Chankya Niti in Gujarati Biography by MB (Official) books and stories PDF | Chankya Niti

Chankya Niti

ચાણક્ય નીતિ

અનુક્રમ

।। પ્રથમ અધ્યાય ।।

મંગળાચર - શ્રેષ્ઠ મનુષ્ય - લોકહિતાર્થે - દુઃખી થવાની ચાવી -દુષ્ટા મૃત્યુ સમાન - રક્ષણ : ક્યારે અને કોનું ? - ચંચળ લક્ષ્મી - ક્યાં ક્યાં ન રહેવાય ? - અયોગ્ય પ્રદેશ - સંબંધોની પરખ - સાચો મિત્ર કોણ ? દુવિધાર્મે દોનૂં ગયે ‘ઘેટી ચરવા જાય ને ઊન મૂકતી આવે’ - વિવાહ : વિવાહ, વેર ને પ્રીત સરખે સરખાની રીત - કોનો વિશ્વાસ ન કરાય ? -સાધન નહિ સાધ્ય મહત્ત્વપૂર્ણ - પુરુષ સમોવડી નહીં, મૂઠી ઊંચેરી

।। બીજો અધ્યાય ।।

સ્ત્રીઓના સ્વાભાવિક દોષ - સંસારી જીવનનાં સુખ પૂર્વનાં પુણ્યનું ફળ - એને તો આ સંસાર જ સ્વર્ગ - સાચો પુત્ર, પિતા, મિત્ર અને યોગ્ય પત્ની - મુખ મેં રામ બગલ મેં છૂરી - કોઈનો વિશ્વાસ ન કરવો - ઢંઢેરો ન પીટો - સૌથી મોટી કમનસીબી કઈ ? - સાધુપુરુષો ચંદન સમાન - પિતૃધર્મ -બાળકોને ભણાગે તે જ સાચાં માબાપ - બહુ લાડ સારાં નહીં - સાર્થક દિવસ - માણસના ભીતરને સળગાવી મૂકતી બાબતો - વૃક્ષ, સ્ત્રી અને રાજાનો નાશ - જેવો વર્ણ તેવો ધર્મ - કામથી જ મતલબ - સમયસર ત્યાગ -જેવો સંગ તેવો રંગ - સરખે સરખાની રીત

।। ત્રીજો અધ્યાય ।।

સદાય સુખી કોણ છે ? - જેવા ગુણ તેવું કુળ - વ્યવહારકુશળતા -દુષ્ટ કરતાં સાપ સારો - કુળવાનનો સંગ જ કરવો - સજ્જનો અને સાગર -કોણ શ્રેષ્ઠ ? મૂર્ખ કંટક સમાન - વિદ્યારહિત મનુષ્ય એટલે સુગંધ વિનાનું પુષ્પ - સુશીલતા એટલે સુંદરતા - આત્માનું રક્ષણ - પુરુષાર્થ એ જ પારસમણિ -અતિ સર્વત્ર વર્જયતે - સામર્થ્ય સાચું શસ્ત્ર - સપૂત - કપૂત - વિદ્વાન પુત્ર કુળશ્રેષ્ઠ - અમુત સમાન પુત્ર - પુત્ર નહિ મિત્ર - જાન બચી તો લાખો પાયે -પુરુષાર્થ વિનાનું જીવન એટલે નરક - મહાલક્ષ્મીનો વાસ

।। ચોથો અધ્યાય ।।

વિધાતાનું કર્મ - સત્સંગ એટલે સ્વર્ગ - સત્સંગ માતા સમાન પ્રભુભજન કરી લો - વિદ્યા કામધેનુ સમાન - ચાંદની સમાન પુત્ર - મૂર્ખ પુત્ર શું કામનો ? - આ છ નરક સમાન - કુપુત્ર કલંક સમાન - સપૂત, સુશીલ પત્ની અને સત્સંગ એટલે સ્વર્ગ - બ્રહ્મવચન - તપ એકાંતમાં તો યુદ્ધ સૈન્ય સાથે - ઉત્તમ પત્ની - દરિદ્રતા અભિશાપ છે - ભોજન વિષ સમાન - અધર્મ અને ગુરુઘંટાલ - વહેલી વૃદ્ધાવસ્થા - પહેલો વિચાર પછી આચાર - આ પાંચ પિતા સમાન - આ પાંચ માતા સમાન - કણકણમાં છે રામ

।। પાંચમો અધ્યાય ।।

અતિથિ દેવો ભવ - સોનું અને મનુષ્ય - કંટક સમયે લડો - સહોદર ન હોય સરખાં - વૈરાગી અને વિદ્વાન - કોણ કોનો દ્વેષ કરે - સેનાપતિ વિના સૈન્યનો નાશ - જેવું શીલ તેવું કુળ - ધન, યોગ અને સ્ત્રીનું રક્ષણ - મૂર્ખ -દાન કરવાથી દરિદ્રતાનો નાશ - મોહ સૌથી મોટો શત્રુ - એકલા આવીએ છીએ અને એકલા જઈશું - સ્વર્ગ તુચ્છ સમાન - જુદાં જુદાં મિત્ર - આ ચાર વ્યર્થ - આત્મબળ સર્વશ્રેષ્ઠ - કામના - સત્ય - જીવન નાશવંત, ધર્મ સનાતન -ચાલાક કોણ ?

।। છઠ્ઠો અધ્યાય ।।

કાન ખુલ્લા રાખો - કાગડો, કૂતરો અને પાપી ચંડાળ સમાન કાંસુ, તાંબા અને સ્ત્રી કેવી રીતે પવિત્ર થાય ? - ...તો રાજા પૂજાય અને સ્ત્રી નાશ પામે - જેવી બુદ્ધિ તેવા સાથીદારો - સમય બડા બલવાન - છાતી આંખે અંધ - કર્તા અને ભોક્તા માણસ પોતે - કોના પાપનું ફળ કોને ભોગવવું પડે ? - કોન કોનો શત્રુ ? - કોને કેવી રીતે વશ થાય ? - નઠારાં વાનાં ન હોય તે સારાં - દુષ્ટ રાજા અને મૂર્ખ શિષ્ય - કાગડામાંથી પણ ગુણ ગ્રહણ કરો - સિંહ જેવી શક્તિ કેળવો - બગલાની જેમ ઈન્દ્રિયો વશ કરો -કૂકડાની જેમ સમયસર જાગો - કાગડાની જેમ સાવધાન કહો - કૂતરાની જેમ વફાદાર બનો - ગર્દભ પાસેથી પરિશ્રમ અને સંતોષના પાઠ શીખો ગુણોનું આચરણ કરનારાનો વિજય

।। સાતમો અધ્યાય ।।

આ પાંચ વાતો જાહેર ન કરો - વ્યવહારમાં શરમ-સંકોચ ન રાખો - સંતોષ સૌથી મોટું સુખ - પત્ની, ભોજન અને સંપત્તિમાં સંતોષ રાખો બાજુએ ખસી જવામાં જ શ્રેય - સાતનો પગથી સ્પર્શ ન કરવો - દુષ્ટ માણસથી દૂર રહો - દુષ્ટનો સંહાર કરો - દુષ્ટની પ્રસન્નતા - શત્રુને કેવી રીતે વશ કરવો ? - રાજા, બ્રાહ્મણ અને સ્ત્રીનું બળ - બહુ સરળ ન બનો - હંસ જેવા સ્વાર્થી ન બનો - લક્ષ્મીનો સદુપયોગ કરો / કમાયેલું વાપરતા રહો -ધનનું મહત્ત્વ : ‘નાણે નાથાલાલ !’ - દૈવી પુરુષનાં લક્ષણો - દુષ્ટ જીવનાં લક્ષણો - સજ્જનોનો સંગ શ્રેષ્ઠ - કૂતરાની પૂંછડી જેવું જીવન - મોક્ષ મેળવવા શું કરવું ? - શરીરમાં જ પરમાત્મા

।। આઠમો અધ્યાય ।।

મહાપુરુષોનું ધન માન-સમ્માન : મોટા માણસ માનના ભૂખ્યા -સ્નાન અને દાન કોઈ પણ સમયે કરી શકાય : એ માટે કશો બાધ ન નડે જેવું ભોજન તેવું સંતાન - ગુણવાનને જ ધન આપો - યવન સૌથી નીચ -સ્નાનનું મહત્ત્વ - પાણી અમૃત સમાન - પતિ વિનાની સ્ત્રી નાશ પામે વૃદ્ધાવસ્થામાં આ ત્રણ મૃત્યુ સમાન - શ્રદ્ધા-ભક્તિનું મૂળ તત્ત્વ - ભાવના સાથે ભક્તિ - ઈશ્વરનો વાસ - શાંતિ અને સંતોષ એટલે પરમ સુખ - ક્રોધ એટલે યમરાજ - શીલથી કુળ અને ગુણથી રૂપ શોભે - રૂપ અને કુળ ક્યારે નાશ પામે ? - પતિવ્રતા સ્ત્રી અને સંતોષી બ્રાહ્મણ શુદ્ધ - કોનો ક્યારે નાશ? -વિદ્યાહીન કુળ નાશ પામે - વિદ્વાન સર્વત્ર પૂજનીય - મૂર્ખ મનુષ્ય પશુ સમાન - રાષ્ટ્રનો નાશ

।। નવમો અધ્યાય ।।

મોક્ષ માર્ગ - ચાડી ચુગલી ન કરવી - બ્રહ્માને સલાહ કોઈએ ન આપી ? - મસ્તકનો મહિમા - સાચો વિદ્વાન - આ લોકોને સૂવા ન દો આ સાત સૂતેલાં જ સારાં - નિર્બળ બ્રાહ્મણ - નપુંસક ક્રોધ - દંભ પણ ક્યારેક જરૂરી - મૂર્ખ શિરોમણિઓની દિનચર્યા - ઈશ્વરની સ્તુતિ - સોનું જેટલું તપે એટલું શુદ્ધ - ગુણ જ સાચું સૌંદર્ય

।। દસમો અધ્યાય ।।

વિદ્યારૂપી રત્ન - સમજી-વિચારી આગળ વધો - એશઆરામ કરવા છે કે વિદ્યા મેળવવી છે ? - કવિ, સ્ત્રી અને કાગનું સામર્થ્ય - નસીબની બલિહારી - કોણ કોને દુશ્મન લાગે - પશુસમાન મનુષ્ય - ભેંસ આગળ ભાગવત ન વંચાય - શાસ્ત્રોનો શું વાંક ? - દુર્જન દુષ્ટ જ રહે - આત્મગ્લાનિ મૃત્યુ સમાન - સગા-સંબંધીઓનો આશરો ન લેવો - વિપ્ર વૃક્ષ અને સંધ્યા તેનું મૂળ - ઘર જ ત્રણે લોક સમાન - શોક ન કરવો - બુદ્ધિ એ જ બળ -જીવન હરિની લીલા છે - અન્ય ભાષાનું રસપાન - ઘી એટલે અમૃત - ઘી શક્તિવર્ધક

।। અગિયારમો અધ્યાય ।।

મનુષ્યના સ્વાભાવિક ગુણ - નાશ - અક્કલ બડી કે ભેંસ ? કળિયુગનો પ્રભાવ - યથા ગુણ તથા ફળ - લીમડામાં મીઠાશ આવતી નથી -દુષ્ટને મુક્તિ મળતી નથી - અજ્ઞાનીને જ્ઞાન કેવું ! - મૌન એક તપસ્યા -વિદ્યાર્થીઓ આ આઠનો ત્યાગ કરો - ઋષિ સમાન બ્રાહ્મણ - દ્વિજ બ્રાહ્મણ -વૈશ્ય સમાન બ્રાહ્મણ - બ્રાહ્મણનું કર્મ ન કરે તે બ્રાહ્મણ શાનો ? - બિલાડા જેવો બ્રાહ્મણ - શુદ્ર સમાન બ્રાહ્મણ - ચંડાળ - ભોજન અને ધનના દાનનો મહિમા

।। બારમો અધ્યાય ।।

ગૃહસ્થ ધર્મ - બ્રહ્મદાન - શાણા પુરુષોના વહેવારથી ટકે સંસાર શિયાળ જેવા લોકો - ભાગ્યમાં લખેલું ભોગવવું પડે - સંગનો રંગ - સંત સમાગમ - ઝેરનો કીડો - ઝેરમાં જન્મે અને ઝેરમાં મરે - સ્મશાનવત્‌ ઘર -સંતનું કુટુંબ - ધર્મમય જીવન જીવો - શ્રી કૃષ્ણઃ શરણં મમ - સત્ય દર્શન ભક્તિ અને શ્રદ્ધા - રામ જ મોટું નામ - કોની પાસેથી શું શીખવું ? - ખોટો ખર્ચ ન કરો - કીડીને કણ, હાથીને મણ - ઉત્તમ કાર્યો - દુષ્ટતા ન છૂટે

।। તેરમો અધ્યાય ।।

ઉત્તમ જીવન - જો બીત ગઈ સો બાત ગઈ : આજનો આનંદ માણો - મધુર વાણી - મહાત્મા પુરુષ - અતિ સ્નેહ દુઃખનું મૂળ - લડે તે જીતે યથા રાજા તથા પ્રજા - ધર્મ એટલે જીવન - અર્થ વિનાનું જીવન - વામણાં લોક - વિચાર - બંધન કે મુક્તિ ? - અભિમાન ઘટે તો પરમાત્મા મળે સંતોષી નર સદા સુખી - કર્મયોગ - કઢંગું કામ - સેવા કરો તો ફળ મળે -જેવું કર્મ તેવું ફળ - ગુરુમહિમા - ઉત્તમ પુરુષોનું કર્તવ્ય

।। ચૌદમો અધ્યાય ।।

ત્રણ રત્ન - જેવું વાવો તેવું લણો - જીવન એક જ વખત મળે છે

-એકતા સાચી તાકાત - આ ચાર ફેલાયા વગર રહેતાં નથી - વૈરાગ્ય ક્યારે આવે ? - પાપ કરતાં પહેલાં વિચારો - અહંકાર ન કરો - દૂર શું, નજીક શું ? - ધીમું ઝેર - ન દૂર, ન નજીક - આ છથી સાવધાન રહેવું - વ્યર્થ જીવન - નિંદા છોડો - વિદ્વાન - વસ્તુ એક, દૃષ્ટિ અનેક - ગુપ્ત રાખવું યોગ્ય સમયે વાત રજૂ કરો - આનો સંગ્રહ કરો - સજ્જન પુરુષોનો સંગ કરો

।। પંદરમો અધ્યાય ।।

દયા જ ધર્મનું મૂળ - ગુરુનો મહિમા - દુર્જનોનો સંહાર કાં તો નવગજથી નમસ્કાર - ગંદો, ભુખાવળો અને આળસુ તો ઈશ્વર પણ ન ખપે -સંપત્તિ સાચી સાથીદાર - પરસેવાની કમાણી જ ટકે - સમરથકો નહીં દોષ - પ્રેમ અને ધર્મ - સાચું મૂલ્યાંકન - ધર્મ એટલે મર્મ - અતિથિ દેવો ભવ આત્મજ્ઞાન એ જ સાચું જ્ઞાન - બ્રાહ્મણને માન આપો - પારકું એ પારકું ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે - લક્ષ્મી નારાજ કેમ ? પ્રેમનું બંધન દોહ્યલું - કુળવાન

।। સોળમો અધ્યાય ।।

કુપુત્ર - સ્ત્રીચરિત્ર - મૂર્ખતા - મોહપાશથી દૂર રહો - વિનાશ કાળે વિપરીત બુદ્ધિ - મહાનતા - ગુણવંત જ આદર મેળવે - આત્મશ્લાઘા નિરર્થક -ગુણ-કળાને નિખારો - આશ્રયનો મહિમા - અયોગ્ય ધન - શ્રેષ્ઠ ધનસંપત્તિ -કાયમી અતૃપ્તિ અને અસંતોષ... - સાર્થક દાન - માગનાર સૌથી હલકો -અપમાન સૌથી મોટું દુઃખ - મીઠાં વેણ - સજ્જનોની સંગત - ઉત્તમ કાર્યો -વિદ્યા અને ધનનો ઉપયોગ

।। સત્તરમો અધ્યાય ।।

ગુરુ જ્ઞાન - જેવા સાથે તેવા - તપનો મહિમા : કશું જ અશક્ય નથી - આચરણ એક તપસ્યા - પ્રારબ્ધ - ‘મજબૂરી કા નામ મહાત્મા’ માતાથી મોટું કોઈ જ નહીં - દુર્જનની દુષ્ટતા - નિરર્થક ઉપવાસ - પતિ પરમેશ્વર - સૌંદર્ય - નારી શક્તિનાશક - પરોપકાર - ધર્મ વિનાનો મનુષ્ય પશુ સમાન - યથાશક્તિ દાન કરો - એમને પરાઈ પીડની જાણ નથી - મુજ વીતી તુજ વીતશે - ઉત્તમ ગુણ, ઓછા અવગુણ - સ્વર્ગથી મોટું સુખ ક્યું?

।। પ્રથમ અધ્યાય ।।

જેમ ઝેરમાં વીંટાળેલું અમૃત હોય કે સોનું અશુદ્ધ ચીજવસ્તુઓમાં હોય તો પણ તે ગ્રહણ કરવા યોગ્ય છે; ઉત્તમ વિદ્યા, કળા કે ગુણ નીચ વ્યક્તિ પાસે હોય તો પણ તેને ગ્રહણ કરવામાં કંઈ ખોટું નથી; તેમ હલકા કુળમાં જન્મેલી ગુણિયલ કન્યાનો સ્વીકાર કરવો જોઈએ.

મંગળાચરણ

સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ - ત્રણે લોકના સ્વામી ભગવાન શ્રીવિષ્ણુનાં ચરણોમાં શીષ નમાવી અનેક શાસ્ત્રોમાંથી પસંદ કરેલી રાજનીતિના સિદ્ધાંતોના સંકલનનું વર્ણન કરું છું. ।। ૧ ।।

હું કૌટિલ્ય સૌથી પહેલાં - સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ - ત્રણે લોકના સ્વામી ભગવાન વિષ્ણુને પ્રણામ કરું છું. આ પુસ્તકમાં મેં અનેક શાસ્ત્રો અને ધર્મગ્રંથોમાંથી ચૂંટી ચૂંટીને રાજનીતિની વાતો સંપાદિત કરી છે. તેમના વર્ણનની શરૂઆત કરતાં પહેલાં પ્રજાના પાલન-પોષણહાર ભગવાન વિષ્ણુને નમસ્કાર કરું છું.અહીં હું કૌટિલ્ય રાજા અને પ્રજા બંને માટે ઉપયોગી નીતિનું દર્શન કરાવું છું. રાજા પ્રજાના કલ્યાણ માટે જે નીતિનો અમલ કરે તેને રાજધર્મ કહેવાય છે અને પ્રજા રાષ્ટ્રના વિકાસ માટે જે ફરજ બજાવે તેને રાષ્ટ્રધર્મ કહેવાય છે. હું નામજોગ વિષ્ણુગુપ્ત કૌટિલ્ય તે રાજધર્મ અને રાષ્ટ્રધર્મનું નિરૂપણ ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે શરૂ કરું છું.

શ્રેષ્ઠ મનુષ્ય

જે આ નીતીશાસ્ત્રને સાચા અર્થમાં સમજી ધર્મનો ઉપદેશ આપે છે, કાર્ય-અકાર્ય, શુભ-અશુભ અને યોગ્ય-અયોગ્ય શું છે તે લોકોને સમજાવે છે તે જ શ્રેષ્ઠ મનુષ્ય છે. ।। ર ।।

આ નીતિશાસ્ત્રમાં ધર્મ એટલે શું ? સારું કાર્ય એટલે શું ? યોગ્ય અને અયોગ્ય વચ્ચે ફરક શું છે ? કુકર્મ એટલે શું ? જેવા અનેક જીવનોપયોગી જ્ઞાનનું વર્ણન કરાયું છે. તેનો અભ્યાસ કરી પોતાના જીવનમાં તેનું આચરણ કરે તે જ મનુષ્ય શ્રેષ્ઠ મનુષ્ય છે.

જ્ઞાની અને સમજુ માણસ નીતિશાસ્ત્રનો અભ્યાસ કરીને જ જાણી લે છે કે તેને કરવા યોગ્ય કાર્યો ક્યાં છે અને કુકર્મ ક્યાં છે. નીતિ એટલે સફળતાપૂર્વક જીવન જીવવાની ચાવી. અહીં દરેક વ્યક્તિને સફળ થવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનું નિરૂપણ કરાયું છે.

રણભૂમિમાં યુદ્ધ કરવા ઊતરો પણ શસ્ત્ર-અસ્ત્રનુું જ્ઞાન ન હોય તો શું વિજય મળે ? તે જ રીતે દરેક વ્યક્તિનું જીવન એક રણભૂમિ છે. ક્યારેક તેનો સંઘર્ષ પોતાનાં જ સગા-સંબંધીઓ સાથે થશે તો ક્યારેક તેની લડાઈ સમાજના અન્ય લોકો સાથે ચાલતી રહેવાની. તેમનીસાથે તલવારની જરૂર નથી પણ વિવેક અને ધૈર્યયુક્ત સમજણરૂપી ઢાલની જરૂર છે. અહીં રજૂ કરેલા સિદ્ધાંતો પહેલાં ઢાલનું કામ કરે છે અને પછી તલવાર બની જીવનરૂપી સંગ્રામમાં વિજયના આશીર્વાદ આપે છે.

લોકહિતાર્થે

હું અહીં લોકોહિતાર્થે એટલે કે પ્રજાના કલ્યાણ અર્થે રાજનીતિનાં એવાં રહસ્યો રજૂ કરીશ જેને જાણવાથી જ વ્યક્તિ પોતાને સર્વજ્ઞ બની રહે છે. ।। ૩ ।।

રાજનીતિના સિદ્ધાંતોનો અમલ કરતાં પહેલાં તેની યોગ્ય સમજણ હોવી જોઈએ. દરેક રાજકીય સિદ્ધાંતની અસરકારકતાનો આધાર પ્રજાના માનસ ઉપર તેની કેટલી અસર થઈ અને જનતા જનાર્દને તેનો કેટલો સ્વીકાર કર્યો તેના ઉપર છે. અહીં હું રાજનીતિના પાયામાં રહેલા સિદ્ધાંતો અને પ્રજાના કલ્યાણ અર્થે રાજાએ શું-શું કરવું જોઈએ તેના સિદ્ધાંતો અત્રે રજૂ કરીશ.

રાજનીતિનો પાયો ક્યારેક બદલાતો નથી, બદલાય છે તેના ઉપર સત્તારૂપી ઈમારત ચણનારા રાજપુરુષો. જે વ્યક્તિ એક વખત રાજનીતિના પાયામાં ક્યાં તત્ત્વો રહેલાં છે તે જાણી લે પછી ક્યા રાજપુરુષે તેના ઉપર પોતાના પ્રદેશના સમય-સંજોગો મુજબ સત્તારૂપી ઈમારત ચણી તે સુપેરે સમજી શકાશે.

દુઃખી થવાની ચાવી

મૂર્ખ વ્યક્તિને ઉપદેશ દેવાથી, કુલટા પત્નીનું ભરણપોષણ કરવાથી અને દુખિયારાં લોકની વ્યથા જોઈને વિદ્વાન વ્યક્તિ પણ દુઃખી થાય છે. ।।૪।।

મૂર્ખ વ્યક્તિને ગમે તેટલો ઉપદેશ આપો કોઈ ફરક પડે નહિ. ‘ભેંસો આગળ ભાગવત ન વંચાય.’ મૂર્ખ વ્યક્તિ પશુ સમાન હોય છે. તેમને યોગ્યઅયોગ્યની સમજણ હોતી નથી. એક વખત વરસાદથી ભીંજાતા વાંદરાને પક્ષીએ માળો બાંધવાનો ઉપદેશ આપ્યો તો ક્રોધે ભરાયેલા વાંદરાએ પક્ષીનો માળો જ વેરવિખેર કરી નાંખ્યો. ઉપદેશ કોને આપવો જોઈએ તેની પરખ હોવી જોઈએ.

મૂર્ખ વ્યક્તિની જેમ દુષ્ટ સ્ત્રી સાથે જીવવું પણ દુઃખદાયક છે. તેની સાથે સંબંધ રાખવાથી દુઃખ સિવાય બીજું કશું મળતું નથી. તેનું પાલનપોષણ કરવું દૂધ પીવડાવીને સાપ ઉછેરવા સમાન છે.

દુઃખી વ્યક્તિ કે વ્યક્તિઓને મદદ જરૂર કરવી જોઈએ. તેમનું આત્મબળ તૂટી ગયું હોય છે. તેમના મન-મસ્તિષ્ક ઉપર નિરાશાનાં વાદળો છવાયેલાં હોય છે. તેઓ કોઈ પણ કાર્ય પાર પાડવા સક્ષમ હોતા નથી. તેમનો સંગ કરવાથી માણસનું મનોબળ તૂટે એ બરાબર નહીં.

દુષ્ટા મૃત્યુ સમાન

દુષ્ટ પત્ની, ઠગ મિત્ર, આજ્ઞામાં ન રહેતો સેવક અને સાપનો ઘરમાં વાસ - આ ચાર બાબતો મૃત્યુ સમાન છે. ।। પ ।।

પતિ અને પત્ની સંસારરૂપી રથનાં ચક્ર છે. તે બરોબર ન ચાલે તો સંસારમાં ડગલે ને પગલે વિઘ્ન ઊભાં થાય છે. દુષ્ટ પત્ની પોતાના પતિ માટે અભિશાપરૂપ હોય છે. તે સજ્જન પુરુષનું જીવવું હરામ કરી નાંખે છે. દુષ્ટા પત્નીના સ્વાર્થના ધસમસતા પ્રવાહમાં ઘરની સુખ-શાંતિ તણાઈ જાય છે અને જે ઘરમાં શાંતિ ન હોય તેનું સમાજમાં કોઈ સ્થાન હોતું નથી.

કહેવાય છે કે જેને સાચો મિત્રમળે તે વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. સાચા મિત્ર મળવા બહુ મુશ્કેલ છે. સુખમાં સાથી બનવા કોણ તૈયાર થતું નથી ? મન-કમને સુખમાં તો બધા ગુણગાન ગાય છે, પણ વ્યક્તિ મુશ્કેલીના મહાસાગરમાં ફસાઈ જાય ત્યારે તેનો હાથ પકડે તે જ સાચો મિત્ર. તાલીમિત્રો તો પવન ફરે તેમ પોતાનો સઢ ફેરવી લે છે અને ઊગતા સૂર્યને પૂજવા લાગે છે.

સેવક આજ્ઞાકારી અને વફાદાર હોવો જોઈએ. તે સ્વામીના કહ્યામાં ન હોય તો કુટુંબ કે પેઢીના અન્ય સભ્યો પણ સ્વામીની અવગણના કરવાના. ઉદ્ધત સેવક સ્વામીની પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવી દે છે. સાપનો ઘરમાં વાસ હોય તો તે ગમે ત્યારે ડંખ મારે છે. તેનો વહેલી તકે ઘરમાંથી નિકાલ કરવો જોઈએ.

રક્ષણ : ક્યારે અને કોનું ?

વિપત્તિના સમયે લડવા ધનનો સંચય કરવો જોઈએ. ધન કરતાં વધુ પત્નીનું રક્ષણ કરવું જોઈએ, પરંતુ પોતાનો જ જીવ જોખમમાં હોય ત્યારે ધન અને પત્નીનું બલિદાન કરતાં અચકાવું ન જોઈએ. ।। ૬ ।।

કહેવાય છે કે પારકી આશ સદા નિરાશ. પારકી વ્યક્તિ ઉપર આશા રાખવાથી સદાય નિરાશા જ હાથ લાગે છે. સંકટે સમયે દરેક વ્યક્તિને પોતાનું સામર્થ્ય જ કામ લાગે છે. સમય બળવાન છે. તે ગમે તેવા શક્તિશાળી મનુષ્યને પણ એક ક્ષણમાં નિર્બળ કરી દે છે એટલે સમજદાર વ્યક્તિએ સારા સમયે ભોગ-વિલાસમાં રચ્યાં-પચ્યાં વિના ધનનો સંચય કરવો જોઈએ જેથી સંકટ સમયે તેનો ઉપયોગ કરી શકાય.

ધનના રક્ષણ કરતાં પણ પોતાની પત્નીનું રક્ષણ કરવું જોઈએ. પત્ની પરિવારની માન-મર્યાદાનું પ્રતીક છે. તે જો જતી રહે તો જીવન અને ધન બંને શું કામનાં ? પરંતુ વ્યક્તિનો પોતાનો જીવ જ જોખમમાં હોય તો પહેલા તેણે સ્વરક્ષણ કરવું જોઈએ. સ્વરક્ષણ કરશે તો જ તે પોતાની પત્ની અને ધનનું રક્ષણ કરી શકશે.

ચંચળ લક્ષ્મી

સંકટ સમય માટે ધનનું રક્ષણ કરવું જોઈએ, પણ ધનિકને વળી સંકટ કેવું ? ખરેખર લક્ષ્મી જ ચંચળ હોય છે એટલે કદાચ સંચિત ધન પણ નાશ પામે છે. ।। ૭ ।।

લક્ષ્મી ચંચળ છે. તે ક્યારે કઈ વ્યક્તિનો સાથ છોડી દે તે કહેવાય નહિ. તે ત્યાગ કરે છે ત્યારે મનુષ્યનાં બધાં ઉત્તમમાં ઉત્તમ પાસાં પણ અવળાં પડે છે અનેતેની બધી ધન-સંપત્તિ નાશ પામે છે. તે સમયે સંચિત ધન પણ સાથ છોડી દે છે. એટલે સદાય સુખી જ રહેવાના છીએ તેવું કોઈ પણ ધનિક વ્યક્તિએ સમજવું ન જોઈએ.

રાજા ભોજ અત્યંત દાની હતા. તેમણે પોતાના ખજાનચીને લક્ષ્મીનો યોગ્ય ઉપયોગ કરવાની સલાહઆપી હતી, જેથી સત્કાર્યોમાં વ્યય કરેલાં ધનથી જે માન અને પ્રતિષ્ઠા મળે તે વિપત્તિના સમયે કામ આવે.

ક્યાં ક્યાં ન રહેવાય ? (૧)

જે દેશમાં માન-સમ્માન ન મળે અને આજીવિકા ન મળે, જ્યાં કોઈ ભાઈ-ભાંડુ રહેતાં ન હોય અને વિદ્યાભ્યાસ કરવો શક્ય ન હોય ત્યાં રહેવાનો કોઈ ફાયદો નથી. ।। ૮ ।।

જે દેશ, પ્રદેશ કે શહેરમાં :

•વ્યક્તિનું કોઈ મૂલ્ય ન હોય

•રોજગારીની કોઈ સુવિધા ન હોય

•કોઈ સગું-સંબંધી રહેતું ન હોય

•જ્યાં અભ્યાસ કરવા કોઈ સુવિધા ન હોય

તેનો વહેલી તકે ત્યાગ કરી દેવો જોઈએ, કારણ કે ત્યાં રહેવાથી મનુષ્યની સામાજિક, આર્થિક કે શૈક્ષણિક જરૂરિયાતો સંતોષાતી નથી.

સંસારમાં રહેતાં પ્રાણીઓના વિકાસ માટે તેમને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સુવિધાઓ મળે તે જરૂરી છે. જે પ્રદેશમાં વિદ્યાભ્યાસ કરવો શક્ય ન હોય એટલે કે વિદ્યાનું કોઈ મૂલ્ય જ ન હોય તેમાં રહેતાં મનુષ્યો પશુ સમાન છે. વિદ્યાભ્યાસ મનુષ્યમાં સંસ્કારના બીજ રોપે છે અને તેના ઉપર જીવનરૂપી પુષ્પો ખીલે છે. જ્યાં વિદ્યાનું કોઈ મહત્ત્વ નહિ ત્યાં વ્યક્તિનું કોઈ મૂલ્ય હોતું નથી.

દરેક પ્રદેશમાં વસતા નાગરિકોને પોતાના સામર્થ્ય પ્રમાણે રોજગારી મળી રહે તે જરૂરી છે, કારણ કે તેનાથી જ તેમની પ્રાથમિક જીવનજરૂરિયાતો સંતોષાશે. જે દેશ કે પ્રદેશમાં રોજગારીની સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યાં રહેવામાં જોખમ છે, કારણ કે બેરોજગારીથી કંટાળેલા મનુષ્યો છેવટે પોતાની જરૂરિયાતો સંતોષવા લૂંટફાટ જ કરશે.

ક્યાં ક્યાંં ન રહેવાય ? (ર)

જ્યાં કોઈ શેઠ, વેદપાઠી વિદ્વાન, રાજા, વૈદ્ય અને કોઈ નદી ન હોય ત્યાં એક દિવસ પણ ન રહેવું. ।। ૯ ।।

જે દેશ, પ્રદેશ કે શહેરમાં :

•કોઈ શેઠ કે ધનવાન વ્યક્તિ ન હોય

•વેદોના જ્ઞાતા બ્રાહ્મણ ન રહેતા હોય

•રાજા કે સરકાર ન હોય

•કોઈ વૈદ્ય ન હોય

•કોઈ નદી ન વહેતી હોય

ત્યાં એક દિવસ પણ રહેવામાં કોઈ ફાયદો નથી. જીવનમાં શેઠ, રાજા, વિદ્વાન, વૈદ્ય અને નદીનું સૌથી વધુ મહત્ત્વ છે.

જે પ્રદેશમાં પ્રજાપ્રેમી રાજા કે સરકાર નહિ હોય ત્યાં જંગલરાજ પ્રવર્તે છે અને મનુષ્યના જીવ, પરિવાર કે ધન-સંપત્તિની કોઈ કિંમત નથી. તે પ્રદેશમાં કોઈ ધનવાન વ્યક્તિ, વિદ્વાન અને વૈદ્ય રહેતા નથી. ત્યાં રહેવાથી શું ફાયદો ? આપત્તિના સમયે ધનની, પ્રસંગે પરામર્શ કરવા વિદ્વાન બ્રાહ્મણની જરૂર હોય છે તો મનુષ્યને થતાં રોગોના નિવારણ માટે સારા વૈદ્યની જરૂર છે.

જગતની દરેક સંસ્કૃતિનો વિકાસ નદીકિનારે જ થયો છે. નદીકિનારે જ જીવન ખીલ્યું છે. વેપાર-વાણિજ્યનો વિકાસ થયો છે. હડપ્પા સંસ્કૃતિ, નાઈલ સંસ્કૃતિ અને મેસોપોટેમિયા સંસ્કૃતિનો વિકાસ નદીકિનારે જ થયો હતો. એટલું જ નહિ આધુનિક શહેરો અને રાષ્ટ્રો પણ નદીકિનારે જ ફૂલ્યાં-ફાલ્યાં છે.

અયોગ્ય પ્રદેશ (૩)

જે પ્રદેશમાં રોજીરોટી ન મળે, જ્યાંના લોકોમાં ભય, શરમ, ઉદારતા અને દાન કરવાની વૃત્તિ ન હોય - તે પાંચ સ્થાનમાં ન રહેવું. ।। ૧૦ ।।

જે દેશ, પ્રદેશ કે શહેરમાં :

•કોઈ શેઠ કે ધનવાન વ્યક્તિ ન હોય

•રોજીરોટી ન મળે

•લોકોમાં કોઈ પણ પ્રકારનો ડર ન હોય

•પુરુષ અને સ્ત્રીઓમાં માન-મર્યાદા ન હોય

•દાન દેવાની કે પરોપકારની વૃત્તિ ન હોય

•ત્યાગની ભાવના ન હોય ત્યાં રહેવું હિતાવહ નથી.

રોજીરોટી ન મળે ત્યાં રહેવાનો શો ફાયદો ? જે પ્રદેશમાં લોકોને રાજાની, સરકારની કે કાયદા-કાનૂન અને દંડનો ડર જ ન હોય ત્યાં સજ્જનોએ રહેવું નરક સમાન છે. જ્યાં પ્રજામાં કોઈ દંડનો ભય નહિ હોય તો ‘જિસકી લાઠી ઉસકી ભેંસ’ જેવું શાસન પ્રવર્તે છે.

સ્વસ્થ સમાજના નિર્માણ માટે પ્રજામાં માન-મર્યાદા હોવી જોઈએ. જો પુરુષ અને સ્ત્રીઓમાં માન-મર્યાદા નહિ હોય તો વ્યભિચારી સમાજનું નિર્માણ થશે. જ્યાંના લોકો બેશરમ હોય ત્યાં પશુઓ અને માણસોમાં કોઈ ફરક હોતો નથી.

સંબંધોની પરખ

કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય દરમિયાન સેવકની, દુઃખ આવી પડે ત્યારે સગા-સંબંધીઓની, મુશ્કેલીમાં મિત્રની અને દરિદ્રાવસ્થામાં પત્નીની કસોટી થાય છે. ।। ૧૧ ।।

મનુષ્ય સામાજિક પ્રાણી છે અને તેના બધા વ્યવહાર સમાજ સાથે જ હોય છે. તે એકલો પોતાના તમામ કાર્ય પાર પાડી શકે નહિ. આ માટે તેને સેવક, મિત્ર, સગા-સંબંધીઓ અને પત્નીની મદદ લેવી પડે છે. આ બધા સુખના સમયે તો સાથે જ રહે છે, પણ દુઃખના સમયે ? કાર્યના અને દુઃખના સમયે કોણ પોતાની પડખે ઊભું રહેશે તેની વ્યક્તિને જાણ હોવી જોઈએ.

આચાર્ય ચાણક્ય કહે છે કે, મહત્ત્વપૂર્ણ કાર્ય સમયે સેવકની પરખ થાય છે અને તે કાર્ય ઉત્તમ રીતે પાર પાડવા કેટલો સક્ષમ છે તેની કસોટી થઈ જાય છે. સાથેસાથે તેની પ્રામાણિકતાની પરખ પણ થાય છે. તે જ રીતે દુઃખના સમયે વ્યક્તિને તેના સગા-સંબંધીઓનું સાચું ચરિત્ર જાણવા મળે છે.

જીવન એટલે સુખ અને દુઃખનો સરવાળો. મનુષ્ય પોતાના જીવનમાં સતત સુખી કે દુઃખી હોતો નથી. ક્યારેક સુખનો ભેટો થાય છે તો ક્યારેક દુઃખ બાથ ભીડે છે. દુઃખના સમયે સગા-સંબંધીઓની અને મુશ્કેલીમાં મિત્રની કસોટી થાય છે. જો તેઓ વિપત્તિમાં તમને સાથ-સહકાર આપે તો તેમની સાથેના સંબંધો સાર્થક છે. આવા સમયે પત્નીની કસોટી પણ થઈ જાય છે. પત્ની પતિને પ્રેમ કરતી હતી કે તેના ધનને તેની પરખ થાય છે.

સાચો મિત્ર કોણ ?

કોઈ રોગ થયો હોય, દુઃખ આવી પડે, દુકાળ પડે, શત્રુ જ્યારે કોઈ મુશ્કેલી સર્જે, રાજ્યસભા, સ્મશાન અથવા કોઈના મૃત્યુ સમયે જે વ્યક્તિ સાથ ન છોડે, હકીકતમાં એ જ સાચ્ચો મિત્ર છે. ।। ૧ર ।।

વ્યક્તિ જ્યારે બીમાર પડે કે દુઃખી હોય, દુકાળની પરિસ્થિતિ સર્જાય કે દુશ્મન મુશ્કેલીઓ ઊભી કરે, કે પછી કોઈ કેસમાં ફસાઈ જનારી વ્યક્તિને બાતમી આપનાર બચાવી લે. કાયદાકીય મુશ્કેલીના સમયે અને મૃત્યુના સમયે સ્મશાન ઘાટ પર જે હાજર રહે છે તે જ સાચો મિત્ર છે. આ પ્રસંગો એવા છે જ્યારે મદદની અત્યંત જરૂર હોય છે, પણ સંસારનો નિયમ છે કે જે કોઈના કામમાં આવે છે તેને જ સમય આવે મદદ મળે છે. જે કોઈની મદદમાં નથી આવતું તેને કોણ યાદ કરશે ?

દુવિધામેં દોનૂં ગયે ‘ઘેટી ચરવા જાય ને ઊન મૂકતી આવે’

જે વ્યક્તિ નિશ્ચિત કાર્ય છોડી અનિશ્ચિત કાર્યની પાછળ દોડે છે, તે હાથમાં આવેલું કાર્ય કે પ્રાપ્ત થયેલી ચીજવસ્તુ ગુમાવે છે. ।। ૧૩ ।।

જે ચીજવસ્તુ મળવાની નક્કી હોય તેને મેળવવા જ પ્રયત્ન કરવો જોઈએ અને તેને લગતા કાર્યને જ પહેલાં પૂર્ણ કરવું જોઈએ. જે ચીજવસ્તુ મળશે તેની ખાતરી ન હોય તેની પાછળ દોડવાનો કોઈ અર્થ નથી. દિશાહિન દોટ મૂકનાર વ્યક્તિના હાથમાં કંઈ આવતું નથી. વ્યક્તિએ પોતાની શક્તિને અનુરૂપ નિશ્ચિત યોજના બનાવી આગળ વધવું જોઈએ. લોભમાં આંધળા થઈને વ્યક્તિએ ગમે ત્યાં ફાંફાં ન મારવા જોઈએ.

હિંદીમાં એક કહેવત છે કે, ‘આધી તજ પૂરી કો ધાવે, આધી મિલે ન પૂરી કો પાવે’ એટલે કે જે મનુષ્ય એક કામ પૂર્ણ ન થયું હોય અને બીજું કાર્ય મેળવવા ભાગદોડ કરે છે તેનું અડધું પૂર્ણ થયેલું કાર્ય પણ નાશ પામે છે.

વિવાહ : વિવાહ, વેર ને પ્રીત સરખે સરખાની રીત

બુદ્ધિશાળી વ્યક્તિએ સામાન્ય કે ઓછું સૌંદર્ય ધરાવતી, પણ કુળવાન કન્યા સાથે જ વિવાહ કરવા જોઈએ. પોતાનાથી નીચા કુળમાં જન્મેલી કન્યા સુંદર અને સુશીલ હોય તો પણ તેનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે વિવાહ સમાન કુળમાં જ શોભે. ।। ૧૪ ।।

ગરુડ પુરાણમાં કહ્યું છે કે, ‘સમાન કુલવ્યસને ચ સખ્યમ્‌’ અર્થાત્‌ વિવાહ અને મિત્રતા સમાન કુળ અને ગુણ ધરાવતા લોકો વચ્ચે જ શોભે. ભારતમાં મોટાભાગના લોકો પોતાના દીકરા-દીકરીનાં લગ્ન પોતાના જ કુળમાં થાય તેમ ઈચ્છે છે. તેની પાછળ રૂઢિચુસ્ત માનસિકતા જવાબદાર નથી, પણ વ્યવહારિક અભિગમ છે. સમાન કુળનાં પુરુષ અને સ્ત્રી વચ્ચે વિવાહ થાય તો તેઓ પોતાના પારંપારિક રીતિ-રિવાજો અને સંસ્કારોથી સારી રીતે વાકેફ હોય છે. તેઓ બંને પોતાના કુટુંબમાં ઝડપથી હળીમળી જાય છે.

વિવાહનો માપદંડ સૌંદર્ય કે આર્થિક સદ્ધરતા નથી. સૌંદર્યના આકર્ષણ અને આર્થિક સદ્ધરતાના મોહમાં અંજાઈને થયેલાં લગ્ન ક્યારેય સફળ પુરવાર થતાં નથી. આચાર્ય ચાણક્યના મત મુજબ, વિવાહનો માપદંડઢ પોતાના જ કુળની સુશીલ અને ગુણિયલ કન્યા છે. નીચા કુળની કન્યા પરી જેવી સુંદર અને સુશીલ હોય તો પણ બુદ્ધિશાળી વ્યક્તિએ તેની સાથે વિવાહ ન કરવા જોઈએ.

કોનો વિશ્વાસ ન કરાય ?

લાંબા નખવાળાં પ્રાણીઓ, નદીઓ, મોટાં-મોટાં શિંગડાંવાળાં પશુઓ, શસ્ત્રધારી વ્યક્તિ, સ્ત્રીઓ અને રાજ-પરિવારો - આ છ શક્તિ પર ક્યારેય આંધળો વિશ્વાસ ન મૂકવો. ।। ૧પ ।।

લાંબા નખવાળાં સિંહ, વાઘ, ભાલુ જેવા હિંશક પશુઓની સ્વાભાવિક વૃત્તિ જ આક્રમક હોય છે એટલે તેમનાથી સદાય સાવધાન રહેવું જોઈએ. તે કોઈ પણ ક્ષણે તમારા પર હુમલો કરી શકે છે. તે જ રીતે શિંગડાવાળાં પશુઓ અને શસ્ત્રધારી વ્યક્તિ પણ ભરોસાપાત્ર નથી, કારણ કે તે ઝનૂનવશ થઈ ગમે ત્યારે આક્રમણ કરે છે. આ બધાં દેખીતી રીતે જોખમી છે.

નદીનો પ્રવાહ અને તેની ઊંડાઈ વિષે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ સાચી માહિતી ન આપી શકે. આ બંને બાબતો તો અમુક નિશ્ચિત સમયે બદલાતી હોવાથી તેની ચોક્કસ ધારણા બાંધી શકાય નહિ. એટલે નદી પાર કરતા તમારે સતત સતર્ક રહેવું જોઈએ નહિ તો અધવચ્ચે જ તમારી જીવનનૈયા ડૂબી જાય છે.

આચાર્ય ચાણક્ય સ્ત્રીઓ અને રાજપરિવારો ઉપર આંખો મીંચીને વિશ્વાસ ન કરવાની પુરુષોને સલાહ આપે છે. તેમના મત મુજબ, મોટાભાગની

સ્ત્રીઓની કથની અને કરણીમાં બહુ ફરક હોય છે. સ્ત્રીન સલાહ કે વાત માનતા પહેલાં પુરુષે તમામ પાસાંનો વિચાર કર્યા પછી જ તેના પર અમલ કરવો જોઈએ, કારણ કે સ્ત્રીઓ સંકુચિત અને ઈર્ષાળુ માનસ તથા બદલાની ભાવના ધરાવતી હોવાથી પોતાને અનુકૂળ કામ કરાવવા તમને ખોટી, નુકસાનકારક સલાહ આપી શકે છે.

તે જ રીતે રાજપરિવારની મોટા ભાગની વ્યક્તિઓનું લક્ષ્યા એકમાત્ર સત્તા જ હોય છે. તેમને રાજગાદી મેળવવામાં જ રસ હોય છે. પોતાના ધ્યેય સુધી પહોંચાડવામાં મદદ કરતા લોકોને તે મિત્રો માને છે અને તેમાં અવરોધરૂપ હોય તેવી વ્યક્તિને તે શત્રુ ગણે છે. તેમના સંબંધો સ્વાર્થ આધારિત હોય છે અને તેઓ સતત રાજરમતમાં જ મસ્ત હોય છે. જો રાજપરિવારની વ્યક્તિઓ સાથે સંબંધો જાળવવામાં સાવધાન ન રહો તો તમે ગમે ત્યારે તેમની રાજરમતનો શિકાર બની શકો છો.

સાધન નહિ સાધ્ય મહત્ત્વપૂર્ણ

અમૃત ઝેરમાં વીંટાયેલું હોય કે સોનું અશુદ્ધ ચીજવસ્તુઓમાં હોય તો પણ તે ગ્રહણ કરવા યોગ્ય છે. ઉત્તમ વિદ્યા, કળા કે ગુણ કોઈ નીચ વ્યક્તિ પાસેથી મળે તો તેને ગ્રહણ કરવામાં કંઈ ખોટું નથી. તે જ રીતે નીચા કુળમાં ઉત્પન્ન થયેલી ઉત્તમ ગુણયુક્ત, સુશીલ શ્રેષ્ઠ કન્યારૂપી રત્નનો સ્વીકાર કરવો જોઈએ. ।। ૧૬ ।।

અમૃત જીવદાયક છે. તે વિષમાં પડે તોપણ તેનો ગુણ નાશ પામતો નથી. સોનું ગંદકીમાં હોય તોપણ તેને લેવું જોઈએ. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે, ખરાબ સ્ત્રોતમાંથી પણ ઉત્તમ પદાર્થ મળતો હોય તો તેને લેવામાં સંકોચ ન કરવો જોઈએ. મનુષ્યે હંમેશાં સાધ્ય ઉપર દૃષ્ટિ રાખવી જોઈએ નહિ કે સાધન ઉપર.

તે જ રીતે ઉત્તમ વિદ્યા, કળા કે ગુણ હલકી વ્યક્તિ પાસે હોય તો તેની પાસેથી તેને ગ્રહણ કરવામાં કોઈ વાંધો નથી તથા નીચા કુળમાં જો સુશીલ અને સુંદર કન્યા જન્મે તો તેની સાથે વિવાહ કરાય. કમળ કાદવમાં ખીલે છે તેમ છતાં પ્રભુપ્રિય છે. તે કાદવમાં ખીલતું હોવાથી કોઈ તેનો અસ્વીકાર કરતું નથી.

પુરુષ સમોવડી નહીં, મૂઠી ઊંચેરી

પુરુષો કરતાં સ્ત્રીઓનું ભોજન બમણું, અક્કલ ચાર ગણી, સાહસિક વૃત્તિ છ ગણી અને કામેચ્છા આઠ ગણી હોય છે. ।। ૧૭ ।।

પુરુષની સરખામણીમાં સ્ત્રીને ઘરકામ વધારે રહેતું હોવાથી તેનું ભોજન સ્વાભાવિક રીતે વધારે હોય છે. સ્ત્રીઓ ઘણી બુદ્ધિશાળી હોય છે. સામાન્ય રીતે ભારતીય સ્ત્રીઓ અંતર્મુખી હોય છે.

સાહસવૃત્તિ પણ સ્ત્રીઓમાં પુરુષ કરતાં વધારે હોય છે. સ્ત્રીઓ માનસિક રીતે પુરુષ કરતાં વધારે શક્તિશાળી હોય છે. તેનું મનોબળ પુરુષ કરતાં વધારે મજબૂત હોય છે. ભારતીય પરંપરાને સ્ત્રીને માતાનો દરજ્જો અપાયો છે. ભારતીય ધર્મોમાં મા દુર્ગા સ્ત્રીશક્તિનું પ્રતીક જ છે. નારીને નારાયણી કહેવાય છે.

।। બીજો અધ્યાય ।।

મૂર્ખતા દુઃખદાયક છે, યૌવન પણ દુઃખદાયક છે, પરંતુ બીજાના ઘરે રહેવું એટલે પરવશ થવું તે તો મહાદુઃખદાયી છે.

સ્ત્રીઓના સ્વાભાવિક દોષ

ખોટું બોલવું, વિચાર્યા વિના કોઈ કાર્ય કરવું - દુઃસાહસ ખેડવું, છળકપટ કરવું, મૂર્ખતા, વધુ પડતો મોહ, ગંદકી અને નિર્દયતા - આ સ્ત્રીઓના સ્વાભાવિક દોષ છે. ।। ૧ ।।

આદ્ય શંકરાચાર્યે કહ્યું છે કે, ‘દ્વારં કિમેકં નરકસ્ય નારી’ એટલે કે નરકનું એકમાત્ર દ્વાર નારી છે. તુલસીદાસજીએ કહ્યું છે કે, ‘નારિ સ્વભાવ સત્ય કવિ કહહીં, અવગુણ આઠ સદા ઉર રહહીં ાા’ પરંતુ આ વાત દરેક

સ્ત્રીને લાગુ પડતી નથી. દરેક સ્ત્રીમાં આ અવગુણો હોતા નથી. અહીં આચાર્ય ચાણક્યે સ્ત્રીઓમાં સામાન્ય રીતે જોવા મળતા દોષ જણાવ્યા છે. દરેક વ્યક્તિમાં ગુણ-અવગુણ હોય છે. ઘણી વાર આ અવગુણો પુરુષોમાં પણ જોવા મળે છે. વૈદિક શાસ્ત્રોમાં જ નારીને મમતા, દયા, ક્ષમા વગેરે ગુણોનું પણ એકમાત્ર સ્થાન ગણાવી છે. શાસ્ત્ર અને શાસન અનાદિ કાળથી પુરુષજાતની ‘મોનોપોલી’ રહેલાં હોઈ સ્ત્રીઓ વિશે આવું ‘ઘસાતું’ લખાતું રહ્યું હશે.

સંસારી જીવનનાં સુખ પૂર્વનાં પુણ્યનું ફળ

સુંદર ભોજન, એ માટે જરૂરી પાચનશક્તિ, કામેચ્છા અને કામશક્તિ, સુંદર સ્ત્રી, વૈભવ-વિલાસ અને દાન કરવાનું સામર્થ્ય - આ છ સુખ કોઈ ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય છે. તે પૂર્વજન્મના પુણ્ય અને અખંડ તપસ્યાનું ફળ છે. ।। ર ।।

આપણે મોટાભાગે જોઈએ છીએ કે સુખી-સંપન્ન લોકોનું શરીર રોગનો પટારો હોય છે અને જેથી પાસે સારું ભોજન પચાવવાની શક્તિ હોય છે. તેવા ગરીબ લોકો પાસે ઉત્તમ ભોજન ખરીદવાનું સામર્થ્ય હોતું નથી. સુંદર

સ્ત્રીનો સાથ અને તેની સાથે લાંબા સમય શયનસુખ માણવાની શક્તિ દરેક પુરુષના નસીબમાં હોતી નથી. તે જે રીતે વૈભવ-વિલાસ પણ ભાગ્યશાળી પુરુષાર્થીઓને જ પ્રાપ્ત થાય છે. પૂર્વજન્મનાં પુણ્ય અને અખંડ તપસ્યાનું ફળ ભેગું થાય ત્યારે મનુષ્યને યોગ્ય દિશામાં જીવનનાં પુરુષાર્થ કરવાની તક અને સાથેસાથે તેનું ફળ પણ મળે છે.

ઉપરાંત, બધા પુરુષો દાન કરી શકતા નથી. ઘણી વખત દાન કરવા માગતા પુરુષોમાં તેનું સામર્થ્ય હોતું નથી, તો જેની પાસે ધન-વૈભવ હોય છે તેને લોભ છૂટતો નથી. આ છ સુખ જેની પાસે હોય છે તેનો જન્મ સફળ ગણાય છે.

એને તો આ સંસાર જ સ્વર્ગ

જેનો પુત્ર આજ્ઞાકારી હોય, જેની પત્ની ધાર્મિક અને પવિત્ર હોય, જે પોતાના ધન-વૈભવ થકી સંતુષ્ટ હોય તેને માટે અહીં પૃથ્વી પર જ સ્વર્ગ છે. ।। ૩ ।।

આજ્ઞાકારી પુત્ર, પતિવ્રતા ધાર્મિક સ્ત્રી અને સંતોષ - આ ત્રણેય સુખ સ્વર્ગ સમાન છે. સપૂત કુળનું નામ રોશન કરે છે અને કપૂત પરિવારની આબરૂ ધૂળમાં મેળવી દે છે. દરેક પુરુષ પોતાના કુળની આબરૂ વધારે તેવો પુત્ર ઝંખે છે. આજ્ઞાકારી અને સદાચારી પુત્ર પિતાને સુખ-શાંતિ અને માનસન્માન અપાવે છે. કુટુંબની પુત્રવધૂ ઉપર હોય છે.

પત્ની પણ માનમર્યાદા જાળવનારી સુશીલ, ધાર્મિક, ગુણિયલ હશે તો તેના પુત્રમાં સંસ્કારોનું સિંચન કરી શકશે. આવી ધાર્મિક, સદાચારી અને પતિવ્રતા પત્ની મેળવનાર પુરુષનો સંસાર મંદિર જેવો પવિત્ર બની જાય છે. તે માન-મર્યાદા વડે પોતાના કુટુંબ અને કુળની આબરૂ વધારે છે.

