Speechless Words CH - 7 books and stories free download online pdf in Gujarati

Speechless Words CH.7

|| 07 ||

પ્રકરણ 6 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ દિયા અને હેત્વી બંને A.G.SCHOOL, જે રાજકોટની પ્રખ્યાત સ્કૂલ છે. આ સ્કૂલમાં જવા માટેની પ્રવેશ પરીક્ષા હોય છે, જે પ્રવેશ મેળવવા માંગતા દરેક વિધ્યાર્થીને ઉત્તીર્ણ કરવાની હોય છે. દિયા અને હેત્વી બંને આ પરિક્ષાની તૈયારી કરી રહી હતી. જેમાં હેત્વી પ્રવેશ પરીક્ષા અંગેની મદદ માટે પોતાના કઝીન નિશાંત ઠક્કરને પોતાના ઘરે બોલાવે છે પણ નિશાંત હેત્વીની ખૂબસૂરતીથી અંજાઈને તેની સાથે બીભત્સ વર્તન કરે છે. ત્યારબાદ હેત્વી તેને પોતાના ઘરમાંથી બહાર જવા કહે છે અને હવે પરીક્ષાનો દિવસ આવી ગયો છે, જ્યારે હેત્વી અને દિયા પહેલી વાર મળશે. કેવી રીતે? તે જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

* * * * *

(દિયાનું ઘર)

“હે ભગવાન, આજે મારે એક સ્વપ્ન સમાન સ્કૂલની એન્ટ્રન્સ એક્ઝામ (પ્રવેશ પરીક્ષા) છે. મેં મારાથી બનતી મહેનત કરી છે. સફળ થવા માટેની. બસ, હું પાસ થઈ જાવ એવું કરજો.”, દિયા પોતાના ઘરમાં રહેલા આરસ પથ્થરના વિશાળ મંદિરમાં રહેલા પોતાના કુળદેવી માતાજીનાં ફોટોની સામે ઊભી રહી પ્રાર્થના કરી રહી હતી.

“દિયા, ચાલો બેટા અગિયાર વાગ્યાનો ટાઈમ છે અને દસ વાગ્યા છે. મને લાગે છે કે હવે આપણે નીકળી જવું જોઈએ”, દિયાના પપ્પાએ દિયાને કહ્યું. દિયાના પપ્પા જ આજે દિયાની સાથે સ્કૂલે આવવાના હતા.

દિયા તરત જ ભગવાનને પ્રાર્થના કરી અને પોતાના રૂમમાંથી બહાર નીકળી. દિયાએ લાઇટ પર્પલ કલરનો ચૂડીદાર ડ્રેસ પહેર્યો હતો અને ખુલ્લા કોરા વાળ સાથે આંખમાં આંજણ આંજયું હતું અને એકદમ સુંદર લાગતી હતી. દિયા કઈં બોલવા જાય એ પહેલા જ તેના મમ્મીનો રસોડામાંથી અવાજ આવ્યો.

“દિયા એક જ મિનિટ બેટા હું આવું છું”, દિયાના મમ્મી મીનાબેને દિયાને રસોડામાંથી આવતા કહ્યું.

“આ દહીં છે. મીઠું દહીં કોઈ પણ સારું કામ કરવા જતાં હોઈએ તો તેમાં સફળ થવા માટે દહીં ખાવું જોઈએ”, મીનાબેને દહીં ખવડાવતા ખવડાવતા દિયાને કહ્યું.

દિયાએ પોતાના મમ્મીના હાથે ગળ્યું દહીં ચાખી અને ત્યારબાદ પોતાના દાદીમાં, મમ્મીના ચરણ સ્પર્શ કર્યા અને પપ્પાના પણ ત્યારબાદ ભાઈ માધવે હાથ મિલાવી બેસ્ટ ઓફ લક વિશ કર્યું અને પછી તરત જ દિયા પોતાના પિતા પાછળ બાઈકમાં બેસી સ્કૂલે જવા રવાના થઈ.

(હેત્વીનું ઘર)

“હેત્વી, જલ્દી કરો બેટા, નાસ્તો તૈયાર છે”, હેત્વીના મમ્મી ઉમાબેને હેત્વી માટે ડાઈનિંગ ટેબલ પર નાસ્તો રાખીને તેને બોલાવતા કહ્યું.

