Speechless Words CH - 11 books and stories free download online pdf in Gujarati

Speechless Words CH.11

|| 11 ||

પ્રકરણ 10 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્યનો સ્કૂલમાં લેવાયેલ પ્રથમ સાપ્તાહિક પરિક્ષાના ટોપ ટેનમાં દસમો નંબર આવે છે, જ્યારે દિયાનો આગિયારમો નંબર આવે છે. આથી આદિત્યની નામ ટોપ 10 વિધ્યાર્થીઓની યાદીમાં છપાય છે, જ્યારે દિયા તેનાથી વંચિત રહી જાય છે. આદિત્યનું નામ વાંચતાં જ દિયાને તેને મળવાની ઈચ્છા થાય છે અને તે પોતાના બધા મિત્રોને આદિત્યને મળવાની ઈચ્છા વિશે કહે છે. પ્રકરણમાં છેલ્લે આરતી, કાવ્યા અને ઈશા દિયાની સ્વિમિંગ કોમ્પિટિશન જોવાના હેતુથી રાજકોટના વિશ્વ વિખ્યાત સ્વિમિંગ પૂલ સરદાર પટેલ સ્વિમિંગ પૂલ જાય છે. પ્રતિકને આ વાતની ખબર પડતાં તે પણ આદિત્ય, રાહુલ અને અભિષેક સાથે સ્વિમિંગ પૂલે પહોંચી જાય છે. પ્રકરણના અંતમાં આદિત્યને ઘરેથી ફોન આવે છે. હવે આ ફોન કોનો હશે ? શું દિયા આદિત્યને મળશે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

*****

રાજકોટ શહેરની અને ગુજરાતની લગભગ બધી જ સ્વિમિંગ કોમ્પિટિશન સરદાર પટેલ સ્નાનાગાર એટલે કે સરદાર પટેલ સ્વિમિંગ પૂલમાં જ થતી હતી અને આજે પણ ત્યાં જ થાય છે. મારી જાણકારી મુજબ કદાચ એશિયાનો બીજા નંબરનો સૌથી શ્રેષ્ઠ સ્વિમિંગ પૂલ છે. ચોખ્ખાઈથી માંડીને ત્યાં આપવામાં આવતી તાલીમ સુધી એકદમ શ્રેષ્ઠ સ્વિમિંગ પૂલ હતો. આજે અહીંયા સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન થયું હતું, જે રાજકોટ જિલ્લાના દર વર્ષે યોજાતા સ્વિમિંગ ઝોનલ કોમ્પિટિશનના ભાગરૂપે હતું. આસપાસના ગામમાંથી અને રાજકોટ શહેરમાંથી પણ બહોળી સંખ્યામાં વિધ્યાર્થીઓ તેમ જ અન્ય લોકોએ ભાગ લીધો હતો. સરદાર પટેલ સ્વિમિંગ પૂલના સ્પીકર એટલા સરસ હતા કે ત્યાં કરવામાં આવતી કોમેંટરી બહાર પણ સંભળાઈ રહી હતી. જેના કારણે રસ્તા પર ચાલતા રાહદારીઓ પણ ક્યારેક ક્યારેક આ કોમેંટરી સાંભળવા ઊભા રહી જતાં હતા. કોમેન્ટરીનો ઘોંઘાટ ખુબ જ વધારે હતો. ઇવેન્ટ શરૂ થવાને બસ થોડી જ વાર હતી ત્યાં અચાનક મારા ઘરેથી ફોન આવ્યો. આવા ઘોંઘાટ વચ્ચે એક જમણા હાથની આંગળી મારા જમણા કાનમાં અને ડાબા હાથમાં રહેલા ફોનને મેં સરખી રીતે સાંભળી શકું તેમ ડાબા કાન પર રાખીને વાત કરવાની શરૂ કરી.

“હેલ્લો, હા પપ્પા“, મેં ફોનમાં બીજી તરફ ઘરેથી વાત કરી રહેલા મારા પિતાને કહ્યું.

“આદિ, હવે ઘરે આવી જાવ ચાલો, કાકાને ઘરે જમવા જવાનું છે, પછી મોડુ થશે.“, મારા પિતાએ મને ઘરે આવવા માટે કહ્યું.

ક્યારેય મેં મારા માતા – પિતાના આદેશનું ઉલ્લંઘન કર્યું હોય એવું નથી બન્યું. આથી હું ફટાફટ સ્વિમિંગ પૂલેથી કોમ્પિટિશન જોવા માટે નીકળવા તૈયાર થઈ ગયો.

“ભાઈલોગ, મારે નીકળવું પડશે.”, મેં મારા બધા મિત્રોને ત્યાંથી નીકળવા માટે કહ્યું.

“કેમ યાર? હજી તો કોમ્પિટિશન પણ શરૂ નથી થઈ અને તારે ભાગવું છે! “, રાહુલે મને કહ્યું.

“સોરી યાર પપ્પાનો ફોન હતો, કાકાને ઘરે જમવા જવાનું છે તો તમે એન્જોય કરો કોણ જીતે છે મને કહેજો.“, મારા બધા મિત્રોને આમ કહીને હું તો સ્વિમિંગ પૂલેથી નીકળી ગયો.

