Speechless Words CH - 5 books and stories free download online pdf in Gujarati

Speechless Words CH.5

|| 05 ||

પ્રકરણ 4 માં આપણે જોયું કે અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. કારણ કે પ્રેમને પોતાના બિઝનેસ સિવાય ઘરની કુટુંબની કોઈ વાત ખબર નથી. જેમાં છેલ્લે આપણે જોયું તેમ સ્કૂલમાં ઈત્તર પ્રવૃતિની સ્પર્ધાના સર્ટિફિકેટસ અપાઈ રહ્યા હતા અને સ્વિમિંગ ચેમ્પિયન પાર્થ કોટેચાનું નામ પણ જાહેર થયું ત્યારે આદિત્ય, પ્રિયંક અને રાજ ‘ખેલ મહાકુંભ’ અંગે ચર્ચા કરી રહ્યા હતા. હવે કેવી હશે ખેલ મહાકુંભની સ્વિમિંગની ઇવેન્ટ? તે જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

* * * * *

પ્રિયંક લાલ કલરની ફ્રેમવાળા બંને આંખોમાં એક એક નંબરવાળા ચશ્મા પહેરતો અને સ્પાઈસી વાળ રાખતો અને ક્લાસમાં અમે બંને સૌથી ઊંચા હતા. પ્રિયંકનું શરીર સોષ્ઠવ પણ સારું હતું. રાજના વાળ બહુ લાંબા હતા અને ભૂરી ભૂરી આંખો હતી. રાજ લાંબા વાળ હોવા છતાં તેલની સાથે વાળમાં જેલ લગાવીને આવતો જેથી માથામાં વાળ ચોંટેલા રહેતા.

“આપણામાં ગર્લ્સ શરમાળ બહુ છે, તું બીજી સ્કૂલમાં જો લે.. કેટલી બધી ગર્લ્સ પાર્ટીસિપેટ કરે અને એમનો નંબર પણ આવે છે જોવા જેવી વાત એ છે“, પ્રિયંકે મને બીજી સ્કૂલોની છોકરીઓને અમારાથી ચડિયાતી બતાવતા કહ્યું.

“આ વખતે તો કોઈ ગર્લ્સમાંથી ચેમ્પિયન ના બન્યું પણ કદાચ આવતા વર્ષે કોઈ હોય. હમ્મ.“, રાજે મને કહ્યું.

“જે હશે એને એક રીતે તો ફાયદો જ છે.“, મેં ફાયદાની વાત રજૂ કરતાં કહ્યું.

“ફાયદો? કેવી રીતે ફાયદો?“, પ્રિયંકે નવાઈ પામતા પૂછ્યું.

“ખેલ મહાકુંભ નો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને આવતા વર્ષે તો તેનું બીજું વર્ષ હશે તો જે કોઈ ગર્લ્સ કે બોય્ઝ ભાગ લે અને નંબર આવે તેમણે રોકડ રૂપિયા ૫૧૦૦૦ સુધીનું ઈનામ છે“, રાજે અમને કહ્યું.

“હા અને તેની સ્વિમિંગની પહેલી ઈવેન્ટ વુમન્સ માટે આજે જ છે જો આપણાંમાંથી તો કોઈ છે નહીં તો જોવા જવાનો કઈ અર્થ નથી પણ સાંભળવામાં આવ્યું છે કે ઓલિમ્પિક જેવી ઈવેન્ટ થવાની છે.“, મેં પ્રિયંકને કહ્યું.

“જોઈએ હવે એ તો કાલે ન્યૂઝપેપરમાં ફોટા આવશે જ અને અત્યારે હમ્મ..(ઘડિયાળમાં જોઈને) સાડા નવ થયા છે ઈવેન્ટ શરૂ થઈ ગઈ હશે.“, મેં પ્રિયંક અને રાજને કહ્યું.