“આવું છું મમ્મી બસ પાંચ મિનિટ”, હેત્વીએ ઉપર પોતાના રૂમમાંથી કહ્યું.

હેત્વીને તૈયાર થવામાં સામાન્ય રીતે બહુ વાર લાગતી હતી. અધુરામાં પૂરું આજે તો હેત્વી પોતાની જીંદગીની એક અગત્યની પરીક્ષા આપવા જઈ રહી હતી. આથી તૈયાર થવામાં સમય તો લાગવાનો હતો. થોડીવારમાં હેત્વી સફેદ ડ્રેસ પહેરી કોરાં ખુલ્લા વાળમાં વચ્ચે એક નાનકડું ગુલાબી બકલ લગાવ્યું, જેથી બંને તરફથી તેના રેશ્મિ વાળ બરાબર ગોઠવાઈ રહે. ત્યારબાદ હાથમાં માછલી આકારનું સોનેરી બ્રેસલેટ પહેરી નીચે ઉતરી. હેત્વી દરરોજની જેમ આજે પણ પરિ જેવી લાગતી હતી.

“મમ્મી, ડેડી ક્યાં?”, ડાઈનિંગ ટેબલમાં પોતાની ચેર પર બેસીને બ્રેડ પર જામ લગાવતા લગાવતા હેત્વીએ પોતાના મમ્મીને પિતા ઉમેશભાઈ વિશે પૂછ્યું.

“મંદિરે ગયા છે, હજી હમણાં જ ગયા, માધવને સ્કૂલે મુક્તા આવશે અને મંદિર પણ જતાં આવશે”, હેત્વીના મમ્મીએ હેત્વીના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું.

“હા, એ સારું, એક સાથે બંને કામ પૂરા થઈ જાય”, હેત્વીએ તેના મમ્મીને કહ્યું.

“તારે તૈયારી થઈ? અને હા, ગઈ કાલે રાત્રે નિશાંત કેમ અચાનક જતો રહ્યો હતો? એની પ્રોબ્લેમ? ”, હેત્વીના મમ્મીએ હેત્વીને ગઈ કાલ રાતની વાત યાદ આવતા પૂછ્યું.

“ના, મમ્મી એવું કઈં નથી. તે બધુ પછી ક્યારેક કહીશ અને એક્ઝામની તૈયારી બધી થઈ ગઈ છે. આઇ એમ રેડી નાવ”, હેત્વીએ પોતાના મમ્મીને આત્મવિશ્વાસ સાથે પરીક્ષાનો જવાબ આપીને નિશાંતવાળી વાતનો જવાબ આપવાનું ટાળ્યું.

હેત્વીના પિતા થોડીવારમાં મંદિરેથી આવી ગયા અને ત્યારબાદ નાસ્તો કરીને રવાના થવા તૈયાર થઈ ગયા. હેત્વીએ પોતાના મમ્મી પપ્પાના ચરણ સ્પર્શ કર્યા અને ત્યારબાદ પોતાના નાના ભાઈ માધવને હગ કરીને ગાલ પર મીઠી કિસ કરી અને ત્યારબાદ ઘરેથી પોતાના પિતા સાથે બાઈકમાં નીકળી.

* * * * *

એ.જી.સ્કૂલ - રાજકોટ

26/04/2009, રવિવાર

એ. જી. સ્કૂલ કે જેમાં હું ભણતો હતો, આજે સ્કૂલમાં એડમિશન લેવાની પરીક્ષા આપવા હેત્વી અને દિયા બંને આવ્યા હતા. વેકેશન દરમિયાન અથવા તો દર રવિવારે જ પ્રવેશ પરીક્ષાનું આયોજન થતું હતું, જેથી પરીક્ષા માટેની યોગ્ય બેઠક વ્યવસ્થા સ્કૂલ દ્વારા થઈ શકે. સ્કૂલ બહાર રહેલા સફેદ નોટિસબોર્ડ પર બધા પરિક્ષાર્થીઓના નામનું લિસ્ટ લગાવવામાં આવ્યું હતું. જેમાં રૂમ નંબર, બેન્ચ નંબર, બ્લોક બંબાર જેવી વિગત જાણી શકાય. વિધ્યાર્થીઓની ખૂબ જ ભીડ હતી. બધા જ વિધ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ બહોળા પ્રમાણમાં આવ્યા હતા.