ઉપરાંત આચાર્ય ચાણક્ય કહે છે કે, જેના મનમાં પોતાની સંપત્તિના મુદ્દે સંતોષ હોય તે ક્યારેય દુઃખી થતો નથી. કહેવાય છે કે, સંતોષી નર સદા સુખી. લોભ-લાલચ છોડી પોતાને જે મળ્યું છે તેમાં જ રાજી રહેવાનો ગુણ અમુક વિરલા જ કેળવી શકે છે. જે વ્યક્તિને આ ત્રણેય સુખ મળે તેને સ્વર્ગની કોઈ જરૂર નથી, કારણ કે સ્વર્ગમાં મળતાં સુખ તો તે પૃથ્વી પર જ ભોગવે છે.

સાચો પુત્ર, પિતા, મિત્ર અને યોગ્ય પત્ની

જે પિતાની સેવા કરે છે તે જ પુત્ર છે. જે પોતાના પુત્રનું પાલનપોષણ કરે છે તે જ સાચો પિતા છે. જે વિશ્વાસપાત્ર હોય તે જ મિત્ર છે અને હૃદયને આનંદિત કરે તે જ પત્ની છે. ।। ૪ ।।

આ શ્લોકમાં પિતા, પુત્ર, પત્ની અને મિત્રની ફરજનું સૂચન છે. પિતાનું કર્તવ્ય પોતાના પુત્રનું સારી રીતે પાલનપોષણ કરી તેને સારો નાગરિક બનાવવાનું છે. પુત્રને સારા સંસ્કાર આપવા અને સારો વિદ્યાભ્યાસ કરાવવો પિતાનો ધર્મ છે. આ ધર્મ નિભાવે તે જ પિતા છે. તે જ રીતે પિતાની સેવા કરવી પુત્રનો ધર્મ છે. સારી રીતે લાલનપાલન કરી ભણાવી-ગણાવી મોટા કરનાર પિતાને જો પુત્ર ભૂલી જાય તો તે કપૂત છે. પુત્રને યુવાની સુધી સારા પિતાની અને પિતાને વૃદ્ધાવસ્થામં પોતાની સેવા કરનાર, પોતાનું ધ્યાન રાખનાર સુપુત્રની જરૂર હોય છે.

સંબંધોનો મુખ્ય પાયો વિશ્વાસ છે. જે વિશ્વાસપાત્ર હોય તે જ સાચો સંબંધી અને તે જ સાચો મિત્ર. મિત્રતાની ડોર વિશ્વાસની ગાંઠ વડે બંધાયેલી હોય છે. જે વિશ્વાસપાત્ર ન હોય તેને ક્યારેય મિત્ર માનવો નહિ. તાળીમિત્રને સાચા મિત્ર માનવાની ભૂલ ક્યારેય કરશો નહિ. તે જ રીતે જે સદાય વિશ્વાસપાત્ર હોય અને પોતાના આચરણથી પતિને સુખ આપે તે સ્ત્રી જ સાચા અર્થમાં પત્ની છે.

મુખ મેં રામ બગલ મેં છૂરી

જે તમારી સામે તમારાં કાર્યોની પ્રશંસા કરે અને તમારી પીઠ પાછળ તમારું કાર્ય બગાડે તેવો મિત્ર ઉપરથી દૂધ ભરેલા વિષયુક્ત ઘડાની સમાન છે. તેનો ત્યાગ કરવામાં જ ભલાઈ છે. ।। પ ।।

જો ઝેરના ઘડામાં ઉપર દૂધ ભેળવવામાં આવે તો શું તે દૂધનો ઘડો થઈ જાય ? ના, તેને વિષનો ઘડો જ કહેવાય. કેટલીક વ્યક્તિઓ આવા વિષયુક્ત ઘડા સમાન હોય છે. તે તમારી સામે તો તમારાં કાર્યોની પ્રશંસાના ગુણગાન કરતાં થાકતા નથી, પરંતુ તમારી ગેરહાજરીમાં તમારું કાર્ય બગાડવામાં બાકી પણ રાખતા નથી. ‘મુખ મેં રામ બગલ મેં છુરી’ જેવા આ મિત્રોનો ત્યાગ કરવામાં જ તમારી ભલાઈ છે. આવા મિત્રો ખરેખર શત્રુ સમાન છે.

કોઈનો વિશ્વાસ ન કરવો

જે કુમિત્ર છે તેનો ક્યારેય વિશ્વાસ ન કરવો અને જે મિત્ર છે તેનો પણ વિશ્વાસ ન કરવો. ક્યારેક ગુસ્સામાં આવીને મિત્ર પણ તમારી ગુપ્ત વાતો જાહેર કરી શકે છે. ।। ૬ ।।

ચાણક્ય રાજનીતિજ્ઞ છે. રાજકારણમાં તો મિત્રને પણ શંકાની નજરે જોવામાં આવતો હોય છે. એથી અહીં મિત્ર કે અમિત્ર - કોઈનો પણ વિશ્વાસ ન કરવાની વાત રજૂ થઈ છે.

જે વિશ્વાસપાત્ર નથી, ચાડી-ચુગલીખોર છે, જે સ્વાર્થી છે, દુષ્ટ છે તેવા દુર્જન મિત્રનો ક્યારેય વિશ્વાસ ન કરવો. એટલું જ નહિ અમુક વાતો એવી હોય છે જે તમારા લંગોટિયા મિત્રને પણ ન કહેવી. ક્રોધમાં માણસ વિવેકભાન ગુમાવી દે છે. તેને સારાં-નરસાંનું ભાન રહેતું નથી. ક્યારેક ગુસ્સામાં આવીને તમારો મિત્ર જ તમારી બધી ગુપ્ત રાખવા જેવી બાબતો જાહેર કરી શકે છે. ક્યારેક એવું પણ બને કે તમારી ગુપ્ત વાતો જાહેર કરવાની ધમકી આપી તે તમારી પાસે અયોગ્ય કાર્ય પણ કરાવે. અમુક બાબતો ગુપ્ત જ રાખવી.

ઢંઢેરો ન પીટો

જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો હોય તેનું ગોપનીય મંત્ર સમાન રક્ષણ કરો. કોઈને કહ્યા વિના તે કાર્ય શરૂ કરી દો અને તે પૂર્ણ ન થાય એ પહેલાં તેનો ઢંઢેરો ન પીટો. ।। ૭ ।।

તમારી યોજના ગુપ્ત રાખો. જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો હોય તેને મનમાં રાખો. કોઈને તેના વિશે કહો નહિ. મંત્ર સમાન તેનું સતત રટણ કરી તેને શરૂ કરી દો. જ્યાં સુધી કાર્ય ચાલુ હોય ત્યાં સુધી તેના વિશે બધાને કહેતા ન ફરો. જો કાર્ય પૂર્ણ નહિ થાય તો તમે જગમાં હાંસીપાત્ર ઠરશો. એટલું જ નહિ તમે શરૂ કરેલું કાર્ય કોઈ હરીફ જાણી જશે તો તે તમારા કાર્યમાં વિઘ્નો પણ ઊભાં કરશે.

સૌથી મોટી કમનસીબી કઈ ?

મૂર્ખતા દુઃખદાયક છે, યૌવન પણ દુઃખદાયક છે, પરંતુ બીજાના ઘરે રહેવું એટલે પરવશ થવું તે તો સૌથી વધારે કષ્ટદાયક બાબત છે. ।। ૮ ।।

મૂર્ખ વ્યક્તિનું સમાજમાં ક્યાંય સ્થાન હોતું નથી. તેની સાથે કોઈ સંબંધ રાખવા માગતું નથી. તેને યોગ્ય-અયોગ્યનું ભાન હોતું નથી એટલે તે કાયમ ખોટા નિર્ણય લે છે અને દુઃખી થાય છે. જુવાની પણ જરા જુદી રીતે કષ્ટદાયક છે. યૌવન ઘુઘવાતા સાગર સમાન છે. તેનાં મોજાંઓને જો વિવેકયુક્ત પાળ ન મળે તો તે આખું જીવન બરબાદ કરી નાંખે છે. જો કોઈને જુવાનીના જોશમાં અહંકારરૂપી નશો ચડી જાય તો તે અયોગ્ય નિર્ણય લઈ બેસે છે. યુવાનોમાં ઘણી તાકાત છે, પણ તેને યોગ્ય દિશાની જરૂર છે. આ બંને કષ્ટનો ઉપાય યોગ્ય માર્ગદર્શનનો સ્વીકાર છે. જો મૂર્ખ અને યુવાન અહંકાર ભૂલી યોગ્ય સલાહનો સ્વીકાર કરે તો આ કષ્ટમાંથી બચી શકાય છે. આ બંને કષ્ટ કરતાં પણ મહાકષ્ટ તો પોતાના માથે છાપરું ન હોવું તે છે. તે સૌથી મોટી કમનસીબી છે.

પરવશતા એટલે બીજાના આશરે રહેવું, બીજાની કૃપા પર જીવવું. કહેવાય છે કે, સ્વતંત્રતા સુખ છે અને પરાધીનતા દુઃખ છે. પરાધીન વ્યક્તિ પોતાની સ્વતંત્રતા ગુમાવી દે છે અને ગુલામી જેવું બીજું કલંક કોઈ નથી.

સાધુપુરુષો ચંદન સમાન

દરેક પર્વત ઉપરથી હીરા-માણેક મળતા નથી અને દરેક હાથીના મસ્તકમાંથી મુક્તા-મણિ પ્રાપ્ત થતો નથી. તે જ રીતે સંસારમાં અત્ર-તત્ર-સર્વત્ર મનુષ્યો હોવા છતાં બને સાધુપુરુષોનાં દર્શન થતાં નથી અને દરેક જંગલમાં ચંદનનાં વૃક્ષો ઊગતાં નથી. ।। ૯ ।।

અમુક પર્વત ઉપરથી હીરા-માણેક મળે છે, પરંતુ તેનો અર્થ એમ નથી કે બધા પર્વત ઉપરથી હીરા-માણેકનો ખજાનો મળી જ જશે. અમુક હાથીના મસ્તકમાં મુક્તા-મણિ હોય છે એવું માનવામાં આવે છે, પરંતુ બધા હાથીના મસ્તકમાં મુક્તા-મણિનો વાસ નથી હોતો. આ જ વાત સાધુપુરુષો અને ચંદનનાં વૃક્ષોને લાગુ પડે છે.

સંસાર તો મનુષ્યનો મેળો છે, પરંતુ આ મેળામાં સાધુપુરુષ કેટલા? સાધુપુરુષ એટલે ભગવાધારી, દાઢીધારી, તિલકમાળા ફેરવતા સાધુઓ નહિ. સાધુપુરુષ એટલે જેના હૈયે સમાજનું હિત વસેલું છે એવા સજ્જનો. આ પુરુષો આદર્શ સમાજસેવક હોય છે અને તે નિઃસ્વાર્થ ભાવે સમાજનું ભલું કરે છે, સમાજને સાચો રાહ દેખાડે છે. સમાજને ભલાઈના પંથે વાળે છે અને બૂરાઈનું ભાન કરાવે છે. તમને માણસો તો ઠેર-ઠેર મળશે, પણ આવા સાધુપુરુષો મળે તો તમારું જીવન ધન્ય માનજો. તે જ રીતે ચંદનનાં વૃક્ષો જંગલમાં ઊગે છે, પણ તમામ જંગલમાં ચંદનનાં વૃક્ષો જોવા મળતાં નથી.

અહીં ચાણક્ય દૃષ્ટાંત દ્વારા સમજાવે છે કે સારા માણસો તો દીવો લઈને શોધવા નીકળીએ તોય મળે તો મળે !

પિતૃધર્મ

બુદ્ધિમાન લોકોએ પોતાના પુત્રને હંમેશા વિવિધ પ્રકારના સદાચરણનું શિક્ષણ આપવું જોઈએ. નીતિવાન અને સદાચારી પુત્ર જ કુળમાં પૂજાય છે. ।। ૧૦ ।।

શિક્ષણ આપવાનું કાર્ય ભલે શાળાનું હોય, પરંતુ જીવનોપયોગી નીતિ અને સંસ્કારોનું સિંચન કરવાની ફરજ માતા-પિતાની છે. દરેક પિતાએ પોતાના પુત્રમાં સદાચરણનું સિંચન કરવું જોઈએ. સારા સંસ્કારવાળા પુત્રો કુળનું ગૌરવ વધારે છે. નીતિવાન પુત્રો જ પોતાના પિતાનું નામ રોશન કરે છે. કુળમાં પણ આવા કુળદીપકો જ પૂજાય છે અને સન્માન મેળવે છે.

બાળકોને ભણાવે તે જ સાચં માબાપ

પોતાના બાળકને અભ્યાસ ન કરાવતાં માતા-પિતા શત્રુ સમાન છે. હંસોની સભામાં બગલો ન શોભે એમ સાક્ષરોની સભામાં અભણ માણસ શોભતો નથી. ।। ૧૧ ।।

શિક્ષણનું મહત્ત્વ પૌરાણિક કાળથી છે. મનુષ્યના જીવનનો પાયો શિક્ષણ છે. તેને જો સારું શિક્ષણ ન મળે તો તે પોતાના કુટુંબ, સમાજ અને દેશના વિકાસમાં કોઈ પણ પ્રકારે જોડાઈ શકતો નથી. એટલું જ નહિ સારા શિક્ષણને અભાવે મનુષ્યને સારા-નરસાનું ભાન રહેતું નથી અને સમાજમાં દૂષણરૂપ બની જાય છે. શિક્ષિત વ્યક્તિને જ સમાજમાં ઊંચું સ્થાન મળે છે, તેનો બધા આદર કરે છે. દરેક માતા-પિતાએ પોતાના બાળકને સારું શિક્ષણ આપવું જોઈએ, વિદ્યાભ્યાસ કરાવવો જોઈએ. જે માતાપિતા પોતાનાં બાળકોને શિક્ષણથી દૂર રાખે છે તેવાં બાળકોને દુશ્મન શોધવાની જરૂર જ નથી, કારણ કે તેમનાં માતા-પિતા જ દુશ્મન સમાન છે.

શિક્ષિત વ્યક્તિનું સ્થાન સમાજમાં હંસ સમાન અને અભણ વ્યક્તિનું સ્થાન કાગડા સમાન છે. હંસોની સભામાં જવાથી બગલાની જે હાલત થાય છે તેવી જ સ્થિતિ સાક્ષરો વચ્ચે અભણ વ્યક્તિની થાય છે.

બહુ લાડ સારાં નહીં

બાળકને વધુ પડતાં લાડ લડાવવાથી તે બગડી જાય છે. શિક્ષા કરવાથી એનામાં ગુણનું સિંચન થાય છે. એટલે જ પુત્ર અને શિષ્યને વધુ પડતાં અને ખોટાં લાડની નહિ બલકે શિક્ષાની જરૂર છે. ।। ૧ર ।।

બાળકોને વધુ પડતાં અને ખોટા લાડ લડાવવાથી તેઓ બગડી જાય છે. તેઓમાં અનેક દોષ ઘર કરી જાય છે. તેમનામાં યોગ્ય-અયોગ્યની સમજણ વિકસતી નથીઃ કાલાંઘેલાં માતાપિતાને બાળકની ખામી દેખાતી નથી. પ્રેમની સાથે વિવેકયુક્ત શિક્ષા પણ જરૂરી છે. બાળક જો કંઈ ખોટું કરતો હોય તો તેને અટકાવવા પહેલા તેને સમજાવવું જોઈએ. જો તેમ છતાં ન માને તો પછી તેને શિક્ષા કરવી જોઈએ. દરેક માતા-પિતા અને ગુરુએ તે વાતનું સતત ધ્યાન રાખવું જોઈએ કે, લાડ દોષનું અને શિક્ષા ગુણનું સિંચન કરે છે.

ચાણક્યના સૂત્ર પરથી જ ‘સોટી વાગે ચમચમ’ વાળી જૂનવાણી અને વગોવાઈ ગયેલી શિક્ષણ પદ્ધતિ વિકસી હોય એમ નથી લાગતું ?

સાર્થક દિવસ

વ્યક્તિએ દિવસમાં એક શ્લોક કે અડધા શ્લોક કે તેના કરતાં પણ અડધા શ્લોક કે પછી શ્લોકના એક જ અક્ષરનું તેનો અર્થ સમજી મનન કરવું જોઈએ. દરેક વ્યક્તિએ ચિંતન-મનન, અભ્યાસ, દાન વગેરે કાર્યો કરી દિવસને સાર્થક કરવો જોઈએ. ।। ૧૩ ।।

ચિંતન-મનન, વેદ-શાસ્ત્રોનો અભ્યાસ અને દાન કરવું મનુષ્યનો ધર્મ છે. ચિંતન-મનન કરવાથી ધર્મનો મર્મ જાણી શકાય છે. જીવન એટલે શું ? જીવનનો ધ્યેય શું છે ? જેવા અનેક જીવનોપયોગી પ્રશ્નોની સમજણ મળે છે. ધર્મ વિનાનું જીવન નરક સમાન છે. વ્યક્તિએ દિવસમાં પ્રભુભજન કરવાનો નિયમ બનાવવો જોઈએ. તેણે પોતાના ધર્મગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ. દિવસમાં એક શ્લોક કે તેના એકાદ અંશનો પણ અર્થ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી સદાચારણ વધે છે અને દુર્ગુણોમાંથી મુક્તિ મળે છે.

માણસના ભીરતને સળગાવી મૂકતી બાબતો

પ્રિયતમ કે પત્નીનો વિયોગ, સગા-સંબંધીઓ દ્વારા થયેલું અપમાન, દેવું ન ચૂકવી શકવું, દુષ્ટ રાજા કે માલિકની સેવા, દરિદ્રતા અને ધૂર્ત લોકોની સભા - આ છ બાબતો અગ્નિ વિના શરીરને બાળી નાંખે છે. ।। ૧૪ ।।

તનને લાગેલી આગ દરેકને દેખાય છે, પણ મનની આગને કોઈ જોઈ શકતું નથી. મનમાં લાગેલી આગ મનુષ્યનો ધીમેધીમે માનસિક-શારીરિક રીતે નાશ કરે છે.

પત્નીનો વિયોગ, સગા-સંબંધીઓએ કરેલું અપમાન, દેવું ન ચૂકવી શકાય તેવી પરિસ્થિતિ, દુષ્ટની સેવા અને દરિદ્રતા મનુષ્યનું બધું તેજ હણી લે છે અને તેને માનસિક રીતે નિર્બળ કરી દે છે.

વૃક્ષ, સ્ત્રી અને રાજાનો નાશ

ઝડપથી વહેતી નદીના કિનારે વિકાસ પામેલું વૃક્ષ, પારકા ઘરમાં રહેતી સ્ત્રી, મંત્રીઓ અને સલાહકાર વિનાના રાજાનો નાશ ઝડપથી થાય છે. ।। ૧પ ।।

સલામતી, સ્વતંત્રતા અને યોગ્ય માર્ગદર્શન હોય તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. અનિશ્ચિતતા વિનાશ નોતરે છે. નદીમાં ગમે ત્યારે પૂર આવે છે. આવી નદીને કિનારે રહેલાં વૃક્ષો ગમે ત્યારે પૂરના પાણીમાં તણાઈ જાય છે અને નાશ પામે છે.

આત્મસમ્માન અને ચારિત્ર્ય મનુષ્યનું ઘરેણું છે. પારકા ઘરમાં રહેતી સ્ત્રીનું ન તો માન-સમ્માન જળવાય છે અને ન ચારિત્ર્ય. પરાધીન સ્ત્રીને પોતાના સ્વામીની આક્ષાને અધીન જ રહેવું પડે છે. તેના સતીત્વ પર લોકો ઝડપથી શંકા કરે છે અને તેનો વિનાશ થાય છે.

તે જ રીતે જે રાજા સ્વચ્છંદી હોય, વિદ્વાનોની સલાહ ન લેતો હોય અને જેની પાસે યોગ્ય માર્ગદર્શન માટે મંત્રીઓ કે સલાહકારો ન હોય તેનો નાશ ઝડપથી થાય છે.

જેવો વર્ણ તેવો ધર્મ

વિદ્યા બ્રાહ્મણોનું, સૈન્ય રાજા(ક્ષત્રિય)નું, ધન વૈશ્યોનું અને સેવા શૂદ્રોનું બળ છે. ।। ૧૬ ।।

બ્રાહ્મણોનું પ્રધાન કર્મ શિક્ષણ આપવાનું, ક્ષત્રિયનું પ્રધાન કર્મ શાસન કરવાનું, વૈશ્યનું મુખ્ય કાર્ય વ્યવસાય કરવાનું અને શૂદ્રોનું મુખ્ય કાર્ય અન્ય ત્રણ વર્ણોની સેવા કરવાનું છે. શૈક્ષણિક કાર્ય કરવા વિદ્યા, શાસન કરવા બળ અને વ્યવસાય કરવા ધનની જરૂર છે. એટલે જ બ્રાહ્મણોએ વિદ્યાની દેવી સરસ્વતીની ઉપાસના કરવી જોઈએ. બ્રાહ્મણના બ્રાહ્મણત્વનો આધાર વિદ્યા છે. વેદોના જ્ઞાન વિના અને વિદ્યાભ્યાસ કર્યા વિના બ્રાહ્મણ બની ન શકાય.

રાજાને મજબૂત શાસન કરવા શક્તિની જરૂર છે અને આ માટે તેની પાસે અત્યાધુનિક સૈન્ય હોવું જરૂરી છે. શક્તિશાળી રાજાનું બળ સૈન્ય છે. નિર્બળ રાજાનો પ્રજા ત્યાગ કરી દે છે.

જેમ વિદ્યા બ્રાહ્મણોનો અને સૈન્ય રાજાનો પાયો છે તેમ ધન વૈશ્યનો આધાર છે. વ્યવસાય કરવા ધનની જરૂર પડે છે. વ્યવસાય કરી ધન એકત્ર કરવું વૈશ્યનું કાર્ય છે. તે જ રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોની સેવા કરવી શૂદ્રોનો ધર્મ છે.

વર્ણ આનુવંશિક નથી. મનુષ્ય ક્યા વર્ણનો છે તેનો આધાર તે કેવું કર્મ કરે છે તેના પરથી નક્કી થાય છે. વર્ણ કર્મપ્રધાન છે. જો વ્યક્તિ વિદ્વાન હોય અને ઋષિકાર્ય કરે તો તે બ્રાહ્મણ છે તથા જો કોઈ વ્યવસાય કરે તો તે વૈશ્ય છે.

કામથી જ મતલબ

નિર્ધન પુરુષનો વેશ્યા, નિર્બળ રાજાનો પ્રજા અને ફળ વિનાનાં વૃક્ષોનો પક્ષી ત્યાગ કરે છે. તે જ રીતે ભોજન કર્યા પછી અતિથિ યજમાનનું ઘર છોડી દે છે. ।। ૧૭ ।।

કહેવાય છે કે મનુષ્યો વચ્ચે સંબંધરૂપી ગાંઠ એક યા બીજા સ્વાર્થને કારણે બંધાય છે અને સ્વાર્થ સધાઈ જાય પછી ધીમેધીમે તે ગાંઠના વળ છૂટા પડતા જાય છે. વેશ્યા માત્ર ને માત્ર ધન માટે કોઈ પુરુષ સાથે રહે છે. જો પુરુષ નિર્ધન થઈ જાય તો તે વેશ્યાને ધન આપી શકશે નહિ. આવા દરિદ્ર પુરુષનો વેશ્યા ત્યાગ કરે છે અને નવો ગ્રાહક શોધે છે.

શક્તિશાળી રાજાના શાસનમાં પ્રજાનો વિકાસ થાય છે અને રાજ્યને સુરક્ષા મળે છે. જે રાજા પ્રજાને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે તે જ પ્રજાપ્રિય થાય છે અને તેના શાસનમાં રહેવાનું પ્રજા પસંદ કરે છે. પરંતુ નિર્બળ રાજાના શાસનમાં પ્રજાને દરિદ્રતા અને અપમાન સિવાય કંઈ મળતું નથી, તેની સુરક્ષા છીનવાઈ જાય છે અને સમાજ છિન્નભિન્ન થઈ જાય છે. આવા શક્તિહીન રાજાની છત્રછાયામાં રહેવાનું પ્રજા પસંદ કરતી નથી અને તે રાજાનો ત્યાગ કરી દે છે.

પ્રજા જેવી જ પ્રકૃતિ પક્ષીઓની છે. ફળદ્રુપ પક્ષીઓને રોટલો અને ઓટલો બંને આપે છે. પરંતુ સૂકું ઠૂંઠું થયેલું વૃક્ષ પક્ષીઓને ન તો ફળ આપે છે અને ન માળો બાંધવા ડાળીઓ. આ પ્રકારના સૂકા અને ફળ વિનાના વૃક્ષનો ત્યાગ પક્ષીઓ કરે છે.

પ્રજા અને પક્ષીની જેમ અતિથિએ પણ ભોજન કર્યા પછી યજમાનનું ઘર છોડી દેવું જોઈએ, કારણ કે તેમાં જ તેના આત્મસમ્માનનું રક્ષણ છે. અપમાનિત થઈને જવું પડે તે પહેલાં જ અતિથિએ સમયસર યમમાનના ઘરનો ત્યાગ કરવો જોઈએ.

સમયસર ત્યાગ

દક્ષિણા મળતાં જ બ્રાહ્મણ યજમાનનું ઘર છોડી દે છે. વિદ્યા પ્રાપ્ત કર્યા પછી શિષ્ય ગુરુ પાસેથી વિદાય લે છે. દાવાનળ લાગતાં પશુ-પંખીઓ જંગલનો ત્યાગ કરી દે છે. ।। ૧૮ ।।

પોતાનું કાર્ય સિદ્ધ થયા પછી અને જીવ જોખમમાં હોય ત્યારે દરેક પ્રાણીએ પોતાનું સ્થાન છોડી દેવું જોઈએ. તેમાં જ તેનું આત્મસમ્માન જળવાઈ રહે છે અને તે જ તેને માટે હિતકારક છે. બ્રાહ્મણ યજમાનના ઘરે જાય છે ત્યારે તેની આગતા-સ્વાગતા થાય છે. સૌથી છેલ્લે યજમાન તેને દક્ષિણા આપે છે. આ રીતે દક્ષિણા બ્રાહ્મણની વિદાયનો સંકેત છે. દક્ષિણા લીધા પછી પણ તે યજમાનને ઘરે રોકાય તો તેમાં તેનું માન જળવાતું નથી. તે જ રીતે શિષ્ય વિદ્યાભ્યાસ કરવા ગુરુ પાસે જાય છે. તેણે શિક્ષણ પૂર્ણ કર્યા પછી ગુરુ પાસેથી વિદાય લેવી જોઈએ, નહિ તો ગુરુ તેનો ત્યાગ કરે છે.

જંગલમાં દાવાનળ લાગે છે ત્યારે પશુપંખીઓ જંગલનો ત્યાગ કરી દે છે. જીવ જોખમમાં હોય ત્યારે પોતાનું સ્થાન છોડી દેવામાં જ ડહાપણ છે.

જેસો સંગ તેવો રંગ

દુરાચારી, ખરાબ નજરવાળા દુષ્ટ, કોઈ પણ પ્રકારના કારણ વિના બીજાને હાનિ પહોંચાડતા અને દુર્જનો સાથે દોસ્તી રાખનાર શ્રેષ્ઠ પુરુષની કીર્તિ ઝડપથી નાશ પામે છે. ।। ૧૯ ।।

તુલસીદાસજી કહે છે કે -

દુર્જન સંગ ન દેહ વિધાતા ।

ઈસસે ભલો નરક કા વાસા ।।

અર્થાત્‌ હે વિધાતા, દુર્જનોની સોબતથી મને દૂર રાખજે. દુષ્ટ મનુષ્યોની સોબત કરતાં તો નરકમાં વાસ કરવો સારો.

તમે જેની સાથે હરોફરો છો તે વ્યક્તિના ચારિત્ર્યની અસર તમારા ચારિત્ર્ય ઉપર વહેલી-મોડી થાય છે. દુર્જનોની સોબત નરક કરતાં પણ વધુ ખરા છે. દુર્જનો દુષ્ટ હોય છે. તેઓ પોતાના અંગત સ્વાર્થ માટે બીજાનું ખરાબ કરતાં હોય છે. તેમની સાથે હરવાફરવાથી કોઈ પણ વ્યક્તિનું માનસમ્માન સમાજમાં ઓછું થઈ જાય છે, તેની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચે છે અને લાંબા ગાળે તે ક્યાંયની રહેતી નથી.

સરખે સરખાની રીત

પ્રીતિ સરખા માણસો વચ્ચે હોય તો શોભે; ચાકરી રાજાની કરવાની હોય તો સારી લાગે; વહેવારમાં રહીને વેપાર શોભે અને ચારિત્ર્યવાન સ્ત્રીથી ઘર શોભે. ।। ર૦ ।।

કહેવાય છે કે સરખેસરખા વચ્ચે જ મિત્રતા શોભે. અહીં સમાન સ્તરને વૈચારિક દૃષ્ટિકોણથી લેવું જોઈએ. સમાન વિચાર અને માનસિકતા ધરાવતા લોકો વચ્ચે મિત્રતા જામે છે અને સંબંધો વિકસે છે.

‘જેનું જે કામ હોય તેને જ તે શોભે’ - તે નિયમ વ્યવહારમાં લાગુ પડે છે. ક્ષત્રિયનું કામ શાસન કરવાનું છે અને પ્રજાનું રક્ષણ કરવાનું છે. તેને વ્યવસાય ન શોભે. વ્યાપાર-વાણિજ્ય વૈશ્યનો ધર્મ છે. દરેક વ્યક્તિએ પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય - આ ત્રણ વર્ણોની યથાશક્તિ સેવા કરવી શૂદ્રોનો ધર્મ છે અને તેણે પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ. તે જ રીતે સુંદર, સુશીલ, ચારિત્ર્યવાન, સ્ત્રી ઘરની શોભા છે. ઉત્તમ ચારિત્ર્યયુક્ત સંસ્કારી સ્ત્રી કુળની કીર્તિ પ્રસરાવે છે.

।। ત્રીજો અધ્યાય ।।

જ્યાં મૂર્જ લોકોની પૂજા થતી નથી, અન્ન વગેરેના ભંડાર ભરેલા રહે છે, પતિ-પત્ની વચ્ચે કોઈ પણ પ્રકારનો ઝઘડો થતો નથી ત્યાં મહાલક્ષ્મી માતા સ્વયં આવીને નિવાસ કરે છે.

સદાય સુખી કોણ છે ?

ક્યા કુળમાં દોષ નથી ? રોગથી કોણ પીડાતું નથી ? દુઃખનો અને મુશ્કેલીનો સામનો કોને કરવો પડતો નથી ? સદાય સુખી કોણ રહે છે ? ।। ૧ ।।

આ સંસારમાં સર્વગુણસંપન્ન ન તો કોઈ વ્યક્તિ છે ન કોઈ કુળ. દરેકમાં કોઈ ને કોઈ દોષ હોય જ છે. તે જ રીતે દુનિયામાં કોઈ પણ એવી વ્યક્તિ નથી જે ક્યારેય બીમાર ન પડી હોય અને રોગથી પીડાઈ ન હોય. કોઈ ને કોઈ રોગથી મનુષ્ય પીડાય જ છે. જગતમાં ક્યારેય બીમાર ન પડ્યું હોય કે સદાય સુખી રહ્યું હોય તેવું કોઈ નથી.

સુખ અને દુઃખનો સરવાળો એટલે જીવન. જીવનમાં ક્યારેક છાંયો આવે તો ક્યારેક તડકો પણ સહન કરવો પડે. મુશ્કેલીના સમયે હિમ્મત ટકાવી પુરુષાર્થ કરતાં રહેવું અને જીવનમાં આગળ વધતા જવું તેમાં જ ભલાઈ છે. નાહિમ્મત થાય તે જીવનરૂપી સંગ્રામનો અડધો જંગ હારી જાય છે. રાજા, મહારાજા પણ સદાય સુખી હોતા નથી અને દુઃખ કંઈ ગરીબોના નસીબમાં જ લખાયેલું હોતું નથી.

જેવા ગુણ તેવું કુળ

મનુષ્યના આચરણથી તેના કુળની, તેની બોલીથી તેના દેશની, તેના આદર-સત્કારથી પ્રેમનો અને શરીર જોઈને તેના આહાર-વિહારની જાણ થાય છે. ।। ર ।।

દરેક કુળ પોતાના સંસ્કારથી ઓળખાય છે. મનુષ્યના આચરણથી તે ઉચ્ચ કુળનો છે કે નીચ કુળનો તેની જાણ થાય છે. ઉચ્ચ કુળમાંથી આવતી વ્યક્તિનું આચરણ સંસ્કારી અને માન-મર્યાદાયુક્ત હોય છે. જ્યારે નીચ કુળમાંથી આવતી વ્યક્તિનું આચરણ ઉદ્ધત અને અવિવેકી હોય છે.

કહેવાય છે કે બાર ગાઉએ બોલી બદલાય. માણસની બોલી પરથી તે કયા પ્રદેશ કે દેશનો છે તેની જાણ થાય છે. તેના આદર-સત્કાર અને વડીલો પ્રત્યેના વર્તન પરથી તેના હૃદયમાં કેટલો પ્રેમ રહેલો છે. તેની જાણ થાય છે. મનુષ્ય બહુ લાંબો સમય પોતાના મૂળ સ્વભાવથી વિપરીત વર્તન કરી શકતો નથી. એટલે થોડા જ સમયમાં તેના સ્વભાવનો પરિચય મળી જાય છે.

જેમ આદર-સત્કાર પરથી મનુષ્યના પ્રેમનો પરિચય મળે છે તેમ શરીર પરથી તેના ભોજનનો પરિચય મળે છે.

વ્યવહારકુશળતા

કન્યાનો વિવાહ સારા કુળમાં કરવો જોઈએ, પુત્રને માન-સન્માન મળે તેવું સારું શિક્ષણ આપવું જોઈએ. મિત્રને સારા કાર્યમાં અને શત્રુને વ્યસન કે કુકર્મોમાં લગાવી દેવા જોઈએ. ।। ૩ ।।

વ્યવહાર કુશળ અને સમજદાર વ્યક્તિ પોતાના પુત્રીના વિવાહ સારા ખાનદાનમાં કરે છે. તે પોતાના પુત્રોને જીવનોપયોગી અને સમાજોપયોગી શિક્ષણ અપાવે છે. મિત્રને મહેનત-પરિશ્રમ, પ્રામાણિકતાના પાઠ ભણાવે છે અને તેનું જીવન સુધરે તેવી સલાહ આપે છે. જ્યારે દુશ્મનને કુટેવમાં પાડી દે છે જેથી તે તેમાંથી બહાર જ ન આવી શકે.

દુષ્ટ કરતાં સાપ સારો

દુષ્ટ વ્યક્તિ અને સાપ તે બેમાંથી કોણ સારું ? સાપ વધુ સારો, કારણ કે તેને છોડીએ તો ડંખ મારે છે જ્યારે દુષ્ટ વ્યક્તિ તો ડગલે ને પગલે ડંખતો હોય છે. ।। ૪ ।।

સાપ દુષ્ટ વ્યક્તિ કરતાં હજાર ગણો સારો. તે તો ક્યારેક ક્યારેક જ મનુષ્યને ડંખે છે. તેનો મૂળ સ્વભાવ ડંખીલો હોતો નથી, પરંતુ દુષ્ટ વ્યક્તિની પ્રકૃતિ જ ઝેરીલી હોય છે. તે ડગલે ને પગલે સજ્જનોને ડંખ મારતા રહે છે એટલે કે તેને વિના કારણે જ બીજાને હેરાન-પરેશાન કરવામાં આનંદ આવે છે. આ કારણે જ દુષ્ટ વ્યક્તિથી દૂર જ રહેવું, નહિ તો સમય અને શક્તિ બંનેનો વ્યય થાય છે.

કુળવાનનો સંગ જ કરવો

રાજાએ કુળવાન વ્યક્તિઓને જ સાથે રાખવા જોઈએ, કારણ કે તે રાજાની પ્રગતિ અને પતન બંને સમયે સાથ છોડતા નથી. ।। પ ।।

ખાનદાન વ્યક્તિઓ જેની સાથે મિત્રતા બાંધે છે તેનો સારા અને ખરાબ બંને સમયમાં સાથે આપે છે. તે પોતાના મિત્રને સુખના સમયે સાચી સલાહ અને વધુ પ્રગતિ કેવી રીતે થાય તેનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે જ્યારે દુઃખમાં મિત્રની પડખે એક ભાઈની જેમ ઊભા રહીને ખભેખભો મેળવી સાથ-સહકાર આપે છે.

આ કારણે જ રાજાએ કુળવાન અને ખાનદાન વ્યક્તિઓને પોતાની સાથે રાખવા જોઈએ. કુળવાન માણસો ક્યારેય નીચ કાર્યો કરી પોતાના સ્વામી સાથે છળકપટ કરતા નથી. એમના સંસ્કાર જ એમને દગો કરતાં રોકે છે.

સજ્જનો અને સાગર - કોણ શ્રેષ્ઠ ?

સમુદ્ર પણ પ્રલય સમયે પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને કિનારાને ઓળંગી વિનાશ વેરે છે, પરંતુ સજ્જન વ્યક્તિ પ્રલય સમાન ભયંકર આપત્તિ અને કષ્ટ સમયે પણ પોતાની મર્યાદામાં જ રહે છે. ।। ૬ ।।

સજ્જન પુરુષો સાગર કરતાં પણ વધુ મહાન છે. સાગર મર્યાદાપાલક ગણાય છે. વરસાદમાં તોફાને ચડેલી અને ગાંડીતૂર થયેલી નદીઓને તે પોતાનામાં સમાવી શાંત કરી દે છે, પરંતુ પ્રલય સમયે તે પણ પોતાની મર્યાદાઓ ભૂલી જાય છે અને કિનારાઓને તોડીને ધરતીને પાણીપાણી કરી દે છે તથા વિનાશ વેરે છે. તેનાથી વિપરીત સાધુ પુરુષો પ્રાણોનું સંકટ આવે તો પણ પોતાની સજ્જનતાનો ત્યાગ કરતાં નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિઓમાં પણ તે પોતાની મર્યાદા ભૂલતા નથી.

મૂર્ખ કંટક સમાન

મૂર્ખ વ્યક્તિને બે પગવાળા પશુ સમજી તેમનો ત્યાગ કરવામાં જ ભલાઈ છે, કારણ કે તેના શબ્દો સામેલી વ્યક્તિના હૃદયમાં કાંટાની જેમ ચૂભે છે. ।। ૭ ।।

મૂર્ખ વ્યક્તિ મનુષ્યરૂપે પશુ છે. તેનું વર્તન પશુ જેવું જ હોય છે. જેમ પશુઓ વિના વિચારે કોઈ કાર્ય કરે છે તેમ મૂર્ખાઓ પણ બધે કૂદી પડે છે. પગમાં ચૂભતો કાંટો દેખાય છે પણ તેનું દર્દ સહન થતું નથી. તે જ રીતે મૂર્ખ વ્યક્તિના શબ્દ દેખાતા નથી, પરંતુ હૃદયમાં કાંટાની જેમ ખૂંચે છે. એટલે મૂર્ખ વ્યક્તિથી દૂર રહેવું જ સારું.

વિદ્યારહિત મનુષ્ય એટલે સુગંધ વિનાનું પુષ્પ

સુંદર, યુવાન, ઉચ્ચ કુળમાં જન્મેલ વિદ્યારહિત મનુષ્ય સુગંધ વિનાના કેસૂડાના ફૂલની જેમ ઉપેક્ષિત રહે છે. ।। ૮ ।।

મનુષ્ય ગમે તેટલો સુંદર અને યુવાન કેમ ન હોય, તેણે ધનિક વ્યક્તિને ત્યાં જન્મ કેમ લીધો ન હોય, પરંતુ જો તે વિદ્યાહીન હોય, મૂર્ખ હોય તો તેને ક્યાંય સમ્માન નથી મળતું. વિદ્યા મનુષ્યની સુગંધ છે, શોભા છે. સુગંધ વિનાનું પુષ્પ કોઈ પસંદ નથી કરતું તેમ અશિક્ષિત વ્યક્તિને પણ સમાજમાં કોઈ માનપાન આપતું નથી. વિદ્યાથી જ જીવન મહેકે છે.

સુશીલતા એટલે સુંદરતા

કોયલનું સૌંદર્ય તેના સ્વરમાં, સ્ત્રીઓનું સૌંદર્ય તેની પતિવ્રતતામાં, કદરૂપા લોકોનું સૌંદર્ય તેમની વિદ્યામાં અને તપસ્વીઓનું સૌંદર્ય તેમની ક્ષમામાં છે. ।। ૯ ।।

કોયલનો સુરીલો, મધુર અવાજ જ તેની સુંદરતા છે. તે તેના મીઠામધુરા અવાજને કારણે જ સર્વપ્રિય છે. સ્ત્રીઓની સુંદરતા તેની સુશીલતા અને તેના પતિવ્રતા ધર્મમાં છે. તેમાં જ સ્ત્રીધર્મની સાર્થકતા છે.

કદરૂપી વ્યક્તિ સમાજમાં તેના રૂપને કારણે નહિ પણ તેની વિદ્યાને કારણે માનપાનને પાત્ર બને છે. ચાણક્ય સ્વરૂપવાન નહોતો તેમ છતાં તે ચંદ્રગુપ્તનો મંત્રી હતો. ચંદ્રગુપ્તે તેનું રૂપ જોઈ પોતાના પ્રધાન સલાહકાર નહોતો બનાવ્યો. તેણે તેના જ્ઞાનથી પોતાની આગવી પ્રતિષ્ઠા મેળવી હતી.

તપસ્વીઓની સુંદરતા ક્ષમામાં છે. ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્‌’ અર્થાત્‌ ક્ષમા જ વીરોનું આભૂષણ છે. તપસ્વીઓની તપસ્યા ક્રોધ પર વિજય મેળવે છે. શાલીનતા આવતાં જ વ્યક્તિમાં સહજ રીતે ક્ષમાભાવ જાગૃત થાય છે.

આત્માનું રક્ષણ

કુળનું રક્ષણ કરવા વ્યક્તિનો, ગામનું રક્ષણ કરવા કુળનો અને જનપદના રક્ષણ કાજે ગામનો ત્યાગ કરી દેવામાં જ ભલાઈ છે. તે જ રીતે આત્માના રક્ષણ અને ઉન્નતિ માટે સંસારનો ત્યાગ કરી દેવો જોઈએ. ।।૧૦।।

કોઈ એક વ્યક્તિનો ત્યાગ કરવાથી સમગ્ર કુળનું ભલું થતું હોય તો તે વ્યક્તિનો ત્યાગ કરી દેવામાં કંઈ ખોટું નથી. જો કુળનો ત્યાગ કરવાથી ગામ અને ગામનો ત્યાગ કરવાથી દેશનું સારું થાય તો કુળ અને ગામનો ત્યાગ કરવો જોઈએ. કુળ કરતાં ગામનું અને ગામ કરતાં દેશનું હિત સર્વોપરી છે, પરંતુ પોતાનું જીવન સૌથી વધુ કિંમતી છે. જો પોતાના જીવનું રક્ષણ કરવા સકળ સંસારનો પણ ત્યાગ કરવો પડે તો સંસારને છોડી દેવો. શિર સલામત તો સબ સલામત. બીજો અર્થ એ પણ કરી શકાય કે આત્મકલ્યાણ અર્થે સંસારની માયા છોડવી પડે તોય શું ?

પુરુષાર્થ એ જ પારસમણિ

જેમ પુરુષાર્થથી દરિદ્રતા અને જપથી પાપ દૂર થાય છે તેમ મૌન રહેવાથી કલહ અને સદાય સતર્ક રહેવાથી ભયનો નાશ થાય છે. ।। ૧૧ ।।

પુરુષાર્થ એ જ પારસમણિ. પરિશ્રમ-મહેનત કરવાથી જ સફળતા મળે છે અને દરિદ્રતા દૂર થાય છે. ભગવાનના નામ જપવાથી પાપ દૂર થાય છે, મન અને આત્મા શુદ્ધ થાય છે, શુદ્ધ કર્મ કરવાની પ્રેરણા મળે છે અને વ્યક્તિ કુકર્મો કરવાથી દૂર રહે છે.

સમય અને સંજોગો જોઈને ઘણી વખત મૌન ધારણ કરવાથી વાદવિવાદ ઊભા થતા નથી. મૌન રહેવું મુશ્કેલ છે, પણ તેનું પરિણામ સારું હોય છે. સતત સતર્ક રહેવાથી કોઈ ચીજવસ્તુઓનો ડર રહેતો નથી અને અપ્રિય સ્થિતિનું નિર્માણ થાય તે પહેલા જ તેને સંભાળી લે છે.

અતિ સર્વત્ર વર્જયેત

અત્યંત સુંદર હોવાથી સીતાનું અપહરણ થયું, અત્યંત અભિમાને રાવણનો ભોગ લીધો, વધુ પડતા દાનવીર હોવાને કારણે રાજા બલિને મુસીબતો સહન કરવી પડી, એટલે અતિનો બધે ત્યાગ કરવો જોઈએ. ।। ૧ર ।।

‘અતિ સર્વત્ર વર્જયેત.’ કોઈ પણ બાબતનો અધિરેક વિનાશ તરફ દોરી જાય છે. સાબરનાં શિંગડાં અત્યંત સુંદર હોય છે પણ ઘણીવાર તે જ તેને મોત તરફ દોરી જાય છે. અત્યંત સુંદર સ્ત્રી મેળવવા શક્તિશાળી પુરુષો એક યા બીજા પ્રકારના દાવપેચ અજમાવતા હોય છે. સ્વરૂપવાન સ્ત્રીનું સ્વરૂપ જ તેને શાંતિથી જીવન પસાર કરવા દેતું નથી. વિષયી, લાલચુ અને કપટી પુરુષો સુંદર સ્ત્રીઓને પામવાની એક પણ તક જવા દેતા નથી. સીતા સુંદર હતી એટલે તક મળતાં જ લંકાપતિ રાવણ તેનું હરણ કરી ગયો.

તે રાવણ ત્રિકાળ જ્ઞાની હતો, વિદ્વાન હતો, પરંતુ અભિમાને તેના જ્ઞાનને હરી લીધું અને સાચા-ખોટાનો ભેદ ભુલાવી દીધો. અભિમાન હંમેશાં મનુષ્યને વિનાશ તરફ દોરી જાય છે. પોતાની શક્તિનું ભાન ભુલાવી દે છે અને શત્રુની શક્તિની તાકાતનો સાચો અંદાજ આવતો નથી.

તે જ રીતે દાન પણ યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને કરવું જોઈએ. જ્યાં ને ત્યાં દાન કરવાથી ઘણીવાર વ્યક્તિ પોતે જ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. રાજા બલિ અને મહાવીર કર્ણ દાનેશ્વરી હોવાથી જ ભગવાનના હાથે છેતરાઈ ગયા હતા. બલિને મુશ્કેલીઓ સહન કરવી પડી અને કર્ણને તેનું કવચ-કુંડળ ગુમાવવું પડ્યું હતું.

ભલાઈ અને બૂરાઈ બંનેમાં અતિરેક ન કરવો જોઈએ.

સામર્થ્ય સાચું શસ્ત્ર

સમર્થ અને શક્તિશાળી મનુષ્ય માટે કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી, વ્યાપારીઓ માટે કોઈ સ્થાન દૂર નથી. વિદ્વાનો માટે કોઈ પણ દેશ પરદેશ નથી અને જે વ્યક્તિની વાણી મધુર છે તેને માટે કોઈ પારકું નથી. ।।૧૩।।

સમર્થ વ્યક્તિ માટે કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી. તે પોતાના સામર્થ્યથી કોઈ પણ કાર્ય કરી શકે છે. પોતાના મજબૂત મનોબળથી તે તમામ અવરોધો પાર પાડી દે છે અને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે.

સાચો વ્યાપારી ગમે તે સ્થાને વેપાર કરવા તૈયાર હોય છે. તે સાત સમંદર પાર કરીને પણ વેપાર કરવા સમર્થ હોય છે. તેને માટે કોઈ સ્થાન દૂર નથી.

વિદ્વાનો માટે દેશ કે પરદેશ જવું હોતું નથી. તે તો દરેક જગ્યાએ પોતાના માટે વાતાવરણ બનાવી લે છે. તે જ રીતે મધુર વાણી ધરાવતી વ્યક્તિ બધાનાં દિલ જીતી લે છે. તેને માટે તો બધા પોતાના જ હોય છે.

સપૂત

જેમ સુગંધિત ફૂલોવાળું વૃક્ષ સમગ્ર જંગલને મહેકાવી દે છે, તેમ એક જ સુપુત્ર આખા કુળનું નામ રોશન કરી દે છે. ।। ૧૪ ।।

જો વનમાં ક્યાંક એક જ વૃક્ષમાં સુંદર અને સુગંધી ફૂલો ખીલ્યાં હોય તો તેની સુગંધથી આખું જંગલ મહેકી ઊઠે છે. તે જ રીતે એક જ સપૂત પોતાના ગુણથી આખા કુળને સમાજમાં માન-મોભો અને પ્રતિષ્ઠા અપાવે છે. કોઈ પણ કુળ તેના ગુણવાન પુત્રોને કારણે જ શોભે છે એટલે અનેક દુર્ગુણવાળા પુત્રો કરતાં એક ગુણવાન પુત્ર પૂરતો છે.

કપૂત

જેમ એક સૂકા વૃક્ષમાં આગ લાગતા સમગ્ર જંગલમાં દાવાનળ પ્રગટે છે, તેમ એક કપૂત સમગ્ર કુળનો નાશ કરી દે છે. ।। ૧પ ।।

જો જંગલમાં એક સૂકું વૃક્ષ હોય તો તેમાં તરત જ આગ લાગી જાય છે અને તે વૃક્ષની આગથી આખા વનમાં દાવાનળ પ્રગટે છે. તે જ રીતે જો કુળમાં એક કપૂત જન્મ લે તો તે સમગ્ર કુળને સમાજમાં બદનામ કરી નાંખે છે. તેની મૂર્ખતા વિનાશ નોતરે છે. તેનામાં સારા-નરસા કે યોગ્ય-અયોગ્યની સમજણ હોતી નથી. તે પોતાના ખોટા નિર્ણયોથી સમગ્ર કુળનો નાશ કરી દે છે. એટલે દરેક વ્યક્તિએ પોતાના સંતાનોને મર્યાદામાં રાખવા જોઈએ અને તેનામાં સદ્‌ગુણોનો સંચાર કરવો જોઈએ.

વિદ્વાન પુત્ર કુળશ્રેષ્ઠ

જેમ એક ચંદ્રમાની ચાંદનીથી કાળી રાત ખીલી ઊઠે છે, તેમ એક જ વિદ્વાન અને સારા સ્વભાવવાળા પુત્રથી પરિવારની શોભા ખીલી ઊઠે છે. ।। ૧૬ ।।

જગતના કોઈ પણ કુટુંબની શોભા તેના સભ્યોના સંસ્કારોથી હોય છે, ધનથી નહિ. સમાજમાં ઘણા કુટુંબ ધનિક છે તો પણ અસંસ્કારી અને અસભ્ય સભ્યોને કારણે જ તેમનું સમાજમાં કોઈ સ્થાન નથી. કુટુંબ કે પરિવારની શોભા વધે તે માટે દરેક પિતાએ પોતાના પુત્રોમાં સભ્યતા અને માન-મર્યાદાનું સિંચન કરવું જોઈએ.

જેમ કાળી ડિંબાગ રાતનો અંધકાર એક ચંદ્રમાની ચાંદની જ દૂર કરી દે છે તેમ વિદ્વાન, વડીલોની માન-મર્યાદા રાખતા, સંસ્કારી, સભ્ય પુત્ર હોય તે પરિવારની સમાજમાં શોભા વધે છે.

અમૃત સમાન પુત્ર

શોધ અને સંતાપ ઉત્પન્ન કરતા ઘણા બધા પુત્રોથી શું ફાયદો ! કુળનું નામ રોશન કરવા એક જ શ્રેષ્ઠ પુત્ર સારો. તેની છત્રછાયામાં જ સુખ-શાંતિ મળે છે. ।। ૧૭ ।।

સો મૂર્ખ અને દુષ્ટ પુત્રો કરતાં એક શ્રેષ્ઠ પુત્ર સારો. મૂર્ખ અને દુષ્ટ પુત્રોના કુકર્મોથી તેમનાં માતાપિતાને કાયમ વિષાદ જ રહે છે. સમાજમાં આવા પુત્રોને કારણે માતાપિતાને શરમ અને ક્ષોભની લાગણી અનુભવવી પડે છે. પુત્રોની સંખ્યા વધુ હોવાથી કુળ કે પિતાનું નામ રોશન થતું નથી, નહિ તો ધૃતરાષ્ટ્રનું નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયું હોત. કુળનું નામ રોશન કરવા તો એક ચિરાગ જ કાફી છે.

જેમ એક નાનો દીપ ઘનઘોર અંધકારનો નાશ કરે છે, તેમ એક સંસ્કારી અને વિદ્વાન પુત્ર કુળનું નામ રોશન કરી દે છે. શ્રેષ્ઠ પુત્રનો સંગ અમૃત સમાન છે.

પુત્ર નહિ મિત્ર

પુત્રને પાંચ વર્ષ સુધી પ્રેમ કરવો જોઈએ, પછી દસ વર્ષ તેની સાથે કડકાઈથી વર્તવું જોઈએ, પરંતુ જ્યારે તે સોળ વર્ષનો થાય ત્યારે તેની સાથે મિત્રવત્‌ વ્યવહાર કરવો જોઈએ. ।। ૧૮ ।।

એક સમજદાર પિતાનો વ્યવહાર પુત્રની વય અનુસાર કેવો હોવો જોઈએ ? પુત્રના જન્મથી પાંચ વર્ષ સુધી નિર્દોષ પુત્ર સંપૂર્ણપણે પોતાનાં માતા-પિતા ઉપર જ નિર્ભર હોય છે. પિતાએ પુત્ર પાંચ વર્ષનો થાય ત્યાં સુધી લાડ-પ્યારથી જ તેનો ઉછેર કરવો જોઈએ, પરંતુ પાંચ વર્ષથી પંદર વર્ષ સુધીની ઉંમર જ કોઈ પણ વ્યક્તિના જીવનમાં પાયા સમાન હોય છે. જો પાયો કાચો રહી જાય તો તેના ઉપર બનેલી ઈમારત ગમે ત્યારે તૂટી પડે છે. આ કારણે ઉંમરના આ તબક્કામાં પોતાના પુત્રમાં સંસ્કાર અને વિદ્યાનું સિંચન કરવા દરેક પિતાએ કડકાઈથી વર્તવું જોઈએ. એક સમજદાર પિતા પોતાના પુત્રની ઉંમરના તે તબક્કામાં શામ અને દંડથી કામ લે છે.

પુત્રને સારા-નરસા અને યોગ્ય-અયોગ્યની સમજ આપવા પિતાએ પહેલા સમજણ અને પછી દંડનો આશ્રય લેવો જોઈએ. કહેવાય છે કે, ‘સોળે સાન, આવે તો આવે નહિ તો રામેરામ.’ સોળ વર્ષ સુધી પુત્રમાં સમજણ કેળવવાની જવાબદારી પિતાની છે.