Sardar Patel Swimming Pool – Rajkot

રાજકોટ શહેરની અને ગુજરાતની લગભગ બધી જ સ્વિમિંગ કોમ્પિટિશન સરદાર પટેલ સ્નાનાગાર એટલે કે સરદાર પટેલ સ્વિમિંગ પૂલમાં જ થતી હતી અને આજે પણ ત્યાં જ થાય છે. મારી જાણકારી મુજબ કદાચ એશિયાનો બીજા નંબરનો સૌથી શ્રેષ્ઠ સ્વિમિંગ પૂલ છે. ચોખ્ખાઈથી માંડીને ત્યાં આપવામાં આવતી તાલીમ સુધી એકદમ શ્રેષ્ઠ સ્વિમિંગ પૂલ હતો. આજે અહીંયા સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન થયું હતું, જે ગુજરાત રાજ્યના દર વર્ષે યોજાતા ખેલ મહાકુંભના ભાગરૂપે હતું. દરેક શહેરો અને જિલ્લાઓમાંથી બહોળી સંખ્યામાં વિધ્યાર્થીઓ તેમ જ અન્ય લોકોએ ભાગ લીધો હતો. સરદાર પટેલ સ્વિમિંગ પૂલના સ્પીકર એટલા સરસ હતા કે ત્યાં કરવામાં આવતી કોમેંટરી બહાર પણ સંભળાઈ રહી હતી. જેના કારણે રસ્તા પર ચાલતા રાહદારીઓ પણ ક્યારેક ક્યારેક આ કોમેંટરી સાંભળવા ઊભા રહી જતાં હતા. એક પછી એક એમ બધી જ ઈવેન્ટ પૂરી થઈ ગઈ હતી. હવે તો બસ છેલ્લા રાઉન્ડની ફાઇનલ ઇવેન્ટ બાકી રહી હતી. જે ખેલાડીનો નંબર પ્રથમ આવે એમને રૂપિયા ૫૧૦૦૦ નું ઈનામ હતું.

“ગુજરાત રાજ્યના સર્વ પ્રથમ ખેલ મહાકુંભના અંતિમ ચરણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રજૂ કરવા જઈ રહ્યા છીએ વિમેન્સ સ્વિમિંગ કોમ્પિટિશનની ફાઇનલ ઈવેન્ટ, તો પાર્ટીસીપેંટ્સ રેડી??“, આ પ્રકારનું એલર્ટ એનાઉન્સમેંટ માઈકમાં બોલી રહેલા એન્કરે કર્યું અને તરત જ ફાઇનલ ઇવેન્ટમાં શોર્ટલિસ્ટ થયેલા તમામ મહિલા ખેલાડીઓ રેડી થઈ ગયા અને સિટી વાગતા જ હરીફાઈ શરૂ થઈ. એકદમ રસાકસી ભર્યો ખેલ જામ્યો હતો. સ્વિમિંગ પૂલનું પાણી ઊછળી ઊછળી બહાર ફેંકાઇ રહ્યું હતું. છોકરીઓના વાલીઓ અને મિત્રો પણ તેને પ્રોત્સાહન આપવા તાળીઓ પાડી રહ્યા હતા. રાજકોટની અમુક લોકલ ચેનલ્સ દ્વારા લાઈવ રેકોર્ડિંગ થઈ રહ્યું હતું. બૉલીવુડ અને હોલીવુડની ફીલ્મોના પ્રખ્યાત મોટિવેશનલ સોંગ્સ વાગી રહ્યા હતા.

થોડી વારમાં ઇવેન્ટ પૂરી થઈ નિર્ણય જજીસ પાસે આવી ગયો હતો. ઘણા મિત્રો પોતાના ભાગ લીધેલ મિત્રો સાથે ફોટો પડાવવામાં વ્યસ્ત હતા આવા વ્યક્તિઓ ઇવેન્ટને બસ માણવા આવ્યા હોય છે. જેમને હાર કે જીત થી કોઈ ખાસ્સો ફેર નથી પડતો, બસ ઈવેન્ટ એન્જોય કરવાનો આનંદ હોય છે. ઘણા વાલીઓ એવા પણ હતા જે પોતાના દીકરા દીકરીઓને આશ્વાસન આપી રહ્યા હતા, જેથી કરીને તેમનો આત્મવિશ્વાસ એવોને એવો જ રહે. પ્રેસ રિપોર્ટર્સ બધાના ઇન્ટરવ્યૂ લેતા જોવા મળતા હતા. કારણ કે ગુજરાતના સૌથી મોટા ખેલમહોત્સવની પહેલી ઈવેન્ટ આજ રાજકોટ શહેરના આંગણે યોજાઇ રહી હતી. બસ, હવે માત્ર રાહ હતી તો જજીસના રિઝલ્ટની. રિઝલ્ટ તૈયાર થયું અને થોડી આભરવીધી કરવામાં અને બીજું ઘણું બધુ બોલવામાં ખાલી ખોટો કારણ વગરનો સમય બગાડવામાં આવી રહ્યો હતો. આવું લગભગ આપણે ત્યાં દરેક પ્રોગ્રામમાં થાય જ છે. જેમાં મહેમાનોનું સ્વાગત, મુખ્ય અતિથિ વિશેષશ્રીની લાંબી લચક સ્પીચનો મુખ્યત્વે સમાવેશ થાય છે અને ઘણા આમંત્રિત મહેમાનો તો સ્વિમિંગનો ઇતિહાસ શરૂ કરે અને પૂરો કરવાનું નામ ના લે. હવે આવો ખોટો કારણ વગરનો સમય બગાડ્યા બાદ જજીસે નામ જાહેર કર્યું.