“મારો નંબર..??”, હેત્વીએ પોતાનો નંબર બોર્ડ પર શોધતા શોધતા પોતાની જાત સાથે વાત કરતી હોય એમ પૂછ્યું. તેની સાથે તેના પિતા પણ આ નંબર શોધી રહ્યા હતા.

“સ્ક્યુઝ મી, C51 તમારો નંબર છે?”, હેત્વી અને તેના પિતા ઉમેશભાઈ નંબર શોધી રહ્યા હતા એવામાં તેની પાછળથી અવાજ આવ્યો. હેત્વી અને તેના પિતાએ પાછળ જોયું તો સફેદ કલરના ડ્રેસમાં આછા ગુલાબી દુપટ્ટા સાથે એક છોકરી ઊભી હતી.

“મારો નંબર C50 છે, તારે મારી જ બેંચમાં બેસવાનું છે, બાય ધ વે મારુ નામ દિયા જોશી છે અને હું પણ તારી જેમ જ એન્ટરન્સ એક્ઝામ આપવા આવી છું અને તમે?”, પાછળ ઊભેલી છોકરી એટલે કે દિયાએ હેત્વી પાસે આવીને હેત્વીને કહ્યું.

“હેય! મારૂ નામ હેત્વી છે. હેત્વી ઠક્કર. હું અત્યારે તો સી. વી. ગર્લ્સ સ્કૂલમાં છું અને મેં તને ક્યાંક જોઈ હોય એવું લાગે છે. કદાચ ન્યૂઝ પેપરમાં..!”, હેત્વીએ દિયાને જોઈને કઈક યાદ કરતાં કરતાં કહ્યું.

“હા, હું હમણાં જ ખેલ મહાકુંભની વિમેન સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં વિજેતા થઈ છું. ગોલ્ડ મેડલ જીત્યું છે. આથી મને લાગે છે કે કદાચ તે ફોટો ન્યૂઝપેપરમાં આવ્યો હશે“, દિયાએ હેત્વીને હસતાં હસતાં કહ્યું.

“હા, એ જ ફોટો હતો સ્વિમિંગનો, તારી સાથે બીજી બે છોકરીઓ પણ હતી“, હેત્વીને ન્યૂઝપેપરમાં છપાયેલો ફોટો યાદ આવતા તેણે દિયાને કહ્યું.

“ગૂડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, એ. જી. સ્કૂલ પરિવાર પધારેલા તમામ વિધ્યાર્થીઓ અને વાલીઓને આવકારે છે“,

(બાયોસ કંપનીના સ્પીકરમાં સ્કૂલ હેડ દર્શન સરનો સૂચના આપતો અવાજ સંભળાતા હેત્વી અને દિયાની વાતને પૂર્ણ વિરામ લાગતાંની સાથે જ તેમનું ધ્યાન સ્પીકર પર ગયું અને આ સાથે જ દરેક વાલીઑ અને વિધ્યાર્થીઓનું ધ્યાન સ્પીકર પર હતું, જેમાંથી સૂચના આવી રહી હતી)

“આજે વિવિધ સ્કૂલોમાંથી પરીક્ષા આપવા આવેલા તમામ વિધ્યાર્થીઓને નમ્ર વિનંતી પોતાની રિસીપ્ટ લઈ તેના નંબર પ્રમાણેના બ્લોકમાં પોતાની બેન્ચ પર બેસી જાય જેથી આપની પરીક્ષા શરૂ કરી શકીએ. એ. જી. સ્કૂલ પરિવાર તરફથી અત્રે પધારેલા તમામ વિધ્યાર્થીઓને પરીક્ષાની હાર્દિક શુભકામના. આભાર”, આટલું બોલીને સ્કૂલ હેડ દર્શન સરે પોતાના વક્તવ્યને વિરામ આપ્યો.

“ચાલો પપ્પા અમે નીકળીએ પરીક્ષા આપવા માટે અને તમે ત્યાં સુધી ઘરે જવું હોય તો ઘરે જઈ શકો છો અથવા તો અહીંયા બેસીને અમારી રાહ જુઓ”, દિયાએ પોતાના પિતા કિરીટભાઇ અને હેત્વીના પિતા ઉમેશભાઈને કહ્યું.

હેત્વી અને દિયા પોતાના પિતા સાથે વાતો કરી રહ્યા હતા ત્યાં જ સ્કૂલના હેડ દર્શન સર આવ્યા અને હેત્વીના પિતાએ દર્શન સરને પૂછ્યું.