સોળમા વર્ષે પુત્ર પરિપક્વ થઈ જાય છે. પછી તેને અંકુશમાં રાખવો મુશ્કેલ હોય છે. જો તેની સાથે બળજબરી કરવામાં આવે તો કદાચ પિતા-પુત્રના સંબંધો વણસે છે. આ કારણે પિતાએ તેની સાથે મિત્ર સમાન વ્યવહાર કરવો જોઈએ. એક સાચા મિત્રની જેમ પિતાએ પુત્રને સાચું માર્ગદર્શન આપવું જોઈએ.

જાન બચી તો લાખો પાયે

અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના સમયે, ટંટા-ફિસાદ કે તોફાન થતાં, રોગચાળો ફેલાતાં, દુકાળ પડતાં, યુદ્ધ થતાં અને નીચ લોકોનો સંગ થતા જે વ્યક્તિ બધું છોડીને ભાગી જાય છે અને બધાનો ત્યાગ કરી દે છે તે મોતના મુખમાંથી બચી જાય છે. ।। ૧૯ ।।

કહેવાય છે કે, ‘જાન બચી તો લાખો પાયે.’ જીવન હશે તો શૂન્યમાંથી સર્જન થશે. આ શ્લોકમાં આચાર્ય ચાણક્ય જ્યાં જીવનું જોખમ હોય તેનો ત્યાગ કરવાની સલાહ આપે છે. પૂર કે દુકાળ જેવી કુદરતી આફતો પર કોઈનું નિયંત્રણ નથી. તેમાં જો વ્યક્તિ પોતાના ઘર કે વતનનો મોહ રાખે તો તે પોતાનો જીવ બચાવી શકતો નથી.

યુદ્ધ એટલે વિનાશ. તેના ઉન્માદમાં ચારે બાજુ માતમ અને વિનાશલીલાનું જ સર્જન થાય છે. આવા સમયે શાણા મનુષ્યે બધું છોડી પોતાનો જીવ બચાવવા સુરક્ષિત સ્થળે આશ્રય લેવો જોઈએ.

તે જ રીતે બૂરી સોબત વિનાશનું મૂળ છે. કુસંગ મનુષ્યને પોતાના સંસ્કારો ભૂલવી દે છે. તે હળવા વિષ સમાન છે અને ધીમેધીમે જીવન કોરી ખાય છે. આથી કુમિત્રનો સાથ જલદીથી છોડી દેવામાં હિત છે.

પુરુષાર્થ વિનાનું જીવન એટલે નરક

જે વ્યક્તિ પાસે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ ચાર પુરુષાર્થમાંથી એક પણ પુરુષાર્થ નથી તે વારંવાર મનુષ્ય યોનિમાં જન્મ લઈને મરતો રહે છે. તેના સિવાય તેને બીજો કોઈ ફાયદો થતો નથી. ।। ર૦ ।।

વૈદિક પરંપરા મુજબ, મનુષ્ય જીવનના ચાર પુરુષાર્થ છે - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જે વ્યક્તિ સારાં માનવોપયોગી કાર્યો કરી ધર્મનો સંચય કરતો નથી, ન કોઈ કામધંધો કરી કોઈ કમાણી કરે છે અને કોઈ પણ ધ્યેય વિના જ જીવન પસાર કરે છે, ન કામ-ભોગની ઈચ્છાઓ પૂરી કરે છે અને ન મોક્ષ મેળવે છે તેનું જીવન નિરર્થક છે. તે જીવે કે મરે એથી કશો ફરક પડતો નથી.

મહાલક્ષ્મીનો વાસ

જ્યાં મૂર્ખ લોકોની પૂજા થતી નથી, અન્ન વગેરેના ભંડાર ભરેલા રહે છે, પતિ-પત્ની વચ્ચે કોઈ પણ પ્રકારનો ઝઘડો થતો નથી ત્યાં મહાલક્ષ્મી માતા સ્વયં આવીને નિવાસ કરે છે. ।। ર૧ ।।

મહાલક્ષ્મી માતા સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેમ ઈચ્છે છે. અહીં આચાર્ય ચાણક્ય માતા લક્ષ્મીનો વાસ ક્યાં હોય તે સમજાવે છે. જ્યાં સરસ્વતીનો વાસ હોય ત્યાં જ મહાલક્ષ્મી વાસ કરે છે. વીણાધારી સરસ્વતી માતા વિદ્વત્તાનું પ્રતીક છે. જે ઘર, કુટુંબ કે દેશમાં વિદ્વાનોની પૂજા થાય એટલે કે વિદ્વાનોની સલાહનું પાલન થાય ત્યાં પ્રગતિ થાય છે. વિદ્વાનો દીર્ઘદ્રષ્ટા હોય છે જ્યારે મૂર્ખાઓ આવનારી ક્ષણનો પણ વિચાર કરતા નથી. તેમની સલાહ માનવી પોતાના જ પગ ઉપર કુહાડો મારવા સમાન છે.

શાંતિને વિકાસ સાથે સીધો સંબંધ છે. જે ઘર કે દેશમાં શાંતિ હોય ત્યાં પ્રગતિનાં દ્વાર આપમેળે ખુલ્લી જાય છે. જે ઘરમાં પતિ-પત્ની સતત લડતાં-ઝઘડતાં રહે છે તે કુટુંબની શાંતિ હણાઈ જાય છે અને તેમની તમામ

શક્તિ વાદ-વિવાદમાં જ વેડફાઈ જાય છે. પ્રગતિના પથ ઉપર એકસાથે

દોડવાને બદલે તેમનાં ચક્ર તો સામેસામે અથડાય છે અને તેમનો વિકાસ રૂંધાઈ જાય છે. પ્રેમ અને સહકાર વિકાસની જનની છે. જ્યાં પતિ-પત્ની એકબીજાને ખભેખભો મેળવીને સાથસહકાર આપતાં હોય ત્યાં પ્રેરણાદાયક વાતાવરણ રચાય છે અને તે ઘરની સમૃદ્ધિ વધે છે.

દેશ માટે પણ આ જ બાબત લાગુ પડે છે. જે દેશમાં વિદ્વાનોને માન-સન્માન મળતું હોય, વિવિધ નાત-જાતનાં લોકો હળીમળીને રહેતાં હોય અને અન્નના ભંડાર પૂર્ણ હોય ત્યાં સુખ-શાંતિ-સમૃદ્ધિ ઉત્તરોત્તર વધતી રહે છે.

।। ચોથો અધ્યાય ।।

જેમ દૂધ ન આપતી અને ગર્ભ ધારણ ન કરતી ગાય બેકાર છે તેમ માતા-પિતાની સેવા ન કરતો હોય અને બુદ્ધિમાન ન હોય તેવા પુત્રના જન્મથી શું ફાયદો ?

વિદ્યાતાનું કર્મ

આયુષ્ય, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ - આ પાંચ બાબતો જીવ જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ નક્કી થઈ જાય છે. ।। ૧ ।।

જ્યારે જીવ તેની માતાના ગર્ભમાં આકાર લે છે ત્યારે જ વિધાતા તેનું આયુષ્ય, કર્મ, તેની ધન-સંપત્તિ, વિદ્યા અને તેનું મૃત્યુ નક્કી કરી નાંખે છે. તેમાં પછી ક્યારેય કોઈ ફેરફાર કરી શકતું નથી. આ કારણે જન્મ પછી દરેક વ્યક્તિએ નિષ્કામ ભાવે કર્મ કરવું જોઈએ અને ફળની આશા ન રાખવી જોઈએ. તેને જે મળવાનું છે તે કોઈ રોકી શકશે નહિ. તેના નસીબમાં જે નહિ હોય તેનો શોક કરવો જોઈએ નહિ.

સત્સંગ એટલે સ્વર્ગ

સંસારરૂપી પરિવારમાં મોટાભાગના પુત્ર, મિત્ર, બાંધવો સાધુમહાત્માઓથી દૂર રહે છે, પરંતુ જે લોકો એમનો સત્સંગ કરે છે તેમને લીધે કુળ પવિત્ર થઈ જાય છે. ।। ર ।।

આપણે જોઈએ છીએ કે સંસારમાં મોટાભાગના લોકો મોહ-માયાના આવરણમાં જકડાઈને સાધુ-મહાત્માઓનો સંગ કરતા નથી. સદ્‌વિચારોથી દૂર રહીને દુન્યવી બાબતોમાં જ ઓતપ્રોત રહે છે, પરંતુ સત્સંગ એટલે કે સારા વિચારો ધરાવતા સાધુપુરુષોનો સંગ તો બહુ ઓછા લોકો કરે છે. (ભગવાધારીઓને નમન કરવા અને તેમની સભાઓમાં ઉપસ્થિત રહીને ટાઈમપાસ કરવો તે સત્સંગ નથી. સત્સંગ એટલે સારા વિચારો ધરાવતા સાધુ મહાત્માઓનો સંગ અને તેમના સમાજોપયોગી વિચારોનું પોતાના જીવનમાં આચરણ).

જે લોકો સત્સંગ કરે છે તેઓ તન-મનથી શુદ્ધ થઈ જાય છે, સમાજસેવા અને માનવસેવાના રંગે રંગાઈ જાય છે. શરીર નશ્વર છે તેનું તેમને જ્ઞાન થતાં તેઓ મોહ-માયા-મદ-મત્સરના બંધનોમાંથી છૂટી જાય છે. આવા સત્સંગીઓનું કુળ પવિત્ર થઈ જાય છે.

સત્સંગ માતા સમાન

જેમ માછલી પોતાનાં બાળકોને વારંવાર જોઈને, માદા કાચબો પોતાનાં સંતાનોનું સતત ધ્યાન રાખીને અને પછીક્ષો પોતાના બચ્ચાને સ્પર્શ કરીને લાલન-પાલન કરે છે તેમ સાધુ અને સજ્જન પુરુષોનો સંગ સર્વ પ્રકારે મનુષ્યોનું પાલન-પોષણ કરે છે. ।। ૩ ।।

માછલી પોતાનાં બાળકોનો ઉછેર તેમને વારંવાર જોઈને, માદા કાચબો પોતાનાં સંતાનોનું સતત ધ્યાન રાખી અને પક્ષીઓ પોતાના બચ્ચાને પાંખ વડે ઢાંકીને પોષણ કરે છે. કોઈ પણ જીવનો સારો વિકાસ થાય તે માટે તેની યોગ્ય દેખરેખ થવી જોઈએ. સામાન્ય રીતે સંતાનોના ઉછેરની જવાબદારી મોટાભાગે માદા જીવ પર જ હોય છે. માણસ જ્યારે બાળક હોય છે ત્યારે તેનું ધ્યાન તેની માતા રાખે છે. મા બાળકની પ્રથમ ગુરુ છે. તેમ છતાં મનુષ્ય જીવનભર ધર્મ અને નીતિના માર્ગે ચાલે તે માટે તેને સાધુ પુરુષો અને સજ્જનોનો સંગ હોવો જરૂરી છે.

સત્સંગ દીપ સમાન છે. મનુષ્યોને સાચા-ખોટા, યોગ્ય-અયોગ્ય અને સારું-નરસું શું છે તેનું માર્ગદર્શન સત્સંગથી મળે છે. સત્સંગ જ મનુષ્યોનું લાલન-પાલન કરે છે.

પ્રભુભજન કરી લો

જ્યાં સુધી શરીર સ્વસ્થ છે ત્યાં સુધી મૃત્યુ દૂર રહે છે એટલે ત્યારે જ આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ. યમરાજ તો અતિથિ છે. સામે આવીને ઊભા રહેશે પછી શું કરશો ? ।। ૪ ।।

જ્યાં સુધી તન અને મન સ્વસ્થ છે ત્યાં સુધી ધર્મમય જીવન જીવી, પ્રભુનું ભજન કરી આત્માનું કલ્યાણ કરવું જોઈએ. જીવનનું લક્ષ્ય આત્માનું કલ્યાણ કરી મોક્ષ મેળવાનું છે. આત્માનું કલ્યાણ વૃદ્ધાવસ્થામાં કરીશું, પ્રભુનું નામ તો ઘરડે ઘડપણ લઈશું તેમ વિચારીને સંસારની માયાજાળમાં રચ્યાપચ્યા ન રહેવું. શું મનુષ્યને ખબર હોય છે કે તેનું આયુષ્ય કેટલું છે ?

યમરાજ તો તેમની ફરજ બજાવવામાં જરા પણ ઊણા ઊતરતા નથી. તે તો તેમના નિશ્ચિત સમયે હાજર થઈ જ જાય છે. મનુષ્ય માટે તે અતિથિ છે. તેમનું તેડું આવે પછી કોઈનું કંઈ ચાલતું નથી. તેમની સાથે બધાને ઈશ્વરના દરબારમાં હાજર થવા નીકળી જવું પડે છે. મૃત્યુ થયા પછી કોઈ પોતાના આત્માનું કલ્યાણ કરી શકતું નથી. એટલે દરરોજ પ્રભુભજન કરવું અને ધર્મમય જીવન જીવવાનો નિત્યક્રમ બનાવી લેવો.

વિદ્યા કામધેનુ સમાન

વિદ્યા કામધેનુ સમાન છે. તે ખરાબ સમયમાં પણ સારું ફળ આપે છે, પ્રવાસમાં તે માતાની જેમ રક્ષણ કરે છે અને એ એક પ્રકારનું ગુપ્ત ધન છે. ।। પ ।।

જેમ કામધેનુ મનુષ્યની તમામ ઈચ્છા પૂર્ણ કરે છે તેમ વિદ્યા પણ માણસની તમામ કામના પૂરી કરે છે. મનુષ્યનો ખરાબ સમય આવે ત્યારે સગાં-સંબંધીઓ અને લક્ષ્મી તેનો સાથ છોડી દે છે, પણ વિદ્યા ક્યારેય પોતાના ઉપાસકનો સાથ છોડતી નથી. તેનો ઉપયોગ કરીને માણસ ખરાબ સમયમાં તરી જાય છે અને ફરી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.

વિદ્યા ગુપ્ત ધન છે જે કોઈને દેખાતી નથી. તેને તો માત્ર અનુભવી શકાય છે. તેને મનુષ્ય પાસેથી કોઈ છીનવી શકતું નથી. પરદેશમાં વિદ્યા જ માતાની જેમ માર્ગદર્શક બને છે.

ચાંદની સમાન પુત્ર

આકાશમાં હજારો તારા હોવાં છતાં એક ચંદ્રમાની ચાંદનીથી રાત્રિ રોશન થઈ જાય છે. તેમ સો મૂર્ખ પુત્રો કરતાં એક ગુણિયલ પુત્ર સારો. ।।૬।।

આકાશમાં હજારો તારા હોવા છતાં રાત્રિ ચંદ્રમાની ચાંદનીથી જ રોશન થાય છે. ચમકે તે બધું સોનું હોતું નથી. તારા ચમકે છે, પણ તે અંધકાર દૂર કરી શકતા નથી. તે જ રીતે સો મૂર્ખ પુત્રોથી કુળની ખ્યાતિ વધતી નથી. કુળનું નામ તો ગુણવાન અને વિદ્વાન પુત્રોથી રોશન થાય છે. સો મૂર્ખ પુત્ર કરતાં એક તેજસ્વી પુત્ર સારો. મૂર્ખ પુત્રો કુળને કલંકિત કરે છે જ્યારે એક જ પુત્ર પોતાનાં કાર્યોથી કુળની પ્રતિષ્ઠા વધારે છે.

મૂર્ખ પુત્ર શું કામનો ?

મૂર્ખ પુત્ર લાંબું આયુષ્ય ભોગવે તેના કરતાં મૃત્યુ પામે તે સારું, કારણ કે તેના મૃત્યુ પર એક જ વખત દુઃખ થાય છે જ્યારે તે જીવિત રહે તો જીવનભર દુઃખી કરે છે. ।। ૭ ।।

મૂર્ખ પુત્ર કુળકલંક છે. તે સમગ્ર કુળના માન-સમ્માનનો નાશ કરી દે છે. સંસારમાં એવાં અનેક ઉદાહરણ છે કે મૂર્ખ પુત્રોએ ઉત્તમ વંશની પ્રતિષ્ઠાને ધૂળધાણી કરી દીધી હોય. તેનામાં સારા-નરસાનું કે યોગ્ય-અયોગ્યનું ભાન હોતું નથી. તેનાં કુકર્મોની સજા આખા કુટુંબને ભોગવવી પડે છે. એટલે આવા મૂર્ખ પુત્રો લાંબું આયુષ્ય ભોગવે તેના કરતાં જેટલા વહેલા મૃત્યુ પામે તેટલું સારું. તે જીવે ત્યાં સુધી માતાપિતા માટે અભિશાપરૂપ હોય છે. મૂર્ખ પુત્રોના કલંકિત કર્મોથી આખું જીવન દુઃખી થવું તેના કરતાં એક વખત તેના મૃત્યુ ઉપર આંસુ સારી લેવાં સારાં.

આ છ નરક સમાન

ખરાબ ગામમાં વાસ, કુળહીનની સેવા, પૌષ્ટિકતા વિનાનું ભોજન, કર્કશા પત્ની, મૂર્ખ પુત્ર અને વિધવા પુત્રી - આ છ અગ્નિ વિના વ્યક્તિને બાળે છે. ।। ૮ ।।

દુષ્ટોના સંગથી કોને ફાયદો થાય છે ? દુષ્ટોના સંગથી વ્યક્તિની વિવેક-બુદ્ધિનો નાશ થાય છે, કુટેવોનો ભોગ બને છે. તે જ રીતે નીચ કુળની એટલે કે ગુણહીન વ્યક્તિઓની સેવા કરવાનું પણ વિષ સમાન છે. સેવા કરવી હોય તો સાધુપુરુષો-સજ્જનોની કરવી. સાધુપુરુષો અને સજ્જનોની સેવા કરવાથી સત્સંગનો લાભ મળે છે. સાધુપુરુષો જ્ઞાનરૂપી પ્રકાશસમાન છે જ્યારે દુષ્ટો અજ્ઞાનરૂપી અંધકાર સમાન છે.

કર્કશા પત્ની પુરુષનું જીવન નરક સમાન કરી નાંખે છે. તેના ઝઘડાળુ સ્વભાવને કારણે ઘરની શાંતિ અને લક્ષ્મીનો નાશ થાય છે. મૂર્ખ પુત્રનાં કર્મો કાયમ પીડાદાયક જ હોય છે. તેના કારણે માતા-પિતાને સદાય દુઃખી થવું જ પડે છે.

વિધવા પુત્રીની પીડા માતાપિતા માટે નરક સમાન છે. તેના ભવિષ્યની ચિંતા માબાપને માનસિક રીતે ભાંગી નાંખે છે.

કુપુત્ર કલંક સમાન

જેમ દૂધ ન આપતી અને ગર્ભ ધારણ ન કરતી ગાય બેકાર છે, તેમ ભક્તિમાન અને વિદ્વાન ન હોય તેવા પુત્રના જન્મ લેવાથી શું ફાયદો ? ।।૯।।

વૈદિક સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો અપાયો છે. તેનામાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ હોવાનું મનાય છે. તેમ છતાં ગાય દૂધ આપે અને ગર્ભ ધારણ કરે તો જ તેને મહત્ત્વ મળે છે. તે અમૃત સમાન દૂધ ન આપે અને ગર્ભવતી ન થાય તો તેને બેકાર ગણવામાં આવે છે.

ઈશ્વર ભક્તિ કરનાર સપૂત માતાપિતાનીય સેવા કરે છે. તે ગુણવાન હોય છે અને પોતાની વિદ્વત્તાથી કુળનું નામ રોશન કરે છે. પરંતુ ભગવાન સમાન માતાપિતાની સેવા ન કરતા અને વિદ્વાન ન હોય તેવા પુત્ર કુળ માટે કલંક હોય છે. આવા પુત્રોના જન્મથી માતાપિતાને કોઈ ફાયદો થતો નથી.

સપૂત, સુશીલ પત્ની અને સત્સંગ એટલે સ્વર્ગ

સારાં સંતાન, પતિવ્રતા પત્ની અને સત્સંગ - આ સંસારના તાપમાં તપેલાં દુઃખી લોકોને આ ત્રણ બાબતો જ શાંતિ આપે છે. ।। ૧૦ ।।

સારાં અને ગુણિયલ બાળકો, સુશીલ પત્ની અને સાધુ-પુરુષોનો સંગ કોઈ પણ વ્યક્તિના જીવનમાં મહત્ત્વપૂર્ણ છે. બુદ્ધિશાળી અને તેજસ્વી બાળકો માતાપિતા માટે અમૃત સમાન છે.

બ્રહ્મવચન

રાજા એક જ વખત આદેશ આપે છે અને પંડિતો એક જ વખત મંત્રોચ્ચારણ કરે છે. તે જ રીતે કન્યાનું પણ એક જ વખત કન્યાદાન થાય છે. ।। ૧૧ ।।

ત્રણ કાર્યનું ક્યારેય પુનરાવર્તન થતું નથી. એક, રાજા આદેશ એક જ વખત આપે છે. તેનો આદેશ સેવકોએ સ્વીકારવો જ પડે છે. તે પોતાના વચનમાંથી પીછેહઠ કરતો નથી. બે, પંડિતો મંત્રોચ્ચારણ એક જ વખત કરે છે. ત્રણ, કન્યાદાન એક જ વખત થાય છે.

રાજા, પંડિત અને માતાપિતા ઈશ્વર સમાન છે. તેમનાં વચનો બ્રહ્મ વાક્ય સમાન છે. તેઓ ક્યારેય પોતાના આદેશ કે વચનનો ભંગ કરતા નથી.

તપ એકાંતમાં તો યુદ્ધ સૈન્ય સાથે

તપ એકાંતમાં કરવું જોઈએ. અભ્યાસ કરવા બે, ગીત ગાવા ત્રણ, બહાર જવા ચાર અને ખેતી કરવા પાંચ વ્યક્તિની જરૂર હોય છે, જ્યારે યુદ્ધમાં અનેક વ્યક્તિ હોવા જોઈએ. ।। ૧ર ।।

તપસ્યા કરવા એકાગ્રતા જોઈએ અને એકાગ્રતા એકાંતમાં જ મળે. બે મિત્ર સાથે હળીમળીને અભ્યાસ કરે તો સોનામાં સુગંધ ભળી જાય છે અને બંને વ્યક્તિને સારી સફળતા મળે છે. તે જ રીતે જો ત્રણ વ્યક્તિ સાથે મળીને ગાય તો સૂર ખીલે છે અને ચાર વ્યક્તિ એકસાથે બહાર જાય તો રસ્તો સુરક્ષિત રીતે આનંદ સાથે કપાઈ થાય છે.

ખેતરમાં કામ કરવા પાંચ માણસોની જરૂર હોય છે, પણ યુદ્ધમાં અનેક યોદ્ધા અને સૈનિકોની જરૂર પડે છે. જેટલા સૈનિક વધુ તેટલી સેનાની શક્તિ વધારે.

ઉત્તમ પત્ની

જે પવિત્ર અને કુશળ છે, પતિવ્રતા છે, જેને પોતાના પતિ પ્રત્યે પ્રેમ છે, જે હંમેશા સાચું બોલે છે તે જ ઉત્તમ પત્ની છે. ।। ૧૩ ।।

જેનું આચરણ પવિત્ર છે, જે સુશીલ છે, જે કુશળ ગૃહિણી છે, જે પતિવ્રતા છે, જે પોતાના પતિને સાચો પ્રેમ કરે છે અને ક્યારેય અસત્ય બોલતી નથી તે સ્ત્રી જ યોગ્ય પત્ની છે.

આદર્શ પત્ની મન, વચન અને કર્મથી પવિત્ર હોય છે. તે પોતાની પ્રથમ ફરજ પતિ અને તેના પરિવારની ખુશીને સમજે છે. ઘરની સુખશાંતિનો આધાર સુલક્ષણા સ્ત્રી પર છે. સુશીલ અને ગુણિયલ પત્ની ઘરને સ્વર્ગ બનાવી દે છે. સ્વાર્થી અને મહત્ત્વાકાંક્ષી સ્ત્રી ઘરને નરક સમાન બનાવી દે છે. તે પોતાના સ્વાર્થમાં અંધ થઈ માત્ર પોતાની સુખ-શાંતિનો જ વિચાર કરે છે. તેનામાં ત્યાગની કોઈ ભાવના હોતી નથી.

દરિદ્રતા અભિશાપ છે

જ્યાં સંતાન નથી તે ઘર સૂનું છે, જેને બંધુ-બાંધવ નથી તે દિશાશૂન્ય છે. મૂર્ખ વ્યક્તિનું હૃદય શૂન્ય હોય છે જ્યારે દરિદ્ર વ્યક્તિનું તો બધું શૂન્ય છે. ।। ૧૪ ।।

જે ઘરમાં સંતાન હોય છે તે ઘર જીવંત છે. સંતાન વિનાનું ઘર સ્મશાન સમાન છે. જે વ્યક્તિને કોઈ ભાઈ ન હોય તેને માટે દિશાઓ શૂન્ય છે. તેને માટે કોઈ દિશા પોતીકી હોતી નથી. સંકટ સમયે ભાઈ જ પોતાના ભાઈને કામ આવે છે. મુશ્કેલીના સમયે ભાઈ વિનાની વ્યક્તિ એકલી પડી જાય છે અને તેને માટે બધી દિશાઓ બંધ થઈ જાય છે.

મૂર્ખ વ્યક્તિને સારા-ખરાબનું કોઈ જ્ઞાન જ હોતું નથી. તેની પાસે હૃદય જેવી કોઈ જ ચીજ હોતી નથી. કોઈ પણ પ્રકારની વેદના-સંવેદના તેને સ્પર્શી શકતી નથી, પરંતુ ગરીબ વ્યક્તિ માટે તો ઘર, દિશા, હૃદય અને સમગ્ર સંસાર સૂનાં હોય છે. ગરીબી એક અભિશાપ છે. ચાણક્ય નીતિશાસ્ત્રી ઉપરાંત અર્થશાસ્ત્રી છે. તેઓ હજારો વર્ષ અગાઉ ગરીબી હટાવવાની વાત કરી ગયા છે.

ભોજન વિષ સમાન

વ્યવહારિક જ્ઞાન વિના શાસ્ત્રજ્ઞાન, પચતું ન હોય તેને ભોજન, નિર્ધન વ્યક્તિ માટે મેળાવડો અને વૃદ્ધ પુરુષ માટે યુવાન સ્ત્રી વિષ સમાન છે. ।। ૧પ ।।

શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી પોપટિયા પંડિત થવાય, પરંતુ વ્યવહારિક જ્ઞાન આવતું નથી. શાસ્ત્રોનું જ્ઞાન લઈને પંડિત થયેલા અવ્યવહારુ લોકો સમાજમાં હાંસી અને ઉપહાસને પાત્ર ઠરે છે.

વ્યક્તિએ પોતાની પાચનશક્તિ હોય તેટલું જ ભોજન લેવું જોઈએ. પોતાના પાચનસામર્થ્ય કરતાં વધારે અન્ન લેવાથી અપચો થઈ જાય છે અને વિવિધ રોગો ઘર કરી જાય છે.

નિર્ધન વ્યક્તિ માટે કોઈ પણ સભા કે ઉત્સવ વિષ સમાન હોય છે. તે સભા કે ઉત્સવોમાં સામેલ થાય તો ધનિકોનો વૈભવ જોઈને ઈર્ષાની આગમાં બળી જાય છે. સમાજમાં દરિદ્ર વ્યક્તિનું કોઈ સ્થાન હોતું નથી. એટલે સમાજ તેને દુશ્મન જેવો લાગે છે.

યુવાન સ્ત્રીનો સંગ વૃદ્ધ પુરુષોએ ન કરવો જોઈએ. વાનપ્રસ્થાશ્રમમાં મનુષ્ય ધીમે ધીમે મોહ અને માયાના એક-એક બંધન છોડતો જાય છે ત્યારે યુવાન સ્ત્રીનો સાથ ફરી તેને બંધન કરવા પ્રેરે છે. ઉંમરને કારણે આવેલી નબળાઈ એને યુવાન વયની સ્ત્રી સમક્ષ ભોંઠો પાડે છે, હાંસીપાત્ર બનાવી મૂકે છે. તેનાથી તેને સમાજમાં પણ બદનામી સિવાય કશું મળતું નથી અને જીવનનો તમામ પુરુષાર્થ એળે જાય છે.

અધર્મ અને ગુરુઘંટાલ

દયા અને મમતા વિનાના ધર્મ, વિદ્યાહીન ગુરુ, સદાય ક્રોધ કરતી પત્ની અને પ્રેમ કે સ્નેહ વિનાના સગાસબંધીઓ - આ ચારનો વહેલી તકે ત્યાગ કરવામાં જ ભલાઈ છે. ।। ૧૬ ।।

ધર્મનો પાયો સત્ય, અહિંસા અને પ્રેમ છે. જે ધર્મમાં દયા અને કરુણા ન હોય તે ખરેખર ધર્મ જ નથી. માનવ-માનવ વચ્ચે પ્રેમની ગંગા વહાવવાને બદલે જે ધર્મ લોહીની નદીઓ વહાવવાનું શીખવે તેમાં રહેવાથી વિનાશ સિવાય બીજું કશું ન મળે. તેનો જેટલી ઝડપથી ત્યાગ કરી દો તેટલી ઝડપથી મુક્તિ મળે છે.

ગુરુ એટલે વિદ્યાનું ધામ. જે ગુરુ પાસે વિદ્યા જ ન હોય તે પોતાના શિષ્યને શું શીખવશે ? વિદ્યાહીન ગુરુ સમાજ માટે કલંક સમાન છે. તે શિષ્યોના ભવિષ્યને અંધકારમય બનાવ્યા સિવાય બીજું કંઈ કરે નહિઉ આવા ગુરુઘંટાલનો સંગ ક્યારેય ન કરવો.

પતિ અને પત્ની સંસારરથનાં બે ચક્રો છે. જો તેઓ પ્રેમ અને સહકારમય જીવન જીવે તો સંસાર આગળ વધે, પણ જો પતિ કે પત્નીમાંથી કોઈ એક આગનો દરિયો હોય તો તેમાં આખી જિંદગી દાઝવા કરતાં વેળાસર પરસ્પરનો ત્યાગ કરવો વધુ હિતાવહ છે.

સગાંસંબંધી વચ્ચે પ્રેમ અને સ્નેહનાં પુષ્પો ખીલે તો તેમનું સંબંધરૂપી વૃક્ષ મજબૂત બને છે, પરંતુ સ્વાર્થી અને દયાહીન સગાંસંબંધીઓ સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર હિતાવહ નથી. તેમને પ્રેમને બદલે પૈસા અને સ્નેહને બદલે સોનામાં જ મતલબ કે સ્વાર્થમાં જ રસ હોય છે.

વહેલી વૃદ્ધાવસ્થા

રઝળપાટ કરવાથી મનુષ્ય અને બંધાઈ જવાથી ઘોડો વહેલા વૃદ્ધ થઈ જાય છે. સંભોગ ન કરવાથી સ્ત્રીઓમાં પણ વહેલી વૃદ્ધાવસ્થા આવી જાય છે તો તડકામાં સૂકવવાને કારણે વસ્ત્ર ઝડપથી જીર્ણ થઈ જાય છે. ।। ૧૭ ।।

સતત પ્રવાસ કરવાથી મનુષ્યની શક્તિ વપરાઈ જાય છે અને તે નિયત સમય કરતાં પહેલા જ વૃદ્ધ થઈ જાય છે. બંધાઈ જવાથી ઘોડાની તાકાત પણ ઘટી જાય છે અને તે જરૂરી પરિરમને અભાવે વૃદ્ધાવસ્થા અનુભવે છે. મૈથુનના અભાવે સ્ત્રીઓ પણ માનસિક રીતે ઘરડી થઈ હોવાનું અનુભવવા લાગે છે. તડકામાં વસ્ત્રને વારંવાર સૂકવવાને કારણે તે ઝડપથી ફાટી જાય છે.

પહેલો વિચાર પછી આચાર

સમય અને સંજોગો કેવા છે ? મિત્ર કેવા છે ? સ્થળ કેવું છે ? આવક-જાવક કેટલી છે ? હું કોણ ? મારું સામર્થ્ય કેટલું છે ? સમજદાર વ્યક્તિએ આ છ બાબતોનું મનન કરવું જોઈએ. ।। ૧૮ ।।

જેની શરૂઆત સારી તે અડધો જંગ જીતી જાય છે. વ્યક્તિએ કોઈ પણ કાર્ય શરૂ કરતાં પહેલાં છ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વ્યક્તિએ દરેક કાર્યની શરૂઆત સમય અને સંજોગો જોઈને જ કરવી જોઈએ. કાર્ય સમયની માંગને અનુરૂપ છે કે નહિ ? કેવા સંજોગોમાં કાર્યને કેટલી સફળતા મળશે ? કાર્યમાં સાથ આપે તેવા સાચા સાથીદાર કેટલા છે ? પોતાની આવક અને જાવક કેટલી છે ? ‘આમદની અઠન્ની ઔર ખર્ચ રૂપૈયા’ જેવી સ્થિતિ તો નથી ને ? પોતે કેટલું ગજું ધરાવે છે, કોને કેટલી મદદ કરી છે તેનો વિચાર કરતા પોતાના કાર્યમાં કેટલી મદદ મળે છે તેનો અંદાજ પણ આવી જાય છે. ઉપરાંત સૌથી મહત્ત્વપૂર્ણ વિચાર પોતાના સામર્થ્યનો કરી લેવો જોઈએ. પોતે જે કાર્ય કરવા ધારે છે તે પાર પાડવાની કાબેલિયત તો પોતાનામાં છે કે નહિ તેનું સાચું મૂલ્યાંકન કરી લેવું જોઈએ.

જે વ્યક્તિ આ બધી બાબતોને સાચી રીતે વિચાર કરે છે તેને ક્યારેય નિષ્ફળતાનો સામનો કરવો પડતો નથી.

આ પાંચ પિતા સમાન

જન્મ દેનાર પિતા, યજ્ઞોપવીત કરાવનાર ગુરુ, વિદ્યાદાન કરનાર શિક્ષક, અન્નદાતા અને ભયથી મુક્ત રાખનાર - આ પાંચ વ્યક્તિ પિતા સમાન છે. ।। ૧૯ ।।

પિતા એટલે જે પોતાનું પુત્રનું પાલનપોષણ કરે તે આદરણીય પુરુષ. જન્મ દેનાર પિતા પોતાના પુત્રનું લાલનપાલન કરે છે. મનુષ્યના સોળ સંસ્કારો પૈકીના એક યજ્ઞોપવીત સંસ્કાર કરાવનાર ગુરુ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ અગ્રેસર કરનાર શિક્ષક પણ પિતા સમાન છે, કારણ કે તેના હૃદયમાં પણ પોતાના શિષ્યની ઉજ્જવળ ભવિષ્યની ભાવનાનું ઝરણું વહેતું હોય છે.

આ પાંચ માતા સમાન

રાજાની પત્ની, ગુરુની પત્ની, મિત્રની પત્ની, પત્નીની માતા અર્થાત્‌ સાસુ અને પોતાની મતા - આ પાંચ સ્ત્રી માતા છે. ।। ર૦ ।।

માતા મમતા અને કરુણાની મૂર્તિ છે. રાજાની પત્ની માટે પોતાના પ્રદેશની પ્રજા પુત્ર સમાન જ હોય છે. તે પોતાની પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થાય છે. રૈયત માટે તેના હૃદયમાંથી મમતા અને કરુણાનો પ્રવાહ જ વહે છે. મમતા અને કરુણાસ્વરૂપ રાણી માતા સમાન ગણાય છે.

તે જ રીતે ગુરુની પત્ની બધા શિષ્યોને પોતાના પુત્ર સમાન જ ગણે છે. શિષ્યોને તે પુત્રવત્‌ પ્રેમ કરે છે. તે દરેક શિષ્યના સારા ભવિષ્ય માટે જ પ્રાર્થના કરે છે. ગુરુનો આશ્રમ શિષ્ય માટે બીજું ઘર છે અને અહીં ગુરુની પત્ની શિષ્યો માટે માતાની ગરજ સારે છે.

મિત્રની પત્ની પણ માતા સમાન છે. દરેક ગુણવાન વ્યક્તિ પોતાના મિત્રનું ભલું ઈચ્છે છે તેમ તેની પત્ની પણ પોતાના પતિના મિત્રનું શુભ ઈચ્છે છે. જેના હૃદયમાં પોતાના માટે મમતા અને કરુણાનો પ્રવાહ વહેતો હોય તેને વ્યક્તિએ માતા સમાન ગણવી જોઈએ. પરસ્ત્રીને માતા ગણાવતા શાસ્ત્રનું સંશોધન કરી ઓછામાં ઓછી આ પાંચ માતાઓ પૂરતો પણ માણસ પૂજ્યભાવ કેળવે તો ઘણા પ્રશ્નો હલ થઈ જાય.

કણકણમાં છે રામ

બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય - આ ત્રણ દ્વિજાતિના દેવ અગ્નિ છે. મુનિઓના દેવ તેમના હૃદયમાં નિવાસ કરે છે. મૂર્ખા કે મંદ બુદ્ધિવાળાઓનો ઈશ્વર મૂર્તિમાં વાસ કરે છે જ્યારે સમદૃષ્ટિવાળા લોકોના પરમેશ્વરનો બધે વાસ હોય છે. ।। ર૧ ।।

મૂર્તિપૂજા મૂર્ખ લોકોનું કામ છે. તેમના આ વિધાન પરથી લાગે છે કે તેઓ મૂર્તિપૂજામાં નહોતા માનતા. ચાણક્ય પહેલાંના સમયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય કુળમાં જન્મ લીધા પછી પણ ગુરુ તેઓની જનોઈ વિધિ કરતા. આ વિધિ દરમિયાન હવન પણ કરવામાં આવતો. એટલે તેમના માટે અગ્નિ જ તેમના દેવતા ગણાવાયા. જ્યારે ઋષિમુનિઓ હંમેશાં ઈશ્વરના ધ્યાનમાં લીન હોય છે એટલે પ્રભુ તેમના હૃદયમાં જ વસેલા હોય છે. જે વ્યક્તિ દરેકને પ્રેમ કરે છે અને સમાન નજરે જુએ છે તેને જગતના કણેકણમાં ઈશ્વરનાં દર્શન થાય છે.

।। પાંચમો અધ્યાય ।।

જ્યાં સુધી સંકટ અને આપત્તિ દૂર હોય ત્યાં સુધી બુદ્ધિશાળી વ્યક્તિએ તેનાથી ડરવું જોઈએ, પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવી પડે ત્યારે દરેક વ્યક્તિએ પોતાની પૂરી તાકાતથી તેની સામે લડવું જોઈએ અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

અતિથિ દેવો ભવ

બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય - આ ત્રણ દ્વિજ વર્ણનો ગુરુ અગ્નિ છે. ચારે વર્ણમાં બ્રાહ્મણ સૌથી શ્રેષ્ઠ અને આદરણીય હોવાથી ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રનો ગુરુ બ્રાહ્મણ છે. સ્ત્રીઓ માટે પતિ તો ઘરે પધારેલો અતિથિ બધાનો ગુરુ છે. ।। ૧ ।।

બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય - તે ત્રણેય વર્ણ સંયુક્ત રીતે દ્વિજ તરીકે ઓળખાય છે. મનુસ્મૃતિમાં એમને જનોઈ ધારણ કરવાનો, યજ્ઞાદિકર્મોનો અધિકાર અપાયો છે. તેઓ યજ્ઞ-હવન દ્વારા પરમ કૃપાળુ પરમાત્માને પ્રસન્ન કરે છે. એટલે અગ્નિ દેવ તેમના ગુરુ છે. અગ્નિના માધ્યમ વડે જ તેઓ ઈશ્વરને પ્રસન્ન કરે છે.

વૈદિક વર્ણવ્યવસ્થામાં બ્રાહ્મણોને સૌથી ઉચ્ચ સ્થાન અપાયું છે. તેનું મુખ્ય કાર્ય ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રમાં વૈદિક સંસ્કારોની સમજણ આરોપિત કરવાનું છે. બ્રાહ્મણ ત્રણેય ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વર્ણના ગુરુ સમાન છે.

સ્ત્રી માટે તેનો પતિ ગુરુ સમાન હોય છે. દરેક સ્ત્રીએ પોતાના પતિના વચનોમાં શ્રદ્ધા રાખવી જોઈએ. સંસાર રથમાં પત્ની શ્રદ્ધા સમાન તો પતિ વિશ્વાસ સમાન છે. પતિના વચનોનું પાલન કરવામાં જ સ્ત્રીનું હિત રહેલું છે.

‘અતિથ દેવો ભવ’ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. અતિથિ આખાય યજમાન ગૃહનો ગુરુ છે. તેના હૃદયમાં યજમાન ગૃહ પ્રત્યે હંમેશા સારી ભાવના જ હોય છે. તેનો સારામાં સારો આતિથ્ય-સત્કાર કરવો યજમાનની ફરજ છે.

સોનું અને મનુષ્ય

જેમ સોનાની પરીક્ષા ઘસીને, કાપીને, તપાવીને અને ટીપીને થાય છે તેમ મનુષ્યના ચારિત્ર્યની કસોટી તેના ત્યાગ, તેના ચારિત્ર્ય, તેના ગુણ અને આચાર-વ્યવહાર પરથી થાય છે. ।। ર ।।

સોનું સાચું છે કે ખોટું તેની કસોટી ચાર રીતે થાય છે. પહેલાં તેને કસોટી પર ઘસવામાં આવે છે, પછી કાપવામાં આવે છે, ત્યાર પછી તેને તપાવવામાં આવે છે અને અંતે તેને ટીપવામાં આવે છે. તે જ રીતે મનુષ્ય કેવો છે તેની ઓળખ તેના ત્યાગ અને સમર્પણની ભાવના, ચારિત્ર્ય અને તેનાં કાર્યો પરથી થાય છે.

સંકટ સમયે લડો

જ્યાં સુધી સંકટ અને આપત્તિ દૂર હોય ત્યાં સુધી બુદ્ધિશાળી વ્યક્તિએ તેનાથી ડરવું જોઈએ, પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવી જ પડે ત્યારે દરેક વ્યક્તિએ પોતાની પૂરી તાકાતથી તેની સામે લડવું જોઈએ અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ।। ૩ ।।

બુદ્ધિશાળી મનુષ્યે સંકટ અને મુશ્કેલીઓથી ડરવું જોઈએ અને તે જ્યારે દૂર હોય ત્યારે જ તે માથા પર ન આવી જાય તેનો ઉકેલ શોધવો જોઈએ, પરંતુ આફતો તૂટી પડે ત્યારે તેનાથી ગભરાઈ જવાથી કોઈ ફાયદો ન થાય. તે વિકટ સંજોગોનો સામનો પૂરી તાકાતથી કરવો જોઈએ. આફત સામે હથિયાર હેઠાં મૂકી દઈને પરાજય તો કાયરો સ્વીકારી લે છે, જ્યારે મહાપુરુષો મુશ્કેલીઓમાંથી પણ પોતાનો માર્ગ મોકળો કરી લે છે.

સહોદર ન હોય સરખાં

જેમ બોરડીનાં બોર અને કાંટાના ગુણ સરખા નથી હોતા તેમ એક જ માતાની કૂખે સમાન નક્ષત્રમાં જન્મેલાં બાળકોના ગુણ, કર્મ અને સ્વભાવ એકસમાન હોતા નથી. ।। ૪ ।।

બોર અને તેના કંટકની માતા તો બોરડી જ છે, તેમ છતાં બોર પોતાના ખાટા-મીઠા સ્વાદથી મનુષ્યને આનંદ આપે છે તો કંટક પીડા પહોંચાડે છે. તે જ રીતે એક જ માતાનાં સંતાનો સમાન ગુણવાળાં અને સરખા સ્વભાવવાળાં હોતા નથી.

શું રાવણ અને વિભીષણનો જન્મ એક જ માતાની કૂખે નહોતો થયો? છતાં રાવણ સીતાનું હરણ કર્યું તો વિભીષણે તેમને માતાનો દરજ્જો આપ્યો. દરેક વ્યક્તિ એનાં પૂર્વ સંચિત કર્મફળ લઈને જન્મતી હોઈ એક જ સમયે જન્મેલાં બાળકો પણ જુદું જુદું પ્રારબ્ધ ભોગવતાં હોય છે.

વૈરાગી અને વિદ્વાન

વૈરાગીને વિષય પ્રત્યે આસક્તિ હોતી નથી અને નિષ્કામીને સોળે શણગાર સજવાની જરૂર પડતી નથી. વિદ્વાન વ્યક્તિની વાણી મધુર હોતી નથી અને સ્પષ્ટવક્તા ઠગ હોતો નથી. ।। પ ।।

જેને વૈરાગ્ય આવી ગયો હોય તે સંસારની માયાજાળમાંથી છૂટી જાય છે. તે મોહ અને માયાની જાળમાં કેદ થતો નથી. સંસારનો કોઈ પણ વિષય તેને લલચાવી શકતો નથી.

જે વ્યક્તિ નિષ્કામી છે તેને શૃંગાર પ્રત્યે પ્રેમ નથી હોતો. શૃંગાર તો કામી વ્યક્તિ કરે છે, કારણ કે તેને પોતાની કામવાસના સંતોષવા વિજાતીય વ્યક્તિને પોતાની તરફ આકર્ષવાની જરૂર પડે છે.

વિદ્વાન વ્યક્તિ સત્ય બોલે છે અને સત્ય કડવું હોય તો પણ તે કહેતાં અચકાતી નથી. આ કારણે ઘણીવાર વિદ્વાન વ્યક્તિઓની વાણી કડવી લાગે છે, પરંતુ તેમાં છેવટે હિતકારી વાત જ સમાયેલી હોય છે.

પ્રિય વચનો તો સ્વાર્થી લોકોનું આભૂષણ છે. આ પ્રકારનો સ્વભાવ ધરાવતા લોકો સાચું કહીને સંબંધો બગાડવા કરતાં મીઠુંમીઠું બોલીને પોતાનું કામ કરાવી લે છે. તેઓ સામેની વ્યક્તિને નુકસાન થતું હોય તો પણ સ્પષ્ટ કહેશે નહિ. સ્પષ્ટવક્તા ક્યારેય કોઈને છેતરે નહીં.

કોણ કોનો દ્વેષ કરે

મૂર્ખ લોકો વિદ્વાનો સાથે અને નિર્ધન લોકો ધનિકો સાથે વેરભાવ રાખે છે. તે જ રીતે વેશ્યા કુળવાન સ્ત્રીઓને અને વિધવા સ્ત્રીઓ સૌભાગ્યશાળી સ્ત્રીઓને પોતાની દુશ્મન સમજે છે. ।। ૬ ।।

મૂર્ખોને યોગ્ય-અયોગ્યની કે સારા-નરસાની કંઈ સમજણ હોતી નથી. વિદ્વાનોની વિદ્વત્તા સમજી શકવાની તેમનામાં ક્ષમતા હોતી નથી. આ કારણે તેમનું ક્યાંય સ્થાન હોતું નથી જ્યારે વિદ્વાનો સર્વત્ર પૂજાય છે. એટલે તેઓ વિદ્વાનો પ્રત્યે દ્વેષભાવ રાખે છે અને વૈરવૃત્તિથી પીડાય છે. તે જ રીતે ધનિકોને સમાજમાં બધે માન-સમ્માન મળે છે જ્યારે નિર્ધનનો કોઈ ભાવ પૂછતું નથી એટલે નિર્ધનો ધનિકોને ધિક્કારે છે.

કુળવાન અને સુશીલ સ્ત્રીને કારણે જ પરિવાર કે કુટુંબ સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવે છે. ગુણિયલ સ્ત્રી પોતાના ગુણથી પૂજાય છે જ્યારે વેશ્યાની સમાજમાં કોઈ ઈજ્જત હોતી નથી. તેને કોઈ સારી નજરથી જોતું નથી. તેને ઘર-પરિવાર જેવું કશું હોતું નથી. એટલે વેશ્યાને કુળવાન સ્ત્રી પ્રત્યે ઈર્ષા હોય છે અને તેને તે પોતાની દુશ્મન સમજે છે. તે જ રીતે વિધવા સ્ત્રીઓ સૌભાગ્યશાળી સ્ત્રીને ધિક્કારે છે. કુટુંબમાં સારા-નરસા પ્રસંગે સૌભાગ્યશાળી

સ્ત્રીને માન-સમ્માન મળે છે જ્યારે વિધવા સ્ત્રી દયાને પાત્ર બને છે. ટૂંકમાં દુઃખી કે અભાવગ્રસ્ત માનવી સુખિયાંનું સુખ જીરવી શકતાં નથી. આ માનવ સ્વભાવ છે.

સેનાપતિ વિના સૈન્યનો નાશ

આળસથી વિદ્યા અને પરપુરુષ હસ્તક પડેલી સ્ત્રીનો નાશ થઈ જાય છે. થોડાં બીજ નાંખવાથી ખેતર નાશ પામે છે અને સેનાપતિ હણાતાં તેના સૈન્યનો પરાજય થાય છે. ।। ૭ ।।

વિદ્યા પ્રાપ્ત કરવા મહેનત કરવી પડે છે. સખત પરિશ્રમ કરે તેને જ વિદ્યા વરે છે. આળસ કરવાથી વિદ્યા સહિત કોઈ પણ ચીજવસ્તુ પ્રાપ્ત થતી નથી. આળસ માણસનો સૌથી મોટો દુશ્મન છે. તે ધીમા ઝેર સમાન છે. મનુષ્યમાં ગમે તેટલી આવડત હોય પણ તેનામાં આળસરૂપી દુર્ગુણ હોય તો તેની પ્રતિભાને કાટ લાગી જાય છે.

પોતાના પુરુષને છોડી પરપુરુષનો સંગ કરે તે સ્ત્રીની હાલત ધોબીના કૂતરા જેવી થાય છે. તે નથી પોતાના પુરુષની રહેતી કે નથી તેને પરપુરુષ સાથે આજીવન સંબંધ રહેતો. જેણે પોતાના જ પુરુષનો ત્યાગ કરી દીધો હોય તે બીજા પુરુષની શું થવાની ? પરપુરુષ સાથે રંગરેલીઓ મનાવનારી સ્ત્રી છેવટે નાશ પામે છે. મજબૂરીને કારણે કે પતિની નિર્ધનતાને કારણે ક્યારેક સ્ત્રીને પરપુરુષનો આશ્રય લેવો પડે છે. પરંતુ આખરે એનો અંજામ બૂરો જ આવે છે.

ખેતરમાં સારો પાક મેળવવા પુષ્કળ બીજ નાંખવાં પડે છે. થોડાં બીજ નાંખવાથી થોડો જ પાક થાય. જેટલું વાવીએ તેટલું જ લણી શકાય.

સેનાપતિ સૈન્યનું હાર્દ હોય છે. સેના સેનાપતિના માર્ગદર્શનને જ અનુસરે છે. સેનાના વિજયનો મદાર સેનાપતિ ઉપર હોય છે. જે સેનાનો સેનાપતિ સારો તેને અડધો વિજય તો મળી ગયો સમજો. યુદ્ધમાં કોઈ પણ સેનાનું પ્રાથમિક લક્ષ્ય વિરોધી સેનાનો સેનાપતિ જ હોય છે. સેનાપતિ હણાય તો સેના દિશાહીન અને વેરવિખેર થઈ જાય છે. પછી સૈન્યનો પરાજય થાય છે.

જેવું શીલ તેવું કુળ

સતત મહાવરાથી વિદ્યા, ચારિત્ર્ય પરથી કુળ, ગુણ પરથી શ્રેષ્ઠતા અને આંખો પરથી મનુષ્યના ક્રોધની જાણ થાય છે. ।। ૮ ।।

સતત અભ્યાસથી વિદ્યા પ્રાપ્ત થાય છે. શીલ-સ્વભાવ પરથી વ્યક્તિ ઉચ્ચ કુળની છે કે નીચ કુળની છે તે ખબર પડે છે. ઉચ્ચ કુળની વ્યક્તિના સ્વભાવમાં માન-મર્યાદાની ઝલક મળે છે, જ્યારે નીચ કુળની વ્યક્તિમાં દંભ, તોછડાઈ વગેરે દુર્ગુણો જોવા મળે છે.

વ્યક્તિના સારા ગુણ પરથી તેની શ્રેષ્ઠતાનાં દર્શન થાય છે જ્યારે તેની આંખો પરથી તેના ક્રોધની જાણ થાય છે. માણસની આંખ ઘણુંબધું કહી દે છે. આંખોની ભાષા ઉપરથી જ મનુષ્યના ભાવો વાંચી શકાય છે.

ધન, યોગ અને સ્ત્રીનું રક્ષણ

ધનથી ધર્મનું, યોગથી વિદ્યાનું, ધરતીથી રાજાનું અને ગુણિયલ સ્ત્રીઓથી ઘરનું રક્ષણ થાય છે. ।। ૯ ।।

ધન હોય તો મનુષ્ય પોતાના ધર્મ-કર્તવ્યનું યોગ્ય રીતે પાલન કરી શકે છે. સદાચાર, સંયમ વગેરેથી વિદ્યાની રક્ષા થાય છે. રાજા પાસે પોતાની ધરતી - પોતાની માલિકીનો પ્રદેશ હોય તો જ તે બચે છે. સુશીલ અને પતિવ્રતા સ્ત્રીથી જ ઘરનું રક્ષણ થાય છે.

ધર્મપાલન માટે ધનની, વિદ્યાના ગૌરવ માટે કર્મ કુશળતાની, રાજાએ રાજ ટકાવી રાખવા એની માલિકીના મુલકની તથા પરિવારના સન્માન માટે સ્ત્રીના સદાચારણની જરૂર છે.

મૂર્ખ

જે લોકો વેદો, પાંડિત્ય, શાસ્ત્રો, સદાચારી અને શાંત મનુષ્યને બદનામ કરે છે તેમને કોઈ ફાયદો થતો નથી. ।। ૧૦ ।।

જે લોકો વેદો, શાસ્ત્રો બુદ્ધિમાન, સદાચારી અને શાંત વ્યક્તિની બૂરાઈ કરે છે તે મૂર્ખ છે. મૂર્ખાઓના અપપ્રચારથી વેદો કે શાસ્ત્રોનું મહત્ત્વ ઓછું થતું નથી. વેદો અને શાસ્ત્રોમાં ઋષિ-મુનિઓએ વર્ષોની સાધના પછી મેળવેલા તત્ત્વજ્ઞાનનો સંગ્રહ છે.

તે જ રીતે જો કોઈ સદાચારી અને શાંત મનુષ્યને બદનામ કરે છે તેને કોઈ ફાયદો થતો નથી, ઊલટું તેમાં તેની જ બદનામી થાય છે. સમાજમાં સદાચારી અને શાંત મનુષ્યની આગવી ઓળખ હોય છે.

દાન કરવાથી દરિદ્રતાનો નાશ

દાન કરવાથી દરિદ્રતા, સારા આચરણ અને ગુણોથી કષ્ટ, બુદ્ધિથી અજ્ઞાન અને ઈશ્વરની ભક્તિથી ભય દૂર થાય છે. ।। ૧૧ ।।

સામર્થ્ય અનુસાર દરેક વ્યક્તિએ દાન કરવું જોઈએ. દાન કરવાથી પોતાની જ દરિદ્રતા દૂર થાય છે. સદાચરણથી વ્યક્તિને કોઈ મુશ્કેલી આવતી નથી. જેવું કરશો તેવું પામશો. સારાં કાર્યો કરે તેને સુખ મળે છે અને ખરાબ કાર્ય કરે તેને દુઃખ મળે છે.