(સ્વિમિંગ વિશેની લાંબી લચક સ્પીચ કર્યા પછી)

“ઓકે ફાઇનલી વધુ કઈ ના કહેતા હું વિજેતા જાહેર કરું છું. નંબર 3 પર છે ભૂમિ પટેલ (તરત જ એક પાતળી એવી પાંચક ફૂટ ઊંચાઈની છોકરી આવી અને પોતાનું સર્ટિફિકેટ લઈ ફોટો પડાવી જતી રહી) ત્યારબાદ નંબર 2 પર છે કૃતિકા વ્યાસ (તરત જ એક ટૂંકા વાળ આંખે ચશ્મા ધરાવતી છોકરી આવી અને પોતાનું સર્ટિફિકેટ લઈ આકાશમાં ભગવાનનો આભાર માનીને જતી રહી) અને લાસ્ટ બટ નોટ લિસ્ટ નાવ ફર્સ્ટ નંબર પર છે રાજકોટના કાંતિલાલ કન્યા વિધ્યાલયના વિધ્યાર્થિની ‘દિયા કે. જોશી’ “, આ નામ આવતા જ પાંચ ફૂટ પાંચ ઇંચ ઊંચાઈ, દુધિયા કલરના બરછટ સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરેલ જેના પર ગુલાબી કલરના ફૂલોની ડિઝાઇન હતી સાથે સ્કાય બ્લેક ટોપી સ્વિમિંગ કેપ પહેરેલી એક છોકરીએ જોરથી ‘યસ’ એવી બૂમ પાડી, આ છોકરી બીજું કોઈ નહીં પણ ‘દિયા જોશી’ ખુદ હતી. પાછળથી પોતાના જીતના સમાચાર સાંભળતા જ સૌથી પહેલા તેને પોતાના મમ્મીને ટાઈટ હગ આપ્યું અને તેના મમ્મીના ગાલ પર મસ્ત કિસ કરી અને દોડતી મંચ પર પોતાનું સર્ટિફિકેટ લેવા આવી. આંખમાં સ્વિમિંગ કોમ્પિટિશન પહેલા આંજણ આંજયું હોય તેમ તેની આંખો કાળી કાળી થઈ ગઈ હતી. તરત જ તે આવી પોતાનું મેડલ પહેરી અને સર્ટિફિકેટ લઈ અને જતી રહી. ત્યારબાદ તૃતીય અને દ્વિતીય ક્રમ ધરાવતી છોકરીઓ ભૂમિ પટેલ અને કૃતિકા વ્યાસ સાથે તેને ફોટોસ ક્લિક કરાવ્યા અને ત્યારબાદ ચેન્જરૂમમાં જતી રહી. ત્યારબાદ તેના મમ્મી મીના બહેને દિયાના પિતા કિરીટ ભાઈને ફોન કરી દીકરીની સફળતાના સમાચાર આપ્યા. થોડીવાર બાદ કપડાં ચેન્જ કરી ખુલ્લા ભીના ભીના વાળ સાથે તે ચેન્જરૂમમાંથી બહાર આવી અને તરત જ પોતાની બેગમાંથી નંબરવાળા ચશ્મા કાઢીને પહેર્યા. દિયાને બહુ જ ઓછા નંબરના ચશ્મા હતા અંદાજિત બંને આંખે અડધો નંબર હશે.