“સર, આ મારી દીકરી છે અને એમને પરીક્ષા છે તો ત્યાં સુધી હું ઘરે જઈ આવું જો અહીંયા પેરેન્ટ્સની કઈ જરૂર ના હોય તો..”, હેત્વીના પિતા ઉમેશભાઈએ સ્કૂલ હેડ દર્શન સરને કહ્યું.

“ના એવું કઈ કરવાની જરૂર નથી. વિધ્યાર્થીઓ પેપર લખે છે ત્યાં સુધીમાં અમે વાલીઓને આપણી સ્કૂલની જ બસમાં તમને આપણી સ્કૂલની નવી બ્રાન્ચ, જે ૧૫૦ ફૂટ રોડ પર કારના શો રૂમ સામે બની છે તે જોવા લઈ જવાના છીએ. હું હમણાં એનાઉન્સમેન્ટ કરું છું એના માટે તમે ચિંતા ના કરો”, દર્શન સરે ઉમેશભાઈ અને કિરીટભાઈને કહ્યું.

તરત જ દિયા અને હેત્વીએ પોતાના પિતાના ચરણ સ્પર્શ કર્યા અને કંપાસ બોક્સ લઈને અને રિસીપ્ટ લઈને પરીક્ષા દેવા માટે સ્કૂલના પહેલા માળ પર પોતાના બ્લોકમાં જતી રહી. થોડીવારમાં પરીક્ષા શરૂ થઈ અને વિધ્યાર્થીઓને પેપર પણ અપાઈ ગયા. જ્યારે નીચે ગ્રાઉંડ ફ્લોર પર રહેલા વાલીઓ માટે સમય પસાર થાય અને સ્કૂલની જાહેરાત થાય તેના માટે તમામ વાલીઓને એ. જી. સ્કૂલની બીજી બ્રાન્ચ જી. જે. સ્કૂલની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

(સીસીટીવી કેમેરાનાં માધ્યમથી ક્લાસરૂમમાં ચાલી રહેલી પરીક્ષાનું સીધું પ્રસારણ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલી પ્રોજેકટેડ સ્ક્રીન પર થતું હતું, જેથી વિધ્યાર્થીઓના વાલીઓ પોતાનાં દીકરો દીકરી પેપર લખી રહ્યા છે તે જોઈ શકતા હતા)

“ગૂડ મોર્નિંગ પેરેન્ટ્સ, વિધ્યાર્થીઓને પેપર અપાઈ ગયા છે. જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે જ્યાં સુધી વિધ્યાર્થીઓ પેપર લખી રહ્યા છે ત્યાં સુધી વાલીમિત્રોનો સમય પસાર થઈ શકે તેના માટે અને આપ અમારી નવી સ્કૂલ એટલે કે આપણી જ સ્કૂલની બીજી બ્રાન્ચ જી. જે. સ્કૂલનાં નામથી આ જૂન માહિનામાં શરૂ થનાર છે. તેની મુલાકાત લઈ શકો તેના માટે સ્કૂલની બસ આપના માટે દરવાજા બહાર તૈયાર જ છે. આપ બસમાં બેસીને જી. જે. સ્કૂલની મુલાકાતે જઈ શકો છો“, આવું એનાઉન્સમેન્ટ સ્કૂલના હેડ દર્શન દવે સાહેબ દ્વારા સ્ટેજ પરથી માઈકમાં કરવામાં આવ્યું.

દર્શન સરનું એનાઉન્સમેન્ટ પૂરું થતાં જ બધા વિધ્યાર્થીઓનાં વાલીઓ સ્કૂલબસમાં બેસીને જી. જે. સ્કૂલની મુલાકાત માટે રવાના થયા. દર્શન સર પોતાનું આ કામ પૂરું કરી પોતાની ઓફિસમાં ગયા.