સારા-ખરાબની સમજણથી વ્યક્તિનું અજ્ઞાન દૂર થાય છે. જેમજેમ વ્યક્તિમાં સમજણ વધતી જાય છે તેમ તેમ અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે અને જ્ઞાનરૂપી દીપ પ્રગટે છે. ઈશ્વરની ભક્તિથી ડર નાશ પામે છે. જોકે ઘણાં ડરથી ઈશ્વરની ભક્તિ કરતાં હોય છે, પણ ભગવાનને સખાભાવે ભજવાથી વ્યક્તિમાં સદ્‌ગુણો ખીલે છે અને આપમેળે તેનો ભય દૂર થાય છે.

મોહ સૌથી મોટો શત્રુ

કામવસના સમાન કોઈ રોગ નથી. મોહથી મોટો કોઈ શત્રુ નથી. ક્રોધ જેવી કોઈ આગ નથી અને જ્ઞાન જેવું બીજું કોઈ સુખ નથી. ।। ૧ર ।।

કામ સમાન કોઈ વ્યાધિ નથી અને મોહ સમાન કોઈ શત્રુ નથી. કામી વ્યક્તિનું મન સતત વાસનાની જાળમાં જ લપટાયેલું રહે છે. તેનું મન સતત વિજાતીય વ્યક્તિના ખ્યાલોમાં જ ખોવાયેલું રહે છે અને કોઈ પણ બાબતે એકાગ્રતા ધારણ કરી શકતું નથી. જો વ્યક્તિ કામવાસના ઉપર સંયમ ન રાખે તો તેનું જીવન નરક સમાન થઈ જાય છે.

મોહ અજ્ઞાનનું પરિણામ છે. અજ્ઞાની પુરુષને સારા-નરસા કે યોગ્યઅયોગ્યનું ભાન હોતું નથી. તે કાયમ મોહમાયાની જાળમાં સપડાઈને પોતાના જીવનનું ધ્યેય શું તે ભૂલી જાય છે અને છેવટે તે દુઃખી થાય છે.

ક્રોધ માણસનો શત્રુ છે. ક્રોધિત વ્યક્તિને પોતાના મન ઉપર નિયંત્રણ હોતું નથી અને માણસનું પતન નોતરે છે. તેને ક્યારે અને કેવું આચરણ કરવું તેનું ભાન રહેતું નથી.

જ્ઞાની પરમ સુખી છે, કારણ કે તે બધું જાણે છે. તેનામાં વિનયવિવેક જેવા સદ્‌ગુણ હોય છે.

એકલા આવીએ છીએ અને એકલા જઈશું

વ્યક્તિ સંસારમાં એકલો જ જન્મ લે છે, એકલો જ મૃત્યુ પામે છે, તે એકલો જ શુભ-અશુભ કાર્યો કરે છે, એકલો જ નરકમાં જાય છે અને એકલો જ પરમગતિ પ્રાપ્ત કરે છે. ।। ૧૩ ।।

વ્યક્તિ જ્યારે જન્મે છે કે મૃત્યુ પામે છે ત્યારે તે એકલો જ હોય છે. તેવી જ રીતે તેનાં પાપ કે પુણ્ય કર્મ હોય તેને પણ એકલાએ જ ભોગવવા પડે છે. નર્કમાં જાય કે મોક્ષ પામે ત્યાં પણ એકલા જ જવાનું હોય છે. અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મનુષ્યમાં કંઈક કરી છૂટવાની શક્તિ હોય કે ન હોય, પોતે વિચારેલા કામને પોતે જ શરૂ કરવાનું હોય છે.

દરેક માણસે એનો ક્રોસ પોતે જ ઊંચકવાનો છે.

સ્વર્ગ તુચ્છ સમાન

બ્રહ્મજ્ઞાનીઓ માટે સ્વર્ગ, શૂરવીરો માટે જીવન, સંયમી વ્યક્તિ માટે સ્ત્રી અને ઈચ્છારહિત નિર્લોભી મનુષ્યો માટે સંસાર તણખલા સમાન તુચ્છ છે. ।। ૧૪ ।।

બ્રહ્મજ્ઞાની મનુષ્ય માટે સ્વર્ગનું કોઈ મૂલ્ય જ નથી, કારણ કે તેમણે જે મેળવ્યું છે તેની સામે સ્વર્ગનું કોઈ મહત્ત્વ રહેતું જ નથી, જ્યારે વીર મનુષ્ય જીવને જોખમમાં નાખતાં ડરતો નથી. જીવનની આહુતિ આપવામાં પણ તે જરાય વિચારતો નથી. જે વ્યક્તિ પોતાની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું જાણે છે તેને કોઈ સ્ત્રી વશમાં નથી કરી શકતી. આવા પુરુષને સંયમી પુરુષ કહેવાય છે. તેવી જ રીતે નિઃસ્પૃહી અને લોભમુક્ત વ્યક્તિ માટે જગતની માયા તુચ્છ હોય છે.

જુદાં જુદાં મિત્ર

વિદેશમાં વિદ્યા જ મિત્ર હોય છે, ઘરમાં ગુણિયલ પત્ની જ સૌથી સારી મિત્ર છે, રોગી વ્યક્તિની સાચી મિત્ર દવાઓ છે અને મૃત્યુ પામેલા મનુષ્ય માટે ધર્મ-કર્મ જ મિત્ર છે. ।। ૧પ ।।

વિદ્વાન વ્યક્તિ વિશ્વના કોઈ પણ ખૂણે જાય તેને આદર મળે જ છે. ઘરમાં ઉચ્ચ ગુણોવાળી પત્ની હોય તો પતિને ગેરમાર્ગે જતાં અટકાવે છે. સાચા મિત્રો પોતાના મિત્રોને કદી ભટકવા નથી દેતા. રોગિષ્ઠ વ્યક્તિ દવા વિના સાજો કેવી રીતે થઈ શકે ? તે જ્યાં જાય તેની દવાઓ તેની સાથે હોય છે. તેના વિના તો તે મરી પણ શકે છે. તેવી જ રીતે મૃત વ્યક્તિ પોતે કરેલાં ધાર્મિક કાર્યો અને પુણ્ય કર્મનં ભાથું પોતાની સાથે બાંધી લઈ જાય છે. એટલે તેનાં આ જ કર્મ-ધર્મ અંતિમ સમયે તેનાં સાક્ષી બને છે.

આ ચાર વ્યર્થ

આ ચાર બાબતો વ્યર્થ છે - સમુદ્રમાં વરસાદ, તૃપ્ત થયેલા મનુષ્યને ફરીથી ભોજન આપવું, ધનિકોને દાન અને દિવસે દીપ પ્રગટાવવો. ।। ૧૬ ।।

સમુદ્ર પાણીનો અનંત ભંડાર છે. તેમાં વરસાદ થાય તો કંઈ ફરક ન પડે. ભોજન કરીને ધરાયેલાને ફરીથી ભોજનનો રસથાળ પીરસવામાં આવે તો શું તે ફરી જમશે ?

કોઈ પણ કાર્ય સ્થાન, વ્યક્તિ અને સમય જોઈને જ કરવું ઉચિત છે. જેમ દિવસે સૂર્યના પ્રકાશમાં દીપ પ્રગટાવવો વ્યર્થ છે તેમ ધનિક વ્યક્તિના દાન કરવાથી કોઈ ફાયદો થતો નથી. દાન હંમેશાંં જરૂરિયાતમંદને કરવું જોઈએ.

આત્મબળ સર્વશ્રેષ્ઠ

વાદળનું જળ સૌથી શુદ્ધ છે, આત્મબળ સર્વશ્રેષ્ઠ બળ છે, આંખો ઉત્તમ રોશની છે અને અન્ન સૌથી સરસ પદાર્થ છે. ।। ૧૭ ।।

વાદળનું જળ અર્થાત્‌ વરસાદનું પાણી શુદ્ધ હોય છે. તેના જેવી શુદ્ધતા અન્ય કોઈ જળમાં હોતી નથી. બધા પ્રકારના બળમાં આમબળ કે મનોબળ સૌથી શ્રેષ્ઠ છે. વ્યક્તિના કોઈ પણ મનોરથ મજબૂત મનોબળ વિના પૂર્ણ થતાં નથી. જેનું મન મજબૂત હોય તેને ઈશ્વર પણ સાથ આપે છે. તે જ રીતે આંખોની રોશની ઉત્તમ છે. જો આંખ જ નહિ હોય તો પ્રકાશમાન સંસાર પણ અંધકાર સમાન છે. બધાં પ્રાણીઓની સૌથી પ્રિય વસ્તુ ભોજન છે.

કામના

નિર્ધન વ્યક્તિઓ વધારે ધનથી, ચાર પગવાળાં પ્રાણીઓ બોલવાની, મનુષ્યો સ્વર્ગ પ્રાપ્તિની અને દેવતા લોકોને મોક્ષની કામના હોય છે. ।।૧૮।।

મનુષ્યનો સ્વભાવ જ એવો છે કે તેને જે ચીજવસ્તુનો અભાવ હોય છે તેને તેની જ લાલસા હોય છે. તે પોતાની પાસે ન હોય તે ચીજવસ્તુને જ મહત્ત્વ આપે છે. જેમ કે, નિર્ધન વ્યક્તિને ધનિક બનવું હોય છે. નાથિયો નાથાલાલ બનવાની જ કામના કરતો હોય છે. તે ધનિક બનવા જ દોડાદોડ કરે છે. તેનાં બધાં કાર્યોનું લક્ષ્ય વધુ ને વધુ ધન મેળવવાનું જ હોય છે.

તે જ રીતે ચાર પગવાળાં પશુઓને હંમેશા વાણીની ખોટ સાલતી હોય છે. તે તેને જ મેળવવાની લાલસા રાખે છે. મનુષ્યને સ્વર્ગ મેળવવાની અને દેવતાઓને મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે.

અર્થાત્‌ આ સંસારમાં દરેક પ્રાણી કોઈ ને કોઈ પ્રકારના અભાવથી પીડાય છે. તેમને જે વસ્તુ પ્રાપ્ત છે તેમાં સંતોષ અનુભવતા નથી અને પોતાની પાસે ન હોય તેને મેળવવાની કામના કરે છે.

સત્ય

સત્ય સનાતન છે. તે પૃથ્વીને ધારણ કરે છે અને તેના કારણે જ સૂર્ય પ્રકાશમાન છે. સત્યના કારણે જ વાયુ વહે છે. બધું સત્યમાં જ સ્થિર છે. ।। ૧૯ ।।

સત્ય એટલે પરમાત્મા. સંત-મહાત્માઓ અને મહાપુરુષોએ સત્યનો

મહિમા ગાયો છે. તેમણે સત્યનો જ વિજય થાય છે અને અસત્યની છેવટે હાર થાય છે તે પ્રતિપાદિત કર્યું છે.

ચાણક્ય સત્યનો મહિમા ગાતાં કહે છે કે, સત્યને કારણે જ પૃથ્વી ટકી છે. સત્યના કારણે જ સૂર્ય પ્રકાશે છે અને વાયુ વહે છે. સકળ સંસારનો આધાર સત્ય છે.

જીવન નાશવંત, ધર્મ સનાતન

આ સચરાચર જગતમાં લક્ષ્મી, પ્રાણ, જીવન અને યૌવન બધું ચંચળ અને નાશવંત છે. અહીં માત્ર ધર્મ જ અચળ છે. ।। ર૦ ।।

લક્ષ્મી ચંચળ છે. તે એકની પાસેથી બીજા પાસે ચાલી જાય છે. તેનો વિશ્વાસ ન કરાય અને તેના પર અભિમાન ન કરાય. તે જ રીતે પ્રાણ, જીવન અને યૌવન નાશવંત છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આ સંસારમાં માત્ર ધર્મ જ એક સ્થિર છે, સનાતન છે. તેનો ક્યારેય નાશ થતો નથી.

ધર્મ જ મનુષ્યનો સાચો સાથી અને સમાજની મોટામાં મોટી સંપત્તિ છે. તે જ જીવનમાં અને જીવન પછી કામ આવે છે. એટલે તેનો જ સંચય કરવો જોઈએ.

ચાલાક કોણ ?

મનુષ્યોમાં વાળંદ સૌથી વધુ ચાલાક અને હોશિયાર હોય છે. પક્ષીઓમાં કાગડો, ચાર પગવાળાં જાનવરોમાં શિયાળ અને સ્ત્રીઓમાં માલણ બહુ ચાલાક હોય છે. ।। ર૧ ।।

પ્રાચીન સમયમાં વાળંદ એક એવી વ્યક્તિ ગણાતી જેની પાસે ગામ આખાના સમાચાર મળી રહેતા. તેનાં કામના પ્રકારના લીધે તે દરરોજ લોકોના ઘરે જતો અને અંદરની વાત જાણી લાવતો. તેવી જ રીતે ફૂલ્‌ વેચનારી સ્ત્રી પણ ઘરે ઘરે ફૂલ વેચવા જતી હોવાથી કોના ઘરમાં શું ચાલી રહ્યું છે તેનાથી માહિતગાર રહેતી. આ લોકો ક્યારેક બે ઘરોને જોડવાનું કામ કરતાં તો ક્યારેક તોડવાનું.

।। છઠ્ઠો અધ્યાય ।।

પ્રજા વચ્ચે ભ્રમણ કરતો રાજા, બ્રાહ્મણ અને યોગી પૂજાય છે, પરંતુ ઠેરઠેર ફરતી રખડુ સ્ત્રી નષ્ટ થઈ જાય છે.

કાન ખુલ્લા રાખો

વેદ અને શાસ્ત્રોનું શ્રવણ કરવાથી જ ધર્મનું રહસ્ય જાણવા મળે છે. વિદ્વાનોની વાતો સાંભળીએ તો કુવિચારોનો ત્યાગ કરવાની પ્રેરણા મળે છે અને ગુરુ પાસેથી જ્ઞાન મેળવીને મનુષ્ય સંસારની માયાજાળમાંથી મુક્તિ મેળવી શકે છે. ।। ૧ ।।

ભગવદ્‌ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું છે કે, ‘હે પાર્થ ! વેદ પરમાત્માનું સર્જન છે.’ વેદ અને શાસ્ત્રો ભારતીય સંસ્કૃતિનું હાર્દ છે. તેમાં જીવન અને ધર્મનો સાચો મર્મ રહ્યો છે. તેનું શ્રવણ કરવાથી મનુષ્યને પોતાના સ્વધર્મનું રહસ્ય જાણવા મળે છે.

વિદ્વાનો સદ્‌વિચારોની ખાણ છે. તેઓ હંમેશાં મનુષ્યનું ભલું જેમાં રહ્યું હોય તેવું માર્ગદર્શન આપે છે. તે હંમેશાં દરેકને સત્યનો માર્ગ ગ્રહણ કરવાની સલાહ આપે છે. તેઓ દીર્ઘદ્રષ્ટા હોય છે. જે વ્યક્તિ વિદ્વાનોનો સંગ કરી તેમણે કહેલી વાતોનું અનુસરણ કરે. તેનામાં રહેલા દુર્ગુણો આપોઆપ નાશ પામે છે.

ગુરુ તો ગંગા સમાન છે. તુલસીદાસજીએ રામચરિતમાનસમાં ગુરુવંદના કરતાં કહ્યું છે કે,

બંદઉ ગુરુપદ કંજ કૃપાસિંધુ નરરૂપ હરિ ।

મહામોહ તમ પુંજ જાસુબચન રવિકર નિકર ।।

ગુરુ મનુષ્યના સ્વરૂપે સાક્ષાત્‌ હરિરૂપ છે, સાક્ષાત્‌ નારાયણ છે. તેમના પગલાં કમળ સમાન છે અને શબ્દો સૂર્યના કિરણ સમાન છે. તેમના આશિષથી મનુષ્ય સંસારરૂપી સાગરને તરી જાય છે અને મોહ જેવા મહાન દુર્ગુણોમાંથી છુટકારો મેળવે છે.

કાગડો, કૂતરો અને પાપી ચંડાળ સમાન

પક્ષીઓમાં કાગડો, પશુઓમાં કૂતરો, મુનિઓમાં પાપી અને મનુષ્યોમાં બીજાની નિંદા કરનારી વ્યક્તિ ચંડાળ સમાન છે. ।। ર ।।

જે બીજાનું ભોજન હરી લે છે, જે કોઈ પણ જગ્યાએ ગમે તેવું ભોજન કરે છે, જે પાપી છે અને સતત બીજાની નિંદા કરે છે તેને ચંડાળ કહેવાય છે. વૈદિક સંસ્કૃતિમાં વર્ણવ્યવસ્થા જન્મને આધારે નહિ પણ કર્મને આધારે છે. જે પ્રાણીમાં આ પ્રકારના દુર્ગુણ જોવા મળે તેની ગણના ચંડાળ તરીકે થાય છે.

પક્ષીઓમાં કાગડો અધમ વૃત્તિનો હોય છે. તે બીજાનું ભોજન હરી લેતા અચકાતો નથી. તે લુચ્ચો છે. તેની વાણી કર્કશ છે અને કડવાશ જ ઝરે છે. તે જ રીતે પશુઓમાં કૂતરો પણ કોઈ પણ સ્થળે ગમે તેવું ભોજન કરી લે છે. તે કચરાના ઢગમાંથી વિષ્ટા પણ આરોગી જાય છે. જે તેને ભોજન આપે તેનો તે ગુલામ થઈ જાય છે.

ઋષિ-મુનિઓ સાત્ત્વિકતાનું પ્રતીક છે. સત્ય, ક્ષમા, દયા-કરુણા અને પવિત્રતાનું ઝરણું તેના હૃદયમાંથી વહેતું હોય છે, પરંતુ જે મુનિ સદાચારી નથી અને મોહમાયાના બંધનમાં જકડાયેલો છે તે સૌથી મોટો પાપી છે. ધર્મના નામે તે અધર્મ આચરે છે.

નિંદા - મનુષ્યનો સૌથી મોટો રસ છે. તેને બીજા માણસની ટીકા નિંદા કરવામાં સૌથી વધુ મજા આવે છે, પરંતુ પીઠ પાછળ માણસની નિંદા કરનારનો વિશ્વાસ ક્યારેય ન કરવો. ‘મુખ મેં રામ, બગલ મેં છૂરી’ જેવી નીતિ રાખતા આવા માણસો ચંડાળ સમાન હોય છે.

કાંસુ, તાંબા અને સ્ત્રી કેવી રીતે પવિત્ર થાય ?

કાંસાના વાસણને રાખથી અને તાંબાના વાસણને ખટાશ વડે માંજવાથી તે શુદ્ધ થાય છે. સ્ત્રી રજસ્વલા થયા પછી પવિત્ર ગણાય છે અને નદી પોતાનાવેગથી શુદ્ધ થાય છે. ।। ૩ ।।

રાખ સાથે ઘસવાથી કાંસાના વાસણ અને લીંબુ જેવા ખટાશયુક્ત પદાર્થ વડે ઘસવાથી તાંબાનાં વાસણ ચમકી ઊઠે છે. દરેક પદાર્થની બનાવટને આધારે તેની શુદ્ધિકરણની રીત બદલાઈ જાય છે. તે રીતે દરેક વ્યક્તિ સરખી હોતી નથી. દરેક વ્યક્તિની માનસિકતા જુદી હોય છે અને તેમના દુર્ગુણો પણ અલગ અલગ હોય છે. તેનો વ્યક્તિએ જાતે અભ્યાસ કરી દૂર કરવા જોઈએ.

સ્ત્રી રજસ્વલા થાય પછી શુદ્ધ થાય છે. તે પછી જ તે ગર્ભધારણ કરવા યોગ્ય ગણાય છે.

જ્યાં નદી સ્થિર થઈ જાય છે ત્યાં તેનું પાણી ગંદું થઈ જાય છે, પરંતુ ખળખળ વહેતી નદીનું પાણી શુદ્ધ રહે છે. મનુષ્ય પણ જો સ્થિર થઈ જાય તો તેનો વિકાસ અટકી જાય છે. તે સતત માનસિક રીતે વિકસતો રહેવો જોઈએ.

...તો રાજા પૂજાય અને સ્ત્રી નાશ પામે

પ્રજા વચ્ચે ભ્રમણ કરતો રાજા, બ્રાહ્મણ અને યોગી પૂજાય છે, પરંતુ ઠેરઠેર ફરતી સ્ત્રી નષ્ટ થઈ જાય છે. ।। ૪ ।।

જે રાજા પોતાની પ્રજા વચ્ચે ફરે છે તેને પોતાના રાજ્યની સાચી પરિસ્થિતિની જાણ રહે છે. તેને પોતાનું શાસન અને શાસન કરતા અધિકારીઓ કેવા છે તેની જાણ થાય છે. તે પોતાના શાસનનું સાચું મૂલ્યાંકન કરી પ્રજાલક્ષી પગલાં લે છે અને પ્રજાને સુખ, સમૃદ્ધિ આપતા રાજાની જ પ્રજા પૂજા કરે છે.

જે બ્રાહ્મણ અને યોગી દેશ-વિદેશમાં ફરે છે તે અન્ય વિદ્વાનો સાથે ચર્ચા વિચારણા કરી જ્ઞાનની આપ-લે કરી શકે છે. આવો બ્રાહ્મણ અને યોગી દેશ-વિદેશમાં માન-સન્માન મેળવે છે તથા પૂજાય છે.

ભ્રમણ કરતો રાજા, બ્રાહ્મણ અને યોગી વિકાસ પામે છે જ્યારે રખડતી સ્ત્રી વગોવાઈ જાય છે. ઠેરઠેર ફરતી સ્ત્રી એક જગ્યાએ સ્થિર રહી શકતી નથી અને જે પોતાના જ કુટુંબમાં સ્થિર ન હોય તેને સંતોષ પ્રાપ્ત થતો નથી. આ પ્રકારની સ્ત્રીઓ પોતાનું માન-સન્માન અને ચારિત્ર્ય ગુમાવે છે.

જેવી બુદ્ધિ તેવા સાથીદારો

બધું જ કિસ્મત અનુસાર પ્રાપ્ત થતું હોય છે - જેવું નસીબ તેવી બુદ્ધિ, તેવો વ્યવસાય અને તેવા સાથીદારો. ।। પ ।।

મનુષ્યનું જીવન અને કર્મ તેના ભાગ્યને આધીન છે. જેવું નસીબ હોય તેવી જ બુદ્ધિ માણસમાં હોય છે. ભાગ્યશાળી મનુષ્યની સમજણ સારી હોય છે જ્યારે કમનસીબ મનુષ્યો દુર્બુદ્ધિવાળા હોય છે. સારી સમજણ ધરાવતા માણસો સમયે-સમયે લાભદાયક નિર્ણયો લઈ શકે છે જ્યારે કમનસીબ મનુષ્યો જરૂર હોય ત્યારે યોગ્ય નિર્ણયો લેવામાં ઊણા ઊતરે છે.

દરેક વ્યક્તિને પોતાની મતિ અનુસાર જ વ્યવસાય પ્રાપ્ત થાય છે અને પછી જેને જે વ્યવસાય હોય તેમાંથી જ સાથીદારો મળી જાય છે. વેપારીઓને વેપારી સાથીદારો, સૈનિકોને સૈનિકો, શિક્ષકોને શિક્ષકોનો સંગ મળે છે જ્યારે ઠગ માણસોને ઠગ સાથીદારો મળી જાય છે.

સમય બડા બલવાન

કાળ બધાં પ્રાણીઓને પોતાના ઉદરમાં સમાવી લે છે. તે સૃષ્ટિનો વિનાશ કરે છે. જ્યારે બધાં પ્રાણીઓ સૂઈ જાય છે ત્યારે પણ કાળ જાગે છે. તેને પોતાના વશમાં કોઈ કરી શકતું નથી. ।। ૬ ।।

કાળ કે સમય સૌથી વધુ શક્તિશાળી છે. તેનું ચક્ર સતત ફરતું જ રહે છે. તે ક્યારેય કોઈના માટે અટકતો નથી. કોઈ વ્યક્તિ સમયનું ચક્ર અટકાવી શકતી નથી કે સમયને બાંધી શકતી નથી. તેનો પ્રવાહ અવિરતપણે વહેતો રહે છે.

તેની એક એક ક્ષણ પ્રાણીઓનું આયુષ્ય ઓછું કરે છે. તેના પ્રભાવથી જ શરીર અશક્ત થઈ જાય છે અને મનુષ્યો યમરાજને શરણે થઈ જાય છે. સમયનું ચક્ર રોકવું ઈશ્વર માટે પણ શક્ય નથી. ભર્તૃહરિ કહે છે કે, ‘કાળ ક્યારેય નાશ પામતો નથી, પણ મનુષ્ય તેનો ભોગ બની નાશ પામે છે.’ તે પ્રકૃતિનો નિયમ છે. એટલે સમય અનુરૂપ વર્તન કરવું જોઈએ. સમય અને સંજોગોને વર્તીને જે માણસ આચરણ કરે છે તે સુખ અને સમૃદ્ધિ પામે છે. સમયને દરેક વ્યક્તિએ માન આપવું પડે છે.

છતી આંખે અંધ

જન્મથી જ અંધ વ્યક્તિને કશું દેખાતું નથી. તે જ રીતે કામાંધ અને નશામાં ચૂર વ્યક્તિ પણ કંઈ જોઈ શકતી નથી, તો સ્વાર્થી વ્યક્તિને પોતાના સ્વાર્થમાં કોઈ દોષ દેખાતો નથી. ।। ૭ ।।

જન્મથી અંધ વ્યક્તિને કંઈ દેખાતું નથી. તે કુદરતી રીતે જ દૃષ્ટિહીન હોય છે, પરંતુ કામાંધ વ્યક્તિઓ તો છતી આંખે આંધળા હોય છે. તેમની આંખ આગળ મોહ-માયાના પટ્ટા લાગી ગયા હોય છે. તેઓ કામવાસનાની આગમાં પાગલ થઈ જાય છે અને તેમના મનમાંથી સમાજનો ભય નાશ પામે છે. શરમ અને સદાચારણ તેમને શત્રુ સમાન લાગે છે.

તે જ રીતે સ્વાર્થી વ્યક્તિને ફક્ત પોતાનો સ્વાર્થ સાધવામાં જ રસ હોય છે. સ્વાર્થમાં અંધ થયેલી વ્યક્તિને સારા-નરસા કે યોગ્ય-અયોગ્યનું ભાન રહેતું નથી.

કર્તા અને ભોક્તા માણસ પોતે

વ્યક્તિ પોતે જ કર્મ કરે છે અને તેનું ફળ તેણે પોતે જ ભોગવવું પડે છે. તે પોતે જ જુદીજુદી યોનિઓમાં જન્મ લઈને સંસારમાં ભ્રમણ કરે છે અને પોતાના પુરુષાર્થથી સંસારનાં બંધનો તથા જન્મ-મરણના ચક્રમાંથી છૂટીને મોક્ષ મેળવે છે. ।। ૮ ।।

દરેક વ્યક્તિ કોઈ ને કોઈ કર્મમાં લિપ્ત હોય છે. તે પોતે જ કર્મ કરે છે અને તેને તેના કર્મ અનુસાર ફળ મળે છે. સારું કર્મ કરે તેને સારું અને કુકર્મ કરે તેને ખરાબ મળે છે. દરેક વ્યક્તિએ પોતાનાં કર્મોનું ફળ ભોગવવું પડે છે.

વ્યક્તિને તેના કર્મ અનુસાર જુદીજુદી યોનિઓમાં જન્મ મળે છે અને સંસારમાં ભ્રમણ કરે છે. સંસારમાંથી મુક્તિ મેળવવાનો એક જ માર્ગ છે અને તે છે પ્રભુશરણ અને ફળની આશા વિના કર્મયોગ. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, ‘જે મારે શરણે આવે છે તે મને પ્રાપ્ત કરે છે.’ કર્મ કરતા જવું અને ફળની આશા રાખવી નહિ એટલે કર્મયોગ અને બધું ઈશ્વરને આધીન છે તેવી શ્રદ્ધા સાથે કર્મ કરવાં એટલે પ્રભુશરણ.

કોના પાપનું ફળ કોને ભોગવવું પડે ?

જેમ રાષ્ટ્રના પાપનું ફળ રાજાને અને રાજાના પાપનું ફળ પુરોહિતને ભોગવવું પડે છે તેમ પત્નીના પાપનું ફળ પતિને અને શિષ્યના પાપનું ફળ ગુરુને ભોગવવું પડે છે. ।। ૯ ।।

રાષ્ટ્રનો કર્તાહર્તા અને સમાહર્તા રાજા હોય છે. રાજ્યનાં તમામ કાર્યો તેને અધીન હોય છે. તેની ઈચ્છા વિના એક પાંદડું પણ ફરકી શકતું નથી. સારાં-નરસાં તમામ કાર્યો માટે પ્રજા તેને જવાબદાર ગણે છે. એટલે જેમ રાષ્ટ્રના સારા કાર્યનું ફળ રાજાને મળે છે તેમ ખરાબ કાર્યોથી મળતું ફળ પણ તેણે જ ભોગવવું પડે છે. રાજાના પાપનું ફળ રાજપુરોહિતને પણ મળે છે. રાજપુરોહિત રાજાનો મુખ્ય સલાહકાર ગણાય છે. રાજાના નિર્ણયો માટે તેની સલાહ જ જવાબદાર ગણવામાં આવે છે.

પત્ની પાપ કર્મો ન કરે તેની જવાબદારી પતિની હોય છે. જો પતિ પોતાની પત્નીને નિયંત્રણમાં ન રાખી શકે તો પત્નીનાં દુષ્કર્મોનું ફળ પતિને જ ભોગવવું પડે છે. પત્નીનાં પાપ કર્મોને કારણે તેના પતિને જ બદનામી મળે છે અને સમાજમાં ક્યાંય સ્થાન રહેતું નથી. તે જ રીતે શિષ્યને સાચું માર્ગદર્શન આપવાની ફરજ ગુરુની છે. શિષ્યનાં સારાં કાર્યોનો જશ તેના ગુરુને મળે છે તેમ તેનાં કુકર્મો માટે પણ ગુરુએ આપેલી શિક્ષાને જ જવાબદાર ગણવામાં આવે છે.

કોણ કોનો શત્રુ ?

ઋણ મૂકીને મૃત્યુ પામતો પિતા પોતાના પુત્રો માટે, વ્યભિચારી માતા પોતાનાં સંતાનો માટે, સુંદર પત્ની તેના પતિ માટે અને મૂર્ખ પુત્ર પણ તેના પિતા માટે શત્રુ સમાન છે. ।। ૧૦ ।।

દેવું કરીને મૃત્યુ પામતા પિતાનું દેવું તેનાં સંતાનોએ અદા કરવું પડે છે. વ્યભિચારી માતા સમગ્ર પરિવારને કલંકિત કરે છે. તેના પુત્રોને તેની માતાના ગુણોની પ્રશંસા સાંભળવાને બદલે સામાજિક અપમાન સહન કરવાં પડે છે. તેને દરેક જગ્યાએ પોતાની માતાના દુરાચરણ બદલ શરમજનક સ્થિતિમાં રહેવું પડે છે.

તે જ રીતે જે સ્ત્રીને પોતાનાં રૂપ-સૌંદર્યનું અભિમાન હોય તે તેના પતિ માટે દુશ્મન સમાન છે. પોતાના રૂપના અહંકારમાં ચૂર પત્ની તેના પતિને માન-સમ્માન આપતી નથી અને ડગલે ને પગલે તેની અવગણના કરે છે. સ્ત્રીમાં સુંદરતા સાથે સુશીલતા અને વિનય-વિવેક હોવાં જોઈએ. વળી રૂપાળી સ્ત્રી તરફ અનિષ્ટ તત્ત્વોનો ડોળો મંડાયેલો રહેતો હોય છે. એ દૃષ્ટિએ રૂપાળી પત્ની તેના પતિ માટે જોખમી બની રહે છે.

મૂર્ખ પુત્ર કુળ માટે કલંક સમાન હોય છે. તેને ગમે તેટલી સમજણ આપવામાં આવે તેની મૂર્ખતામાં જરા પણ ફેર પડતો નથી. તે પોતાનાં અવિચારી કર્મોથી કાયમ પોતાના પરિવારની આબરૂ ઉપર પાણી ફેરવે છે.

કોને કેવી રીતે વશ થાય ?

લોભીને ધન આપી, અભિમાનીને હાથ જોડી, મૂર્ખને તેની ઈચ્છા અનુસાર કાર્ય કરી અને વિદ્વાનને યોગ્ય, ન્યાયી વાત જણાવી વશમાં કરવા જોઈએ. ।। ૧૧ ।।

કોઈ વ્યક્તિને વશમાં કેવી રીતે કરી શકાય ? તેની પ્રકૃતિ જાણીને. વ્યક્તિની પ્રકૃતિ જાણી તેને સૌથી વધુ શું પસંદ છે તે જાણીને તેને અનુરૂપ વર્તન કરવાથી સામી વ્યક્તિ વશમાં થઈ જાય છે.

લોભીને ધન આપવાથી રાજી થાય છે. તે ધન જોઈને પાણી પાણી થઈ જાય છે. તે જ રીતે અભિમાની વ્યક્તિ સર્વશક્તિશાળી હોવાના ભ્રમમાં હોય છે. તે દુનિયાને ઝુકાવવા માગતો હોય છે. તેની સામે જો વિનમ્રતાપૂર્વક બે હાથ જોડી વિનંતી કરવામાં આવે તો તે ઉત્સાહથી તમે જે કહો તે કરવા તૈયાર થઈ જશે.

તે જ રીતે મૂર્ખ વ્યક્તિને બીજા બધા તેનું કહ્યું કરે તેમાં રસ હોય છે તો વિદ્વાન વ્યક્તિ સત્ય અને ન્યાયપ્રિય હોય છે. તેને જ્ઞાનની વાતોમાં રસ હોય છે. મૂર્ખાની ઈચ્છા અનુસાર કાર્ય કરવામાં આવે અને વિદ્વાનો સાથે યોગ્ય મુદ્દાની ચર્ચા કરવામાં આવે તો તે પ્રફુલ્લિત થઈ જાય છે.

નઠારાં વાનાં ન હોય તે સારાં

ખરાબ રાજ્ય હોવા કરતાં કોઈ પણ પ્રકારનું રાજ્ય ન હોય તે સારું. દુષ્ટ મિત્રોના સંગ હોય તેના કરતાં એક પણ મિત્ર ન હોય તે સારું, દુષ્ટ શિષ્યો કરતાં શિષ્ય ન હોય તે વધુ સારું. તે જ રીતે દુષ્ટ પત્ની હોય તેના કરતાં પત્ની ન હોય તે વધારે ઉત્તમ ।। ૧ર ।।

ચાણક્ય માને છે કે શાસન-વ્યવસ્થા યોગ્ય હોય તેવા રાજ્યમાં જ રહેવું જોઈએ. તેવી રીતે સમજી વિચારીને મિત્રો બનાવવા. ગુરુએ પણ પારખીને જ શિષ્ય બનાવવા જોઈએ. તેવી જ રીતે દુર્ગુણી સ્ત્રીને પત્ની બનાવવા કરતાં લગ્ન કરવાં જ ન જોઈએ.

દુષ્ટ રાજા અને મૂર્ખ શિષ્ય

દુષ્ટ રાજાના શાસનમાં પ્રજા સુખ-શાંતિથી કેવી રીતે રહી શકે ! દગાબાજ મિત્રના સંગથી આનંદ કેવી રીતે મળી શકે ! દુષ્ટ પત્નીથી ઘરમાં સુખ અને શાંતિ કેવી રીતે જળવાય ! મૂર્ખ શિષ્યને વિદ્યાદાન કરવાથી ગુરુને યશ કેવી રીતે મળે ! ।। ૧૩ ।।

દુષ્ટ રાજાને પ્રજાની સુખ, સમૃદ્ધિ અને શાંતિમાં રસ હોતો નથી, તેને તો માત્ર પોતાના એશઆરામ અને વૈભવમાં રસ હોય છે. આ પ્રકારના નિર્દયી રાજાના શાસનમાં સદાચારણને બદલે દુરાચરણ અને વ્યભિચારને મોકળું મેદાન મળે છે. સજ્જનોનું રહેવું હરામ થઈ જાય છે.

દગાબાજ મિત્ર ક્યારેય વફાદારી કરતો નથી. મિત્ર સુખદુઃખીનો સાથી હોય છે. મિત્રો એકબીજાનાં અનેક રહસ્યો જાણતા હોય છે. આ કારણે દગાબાજ મિત્રના સંગથી કોઈક વખત વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

પત્ની સુશીલ હોવી જોઈએ. ઘરની સુખ-શાંતિનો આધાર પત્ની ઉપર જ હોય છે. દુષ્ટ પત્નીનો તો માત્ર પોતાની જ ઈચ્છા-આકાંક્ષા પૂરી કરવામાં જ રસ હોય છે. તેનામાં ત્યાગ કરવાની ભાવના હોતી નથી. આવી પત્નીથી ઘરની સુખ-શાંતિ જળવાતી નથી.

મૂર્ખ શિષ્ય વિદ્યાનું દાન ન કરાય તેમ છતાં જો કોઈ ગુરુ કરે તો તે સમાજમાં હાંસીપાત્ર જ થાય.

કાગડામાંથી પણ ગુણ ગ્રહણ કરો

સિંહ અને બગલામાંથી એક, કૂકડામાંથી ચાર, કાગડામાંથી પાંચ, કૂતરામાંથી છ અને ગધેડામાંથી ત્રણ ગુણ ગ્રહણ કરવા જોઈએ. ।। ૧૪ ।।

મનુષ્યે જ્યાંથી મળે ત્યાંથી સારા ગુણો ગ્રહણ કરવા જોઈએ. જો નીચ વ્યક્તિ પાસે પણ સારા ગુણ હોય તો તેની પાસેથી પણ ગ્રહણ કરવામાં કોઈ ખચકાટ અનુભવવો ન જોઈએ. સિંહ અને બગલામાંથી એક-એક, મરઘામાંથી ચાર, કાગડામાંથી પાંચ, કૂતરામાંથી છ અને ગધેડામાંથી ત્રણ ગુણ શીખવા જેવા છે.

સિંહ જેવી શક્તિ કેળવો

મનુષ્ય જે નાના કે મોટા કોઈ પણ કાર્યનો પ્રારંભ કરે તેમાં તેમણે શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ શક્તિ લગાવી દેવી જોઈએ. આ ગુણ આપણે સિંહમાંથી ગ્રહણ કરવો જોઈએ. ।। ૧પ ।।

સિંહ જે પણ કામ કરે છે તેમાં તે પોતાની તમામ શક્તિ લગાવી દે છે. તે શિકાર કરે છે ત્યારે તેની સંપૂર્ણ એકાગ્રતા તેના શિકારમાં કેન્દ્રિત હોય છે અને તેની તમામ શક્તિ શિકાર ઉપર આક્રમણ કરવામાં લગાવી દે છે. મનુષ્યે પણ સિંહની જેમ પોતાના દરેક કાર્યમાં તમામ શક્તિનો ઉપયોગ કરી સફળતા મેળવવી જોઈએ. પોતાનું કાર્ય પૂર્ણ કરવા વ્યક્તિએ સિંહ જેવી આક્રમકતા દેખાડવી જોઈએ.

બગલાની જેમ ઈન્દ્રયો વશ કરો

બગલાની જેમ ઈન્દ્રિયો વશ કરી દેશ, કાળ અને બળને જાણી વિદ્વાનોએ પોતાનું કાર્ય સફળતાપૂર્વક પાર પાડવું જોઈએ. ।। ૧૬ ।।

બગલો બધું ભૂલી માછલી ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તક મળતાં જ તેનો શિકાર કરે છે. મનુષ્યે પણ પોતાનું કામ કરતી વખતે પોતાની તમામ ઈન્દ્રિયો કેન્દ્રિત કરવી જોઈએ. તેનું સંપૂર્ણ ધ્યાન કામને સફળતા કેવી રીતે મળે તેમાં જ પરોવાયેલું હોવું જોઈએ. ક્યું કામ ક્યાં કરવા યોગ્ય છે ? ક્યા કામ કરવા માટે ક્યો સમય અને કેવા સંજોગો અનુકૂળ છે ? તેવા પ્રશ્નોનો વિચાર કરી તેમાં જ ડૂબેલા રહેવું જોઈએ.

કૂકડાની જેમ સમયસર જાગો

સમયસર જાગવું, યુદ્ધ માટે સદાય તત્પર રહેવું, પોતાના બંધુઓને ભગાડી મૂકવા અને તેમનો હિસ્સો પોતે જ ખાઈ જવો - આ ચાર ગુણ કૂકડામાંથી મનુષ્યે ગ્રહણ કરવા જોઈએ. ।। ૧૭ ।।

કૂકડા પાસેથી મનુષ્યે ચાર ગુણ શીખવા જેવા છે. કૂકડા સમયસર જાગી જાય છે. તે ક્યારેય તેમાં આળસ કરતાં નથી. મનુષ્યે પણ નિત્ય સમયસર જાગી જવું જોઈએ. કૂકડાની જેમ સતત લડવા તૈયાર રહેવું જોઈએ. જીવન એક જંગ છે અને તેમાં લડવૈયાની જેમ લડતા રહેવાથી જ ટકી શકાય છે તથા સફળતા મળે છે.

ઉપરાંત કૂકડો પોતાના જ ભાઈઓને ભગાડી મૂકે છે અને તેમનું ભોજન પોતે ખાઈ જાય છે. મોટેભાગે આ બાબત વ્યવસાયમાં લાગુ પડે છે.

જો બે ભાઈઓ એક જ વ્યવસાયમાં હોય તો તંદુરસ્ત સ્પર્ધા કરતાં ખચકાટ ન અનુભવવો.

કાગડાની જેમ સાવધાન કહો

છુપાઈને મૈથુન કરવું, સમયેસમયે અમુક વસ્તુઓ સંઘરવી, સતત સાવધાન રહેવું, કોઈ ઉપર સંપૂર્ણ વિશ્વાસ ન કરવો અને મોટેમોટે અવાજ કરી બધાને ભેગા કરવા - આ પાંચ ગુણો કાગડામાંથી શીખવા જોઈએ. ।।૧૮।।

વ્યક્તિએ જરૂર પડે તો અમુક કાર્ય કાગડા જેવા પણ કરવા જોઈએ. મૈથુન જાહેરમાં ન કરાય. તે વ્યક્તિગત બાબત છે. કાગડાની જેમ મૈથુન એકાંતમાં જ કરવું. તે સમયેસમયે અમુક ચીજવસ્તુઓ પોતાના માળામાં સંઘરતો રહે છે. તેની જેમ માણસે પણ ચીજવસ્તુઓની ભવિષ્યમાં ઉપયોગિતાને ધ્યાનમાં રાખી સંગ્રહ કરવો જોઈએ.

કોઈ પણ વ્યક્તિ ઉપર કાગડાની જેમ પૂરેપૂરો વિશ્વાસ ન મૂકવો. મનુષ્યે કાગડાની જેમ સદાય સતર્ક રહેવું જોઈએ. ચેતતો નર સદા સુખી. એટલું જ નહિ જરૂર પડે ત્યારે મનુષ્યે કાગડાની જેમ જોરજોરથી અવાજ કરવાનું પણ શીખવું જોઈએ. કાગડા કા કા કરીને બીજા અનેક કાગડાની સેના ભેગી કરી નાંખે છે. તેની જેમ મુશ્કેલીના સમયે માણસે પોતાના મિત્રોને બોલાવવા બૂમબરાડા પાડવો જોઈએ.

કૂતરાની જેમ વફાદાર બનો

જ્યારે ભોજન મળે ત્યારે પેટ ભરીને જમી લેવું અને ભોજન ન મળે ત્યારે થોડા ભોજનથી સંતુષ્ટ રહેવું, સારી ઊંઘ લેવી પરંતુ થોડો સળવળાટ થતાં જ જાગી જવું, સ્વામી પ્રત્યે સંપૂર્ણ વફાદારી દેખાડવી અને લડવામાં જરા પણ ગભરાવું નહિ - આ છ ગુણ વ્યક્તિઓએ કૂતરા પાસેથી શીખવા જોઈએ. ।। ૧૯ ।।

કૂતરા પાસેથી છ ગુણ માણસે શીખવા જેવા છે. જ્યારે તેને ભોજન મળે છે ત્યારે તે જમી લે છે અને ઓછું ભોજન મળે ત્યારે તેનાથી પણ સંતુષ્ટ રહે છે. માણસે પણ ભોજન મળે ત્યારે જમી લેવું, પણ સમય અને સંજોગો જોઈ જમવું. જ્યારે ઓછું ભોજન મળે ત્યારે થોડા ભોજનથી પણ સંતોષ રાખી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવી. કૂતરો સ્વામીભક્તિ માટે જાણીતો છે. વળી એ ગમે તેવા પડકાર ઝીલવા તત્પર રહે છે. એ નડીર છે. એના આ ગુણો પણ જીવનમાં ઉતારવા જેવા છે.

ગર્દભ પાસેથી પરિશ્રમ અને સંતોષના પાઠ શીખો

અત્યંત થાકેલા હોવા છતાં પોતાના માલિક માટે સતત કામ કરતાં રહેવું, ટાઢ-તડકો, ઠંડી-ગરમીની કંઈ ચિંતા ન કરવી અને સદાય સંતોષી જીવન જીવવું - આ ત્રણ ગુણો માણસે ગર્દભ પાસેથી શીખવા જોઈએ. ।।ર૦।।

ગર્દભ ક્યારેય પોતાના માલિકના હુકમની અવગણના નથી કરતો. ખૂબ થોકલો હોવા છતાંય ભારેમાં ભારે બોજ સહન કરે છે અને ઠંડી-ગરમી વિશે વિચાર્યા વિના અલમસ્ત જીવન જીવે છે.

ગુણોનું આચરણ કરનારાનો વિજય

જે વ્યક્તિ આ વીસ ગુણો શીખી લે છે અર્થાત્‌ તેનું આચરણ કરે છે, તેને પોતાના જીવનમાં ધારણ કરે છે તે તમામ કાર્યો અને તમામ સ્થિતિઓમાં વિજયી થાય છે. તેને કોઈ પણ પરિસ્થિતિમાં પરાજયનો સામનો કરવો પડતો નથી. ।। ર૧ ।।

।। સાતમો અધ્યાય ।।

જે વ્યક્તિ લેણદેણમાં, વિદ્યા કે હુન્નર શીખવામાં, ભોજન સમયે અને વ્યવહારમાં શરમ-સંકોચ છોડી સ્પષ્ટ વાત કરે છે તે સુખી થાય છે.

આ પાંચ વાતો જાહેર ન કરો

બુદ્ધિશાળી મનુષ્યે પાંચ વાતો પોતાના મનમાં જ રાખવી જોઈએ -ધનનો નાશ, મનમાં થયેલું દુઃખ, પત્નીની ચાલચલગત, પોતે છેતરાયાની બાબત અને પોતાનું અપમાન. ।। ૧ ।।

ધન-હાનિ, પત્નીનું ચારિત્ર્ય, છેતરપિંડી અને પોતાના અપમાન જેવી વાતો બીજી વ્યક્તિને કરવાથી મનુષ્ય પોતે જ હાંસીપાત્ર થાય છે. એટલે આ પાંચ બાબતો ઉપર ચૂપ રહેવામાં જ મનુષ્યની ભલાઈ છે.

ધનનો નાશ થવાથી મનુષ્યની પીડા થાય તે સ્વાભાવિક છે. જો પત્નીની ચાલચલગત સારી ન હોય તો વ્યક્તિને માનસિક વ્યથા સહન કરવી પડે છે. જો કોઈ દુષ્ટ ઠગી લે અથવા કોઈ વ્યક્તિ અપમાન કરે તો પણ વ્યક્તિને દુઃખ થાય તે સ્વાભાવિક છે. પરંતુ મનુષ્યે તે બધે કહેવું નહિ, કારણ કે તેમાં તે વારંવાર અપમાનિત તો થાય જ છે. સાથેસાથે લોકો તેની હાંસી પણ ઉડાવે છે. એટલે આ પ્રકારના વિષ સમજી ચૂપચાપ પી જવું જોઈએ.

વ્યવહારમાં શરમ-સંકોચ ન રાખો

જે વ્યક્તિ લેણદેણમાં, વિદ્યા કે હુન્નર શીખવામાં, ભોજન સમયે અને વ્યવહારમાં શરમ-સંકોચ છોડી સ્પષ્ટ વાત કરે છે તે જ સુખી થાય છે. ।।ર।।

કોઈને ઉધાર આપતી વખતે, કોઈની પાસેથી ઉધાર લેતી વખતે, કોઈની પાસેથી પોતાની બાકી નીકળતી રકમ પરત લેતી વખતે કે અનાજની લેણદેણમાં કોઈ પણ પ્રકારની શરમ રાખવી ન જોઈએ.

મનુષ્ઠ માટે યોગ્ય એ જ છે કે, તે લેણદેણમાં ચોખ્ખો હિસાબ રાખે. વિદ્યા કે હુન્નર શીખતી વખતે શરમ ન રાખવી જોઈએ. શીખવાની પ્રક્રિયા દરમિયાન જ્યાં પણ સમજણ ન પડે ત્યાં સંકોચ રાખ્યા વિના પૂછી લેવું જોઈએ. જમતી વખતે પણ શરમસંકોચ રાખ્યા વગર પોતાને શું અનુકૂળ આવશે એ સ્પષ્ટ જણાવવું જરૂરી છે. નહીંતર ક્યારેક ભૂખ્યા રહેવાની પણ નોબત આવી પડે ! સંબંધીઓ સાથે વ્યવહારમાં મધુર, સત્ય અને સ્પષ્ટતા હોવી જોઈએ. વ્યક્તિએ શરમ-સંકોચ છોડી સદાય સત્ય વાત કહેવી જોઈએ અને વ્યવહારિક માર્ગ અપનાવવો જોઈએ.

સંતોષ સૌથી મોટું સુખ

સંતોષરૂપી અમૃતથી તૃપ્ત વ્યક્તિને જે સુખ-શાંતિ મળે છે તેવી સુખ અને શાંતિ ધનની પ્રાપ્તિ માટે ઠેરઠેર દોડતાં મનુષ્યને મળતી નથી. ।। ૩ ।।

સંતોષ સૌથી મોટું સુખ છે. જે વ્યક્તિને સંતોષ છે તે પરમ સુખી છે. તેને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. મનુષ્યની તૃષ્ણાનો કોઈ અંત નથી. વ્યક્તિની કામનાઓ અને ઈચ્છાઓ નિરંતર વધતી જાય છે. તે સતત સુખ અને શાંતિ માટે દોડાદોડ કરે છે, પરંતુ તેને જ્યારે જાણ થાય કે સાચું સુખ તો તેની અંદર જ છે ત્યારે તેને સાચી શાંતિ પ્રાપ્ત થાય છે.

ધનની પ્રાપ્તિ માટે બધી દિશાઓમાં દોડતા ફરતા માણસનું જીવન ક્યાંય સ્થિરતા પ્રાપ્ત કરી શકતું નથી અને જે અસ્થિર છે તેને શાંતિ ક્યાંથી મળે ? વ્યક્તિને જેટલું મળે તેને તેનાથી વધારે મેળવવાની તૃષ્ણા જાગે છે અને પછી તૃષ્ણાનું વિષચક્ર સર્જાય છે. જે આ વિષચક્રને સમજી જેટલું મળે તેમાં રાજી રહે તેને સુખ મળી જાય છે. ‘જબ આવે સંતોષધન સબ ધન ધૂલિ સમાન.’

પત્ની, ભોજન અને સંપત્તિમાં સંતોષ રાખો

મનુષ્યે ત્રણ બાબતમાં સંતોષ રાખવો જોઈએ - પોતાની પત્નીથી મળતા સુખમાં, પ્રાપ્ત થતા ભોજન અને પાસે રહેલા ધનથી. ત્રણ બાબતોથી તેણે ક્યારેય તૃપ્ત ન થવું - શાસ્ત્રોના અભ્યાસથી, પ્રભુનામનું સ્મરણ કરવાથી અને દાન કરવાથી. ।। ૪ ।।

કઈ બાબતમાં મનુષ્યે સંતોષ રાખવો જોઈએ ? એક, પોતાની પત્ની પાસેથી મળતા સુખથી. પત્ની સુંદર હોય કે સામાન્ય, તે સાક્ષર હોય કે નિરક્ષર તેનાથી ક્યારેય અસંતોષ ન અનુભવવો. પોતાની પત્નીનો અનાદર કરી બીજી સ્ત્રીઓ તરફ નજર દોડાવાથી મનુષ્યનું સામાજિક, આર્થિક અને નૈતિક ત્રણેય સ્તરે પતન થાય છે.

મનુષ્યને જ્યારે જેવું ભોજન મળે તેમાં સંતોષ રાખવો જોઈએ. અન્ન દેવ સમાન છે. તેનું ક્યારેય અપમાન ન કરાય કે ન તેને ક્યારેય તરછોડાય. તે જ રીતે પોતાની પાસે જેટલું ધન હોય તેમાં માણસે સંતોષ માનવો જોઈએ. કુબેરના ધનના ભંડાર જોઈ ધનના ઢગલા ખડકવા બધી દિશાઓમાં દોડાદોડ ન કરાય. તેનાથી મનુષ્યની માનસિક શાંતિ નાશ પામે છે.

તેનાથી વિપરીત મનુષ્યે શાસ્ત્રોના અભ્યાસ કરવાથી, પ્રભુ ભજન કરવાથી અને દાન-ધર્મ જેવાં કાર્યો કરવાથી ક્યારેય સંતોષ રાખવો ન જોઈએ, કારણ કે તે કર્ધો જેટલાં વધુ થાય છે તેટલું પુણ્ય વધુ પ્રાપ્ત થાય છે.

બાજુએ ખધસી જવામાં જ શ્રેય

બે બ્રાહ્મણ, બ્રાહ્મણ અને અગ્નિ, પતિ અને પત્ની, સ્વામી અને સેવક તથા બળદ અને હળ વચ્ચેથી ક્યારેય પસાર ન થવું. ।। પ ।।

જ્યારે બે વ્યક્તિ ઊભા ઊભા કે બેસીને વાતો કરતી હોય ત્યારે તેમની વચ્ચેથી પસાર ન થવું જોઈએ, કારણ કે તેનાથી વ્યક્તિ કોઈક વખત મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

બે બ્રાહ્મણ શાસ્ત્રોની ચર્ચા કરતાં હોય કે બે વ્યક્તિ પોતાની અંગત વાત કરતી હોય ત્યારે તેમની વચ્ચેથી પસાર થઈએ તો તેમની ચર્ચામાં અવરોધ ઊભો થાય છે. બ્રાહ્મણ જ્યારે યજ્ઞ કે તપમાં વ્યસ્ત હોય ત્યારે તેમના ધર્મકાર્યમાં બિનજરૂરી વિક્ષેપ ઊભો ન કરવો. ધર્મકાર્યોમાં અવરોધ ઊભો કરવાથી પાપ લાગે છે. તે જ રીતે પતિ-પત્ની અને સેવક-સવામી વચ્ચેથી પસાર ન થવામાં જ ભલાઈ છે.

બળદ અને હળ વચ્ચેથી પસાર થવાનો પ્રયત્ન કરવામાં ઈજા થવાની શક્યતા વધુ છે. વ્યક્તિએ આજુબાજુનું વાતાવરણ જોઈ પસાર થવું જોઈએ.

સાતનો પગથી સ્પર્શ ન કરવો

અગ્નિ, ગુરુ, બ્રાહ્મણ, ગાય, કુંવારી કન્યા, વૃદ્ધ માણસ અને નાનાં બાળકો - આ સાત સન્માનને પાત્ર છે. તેમને પગ સ્પર્શી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ।। ૬ ।।

કોઈ પણ ચીજવસ્તુઓ પગથી સ્પર્શ કરવાથી તેનો અનાદર થાય છે. અગ્નિ, ગુરુ, બ્રાહ્મણ, ગાય અને વૃદ્ધ માણસ આદરને પાત્ર છે. અગ્નિ, ગુરુ, બ્રાહ્મણ અને ગાયને વૈદિક સંસ્કૃતિમાં દેવનો દરજ્જો અપાયો છે. તેમનો પગથી સ્પર્શ કરવાથી તેમનું અપમાન થાય છે.