દિયાનું ઘર રાજકોટના નીવાનગર સોસાયટીમાં હતું. ઘરમાં એક મોટું ઝાડ હતું અને ઘર 150 વારમાં બનાવવામાં આવેલ આલીશાન બંગલો હતો. એક માળનું જ હતું પરંતુ ત્રણ બેડ હૉલ કિચન. હું કોઈ દિવસ ગયો નથી પરંતુ આજે પણ જવાની ઈચ્છા છે. ક્યારેક ગયો હોય તો યાદ પણ નથી મને. હા, કદાચ એક વખત ગયો હોઈશ. હવે આગળ વધીએ દિયાના પિતા ઘરે દિયાના આવવાની રાહ જોઈ રહ્યા હતા. દિયા સાંજે પોતાના મમ્મી અને ભાઈ સાથે ઘરે આવી અને ઘરે આવતાની સાથે જ તેણે દોડીને તેના પિતાને હગ કરી લીધું. પિતાની આંખમાં હરખના આંસુ હતા. દિયા સ્વિમિંગ ચેમ્પિયન તો હતી જ પરંતુ જિલ્લા સ્તરે, આમ રાજ્ય કક્ષાએ પ્રથમ આવવાની ખુશી કાંઈક અલગ જ હતી. તરત જ તે પોતાના દાદીમા પાસે ગઈ, તેના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, “બા મારો પહેલો નંબર આવ્યો“ કહીને ભેટી ગઈ. દિયાને એક ભાઈ છે, જેનું નામ છે ‘માધવ કે. જોશી’ જે તેના ઘર પર પણ ગેટની બાજુમાં રહેલી કાળા કલરની તકતી પર સોનેરી અક્ષરે લખેલું જોઈ શકશો. આ સિવાય મને બરાબર યાદ છે કે તેના ઘરનું નામ હતું “દિવ્ય માધવ”. જે તેના પિતા કિરીટભાઈ જી. જોશીએ પોતાના સંતાનોના નામ પરથી જ રાખ્યું હોવાનું મારું અનુમાન છે.

ખેર.. આજે દિયા બહું જ ખુશ હતી. કારણ કે તેણે ક્યારેય એવું નહોતું વિચાર્યું કે પોતાનો શોખ ‘સ્વિમિંગ’ તેણે આવી જ્વલંત સફળતા અપાવશે. દિયાના કુટુંબમાં આમ તો ચાર જ વ્યક્તિ હતા પોતે, તેનો ભાઈ માધવ, પિતા કિરીટભાઈ અને માતા મીનાબેન અને દાદી હતા જેને તે બા કહીને બોલાવતી, પરંતુ તેઓ ક્યારેક દિયાના કાકાને ત્યાં તો ક્યારેક દિયાના ઘરે રહેતા. પિતા કિરીટભાઈ વ્યવસાયે શિક્ષક હતા અને માતા મીનાબેન હાઉસવાઈફ હતા. એકદમ ખુશખુશાલ કુટુંબ હતું. પિતા અને ભાઈ પણ દિયાની માફક સ્વિમિંગ જાણતા હતા. તેના ભાઈએ પણ સ્વિમિંગમાં ઘણા મેડલ્સ જીત્યા છે. આ સમયે દિયા નવમા ધોરણમાં ભણતી હતી, જ્યારે તેનો ભાઈ માધવ તેનાથી બે વર્ષ નાનો સાતમાં ધોરણમાં હતો. જે આજે વર્તમાન સમયમાં જિલ્લા કલેક્ટર છે. દિયા પોતાના રૂમમાં ગઈ પોતાના રૂમના નેવું અંશે રહેલા ભૂરા આછા તિજોરી કબાટમાંથી પોતાની સર્ટિફિકેટ્સથી છલોછલ ભરેલી ફાઇલ બહાર કાઢી અને પોતાનું એક સર્ટિફિકેટ તેમાં ઉમેર્યું અને ફોલ્ડરની ચમક પર પોતાનો હાથ ફેરવી રાહતનો શ્વાસ લીધો અને આંખો બંધ કરી પોતે ચેમ્પિયન બનેલી ક્ષણને તાજી કરી. આંખો ખૂલી તો આંસુ હતા. આવું થાય જ્યારે જિંદગીની ભૂલી જ ના શકાય એવી યાદોને વિખોળીએ ત્યારે જે અનુભવ થાય તે આવો જ હોય. આ વાત આજે દિયા સાથે પણ બની હતી. તે રડવા માંગતી ના હતી છતાં રડી રહી હતી. આંસુ દર વખતે જીવનમાં દુખના જ આવે એવું જરૂરી પણ નથી હોતું.

ઘણી વાર આવું બને છે કે તમે રડવા તો માંગતા ના હોય પણ રડવું આવી જાય તો શું વાત છે ??