* * * * *

(પ્રિન્સિપાલ ઓફિસ)

એ. જી. સ્કૂલના ગુજરાતી મીડિયમ વિભાગના પ્રિન્સિપાલનું નામ ભરતભાઇ પંડ્યા હતું. તેઓ અમારી સ્કૂલ પહેલા એક નાનકડી ખાનગી શાળામાં સંસ્કૃત વિષયનાં શિક્ષક હતા. ત્યારબાદ તેઓ એ. જી. સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે આવી ગયા. ઘણા વર્ષોથી ભરતસર જ પ્રિન્સિપાલ હતા. તેમનું વ્યક્તિત્વ, તેમની ભાષા, તેમનો પ્રેમાળ સ્વભાવ તેમની આગવી ઓળખ હતી. દર્શન સર સ્કૂલના હેડ હોવા છતાં વાઇસ પ્રિન્સિપાલ પણ હતા. આ સાથે જ ઇંગ્લિશ મીડિયમમાં પ્રિન્સિપાલ તરીકે કિશોરભાઈ પટેલ સર હતા. તેઓ મૂળ વિજ્ઞાનનાં શિક્ષક હતા અને ઇંગ્લિશ મીડિયમનાં હેડ તરીકે મેહુલ પરમાર સર હતા.

પ્રિન્સિપાલ ભરત સરનો નિત્યક્રમ હતો કે દરરોજ સવારે સ્કૂલે આવીને પોતાની કેબિનમાં જઈને ચા માટે પ્યૂનને બેલ મારે જાણે ઘરે તેમના પત્નીએ સવારની ચા આપી જ ના હોય એવી રીતે બેલ માર્યા માર કરે. પ્યૂનને ચા નો ઓર્ડર આપ્યા બાદ તેઓ પૂજા કરતાં. પ્રિન્સિપાલ સરે પોતાની કેબિનના એક ખૂણામાં નાનકડો કાચ મરાવ્યો હતો. જેના પર તેઓ ગણેશજીની નાનકડી પ્રતિમા રાખતા. પોતાનું કમ્પ્યુટર ચાલુ કરી સ્પીકરનું વોલ્યુમ અવાજ બહાર નાં જાય તેટલું કરીને ‘જય ગણેશ દેવા’ આરતી વાગડતા અને રસ્તામાંથી દરરોજ તેઓ પુષ્પ ભંડારમાંથી ખરીદેલા ભીના સૌગંધથી મધમધતા પુષ્પોનો પડો પોતાની સાથે લાવતા અને દરરોજ પુષ્પોની ગણેશજીની આજુબાજુ રાખી શણગારતાં. આરતી વાગતી હોય ત્યાં સુધીમાં ભગવાનની પૂજા પણ થઈ જતી અને ત્યારબાદ તેઓ ભગવાનની અમુક ચોપડીઓમાંથી પાઠ પૂજા અને અર્ચના પણ કરતાં. સદભાગ્યે પ્યૂન દ્વારા ચા પણ બની જતી અને સવારનું તાજું છાપું (ન્યૂઝપેપર) પણ આવી જતું, જે તેઓ પૂજા કરતાં હોય તેટલી વારમાં તેના ટેબલ પણ ગોઠવાઈ જતું. કમ્પ્યૂટરની સ્ક્રીન પર પણ જાણે કોઈ મહારાજે તેમને આવું કરવાનું કીધું હોય તેમ કોઈ યંત્ર જેવુ વોલપેપર રાખતા. જેને જોઈને પહેલી નજરે એટલી બધી આંખો ખેંચાય કે બહાર નીકળવું મુશ્કેલ બની જાય. ખબર નહીં સરને આવું વોલપેપર કેમ ગમતું હશે? અને કોણે સરને આવું રાખવાનું કીધું હશે? એનિવેયસ આજે સરે પોતાનું બધુ જ કામ કરી લીધું હતું અને આજનું તાજું છાપું વાંચી રહ્યા હતા. છાપું વાંચતાં વાંચતાં ક્યારેક બહુ મોટા બગાસાં પણ ખાઈ રહ્યા હતા અને ક્યારેક તો પાંચ છ મિનિટનું પાવર નેપવાળું ઝોંકું પણ તેઓ આરામથી ખાઈ લેતા. ખબર નહીં દરરોજ રાત્રે મોડે સુધી શું કરતાં હશે? ઓકે જવા દો કોઇની વ્યક્તિગત જિંદગી વિશે વધુ વિચાર કરીને વિકૃત આનંદ લેવાની કોઈ જરૂર નથી. આપણે આપણી વાતોમાં આગળ વધીએ.