તે જ રીતે કુંવારી કન્યા અને નાનાં બાળકોની પણ ઉપેક્ષા ન કરવી જોઈએ. કુંવારી કન્યા માતા સમાન છે અને નાનાં બાળકોમાં ઈશ્વરનો વાસ હોય છે. તેમનું અપમાન કરવું મૂર્ખતા છે.

જે વ્યક્તિઓ પૂજનીય, આદરણીય અને પ્રિય હોય તેનો પગથી સ્પર્શ ન કરવો. તેનાથી વ્યક્તિની પોતાની મૂર્ખતા પ્રદર્શિત થાય છે.

દુષ્ટ માણસથી દૂર રહો

ગાડાથી પાંચ હાથ, ઘોડાથી દસ હાથ અને હાથીથી સો હાથ દૂર રહેવામાં જ ભલાઈ છે. દુષ્ટ માણસથી બચવા સ્થાનનો ત્યાગ કરવામાં પણ કંઈ ખોટું નથી. ।। ૭ ।।

ગાડા સાથે જોડાયેલા બળદથી બચવા પાંચ હાથ, ઘોડાના ગાંડપણથી બચવા દસ હાથ, મદમસ્ત થયેલા હાથીથી બચવા સો હાથ દૂર રહેવામાં જ માણસની ભલાઈ છે.

બળદ, ઘોડા, હાથી જેવાં પશુઓ ક્યારે માનસિક સંતુલન ગુમાવે તેની મનુષ્યને જાણ રહેતી નથી. તેને તો સીધું પરિણામ જ ભોગવવું પડે છે. આ માટે પહેલેથી જ સાવધાની રાખવી જોઈએ અને અમુક અંતરે જ રહેવું જોઈએ. તે જ રીતે દુષ્ટ વ્યક્તિથી બચવા પોતાના સ્થાનનો જરૂર પડ્યે ગામનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. તેની સાથે વાદ-વિવાદમાં ઊતરવાથી સમય અને શક્તિ બંનેનો વ્યય થાય છે.

દુષ્ટનો સંહાર કરો

હાથીને અંકુશથી, ઘોડાને ચાબુકથી અને પશુને ડંડાથી વશમાં કરી શકાય છે, પરંતુ દુષ્ટ વ્યક્તિથી છુટકારો મેળવવા તેનો સંહાર જ કરવો પડે છે. ।। ૮ ।।

હાથી મદમસ્ત બને અને નિયંત્રણ બહાર જાય ત્યારે તેના ઉપર દયા દાખવ્યા વિના મારી-મારીને વશમાં કરવો જોઈએ. ઘોડો જ્યારે કહવું ન માને ત્યારે તેને ચાબુકનો સ્વાદ ચખાડવો જોઈએ જેથી તે તરત જ સીધો દોર થઈ જાય છે. તે જ રીતે બેકાબૂ થયેલા પશુને ડંડાના મેથીપાકથી વશમાં કરી શકાય છે.

પશુને ડંડા કે લાકડીથી વશ કરી શકાય છે, પણ દુષ્ટ વ્યક્તિમાંથી છુટકારો મેેળવવા તેનો સંહાર જ કરવો પડે છે. તેને વશમં કરતી વખતે હાથમાં ખડગ કે કોઈ અન્ય હથિયાર હોવું જોઈએ. તે અસ્ત્ર-શસ્ત્રથી જ વશમાં આવે છે. દુષ્ટની સાથે દુષ્ટતા દાખવવામાં જ ભલાઈ છે, નહિ તો તે તમારું જીવવું હરામ કરી નાંખે છે. ચાણક્ય શઠં પ્રતિ શાઠ્યમ્‌ની શીખ આપે છે. દુષ્ટને હાથ જોડવાથી કશો અર્થ નહીં સરે. એને સીધો કરવા તલવાર જ કામ લાગે.

દુષ્ટની પ્રસન્નતા

બ્રાહ્મણ ભોજનથી, મોર વાદળોની ગર્જનાથી અને સજ્જન મનુષ્ય બીજાને સુખી-સંપન્ન જોઈ પ્રસન્ન થાય છે, પરંતુ દુષ્ટ મનુષ્ય બીજાને મુશ્કેલીમાં જોઈને પ્રસન્નતા અનુભવે છે. ।। ૯ ।।

બ્રાહ્મણ ભોજન કરવાથી, ખાસ કરીને લાડુ જમવાથી પ્રસન્ન થાય છે. મોર વાદળોની ગર્જના સાંભળીને નાચવા લાગે છે. તેને વાદળોની ગર્જના મીઠી લાગે છે. દરેક પ્રાણી અલગ-અલગ રીતે પ્રસન્ન થાય છે.

સજ્જનો બીજી વ્યક્તિનું સુખ જોઈ, તેની સંપન્નતા જોઈ આનંદ અનુભવે છે. તેના મનમાં કોઈના પ્રત્યે દ્વેષ હોતો નથી. તે કોઈની પ્રગતિથી બળતો નથી, પરંતુ દુર્જન કોઈનું સારું જોઈ શકતો નથી. તેની પ્રકૃતિ જ વિનાશક હોય છે. તેને માત્ર પોતાની સુખ-સંપન્નતામાં જ રસ હોય છે. એટલું જ નહિ તે બીજાની પ્રગતિ ન થાય તેમાં રાજી થાય છે. બીજાનું દુઃખ તેનું સુખ હોય છે.

શત્રુને કેવી રીતે વશ કરવો ?

બળવાન શત્રુને અનુકૂળ વ્યવહાર કરી, દુષ્ટ શત્રુને પ્રતિકૂળ વ્યવહાર કરી અને સમાન બળવાળા શત્રુને વિનય કે શક્તિથી વશ કરવો જોઈએ. ।।૧૦।।

જો શત્રુ પોતાના કરતાં વધારે શક્તિશાળી હોય તો તેને અનુરૂપ વર્તન કરવામાં જ ભલાઈ છે, નહિ તો ખરાબ ફળ ભોગવવા તૈયાર રહેવું જોઈએ. શક્તિશાળી શત્રુને અનુરૂપ વર્તન કરવાથી તે વશ થઈ જાય છે.

દુષ્ટ શત્રુ હોય તો તેનો તો મુકાબલો જ કરવો જોઈએ અને હાર-જીતનો વિચાર કર્યા વિના લડી લેવું જોઈએ, કારણ કે તેને ગમે તેટલો રીઝવવામાં આવે તે માનવાનો નથી. દુષ્ટતાનું શમન પ્રતિકારથી જ કરી શકાય છે. તે જ રીતે શત્રુ જો સરખી તાકાત ધરાવતો હોય તો તેને વિનયવિવેકથી વશમાં કરવો જોઈએ, કારણ કે સમાન શક્તિશાળી વ્યક્તિઓ વચ્ચેની લડાઈથી કોઈને ફાયદો થતો નથી. જો તે ન માને તો ફેંસલો યુદ્ધના મેદાનમાં કરવો.

રાજા, બ્રાહ્મણ અને સ્ત્રીનું બળ

રાજાનું બળ તેના સૈન્યમાં અને બ્રાહ્મણનું બળ તેના જ્ઞાનમાં હોય છે. જ્યારે સ્ત્રીઓનું બળ તેના રૂપ અને યૌવનની સાથેસાથે મધુર વ્યવહારમાં છે. ।। ૧૧ ।।

રાજા કેટલો શક્તિશાળી છે તે તેના સૈન્યને આધારે નક્કી થાય છે. જે રાજાનું સૈન્ય જેટલું વધારે અને જેની પાસે અત્યાધુનિક અસ્ત્ર-શસ્ત્ર જેટલાં વધારે તેટલું જ તેનું સામર્થ્ય વધારે મનાય છે.

બ્રાહ્મણનું સામર્થ્ય તેના જ્ઞાનમાં છે. જ્ઞાની બ્રાહ્મણ જ પૂજાય છે. જે બ્રાહ્મણ પાસે વધુ જ્ઞાન હોય છે તેટલું જ તેને માન-સન્માન વધુ મળે છે. બ્રહ્મને જાણતો બ્રાહ્મણ જ બળવાન છે. બ્રહ્મ જ બ્રાહ્મણનું શસ્ત્ર છે. સ્ત્રીઓનું બળ તેની સુંદરતા સાથે તેની વાણીની મધુરતા અને વ્યવહારમાં છે. સ્ત્રીની સોના જેવી સુંદરતા સાથે સુગંધ સમાન સુશીલતા ભળે તો તેના પરિવારની શોભામાં ચાર ચાંદ લાગી જાય છે.

બહુ સરળ ન બનો

વનમાં સીધાં વૃક્ષો કપાય જાય છે જ્યારે વાંકાંચૂકાં વૃક્ષોને કોઈ સ્પર્શ કરતું નથી. તે જ રીતે મનુષ્ય અત્યંત સીધા અને સરળ સ્વભાવ ન ધરાવવો જોઈએ. ।। ૧ર ।।

વનમાં સીધાં વૃક્ષોનું વહેલું નિકંદન નીકળી જાય છે જ્યારે વાંકાંચૂકાં વૃક્ષોનો શક્ય હોય ત્યાં સુધી કોઈ સ્પર્શ કરતું નથી. સીધાં વૃક્ષો કાપવામાં સરળ છે જ્યારે વાંકાંચૂકાં કાપતાં મહેનત પડે છે.

વ્યક્તિએ પણ તેનો સ્વભાવ સદાય સીધો વૃક્ષ જેવો જ રાખવો જોઈએ. સીધા અને સરળ મનુષ્યનો બધા ફાયદો ઉઠાવતા ફરે છે. એટલું જ નહિ તેને અન્યાયનો ભોગ બનવું પડે છે. સમય આવે ત્યારે પોતાના હક અને ન્યાય મેળવવા વ્યક્તિએ અવાજ બુલંદ કરતા શીખવું જોઈએ.

હંસ જેવા સ્વાર્થી ન બનો

જ્યાં જળ હોય છે ત્યાં જ હંસ રહે છે. જ્યારે જળ સુકાઈ જાય છે ત્યારે હંસ તે સ્થાનનો ત્યાગ કરી બીજે ચાલ્યા જાય છે, પરંતુ મનુષ્યે હંસ જેમ સ્વાર્થી ન બનવું જોઈએ કારણ કે તેણે જેનો ત્યાગ કર્યો હોય તેનો ફરી આશ્રય લેવાનો સમય આવી શકે છે. ।। ૧૩ ।।

જે તળાવમાં પાણી વધારે હોય છે ત્યાં હંસ પોતાનો નિવાસ કરે છે, પરંતુ તળાવ સુકાઈ જાય ત્યારે હંસ ત્યાંથી ઊડીને બીજે ચાલ્યા જાય છે. તેમને જ્યાં વધારે પાણી દેખાય છે ત્યાં રહેવા લાગે છે.

મનુષ્યે હંસ જેવું સ્વાર્થી ન બનવું. તેણે જેનો ત્યાગ કર્યો હોય તેની સાથે કાયમ માટે સંબંધ કાપી ન નાંખવો. જીવન સુખદુઃખનો સરવાળો છે. ક્યારે કોની જરૂર પડે તે નક્કી નથી ? એવું બને કે, તમે જેનો ત્યાગ કર્યો હોય તેની ફરી જરૂર પડે. તેનો ફરી આશ્રય લેવાનો પણ સમય આવે. મનુષ્યે એક વખત જેનો આશ્રય લીધો હોય તેનો શક્ય હોય ત્યાં સુધી ત્યાગ ન કરવો અને ત્યાગ કરે તો પણ તેની સાથે મિત્રતા જાળવી રાખવી જોઈએ.

લક્ષ્મીનો સદુપયોગ કરો / કમાયેલું વાપરતા રહો

જેમ ભરેલા તળાવમાંથી જળનો ઉપયોગ કરતાં રહીએ તો તેનું પાણી શુદ્ધ રહે છે, તેમ કમાયેલા ધનનો સુમાર્ગે ત્યાગ કરતા રહેવાથી જ તેનું રક્ષણ થાય છે. ।। ૧૪ ।।

તળાવના પાણીનો ઉપયોગ થાય તો જ તે શુદ્ધ રહે છે. જો કોઈ તેનો ઉપયોગ ન કરે તો તેમાં ગંદકી થઈ જાય છે. પાણીનો વપરાશ તળાવ માટે ફાયદાકારક છે. જૂના પાણીનો ઉપયોગ થશે તો જ વરસાદના પાણીનો તેમાં સંગ્રહ થઈ શકશે અને લોકોને તાજું પાણી મળશે.

તે જ રીતે લક્ષ્મીનો સદુપયોગ કરતાં રહેવાથી તે વધે છે. ધનને સારાં કાર્યોમાં વાપરવું જોઈએ. જો તેનો દુષ્કર્મોમાં ઉપયોગ થાય તો તે ઝડપથી નાશ પામે છે. લક્ષ્મીનો દાન-ધર્મ, યજ્ઞ-પૂજા, વિદ્યા પાછળ ઉપયોગ કરવામાં આવે તો સતત વધે છે. સત્કર્મોથી જ લક્ષ્મીનું રક્ષણ થાય છે જ્યારે દુષ્કર્મો શત્રુ સમાન છે.

ધનનું મહત્ત્વ : ‘નાણે નાથાલાલ !’

સંસારમાં જેની પાસે ધન હોય છે તેના જ બધા મિત્રો અને સગાંવહાલાં હોય છે. ધનવાન વ્યક્તિ શ્રેષ્ઠ ગણાય છે અને તે જ આદરપૂર્વક જીવન પસાર કરે છે. ।। ૧પ ।।

જ્યાં સુધી વ્યક્તિ પાસે ધનસંપત્તિ હોય છે ત્યાં સુધી બધાં તેના મિત્રો, ભાઈબંધુ અને કુટુંબીજનો બનવા તૈયાર થાય છે. કહેવાય છે ને, ઊગતા સૂર્યને સહુ કોઈ પૂજે. તેવી જ રીતે ધનવાન વ્યક્તિને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ બધી તાકાત ધનવાન વ્યક્તિના ધનની જ હોય છે. જ્યારે સંપત્તિ ચાલી જતાં બનાવટી સંબંધો પણ ખતમ થઈ જાય છે.

દૈવી પુરુષનાં લક્ષણો

સ્વર્ગમાંથી આ સંસારમાં આવતા જીવના મુખ્ય ચાર ગુણ છે - દાન કરવાની વૃત્તિ, મધુર વાણી, ઈશ્વરની પૂજા-અર્ચના અને આદર-સત્કાર તથા વિદ્વાન બ્રાહ્મણોનું તર્પણ. ।। ૧૬ ।।

દાન કરવાની વૃત્તિવાળો, સૌની સાથે પ્રિય વચનો બોલનાર, ઈશ્વરની પૂજા-અર્ચના કરનાર અને વડીલોનો આદર-સત્કાર કરનાર તથા વિદ્વાન બ્રાહ્મણનું તર્પણ કરે તે મહાન પુરુષ છે.

સ્વર્ગમાંથી આવતા મનુષ્યો દૈવી પ્રકૃતિ ધરાવે છે. તેમનામાં દિવ્ય લક્ષણો હોય છે અને તે જ આ સંસારમાં સુખ-શાંતિ ભોગવે છે. આ પ્રકારની વ્યક્તિમાં દાન કરવાની અને બીજી વ્યક્તિઓનું ભલું કરવાની વૃત્તિ હોય છે. તેમની વાણીમાં સત્યની સાથે મધુરતા હોય છે. તેઓ પ્રભુભક્તિમાં મગ્ન હોય છે. તે બ્રાહ્મણોનું સમ્માન કરે છે.

દુષ્ટ જીવનાં લક્ષણો

નરકમાંથી સંસારમાં આવતા જીવનાં મુખ્ય લક્ષણ છે - ક્રોધી સ્વભાવ, કડવી વાણી, નિર્ધનતા અને પોતાના જ સ્વજનો સાથે દ્વેષભાવ, કુસંગ તથા અધમ મનુષ્યોની સેવા. ।। ૧૭ ।।

અત્યંત ક્રોધ, કટુ વાણી, દરિદ્રતા, પોતાના જ સ્વજનો સાથે વૈરવૃત્તિ, નીચ લોકોનો સાથ, કુળહીનોની સેવા - નરકમાં વસતા આત્માનાં લક્ષણો છ.

પૃથ્વી ઉપર જ સ્વર્ગ અને નરક છે. મનુષ્ય પોતે જ પોતાની આસપાસ સ્વર્ગ કે નરકનું નિર્માણ કરે છે. જે વ્યક્તિનો સ્વભાવ ગુસ્સાવાળો હોય, જેની વાણીમાં કડવાશ જ હોય, જે દરિદ્ર હોય અને પોતાના જ સ્વજનોનો દ્વેષ રાખતો હોય તેને સુખ-શાંતિ ક્યાંથી મળે ? સ્વર્ગ એટલે સુખ-શાંતિ અને નરક એટલે આધિ-વ્યાધિ-ઉપાધિ. જે દુર્જનોનો સંગ કરે તેની પાસે સજ્જનો ક્યારેય ફરકે નહિ અને તેનું તમામ સ્તરે પતન થઈ જાય છે. છેવટે તેને કુળહીન મનુષ્યોની સેવા કરવાનો વખત આવે છે.

સજ્જનોનો સંગ શ્રેષ્ઠ

જો મનુષ્ય સિંહની ગુફામાં પહોંચી જાય તો કદાચ તેને હાથીના મસ્તકનું મોતી મળી જાય. જો તે શિયાળ રહેતું હોય ત્યાં જઈ ચડે તો એને વાછરડાનું પૂછડું કે ગર્દભની ચામડી જ મળે છે. ।। ૧૮ ।।

જો વ્યક્તિ સિંહની ગુફામાં જાય તો તેને હાથીની ખોપડીનું મોતી મળી જાય છે જ્યારે તે જો ગીધડ રહેતું હોય ત્યાં જઈ ચડે તો તેના વાછરડાનું પૂછડું કે ગર્દભની ચામડી મળે છે. સિંહ જ હાથીનો શિકાર કરી શકે શિયાળ તો મરેલાં જાનવરોને ચૂંથે છે.

જો મહાન વ્યક્તિનો સંગ કરવામાં આવે તો જ્ઞાનની વાતો જાણવા મળે છે. સત્સંગ કરવાથી સદાચારરૂપી મોતી મળે છે, પરંતુ જો દુર્જનોનો સંગ કરવાથી દુષ્ટતા જ શીખવા મળે છે અને મનુષ્યમાં અનેક દુર્ગુણોની ખાણ થઈ જાય છે. એટલે વ્યક્તિએ ઉચ્ચ કક્ષાના લોકોનો - સજ્જનોનો સંગ કરવો જોઈએ અને દુર્જનોથી દૂર રહેવું જોઈએ.

કૂતરાની પૂંછડી જેવું જીવન

જેમ કૂતરાની પૂંછડી ન પોતાના ગુપ્તાંગો ઢાંકી શકે છે અને ન મચ્છરોને મારી શકે છે, તેમ વિદ્યારહિત મનુષ્યનું જીવન પણ કૂતરાની પૂંછડીની જેમ વ્યર્થ છે. ।। ૧૯ ।।

કૂતરાની પૂંછડી કોઈ કામની હોતી નથી. તેનાથી ન તો તેના ગુપ્તાંગો ઢંકાય છે કે ન તેને હેરાન-પરેશાન કરતાં મચ્છરો દૂર થાય છે. કૂતરાની પૂંછડીનું કોઈ મહત્ત્વ નથી.

વિદ્યા વિનાના માણસનું જીવન પણ કૂતરાની પૂંછડી સમાન છે. તે ન તો પોતાનું રક્ષણ કરી શકે છે કે ન તેને માન-સન્માન જેવું કંઈ હોય છે. તે પોતાનું ભરણપોષણ કરી શકતો નથી અને પરિવારની દરિદ્રતા દૂર કરવા સમર્થ હોતો નથી. તે પોતાના શત્રુઓના શબ્દખંડ રોકવા પણ સમર્થ હોતો નથી. વિદ્યાનું જીવનમાં અત્યંત મહત્ત્વ છે.

મોક્ષ મેળવવા શું કરવું ?

મોક્ષ મેળવવા પાંચ બાબતો જરૂરી છે - વાણીની પવિત્રતા, મનની શુદ્ધિ, ઈન્દ્રિયો પર સંયમ, પ્રાણી માત્ર પર દયા અને બીજા ઉપર ઉપકાર કરવો. ।। ર૦ ।।

જીવનનો ઉદ્દેશ મોક્ષ મેળવવાનો છે. મોક્ષ એટલે સુંદર અને પવિત્ર જીવન. મનુષ્યને મોક્ષ ક્યારે મળે ? તેનું જીવન સારી રીતે પસાર કેવી રીતે થાય ?

મોક્ષ મેળવવા માણસે તન અને મનથી પવિત્ર થવું પડે. તેની વાણીમાં મધુરતા અને પવિત્રતા હોવી જોઈએ, જેથી કોઈનું દિલ દુભાય નહિ. તેનું મન શુદ્ધ હોવું જોઈએ અને સદ્‌વિચારોની ખાણ હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે તેના મનમાં દ્વેષભાવ ન હોવો જોઈએ. તેને પોતાની ઈન્દ્રિયો પર સંયમ હોવો જોઈએ અને પ્રાણીઓ ઉપર દયાભાવ હોવો જોઈએ. બીજાનું ભલું કરવામાં જ મનુષ્યની પવિત્રતા છે.

શરીરમાં જ પરમાત્મા

જેમ પુષ્પમાં સુગંધ, તલમાં તેલ, સૂકા લાકડામાં અગ્નિ, દૂધમાં ઘી અને શેરડીમાં ગોળ હોય છે તેમ શરીરમાં આત્મા અને પરમાત્માનો વાસ હોય છે. ।। ર૧ ।।

ફૂલમાં સુગંધ, તલમાં તેલ, લાકડામાં અગ્નિ, દૂધમાં ઘી અને શેરડીમાં મીઠાશ બધે હોય છે. તે તેના કોઈ એક જ ભાગમાં સ્થિર હોતી નથી.

તે જ રીતે મનુષ્યના શરીરમાં બધે પરમાત્માનો વાસ છે. ઈશ્વરનો કણકણમાં વાસ છે. જરૂર છે તેને અનુભવવાની. આપણી અંદર જ રહેલા પરમ કૃપાળુ પરમાત્માને ઓળખવાની. તેની સાથે ગોઠડી માંડવાની. દરેક મનુષ્ય પોતાના જ માંહ્યલામાં બિરાજતા ઈશ્વરને ઓળખી શકતી નથી. જ્ઞાની પુરુષો જ તેને જાણી શકે છે અને તેનો પરમ આનંદ મેળવી શકે છે.

।। આઠમો અધ્યાય ।।

વૃદ્ધાવસ્થામાં ત્રણ બાબત મૃત્યુ સમાન દુઃખદાયક છે - પત્નીનું મૃત્યુ, સંપત્તિ ભાઈઓના હાથમાં ચાલી જવી અને ભોજન માટે પરાધીનતા.

મહાપુરુષોનું ધન માન-સન્માન : મોટા માણસ માનના ભૂખ્યા

અધમ પુરુષને ધનની ઈચ્છા હોય છે અને મધ્યમ પુરુષને ધન અને સમ્માન બંનેની કામના હોય છે જ્યારે ઉત્તમ પુરુષ માત્ર સમ્માન ચાહે છે. મહાપુરુષોનુંં ધન માન-સમ્માન જ હોય છ. ।। ૧ ।।

નીચ અને મધ્યમ મનુષ્યોને માત્ર ધનની જ લાલસા હોય છે. તેઓ ધનને જ સર્વસ્વ માને છે. ધન મેળવવાથી આખી દુનિયા વશમાં કરી શકાય છે તેવી દુર્બુદ્ધિવાળા તે હોય છે. લોભ-લાલચ પાછળ તેઓ અંધ હોય છે.

મધ્યમ પુરુષ અર્થાત સામાન્ય મનુષ્યને ધનની ઈચ્છા હોય છે, પણ સ્વમાનના ભોગે નહિ. તે પોતાની મહેનતનું ફળ માગે છે. તેને અપમાન વેઠીને ધન લેવું ગમતું નથી. તે સમ્માન સહિત ધનની ઈચ્છા રાખે છે, પરંતુ મહાપુરુષો તો માત્ર માન-સમ્માનની ખેવના કરે છે. તેમને મન માન-સમ્માન જ સાચું ધન હોય છે. તે સમાજમાં પૂજનીય, વંદનીય ગણાય છે. એમને મન ધન ધૂળ સમાન હોય છે.

સ્નાન અને દાન કોઈ પણ સમયે કરી શકાય : એ માટે કશો બાધ ન નડે

શેરડી, જળ, દૂધ, કંદમૂળ, પાન, ફળ અને ઔષધિનના સેવન પછી પણ સ્નાન, દાન વગેરે કાર્ય કરી શકાય છે. ।। ર ।।

શેરડી ચૂસ્યા પછી, પાણી કે દૂધ પીધા પછી, પાન ચાવ્યા પછી, કોઈ કંદમૂળ, ફળ કે દવા લીધા પછી પણ સ્નાન, પૂજા, દાન વગેરે કર્યા કરી શકાય છે. શરીરશુદ્ધિ અને આત્મકલ્યાણની પ્રવૃત્તિ કરવાનાં તે વળી મુહૂર્ત થોડાં હોય ? દરેક સમયે આવા કામ માટે શુભ જ ગણાય.

જેવું ભોજન તેવું સંતાન

જેમ દીપ અંધકારનું સેવન (નાશ) કરી મેંશ ઉત્પન્ન કરે છે તેમ મનુષ્ય દરરોજ જે પ્રકારના ભોજનનું સેવન કરે છે તેને અનુરૂપ સંતાન જ તેને ત્યાં જન્મ લે છે. ।। ૩ ।।

દીપક અંધકારનું સેવન કરે છે એટલે મેંશ ઉત્પન્ન કરે છે, અર્થાત્‌ જે જેવું ભોજન કરે છે તેને અનુરૂપ સંતાન તેને ત્યાં પેદા થાય છે.

વ્યક્તિનું ભોજન સાત્ત્વિક હોય તો તેને ત્યાં સાત્ત્વિક સંતાન જન્મ લે છે. જો વ્યક્તિ રાજસી આહારનું સેવન કરે તો તેમાં રાજસી ગુણો જોવા મળે છે અને તેને ત્યાં થતાં સંતાનમાં પણ રાજસી ગુણો જોવા મળે છે. ખારા, ખાટા, તીખા, દાહકારક, ટાઢા અર્થાત્‌ તામસી પદાર્થોનું સેવન કરે તો તેને ત્યાં થતાં સંતોનો પણ તામસી જ હોય છે. આચારવિચાર અને આહારવિહારથી ગર્ભસંસ્કાર ઘડાતા હોવાની પ્રચલિત માન્યતાનું ચાણક્ય સમર્થન કરે છે. પણ કાદવમાં કમળ જન્મે છે - એ પણ એટલું જ સાચું નથી શું ?

ગુણવાનને જ ધન આપો

હે બુદ્ધિશાળી મનુષ્ય ! ગુણવાન લોકોને જ ધન આપો, કુપાત્રને નહિ. સમુદ્રનું ખારું પાણી વાદળના મીઠા પાણી સાથે ભળીને મીઠું થઈ જાય છે અને તેં સંસારમાં રહેતા અસંખ્ય જડ, ચેતન, ચર તથા અચર જીવોને જીવન દઈને ફરી સમુદ્રમાં ભળી જાય છે. ।। ૪ ।।

ગુણવાન લોકો જ ધન મેળવવાને પાત્ર હોય છે. તેઓ ધનનો સદુપયોગ કરી શકે છે. તેમને જેટલું ધન આપવામાં આવે છે તેનો ઉપયોગ કરી તે અનેક ગણું સમાજને પરત કરે છે જેથી સમાજને વિકસવામાં મદદ મળે છે. જ્યારે દુર્ગુણ ધરાવતી વ્યક્તિઓ ધનનો દુરુપયોગ કરે છે અને સમાજમાં વ્યભિચારને પ્રસરાવે છે.

વાદળ સમુદ્રમાંથી જ જળ લે છે અને પૃથ્વી ઉપર વર્ષા કરે છે. તે વરસાદથી જ પૃથ્વીના મનુષ્ય, પશુ-પક્ષી, વૃક્ષ વગેરેનું પાલનપોષણ થાય છે.

તેમ છતાં આ જળ નદીમાં વહીને ફરી સાગરમાં ભળી જાય છે. ધનવાન લોકોએ યોગ્ય વ્યક્તિની જ સહાયતા કરવી જોઈએ જેથી અનેક વ્યક્તિનું ભલું થઈ શકે.

યવન સૌથી નીચ

તત્ત્વદર્શી સિદ્ધાનોનું કહેવું છે કે, હજાર ચાંડાલો બરાબર એક યવન હોય છે. પૃથ્વી ઉપર યવનથી નીચ કોઈ નથી. ।। પ ।।

મનુષ્યમાં યવન સૌથી નીચ મનુષ્ય છે. યવન નીચ શ્રેષ્ઠ હોય છે. તેનામાં એક હજાર ચંડાળ જેટલા દુર્ગુણો હોય છે. યવન પૃથ્વી પર ભારરૂપ છે. યવનનો કોઈ ધર્મ હોતો નથી. તેનામાં બિલકુલ દયાભાવ હોતો નથી. તેઓ સામૂહિક આક્રમણ કરી ગામોના ગામનો નાશ કરી નાંખે છે અને પુરુષોની સામૂહિક હત્યા કરી સ્ત્રીઓને ઉઠાવી જાય છે. અત્યાચાર, અન્યાય અને અધર્મ યવનોનો ધર્મ હોય છે. યવન પ્રજા તરફની આર્ય પ્રજાની સૂગ આ શ્લોકમાં પ્રતિબિંબિત થઈ છે. આર્યો ચાંડાલને સૌથી હલકો ગણતા; યવનને અહીં હજાર ચાંડાલ સમોવડો ગણાવ્યો છે.

સ્નાનનું મહત્ત્વ

તેલ લગાવ્યા પછી, ચિતાનો ધુમાડો લાગ્યા પછી, સ્ત્રી સાથે સંભોગ કર્યા પછી અને વાળ કપાવ્યા પછી જ્યાં સુધી મનુષ્ય સ્નાન ન કરે ત્યાં સુધી તે ચાંડાલ હોય છે. ।। ૬ ।।

મનુષ્યે શરીરમાં તેલની માલિશકર્યા પછી, સ્મશાનની ચિતાનો ધુમાડો લાગ્યા પછી, સંભોગ કર્યા પછી અને દાઢી કર્યા પછી તથા નખ કાપ્યા પછી સ્નાન કરવું જોઈએ. આ કાર્યો કર્યા પછી જ્યાં સુધી મનુષ્ય સ્નાન ન કરે ત્યાં સુધી તે ચાંડાળ એટલે કે અપવિત્ર છે.

તેલનું માલિશ કર્યા પછી સ્નાન ન કરવાથી મનુષ્યના સ્વાસ્થ્યને હાનિ થાય છે. સંભોગ કર્યા પછી પુરુષ અને સ્ત્રી બંનેએ સ્નાન કરવું જોઈએ.

વાળ કપાવ્યા પછી કે દાઢી કરાવ્યા પછી સ્નાન ન કરે ત્યાં સુધી મનુષ્ય શુદ્ધ થતો નથી. અહીં આરોગ્ય માટેની આર્ય આચારસંહિતા રજૂ થઈ છે. સ્નાન મનુષ્યમાં નવું ચૈતન્ય પ્રેરે છે.

પાણી અમૃત સમાન

અપચો કે કબજિયાત થાય ત્યારે પાણી ઔષધિ સમાન છે. નબળાઈમાં પાણી બળ પ્રદાન કરનારું છે. ભોજન સમયે પાણી અમૃત સમાન છે અને ભોજન પછી તરત જ પાણી વિષ સમાન છે. ।। ૭ ।।

જળ જીવન છે. તે અમૃત છે. તેનું સેવન કરવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. કબજિયાત રહેતી હોય તો શક્ય હોય તેટલું પાણી પીવાથી તે દૂર થાય છે.

જળ શરીરમાં શક્તિનો સંચાર કરે છે. દરરોજ સાતથી આઠ લિટર પાણી પીવું જોઈએ. ભોજન પચી જાય પછી જળ પીવાથી શક્તિ વધે છે. ભોજન કરતી વખતે વચ્ચે-વચ્ચે પાણી પીતા રહેવાથી તે અમૃતનું કામ કરે છે, પરંતુ ભોજન પછી તરત જ પાણી પીવાથી તે વિષનું કામ કરે છે. કારણ કે એથી પાચકરસો મંદ પડે છે અને ખોરાક પૂરેપૂરો પચી શકતો નથી. આધુનિક વિજ્ઞાન પણ પાણીની આ મહત્તાનો સ્વીકાર કરે છે.

પતિ વિનાની સ્ત્રી નાશ પામે છે

જે જ્ઞાનનો અમલ ન થાય તે નષ્ટ થઈ જાય છે. અજ્ઞાનથી મનુષ્યનો નાશ થાય છે. સેનાપતિ વિનાની સેના અને પતિ વિનાની સ્ત્રીનો નાશ થાય છે. ।। ૮ ।।

વિચારો હોય તેવું વિચારણ કરવું મુશ્કેલ છે. જ્ઞાન હોવું અલગ બાબત છે અને તેને આચરણમાં મૂકવું બીજી બાબત છે. વીર પુરુષોના આચાર અને વિચારમાં ફરક હોતો નથી. જે વ્યક્તિ પોતાની પાસે રહેલા જ્ઞાનનો ઉપયોગ કરી જીવનમાં ઉતારતા નથી તેનું જ્ઞાન વાંઝિયું નીવડે છે. જે વ્યક્તિના આચાર અને વિચાર સમાન ન હોય તેનો વિશ્વાસ ન કરવો. અજ્ઞાન અભિશાપ છે. અજ્ઞાની મનુષ્યનું જીવન અંધકાર સમાન હોય છે. સેનાની સફળતાનો આધાર સેનાપતિ ઉપર હોય છે. સેનાપતિ જ સેનાને દોરે છે અને માર્ગદર્શન આપે છે. સેનાપતિ વિનાની સેનાને કેવી રીતે લડવું તેની જ જાણકારી હોતી નથી અને તેનો દુશ્મન નાશ કરી નાંખે છે. એ જ રીતે પરિવારમાં પુરુષનું મહત્ત્વ છે. પુરુષ વગરની સ્ત્રી અધૂરી છે.

વૃદ્ધાવસ્થામાં આ ત્રણ મૃત્યુ સમાન

વૃદ્ધાવસ્થામાં ત્રણ બાબત મૃત્યુ સમાન છે - પત્નીનું મૃત્યુ, સંપત્તિ ભાઈઓના હાથમાં ચાલી જવી અને ભોજન માટે પરાધીનતા. ।। ૯ ।।

વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને સૌથી વધુ ત્રણ બાબતોની જરૂર હોય છે -પત્ની, સંપત્તિ અને સ્વાભિમાન.

વૃદ્ધાવસ્થામાં પતિ અને પત્ની એકબીજાનો આધાર હોય છે. તેઓ પરસ્પર એકબીજાને ટેકો આપે છે. સંતાનો પોતપોતાના માળામાં મસ્ત હોય છે ત્યારે પતિ-પત્ની જ એકબીજાની સારામાં સારી સંભાળ રાખી શકે છે, એકબીજાને સહારો આપે છે. જો તે અવસ્થામાં પત્નીનું મૃત્યુ થઈ જાય તો પતિ એકલો પડી જાય છે. તેને માટે આ દુનિયા નરક સમાન થઈ જાય છે.

તે અવસ્થામાં સ્વાભિમાન અને સંપત્તિની જરૂર હોય છે. આખું જીવન મહેનત-મજૂરી કરીને કુટંબ ચલાવનાર વડીલ વૃદ્ધ પોતાનાં જ સ્વજનો દ્વારા થતું અપમાન સહન કરી શકતા નથી. જો તેમની પાસે સંપત્તિ હોય તો તે ખુમારીથી જીવન જીવી શકે છે. ચાણક્યનું આ દર્શન આટલાં વર્ષે પણ કેટલું સાચું લાગે છે !

શ્રદ્ધા-ભક્તિનું મૂળ તત્ત્વ

જેમ અગ્નિહોત્ર વગેરે કાર્યો વિના વેદોનો અભ્યાસ વ્યર્થ છે અને દાન-દક્ષિણા વિના યજ્ઞ વગેરે શુભ કાર્ય સફળ થતાં નથી. તેમ શ્રદ્ધા અને ભક્તિ વિના કોઈ કાર્યમાં સફળતા મળતી નથી. ।। ૧૦ ।।

ઈશ્વરનો વાસ નથી કાષ્ઠમાં કે નથી પથ્થરમાં. તેનો વાસ તો મનુષ્યના અંતરમાં જ છે; નહિ તો તે પથ્થર સિવાય બીજું કંઈ નહિ. મૂર્તિની પ્રતિષ્ઠાનો આધાર ભાવના છે. ભાવના જ પ્રતિમામાં દેવબુદ્ધિ ઉત્પન્ન કરે છે. શ્રદ્ધા જ ભક્તિનું મૂળ તત્ત્વ છે.

વેદોનો અભ્યાસ અગ્નિહોત્ર જેવાં હાર્દ સમાન કાર્યો કર્યા વિના વ્યર્થ છે અને યજ્ઞ જેવાં શુભ કાર્ય દાન-દક્ષિણા વિના સફળ થતાં નથી, તેમ કોઈ પણ શુભ કાર્યમાં શ્રદ્ધા અને ભક્તિ હોવી જરૂરી છે. કમને કોઈ પણ કાર્ય કરવાથી તેનું ફળ મળતું નથી કે તેમાં મજા આવતી નથી. શુભ કાર્યમાં શ્રદ્ધા અને ભક્તિરૂપી સુગંધ ભળવી જોઈએ.

ભાવના સાથે ભક્તિ

કાષ્ઠ, પથ્થર કે ધાતુની મૂર્તિની શ્રદ્ધા અને ભાવના સાથે ભક્તિ કરવામાં આવે તો ભગવાન જરૂર પ્રસન્ન થાય છે. ।। ૧૧ ।।

ભગવાનને ભજવા ભાવ જરૂરી છે. ભગવાનની મૂર્તિ પથ્થરની બની છે કે સોનાની તેનું કોઈ મહત્ત્વ નથી. શ્રદ્ધા અને ભક્તિ વિના સોનાની મૂર્તિ પણ શોભાની કઠપૂતળી જેવી જ બનીને રહેશે.

ઈશ્વરની મૂર્તિ પથ્થરની હોય, લાકડાની હોય કે ધાતુની હોય તેમાં ભાવના ભળે તો જ તે ભક્તિ ખીલી ઊઠે છે. ભગવાન શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થાય છે, ભક્તની આર્થિક સદ્ધતા જોઈને નહિ. એટલે ઈશ્વરનું ભજન શ્રદ્ધા સાથે જ કરવું.

ઈશ્વરનો વાસ

ભગવાન ન તો કાષ્ઠમાં રહે છે, ન પથ્થરની મૂર્તિમાં, ન ધાતુની મૂર્તિમાં. જ્યાં મનુષ્ય ભાવના દ્વારા તેની પૂજા કરે છે ત્યાં જ તેનો વાસ છે. ।। ૧ર ।।

ઈશ્વરનો વાસ ક્યાં છે ? તે ક્યાં રહે છે ? સોનાની મૂર્તિમાં કે ચાંદીની મૂર્તિમાં ? પથ્થરની મૂર્તિમાં કે કાષ્ઠમાં ?

પરમાત્મા ન તો સોનું જુએ છે ન ચાંદી. તે તો માત્ર ભક્તનું હૃદય જુએ છે. જો ભક્તનું હૃદય ઈશ્વર માટે ધબકતું હોય તો તે તેમાં વાસ કરે છે. જે સાચા હૃદયથી ઈશ્વરને યાદ કરે છે તેની સામે આવીને ઈશ્વર હાજર થઈ જાય છે. જરૂર છે તેને ઓળખવાની, સાચા હૃદયથી યાદ કરવાની.

પ્રભુ ત્યાં જ વાસ કરે છે જ્યાં તેનું સતત અને હૃદયંગમ સ્મરણ થાય છે.

શાંતિ અને સંતોષ એટલે પરમ સુખ

શાંતિ સમાન તપ નથી, સંતોષ સમાન સુખ નથી, તૃષ્ણા કે મોહ સમાન કોઈ રોગ નથી અને દયા જેવો કોઈ ધર્મ નથી. ।। ૧૩ ।।

મનુષ્યને સૌથી વધુ શાંતિની જરૂર છે. તે વિવિધ ઉપાયો દ્વારા શાંતિ મેળવવા પ્રયત્ન કરે છે. મન અને ઈન્દ્રિયોને શાંત રાખવી સૌથી મોટી તપસ્યા છે. જે વ્યક્તિ મન અને ઈન્દ્રિયોને નિયંત્રણમાં રાખી શકે છે તે યોગી છે.

સંતોષી નર સદા સુખી. પોતાની પાસે જે સાધનસંપન્નતા હોય તેમાં સંતોષ રાખવો તેનાથી મોટું કોઈ સુખ નથી. સંતોષ કેળવવો પણ એક પ્રકારનું તપ છે. બીજી વ્યક્તિ પાસે જે ચીજવસ્તુ હોય તે આપણી પાસે હોવી જોઈએ તેવી માનસિકતામાંથી છુટકારો મળે તો શાંતિ અને સંતોષ મળે.

તૃષ્ણાઓનો કોઈ અંત નથી. મનુષ્યની ઈચ્છાઓ અનંત છે. એક ઈચ્છા પૂરી થતી નથી કે બીજી ઈચ્છા જન્મ લે છે. તેનાથી મોટો કોઈ રોગ નથી અને તેમાંથી છુટકારો મહાપુરુષો જ મેળવી શકે છે. બીજી વ્યક્તિ ઉપર દયા અને કરુણા દાખવવી સૌથી મોટો ધર્મ છે. માનવસેવા જ પ્રભુસેવા છે.

ક્રોધ એટલે યમરાજ

ક્રોધ યમરાજ છે, ઈચ્છા-આકાંક્ષાઓ વૈતરણી નદી છે, વિદ્યા કામધેનુ છે અને સંતોષ નંદનવન છે. ।। ૧૪ ।।

ક્રોધ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. તે યમરાજ જેવો ભયંકર છે. થોડા જ સમયમાં મનુષ્યનું ઘણુંબધું તે હણી શકે છે. જે વ્યક્તિ પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખી ન શકે તેનું સમાજમાં ક્યાંય સ્થાન હોતું નથી.

ઈચ્છાઓ વૈતરણી નદી સમાન છે. નદી જેમ સતત વહેતી રહે છે તેમ ઈચ્છાઓ એક પછી એક જન્મ લેતી રહે છે. તેના ઉપર પૂર્ણવિરામ મૂકવું બહુ મુશ્કેલ છે.

વિદ્યા કામધેનુ સમાન છે. તે મનુષ્યની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે, પરંતુ તેને પ્રાપ્ત કરવા પરિશ્રમ કરવો પડે છે. સુખની આશા હોય તેમણે વિદ્યા મેળવવાનો વિચાર છોડી દેવો જોઈએ.

સંતોષ નંદનવન છે. નંદનવન જેમ પરમ સુખની અનુભૂતિ કરાવે છે તેમ સંતોષ પણ પરમ સુખ આપે છે.

શીલથી કુળ અને ગુણથી રૂપ શોભે

ગુણ રૂપની, શીલ કુળની, સિદ્ધિ વિદ્યાની અને યોગ્ય ઉપભોગ ધનની શોભા વધારે છે. ।। ૧પ ।।

ગુણથી રૂપની શોભા વધે છે. જેમ સોનામાં સુગંધ ભળે તેમ રૂપમાં ગુણ ભળે. સ્વરૂપવાન સ્ત્રી સુશીલ અને ગુણિયલ હોય તો તેની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગી જાય છે.

શીલ કે સારા આચરણથી સમાજમાં કુળની પ્રતિષ્ઠા વધે છે. કોઈ પણ વિષય કે વિદ્યામાં નિપુણતા મેળવવું બહુ આકરું છે. જો તે સિદ્ધિ મળી જાય તો વિદ્યાની શોભા વધી જાય છે. ધનનો સદુપયોગ થવાથી જ તેની શોભા વધે છે. ધાર્મિક કે સામાજિક કાર્યોમાં લક્ષ્મી સદ્‌ઉપયોગ કરવાથી તે શોભી ઊઠે છે.

રૂપ અને કુળ ક્યારે નાશ પામે ?

ગુણહીનનું રૂપ, દુરાચારીનું કુળ અને અયોગ્ય વ્યક્તિની વિદ્યા નષ્ટ થાય છે. ધનનો યોગ્ય દિશામાં ઉપયોગ ન કરવાથી તેનો પણ નાશ થાય છે. ।। ૧૬ ।।

વ્યક્તિ સ્વરૂપવાન હોય પણ ગુણવાન ન હોય તો તેનું રૂપ કશા કામનું નથી. સુંદરતા સાથે સુશીલતા હોવી જરૂરી છે. સ્ત્રીની સુંદરતા ગુણ હોય તો ખીલી ઊઠે છે. માણસ તેના ગુણ વડે પૂજાય છે, રૂપને કારણે નહિ.

દુરાચારીનાં દુર્ગુણોથી તેનું કુળ વગોવાય છે. સમાજમાં દુરાચરણ કરતાં લોકોને ક્યાંય સ્થાન મળતું નથી. દુરાચરણથી વ્યક્તિનું સામાજિક, આર્થિક અને નૈતિક એમ ત્રણે સ્તરે પતન થઈ જાય છે. તેના કુળની પ્રતિષ્ઠાનું ધોવાણ થઈ જાય છે.

વિદ્યા યોગ્ય વ્યક્તિ પાસે જ શોભે અને ખીલે છે. અયોગ્ય વ્યક્તિ પાસે તેનો સદુપયોગ કેવી રીતે કરવો તેનું જ્ઞાન ન હોવાથી વિદ્યા નાશ પામે છે. તે જ રીતે લક્ષ્મીનો સદુપયોગ ન થવાથી તે પણ નકામી બની જાય છે. ધન સારા માર્ગે ખરચાય તો જ ખપનું.

પતિવ્રતા સ્ત્રી અને સંતોષી બ્રાહ્મણ શુદ્ધ

જમીનની અંદરથી નીકળતું જળ, પતિવ્રતા સ્ત્રી, પૂજાનું કલ્યાણ કરતો રાજા અને સંતોષી બ્રાહ્મણ શુદ્ધ હોય છે. ।। ૧૭ ।।

જમીનની અંદર રહેતું જળ અને પતિવ્રતા સ્ત્રી શુદ્ધ ગણાયાં છે. જમીનના પેટાળમાંથી થઈને આવતું પાણી કુદરતી ગાળણક્રિયામાંથી પસાર થઈને આવે છે. પતિવ્રતા સ્ત્રી સુશીલ, ગુણિયલ અને ત્યાગ કરવાની ભાવનાવાળી હોય છે. તે ધર્મમાં માનતી અને સદાચારવાળી હોય છે. પતિવ્રતા સતી સ્ત્રીઓને આપણી સંસ્કૃતિમાં દેવી સમાન ગણવામાં આવી છે.

રાજનો ધર્મ પ્રજાનું કલ્યાણ કરવાનું છે. જે રાજા પોતાના કાર્યનું પ્રામાણિકતાથી વહન કરે છે તે પવિત્ર હોય છે. જેનું આચરણ શુદ્ધ હોય છે તે વ્યક્તિ પવિત્ર કે શુદ્ધ ગણાય છે. સંતોષી બ્રાહ્મણ મનથી શુદ્ધ હોય છે. તેને કોઈ ચીજવસ્તુની લાલચ હોતી નથી. બ્રાહ્મણ એ વિદ્વત્તાનો પ્રતિનિધિ છે. વિદ્વાન પૈસા પાછળ દોડતો થાય ત્યારે એની વિદ્યા લાજે છે.

કોનો ક્યારે નાશ ?

આ ચારનો નાશ થાય છે - અસંતોષી બ્રાહ્મણ, સંતોષી રાજા, શરમાળ વેશ્યા અને બેશરમ દુરાચારી કુળવધૂ. ।। ૧૮ ।।

બ્રાહ્મણને સંતોષ હોવો જોઈએ, પણ રાજાને સંતોષી થવું ન પાલવે. તેને જો ધન અને રાજ્યનો સંતોષ થઈ જાય તો એના રાજ્યનો વિકાસ થતો નથી. તેનો સંતોષ જ તેના માટે શત્રુ સમાન હોય છે. રાજાએ એનું રાજ્ય સતત વિસ્તારતા રહેવું જોઈએ.

વેશ્યાનો વ્યવસાય જ બેશરમીનો છે. જે વેશ્યા શરમાય છે તેને રોજીરોટી ક્યાંથી મળે ? તેની શરમ તેનો નાશ કરે છે જ્યારે કુળવધૂની નિર્લજ્જતા તેના નાશ માટે જવાબદાર હોય છે.

દુરાચારી કુળવધૂને કોણ રાખે ? તેને ક્યાંય સ્થાન મળતું નથી. તેનો નાશ પણ ઝડપથી થાય છે.

વિદ્યાહીન કુળ નાશ પામે

વિદ્યાહીન કુળ વિશાળ અને મોટું હોય તો પણ શું ? વિદ્વાન નીચ કુળમાં જન્મે તો પણ દેવતાઓ તેની પૂજા કરે છે. ।। ૧૯ ।।

કુળની શોભા તેના સદસ્યોનાં ગુણ અને વિદ્યામાં છે. જે લોકો પાસે વિદ્યા ન હોય તેની પાસે ગુણની આશા ન રાખી શકાય. એમનું કુળ મોટું હોય તો પણ એમનું સમાજમાં કોઈ સ્થાન હોતું નથી.

વિદ્વાનોની સર્વત્ર પૂજા થાય છે. તેઓ પોતાના ગુણ વડે શોભે છે અને સમાજના વિકાસમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન આપે છે. તેઓ નીચ કુળમાં જન્મે તો પણ પૂજાતા હોય છે. વિદ્વાનોથી નીચ કુળ પણ શોભી ઊઠે છે.

વિદ્વાન સર્વત્ર પૂજનીય

વિદ્વાનો ત્રણે લોકમાં પૂજનીય છે. તેમને સર્વત્ર માન-સમ્માન મળે છે. વિદ્યાને કારણે બધું પ્રાપ્ત થાય છે અને તે સંસારમાં પૂજનીય છે, વંદનીય છે. ।। ર૦ ।।

વિદ્યાને કારણે મનુષ્યને સમાજમાં આદર, પ્રશંસા, માન-સમ્માન અને જે ચાહે તે મળે છે. સમગ્ર જગતનો આધાર વિદ્યા છે. દરેક મનુષ્યને કોઈ ને કોઈ વિદ્યાની જરૂર પડે છે. વિદ્યા વિના કોઈ મનુષ્ય ટકી શકતો નથી. વિદ્યારહિત મનુષ્ય ભટકતા ભૂંડ જેવો છે.

મૂર્ખ મનુષ્ય પશુ સમાન

માંસાહારી અને મદિરાપાન કરતો મૂર્ખ મનુષ્ય પશુ સમાન છે. તેના ભારથી પૃથ્વી દબાય છે. ।। ર૧ ।।

માંસાહાર કરતી અને મદિરાપાન કરતી વ્યક્તિ મૂર્ખ છે, પશુ સમાન છે. તેના હૃદયમાં પ્રાણીઓ પ્રત્યે દયા જેવું હોતું નથી. બીજા પ્રાણીના માંસનો આહાર કરે તેના હૃદયમાં કરુણા જન્મતી નથી. તે મનુષ્ય સ્વરૂપે વિકરાળ પશુ જ છે.

આવા પશુરૂપી માનવોના ભારથી પૃથ્વી દબાય છે. તેમનાં પાપી કૃત્યો બોજ સમાન છે. તે પૃથ્વી પર માત્ર ને માત્ર નુકસાન જ કરે છે.

રાષ્ટ્રનો નાશ

અન્નહીન રાજા, મંત્રહીન ઋત્વિજ અને દાન ન કરતો યજમાન રાષ્ટ્રનો નાશ કરે છે. ।। રર ।।

જે રાજાના રાજ્યમાં અન્નની અછત હોય, જે બ્રાહ્મણ યજ્ઞના મંત્ર ન જાણતો હોય અને જે યજમાન યજ્ઞમાં દાન ન આપે તેવા રાજા, બ્રાહ્મણ અને યજમાન ત્રણેય રાષ્ટ્રનો નાશ કરે છે.

યજ્ઞનો બ્રાહ્મણ વિદ્વાન હોવો જોઈએ. તેને મંત્રનું પૂરું જ્ઞાન હોવું જોઈએ. યજ્ઞ પછી યજમાને બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપવી જોઈઅ. જો મંત્રહીન બ્રાહ્મણ અને દક્ષિણા ન આપતો યજમાન યજ્ઞ કરાવે તો તે રાષ્ટ્રના સૌથી મોટા શત્રુ છે.

।। નવમો અધ્યાય ।।

જેની નારાજગી નપુંસક છે, જેની પ્રસન્નતા દરિદ્ર છે, જેનામાં દંડ કરવાનું સામર્થ્ય નથી અને જે કોઈને ઉપયોગી થઈ શકતો નથી તેના ગુસ્સાથી ડરવાની કોઈ જરૂર નથી.

મોક્ષ માર્ગ

હે પ્રિય ! જો તમે મુક્તિ ઈચ્છતા હોય તો વિષયોનો વિષ સમજી ત્યાગ કરો અને ક્ષમા, ઋજુતા, દયા, પવિત્રતા, સત્ય વગરેને અમૃત સમાન ગણી ગ્રહણ કરો. દુર્ગુણ નરકનો જ્યારે સદ્‌ગુણો મોક્ષનો માર્ગ છે. ।। ૧ ।।

મોક્ષ મેળવવાની ઈચ્છા ધરાવતી વ્યક્તિએ વિષય ભોગોને ઝેર સમજી ત્યજી દેવા જોઈએ. એટલું જ નહિ પણ ધીરજ, નમ્રતા, પ્રામાણિકતા, ઉદારતા, દયા, પવિત્રતા અને સત્યને અમૃત સમજી અપનાવી લેવા જોઈએ. દુર્ગુણોનો ત્યાગ કરવાથી મનુષ્ય મોક્ષ મેળવી શકે છે.

ચાડી ચુગલી ન કરવી

જે લોકો પોતાના મિત્રો અને સગા-સંબંધીઓની અંગત વાતો જાહેર કરે છે, તેમનો રાફડામાં ફસાયેલા સાપની જેમ નાશ થાય છે. ।। ર ।।

મિત્રોની અંગત વાતો જાહેરમાં પ્રસિદ્ધ કરનાર, મિત્ર બનવાને લાયક જ નથી હોતો. પોતાના મિત્રને નીચું દેખાડવા માટે જ તે આવું દુષ્કર્મ કરે છે. કોઈ પણ વ્યક્તિની ખાનગી વાતો અન્ય કોઈ વ્યક્તિને કહેવી જોઈએ નહિ.

બ્રહ્માને સલાહ કોઈએ ન આપી ?