દિયા કોલેજના સમયમાં તો દિપીકા પાદુકોણની ડાય હાર્ટ ફેન હતી. એક બહુ જ મોટી ચાહક. દીપિકાના બધા જ ફિલ્મો તેણે ટોકીઝમાં જ જોયા હશે. આ સિવાય તેના બેડરૂમમાં પણ દિપીકાના જ પોસ્ટર્સ લાગેલા રહેતા અને લેપટોપમાં પણ દીપિકાના જ ગીતો વગાડ્યા કરતી.

“ દિયા... માધુ.... ચાલો જમવા બેટા... “, સાંજના સમયે ડિનર માટે બોલાવતો દિયાના મમ્મીનો અવાજ દિયાના રૂમમાં સંભળાયો.

માધવ અને દિયા આ સમયે સ્કૂલનું હોમવર્ક કરી રહ્યા હતા. ફટાફટ હોમવર્ક મુકીને જમવા માટે બહારના હોલમાં આવ્યા અને ડાઈનિંગ ટેબલ પર પોતપોતાની ખુરશી પર બેઠા. થોડીવારમાં પિતા કિરીટભાઈ આવી ગયા અને દાદીમાં જશુબેન પણ અને ત્યારબાદ માતા મીનાબેન ગરમા ગરમ કોબીજ બટેટાના શાકની તપેલી સાણસીથી પકડીને લાવ્યા અને ટેબલ પર મૂક્યું. કોબીજ બટેટાના શાકમાં નાખેલા ગરમ મસાલાની મધમધતી સુગંધ હોલમાં ચારેકોર પ્રસરી રહી હતી અને ખૂબ જ ગરમ હોવાના કારણે ભૂરા ભૂરા વાદળો જેવા ધુમાડા વરાળ સાથે પણ કુકરમાંથી નીકળી રહ્યા હતા. તરત જ દિયાએ પોતાના પિતા, ભાઈ અને દાદીમાની થાળીમાં શાક પીરસ્યું અને તરત જ તેના મમ્મી ભાખરી લઈને આવી ગયા. દરરોજ ઘરનો નિયમ હતો કે જમવાનું પીરસાઈ ગયા બાદ ભગવાનને પ્રાર્થના કરવાની અને પ્રાર્થના આવી હતી.

“હે અન્નપૂર્ણા માં, હે પરમકૃપાળુ પરમાત્મા, તમે અમને જમવાનું આપ્યું છે. હું તમારો આભાર માનું છું. મને જેમ જમવાનું મળ્યું એમ દુનિયાના બધા ભૂખ્યા પરિવારને જમવાનું મળે એવું હું ઈચ્છું છું. અસ્તુ”, આટલું આંખો બંધ કરીને હાથ જોડીને બોલવામાં આવતું અને ત્યારબાદ જ શરૂ થતું દરેક સમયનું જમવાનું.

આજે દિયાના પિતા કિરીટભાઇ બહુ જ ખુશ હતા. કારણ કે તેની દીકરીએ સ્વિમિંગ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જમતા જમતા તેણે ભૂતકાળમાં કઈક વિચારી રાખ્યું હોય એમ દિયા માટે એક અગત્યની વાત કરી.

“દિયા, બેટા! મને આજે બહુ આનંદ થયો કે તને ગોલ્ડ મેડલ મળ્યું છે. બેટા મારી એક ઈચ્છા છે. તારા અને માધવ બંને માટે..“, કિરીટભાઇએ દિયાને શુભેચ્છા પાઠવતા અને પોતાની દીકરીને કઇંક અગત્યની વાત કરવાના હોય તેમ વાત કરતાં કહ્યું.

“હા.. પપ્પા બોલોને.. શું હતું?“, દિયાએ પોતાના પિતાની વાત જાણવાની ઉત્સુકતા સાથે પૂછ્યું.

“બેટા.., મારી ઈચ્છા છે કે હવે તમારે આ નાની સ્કૂલમાં નથી ભણવું. આપણે હવે સ્કૂલ બદલવી છે. કોઈ સારી સ્કૂલમાં એડમિશન લેવું છે. દસમા ધોરણનું વર્ષ છે, કારકિર્દીના વર્ષમાં કોઈ અખતરો ના કરી શકાય, કારણકે આ વર્ષ અતિ મહત્વનું હોય છે. માધવને પણ આવતા વર્ષથી સ્કૂલ બદલાવવી છે. તારી આ નવી સ્કૂલનું નામ છે A. G. SCHOOL“, દિયાના પિતાએ દિયા અને માધવને જમતા જમતા પોતાની ભવિષ્યની વિચારેલી યોજના વિશે વાત કરતાં કહ્યું.