‘ખેલ મહાકુંભની સ્વિમિંગ કોમ્પિટિશનમાં પ્રથમ વખત યોજાયેલી વિમેન્સ ચેમ્પિયનશીપમાં કાંતિલાલ કન્યા વિધ્યાલયની વિધ્યાર્થિની દિયા જોશી પ્રથમ’

ન્યૂઝપેપરની વિધ્યાર્થી વિભાગની આ હેડલાઇન વાંચતાં જ પ્રિન્સિપાલ સરની આંખો ચમકી, નેણ ઊંચા નીચા થયા અને તરત જ તેમણે થોડા જ દિવસ પહેલા યોજાયેલી સ્વિમિંગ ટુર્નામેન્ટ યાદ આવી. તેણે વધુ ધ્યાનથી અંદરની વિગતમાં રહેલું બધુ જ વાંચ્યું અને ત્યારબાદ ત્રણેય ચેમ્પિયન્સનો ફોટો પણ જોયો.

“મે આઈ કમ ઇન સર?“, ક્લાર્ક મિતાલી મેડમે પ્રિન્સિપાલ સરની કેબિનનો દરવાજો ખોલીને દરવાજમાં બે વખત ટકોરા મારી અંદર આવતા પૂછ્યું.

પ્રિન્સિપાલ સર એટલું ધ્યાનથી વાંચી રહ્યા હતા કે તેનું ધ્યાન જ ના ગયું કે કોઈએ અંદર આવવા માટે પૂછ્યું છે. આથી બીજી વખત મિતાલી મેડમે પૂછ્યું.

“સર? મે આઈ કમ ઇન?“, બીજી વખત અંદર આવવાની અનુમતિ માંગતા મિતાલી મેડમે પ્રિન્સિપાલ સરને પૂછ્યું.

“યસ, મેડમ પ્લીઝ કમ ઇન“, પ્રિન્સિપાલ સરે ઓફિસ અંદર આવવાની અનુમતિ આપતા જવાબ આપ્યો.

“સર, આ આજે એક્ઝામ આપવા આવેલા બધા જ વિધ્યાર્થીઓનાં નામ, પિતાના નામ, સ્કૂલના નામ અને તેમની ઇત્તર પ્રવૃતિઓ જેમાં તેમણે ખાસ રસ છે. તેનું લિસ્ટ બનાવેલી ફાઇલ છે. જો કોઈ પ્રોબ્લેમ જેવુ લાગે તો તેમને આપણે તાત્કાલિક કરેક્ટ કરી શકીએ તેના માટે બધા વાલીના મોબાઈલ નંબર પણ છે“, મિતાલી મેડમે ફાઇલમાં રહેલો ડેટા સમજાવતાં પ્રિન્સિપાલ સરને કહ્યું. સરે ફાઇલ તેમની પાસેથી લઈને ધ્યાનથી વાંચવાનું શરૂ કર્યું.

“વેરી ગૂડ મિતાલી“, એટલું કહીને જરાક અમથું સ્મિત આપી સર ફરીવાર ધ્યાનથી ફાઇલ વાંચવા લાગ્યા.

“યસ, આ દિયા કિરીટભાઇ જોશી, કાંતિલાલ કન્યા વિધ્યાલય, સ્વિમિંગ ચેમ્પિયન, આ... (બે સેકન્ડ વિચારીને) ખેલ મહાકુંભમાં વિજેતા થયેલી છોકરી છે ને?“, સરે દિયા વિશે ન્યૂઝપેપરમાં વાંચ્યા બાદ ફરીવાર પોતાની સ્કૂલની એકઝામશીટમાં તેનું નામ જોતાં જ ક્લાર્ક મિતાલી મેડમને દિયા વિશે પૂછ્યું.

મિતાલી મેડમ પણ ન્યૂઝપેપરમાં રહેલો ફોટો જોઈને દિયાને ઓળખી ગયા. પ્રિન્સિપાલ સર દિયાની બધી જ વિગતો ધ્યાનથી વાંચવા લાગ્યા. મિતાલી મેડમે પણ દિયાના બીજા ડેટા વિશે વધુ વાંચવાનું શરૂ કર્યું.

હવે પરીક્ષાનું પરિણામ શું હશે? હેત્વી અને દિયાની મિત્રતા કેવી રહેશે? આદિત્યની વાત ક્યારે શરૂ થશે? આ એક લવસ્ટોરી છે તો પછી ક્યારે શરૂ થશે આ લવ સ્ટોરી બીટવિન ફ્રેન્ડશિપ? તમારા આ બધા જ પ્રશ્નો જવાબ મળશે પરંતુ આવતા અંકે...