સોનામાં સુગંધ નથી, શેરડીને મીઠા ફળ નથી, ચંદનનાં વૃક્ષોને પુષ્પો ખીલતાં નથી, વિદ્યાવ્યાસંગી વિદ્વાનો ધનવાન હોતા નથી તે પ્રજાપ્રેમી રાજાને લાંબું આયુષ્ય હોતું નથી. લાગે છે, સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માને સમજણ આપનાર કોઈ નહોતું. ।। ૩ ।।

સોનામાં સુગંધ હોત તો એ કેટલું અદ્‌ભુત હોત. શેરડીના છોડ પર

થનારાં ફળ કેટલાં મીઠાં હોત અને ચંદનના ઝાડ પર ઊગનારાં ફૂલ એટલાં જ સુગંધીદાર હોત. વિદ્વાન પાસે જ્ઞાન ભંડાર ભરપૂર હોય છે પણ ધનના ભંડાર ખાલીખમ. ખરેખર વિદ્વાન વ્યક્તિ ધન મેળવવાને લાયક હોય છે, જ્યારે પ્રજાના હિતોનું રક્ષણ કરનારા રાજાનું આયુષ્ય મોટાભાગે ટૂંકું જ હોય છે. એ સમયે જ્યારે બ્રહ્મા આ તમામનું સર્જન કરતા હશે ત્યારે આવી સમજ આપનાર કોઈ નહિ હોય, કે શું ?

ચાણક્ય જેવા સલાહકાર વિધાતાને મળી ગયા હોત તો સૃષ્ટિ કેટલી સુંદર હોત !

મસ્તકનો મહિમા

સર્વ ઔષધિઓમાં અમૃત, સર્વ સુખમાં ભોજન, મનુષ્યની બધી ઈન્દ્રિયોમાં આંખ અને તેનાં તમામ અંગોમાં શિર સર્વશ્રેષ્ઠ છે. ।। ૧૪ ।।

અમૃત મૃત્યુને માત આપી મનુષ્યને નવજીવન બક્ષે છે, એટલે તેને બધી જ ઔષધિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. મનુષ્ય પાસે સુખનાં તમામ સાધનો હોવાં છતાંય જ્યાં સુધી તે પેટભરીને ભોજન ન કરે ત્યાં સુધી તે કશુું જ માણી શકતો નથી. આંખ દ્વારા મનુષ્ય સૃષ્ટિની સુંદરતાને નિહાળી શકે છે. જો તે આંખ ગુમાવી બેસે તો તેનું જીવન અંધકારમય બની જાય છે. એટલે આંખને બધી જ ઈન્દ્રિયોમાં શ્રેષ્ઠ કહેવાય છે. તેવી જ રીતે મનુષ્ય જે મસ્તિષ્કને ઊંચું રાખી જીવન જીવે છે તેને બધાં જ અંગોમાં ઉત્તમ માનવામાં આવે છે. મસ્તક કહેતં માથાની અંદર મગજ સમાયેલું છે. એ જ આખા શરીરનું સંચાલન કરે છે. મગજમાં જ મન પણ સમાયેલું છે - વિચારોનું ઉદ્‌ભવસ્થાન પણ એ જ. બુદ્ધિનું થાણું પણ માણસનું માથું જ !

સાચો વિદ્વાન

આકાશમાં કોઈ દૂતને મોકલવો અશક્ય છે, ત્યાં કોઈની સાથે વાતચીત કરવી પણ અશક્ય છે. જે વિદ્વાને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની સચોટ આગાહી કરી છે તે જ સાચો વિદ્વાન છે. ।। પ ।।

આ લોકોને સૂવા ન દો

જો વિદ્યાર્થી, સેવક, યાત્રી, ભૂખથી પીડિત અને ડરપોક વ્યક્તિ, ભંડારનું રક્ષણ કરનાર દ્વારપાળ - આ સાત પોતાની ફરજ સમયે સૂઈ જાય તો તેમને જગાડવા જોઈએ. ।। ૬ ।।

અભ્યાસ કરતાં કરતાં વિદ્યાર્થી જો સૂઈ જાય તો તેનો અભ્યાસ અધૂરો રહી જાય છે. માલિક તેના સેવકને સૂતો ઝડપે તો સેવકે નોકરીથી હાથ ધોવા પડે છે. યાત્રી રસ્તામાં સૂઈ જાય તો લૂંટાઈ જવાનો ભય રહે છે. તેવી જ રીતે ભૂખ્યા પેટે સૂઈ જનારને બરાબર ઊંઘ આવતી નથી. ડરી ગયેલી વ્યક્તિને ઊંઘમાંથી વારંવાર ઝબકી જાય છે તેમ જ દરવાજે રક્ષણ માટે તૈનાત દ્વારપાળ જો સૂઈ જાય તો ચોરી થવાનો ભય રહે છે.

આ સાત સૂતેલાં જ સારાં

સાપ, રાજા, સિંહ, સૂવર, બાળક, બીજાનાં કૂતરાં અને મૂર્ખ વ્યક્તિ -આ સાત સૂતેલાં જ સારાં, તેમને જગાડવા નહિ. ।। ૭ ।।

અચાનક છંછેડાઈને ઊઠેલો સાપ કરડી બેસે છે. તેવી જ રીતે રાજાને ગાઢ નિંદ્રામાંથી જગાડવામાં આવે તો અકળાઈને રાજા દંડ પણ કરી શકે છે. સિંહ જેવાં હિંસક પ્રાણીઓને જો ઊંઘમાંથી જગાડવામાં આવે તો તે હુમલો કરી બેસે છે. સૂતેલા બાળકને જો જગાડવામાં આવે તો રડી રડીને બેહાલ થઈ જાય છે. બીજાના પાળેલા શ્વાન અજાણી વ્યક્તિને જોઈ હંમેશાં ભસતા જ રહે છે. એટલે તેઓ સૂતા હોય તો તેમને સૂતા જ રહેવા દેવા જોઈએ. જ્યારે મૂર્ખ વ્યક્તિ હંમેશાં કામને બગાડતી જ રહે છે એટલે એ ન જાગે તે જ ઉત્તમ.

નિર્બળ બ્રાહ્મણ

જે બ્રાહ્મણ ધન મેળવવા વેદોનો અભ્યાસ કરે છે અને કર્મથી શૂદ્ર હોય તેવી વ્યક્તિઓનું ભોજન કરે છે તે વિષ વિનાના નિર્બળ સાપ જેવો છે. તે કશું કરી શકતો નથી. ।। ૮ ।।

જે બ્રાહ્મણ માત્ર ધન ભેગું કરવા માટે જ વેદપુરાણોનો અભ્યાસ કરે છે, એટલું જ નહિ પોતાનું પેટ ભરવા શૂદ્રના ઘરનું અન્ન ગ્રહણ કરે છે. તેની બધી જ શક્તિઓ નાશ પામે છે. તેની દશા ઝેર વિનાના સાપ જેવી થાય છે, જેની પાસે સાપનું શરીર તો છે, પણ બીજા સાપની જેમ તાકાત નથી.

નપુંસક ક્રોધ

જેની નારાજગી નપુંસક છે, જેની પ્રસન્નતા દરિદ્ર છે, જેનામાં દંડ કરવાનું સામર્થ્ય નથી અને જે કોઈને ઉપયોગી થઈ શકતો નથી તેના ગુસ્સાથી ડરવાની કોઈ જરૂર નથી. ।। ૯ ।।

જેની પાસે સત્તા છે, તાકાત છે તેવી વ્યક્તિ જ લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકે છે. શક્તિ વિનાનો મનુષ્ય દાંત વગરના સિંહ જેવો હોય છે, જેનો કોઈ જ પ્રભાવ હોતો નથી.

દંભ પણ ક્યારેક જરૂરી

વિષહીન સાપે પણ પોતાની ફેણ ફેલાવવી જોઈએ, કારણ કે સાપ ઝેરી છે કે નહિ તેની જાણ કોને હોય છે ? હા, તેના આડંબરથી લોકો ભયભીત જરૂર થાય છે. ।। ૧૦ ।।

સાપ ઝેરી છે નહિ તેની કોઈને ખબર પડતી નથી. એટલે તેના ડંખથી બધા દૂર રહે છે અને તેને છંછેડવાનો પ્રયત્ન કરતાં નથી. તે જ રીતે મનુષ્યે પણ પોતે શક્તિશાળી છે તેવો દંભ ક્યારેક કરવો, જેથી દુષ્ટ અને અધમ મનુષ્યો તેને હેરાન-પરેશાન ન કરે. સ્વરક્ષણ કરવા કોઈક વખત આડંબરનો આશ્રય લેવો પડે તો તેમાં કંઈ ખોટું નથી.

મૂર્ખ શિરોમણિઓની દિનચર્યા

મૂર્ખ લોકોની સવાર જુગાર રમવામાં, બપોર સ્ત્રીઓના સંગમાં અને રાત ચોરી જેવાં અધમ કુકર્મોમાં વેડફાય છે. ।। ૧૧ ।।

સમયનું મૂલ્ય ન સમજનાર વ્યક્તિ તેને તુચ્છ કાર્યો કરવા પાછળ વેડફી દે છે, જ્યારે વિદ્વાન વ્યક્તિ સદ્‌કાર્યો કરવામાં સમય પસાર કરે છે. મનુષ્યે હંમેશાં યાદ રાખવું જોઈએ કે વીતેલો સમય ક્યારેય પાછો નથી આવતો.

ઈશ્વરની સ્તુતિ

પોતાના હાથે ગૂંથેલી માળા, પોતાના હાથથી ઘસેલું ગોપી ચંદન અને પોતાના જ હાથે લખેલી સ્કુતિ ઈશ્વરને અર્પણ કરવાથી મનુષ્યને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. ।। ૧ર ।।

સોનું જેટલું તપે એટલું શુદ્ધ

શેરડી, તલ, મૂર્ખ, નાનો માણસ, સ્ત્રી, સોનું, ભૂમિ, ચંદન, દહીં અને પાન - આ બધાને જેટલા પીસશો તેટલા તેમના ગુણ વધશે. ।। ૧૩ ।।

શેરડી અને તલને જેટલાં પીસવામાં આવે તેટલો જ વધુ તેમાંથી કસ નીકળે છે. સોનાને જેટલું તપાવવામાં આવે તેટલું જ તે શુદ્ધ બને છે. જમીનને જેટલી ખોદવામાં આવે તેટલી જ તે ફળદ્રુપ બને છે. તેવી જ રીતે ચંદન અને દહીંને જેટલાં રગડવામાં આવે તેટલાં તે ગુણકારી બને છે.

દબડાવીને નાના માણસો પાસેથી વધુ ને વધુ કામ લઈ શકાતું હોય છે. દાબ વગર મજૂર સરખું કામ નથી કરતો ! સ્ત્રીને પણ ‘મર્દન’ દ્વારા વધુ કામોત્તેજિત કરી શકાય છે. ચાણક્યે ‘મર્દન’ના કેટકેટલા આયામો એકીસાથે પ્રસ્તુત કર્યા છે !

ગુણ જ સાચું સૌંદર્ય

દરિદ્ર અવસ્થામાં મનુષ્ય ધૈર્યનો ગુણ કેળવે તો તે ફરીથી પ્રગતિ સાધી શકે છે. સામન્ય વસ્ત્ર પણ જો સ્વચ્છ હોય તો શોભે છે. પૌષ્ટિક તત્ત્વો વિનાના ભોજનને પણ જો તાજું અને ગરમ કરીને લેવામાં આવે તો તે સારું લાગે છે. તે જ રીતે સુશીલ વ્યક્તિ કદરૂપી હોવા છતાં પણ બધાને ગમે છે. ।।૧૪।।

વ્યક્તિમાં ઉત્તમ ગુણો હોય તો તેના બીજા બધા જ દોષ ભૂંસાઈ જાય છે.

।। દસમો અધ્યાય ।।

સામાન્ય અનાજ કરતાં દસ ગણી શક્તિ લોટમાં હોય છે. લોટ કરતાં દસ ગણાં પોષક તત્ત્વો દૂધમાં હોય છે. દૂધ કરતાં પણ આઠ ગણી વધુ તાકાત માંસમાંથી મળે છે અને માંસ કરતાં પણ દસ ગણી શક્તિ ઘીમાં હોય છે.

વિદ્યારૂપી રત્ન

જે વ્યક્તિ પાસે વિદ્યારૂપી ધન છે તે ક્યારેય હીન નથી હોતી. વિદ્વાન વ્યક્તિ દરિદ્ર હોય તો પણ પોતાના ગુણથી શોભે છે. વિદ્યા જ સાચું રત્ન છે અને જેની પાસે તે નથી તેઓ દરેક રીતે હીન હોય છે. ।। ૧ ।।

વિદ્વાનો સર્વત્ર પૂજનીય અને વંદનીય છે. તેમની પાસે રહેલું જ્ઞાન જ સાચું ધન હોય છે. તેમની સાચી મૂડી તેમના સંસ્કાર અને ગુણો હોય છે. દરેક વ્યક્તિએ સરસ્વતીની ઉપાસના કરવી જોઈએ, નહિ તો તેને માનસમ્માન મળતું નથી. મનુષ્ય આર્થિક રીતે ગમે તેટલો સધ્ધર હોય પણ જો તેની પાસે વિદ્યારૂપી રત્ન નહિ હોય તો તેનામાં વિનય-વિવેક અને સંસ્કારોનું સિંચન નહિ થાય. જેની પાસે જ્ઞાન નથી તે સૌથી મોટો ગરીબ છે.

સમજી-વિચારી આગળ વધો

વ્યક્તિએ સમજી-વિચારીને જ આગળ વધવું જોઈએ અને વસ્ત્રથી ગાળેલું જળ જ પીવું જોઈએ. શાસ્ત્રો અનુસાર જ આચરણ કરવું જોઈએ અને જે કામ કરવાની મન આજ્ઞા આપે તે જ કરવું જોઈએ. ।। ર ।।

કોઈ પણ બાબતે આગળ વધતા પહેલાં સમજુ માણસે દરેક પાસાનો વિચાર કરવો જોઈએ. લાગણી કે ભાવનામાં વહીને કોઈ પણ કાર્યમાં ઝંપલાવી ન દેવું જોઈએ. સફળતા-નિષ્ફળતાનો વિચાર પહેલાં કરવો જોઈએ, નહિ તો નિરાશા-હતાશા કે છેતરપિંડીનો ભોગ બનવું પડે છે.

શુદ્ધ જળ સ્વાસ્થ્ય સુધારે છે જ્યારે દૂષિત જળના સેવનથી શરીર બીમારીનો ભોગ બને છે. જેનું તન સારું તેનું મન સારું. જો સ્વાસ્થ્ય સારું રહે તો વ્યક્તિનાં તમામ કાર્યો નિર્વિઘ્ને પાર પડે છે. એટલે વસ્ત્રથી ગાળેલા શુદ્ધ જળનું સેવન કરવું જોઈએ.

શાસ્ત્ર વ્યવહારિક જ્ઞાનના કોશ સમાન છે. વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ અને મહાભારતમાં સંસ્કાર અને વ્યવહારિક જીવન જીવવાનાં દિશાસૂચનો છે. મનુષ્યે શાસ્ત્રોમાં કહેલા વચનોનું પાલન કરવું જોઈએ.

મન હોય તો માળવે જવાય. મન સાથ આપે તો કાર્ય કરવાની મજા આવે છે અને તેમાં ચોક્કસ સફળતા મળે છે. જે કાર્ય કરવાનો મન ઈન્કાર કરે તે કરવામાં કોઈ મજા નથી, કારણ કે દરેક કાર્યની રૂપરેખા પહેલાં મનમાં ઘડાતી હોય છે અને મન જો સાથ નહિ આપે તો કામ પાર જ નહિ પડે. કરવા ખાતર કરેલા કાર્યનો કોઈ મતલબ નથી.

એશઆરામ કરવા છે કે વિદ્યા મેળવવી છે ?

જો મોજશોખ માણવા હોય તો અભ્યાસ છોડી દો અને વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો એશઆરામનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે મોજશોખની ઈચ્છા હોય તેને ક્યારેય વિદ્યા પ્રાપ્ત થતી નથી એન વિદ્યા પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેને ક્યારેય આરામ મળતો નથી. ।। ૩ ।।

વિદ્યા પ્રાપ્ત કરવા મહેનત કરવી પડે છે અને મહેનત કરનારને વળી આરામ કેવો ? જે સુખ-આરામ ઈચ્છે છે તેને વિદ્યા પ્રાપ્ત કરવાની ઈચ્છા છોડી દેવી જોઈએ. સુખેથી અને આરામથી રહેનારને વિદ્યા મળતી નથી. વિદ્યા મેળવવા પુરુષાર્થ કરવો પડે છે એટલે જેને સરસ્વતીના ઉપાસક થવું હોય તો સુખ-આરામનો ત્યાગ કરવો જોઈએ. ચોટી બાંધીને બેસે એને જ વિદ્યા ચડે.

કવિ, સ્ત્રી અને કાગનું સામર્થ્ય

કવિ લોકો કલ્પનાના ગગનમાં વિહરીને ક્યાં નથી પહોંચતા ? સ્ત્રીઓ શું કરવા સમર્થ નથી ? નશામાં ચૂર વ્યક્તિ શું નથી બોલતી ? કાગડા કોનું ભક્ષણ કરતા નથી ? ।। ૪ ।।

કવિ કલ્પનાલોકમાં સૂર્ય અને ચંદ્ર કરતાં પણ આગળ નીકળી જાય છે. કલ્પનાના સાગરને કોઈ બંધન નથી હોતું. જેટલું આગળ જવાય તેટલું ઓછું પડે છે. તે જ રીતે સ્ત્રીઓ સારું-નરસું દરેક કાર્ય કરવા સમર્થ હોય છે. સામાન્ય રીતે પુરુષ કરતાં સ્ત્રીઓ માનસિક રીતે વધુ મજબૂત હોય છે. તે પોતાના લોખંડી મનોબળ વડે ધારે તે કરવા સમર્થ હોય છે.

દારૂડિયો એક વખત ભાન ભૂલે પછી તેને શું બોલે છે તેનું ભાન રહેતું નથી. તે નશામાં ચૂર થઈને પોતાના જ સ્વામીને રાજાની જેમ આદેશો આપે છે તો કોઈક વખત પંડિતોની જેમ જ્ઞાની બની જગત આખાને સલાહ આપવા લાગે છે. નશામાં તે માનસિક સંતુલન ગુમાવી ગમે તેવા અપશબ્દો પણ બોલે છે.

પક્ષીઓમાં સૌથી ક્રૂર કાગડો છે. તે તમામ પ્રકારના માંસનું સેવન કરે છે. કાગડો અભક્ષ્યનું પણ ભક્ષણ કરે છે.

નસીબની બલિહારી

નસીબની જ બધી બલિહારી છે. તેને કારણે જ રંક રાજા અને રાજા રંક થઈ જાય છે. તે ધનવાનને નિર્ધન અને નિર્ધનને કુબેરના જેવા ધનવાન બનાવી દે છે. ।। પ ।।

નસીબ સૌથી બળવાન છે. મનુષ્યનાં તમામ કર્મો નસીબ આધારિત છે. જો ગ્રહો બગડે તો મનુષ્યના તામ પાસા અવળા પડે છે અને આવા સમયે રાજા પણ રંક થઈ જાય છે અને ગમે તેવી ધનિક વ્યક્તિને દરિદ્રતાનો સામનો કરવો પડે છે.

જ્યારે નસીબ ખીલે ત્યારે મનુષ્ય ધૂળમાં હાથ નાંખે તો પણ તેને સોનું મળે છે. નસીબનો ખેલ રંકને રાજા બનાવી દે છે અને દરિદ્ર વ્યક્તિને કુબેર જેવો ખજાનો હાથ લાગી જાય છે.

કોણ કોને દુશ્મન લાગે

લોભી મનુષ્યને ભિખારી શત્રુ લાગે છે અને મૂર્ખ વ્યક્તિને સલાહ આપનાર શત્રુ છે. તે જ રીતે વ્યભિચારિણી સ્ત્રી પોતાના પતિને અને ચોર ચંદ્રમાને પોતાના દુશ્મન ગણે છે. ।। ૬ ।।

લાલચુ વ્યક્તિથી ક્યારેય પૈસો છૂટતો નથી. જો કોઈ તેની પાસે એક પૈસો પણ માગે તો તેને માગનાર પોતાના દુશ્મન જેવો લાગે છે. મૂર્ખને ગમે તેટલો સમજાવીએ તોપણ તે તેની મૂર્ખતા નથી છોડતો. કોઈ તેને સમજાવે તે તેને ગમતું નથી. તેવી જ રીતે ચારિત્ર્યહીન સ્ત્રીને તેનાં દુષ્કર્મો કરવામાં પતિ નડતરરૂપ લાગે છે. રાત્રિના અંધકારમાં ચંદ્રનો જ પ્રકાશ હોય છે, એટલે ચોરને ચોરી કરવામાં ચંદ્રમાનું ઓછું અજવાળું પણ બાધારૂપ લાગે છે.

પશુસમાન મનુષ્ય

જે મનુષ્ય પાસે કોઈ વિદ્યા નથી અને કોઈ પણ પ્રકારનું તપ કરવાનું સામર્થ્ય નથી, જેનામાં દાન કરવાની વત્તિ નથી અને હૃદયમાં જરા પણ કરુણા નથી. આ પ્રકારના ગુણ વિનાના અજ્ઞાની અને અધર્મી મનુષ્યો સંસારમાં પશુ સમાન છે. ।। ૭ ।।

મનુષ્યના ચાર ધર્મ છે : વિદ્યા, તપ, દાન અને દયા-કરુણા. જે વ્યક્તિના જીવનમાં આ ચાર ધર્મ જોવા મળતા નથી તે લોકો અજ્ઞાની હોય છે. તેની પાસેથી સારા-નરસા કે યોગ્ય-અયોગ્યની સમજણની કોઈ આશા રાખી ન શકાય. એટલું જ નહિ તેનામાં દયા-કરુણાવૃત્તિનો પણ અભાવ હોય છે. આ પ્રકારના મનુષ્યો અને પશુ વચ્ચે કોઈ ફરક નથી.

ભેંસ આગ ળભાગવત ન વંચાય

જેમ મલયાચલ પર્વત પર ઊગવાથી અને ચંદનના વનમાં લહેરાતા સુગંધિત પવનના સ્પર્શથી વાંસ ચંદન બની જતું નથી, તેમ જે વ્યક્તિ પાસે કોઈ યોગ્યતા નથી તેના જીવનમાં કોઈ પણ પ્રકારના ઉપદેશથી કશો ફરક પડતો નથી. ।। ૮ ।।

ભેંસ આગળ ભાગવત ન વંચાય અર્થાત્‌ જેનામાં શાસ્ત્રો સમજવાની કે યોગ્ય-અયોગ્ય ચીજવસ્તુ સમજવાની યોગ્યતા જ નથી તેને ઉપદેશ દેવાથી કોઈ ફાયદો થતો નથી. મલયાચલ પર્વત ઉપર ઊગવાથી અને ચંદનવનમાંથી લહેરતા પવનના સ્પર્શથી વાંસ ચંદન ન થાય તેમ બુદ્ધિહીન મનુષ્યો ઉપર સજ્જનોના સંગનો કોઈ પ્રભાવ પડતો નથી. જેનામાં કંઈ સમજવા-વિચારવાની શક્તિ હોય તેને ઉપદેશ આપીએ તો પરિણામ મળે છે. જેની પાસે કંઈ વિચારવા-સમજવાની બુદ્ધિ જ નથી તે શું ઉપદેશ ગ્રહણ કરશે ?

શાસ્ત્રોનો શું વાંક ?

જો સૂરદાસ દર્પણમાં પોતાનો ચહેરો ન જોઈ શકે તો તેમાં દર્પણનો શું દોષ ? જેની પાસે શાસ્ત્રોને સમજવાની બુદ્ધિ નથી તેનું કલ્યાણ ન થાય તો તેમાં શાસ્ત્રોનો શું વાંક ? ।। ૯ ।।

જે વ્યક્તિમાં કશું વિચારવાની ક્ષમતા જ નથી, જે બીજાની બુદ્ધિથી કામ કરે છે તે વેદપુરાણોનું અધ્યયન કરે તો પણ તેનો કોઈ ફાયદો થતો નથી.

દુર્જન દુષ્ટ જ રહે

જેમ ગુદાને ગમે તેટલી વખત સ્વચ્છ કરવામાં આવે તો પણ એ પવિત્ર નથી બનતી તેમ દુર્જનને ગમે તેટલો સમજાવો તો પણ તે સજ્જન નથી બની શકતા. ।। ૧૦ ।।

આત્મગ્લાનિ મૃત્યુ સમાન

આત્મગ્લાનિથી મૃત્યુ, દુશ્મન સાથે લડાઈ-ઝઘડાથી ધનનો નાશ, રાજા સાથે દુશ્મનાવટથી સર્વનાશ અને વિદ્વાન બ્રાહ્મણનો દ્વેષ કરવાથી કુળનો નાશ થાય છે. ।। ૧૧ ।।

આ શ્લોકના બંને અર્થ યોગ્ય છે એટલે કે જે વ્યક્તિ પોતાની જાત પ્રત્યે દ્વેષ રાખે છે - લઘુતાગ્રંથિ અનુભવે છે તે નાશ પામે છે. કારણ કે, શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને મનુષ્ય જ પોતાનો સૌથી મોટો પણ દુશ્મન છે. તેવી જ રીતે આપ્તજનો અને વિદ્વાનો પ્રત્યે વેરભાવ રાખનારી વ્યક્તિનો પણ નાશ થાય છે. માણસે પોતાની જાતને ક્યારેય ધિક્કારવી જોઈએ નહીં, એ આધુનિક મનોવિજ્ઞાનનું સત્ય ચાણક્યે યુગો પહેલા ભાખેલું.

સગા-સંબંધીઓનો આશરો ન લેવો

મનુષ્યે દરિદ્ર અવસ્થામાં વાઘ, હાથી અને સિંહ જેવાં હિંસક પ્રાણીઓથી ઘેરાયેલા વનમાં રહેવું, વૃક્ષ પર ઘર બનાવવું, ફળ-પાન ખાઈને નિર્વાહ કરવો, ધરતી પર ઘાસની પથારી બનાવી સૂઈ જવું અને વૃક્ષોની શાલ બનાવી શરીરને ઢાંકવું, પરંતુ પોતાના સગા-સંબંધીઓનો આશરો ક્યોરય ન લેવો. ।। ૧ર ।।

વિપ્ર વૃક્ષ અને સંધ્યા તેનું મૂળ

વિપ્ર વૃક્ષ છે, સંધ્યા તેનું મૂળ છે, વેદ તેની શાખાઓ છે અને ધર્મકર્મ તેનાં પાંદડાં છે એટલે મૂળનું હંમેશા રક્ષણ કરવું જોઈએ. મૂળ ઊખડી જવાથી વૃક્ષને ન તો શાખાઓ રહે છે અને ન પાન. ।। ૧૩ ।।

બ્રાહ્મણ એક વૃક્ષ જેવો હોય છે. બપોર અને રાત્રિની વચ્ચેના સમયે એટલે કે સંધ્યાકાળે બ્રાહ્મણ પ્રભુની ઉપાસના કરે છે. આ ઉપાસના બ્રાહ્મણરૂપી વૃક્ષની વૃદ્ધિના મૂળ જેવી હોય છે. વેદનું જ્ઞાન વૃક્ષની ડાળીઓ છે. ધર્મકાર્યો તેનાં પાંદડાં સમાન હોય છે. મૂળની રક્ષા કરવામાં આવે તો જ વૃક્ષ વૃદ્ધિ પામે છે, નહિતર વૃક્ષ નષ્ટ પામે છે.

અહીં ચાણક્યે સમાજમાં બુદ્ધિજીવી વિદ્વાનના યોગક્ષેમનું મહત્ત્વ સમજાવ્યું છે.

ઘર જ ત્રણે લોક સમાન

જે મનુષ્યની માતા લક્ષ્મી સમાન છે, પિતા વિષ્ણુ સમાન છે અને ભાઈ-બહેન વિષ્ણુના ભક્ત છે, તેના માટે તો તેનું ઘર જ ત્રણ લોક સમાન છે. ।। ૧૪ ।।

જ્યાં સ્વજનો વચ્ચે પ્રેમ પ્રવર્તતો હોય ત્યાં સાક્ષાત્‌ ભગવાન વિષ્ણુનો વાસ છે. આવા પરિવાર માટે ઘર જ સ્વર્ગ છે, ઘર જ પૃથ્વી છે અને ઘર જ પાતાળ છે - બહાર કશું શોધવાનું રહેતું નથી.

શોક ન કરવો

જેમ એક જ વૃક્ષ પર બેસેલા રંગબેરંગી પક્ષીઓ સવાર થતાં જ જુદીજુદી દિશાઓમાં ઊડી જાય છે તેમાં કોઈ નવાઈ નથી. તેમ એક જ પરિવારના સભ્યો પણ સમયે સમયે પોત-પોતાની દિશામાં દોડે છે. તેમાં શેનું દુઃખ ? ।। ૧પ ।।

જેમ રાતના સમયે બધાં જ પ્રકારનાં પક્ષીઓ એક ઝાડ પર આવીને બેસે છે તેમ આ જગતરૂપી પરિવારમાં અનેક મિત્રો અને સગાંવહાલાં મળતાં રહે છે. પરિવારના આ સભ્યો કે મિત્રો મળવાનો સમય પૂર્ણ થતાં આનંદથી છૂટા પડે છે અને પોતપોતાના કામે લાગી જાય છે. જેમ જેમ પોતપોતાનું સ્ટેશન આવતું જાય તેમ મુસાફરો ટ્રેનમાંથી ઊતરતા જાય છે. સંસાર તો પંખીમેળો છે. ક્રમ મુજબ સંયોગ-વિયોગ ચાલ્યા જ કરે. આમાં દુઃખી ન થવું જોઈએ.

બુદ્ધિ એ જ બળ

જે વ્યક્તિ પાસે બુદ્ધિરૂપી ધન છે તે જ સાચો બળવાન છે. બુદ્ધિહીનનું તો બળ પણ નિરર્થક છે, કારણ કે બુદ્ધિ હોય તો જ તે બળનો ઉપયોગ કરી શકે છે. બુદ્ધિના બળે જ એક સસલાએ અહંકારી સિંહને કૂવામાં પાડી મારી નાંખ્યો હતો. ।। ૧૬ ।।

સિંહ અને સસલાની પંચતંત્રની વાર્તા ખૂબ પ્રચલિત છે, જેમાં એક સિંહ સસલાની વાત માની કૂવામાં પોતાના જ પ્રતિબિંબને મારવા જતાં મરી જાય છે. ચતુર સસલાના બુદ્ધિબળથી જ આ શક્ય બને છે.

જીવન હરિની લીલા છે

જો હરિને વિશ્વંભર માનીએ તો જીવનમાં શેની ચિંતા ? હરિહર જ વિશ્વનો પાલન-પોષણહાર છે. જો તેમ ન હોય તો બાળકના જન્મ સાથે જ માતાના સ્તનમાં દૂધ કેવી રીતે આવે ? આમ વિચારી હે યદુપતિ ! હે લક્ષ્મીપતિ ! હું તમારા ચરણારવિંદનું નિરંતર ધ્યાન ધરીને જીવન પસાર કરું છું. ।। ૧૭ ।।

આ સમગ્ર સંસાર પરમેશ્વરનું જ સર્જન છે. તે જ બધાનું ભરણપોષણ પણ કરે છે. એટલે જ ગમે તેવી પરિસ્થિતિમાં પણ મનુષ્યે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. બસ મનુષ્યે શુદ્ધ મન રાખી નિત્ય ઉત્તમ કર્મ કરતાં રહેવું જોઈએ. કીડીને કણ અને હાથીને મણ મળી જ રહે છે. સૌની ચિંતા કરનારો ઉપર બેઠો છે.

અન્ય ભાષાનું રસપાન

જેમ સ્વર્ગમાં દેવતાઓ પાસે અમૃત હોવા છતાં તે અપ્સરાઓના હોઠના રસનું પાન કરવા માગે છે, તેમ સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોવા છતાં પણ હું અન્ય ભાષાઓ શીખવા માગું છું. ।। ૧૮ ।।

સંસ્કૃત ભાષા પ્રત્યે મને વિશેષ પ્રેમ છે. હું તેને ખૂબ સારી રીતે જાણું પણ છું. તેમ છતાંય હું બીજી ભાષાઓ શીખવામાં પણ રસ ધરાવું છું. જ્ઞાન તો જ્યાં પણ હોય ત્યાંથી ગ્રહણ કરવું ઘટે. જ્ઞાનને કોઈ ભાષાના સીમાડામાં ન બાંધી શકાય.

ઘી એટલે અમૃત

સામાન્ય અનાજ કરતાં દસ ગણી શક્તિ લોટમાં હોય છે. લોટ કરતાં દસ ગણા પોષક તત્ત્વો દૂધમાં હોય છે. દૂધ કરતાં પણ આઠ ગણી વધુ તાકાત માંસમાંથી મળે છે અને માંસ કરતાં પણ દસ ગણી શક્તિ ઘીમાં હોય છે. ।। ૧૯ ।।

અહીં ચાણક્ય ઘીનો મહિમા સમજાવે છે.

ઘી શક્તિવર્ધક

શાકભાજી ખાવાથી રોગ, દૂધના સેવનથી શરીર, ઘીના સેવનથી વીર્ય અને માંસના સેવનથી માંસ વધે છે. ।। ર૦ ।।

શાક ખાવાથી રોગ થાય છે. તેનો અર્થ એવો થાય છે કે શાકને ધોયા વિના જ ઉપયોગમાં લેવામાં આવે તો શરીરને નુકસાન થાય છે. દૂર પીવાથી જાડા થઈ જવાય છે. ઘીથી બળ અને વીર્ય બંને વધે છે, જ્યારે માંસ ખાવાથી શરીરમાં માંસ વધે છે. દરેક વસ્તુઓમાં આચાર્ય ચાણક્યે ઘીને શ્રેષ્ઠ ગણાવ્યું છે. ચાર્વાકે તો દેવું કરીનેય ઘી પીવાની સલાહ આપેલી છે.

।। અગિયારમો અધ્યાય ।।

કામ, ક્રોધ, લોભ, સ્વાદ, શ્રૃંગાર, કૌતુક, વધુ પડતી ઊંઘ, વધુ પડતી ચાકરી - આ આઠ બાબતોનો વિદ્યાર્થીઓએ ત્યાગ કરવો જોઈએ.

મનુષ્યના સ્વાભાવિક ગુણ

દાન કરવાની વૃત્તિ, મધુર ભાષણ, ધીરજ અને યોગ્ય-અયોગ્યની સમજ - આ ચાર મનુષ્યના સ્વાભાવિક ગુણો છે. તેને કેળવી ન શકાય. ।।૧।।

મનુષ્યના જન્મ સાથે જ તેને ચાર ગુણો - દાન કરવાની વૃત્તિ, મીઠી વાણી, ધૈર્ય અને યોગ્ય-અયોગ્ય કે સારા-નરસાની સમજણ - સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે. યોગ્ય પાત્રને યોગ્ય સમયે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. દાનનો માર્ગ ધર્મને પ્રાપ્ત કરવાનો પવિત્ર માર્ગ છે. દાન એ દયા અને કરુણાનું પ્રતીક છે. દીનદુઃખિયાની સેવા કરવી એ જ સાચો ધર્મ છે.

મીઠી વાણી દરેક મનુષ્યને ગમે છે. મીઠી વાણી બોલવાથી કોઈ વ્યક્તિના હૃદયને ઠેસ પહોંચતી નથી. સંતો કહે છે કે, સત્ય પણ મધુર વાણીનો ઉપયોગ કરી કહેવું જોઈએ. અંધ વ્યક્તિને તમે આંધળો કહેશો તો તેને ગમશે ? જો તેને પ્રેમથી સૂરદાસ કહેશો તો માઠું નહિ લાગે.

જીવનમાં સફળ થવા ધૈર્યનો ગુણ હોવો જરૂરી છે. મનુષ્ય ગમે તેવો કાબેલ હોય પણ જો તેનામાં ધીરજ નહિ હોય તો તેને વારંવાર નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. ઘણીવાર ઉતાવળમાં ગંભીર ભૂલો પણ થઈ જાય છે.

યોગ્ય-અયોગ્ય કે સારા-નરસાની સમજ વ્યક્તિમાં હોવી જોઈએ. પોતાના સમય અને સંજોગો અનુસાર વ્યક્તિ માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય તેની સમજણ માણસમાં ન હોય તો તે સાચા નિર્ણયો લઈ શકતો નથી.

નાશ

જેમ સ્વધર્મનો ત્યાગ કરી બીજા ધર્મનો આશ્રય લેનાર રાજા નાશ પામે છે, તેમ પોતાના સમુદાયને છોડી બીજા સમુદાયનો આશરો લેનાર મનુષ્ય નષ્ટ થાય છે. ।। ર ।।

ભગવદ્‌ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે, ગમે તેવો ખરાબ હોય તો પણ પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે. માણસે પોતાના ધર્મના આશ્રયે જ રહેવું જોઈએ બીજા ધર્મનો આશ્રય લઈ પોતાના ધર્મનો ત્યાગ કરવો દ્રોહ કર્યા સમાન છે.

તે જ રીતે પોતાના સમુદાય સાથે દ્રોહ કરીને બીજા સમુદાય સાથે ભળે તે વ્યક્તિ પણ નાશ પામે છે. પોતાના સમુદાયના લોકો સાથે રહેવાથી વ્યક્તિનાં મૂળિયાં સચવાઈ રહે છે, જ્યારે બીજા સમુદાયના લોકો વચ્ચે રહેવાથી મનુષ્યનું સંસ્કાર ભાથું નાશ પામે છે. આ વાત ગામ છોડી શહેરમાં વસવાટ કરનારાઓને અને દેશ છોડી વિદેશમાં વસનારાઓને કેવી આબાદ લાગુ પડે છે !

અક્કલ બડી કે ભેંસ ?

સ્થૂળકાય હાથીને અંકુશમાં લઈ વશ કરી શકાય છે. શું અંકુશ હાથી સમાન હોય છે ? દીવો પ્રગટ થતાં જ અંધકાર નષ્ટ થાય છે. શું અંધકાર દીપક સમાન હોય છે ? વજ્રના પ્રહારોથી મોટા-મોટા પર્વતોનું પતન થઈ જાય છે. શું વજ્ર પર્વત સમાન હોય છે ? દરેક ચીજવસ્તુ પોતાના ગુણ અને તેજથી જ શક્તિશાળી હોય છે. મહાકાય શરીરનો કોઈ ફાયદો નથી. ।।૩।।

‘અક્કલ બડી કે ભેંસ ?’ બુદ્ધિ અને ગુણ સૌથી અસરકારક શસ્ત્ર છે. મહાકાય હાથીને મહાવત પોતાની આવડત વડે જ અંકુશમાં લે છે. મહાવત કે તેની આવડતનું કદ હાથી જેવડું હોતું નથી.

અંધકાર દૂર કરવા દીપ પ્રગટાવવામાં આવે છે. કાળા ડિબાંગ અંધકારને નાનું સરખું કોડિયું નાથી શકે છે. તે જ રીતે વજ્રનું કદ પર્વતની સરખામણીમાં નાનું હોય છે, પણ તેનો યોગ્ય ઉપયોગ કરવાથી મોટા મોટા પર્વતોનો ભાંગીને ભુક્કો કરી દે છે. બધી મહાકાય ચીજવસ્તુઓ શક્તિશાળી હોતી નથી.

કળિયુગનો પ્રભાવ

કળિયુગમાં અઢી હજાર વર્ષ પૂર્ણ થતાં ગ્રામદેવતા ગામનો, પાંચ હજાર વર્ષ પૂર્ણ થતાં ગંગામૈયા જળનો અને દસ હજાર વર્ષ પૂર્ણ થતાં પરમ કૃપાળુ પરમાત્મા પૃથ્વીનો ત્યાગ કરી દે છે. ।। ૪ ।।

કળિયુગમાં પૃથ્વી ઉપર અસત્ય અને હિંસાનું રાજ હશે તેવું શાસ્ત્રો કહે છે. શાસ્ત્રો અનુસાર કળિયુગમાં પૃથ્વી ઉપર પાપનો ભાર વધી જશે. તેની આગાહી કરતા આ શ્લોકમાં કહેવાયું છે કે, કળિયુગના અઢી હજાર વર્ષ પૂર્ણ થતાં ગ્રામદેવતા અર્થાત્‌ લોકદેવતા ગામનો ત્યાગ કરી દે છે. કદાચ કહેવાનું તાત્પર્ય એ છે કે, ગ્રામ્ય વ્યવસ્થનો નાશ થઈ જશે.

કળિયુગમાં પાંચ હજાર વર્ષ પૂર્ણ થતાં ગંગામૈયા જળ છોડી દેશે, એટલે કે પવિત્ર ગંગા નદી લુપ્ત થઈ જશે અને દસ હજાર વર્ષ પૂર્ણ થતાં ઈશ્વર પૃથ્વીનો ત્યાગ કરી દેશે, એટલે કે અધર્મીઓ અને પાપીઓનું સામ્રાજ્ય અટલું બધું વધી જશે કે સજ્જનો ઈશ્વરનું નામ લેતાં પણ ગભરાશે.

યથા ગુણ તથા ફળ

જે વ્યક્તિને ઘર પ્રત્યે આસક્તિ હોય તેને વિદ્યા પ્રાપ્ત થતી નથી. જે વ્યક્તિ માંસાહારી હોય તેના હૃદયમાં કરુણા હોતી નથી. જે વ્યક્તિ લોભી હોય તેના જીવનમાં સત્યને કોઈ સ્થાન હોતું નથી. જે વ્યક્તિનું મન સ્ત્રીઓમાં જ રમતું હોય તે અપવિત્ર હોય છે. ।। પ ।।

જેને ઘર પ્રત્યે મોહ વધુ હોય તેનું મન અભ્યાસ કરવામાં લાગતું નથી. તે સદાય ઘરનો જ વિચાર કરતો હોવાથી તેને વિદ્યાભ્યાસમાં સફળતા મળતી નથી. જે વ્યક્તિ માંસાહારી એટલે કે બીજાં પ્રાણીઓના માંસનું સેવન કરે તેના હૃદયમાં દયા કે કરુણા ન હોય. દયા કે કરુણા હોય તે શું માંસનું સેવન કરે ? એટલું જ નહિ માંસના સેવનથી ધીમેધીમે મનુષ્યની વૃત્તિ હિંસક થાય છે.

લોભ અને સત્ય ક્યારેય એકસાથે રહી ન શકે. લોભ જાગે એટલે ધીમેધીમે સત્યનો નાશ થાય. મનુષ્ય વધુ ને વધુ મેળવવાના લોભમાં ધીમેધીમે સત્યથી દૂર થતો જાય છે અને છેવટે તેને અસત્યનો કોઈ છોછ રહેતો નથી. તે જ રીતે જેનું મન સતત સ્ત્રીઓની સુંદરતામાં જ રમમાણ રહેતું હોય તે અપવિત્ર જ હોય. કામ અને વાસના મનુષ્યને પતન તરફ દોરી જાય છે.

લીમડામાં મીઠાશ આવતી નથી

જેમ દૂધ અને ઘીથી ઉછેરવામાં આવે તો પણ લીમડાના વૃક્ષમાં મીઠાશ આવતી નથી તેમ દુષ્ટ વ્યક્તિને સુધારવા ગમે તેટલા પ્રયત્ન કરો તો પણ તેમનામાં સજ્જનતા પ્રવેશતી નથી. ।। ૬ ।।

લીમડાનું વૃક્ષ સ્વાભાવિક રીતે જ કડવું હોય છે. તેનું પોષણ અમૃત સમાન દૂધ અને ઘીથી કરવામાં આવે તો પણ તેને કડવા પાન જ આવે છે. તેની સ્વાભાવિકતામાં કોઈ ફરક પડતો નથી. તે જ રીતે દુષ્ટ વ્યક્તિની મૂળ પ્રકૃતિ જ અધમ અને નીચ હોય છે. તે ક્યારેય કોઈ પણ વ્યક્તિનું સારું ઈચ્છતી નથી. તેમને ગમે તેટલી સમજણ આપો તો પણ તેમની સ્વાભાવિક પ્રવૃત્તિઓમાં કોઈ ફરક પડતો નથી. રાવણ પંડિત હતો, પરંતુ તેની સ્વાભાવિક દુષ્ટતા તે ક્યારેય છોડી શક્યો નહોતો. તે પોતાના વિનાશને જાણતો હોવા છતાં તેની પ્રકૃતિને વશ હતો.

દુષ્ટ ને મુક્તિ મળતી નથી

જેમ મદિરાનું પાત્ર યજ્ઞના હવનથી પણ શુદ્ધ ન થાય તેમ દુષ્ટ વ્યક્તિ ગમે તેટલી તીર્થયાત્રા કરે તો પણ તેનું મન ક્યારેય શુદ્ધ થતું નથી. ।। ૭ ।।

મદિરાનું પાત્ર અગ્નિમાં નાંખવાથી શુદ્ધ થતું નથી. તેને શુદ્ધ સમજવામં આવતું નથી. તે જ રીતે જે વ્યક્તિના મનમાં મેલ હોય તેને તીર્થસ્થાનથી કોઈ ફળ મળતું નથી. તીર્થસ્નાન કરવાથી શરીરની સફાઈ થઈ શકે છે, પણ મનની નહિ. પાપી ગમે તેટલી વખત ગંગામૈયામાં ડૂબકી મારે છતાં તે પાપી જ રહે છે. ગંગામૈયામાં નાહવાથી મનનો મેલ દૂર થતો નથી.

અજ્ઞાનીને જ્ઞાન કેવું !

જે જેના ગુણો જાણતું નથી તે તેની નિંદા કરે તો તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે ! ભીલ સ્ત્રી હાથીના મસ્તકનું મોતી છોડી જંગલી ફૂલોની માળા પહેરે છે. ।। ૮ ।।

જંગલમાં રહેતી ભીલની સ્ત્રીને ગંડસ્થળમાં પાકતા હાથીના મોતીની શું કિંમત છે તેની જાણ હોતી નથી. તે પછી ઘૂઘરીઓની માળા પહેરે તેમાં કશી નવાઈ નથી. તે હાથીના મોતીને તુચ્છ સમજે છે. તે જ રીતે મૂર્ખ વ્યક્તિ જો કોઈ વિદ્વાન વ્યક્તિની ટીકા કરે તો તેમાં નવાઈ પામવા જેવું કશું નથી, કારણ કે તેનામાં વિદ્વાનના ગુણોને સમજવાની શક્તિ જ નથી.

મૌન એક તપસ્યા

મૌન રહેવું એક પ્રકારની તપસ્યા છે. જે વ્યક્તિ એક વર્ષ સુધી મૌન રહીને ભોજન કરે છે તેને કરોડો યુગો સુધી સ્વર્ગલોકનું સુખ પ્રાપ્ત થાય છે. ।। ૯ ।।

સંતો કહે છે કે મૌન રહેવામાં મજા છે. મૌન રહેવું સરળ નથી એટલે જ તપ સમાન છે. મૌન ધારણ કરવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. મૌન એટલે જીભની સાથેસાથે મનને પણ વિરામ. જીભ વિરામ લે પણ મનમાં અનેક પ્રકારના વિચારો ચાલતા રહે તો તેનો કોઈ મતલબ નથી. મન દુન્વયી વિચારોથી મુક્ત થાય છે ત્યારે તે ઈશ્વર તરફ પ્રયાણ કરે છે.

વિદ્યાર્થીઓ આ આઠનો ત્યાગ કરો

કામ, ક્રોધ, લોભ, સ્વાદ, શ્રૃંગાર, કૌતુક, વધુ પડતી ઊંઘ, વધુ પડતી સેવા - આ આઠ બાબતોનો વિદ્યાર્થીઓએ ત્યાગ કરવો જોઈએ. ।। ૧૦ ।।

વિદ્યાર્થીઓએ વિદ્યાભ્યાસમાં સફળતા મેળવવા એકાગ્રતાની જરૂર હોય છે. કામ એટલે સ્ત્રીઓનો સહવાસ, ક્રોધ, લોભ, જુદુજુદી વાનગીઓનો સ્વાદ, શ્રૃંગાર, વધુ પડતી ઊંઘ, કોઈની વધુ પડતી સેવા તેની એકાગ્રતા ભંગ કરે છે.

પોતાના ધ્યેય સુધી પહોંચવા વિદ્યાર્થીઓએ વિવેક અને વિનય કેળવવો જોઈએ. જ્યાં ક્રોધનો વાસ હોય ત્યં વિનય-વિવેક પ્રવેશ કરતાં નથી. તેમણે અભ્યાસ દરમિયાન વધુ ને વધુ વિદ્યા ગ્રહણ કરવી જોઈએ. જે વ્યક્તિ વધુ પડતી ઊંઘ લે છે તેને વિદ્યા પ્રાપ્ત થતી નથી. જુદીજુદી વાનગીઓનો સ્વાદ અને શ્રૃંગાર કરવાથી તેનું મન વારંવાર સ્વાદિષ્ટ વાનગીઓનું સેવન કરવા તથા જુદાજુદા શણગાર સજવા લલચાય છે અને વિદ્યાર્થીઓ પોતાના મૂળ ધ્યેયથી વિચલિત થઈ જાય છે.

ઋષિ સમાન બ્રાહ્મણ

જે બ્રાહ્મણ ખેડ્યા વિનાની જમીનમાંથી ફળ, મૂળ વગેરેનું ભોજન કરે છે, સદાય વનમાં રહે છે અને નિત્ય શ્રાદ્ધ કરે છે તે ઋષિ સમાન છે. ।। ૧૧ ।।

જે બ્રાહ્મણ ઘરનો ત્યાગ કરી વનમાં રહે છે, વનમાં જ કંદમૂળ અને ફળ-ફૂલ ખાઈ પ્રભુભજનમાં જીવન પસાર કરે છે તેનું જીવન ધન્ય થઈ જાય છે. ઘરનો ત્યાગ કરવાથી વ્યક્તિ સંસારની માયાજાળમાંથી છૂટી જાય છે અને ઈશ્વરનું ધ્યાન કરવામાં તેનું મન એકાગ્રતા ધારણ કરી શકે છે. કંદમૂળ્‌ અને ફળ-ફૂલ સાત્ત્વિક ભોજન છે. તેનું સેવન કરવાથી મનુષ્યના શરીરમાં વિકાર ઉત્પન્ન થતાં નથી. અને મનમાં હંમેશા ઉચ્ચ વિચારો જન્મે છે. ચાણક્ય પોતે આવા બ્રાહ્મણ હતા.

દ્વિજ બ્રાહ્મણ

દિવસમાં એક ટંક ભોજન કરનાર, અભ્યાસ, તપ જેવાં કાર્યોમાં રચ્યોપચ્યો રહેનાર અને ઋતુકાળમાં પત્ની સાથે સંભોગ કરનાર બ્રાહ્મણ દ્વિજ કહેવાય છે. ।। ૧ર ।।

વૈદિક શાસ્ત્રોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને દ્વિજ કહેવાય છે. જે બ્રાહ્મણ દિવસમાં એક ટંક ભોજન કરે છે, વિદ્યાદાનના કાર્યમાં લિપ્ત રહે છે, દરરોજ ચોક્કસ સમયે પ્રભુભજન કરે છે તેમજ માસિક ધર્મ પછી ઋતુકાળમાં જ પત્ની સાથે મૈથુન કરે છે તે બ્રાહ્મણ દ્વિજ છે. અહીં ચાણક્યે આહારવિહારમાં સંયમના મહત્ત્વનો નિર્દેશ કર્યો છે.

વૈશ્ય સમાન બ્રાહ્મણ

જે બ્રાહ્મણ સાંસારિક કાર્યોમાં વ્યસ્ત રહે છે, પશુઓ પાળે છે, વ્યાપાર અને ખેતી કરે છે તે તો વૈશ્ય છે. ।। ૧૩ ।।

બ્રાહ્મણનું કાર્ય સમાજમાં સરસ્વતીનો પ્રચાર-પ્રસાર કરવાનું છે. તેનું મુખ્ય કામ સમાજમાં જ્ઞાનનો દીપ પ્રગટાવવાનું છે. તે ક્ષત્રિય અને વૈશ્ય સમાજનાં બાળકોમાં તેમના મૂળ સંસ્કારોનું સિંચન કરે છે. જે બ્રાહ્મણ પોતાના મૂળ કર્મથી વિચલિત થઈ સાંસારિક કાર્યોમાં ઓતપ્રોત થઈ જાય છે, પશુઓ પાળે છે અને વ્યાપાર-ધંધામાં ઝંપલાવે છે તે વૈશ્ય સમાન છે. ખેતી અને વ્યાપાર તો વૈશ્યનું કર્મ છે.

બ્રાહ્મણનું કર્મ ન કરે તે બ્રાહ્મણ શાનો ?

જે બ્રાહ્મણ લાખ, તેલ, ગળી, રંગ, મધ, ઘી, દારૂ અને માંસનો વેપાર માંડીને બેઠો હોય તે શૂદ્ર જ ગણાય. ।। ૧૪ ।।

બિલાડા જેવો બ્રાહ્મણ

બીજાનું કામ બગાડનાર, દંભી, સ્વાર્થી, કપટી, દ્વેષી, વાણીથી મીઠો

પરંતુ મનથી મેલો બ્રાહ્મણ બિલાડા સમાન છે. ।। ૧પ ।।

બિલાડો બીજાનું કામ બગાડે છે. તે સરળ હોવાનો ઢોંગ કરે છે અને તેનો અવાજ મીઠો હોય છે, પરંતુ તે દંભી અને મનથી મેલો હોય છે. તક મળતાં જ તે પોતાના સ્વાર્થમાં અંધ થઈને બીજાની ચીજવસ્તુ આંચકી લેતા અચકાતો નથી. જે બ્રાહ્મણમાં આ પ્રકારના ગુણ હોય તે બિલાડા જેવો છે.

શૂદ્ર સમાન બ્રાહ્મણ

જે બ્રાહ્મણ વાવ, કૂવા, તળાવ, મંદિર વગેરેનો નાશ કરે છે તે બ્રાહ્મણ શૂદ્ર સમાન છે. ।। ૧૬ ।।

જળ એ જીવન છે અને વાવ, કૂવા, તળાવ વગેરે જળના વિવિધ

સ્ત્રોત છે. તેનો નાશ કરવો એટલે જીવનનો નાશ કરવો. એટલું જ નહિ મંદિર પ્રભુનું ધામ છે. તે મનુષ્યની આસ્થાનું કેન્દ્ર છે.

જીવનનો નાશ કોણ કરે ? મંદિરનો નાશ કોણ કરે ? જે વ્યક્તિમાં આસુરી ભાવના પ્રબળ હોય અને જે શૂદ્ર સમાન હોય તે જ આવાં અધર્મ કાર્યો કરે છે. જે બ્રાહ્મણ જળનો અને ધર્મનો નાશ કરે છે તે શૂદ્ર સમાન છે.

ચંડાળ

જે બ્રાહ્મણ ભગવાન અને ગુરુની ચીજવસ્તુઓ ચોરે છે, પરસ્ત્રી સાથે સંભોગ કરે છે અને સારા-નરસા બધા મનુષ્યો સાથે વ્યવહાર કરે છે તે ચંડાળ છે. ।। ૧૭ ।।

વૈદિક સંસ્કૃતિમાં મનુષ્યનો વર્ણ તેના કર્મના આધારે નક્કી કરવાની પ્રથા છે. જે વ્યક્તિ ચોરી કરે, પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રી સાથે મૈથુન કરે અને સારા-ખરાબ તમામ પ્રકારના મનુષ્યો સાથે આચાર-વ્યવહાર રાખે તેને ચંડાળ કહેવાય છે. બ્રાહ્મણના ઘેર જન્મેલ પુત્ર સ્વાભાવિક રીતે બ્રાહ્મણ કહેવાય છે, પણ તે જો ચોરી કરતો હોય, પરસ્ત્રીઓ સાથે સંબંધ રાખતો હોય અને વ્યવહાર રાખવામાં મનુષ્યો કેવા છે તેની પરવા ન કરે તો તે ચંડાળ જ છે.

