કરી આ રીતે બધા ગોળા તૈયાર કરો. તૈયાર છે તમારા માવાના ભરેલા ટેસ્ટી ટેસ્ટી લાડુ.

૨૩. ઠંડા માવા રોલ

સામગ્રી :

‘‘-૧ વાટકી માવો

-૧/૨ વાટકી શેકેલી મગફળી

-૨ ચમચા તલ

-૧૦ થી ૧૨ ખારાં બિસ્કિટનો ભૂકો

-૨ ચમચા તાજું ક્રીમ

-૧ ચમચી મીઠું

-૧/૨ ચમચી મરી

-૨ લીલા મરચાં ઝીણા સમારેલા

-૧ ૧/૨ ચમચી ચાટ મસાલો’’

રીત :

માવો શેકીને ઠંડો પડવા દો. મગફળીને આખી આખી ખાંડી લો. તેલ કે ઘી નાખ્યા વગર તલ શેકો. બિસ્કિટના ભૂકો કરો. હવે એક વાસણમાં બધી સામગ્રીનું બરાબર મિશ્રણ કરો. તમારી ઈચ્છા મુજબ રોલને આકાર આપો. એપછી સિલ્વર ફોઈલ પેપરમાં લપેટી ફ્રિજમાં ઠંડા થવા મૂકો. ખાતી વખતે ચટણી અને સોસ સાથે પીરસો.

૨૪. અંગુર રબડી

સામગ્રી :

‘‘૨ લીટર દૂધ

-૧ ચમચી વિનેગર

-૧/૨ કપ ખાંડ

-૩ ચમચી મિલ્ક પાવડર

-૪ ચમચી ખાંડ રબડી માટે

-૩ ચમચી સમારેલા બદામ-પિસ્તા

-૧/૪ ચમચી ઈલાયચી પાવડર

-૧૦ તાંતણા કેસરના દૂધમાં પલાળેલા

-૨ ગ્લાસ પાણી’’

રીત :

સૌપ્રથમ એક લીટર દૂધને ઉકાળવા મૂક્વુ. ઉકળે એટલે એમાં એક ચમચી વિનેગર નાખીને દૂધને ફાડી લેવુ. આ ફાટેલા દૂધને મલમલના કપડામાં બાધીને એમાથી બધુ પાણી નીતારી લેવુ. હવે આ મસ્કામાં એક ચમચી ખાંડ નાખીને બરાબર હાથથી મસળવુ. એક્દમ સ્મૂધ થાય એતલે એના નાના ગોળા વાળવા. એક તપેલીમાં બે ગ્લાસ પાણી લેવું. તેમા દોઢ કપ ખાંડ નાખીને ઉકળવા મૂકો. પાણી ઉકળે એટલે એમાં આ ગોળા નાખવા. ઢાંકણ ઢાંકીને દસ મિનિટ ઉકળવા દેવું. દસ મિનિટ પછી ગેસ બંધ કરીને ઠંડુ પડે પછી ઢાંકણ ખોલ્વુ. બીજી તપેલીમાં એક લિટર દુધને ઉકાળવુ. દૂધને અડધુ થાય ત્યાં સુધી ઉકાળવુ. હવે એમાં ચાર ચમચી ખાંડ, મિલ્ક પાવડર, નાખીને ધટ્ટ થવા દેવું તેમા કેસરવાળુ દૂધ, બદામ-પિસ્તા, ઈલાયચી નાખીને ગેસ બંધ કરવો. હવે એમાં મસ્કાના બનાવેલા ગોળાનુ પાણી નિતારીને બનાવેલી રબડીમાં નાખવા. ફ્રીજમા ઠંડા કરીને બદામ-પિસ્તાથી ગાર્નિશ કરી સર્વ કરવી.