“પપ્પા, જેવું તમે ઠીક સમજો તેમ, તમે જેમ કહેશો હું હંમેશા એમ જ કરીશ“, દિયા પોતાના પિતાના જમણા હાથ પર પોતાનો હાથ રાખી કહ્યું.

દિયા માટે તો તેનો શોખ તેનું સપનું બધુ જ તેના માતા-પિતા હતા. મિત્રતા કોઈ સાથે એટલી બધી ગાઢ ના હોય જેટલી દિયાને તેના મમ્મી સાથે હતી. બધી જ વાતો મમ્મી સાથે આવીને કરવાની, સ્કૂલમાં શું થયું? શું નહીં? બધુ જ. હવે દિયા તૈયારીમાં લાગી ગઈ હતી કારણ કે તેને દસમા ધોરણમાં એડમિશન સૌરાષ્ટ્રની નંબર વન સ્કૂલમાં લેવાનું હતું. આથી મહેનત પણ તેના પ્રમાણમાં કરવી જરૂરી હતી. આ સ્કૂલનું નામ સમગ્ર રાજકોટમાં મોખરે હતું. હું તેમાં આઠમાં ધોરણથી જ અભ્યાસ કરતો હતો. A. G. SCHOOL દ્વારા દર વર્ષે નવા પ્રવેશોચ્છુક વિધ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવતું, જેમાં કુલ ગુણ 100 હોય અને પાસ થવા માટે 75 ગુણ જરૂરી હતા. દિયાના પિતાએ તેના માટે ફોર્મ ભરીને કમ્પલીટ કર્યું અને ત્યારબાદ ઘરે આવીને દિયાને પ્રવેશ પરીક્ષાની રિસિપ્ટ આપી અને કહ્યું.

“બેટા! આ તારી એક્ઝામની રિસિપ્ટ છે અને 26/04/2009 ના રવિવારે સવારે 10 વાગ્યે આ કઈક AG1 બિલ્ડિંગમાં રૂમ નંબર – 17માં એક્ઝામ છે. એવું આમાં લખ્યું છે અને કોર્સ પણ આપ્યો છે. તે પ્રમાણે તારે તૈયારી કરવાની રહેશે. ટોટલ માર્કસ 100 છે અને પાસ થવા માટે 75 માર્કસ જરૂરી છે.“, દિયાના પિતાએ તેને રિસિપ્ટ આપી અને કહ્યું.

“પાક્કુ પપ્પા અને હું પાસ પણ થઈ જઈશ મને ખબર છે.“, દિયાએ પૂરા આત્મવિશ્વાસથી પોતના પિતાને જવાબ આપ્યો.

તરત જ તેના પિતાએ વ્હાલથી તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, “મારી દીકરી..“, બસ આટલું જ બોલી શક્યા અને તરત જ ભાવુક થઈ પોતાના રૂમમાં જતાં રહ્યા.

દિયા ભણવામાં બહુ જ હોશિયાર હતી. હંમેશા 95% ઉપર માર્કસ જ આવતા અને સાથે સાથે સ્વિમિંગ જેવી એક્ટિવિટી તો ખરી જ. સમગ્ર કાંતિલાલ કન્યા વિધ્યાલયને તેના પર ગર્વ હતું. પરંતુ આ દિયાનું સ્કૂલમાં છેલ્લું વર્ષ હતું. ખાસ તો વાત કરુ ને તો દિયાનો અવાજ બહુ સરસ હતો કોઈ પ્રોફેશનલ સિંગર જ જોઈ લો. બોલે તો આપણને એમ થાય કે હજુ બોલ્યા જ કરે. દિયા પોતાની પ્રવેશ પરિક્ષાની રાત જાગીને તૈયારીઓ કરી રહી હતી. કારણ કે અમારી A. G. SCHOOLમાં એડમિશન મેળવવું કોઈ નાની વાત નહોતી. દિયા સિવાય કોઈ બીજું પણ હતું જે તેની સાથે જ તૈયારી કરી રહી હતી અમારી જ સ્કૂલની બીજી બ્રાંચમાં એડમિશન માટે જેનું નામ હતું ‘હેત્વી ઠક્કર’. આ હેત્વી કોણ છે? તે જાણવા માટે આવતા પ્રકરણમાં ફરી મળીશું ત્યાં સુધી આવજો.