ભોજન અને ધનના દાનનો મહિમા

મહાપુરુષો ભોજન અને ધનનું દાન કરે છે. તેનો સંચય કરવો યોગ્ય નથી. કર્ણ, બલિ વગેરેના ગુણગાન આજે પણ ગવાય છે. લાંબા સમય પછી દાન ન કરેલું કે ભોજનમાં ન લીધેલું મધ નષ્ટ થઈ જાય પછી મધમાખીઓ પોતાના બંને પગ ઘસે છે. ।। ૧૮ ।।

દાન ધર્મ સમાન છે. વૈદિક સંસ્કૃતિમાં દાનનો મોટો મહિમા છે. દાન કરવાની વૃત્તિને કારણે જ આજે પણ દાનેશ્વરી કર્ણ અને રાજા બલિના ગુણગાન ગવાય છે. કર્ણે પોતાના કવચ-કુંડળનું દાન કરી દીધું પણ વચનનું પાલન કર્યું. મહાપુરુષો ધન અને ભોજનનું દાન કરે છે. તેનો સંચય કરવાથી તે નષ્ટ થઈ જાય છે, પરંતુ તે સત્કાર્યોમાં વાપરવાથી વધે છે.

મધમાખી પોતાનું મધ ન તો પોતે ખાય છે, ન કોઈને આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ મધ કાઢી લે છે ત્યારે તે દુઃખી થઈને પોતાના પગ જમીન પર ઘસે છે.

મધમાખીની આખી જિંદગી મધ એકઠું કરવામાં જ જતી રહે છે. તેણે મહામહેનતે એકઠું કરેલું મધ ક્યાં તો રીંછ જેવું પ્રાણી ખાઈ જાય છે, ક્યાં તો મધના વેપારી છીનવી લે છે. તેવી જ રીતે ધનનો સંગ્રહ કરનારી વ્યક્તિ સાથે પણ આવું જ થાય છે. એટલે આ દ્વારા આચાર્ય ચાણક્ય સમજાવે છે કે ધનનો ઉપયોગ દાન જેવી પ્રવૃત્તિ માટે કરવો જોઈએ, નહિતર તે નાશ પામે છે.

।। બારમો અધ્યાય ।।

એક પછી એક ટીપાથી આખો ઘડો ભરાઈ જાય છે. તેવી જ રીતે ધીમે ધીમે ધન, વિદ્યા અને ઉત્તમ કાર્યો કરતાં રહેવાથી એક દિવસ એ સમૃદ્ધ ખજાનો બની જાય છે.

ગૃહસ્થ ધર્મ

જે વ્યક્તિના ઘરમાં આનંદમંગળનું વાતાવરણ પ્રવર્તતું હોય, સંતાન બુદ્ધિશાળી હોય, પત્ની મૃદુભાષી હોય, પોતે ઉદ્યમી હોય, જેની પાસે પ્રામાણિકતાથી કમાયેલું ધન હોય, ઉત્તમ મિત્રો હોય, પોતાની પત્ની પ્રત્યે પ્રેમ અને આદર ધરાવતો હોય તેમ જ તેના નોકર-ચાકર તેની આજ્ઞાનું પાલન કરતાં હોય, જેનાં કુટુંબમાં અતિથિતે આદર અપાય છે, ઈશ્વરની ઉપાસના કરાય છે, ઘરમાં દરરોજ સ્વાદિષ્ટ ભોજન અને મીઠાં પીણાંની વ્યવસ્થા હોય. જે ગૃહસ્થને હંમેશાં સજ્જન વ્યક્તિઓની સંગતિ કરવાની તક મળે છે તે ધન્ય થઈ જાય છે અને પ્રશંસાને પાત્ર બને છે. ।। ૧ ।।

બ્રહ્મદાન

દયાળુ અને કરુણાસભર મનુષ્ય દુખિયારાં લોકોને અને બ્રાહ્મણોને શ્રદ્ધાથી જે કંઈ પણ દાન કરે છે, તેને ભગવાનની કૃપાથી ઘણી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ।। ર ।।

કબીરે પણ કહ્યું છે કે ‘દાન દિયે ધન ન ઘટે’ એટલે કે દાન કરવાથી કે દાન કરનારું ધન ક્યારેય નથી ઘટતું.

શાણા પુરુષોના વહેવારથી ટકે સંસાર

જે શાણા પુરુષો પોતાના ભાઈભાંડુઓ સાથે સજ્જનતાપૂર્વક અને નમ્રતાથી વર્તે છે, બીજાઓ પ્રત્યે દયા રાખે છે અને દુર્જન સાથે જેવા સાથે તેવાની જેમ વર્તે છે; સજ્જન વ્યક્તિને આદર આપે છે, પાપી વ્યક્તિ પ્રત્યે કડક વલણ રાખે છે અને વિદ્વાન સાથે સરળતાથી વર્તે છે. શક્તિશાળી લોકોની સાથે વીરતા અને પરાક્રમથી કામ લે છે; ગુરુ, માતાપિતા અને આચાર્ય પ્રત્યે સહનશીલ થઈ વ્યવહાર કરે છે અને સ્ત્રીઓ પર અંધવિશ્વાસ ન મૂકતાં તેમની સાથે ચાલાકીથી વર્તે છે, તેઓના કારણે જ આ સંસારનો કાર્યવ્યવહાર ચાલે છે. ।। ૩ ।।

શિયાળ જેવા લોકો

જેના હાથે ક્યારેય દાનકર્મ નથી થયું એટલે કે જેણે જીવનમાં ક્યારેય દાન કર્યું જ નથી; કાન વડે વિદ્વાનોનાં વચન કદી સાંભળ્યાં જ નથી; નેત્રોથી સજ્જન પુરુષનાં દર્શન નથી કર્યાં, પગપાળા યાત્રા ધામોની યાત્રા નથી કરી; અન્યાય થકી ધન ભેગું કરી જીવન જીવનારી વ્યક્તિ આટલું કર્યા પછી પણ જો સમાજમાં ગર્વભેર જીવતી હોય, તો ચાણક્ય તેને શિયાળ જેવી નીચ વ્યક્તિ ગણાવે છે ! તેઓ કહે છે કે તું તો નીચ કરતાં પણ નીચ છે. એટલે શક્ય તેટલી જલ્દીથી તારા નીચ શરીરનો ત્યાગ કરી દે. આ દ્વારા તેમનું કહેવું છે કે આવા જીવન કરતાં મૃત્યુ મેળવવું ઉત્તમ છે. ।। ૪ ।।

ભાગ્યમાં લખેલું ભોગવવું પડે

જો કરીલના છોડ પર પાંદડાં ન ઊગે તો એમાં વસંત ઋતુનો શો વાંક ? ઘુવડને ધોળે દિવસે કશું દેખાય નહીં તેમાં સૂર્યનો શો વાંક ? ચાતકની ચાંચમાં વરસાદનું પાણી ન પડે તેમાં વાદળનો શો વાંક ? આ બધું પૂર્વ નિશ્ચિત હોય છ. જગતનું નિર્માણ કરનારા બ્રહ્માને મનુષ્યના ભાગ્યમાં જે લખ્યું છે તેને કોઈ પણ ભૂંસી શકતું નથી. માણસે તે ભોગવવું જ પડે છે. ।।પ।।

ચાણક્ય કહે છે કે ભાગમાં લખાયેલા વિધાનને કોઈ પણ શક્તિ બદલી નથી શકતી.

સંગનો રંગ

સજ્જન વ્યક્તિની સંગતમાં રહી દુર્જન પણ સજ્જન બની શકે છે, પરંતુ સજ્જન વ્યક્તિમાં દુર્જનના ગુણો ક્યારેય નથી આવતાં. જેવી રીતે ફૂલમાં રહેલી સુવાસ માટીમાં તો ભળી જાય છે, પણ માણીની મહેક ફૂલમાં ક્યારેય નથી ભળી શકતી. ।। ૬ ।।

સંત સમાગમ

સજ્જન પુરુષનાં દર્શન માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે સંત પુરુષ સાક્ષાત તીર્થસ્વરૂપ હોય છે. તીર્થયાત્રા કરનારને પણ યોગ્ય સમય આવે ત્યારે જ ફળ મળે છે, જ્યારે સંતમહાત્માના સત્સંગથી તત્કાળ લાભ થાય છે. જેસલ જેવા લૂંટારાને તોરલ પળમાં તારી દઈ શકે છે. ।। ૭ ।।

ઝેરનો કીડો - ઝેરમાં જન્મે અને ઝેરમાં મરે

કોઈ મુસાફર કે યાત્રી કોઈ એક નગરમાં પહોંચી બ્રાહ્મણને પૂછે છે,

‘હે બ્રાહ્મણ ! મને કહેશો આ નગરમાં મોટું કોણ છે ?’

બ્રાહ્મણ ઉત્તર આપે છે, ‘તાડનાં વૃક્ષોનું ઝુંડ.’

યાત્રી ફરી પ્રશ્ન પૂછે છે, ‘આ નગરમાં દાનવીર કોણ છે ?’

જવાબ મળે છે, ‘ધોબી જ અહીંયા સૌથી મોટો દાનવીર છે. જે પરોઢિયે ઊઠી કપડાં ધૂએ છે, રાત્રે સમયસર પાછાં આપી જાય છે.’

યાત્રીએ બ્રાહ્મણને ફરી સવાલ કર્યો, ‘આ નગરમાં ચતુર કોણ છે ?’

બ્રાહ્મણે ઉત્તર આપ્યો, ‘આ નગરમાં વસનાર દરેક પારકું ધન અને પરસ્ત્રીનું હરણ કરવામાં ચતુર છે.’

યાત્રીએ પૂછ્યું, ‘આવી પરિસ્થિતિમાં તકે કેવી રીતે તમારું જીવન પસાર કરો છો ?’ ત્યારે બ્રાહ્મણે કહ્યું, ‘હું ઝેરમાં ઉત્પન્ન થનાર કીડા જેવો છું. જે ઝેરમાં જ જન્મે છે, તેમાં જ જીવે છે અને તેમાં જ મરી જાય છે. એવી જ રીતે આ લોકો સાથે હું મારું જીવન જીવી રહ્યો છું. ।। ૮ ।।

બ્રાહ્મણે નગરમાં તાડના વૃક્ષને સૌથી મોટું ગણાવ્યું. માણસો તો વામણા છે. અહીં કોઈ દાતા નથી, વિદ્વાન નથી. આ તો અલેલટપ્પુઓનું ગામ છે. પણ અમારું ભાગ્ય એની સાથે જોડાયેલું છે એટલે અમને અહીં ફાવી ગયું છે ! ‘ઍડજસ્ટમેન્ટ ઇઝ લાઇફ.’

સ્મશાનવત્‌ ઘર

જે ઘરમાં બ્રાહ્મણના પગ ધોનાર જળથી કીચડ ન થયો હોય, જ્યાં વેદપુરાણોનું પઠન ન થતું હોય, જે ઘરમાં ‘સ્વાહા’ અને ‘સ્વધા’ શબ્દોનું ઉચ્ચારણ ન થતું હોય તે ઘર સ્મશાન જેવું હોય છે. ।। ૧૯ ।।

અહીં તેમણે એટલું જ કહ્યું છે કે જે ઘરમાં વિદ્વાનો કે સંત મહાત્માનો આદર થતો નથી, ઈશ્વરનું સ્મરણ પણ કરાતું નથી તે ઘર સ્મશાન જેવું હોય છે. ઘરને સ્વર્ગ બનાવે છે ઉમદા વિચારો.

સંતનું કુટુંબ

એક સાંસારિક પુરુષે એક સંત મહાત્માને પ્રસન્ન મુદ્રામાં જોઈને એક સવાલ કર્યો. ત્યારે સંત મહાત્માએ પોતાના પરિવારનો પરિચય આપતા જવાબ આપ્યો, ‘સત્ય મારી માતા છે અને જ્ઞાન મારા પિતા. ધર્મ મારો ભાઈ છે અને દયા મારી બહેન. શાંતિ મારી પત્ની છે તો ક્ષમા મારા સંતાનનું નામ છે. આ છ મારા પરિવારનાં સભ્યો છે, મારાં સ્વજનો અને સગાંવહાલાં છે. ।। ૧૦ ।।

ધર્મમય જીવન જીવો

આ શરીર અનિત્ય છે એટલે કે નાશવાન છે. ધનસંપત્તિ પણ હંમેશાં કોઈ એકની પાસે સ્થિર નથી રહેતી. મૃત્યુ હંમેશાં દરેકની પાસે જ રહે છે. એટલે જ દરેક વ્યક્તિએ ધર્મનું આચરણ કરવું જોઈએ. ।। ૧૧ ।।

જગતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિએ મૃત્યુને ભેટવું જ પડે છે. તેને જેટલું જીવન મળે તેમાં ધર્મનું આચરણ કરવું જોઈએ.

શ્રી કૃષ્ણઃ શરણં મમ

બ્રાહ્મણને ભોજન માટે આમંત્રિત કરાય તો તેના માટે ઉત્સવ સમાન હોય છે. ગાયને તાજું ઘાસ મળી જાય તો તેના માટે તહેવાર સમાન હોય છે. પતિનો ઉત્સાહ વધે તો પત્ની માટે ઉત્સવ જેવું હોય છે. મારા માટે તો શ્રી કૃષ્ણનાં ચરણોમાં લીન થવું જ ઉત્સવ છે. ।। ૧ર ।।

સત્ય દર્શન

જે પરુષ પરસ્ત્રીમાં માતાનાં દર્શન કરે છે, બીજાના ધનને માટીનું ઢેફું જ માને છે અને જગતના બધા જ જીવને પોતાનો આત્મા સમજે છે. હકીકતમાં તે જ સાચું જુએ છે. ।। ૧૩ ।।

ભક્તિ અને શ્રદ્ધા

નિરંતર ધર્મમાં રચ્યાપચ્યા રહેવું. મોઢેથી મીઠાં વેણ બોલવાં, દાન આપવા હંમેશા ઉત્સુક રહેવું, મિત્ર પ્રત્યે ભેદભાવ ન રાખવો, ગુરુ પ્રત્યે નમ્રતા અને હૃદયમાં ગંભીરતા રાખવી, આચરણથી પવિત્ર રહેવું, ઉત્તમ ગુણોને ગ્રહણ કરવાની વૃત્તિ રાખવી, શાસ્ત્રોનું જ્ઞાન મેળવવું, રૂપમાં સુંદર સૌજન્યસભર ચહેરો અને પ્રભુ પ્રત્યે ભક્તિભાવ અને શ્રદ્ધા જેવા સદ્‌ગુણો સજ્જન પુરુષમાં જ જોવા મળે છે. ।। ૧૪ ।।

રામ જ મોટું નામ

કલ્પવૃક્ષ, જે બધાંની ઈચ્છા પૂરી કરે છે તે લાકડાનું હોય છે. સુમેરુ એક પર્વત છે, ચિંતામણિ માત્ર એક પથ્થર છે, સૂર્ય પ્રચંડ કિરણોવાળો છે. ચંદ્રમાંની કળા ક્ષીણ થતી રહે છે, સમુદ્ર ખારો હોય છે. કામદેવનું કોઈ શરીર જ નથી. દાનવીર રાજા બલિ હકીકતમાં એક દૈત્ય જ છે. કામધેનુ એટલે કે દરેકની ઈચ્છા પૂરતી કરનાર ગાય એક પશુ જ છે. હું આ બધાંને તમારી કક્ષામાં નથી મૂકતો એટલે કે તમારી સમકક્ષ નથી સમજતો. હે પ્રભુ રામ, તમારી સરખામણી કોની સાથે કરું - રામની તુલના ફક્ત રામ સાથે જ થઈ શકે. ।। ૧પ ।।

કોની પાસેથી શું શીખવું ?

વ્યક્તિ દરેક જગ્યાથી કંઈક તો શીખે જ છે. રાજપુત્રો પાસેથી નમ્રતા, વિદ્વાનો પાસેથી સુવચનો, જુગારીઓ પાસેથી જૂઠું બોલતાં અને સ્ત્રીઓ પાસેથી છળ કરતાં શીખવું. દરેકપાસે કંઈ ને કંઈ શીખવા જેવું હોય છે. ।। ૧૬ ।।

ખોટો ખર્ચ ન કરો

જે વ્યક્તિ વગર વિચાર્યે, જોયા વિના જ પહોંચ કરતાં વધુ ખર્ચ કરે છે. જેને કોઈનું સંરક્ષણ નથી, છતાંય લડાઈ-ઝઘડાં કર્યા કરે છે અને બધાં જ ક્ષેત્રોમાં ચંચુપાત કરવા ઉતાવળો થાય છે એ મનુષ્ય જલ્દી નાશ પામે છે. ।।૧૭।।

કીડીને કણ, હાથીને મણ

બુદ્ધિશાળી વ્યક્તિએ ભોજન મળશે કે કેમ તેની ચિંતા ન કરવી જોઈએ. તેણે માત્ર ધર્મ-કર્મ માટે જ ચિંતિત રહેવું જોઈએ, કારણ કે મનુષ્યના જન્મ સમયે જ તેના ભોજનની વ્યવસ્થા થઈ જાય છે. ।। ૧૮ ।।

જન્મ સમયથી જ મનુષ્યનું ભાગ્ય લખાઈ જાય છે. તેના જીવનમાં આકાર લેનારી દરેક ઘટના પૂર્વ નિશ્ચિત હોય છે. એટલે સમજદાર વ્યક્તિએ કોઈ પણ ચિંતા કર્યા વિના ધર્મકાર્યમાં ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.

ઉત્તમ કાર્યો

એક પછી એક ટીપાથી આખો ઘડો ભરાઈ જાય છે. તેવી જ રીતે ધીમે ધીમે ધન, વિદ્યા અને ઉત્તમ કાર્યો કરતાં રહેવાથી એક દિવસ એ સમૃદ્ધ ખજાનો બની જાય છે. ।। ૧૯ ।।

દુષ્ટતા ન છૂટે

જેમ પાપી વ્યક્તિ પરિપક્વ ઉંમર થઈ જવા છતાંય પોતાની દુષ્ટતા છોડતી નથી, તેમ કોળું પાકી જવા છતાં તેનામાં તરબૂચ જેવી મીઠાશ નથી હોતી. ।। ર૦ ।।

જરૂરી નથી કે આયુષ્ય વધવાની સાથે વ્યક્તિના સ્વભાવમાં પણ પરિવર્તન આવે. વ્યક્તિ કોઈ પણ ઉંમરે પોતાનો મૂળ સ્વભાવ છોડી જ નથી શકતી.

।। તેરમો અધ્યાય ।।

મહાપુરુષોનું ચારિત્ર્ય ખૂબ નિરાળું હોય છે. તેઓ ધનને તણખલાં સમાન માને છે, પણ જ્યારે પોતે ધનવાન બને છે ત્યારે ધનના ભારથી વધુ વિનમ્ર બને છે.

ઉત્તમ જીવન

વ્યક્તિને જો એક ‘મુહૂર્ત’ એટલે કે ૪૮ મિનિટનું જીવન મળે તો તેણે ઉત્તમ અને પુણ્ય કાર્ય કરતાં પસાર કરવું જોઈએ, કારણ કે આવું ઊજળું જીવન જ ઉત્તમ છે. એની સરખામણીએ પૃથ્વીલોક કે પરલોકમાં દુષ્ટ કર્મ કરતાં હજારો વર્ષ જીવવું વ્યર્થ છે. ।। ૧ ।।

ચાણક્ય કહે છે કે મનુષ્ય જન્મ ખૂબ ભાગ્યશાળીને મળે છે, એટલે જ નાનકડી જિંદગી જીવવા મળે તોપણ ઉત્તમ કાર્યો કરતાં રહેવું જોઈએ.

જો બીત ગઈ સો બાત ગઈ : આજનો આનંદ માણો

જે વીતી ગયું છે તેના માટે શોક ન કરવો જોઈએ અને ભવિષ્યની ચિંતા ન કરવી જોઈએ. બુદ્ધિશાળી લોકો વર્તમાન સમય અનુસાર જ કામ કરે છે. ।। ર ।।

ભૂતકાળની ઘટનાઓ અને ભવિષ્યની ચિંતા ન કરતાં વર્તમાન પરિસ્થિતિની મજા માણવી જોઈએ. ચિંતામાં સમય વ્યર્થ ન જવા દેવો જોઈએ.

મધુર વાણી

દેવતાઓ, સજ્જનો અને પિતા - આ ત્રણ તો પ્રકૃતિથી જ કૃપાળુ અને સંતોષી હોય છે. જ્યારે ભાઈભાંડુ જ્ઞાતિજનો, ઉત્તમ ખાનપાન સેવાચાકરીથી તથા વિદ્વાનો આદર આપવાથી પ્રસન્ન થાય છે. ।। ૩ ।।

મહાત્મા પુરુષ

મહાપુરુષોનું ચારિત્ર્ય ખૂબ નિરાળું હોય છે. તેઓ ધનને તણખલા જેવું માને છે, પણ જ્યારે પોતે ધનવાન બને છે ત્યારે ધનના ભારથી વધુ નમ્ર બને છે. ।। ૪ ।।

વ્યક્તિ મહાત્મા ક્યારે કહેવાય, જ્યારે દરેક વસ્તુને તે પચાવી શકે. મહાત્મા પુરુષ ધનને તુચ્છ માને છે, પણ જ્યારે આ જ ધન તેને પ્રાપ્ત થાય છે ત્યારે તે વધુ નમ્ર બને છે. આ ધન મેળવ્યા પછી પણ તેનામાં અભિમાનનો છાંટોય જોવા મળતો નથી.

અતિ સ્નેહ દુઃખનું મૂળ

એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિને ખૂબ સ્નેહ કરે છે ત્યારે તે સૌથી વધારે તે જ વ્યક્તિથી ડરે છે. મમતા જ બધાં દુઃખનું મૂળ છે. તેથી મોહમાયાનાં બંધનોનો ત્યાગ કરી સુખેથી રહવું જોઈએ. ।। પ ।।

-કેવું શાશ્વત સત્ય !

લડે તે જીતે

ભવિષ્યની મુશ્કેલીઓને દૂર કરવા જે અગાઉથી જ સજ્જ હોય છે અને જે વ્યક્તિ આપત્તિ આવી પડતા તેને દૂર કરવાના ઉપાય વિચારે છે આ બે પ્રકારના લોકો સુખે જીવી શકે છે. ‘ભાગ્યમાં લખ્યું હશે તેમ થશે’ એવું વિચારી બેસી રહેનારી વ્યક્તિ નાશ પામે છે. ।। ૬ ।।

ભવિષ્યની ફિકર ન કરતાં વર્તમાનમાં જીવવું જોઈએ. ભાગ્યમાં લખ્યું છે તેવું થશે એમ વિચારી બેસી રહેનાર વ્યક્તિ ખતમ થઈ જાય છે. સંઘર્ષ કરે તેને જ સફળતા મળે છે. આવી પડેલા પડકારો ઝીલી સતત લડતો રહે તેને જ જીવનરૂપી કુરુક્ષેત્રમાં જીત પ્રાપ્ત થાય છે.

યથા રાજા તથા પ્રજા

રાજા ધર્માત્મા હોય તો પ્રજા ધર્મનું આચરણ કરે છે. રાજા પાપી હોય તો પ્રજા પણ પાપકર્મ આચરે છે. રાજામાં ઉત્સાહનો ભાવ હોય તો પ્રજા પણ ઉત્સાહી હોય છે, કારણ કે પ્રજા હંમેશા રાજાનું અનુકરણ કરે છે. ।। ૭ ।।

મધ્યયુગમાં રાજાતેની પ્રજાના આદર્શ ગણાતા હતા, માટે પ્રજા પણ રાજાના પગલે ચાલવાનું પસંદ કરતી હતી. આજે પણ પ્રજા સત્તાધારીને અનુકૂળ થઈ જવામાં શાણપણ સમજે છે. લોકશાહીમાં તો ‘પ્રજા એવો રાજા’, કારણ કે રાજાએ પ્રજાના ટેકાથી ટકવાનું હોય છે.

ધર્મ એટલે જીવન

અધર્મી વ્યક્તિ જીવિત હોવા છતાંય મૃત સમાન છે. ધર્મનું આચરણ કરનારી વ્યક્તિ મૃત્યુ પછી પણ જીવિત રહે છે. તેમાં કોઈ શક નથી. ।।૮।।

ધર્મનું આચરણ કરનારી વ્યક્તિ તેના જીવન દરમિયાન ઘણાં ઉત્તમ કાર્યો કરે છે. તેનાં આ કાર્યોની પ્રશંસા તેના મૃત્યુ પછી પણ કરાય છે.

અર્થ વિનાનું જીવન

જે મનુષ્યની પાસે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ ચારેયમાંથી એક પણ વાનું નથી તેનો જન્મ બકરીના ગળામાં લટકતાં સ્તન જેવો અર્થવિહીન હોય છે. ।। ૯ ।।

વામણાં લોક

નીચ વ્યક્તિ બીજી વ્યક્તિની કીર્તિ વધતાં જોઈ અદેખાઈ કરે છે. જ્યારે પોતે તે પદને મેળવવા અસમર્થ સાબિત થાય છે ત્યારે તેને મેળવનાર વ્યક્તિની નિંદા કરવા લાગે છે. ।। ૧૦ ।।

વિચાર - બંધન કે મુક્તિ ?

મનુષ્ય પોતાના વિચારોનો દાસ હોય છે. તે પોતાના વિચારોનાકારણે જ સંસારની માયાજાળમાં ફેસાયેલો રહે છે અને પોતાના વિચારોના કારણે જ પોતાને બંધન મુક્ત સમજે છે. ।। ૧૧ ।।

મનુષ્યનું જીવન તેના વિચારોના આધારે જ ઘડાય છે. આ વિચારોના આધારે જ વ્યક્તિ ઉત્તમ કાર્યો અથવા પાપ કૃત્ય કરવા પ્રેરાય છે.

અભિમાન ઘટે તો પરમાત્મા મળે

દેહ સૌંદર્યનું અભિમાન જ્યારે ઓગળી જાય છે ત્યારે આત્મા પરમાત્માની વધુ નિકટ જાય છે. આવું મન જ્યાં જ્યાં જાય છે, ત્યાં બધે તેને સમાધિમાં લીન સમજવું જોઈએ. ।। ૧ર ।।

મનુષ્યનો આત્મા અને દેહ બંને અલગ છે - જ્યારે વ્યક્તિને આ વાતની સમજ આવે છે ત્યારે દેહ અંગેનું તેનું અભિમાન દૂર થાય છે. બસ, પછી તો એને અહર્નિશ સમાધિ જ સમાધિ છે.

સંતોષી નર સદા સુખી

મનુષ્યના મનની બધી જ ઈચ્છાઓ ક્યારેય પૂર્ણ નથી થતી, કારણ કે તેના જીવનની બધી જ ઉપલબ્ધિ ભાગ્ય પર આધારિત છે. એટલે જ મનુષ્યે પોતાના જીવનમાં સંતોષ રાખવો જોઈએ. ।। ૧૩ ।।

કર્મયોગ

હજારો ગાયોનાં ધણમાંથી જેવી રીતે વાછરડું માત્ર પોતાની માતાની જ પાસે જાય છે, તેવી રીતે વ્યક્તિનાં કર્મ તેની પાછળ પાછળ ચાલે છે. ।।૧૪।।

જે જેવાં કર્મ કરે છે તેને તેનાં કર્મ અનુસાર જ ફળ મળે છે. ઉત્તમ કાર્યો કરનારને તેનાં કાર્યોનું ફળ મળીને જ રહે છે, જ્યારે પાપકર્મ કરનારને કરેલાં પાપોની સજા ભોગવવી જ પડે છે. મૃત્યુ પછી, આવતાં ભવે પણ કર્મો વ્યક્તિની સાથે જ રહે છે. માટે શાણા માણસો સત્કર્મનું ભાથું બાંધી લે છે.

કઢંગું કામ

કઢંગું કામ કરનારને ન સમાજમાં સુખ મળે છે અને ન તો તે જંગલમાં સુખ પામે છે. સમાજમાં મનુષ્યોનો સાથ તેને દુઃખી કરે છે, જ્યારે જંગલમાં એકલતા. ।। ૧પ ।।

કોઈ પણ આયોજન કે નીતિનિયમો વિના કામ કરનારી વ્યક્તિને જીવનમાં નિષ્ફળતા જ મળે છે. દરેક પરિસ્થિતિ તેના માટે કષ્ટદાયક જ હોય છે.

સેવા કરો તો ફળ મળે

જેવી રીતે પાવડાની મદદથી ખોદકામ કરતાં જમીનમાં ઊંડેથી પાણી મળે છે, તેવી જ રીતે ગુરુની સેવા કરનાર વિદ્યાર્થી વિદ્યા મેળવે છે. ।।૧૬।।

પ્રાચીન સમયમાં જ્ઞાન મેળવવા માટે ગુરુ જ એક માત્ર સ્ત્રોત હતા. અત્યારની એટલે જે વિદ્યાર્થી ગુરુની સેવાચાકરી કરી ગુરુને પ્રસન્ન રાખતા તેઓ ગુરુની સમીપ પહોંચી શકતા હતા અને ગુરુ પાસેથી વધારે જ્ઞાન મેળવી શકતા હતા.

જેવું કર્મ તેવું ફળ

મનુષ્યને તેનાં કર્મો અનુસાર જ ફળ મળે છે અને મનુષ્યની બુદ્ધિ પણ તેનાં કર્મો અનુસાર જ કામ કરે છે. તેમ છતાંય જે વ્યક્તિ સમજદાર અને સજ્જન છે તે દરેક કાર્ય સમજીવિચારીને જ કેર છે. ।। ૧૭ ।।

ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે મનુષ્યે કર્મ કરતા રહેવું જોઈએ. તેણે ફળની આશા ન રાખવી જોઈએ. મનુષ્ય જેવાં કાર્યો કરે છે તે પ્રમાણે જ તેને ફળ પણ મળે છે. નિયતિ એની પાસે પોતે ધારેલું કર્મ જ કરાવતી હોય છે. છતાં દરેક વ્યક્તિ માટે જરૂરી છે કે એ જે કરે તે સમજી-વિચારીને કરે. વગર વિચાર્યે કરેલાં કાર્યનું ધાર્યું પરિણામ નથી મળતું.

ગુરુમહિમા

એક અક્ષર એટલે કે ૐકાર સ્વરૂપ પરમેશ્વરની ઓળખ કરાવનાર ગુરુની વંદના ન કરનારી વ્યક્તિ સો વખત શ્વાનની યોનિમાં જન્મ લઈને ચંડાળના ઘરે જન્મ લે છે. ।। ૧૮ ।।

એક અક્ષરનો અર્થ થાય છે : ૐ. ગુરુ શિષ્યનો પરમાત્મા સાથે પરિચય કરાવનાર વ્યક્તિ છે. એથી તે વંદનીય છે.

ઉત્તમ પુરુષોનું કર્તવ્ય

એક યુગના અંતમાં સુમેરુ પર્વત પણ પોતાના સ્થાન પર સ્થિર નથી રહેતો. ‘કલ્પ’ એ હજારો વર્ષોનો સમુચ્ચય છે. કલ્પ એટલે બ્રહ્માનો દિવસ. કલ્પ પૂરો થતાં સમુદ્ર પણ પોતાની હદ ઓળંગી જગત માટે મુશ્કેલી સર્જે છે, પરંતુ ઉત્તમ પુરુષો પોતાના હાથમાં લીધેલા કાર્યને પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા લીધા પછી જરાય ડગમગતા નથી. ।। ૧૯ ।।

અહીં ચાણક્યનો ભાવ એવો છે કે ભલે પ્રકૃતિના નિયમ બદલાય, પર્વત અને સમુદ્ર ભલે પોતાનું સ્થાન છોડી દે, પણ સજ્જન વ્યક્તિએ કોઈ કાર્ય પૂર્ણ કરવાનું વચન આપ્યું હોય તો તેને ચોક્કસપણે નિભાવે છે; કોઈ કાળે અધૂરું છોડતો નથી.

।। ચૌદમો અધ્યાય ।।

હે મનુષ્ય ! જો તું કોઈ એક જ કર્મ દ્વારા સમગ્ર દુનિયાને કાબૂમાં કરવા માગતો હોય તો બીજાંઓની નિંદા કરતી તારી જીભ પર અંકુશ રાખ.

ત્રણ રત્ન

આ પૃથ્વી પર માત્ર ત્રણ રત્ન છે - જળ, અન્ન અને સુભાષિત. મૂર્ખ લોકોએ પથ્થરના ટુકડાને અમથું જ રત્ન નામ આપી દીધું છે. ।। ૧ ।।

જે વ્યક્તિ જળ, અન્ન અને સુભાષિતનું મહત્ત્વ નથી સમજી શકતી તે વ્યક્તિ મૂર્ખ છે. હીરા, મોતી કે અન્ય ઝવેરાત કરતાં પણ તે મૂલ્યવાન હોય છે.

જેવું વાવો તેવું લણો

દરિદ્રતા, રોગ, દુઃખ, મુશ્કેલી અને આફત - આ બધાં મનુષ્યના અધર્મરૂપી વૃક્ષનાં ફળ છે. ।। ર ।।

કહેવાય છે કે જેવું વાવે તેવું લણે. મનુષ્ય જેવાં કામ કરે છે તેવું જ ફળ મેળવે છે. મનુષ્યની ગરીબી, દુઃખ, રોગિષ્ઠ શરીર અથવા સાંસારિક મુશ્કેલી, સંકટ વગેરે તેણે કરેલાં કર્મોનું જ ફળ હોય છે. એટલે જ મનુષ્યની ફરજ છે કે ઉત્તમ કાર્યો કરે અને સુખરૂપ જીવન પસાર કરે.

જીવન એક જ વખત મળે છે

ધન ફરી મેળવી શકાય છે, મિત્ર પણ અનેક મળે છે, પત્ની પણ ફરી વખત મેળવી શકાય છે. જમીન પણ ફરી વખત મળી શકે છે. આ બધું જ મનુષ્યને વારંવાર મળી શકે છે, પણ જીવન ફરી નથી મળતું. ।। ૩ ।।

વ્યક્તિ ધન, મિત્ર અને વૈભવ-જમીનજાગીર કે પત્નીને ગુમાવી બેસે તોપણ પુનઃ તેને મેળવી શકે છે, પરંતુ જો એક વાર તેનું આરોગ્ય કથળે અથવા શરીર જીર્ણ થઈ જાય તો તેને પુનઃ મેળવી શકાતું નથી. વ્યક્તિને શરીર માત્ર એક જ વખત મળે છે. ચાણક્ય અહીં નક્કર ‘રેશનાલિસ્ટ’ લાગે છે : શરીર જ ન હોય તો બાકીનું બધું શા ખપનું ?

એકતા સાચી તાકાત

સામાન્ય વ્યક્તિઓનો સમુદાય - તેઓનું સંગઠન શક્તિશાળી દુશ્મનને પણ સરળતાથી હરાવી શકે છે. જેવી રીતે એકત્રિત કરેલા તપખલાંનું છાપરું જળની ધારાને ઘરમાં પડતાં રોકે છે. ।। ૪ ।।

જે પરિવારમાં મતભેદ હોય છે, અરસપરસ એકતાનો અભાવ હોય છે તે જલ્દી નાશ પામે છે. તેવી જ રીતે જે પરિવારમાં અથવા તો દેશમાં એકતાની ભાવના જોવા મળે છે, જેઓ ખભા મેળવી એકસાથે કામ કરે છે. તેઓ ખતરનાકમાં ખતરનાક દુશ્મનને પણ હરાવી શકે છે. વૃક્ષની એક ડાળી નાનું બાળક પણ સરળતાથી તોડી શકે છે, પણ લાકડાંનો ભારો તોડવો શક્તિશાળી વ્યક્તી માટે પણ અશક્ય હોય છે.

આ ચાર ફેલાયા વગર રહેતાં નથી

તેલમાં પાણીનું ટીપું, દુષ્ટ વ્યક્તિની પાસે રહેલી ગુપ્ત વાત, સુપાત્રને આપેલું દાન અને બુદ્ધિશાળીનું જ્ઞાન એમની મેળે જ પ્રચાર પામે છે. ।।પ।।

પાણી પર તેલનું ટીપું અથવા તેલમાં પાણીનું ટીપુ નાંખવાથી તે પ્રસરી જાય છે. દુષ્ટ વ્યક્તિને કોઈ રહસ્યની વાત કહી હોય તો તે તેના પેટમાં ટકતી નથી. સુપાત્ર વ્યક્તિને આપવામાં આવેલું દાન અને બુદ્ધિશાળી વ્યક્તિ પાસે રહેલા જ્ઞાનની ખ્યાતિ ફેલાયા વિના રહેતી નથી. આ એવી વિશેષતાઓ છે જે ફેલાયા વિના રહેતી નથી.

વૈરાગ્ય ક્યારે આવે ?

ધાર્મિક કથા સાંભળતી વખતે, સ્મશાનની ધરતી પર અને રોગિષ્ઠ વ્યક્તિના મનમાં જે સદ્‌વિચારો ઉત્પન્ન થાય છે તે વિચારો હંમેશા માટે સ્થિર રહે તો મનુષ્ય સંસારની મોહમાયા અને બંધનમાંથી છૂટી શકે છે. ।। ૬ ।।

જ્યારે કોઈ વ્યક્તિ ધાર્મિક ઉપદેશ સાંભળે છે ત્યારે તેના મનમાં ઉત્તમ વિચારો ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે જ્યારે મનુષ્ય કોઈ મૃત વ્યક્તિના અગ્નિ સંસ્કાર માટે સ્મશાન જાય છે તો તેને સમજાય છે કે જીવન કેટલું ક્ષણભંગુર હોય છે. તે સમયે તેના મનમાં પાપ મુક્ત થવાની ઈચ્છા જાગૃત થાય છે. તેવી જ રીતે બીમારીના સમયે વ્યક્તિ ભગવાનને યાદ કરે છે. ચાણક્યનું કહેવું છે કે જો વ્યક્તિ કાયમ માટે આવી રીતે વિચારતો થઈ જાય તો સંસારના બધાં જ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે.

પાપ કરતાં પહેલાં વિચારો

દુષ્કર્મ કર્યા પછી પ્રાયશ્ચિત કરનાર વ્યક્તિની બુદ્ધિ જે પ્રકારની હોય છે, તે બુદ્ધિ પાપ કરતાં પહેલાં આવે તો માણસનું કલ્યાણ જ થઈ જાય છે. ।। ૭ ।।

ખોટું કર્યા પછી વ્યક્તિને પસ્તાવો થાય છે. ચાણક્ય કહે છે કે જો આવું તે ખોટું કર્યા પહેલાં જ વિચારતા હોય તો પસ્તાવો કરવાનો વારો જ ન આવે. કંઈક ખોટું કરતાં પહેલા વ્યક્તિને અનેક વાર વિચારી લેવું જોઈએ. વ્યક્તિ પહેલેથી જ ચેતી જાય તો તેનું કલ્યાણ થાય છે.

અહંકાર ન કરો

દાન, તપ, બહાદુરી, વિજ્ઞાન, નમ્રતા અને નૈતિકતા જેવી બાબતોમાં માણસને આશ્ચર્ય ન થવું જોઈએ, કારણ કે આ પૃથ્વી પર એકથી એક ચઢિયાતાં અમૂલ્ય રત્ન છે. ।। ૮ ।।

આ દુનિયામાં એકથી એક ચઢિયાતી સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓ જોવા મળે છે. જેઓ દાનવીર, શૌર્યવાન, તપસ્વી અને બુદ્ધિશાળી હોય છે. ધરતી રત્નગર્ભા છે એટલે આવી બાબતો જોઈ આશ્ચર્ય ન અનુભવવું. સમતા ધારણ કરવી.

દૂર શું, નજીક શું ?

મનમાં વસેલી વ્યક્તિ હજારો કિલોમીટર દૂર હોવા છતાંય તેને દૂર ન કહેવાય અને હૃદયની સમીપ ન હોય તેવી વ્યક્તિ નજીક રહેવા છતાંય દૂર હોય છે. ।। ૯ ।।

ખરેખર જ્યાં સાચો પ્રેમ છે તેવા પ્રેમીઓ એકબીજાથી જોજનો દૂર હોવા છતાંય એકબીજાની સાથે હોય છે. પણ જેઓ કોઈના મનમાં જગ્યા નથી બનાવી શક્યા, તેઓ પાસે રહેવા છતાંય બીજાઓથી દૂર રહે છે.

ધીમું ઝેર

જેને નુકસાન પહોંચાડવાની ઈચ્છા હોય તેના વિશે હંમેશાં મીઠી વાતો કરવી જોઈએ. હરણને પકડતાં પહેલા શિકારી મધુર અવાજે ગીત ગાય છે. ।। ૧૦ ।।

ન દૂર, ન નજીક

રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રીઓ - તેમની સાથે ન તો બહુ નજીક રહેવું કે ન ખૂબ દૂર. સતત તેમની પાસે રહેવાથી શંકાકુશંકા ઊભી થવાનો સંભવ છે, જે નુકસાનમાં પરિણમી શકે છે. જો કે, તેઓથી દૂર થવાથી પણ કોઈ ફાયદો નથી. માટે જ તેમની સાથે વ્યવહાર કરતાં વ્યક્તિએ સમજીવિચ્રીને વચ્ચેનો રસ્તો અપનાવવો જોઈએ. ।। ૧૧ ।।

રાજા, ગુરુ, સ્ત્રીઓ અને અગ્નિના સતત સંપર્કમાં રહેવા કરતાં સમજદારીપૂર્વક સંપર્કમાં રહેવું જોઈએ.

આ છથી સાવધાન રહેવું

અગ્નિ, જળ, સ્ત્રી, મૂર્ખ, સાપ અને રાજપરિવાર - આ બધાંથી વ્યક્તિએ હંમેશાં સાવધાન રહેવું જોઈએ, કારણ કે આ છ ક્યારે પણ મૃત્યુનું કારણ બની શકે છે. ।। ૧ર ।।

અગ્નિ, જળ અને સાપથી દૂર જ રહેવું. અગ્નિની જ્વાળા ક્યારેક લપેટમાં લઈ લે, જળમાં ક્યારેક ભરતી આવે તો ક્યારેક ઓટ, સાપ પણ ક્યારેક કરડી બેસે તે કંઈ કહેવાય નહિ. તેવી જ રીતે સ્ત્રી પાછળ અત્યંત મોહિત થઈ ફર્યા કરવાથી પણ નુકસાન જ છે. મૂર્ખની સંગતથી તેની મૂર્ખામીનો ભોગ પણ બની શકાય છે. રાજપરિવારની અત્યંત નજીક હોવાથી કોઈની ગંભીર ભૂલની આંગળી આપણા પર પણ ઊઠી શકે છે. રાજા, વાજાં ને વાંદરા - એનું કંઈ ઠેકાણું નહીં.

વ્યર્થ જીવન

જગતમાં માત્ર એનું જ જીવ્યું સાર્થક છે, જે વ્યક્તિમાં ધર્મ અને ગુણો રહેલા હોય છે. ધર્મ અને ગુણ વિનાની વ્યક્તિનું જીવન વ્યર્થ છે. ।।૧૩।।

જે વ્યક્તિ ધર્મનું મૂલ્ય સમજે છે, તેનું આચરણ કરે છે તેમ જ જેનામાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન થયેલું છે તેવી જ વ્યક્તિનું જીવન સાર્થક હોય છે. પણ જે વ્યક્તિમાં ન તો કોઈ ગુણ છે કે ન તો ધર્મનું આચરણ કરવાની કોઈ ભાવના. તેનું જીવન વ્યર્થ કહેવાય.

નિંદા છોડો

હે મનુષ્ય ! જો તું કોઈ એક જ કાર્ય દ્વારા આખા જગતને પોતાના કાબૂમાં કરવાની ઈચ્છા ધરાવતો હોય તો બીજાની નિંદા કરનારી પોતાની વાણીને કાબૂમાં રાખ એટલે કે બીજાની નિંદા કરવાનું છોડી દે. ।। ૧૪ ।।

આખી દુનિયાને વશમાં કરવા માટેનો ચાણક્ય એક સરળ ઉપાય કહે છે. તેમનું કહેવું છે કે જો બીજાઓની નિંદા કરવાનું છોડી દઈએ, આપણા મુખેથી બીજાની ખોદણી ન કરીએ તો આખું જગત આપણી સાથે હશે. પરનિંદારૂપી ઘાસ ચરતી ગાવડીને પાછી વાળી જાણે એ જગ જીતે !

વિદ્વાન

જે વ્યક્તિ પ્રસંગ અનુસાર વાત કરવાનું જાણે છે, જે વ્યક્તિ પોતાનાં યશ અને ગરિમા પ્રમાણે મીઠું બોલી શકે છે અને જે વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે ગુસ્સો કરે છે, હકીકતમાં તેને જ વિદ્વાન કહેવાય છે. ।। ૧પ ।।

દરેક વ્યક્તિએ સંજોગો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ બોલવું જોઈએ. વાત કરતાં સમયે એણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આવું બોલવાથી તેનું માન વધે છે કે ઘટે છે. સમજદાર વ્યક્તિ સમયને અનુકૂળ જ વાત કરે છે. ગુસ્સો પણ ગજા મુજબનો જ કરવો. આવી વ્યક્તિ ખરેખર બુદ્ધિશાળી કહેવાય છે.

વસ્તુ એક, દૃષ્ટિ અનેક

એક જ વસ્તુને ત્રણ જુદા જુદા પ્રકારની વ્યક્તિઓ જુદી જુદી રીતે જુએ છે. સુંદર સ્ત્રીનો જ દાખલો લો. યોગીપુરુષ તેને દૂષિત શબ તરીકે જુએ છે, કામી પુરુષ તેને સુંદર સ્ત્રીના રૂપમાં જુએ છે અને શ્વાન તેને માંસના ટુકડા તરીકે જુએ છે. ।। ૧૬ ।।

દરેક વ્યક્તિની કોઈ વ્યક્તિને કે વસ્તુને જોવાની દૃષ્ટિ જુદી જુદી હોય છે. સ્ત્રીનું જ ઉદાહરણ લઈએ તો એક યોગી પુરુષ માટે તે શબ સમાન હોય છે, જ્યારે કામી પુરુષ તેને ભોગવિલાસનું સાધન સમજે છે અને શ્વાનને તેનું માંસ ખાવામાં જ રસ હોય છે.

ગુપ્ત રાખવું

બુદ્ધિશાળી વ્યક્તિએ પોતે શોધેલી ઔષધિની બનાવટ, પોતાનાં અંગત ધાર્મિક કર્મકાંડ, ઘરના દોષ, સ્ત્રી સાથે સંભોગ, અખાદ્ય ભોજન અને સાંભળેલાં નિંદા ભરેલાં વેણ કોઈની સામે કહેવાં ન જોઈએ. ।। ૧૭ ।।

અમુક બાબતો ગોપનીય રાખવામાં જ શ્રેય છે.

યોગ્ય સમયે વાત રજૂ કરો

બધાંને આનંદ આપનારી વસંતઋતુની શરૂઆત નથી થતી ત્યાં સુધી કોયલ મૌન રહી દિવસો પસાર કરે છે, એટલે કે વસંતઋતુની આગમન સાથે જ કોયલની કૂ... કૂ... સંભળાય છે. ।। ૧૮ ।।

વ્યક્તિએ ધીરજ રાખવી જોઈએ. ચોક્કસ અને યોગ્ય સમય આવ્યે જ પોતાની વાત કહેવી જોઈએ.

આનો સંગ્રહ કરો

ધર્મનું પાલન, ધનની કમાણી, અનાજપાણીનો સંગ્રહ, ગુરુની વાણીનું પાલન, અનેક પ્રકારની ઔષધિઓનો સંગ્રહ વિધિપૂર્વક કરવો જોઈએ અને જતનથી કરવો જોઈએ. એવું ન કરવાથી મનુષ્ય યોગ્ય રીતે જીવન જ ન જીવી શકે. ।। ૧૯ ।।

ધન, ધર્મ, અનાજ, ગુરુએ આપેલું જ્ઞાન અને જરૂરી ઔષધિઓનો સંગ્રહ વ્યક્તિએ કરવો જ જોઈએ. જે વ્યક્તિ આ ચીજવસ્તુઓનો સંગ્રહ નથી કરતી, તે જગતમાં સુંદર રીતે પોતાનું જીવન પસાર નથી કરી શકતી.

સજ્જન પુરુષોનો સંગ કરો

હે મનુષ્ય ! દુર્ગુણી વ્યક્તિના સાથનો ત્યાગ કરી દે અને સજ્જન પુરુષોની સંગત કરે. દિવસ-રાત ઉત્તમ કાર્યો કર, સંસારને નાશવંત સમજીને ઈશ્વરનું ધ્યાન ધર. ।। ર૦ ।।

।। પંદરમો અધ્યાય ।।

અન્યાય દ્વારા કમાયેલું ધન વધુમાં વધુ દસ વર્ષ સુધી વ્યક્તિની પાસે રહે છે અને અગિયારમા વર્ષની શરૂઆત થતાં જ તે સમૂળગું નાશ પામે છે.

દયા જ ધર્મનું મૂળ

જેનું હૃદય જીવદયાથી પીગળી જાય છે તેને જ્ઞાન, મોક્ષ મેળવવાની અને જટાધારણ તેમ જ શરીર પર ભસ્મ લગાવવાની શી જરૂર છે ? ।। ૧।।

દયાભાવ બધાં જ ધર્મોથી ઊંચું સ્થાન ધરાવે છે. જીવદયા રાખનાર વ્યક્તિ ક્યારેય પાપકર્મમાં નથી પડતી, આનાથી વિશેષ જ્ઞાન શું હોઈ શકે? જે વ્યક્તિ કોઈ પણ જીવને મુશ્કેલીમાંનથી જોઈ શકતી તેને જ્ઞાન મેળવવા કે મોક્ષ મેળવવા તપ કરવાની જરૂર નથી રહેતી.

ગુરુનો મહિમા

જે ગુરુ પોતાના શિષ્યને ૐકાર એટલે કે પરમાત્માનો સાક્ષાત્કાર કરાવે છે, શિષ્ય આવા ગુરુના ઋણમાંથી ક્યારેય મુક્ત નથી થતો. જગતમાં કોઈ એવી વસ્તુ નથી, એવું કોઈ ધન નથી, જેને સમર્પિત કરી શિષ્ય ગુરુના ઋણમાંથી મુક્ત થઈ શકે. ।। ર ।।

ગુરુ જ્યારે વિદ્યા દ્વારા પોતાના શિષ્યને પ્રભુનો સાક્ષાત્કાર કરાવે છે ત્યારે તેનાથી વિશેષ શિષ્યે શું મેળવવાનું હોય ? આવા ગુરુને શિષ્ય જેટલી ગુરુદક્ષિણા આપે એટલી ઓછી છે. તે સદાય આવા ગુરુનો ઋણી જ રહે છે.

દુર્જનોનો સંહાર કાં તો નવગજથી નમસ્કાર

દુર્જન અને કાંટા, આ બેથી બચવાના માત્ર બે જ ઉપાય છે. જૂતાં વડે તેઓનું મોઢું કચડી નાંખવું અથવા તેમને દૂરથી જ ત્યજી દેવા. ।। ૩ ।।

ચાણક્ય કાંટા અને દુષ્ટ વ્યક્તિને એક સમાન જ ગણે છે. તેઓના મતે તે બંનેથી બચવાના માત્ર બે જ ઉપાય છે. પહેલું એ કે બને ત્યાં સુધી તેને દૂરથી જ આવજો કહી દેવું અને બીજું તેમને પોતાનાં જૂતાં તળિયે કચડી નાંખવા.

ગંદો, ભુખાવળો અને આળસુ તો ઈશ્વર પણ ન ખપે

ગંદાં કપડાં પહેરનાર, ગંદા દાંતવાળા એટલે કે દાંતની સફાઈ ન રાખનાર, અતિશય ખાનાર, નિષ્ઠુર વેણ બોલનાર, સૂર્યોદય સમયે અને સૂર્યાસ્ત સમયે સૂતી રહેનાર વ્યક્તિને લક્ષ્મી, આરોગ્ય, સુંદરતા અને શોભા ત્યજી દે છે. આ વ્યક્તિ ભલેને વિષ્ણુ પોતે જ હોય. ।। ૪ ।।

ચાણક્ય અહીં શિસ્ત અને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવે છે. આ શ્લોક દ્વારા જાણવા મળે છે કે આચાર્ય ચાણક્ય મનની ચોખ્ખાઈના તો આગ્રહી હતા જ, પણ સાથે શારીરિક ચોખ્ખાઈને જરૂરી માનતા હતા. તેમણે આળસુ અને અશુદ્ધ વ્યક્તિઓને સુધરી જવા ચેતવણી આપી છે.

સંપત્તિ સાચી સાથીદાર

જ્યારે મનુષ્ય ધનસંપત્તિ વિનાનો થઈ જાય છે ત્યારે તેનાં મિત્રો, પત્ની, નોકર-ચાકર અને ભાઈબંધુઓ તેને છોડી જતાં રહે છે. જો ફરી વખત તે ધનવાન બને છે તો આ બધાં પણ ફરી તેની સાથે થઈ જાય છે. દુનિયામાં પૈસો જ મનુષ્યનો સાચો મિત્ર છે. ।। પ ।।

જેની પાસે ધન અને ઐશ્વર્ય છે તેની પાસે જગતનું બધું જ સુખ હોય છે. તેની અઢળક સંપત્તિના કારણે બધા તેની આગળપાછળ ફરે છે. તે તેનું બધું ધન ગુમાવી બેસે છે, ત્યારે તેનાં પ્રિયજન પણ તેને છોડી ચાલ્યાં જાય છે. ચાણક્ય અહીં એટલું જ સમજાવે છે કે સુખના સમયે બધાં જ સાથે ચાલે છે, પણ દુઃખમાં ભાગીદાર થવા કોઈ નથી આવતું. સૌ સ્વાર્થનાં સગાં છે. માણસે સુખી જીવન જીવવું હોય તો એણે જરૂરી અર્થોપાર્જન કરવું જઈએ અલબત્ત, સારા અને ન્યાયસંમત માર્ગે.

પરસેવાની કમાણી જ

ટકે અન્યાય થકી મેળવેલું ધન વધુમાં વધુ દસ વર્ષ સુધી વ્યક્તિની પાસે રહે છે. અગિયારમા વર્ષની શરૂઆતમાં જ વ્યાજ અને મૂડી સાથે તે નાશ પામે છે. ।। ૬ ।।

ખોટી રીતે મેળવેલું ધન ક્યારેય સુખ નથી લાવતું. તે ક્ષણિક સુખ આપે છે અને કાયમના માટે દુઃખ આપીને જાય છે. બીજાંઓને દુઃખી કરી મેળવેલું ધન ક્યારેય કોઈને પચતું નથી. મહેનતની કમાણી જ ટકે છે.

સમરથકો નહીં દોષ

શક્તિશાળી પુરુષ જો કોઈ અયોગ્ય કામ કરે છે તો પણ તેને યોગ્ય જ સમજવામાં આવે છે, પણ નીચ કુળની કોઈ વ્યક્તિ યોગ્ય કાર્ય કરે છે તો તેને અયોગ્ય જ ગણવામાં આવે છે. ઉદાહરણ સ્વરૂપે રાહુ નામના દાનવ માટે અમૃત તેના મૃત્યુનું કારણ બન્યું હતું અને ભગવાન શંકર માટે વિષ પણ તેમના કંઠનું ઘરેણું બન્યું છે. ।। ૭ ।।

આપણે સહુ કોઈ જાણીએ છીએ તેમ સમુદ્રમંથન દ્વારા ઉત્પન્ન થયેલાં વિષનું પાન મહાદેવે કરેલું. વિષપાનથી તેમને કંઈ નુકસાન નહોતું થયું, પણ તેઓ નીલકંઠ કહેવાયા. કહેવાનું તાત્પર્ય એવું છે કે જો કોઈ યોગ્ય વ્યક્તિ અયોગ્ય વસ્તુ ગ્રહણ કરે છે તો તેના સ્પર્શ માત્રથી જ તે અયોગ્ય વસ્તુ યોગ્ય બની જાય છે. અહીં સમાજમાં પ્રવર્તમાન ઊંચનીચના ભેદભાવનો પણ સંકેત મળે છે. સમર્થને કોઈ દોષ અડતો નથી.

પ્રેમ અને ધર્મ

બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી જે બચે છે તેને ભોજન કહેવાય, એટલે કે ગૃહસ્થ વ્યક્તિએ પોતે ભોજન કરતાં પહેલાં યાચકને, અતિથિને, વિદ્વાનને જમાડવા જોઈએ. તેવી જ રીતે પ્રેમ અને હૂંફ તેને કહેવાય જે પારકાને આપવામાં આવે. પોતાના ભાઈબંધુને તો બધાં જ પ્રેક કરે છે, પાપ કર્મ ન કરે તેને સમજદારી કહેવાય અને જેમાં દેખાડા કે દંભ ન હોય તેને ધર્મ કહેવાય. ।। ૮ ।।

ચાણક્ય આ શ્લોક દ્વારા જણાવે છે કે ભૂખ્યાને જમાડ્યા પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. પારકા જેઓ દુઃખી છે, જેમને કોઈનાં પ્રેમ, હૂંફ અને આશ્રયની જરૂર છે તેમને મદદ કરવી જોઈએ અને તેમની પડખે ઊભા રહેવું જોઈએ તે જ સાચી સમાજસેવા છે. સમજદાર વ્યક્તિ જ પાપકર્મથી મુક્ત રહી શકે છે. તેવી જ રીતે જ્યાં છળકપટ અને બનાવટને સ્થાન ન હોય તેને જ સાચો ધર્મ કહેવાય.

સાચું મૂલ્યાંકન

કોઈક ખાસ પરિસ્થિતિમાં ઝવેરાતને પગમાં તો કાચને માથે ધારણ કરવામાં આવે છે. જો કે, આમ કરવાથી ઝવેરાતની કિંમત ઓછી નથી થતી. વેચવાના અથવા ખરીદવાના સમયે કાચને કાચ અને રત્નને રત્ન જ માનવામાં આવે છે. ।। ૯ ।।

કોઈ અયોગ્ય વસ્તુ કે વ્યક્તિને ઉચ્ચ સ્થાન પર મૂકવાથી કે નિમણૂક કરવાથી તેનું મૂલ્ય વધી નથી જતું, જ્યારે મૂલ્યાંકનનો સમય આવે છે ત્યારે યોગ્ય વસ્તુ કે વ્યક્તિ આપોઆપ અલગ તરી આવે છે.

ધર્મ એટલે મર્મ

વેદશાસ્ત્ર જ્ઞાનના સમુદ્ર સમાન છે, દુનિયામાં અનેક પ્રકારની વિદ્યા છે, પણ મનુષ્યનું આયુષ્ય મર્યાદિત છે અને તેના રસ્તામાં અનેક મુશ્કેલીઓ આવે છે. એટલે જ આ બધાં જ શાસ્ત્રોમાંથી સાર એવી રીતે ગ્રહણ કરવો જોઈએ. જેવી રીતે હંસ પાણી ભળેલા દૂધમાંથી દૂધ પીને પાણી રહેવા દે છે. ।। ૧૦ ।।

આખે આખા શાસ્ત્રો અથવા પુસ્તકો ગોખી મારવામાં સમય વ્યય કરવાને બદલે તેમાં રહેલો મર્મ ગ્રહણ કરવો જોઈએ.

અતિથિ દેવો ભવ

દૂર દેશથી અમથા જ આવી ચડેલા થાકેલ યાત્રી કે મહેમાનની અવગણના કરી ઘરનો માલિક પોતે ભોજન ગ્રહણ કરે છે તેને ચંડાળ કહેવાય છે. ।। ૧૧ ।।

ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે, ‘અતિથિ દેવો ભવ’ એટલે કે મહેમાન ભગવાન સમાન હોય છે. તેની અવગણના કરવી પાપ કહેવાય. દૂર દેશથી તમારા ઘરે આવતી વ્યક્તિનો આદર કરવો જોએ અને તેના ભોજન અને આરામની વ્યવસ્થા કરી આપવી જોઈએ. આમ કરવાથી ગૃહસ્થ તરીકે સમાજમાં તમારું સન્માન પણ વધશે.

આત્મજ્ઞાન એ જ સાચું જ્ઞાન

જેઓ વેદશાસ્ત્રનો અભ્યાસ કરવા છતાંય આત્મા-પરમાત્માના સંબંધ વિશે કશું નથી જાણતા, તેઓ આત્મજ્ઞાન મેળવ્યા વિના રહી જાય છે. ચાણક્યે આવા લોકોને કડછી સાથે સરખાવ્યા છે. જેમ કડછી સ્વાદિષ્ટ શાકમાં ફરે છે, પણ સ્વાદની મજા માણી શકતિ નથી. તેવી જ પરિસ્થિતિ આ અજ્ઞાનીઓની હોય છે. ।। ૧ર ।।

શાસ્ત્રોને વાંચી અને સમજી-વિચારી તેને જીવનમાં ઉતારવાથી તેનો અભ્યાસ અર્થપૂર્ણ નીવડે છે. જો શાસ્ત્રો વાંચ્યા પછી પણ માણસને આત્મજ્ઞાન ન લીધે તો તેનો શાસ્ત્રાભ્યાસ નિરર્થક સાબિત થાય છે.

બ્રાહ્મણને માન આપો

આ દુનિયા આપત્તિનો સમુદ્ર છે, જ્યાં બ્રાહ્મણો નાવડીની સેવા ભજવે છે. નાવડીનો સ્વભાવ પણ વિચિત્ર હોય છે. જે નાવડીમાં અંદર બેઠા રહે છે તેઓ ભવસાગર તરી જાય છે, પણ જે નાવડીની ઉપર ચઢે છે તેમની સાથે કંઈ પણ થઈ શકે છે. ।। ૧૩ ।।

જે વ્યક્તિ અથવા ગૃહસ્થ બ્રાહ્મણોની સાથે રહે છે અને તેમની સેવા કરે છે તેમનો ઉદ્ધાર થાય છે. જેઓ અભિમાનના નશામાં ધૂત થઈ તેમનું અપમાન કરે છે, તેમનો ક્યારેય ઉદ્ધાર નથી થતો. ચાણક્ય વર્ણાશ્રમ ધર્મની રૂએ વિદ્વત્તાના પ્રતીક બ્રાહ્મણોને ભવસાગર તારનાર તરીકે ઓળખાવે છે.

પારકું એ પારકું

વારંવાર બીજાના ઘરે જવાથી તે ઘરમાં વ્યક્તિનું માન ઘટે છે. આવું ચંદ્ર સાથે પણ થાય છે. તેને અમૃતનો ભંડાર રહેવાય છે. ગુણકારી ઔષધનો તે માલિક છે. તેની છાયા અને દિવ્ય કિરણોને અમૃત સાથે સરખાવાયા છે, પણ આ જ ચંદ્ર જ્યારે સૂર્યમંડળમાં પ્રવેશે છે ત્યારે તેની આભા ઝાંખી પડી જાય છે. ।। ૧૪ ।।

જે વ્યક્તિ કોઈ કારણ વિના જ બીજાના ઘરે વારંવાર જાય છે તેનું કોઈ માન નથી રહેતું. બીજાને જ્યારે તમારી મદદની જરૂર હોય ત્યારે જ તેના ઘરે જવું. અકારણ કોઈના ઘરે જવાથી વ્યક્તિના માનસન્માનમાં ઘટાડો થાય છે. ગમે તેવો મોટો માણસ પણ પારકા ઘરમાં પ્રવેશતાંની સાથે વામણો લાગે છે. બને ત્યાં સુધી પોતાના ઘરમાં જ નિવાસ કરવો. રાજાનો મહેલ રાજાને મુબારક. આપણે આપણી મઢૂલીમાં મસ્ત રહેવું.

ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે

ભમરો કમળની પાંખડી પર બેસે છે. તેની પરાગરજમાંથી રસ ચૂસે છે અને તેમાં મદમસ્ત બને છે, પણ જ્યારે સંજોગવસાત તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને કેરડાના વૃક્ષનાં ફૂલોમાંથી રસ ચૂસે છે, ત્યારે તેમાં રહેલા કાંટાના કારણે તેને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ।। ૧પ ।।

દરેક જગ્યાએ વ્યક્તિ માટે એક જેવી જ પરિસ્થિતિ નથી હોતી. વતનમાં તેને ભરપૂર સુખ મળે છે પણ નસીબજોગે પરદેશ વેઠવાનો વારો આવે ત્યારે તેને અનેક મુશ્કેલીઓ અને દુઃખનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે દરેક વ્યક્તિનો સમય એક સરખો નથી રહેતો. દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ કુદરતનો નિયમ છે. ઘરમાં મળે તે બહાર નયે હોય.

લક્ષ્મી નારાજ કેમ ?

વિષ્ણુ લક્ષ્મીને પૂછે છે કે તે બ્રાહ્મણોથી શા માટે નારાજ રહે છે. લક્ષ્મી ઉત્તર આપે છે - અગસ્ત્ય મુનિ ગુસ્સામાં મારા પિતા સમુદ્રને પી ગયા હતા, બ્રાહ્મણ ભૃગુએ ગુસ્સામાં મારા પ્રિય વિષ્ણુને છાતીમાં લાત મારી હતી અને બાળપણથી બ્રાહ્મણો મારી શોક્ય સરસ્વતીને જ પ્રસન્ન કરવાના પ્રયત્નો કરે છે. દરરોજ શિવની પૂજા કરવામાં મારા ઘરને - કમળને તોડતા ફરે છે. હે સ્વામી ! આ જ કારણોથી હું બ્રાહ્મણોથી સદાય દૂર રહું છું. ।। ૧૬ ।।

વિદ્યા અને લક્ષ્મીને વેર હોવા પાછળનું આ છે રહસ્ય !

પ્રેમનું બંધન દોહ્યલું

આ જગતમાં અનેક પ્રકારનાં બંધન છે. તેમાંય પ્રેમબંધન તો કંઈક વિશેષ જ છે. લાકડીમાં પણ કાણું પાડવાની તાકાત ધરાવતો ભમરો પણ કમળના ફૂલમાં બંધ થઈ ગયા પછી કશું કરી શકતો નથી. માત્ર કમળ પ્રત્યેના પોતાના પ્રેમનાકારણે જ ભમરો કમળની પાંખડીઓને નુકસાન નથી પહોંચાડતો. ।। ૧૭ ।।

મનુષ્ય જેને પ્રેમ કરે છે તેને ક્યારેય દુઃખમાં જોઈ શકતો નથી. ભલે તે જેને પ્રેમ કરતો હોય તે જ તેના દુઃખનું કારણ હોય. પ્રેમ પાછળ શહીદી વહોરવામાં પણ ગૌરવ છે.

કુળવાન

ચંદનના વૃક્ષને કાપી નાંખવા છતાંય તે પોતાની સુગંધ નથી છોડતું. વૃદ્ધ થવા છતાંય હાથી પોતાની કામક્રીડા નથી છોડતો. સંચામાં છૂંદી નાખવા છતાંય શેરડી પોતાની મીઠાશ નથી છોડતી. તેવી જ રીતે ઉચ્ચ કુળની વ્યક્તિ નિર્ધન થવા છતાંય પોતાની ઉદારતા અને ખાનદાની નથી છોડતી. ।। ૧૮ ।।

ગમે તેવા સંજોગો સર્જાય કે ગમે તેટલી વિપરિત પરિસ્થિતિ ઉપસ્થિત થાય, ઉચ્ચ સંસ્કાર ધરાવતી વ્યક્તિ અડગ રહે છે. તે ક્યારેય પોતાની ખાનદાની નથી છોડતી.

।। સોળમો અધ્યાય ।।

સંસાર કડવાશથી ભરેલાં ફળોનું વિષ વૃક્ષ છે, જેનાં માત્ર બે જ ફળ મીઠાં હોય છે. એક સુભાષિત અને બીજી સજ્જનોની સંગત.

કુપુત્ર

જે વ્યક્તિએ સંસારરૂપી જાળને કાપવા માટે ભગવાનનું સ્મરણ નથી કર્યું અને સ્વર્ગના દ્વારે પહોંચવા માટે જેણે ધર્મરૂપી ધનનો સંગ્રહ નથી કર્યો, જેણે સ્વપ્નમાં પણ નારીને પ્રેમ નથી કર્યો, તેવી વ્યક્તિ યુવાનીમાં તેને જન્મ આપનાર માતાના યૌવનરૂપી વૃક્ષને કાપનાર કુહાડો જ કે બીજું કંઈ ? ।। ૧।।

તમે પૃથ્વી પર જન્મ લીધો છે, કંઈક નવું કરો, કંઈક સિદ્ધ કરો, જેથી જીવનમાં કંઈક મેળવ્યાનો આનંદ મળે. તમને પેદા કરનાર માતાએ તમારો નવ માસ સુધી ભાર વેઠ્યો છે તેને વ્યર્થ ન જવા દો. જ્યારે એક માતા બાળકને જન્મ આપે છે ત્યારે તે બાળક પાસે અનેક અપેક્ષા રાખે છે, તેના માટે ઘણાં સપનાં જુએ છે. તેને પૂરાં કરવા પ્રયત્ન કરો.

સ્ત્રીચરિત્ર

સ્ત્રીઓને કોઈ વ્યક્તિ સાથે પ્રેમ નથી હોતો. તે વાતચીત કોઈ વ્યક્તિ સાથે કરતી હોય છે, પણ હાવભાવપૂર્વક જુએ છે કોઈ બીજાને અને મનમાં રટણ તો કોઈ ત્રીજી જ વ્યક્તિના નામનું ચાલતું હોય છે. આ જ તેમનો સ્વભાવ છે. જે વ્યક્તિ એવું માને છે કે કોઈ સ્ત્રી તેને પ્રેમ કરે છે, તો તે વ્યક્તિ મૂર્ખ છે. ।। ર ।।

સ્ત્રીઓને ચાણક્ય અત્યંત શંકાની નજરે જોતા રહ્યા છે. તેઓની આ અંગત માન્યતા છે.

મૂર્ખતા

જે પુરુષ એવું માનવાની મૂર્ખતા કરે છે કે આ સુંદર સ્ત્રી માત્ર મને જ પ્રેમકરે છે, તે કઠપૂતળીના મોરલાની જેમ એની આંગળીએ નાચતો રહે છે. ।। ૩ ।।

સ્ત્રી ચતુરાઈપૂર્વક પુરુષના મનમાં વિશ્વાસ ઉત્પન્ન કરે છે કે પોતે તેના પ્રેમમાં છે. તે માત્ર તેના ઈશારે જ નાચતો રહે છે. તેનું સ્વમાન તો તે ગુમાવી જ બેસે છે, પણ ધનસંપત્તિનોય નાશ થાય છે.

મોહપાશથી દૂર રહો

આ જગતમાં એવી કોઈ વ્યક્તિ નથી, જેને ધન અને ઐશ્વર્ય મળ્યા પછી અભિમાન ન થયું હોય. ભોગવિલાસમાં ડૂબેલી કોઈ વ્યક્તિ એવી નથી, જેણે મુશ્કેલી સહન ન કરવી પડી હોય. જગતમાં એવી કઈ વ્યક્તિ છે, જેનું મન સુંદર, રૂપવાન સ્ત્રીને કારણે ચળ્યું ન હોય, કે સ્ત્રીને લીધે તૂટી ન ગયું હોય. રાજાને કોણ કાયમને માટે ગમ્યું છે ? કાળદેવતાએ કોને કાયમને માટે હેમખેમ રાખ્યા છે ? ભીખ માગનાર વ્યક્તિને ક્યારેય સન્માન નથી મળતું અને કઈ વ્યક્તિ એવી છે, જે દુરાચારી વ્યક્તિના સકંજામાં ફસાઈ કુશળતાપૂર્વક સંસારમાં રહી શકી હોય ! ।। ૪ ।।

ચાણક્ય કહે છે કે દુનિયામાં જૂજ લોકો ધનસંપત્તિ, ભોગવિલાસ અને સ્ત્રીથી દૂર રહે છે અથવા તો આ બધું હોવા છતાંય તેના મોહપાશમાંથી દૂર રહે છે. બધાં પાસે માગનાર વ્યક્તિને કોઈ સન્માનની નજરે નથી જોતું, જ્યારે દુષ્ટ વ્યક્તિની સંગત પણ સતત મુશ્કેલીઓ જ સર્જે છે.

વિનાશ કાળે વિપરીત બુદ્ધિ

આજ સુધી ન તો સોનાના મૃગ(હરણ)નું અસ્તિત્વ હોવાના પુરાવા મળ્યા છે કે ન તો કોઈએ તેને જોયું છે. તેમ છતાંય શ્રીરામચંદ્ર સોનાના મૃગ(હરણ)ને પકડવા તેની પાછળ દોડ્યા હતા. એક વાત છે કે જ્યારે વ્યક્તિનો ખરાબ સમય અથવા નિરાશાના દિવસો આવે છે, ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. ।। પ ।।

ચાણક્ય આ શ્લોક દ્વારા સમજાવે છે કે પોતાના ખરાબ સમય દરમિયાન ભગવાન શ્રીરામચંદ્ર પણ સૂઝબૂઝ ગુમાવી સોનાના મૃગ પાછળ દોડ્યા હતા તો આવા સંજોગોમાં કોઈ પણ સામાન્ય વ્યક્તિ અવિચારી પગલું ભરી જ શકે છે.

મહાનતા

મનુષ્ય પોતાના સદ્‌ગુણોના કારણે જ શ્રેષ્ઠ બને છે. ઊંચા આસન પર બિરાજમાન દરેક વ્યક્તિ શ્રેષ્ઠ નથી કહેવાતી. રાજમહેલની સૌથી ટોચ પર બેસી કાગડો ક્યારેય ગરુડ નથી બની શકતો. ।। ૬ ।।

ઊંચા આસને અથવા ટોચ પર બેસનાર વ્યક્તિ શ્રેષ્ઠ જ હોય છે તેવું ન કહી શકાય. વ્યક્તિ તો પોતાના સદ્‌ગુણોથી શ્રેષ્ઠ બને છે. કાગડાનું દૃષ્ટાંત આપી તેમણે આ વાત સરળતાપૂર્વક સમજાવી છે.

ગુણવંત જ આદર મેળવે

દરેક જગ્યાએ વ્યક્તિનો આદર-સત્કાર તેના ગુણોના કારણે જ થાય છે. દુર્ગણોના ભંડાર સમાન વ્યક્તિ પાસે અખૂટ ધનસંપત્તિ હોવા છતાંય તેને આદર-સન્માન પ્રાપ્ત નથી થતાં. ડાઘ વિનાના, આછો પ્રકાશ આપનાર બીજના ચંદ્રની જે રીતે પૂજા થાય છે, તેવું તો પૂનમના ચંદ્રને પણ સન્માન નથી મળતું. ।। ૭ ।।

તેનો ભાવાર્થ એ છે કે પૂનમના ચંદ્રમાં અનેક ધબ્બા દેખાય છે, જ્યારે બીજનો ચંદ્ર એક પાતળી રેખા જેવો હોય છે. જેમાં કોઈ ડાઘ નથી હોતો એટલે જ સંપૂર્ણ ચંદ્ર કરતાં તે વધુ સુંદર લાગે છે. આ ઉદાહરણ આપી ચાણક્ય કહે છે કે સાફ ચારિત્ર્યવાળી ગુણવાન વ્યક્તિની સહુ કોઈ પ્રશંસા કરે છે અને તે આદરને પાત્ર બને છે.

આત્મશ્લાઘા નિરર્થક

જે વ્યક્તિના ગુણોનાં વખાણ બીજાઓનાં મોઢે સાંભળવા મળે છે, તે વ્યક્તિ ગુણવાન ન હોવા છતાંય ગુણી માનવામાં આવે છે. પરંતુ જો ઈન્દ્રદેવ પણ પોતાના જ મોઢે પોતાના વખાણ કરે છે તો તેને તુચ્છ માનવામાં આવે છે. ।। ૮ ।।

ખરેખર વ્યક્તિએ પોતાનું વ્યક્તિત્વ એવું નિખારવું જોઈએ કે બીજાઓ તેની પ્રશંસા કરે. હકીકતમાં ગુણવાન એ કહેવાય કે જેની બીજાઓ દ્વારા પ્રશંસા થતી હોય. પોતે જ પોતાની પ્રશંસા કરવી અને પોતાના જ ગુણગાન ગાવા તેને તુચ્છ ગણવામાં આવે છે.

ગુણ-કળાને નિખારો

જેવી રીતે સોનાનાં ઘરેણાંમાં જડવામાં આવેલું રત્ન વધુ સુંદર લાગે છે, તેવી જ રીતે વ્યક્તિએ પણ વિવેકપૂર્વક પોતાની અંદર રહેલા ગુણોનો વિકાસ કરી વ્યક્તિત્વને વધુ નિખારવું જોઈએ. ।। ૯ ।।

ચાણક્ય અહીં રત્નજડિત સોનાના આભૂષણનું ઉદાહરણ આપી વ્યક્તિની અંદર રહેલા ગુણો અને કળાને વધુ નિખારવાનું જણાવે છે, જેના દ્વારા વ્યક્તિત્વ વધુ દિવ્ય અને પ્રતિભાસંપન્ન બને. રત્નજડિત સોનાના આભૂષણની જેમ ચમકતું રહે.

આશ્રયનો મહિમા

ગુણોમાં પરમાત્મા જેવી ઉત્તમ હોવા છતાંય નિરાશ્રિત વ્યક્તિ દુઃખી જ હોય છે. જેમ અમૂલ્ય માણેક પણ સોનામાં જડાઈ જવાની આશા વ્યક્ત કરે છે, તેમ મનુષ્યને પણ કોઈના આશ્રયની આશા રહે છે. ।। ૧૦ ।।

આચાર્ય કહે છે કે દરેક વ્યક્તિને બીજી વ્યક્તિના આશ્રયની અને સહાયતાની જરૂર પડે છે. જેવી રીતે હીરાને આભૂષણમાં ન જડવાથી હીરાની તેમ જ આભૂષણ બંનેની સુંદરતા અધૂરી રહે છે તેમ ગુણવાન વ્યક્તિને પણ સમાજમાં આદરનું સ્થાન મેળવવા બીજાના આશ્રયની જરૂર પડે છે. તે સતત અન્ય વ્યક્તિની મદદની અપેક્ષા રાખે છે. આશ્રય વિના પંડિતો, સ્ત્રીઓ, લતાઓ શોભે નહીં !

અયોગ્ય ધન

જે ધન બીજાનું નુકસાન કરી અને તેને દુઃખ પહોંચાડી, ધર્મ વિરુદ્ધનું કાર્ય કરી, દુશ્મનના પગે પડવાથી પ્રાપ્ત થતું હોય એવું ધન મને નથી ખપતું ।। ૧૧ ।।

ચાણક્યનું કહેવું છે કે મનુષ્યે અથાગ પરિશ્રમ અને ઉત્તમ કાર્યો દ્વારા જ ધન મેળવવું જોઈએ. આ રીતે મેળવેલું ધન જીવનના અંત સુધી સાથ આપે છે. બીજાને નુકસાન પહોંચાડી એકઠું કરેલું ધન ભારરૂપ સાબિત થાય છે. ધર્મ વિરુદ્ધનું કામ કરવાથી અને દુશ્મન પાસેથી ભીખમાં મળેલું ધન ક્યારેય કલ્યાણકારી નથી હોતું. આવી સંપત્તિ મેળવ્યા છતાં મનમાં તો સતત અજંપો જ રહ્યા કરે છે.

શ્રેષ્ઠ ધનસંપત્તિ

એવા ધનનો કોઈ જ ફાયદો નથી, જે કુળવધૂની જેમ માત્ર એક જ વ્યક્તિના ઉપભોગ માટે હોય. એ જ ધનસંપત્તિ શ્રેષ્ઠ કહેવાય, જેનો રસ્તે ચાલનાર પણ ઉપયોગ કરી શકે. એટલે કે વેશ્યાની જેમ બીજાઓને પણ કામમાં આવી શકે તેવી ધનસંપત્તિની શ્રેષ્ઠ કહેવાય. ।। ૧ર ।।

આ શ્લોક દ્વારા ચાણક્ય કહે છે કે ઉત્તમ ધન એ છે, જે પરોપકાર કરવામાં કામ લાગે. તરસ્યા માટે પાણીની પરબ, નિરાશ્રિતો માટે આશ્રય સ્થાન, વિદ્યાર્થીઓ માટે પાઠશાળા બનાવવા જેવાં ઉમદાં કાર્યોમાં વપરાતું ધન જ સાચું ધન કહેવાય. સમાજ કલ્યાણ માટે ઉપયોગમાં લેવાતું ધન જ ઉત્તમ ગણાય. ધનનો સંગ્રહ કરી તેને દિવસે ને દિવસે વધારતા રહેવાથી કોઈ ફાયદો નથી અને આવી લક્ષ્મીનું કંઈ મૂલ્ય પણ રહેતું નથી. ‘લક્ષ્મી’ને પત્નીની જેમ એકલા પોતાના માટે નહીં વેશ્યાની માફક સર્વજનહિતાય રમતી મૂકો !

કાયમી અતૃપ્તિ અને અસંતોષ...

ક્યારેય કોઈને ધન, જીવન, સ્ત્રી અને ખાણીપીણીથી પૂર્ણ સંતોષ થયો નથી કે થવાનો નથી. આ બધી ઉપભોગની વસ્તુઓ છે, જેની તરસ અને ભૂખ ક્યારેય પૂરી રીતે શકતી નથી. ।। ૧૩ ।।

સાર્થક દાન

અન્ન, જળ અને વસ્ત્રનું દાન, ભૂમિદાન, બધાં જ પ્રકારના બ્રહ્મ યજ્ઞ, દેવયજ્ઞ અને બલિ, વૈશ્ય યજ્ઞ વગેરે કર્મ નાશ પામે છે, પરંતુ સુપાત્ર વ્યક્તિને દીધેલું દાન અને પ્રાણીમાત્ર માટે દાખવેલી દયા ક્યારેય નાશ નથી પામતી. ।। ૧૪ ।।

ચાણક્યનું માનવું છે કે વ્યક્તિ દ્વારા અપાયેલાં વિવિધ દાન કે વિવિધ યજ્ઞ કર્મ નાશ પામે છે, પણ સુપાત્રને આપેલું દાન કદાપિ વ્યર્થ નથી જતું. વિશ્વમાં વસતા વિવિધ જીવ પ્રત્યે દયાભાવના રાખવાથી મળતું પુણ્ય પણ ક્યારેય એળે નથી જતું.

માગનાર સૌથી હલકો

જગતમાં તણખલું સૌથી હલકું હોય છે. તણખલાથી પણ હલકું રૂ હોય છે, પણ માગનારને સૌથી હલકો માનવામાં આવે છે. ।। ૧પ ।।

ચાણક્ય આ શ્લોક દ્વારા જણાવે છે કે સંસારની હલકામાં હલકી વસ્તુ કરતાં માગનાર વ્યક્તિ હલકી હોય છે. માગનાર વ્યક્તિ કરતાં આપનાર વ્યક્તિનો હાથ ઉપર હોય છે. વ્યક્તિ જ્યારે બીજા પાસે કંઈક માગે છે ત્યારે આ માગવાની વૃત્તિને તુચ્છ માનવા આવે છે. તેના આદરસન્માનમાં પણ ઘટાડો થાય છે.

અપમાન સૌથી મોટું દુઃખ

અપમાનિત થઈને જીવવા કરતાં મરી જવું સારું, કારણ કે મૃત્યુ સમયે ઘડીક માટે દુઃખ પહોંચે છે, પણ અપમાનિત થવાથી તો વ્યક્તિ દરરોજ મરતી રહે છે. ।। ૧૬ ।।

ચાણકય જણાવે છે કે અપમાનિત થઈ જીવવા કરતાં તો વ્યક્તિએ મૃત્યુને વહાલાં થવું જોઈએ. વ્યક્તિએ મસ્તક ઊંચું રાખી, સન્માનભેર જીવવું જોઈએ, જ્યારે અપમાન સતત વ્યક્તિને મૃત્યુનો અહેસાસ કરાવે છે. વ્યક્તિ દરરોજ મૃત્યુ જેટલી જ પીડા સહન કરે છે.

મીઠાં વેણ

મીઠી બોલીવાળાથી સહુ કોઈ ખુશ રહે છે, એટલે વ્યક્તિએ હંમેશાં મીઠી વાણી જ બોલવી જોઈએ. વ્યક્તિએ વાણીથી દરિદ્ર ન રહેવું જોઈએ. બોલીમાં અમૃતરૂપી મીઠાશ ભેળવીને જ બોલવું જોઈએ. ।। ૧૭ ।।

જે વ્યક્તિ મીઠી વાણી બોલે છે અને પ્રેમભર્યો વ્યવહાર રાખે છે, તે બધાંને પોતાના બનાવવામાં સફળ રહે છે. એટલે કે વાણીમાં અમૃતરૂપી મીઠાશ ભેળવવામાં વ્યક્તિએ કંજૂસાઈ ન રાખવી જોઈએ.

સજ્જનોની સંગત

આખી દુનિયા કડવાશથી ભરેલાં ફળોનું ઝેરી વૃક્ષ છે, જેનાં માત્ર બે જ ફળ અમૃતસમાં મીઠાં છે. એક મીઠી વાણી અને બીજું સજ્જનોની સંગત. ।। ૧૮ ।।

ચાણક્ય કહે છે કે દુનિયામાં બધે કડવાશ જ રહેલી છે. જ્યાં જુઓ ત્યાં દુરાચાર, પાપ, દુર્ગુણ અને દુષ્ટતા જ જોવા મળે છે, પણ બે એવી બાબતો છે જેમાં મધુરતા રહેલી છે. સજ્જનોની સંગત અને વ્યક્તિની મીઠી વાણીમાં હજીયે મીઠા ફળ જેવી મીઠાશ રહેલી છે.

ઉત્તમ કાર્યો

મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન દાન, વિદ્યાભ્યાસ અને તપ જેવાં કર્મો કરે છે. પુનર્જન્મ લઈ મનુષ્ય ફરી આ જ કર્મો કરે છે. આ પ્રક્રિયા એક અભ્યાસ સમાન બની ગઈ છે અને વિવિધ કર્મો આદત બની ગયાં છે. ।। ૧૯ ।।

ઉત્તમ કાર્યો કરવા માટે ઉત્તમ શરૂઆત જ કરવાની હોય છે. એકવાર તેની શરૂઆત કર્યા પછી એવાં કાર્યોને વારંવાર કરતા રહેવાનું મન થાય છે, જે આત્માને મોક્ષ તરફ લઈ જાય છે.

વિદ્યા અને ધનનો ઉપયોગ

પુસ્તકમાં રહેલું જ્ઞાન અને બીજાંઓ પાસે રહેલું ધન કોઈ જ કામમાં નથી હોતું. જરૂરિયાતના સમયે આવું જ્ઞાન અને આવું ધન મદદમાં નથી આવતું. ।। ર૦ ।।

સાચું જ્ઞાન તો પુસ્તકમાંથી મેળવી તેનું આચરણ કરવામં આવે ત્યારે જરૂરિયાતના સમયે આ જ્ઞાન કામમાં આવે છે. સાચું ધન એ છે જે વ્યક્તિએ આપબળે કમાયું હોય અને તેની પોતાની પાસે હોય, નહિતર જરૂરિયાતના સમયે જ તે કામમાં નથી આવતું.

।। સત્તરમો અધ્યાય ।।

ઘરમાં સ્વરૂપવાન, સતી અને પતિવ્રતા પત્ની, ધનસંપત્તિ, વિવેકી પુત્ર અને પૌત્ર-પૌત્રી હોય તો સ્વર્ગમાં મળતા સુખથી પણ વધારે સુખની પ્રાપ્તિ થાય છે.

ગુરુ જ્ઞાન

જેમ પાપના આચરણથી ગર્ભવતી થનાર સ્ત્રીનું સમાજમાં કોઈ સ્થાન નથી હોતું તેમ જે વ્યક્તિ ગુરુ પાસેથી વિદ્યા મેળવવાના બદલે પુસ્તક આધારિત જ્ઞાન મેળવે છે, તેવી વ્યક્તિને સન્માન નથી મળતું. ।। ૧ ।।

આ શ્લોકમાં ચાણક્ય કહે છે કે પુસ્તકમાં રહેલું જ્ઞાન મર્યાદિત હોય છે, પણ ગુરુ જ્ઞાનનો અખૂટ ભંડાર હોય છે. પુસ્તકમાં પણ ન હોય તેવું અનુભવરૂપી જ્ઞાન ગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે. એટલે જ ચાણક્ય અહીં કહે છે કે માત્ર પુસ્તકિયું જ્ઞાન મેળવનાર કરતાં ગુરુ પાસેથી જ્ઞાન મેળવનાર પાસે કંઈક વિશેષ હોય છે. સમાજમાં તેનાં માન અને પ્રતિષ્ઠા પણ વધારે હોય છે. પાપના આચરણથી ગર્ભવતી થનાર સ્ત્રીનું ઉદાહરણ આપી આચાર્યએ આ બાબતને વધુ સ્પષ્ટ કરી છે. ચાણક્ય બ્રહ્મણ છે. અધ્યયન-અધ્યાપન બ્રાહ્મણનું કાર્ય છે. અહીં ચાણક્યનો ગુરુકુળો પ્રત્યેનો પક્ષપાત પણ દૃષ્ટિગોચર થાય છે. એકલવ્યે જાતે વિદ્યા પ્રાપ્ત કરેલી, એનું શું ?

જેવા સાથે તેવા

‘જેવા સાથે તેવા’નો વ્યવહાર કરવાથી પાપના ભાગીદાર નથી થવાતું. અહેસાન માનનાર સાથે પ્રેમ અને આદરભર્યું, હિંસા આચરનારા સાથે હિંસક તેમ જ દુષ્ટ વ્યક્તિ સાથે દુષ્ટતાભર્યું વર્તન કરવામાં કંઈ જ ખોટું નથી. ।। ર।।

અહીં આચાર્ય જણાવે છે કે વ્યક્તિએ સદાય સરળ અને પરોપકારી ન રહેવું જોઈએ. ક્યારેક કોઈક તેની આ ભલમનસાઈનો ફાયદો પણ ઉઠાવી શકે છે. એટલે જ આપણે ‘જેવા સાથે તેવા’ની વૃત્તિ રાખવી જોઈએ.

તપનો મહિમા : કશું જ અશક્ય નથી

જે વસ્તુ ખૂબ દૂર છે, જેને મેળવવા આકરી તપસ્યા કરવી પડે છે અને જેનું અસ્તિત્વ છે, પણ ત્યાં પહોંચવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. એ તમામ વસ્તુને આકરા તપ દ્વારા જ મેળવી શકાય છે. ।। ૩ ।।

ઘણી વાર કોઈક વસ્તુને જોઈને આપણને થાય છે કે આ કરવું મારા માટે શક્ય નથી. તેને જોઈને લાગે છે કે તેને મેળવવી અઘરી નથી, પણ અશક્ય જ છે. જો તમે એવું માનતા હો તો તમે ખોટું વિચારો છો. ચાણક્ય કહે છે કે જેનું ખરેખર કોઈ અસ્તિત્વ છે, તેવી એકેય વસ્તુ એવી નથી કે તેને ન મેળવી શકાય. તેની પૂર્વશરત માત્ર એટલી જ છે કે વ્યક્તિ અથાગ પરિશ્રમ અને આકરા તપ દ્વારા જ તેને મેળવી શકે છે. તેને લાયક બની શકે છે.

આચરણ એક તપસ્યા

જે વ્યક્તિ લોભી છે તેને બીજા કોઈ અવગુણની જરૂર નથી. ચાડીખોર કે બીજાની પંચાત કરવાથી મોટું પાપ કોઈ હોઈ જ ન શકે. જે વ્યક્તિ સત્યની આગ્રહી છે અને સત્યનું આચરણ જ તેનું જીવન છે તેને વળી તપ કરવાની શું જરૂર ? જે વ્યક્તિનું મન શુદ્ધ છે તેણે યાત્રાધામોની યાત્રા કરી ત્યાં સ્નાન કરવાની જરૂર જ નથી. વ્યક્તિમાં સૌજન્ય છે તો તેને બીજા ગુણોની શી જરૂર છે ? જો સંસારમાં તેનાં યશ અને કીર્તિ ફેલાઈ રહ્યાં છે તો તેને બીજા કોઈ ઘરેણાંની ક્યાં જરૂર છે ? વ્યક્તિ પાસે ઉત્તમ વિદ્યા હોય તો તેને ધનની જરૂર નથી રહેતી, પરંતુ જો તેનું અપમાન થઈ રહ્યું હોય કે અપયશ મળી રહ્યો હોય તો તે જીવવા છતાંય મૃત વ્યક્તિ સમાન છે. ।। ૪ ।।

અહીં ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ લોભી છે, તે તેના લોભમાં એટલું ખોટું આચરણ કરે છે કે તેને બીજા કોઈ અવગુણની જરૂર રહેતી જ નથી. બીજાના રસ્તામાં મુશ્કેલીઓ ઊભી કરવાથી મોટું પાપ કોઈ નથી. સત્યનું આચરણ એક તપસ્યા જ છે. તેનું આચરણ કરનારે બીજું કોઈ તપ કરવાની જરૂર જ નથી. મન પવિત્ર હોય, હંમેશાં બીજાઓનું ભલું જ ઈચ્છતું હોય અને હંમેશાં બીજા માટે પ્રેમની જ લાગણી હોય તો ન તો કોઈ તીર્થધામ જવાની જરૂર છે, ન તો બીજા ગુણોની જરૂર છે. યશ, કીર્તિ અને પ્રશંસા ઘરેણાં જેટલાં જ મૂલ્યવાન છે, અને વિદ્યા પણ કોઈ ધનથી કમ નથી. જો કે ચાણક્ય એવું પણ કહે છે કે જે વ્યક્તિને માત્ર અપમાન કે અપયશ જ સહન કરવું પડે છે તેનું જીવન મૃત વ્યક્તિ જેવું જ છે.

પ્રારબ્ધ

શંખ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે. લક્ષ્મીની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી થઈ છે એટલે લક્ષ્મી શંખની બહેન કહેવાય. સમુદ્રનો પુત્ર અને લક્ષ્મીનો ભાઈ શંખ ભીખ માગતો ફરે છે. જેનાં જેવાં કર્મ ! ।। પ ।।

આચાર્ય ચાણક્ય અહીં જણાવે છે કે વ્યક્તિએ કયા કુળમાં જન્મ લીધો છે તે મહત્ત્વનું નથી, પણ તે કેવાં કર્મ કરે છે તે મહત્ત્વનું છે. લક્ષ્મીમાતા અને શંખનું ઉદાહરણ આપી તેમણે આ વાતને સુંદર રીતે રજૂ કરી છે. શંખ અને લક્ષ્મી બંને સમુદ્રમાંથી જ ઉત્પન્ન થયાં છે, પણ પહેલાંના સમયમાં ભિક્ષા માંગવા આવતાં સાધુ શંખ ફૂંકતા હતા. તેઓ તેનો ભિક્ષા માંગવાના સાધન તરીકે ઉપયોગ કરતાં હતા. દાન કરવાના સાધન બદલે દાન માગવાના સાધન તરીકે શંખનો ઉપયોગ થવાથી તેનું મૂલ્ય ઓછું છે. જ્યારે લક્ષ્મીનો ઉપયોગ દાન આપવા માટે થાય છે માટે તે પૂજ્ય છે. એટલે જ માત્ર ઉત્તમ કુળમાં જન્મ લેવું જ પૂરતું નથી. મહત્ત્વ કર્મનું છે.

‘મજબૂરી કા નામ મહાત્મા’

ઘણાં કારણો અને સંજોગોના કારણે વ્યક્તિનાં લક્ષણો આપોઆપ બદલાઈ જાય છે. નિર્બળ વ્યક્તિ સજ્જન બની જાય છે, જ્યારે નિર્ધન વ્યક્તિ બ્રહ્મચારી, રોગિષ્ઠ વ્યક્તિ પ્રભુભક્તિમાં લીન થઈ જાય છે અને વૃદ્ધ સ્ત્રી પતિવ્રતા બની જાય છે. ।। ૬ ।।

આ શ્લોક દ્વારા ચાણક્ય સમજાવે છે કે કેટલીક વાર એવી પરિસ્થિતિ સર્જાય છે કે વ્યક્તિ આપોઆપ સજ્જન બની જાય છે. નિર્બળ વ્યક્તિએ સજ્જન બન્યા સિવાય છૂટકો જ નથી. પોતે કંઈક કરી શકવાની ન હોવાથી તેણે બીજા સાથે યોગ્ય વ્યવહાર રાખવો જ પડે છે. જ્યારે જેની પાસે ધનસંપત્તિનો અભાવ છે તેને ઊંચા શોખ પરવડે તેમ નથી. ભોગ-વિલાસ માટે તેની પાસે પૈસા નથી. તેણે ફરજિયાત બ્રહ્મચર્ય પાળવું પડે છે. બીમારીમાં સપડાયેલી વ્યક્તિ પણ તેમાંથી ઊગરવા માટે પ્રભુના ધ્યાનમાં લીન રહે છે. સતત પ્રભુની ભક્તિ કર્યા કરે છે. તેવી જ રીતે જો કોઈ રૂપવાન યુવતી પતિવ્રતા ધર્મનું આચરણ કરે તો તેને વિશેષતા માનવામાં આવે છે, પણ વૃદ્ધાવસ્થામાં તો દરેક સ્ત્રી પતિવ્રતા જ હોય.

માતાથી મોટું કોઈ જ નહીં

જળ અને અન્ન જેવું શ્રેષ્ઠ દાન કોઈ જ નથી. બારસ જેવી ઉત્તમ તિથિ બીજી કોઈ નથી. ગાયત્રી મંત્રથી ઉત્તમ કોઈ મંત્ર નથી અને માતાથી શ્રેષ્ઠ કોઈ દેવી નથી. ।। ૭ ।।

ચાણક્ય કહે છે કે ભૂખ્યાંને ભોજન અને તરસ્યાંને જળપાન કરાવવાથી શ્રેષ્ઠ કોઈ દાન નથી. બારસના દિવસે કરવામાં આવતું પુણ્ય કર્મ ઉત્તમ ફળ આપનારું હોય છે. ગાયત્રી મંત્રને ચાણક્ય બધા જ મંત્રોમાં સર્વશ્રેષ્ઠ માને છે. તેવી જ રીતે તેમણે કહ્યું છે કે માતા ખૂબ આદરણીય હોય છે. મનુષ્યને જન્મ આપનારી માતાનું સ્થાન દેવતાઓ કરતાં પણ ઊંચું છે.

દુર્જનની દુષ્ટતા

સાપનું ઝેર તેના દાંતમાં હોય છે. માખીનું ઝેર તેના માથામાં હોય છે. વીંછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે. એટલે કે દરેક ઝેરીલાં પ્રાણીઓના એકાદ અંગમાં જ ઝેર હોય છે, પરંતુ દુર્જન વ્યક્તિનાં બધાં જ અંગમાં ઝેર ભરેલું હોય છે. ।। ૮ ।।

ચાણક્યનું કહેવું છે કે દુર્જન વ્યક્તિ કોઈ પણ માટે સારું વિચારી શકતી નથી. તે હંમેશાં ઝેર જ ઓક્યા કરે છે. ઝેરીલાં પ્રાણીઓમાં પણ મર્યાદિત પ્રમાણમાં ઝેર રહેલું હોય છે, પણ ઝેરીલી વ્યક્તિ આખેઆખી ઝેરથી જ ભરેલી હોય છે, જે ક્યારેય ઓછું થતું નથી. ઝેરનું દૃષ્ટાંત આપી ચાણક્યે અહીં દુર્જન વ્યક્તિના દુર્ગુણોની વાત કહી છે.

નિરર્થક ઉપવાસ

પતિની આજ્ઞા વગર જે સ્ત્રી ઉપવાસ કરે છે, તે પોતાના પતિના આયુષ્યને વધારવાની જગ્યાએ ઘટાડે છે. તે સ્ત્રીને ખૂબ દુઃખ ભોગવવાં પડે છે અને મૃત્યુ પછી તે નરકમાં સ્થાન પામે છે. ।। ૯ ।।

સ્ત્રીએ ઉપવાસ અને વ્રત પણ પતિની આજ્ઞા લઈને જ કરવાં એવો પુરુષમત !

પતિ પરમેશ્વર

અનેક પ્રકારના દાન કરવા છતાંય સ્ત્રી પવિત્ર નથી થઈ શકતી એટલે કે મોક્ષ મેળવી શકતી નથી. અનેક ઉપવાસ કરવા છતાંય તે શુદ્ધ નથી હોતી, યાત્રાધામોની યાત્રા કરવા છતાંય તે શુદ્ધ નથી હોતી, માત્ર પતિનાં આચરણોમાં રહી સેવા કરનાર સ્ત્રી જ શુદ્ધ હોઈ શકે છે અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. ।। ૧૦ ।।

આ શ્લોક દ્વારા ચાણક્ય કહે છે કે જે સ્ત્રી પોતાના પતિ તેમ જ તેનાપરિવારની સંભાળ નથી લેતી, પણ માત્ર ઉપવાસ, દાનધર્મ અને યાત્રા ધામોમાં જ રચીપચી રહે છે તેને ક્યારે સુખ મળતું નથી. જો કે, આધુનિક સમયમાં ચાણક્યની આ વાતને માનનારની સંખ્યા જૂજ છે. સ્ત્રી-પુરુષમાં તે સમયે ખૂબ ભેદભાવ રખાતો હોવાનું આ ઉદાહરણ છે.

સૌંદર્ય

હાથની શોભા દાનની પ્રવૃત્તિ કરવાથી વધે છે નહિ કે કંગન જેવાં ઘરેણાં પહેરવાથી. ચંદન લગાડવાથી શરીર શુદ્ધ નથી થતું. શરીર તો સ્નાન કરવાથી જ શુદ્ધ થાય છે. ભોજન કે પાણીથી મનુષ્યને સંતોષ નથી મળતો. મનુષ્યને આદર-સન્માનથી સંતોષ મળે છે. સાચા આત્મજ્ઞાન દ્વારા જ મનુષ્યને મોક્ષ મળે છે, તર્ક કે વાદવિવાદથી નહિ. ।। ૧૧ ।।

આચાર્ય કહે છે કે ઘરેણાં, ચંદન કે ભોજન તો વ્યક્તિની શરીરની જરૂરિયાતને સંતોષે છે, જ્યારે દાનકર્મ, સ્નાન, આદર-સન્માન અને મોક્ષથી આત્માને સુખ-શાંતિ અને સંતોષ મળે છે. વ્યક્તિએ માત્ર શરીરને જ સુખ મળે તેવી પ્રવૃત્તિઓ ન કરતાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ.

નારી શક્તિનાશક

ઘિલડાનું શાક ખાવાથી મનુષ્યની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. વચ ઔષધિ ખાવાથી બુદ્ધિ તેજ થાય છે. નારી પુરુષની તમામ શક્તિ નષ્ટ કરી દે છે, જ્યારે દૂધ પીવાથી ખોવાયેલું બળ પ્રાપ્ત થાય છે. ।। ૧ર ।।

આ શ્લોક દ્વારા આચાર્ય ચાણક્ય કહે છે કે નારી સાથે રહેવાથી કે તેની સંગતથી પુરુષની બધી જ શક્તિ નાશ પામે છે. નારીનો મોહ પુરુષને નિર્બળ બનાવી દે છે. આ સમયાનુસારની તેમની વિચારસરણીનો અણસાર આપે છે. અલબત્ત, સ્ત્રીઓ ઉપયોગ કરી ભલભલા રાજાઓને નિર્બળ બનાવી દેવાયાના દાખલા છે.

પરોપકાર

જેઓનાં મનમાં બીજાઓ માટે ઉપકાર કરવાની ભાવના રહેલી હોય છે, તેઓની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તેઓને ડગલે ને પગલે ધનસંપત્તિ મળે છે. ।। ૧૩ ।।

ચાણક્ય કહે છે કે બીજાઓનું ઉત્તમ થાય તેવું ઈચ્છનારી વ્યક્તિનું તો કુદરત પણ કશું નથી બગાડતી. બીજા લોકોનું ખરાબ થવાની ઈચ્છા રાખનારને પોતે જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજાને નુકસાન ન કરનારને કોઈ હેરાન નથી કરતું. દરેક તેને આદર જ આપે છે.

ધર્મ વિનાનો મનુષ્ય પશુ સમાન

ભોજન કરવું, સૂઈ જવું, ડરવું અને મૈથુન કરવું, આ બધું જ મનુષ્ય અને પશુ દ્વારા કરવામાં આવતી એક સરખી પ્રવૃત્તિઓ છે. પશુઓમાં જોવા નથી મળતી અને માત્ર મનુષ્યમાં જ જોવા મળે છે એવી ધર્મ જ એકમાત્ર પ્રવૃત્તિ છે. ધર્મ વિનાનો મનુષ્ય પશુ જેવો જ હોય છે. ।। ૧૪ ।।

ચાણક્યનું કહેવું છે કે જે મનુષ્ય ધર્મમાં નથી માનતો તે ધર્મ દ્વારા આચરવામાં આવતાં સત્કર્મો પણ નથી કરતો. જ્યારે પ્રાણીઓમાં તો ધર્મ જેવી કોઈ પ્રવૃત્તિ જ નથી હોતી. એટલે ધર્મ વિનાના મનુષ્ય અને પશુને ચાણક્યે એક સરખાં ગણાવ્યાં છે.

યથાશક્તિ દાનકરો

પોતાની મસ્તીમાં ચૂરહાથી પોતાના જ મસ્તિષ્ક પર બેઠેલા ભમરાને સૂપડા જેવા કાન ફડફડાવી ઉડાડી દે છે. ભમરાને તો આનાથી કોઈ નુકસાન નથી થતું. તે તો કમળનો રસ ચૂસવા ઊડી જાય છે, પણ ભમરાના બેસવાના કારણે હાથીના મસ્તિષ્ક પર મુગટ જેવી સર્જાતી આભા નષ્ટ થઈ જાય છે. ।। ૧પ ।।

હાથી અને ભમરાનું દૃષ્ટાંત આપી ચાણક્ય કહે છે કે તમારા દ્વાર પર માગવા આવનારને ખાલી હાથે જવા દેવાથી નુકસાન તમને જ છે. ધનવાન વ્યક્તિએ માગવા આવનારને સન્માન સાથે યથાશક્તિ દાન કરવું જોઈએ. કારણ કે દાન માગનારને કોઈ ને કોઈ જગ્યાએથી દાન મળી જ જાય છે, પણ દાન આપનારને દાન કરવાની તક ક્યારેક જ મળે છે.

એમને પરાઈ પીડની જાણ નથી

રાજા, વેશ્યા, યમરાજ, અગ્નિ, ચોર, બાળક, માગનાર અને ગામડાની પ્રજાને હેરાન કરનાર આ આઠેય ખૂબ નિષ્ઠુર હોય છે. તેઓ બીજાનાં દુઃખ ક્યારેય સમજી શકતાં નથી. ।। ૧૬ ।।

ગામડાંની પ્રજા પાસેથી કર વસૂલ કરનાર રાજાના જ માણસો હોય છે. ગરીબ અને ભૂખી પ્રજા પાસેથી ગમે તે ભોગે તેઓ કર વસૂલે છે. બાળક તેની અજ્ઞાનતા, વેશ્યા તેનાં લોભ-લાલચ, અગ્નિ તેની જલદ પ્રકૃતિ, યમરાજા તેમના કાર્ય પ્રકાર, રાજા તેમની સત્તા, ચોર તેના સ્વભાવ અને માગનાર તેની માગવાની વૃત્તિના કારણે સામા માણસનું દુઃખ નહીં સમજનારા કહેવાયા છે.

મુજ વીતી તુજ વીતશે

કોઈ અત્યંત વૃદ્ધ સ્ત્રીને, જેની કમર વૃદ્ધાવસ્થાના કારણે વળી ગઈ હોય, તેને જોઈને કોઈ યુવક મજાકમાં પૂછે છે : હે વૃદ્ધા ! નીચે શું શોધે છે? શું તારી કોઈ વસ્તુ ધરતી પર પડી ગઈ છે ? તારું કંઈક ખોવાઈ ગયું છે? આ મશ્કરી સાંભળી વૃદ્ધા બોલે છે : અરે મૂર્ખ ! તું નથી જાણતો કે મારું યૌવનરૂપી મોતી ખોવાઈ ગયું છે અને હું તેને શોધી રહી છું. ।। ૧૭ ।।

વૃદ્ધા અહીં સંકેત આપે છે કે સંસારમાં જન્મ લેનારી દરેક વ્યક્તિને બાળપણ, તરુણાવસ્થા અને યુવાની પછી વૃદ્ધાવસ્થામાંથી પસાર થવું પડે છે. કુદરતના આ નિયમમાંથી કોઈ નથી બચી શકતું. માત્ર વૃદ્ધ વ્યક્તિ જ સમજી શકે છે કે યુવાનીનું મહત્ત્વ શું છે. જીવનનો તે ખૂબ જ મહત્ત્વનો તબક્કો હોય છે. તે વીતી ગયા પછી જ તેનું મૂલ્ય સમજાય છે.

ઉત્તમ ગુણ, ઓછા અવગુણ

હે કેવડાના વૃક્ષ ! સાપ તને વળગેલા રહે છે, તારે ફળ પણ નથી આવતાં, કાંટા પણ હોય છે અને તારી કોઈ સુગંધ પણ નથી. એટલું જ નહિ તું કીચડમાં ઊગે છે અને સરળતાથી જોવા પણ નથી મળતું. આટલા દુર્ગુણો હોવા છતાંય તારામાં રહેલી એક ખાસ પ્રકારની સુગંધ પ્રાણીઓને આકર્ષે છે. ।। ૧૮ ।।

ચાણક્ય કહે છે કે વ્યક્તિમાં રહેલો એક સદ્‌ગુણ તેને બધાં જ પાપમાંથી મુક્ત કરે છે અને તેનામાં રહેલા અવગુણ ઢંકાઈ જાય છે. તે વ્યક્તિને માન, સન્માન અને નામના અપાવે છે. તે કદરૂપી હોવા છતાંય બધાંમાં પ્રિય બને છે.

સ્વર્ગથી મોટું સુખ કયું ?

ઘરમાં સ્વરૂપવાન, સતી અને પતિવ્રતા પત્ની, ધનસંપત્તિ, વિવેકી પુત્ર અને પૌત્ર-પૌત્રી હોય તો સ્વર્ગમાં મળતા સુખથી પણ વધારે સુખની પ્રાપ્તિ થાય છે. ।। ૧૯ ।।

Rate & Review

Ravi

Ravi 3 weeks ago

Nikul Chaudhari

Nikul Chaudhari 1 month ago

R  S

R S 1 month ago

Devang Jivani

Devang Jivani 5 months ago

Manisha Prajapati

Manisha Prajapati 6 months ago