મારા સ્વિમિંગ પૂલેથી નીકળવાની સાથે જ સ્વિમિંગ કોમ્પિટિશન શરૂ થઈ. દિયા પાંચમા નંબર પરથી ડાઇવ કરવાની હતી. રાહુલ, પ્રતિક અને અભિષેકનું ધ્યાન પણ પેવેલિયનમાંથી તેના પર જ હતું. આરતીનું ધ્યાન ક્યારેક દિયા પર તો ક્યારેક પ્રતિક અને તેના ફ્રેન્ડ્સ તરફ. આરતીને તો એમ જ હતું કે પહેલેથી જ પ્રતિક અને તેની સાથે બે મિત્રો જ આવ્યા છે. આથી તેણે મને એટલે કે આદિત્યને રાહુલ સમજી લીધો હતો. રાહુલને જ્યારે જ્યારે તે જોતી હતી તેને લાગતું હતું કે તે હું છું ‘આદિત્ય’. મારા વિશે આરતીએ પ્રતિકને પૂછવાનું કારણ દિયા જ હતી. કારણ કે દિયાને મને મળવું હતું આથી તેણે આ કામ આરતીને સોંપ્યું હતું. રાહુલ અમારા ક્લાસનો જ નહીં પણ સ્કૂલનો સૌથી હેન્ડસમ છોકરો હતો. એવું પણ સાંભળવા મળ્યું હતું કે જ્યારે છઠ્ઠા સાતમાં ધોરણમાં રાહુલે અમારી સ્કૂલમાં એડમિશન લીધું ત્યારે છોકરીઓ તેની બાજુમાં બેસવા માટે ઝગડતી હતી. મારા જ કમ નસીબે મેં એડમિશન આંઠમાં ધોરણમાંથી લીધું હતું. હવે વાત કરીએ તો કોમ્પિટિશન શરૂ થઈ.

“પાર્ટીસીપેંટ્સ રેડી??“, આ પ્રકારનું એલર્ટ એનાઉન્સમેંટ માઈકમાં બોલી રહેલા એન્કરે કર્યું અને તરત જ ફાઇનલ ઇવેન્ટમાં શોર્ટલિસ્ટ થયેલા તમામ મહિલા ખેલાડીઓ રેડી થઈ ગયા અને સિટી વાગતા જ હરીફાઈ શરૂ થઈ. એકદમ રસાકસી ભર્યો ખેલ જામ્યો હતો. સ્વિમિંગ પૂલનું પાણી ઊછળી ઊછળી બહાર ફેંકાઇ રહ્યું હતું. છોકરીઓના વાલીઓ અને મિત્રો પણ તેને પ્રોત્સાહન આપવા તાળીઓ પાડી રહ્યા હતા. આરતી, કાવ્યા અને ઈશા પણ દિયાને જોર જોરથી ચીસો પાડીને ચીયર અપ કરી રહ્યા હતા. રાજકોટની અમુક લોકલ ચેનલ્સ દ્વારા લાઈવ રેકોર્ડિંગ થઈ રહ્યું હતું. બૉલીવુડ અને હોલીવુડની અમુક ફીલ્મોના પ્રખ્યાત મોટિવેશનલ સોંગ્સ વાગી રહ્યા હતા.

થોડા સમયમાં ઇવેન્ટ પૂરી થઈ નિર્ણય જજીસ પાસે આવી ગયો હતો. ઘણા મિત્રો પોતાના ભાગ લીધેલ મિત્રો સાથે ફોટો પડાવવામાં વ્યસ્ત હતા. આરતી અને તેનું ગૃપ પણ દિયા સાથે ફોટો પડાવી રહ્યા હતા, પ્રતિકને મારા બીજા મિત્રો પણ પેવેલિયનમાંથી નીચે ઉતરી પ્રાઇસ સેરમની ડેસ્ક પાસે આવી ગયા હતા. પ્રતિક, અભિષેક, રાહુલ, આરતી, કાવ્યા, ઈશા અને મારા જેવા વ્યક્તિઓ ઇવેન્ટને બસ માણવા આવ્યા હોય છે. જેમને હાર કે જીત થી કોઈ ખાસ્સો ફેર નથી પડતો, બસ ઈવેન્ટ એન્જોય કરવાનો આનંદ હોય છે. ઘણા વાલીઓ એવા પણ હતા જે પોતાના દીકરા દીકરીઓને આશ્વાસન આપી રહ્યા હતા, જેથી કરીને તેમનો આત્મવિશ્વાસ એવોને એવો જ રહે. પ્રેસ રિપોર્ટર્સ બધાના ઇન્ટરવ્યૂ લેતા જોવા મળતા હતા. કારણ કે ઝોન લેવલની ઈવેન્ટ યોજાઇ રહી હતી. આથી ક્રેઝ તો રહેવાનો જ. બસ, હવે માત્ર રાહ હતી તો જજીસના રિઝલ્ટની. રિઝલ્ટ તૈયાર થયું અને થોડી આભરવીધી કરવામાં અને બીજું ઘણું બધુ બોલવામાં ખાલી ખોટો કારણ વગરનો સમય બગાડવામાં આવી રહ્યો હતો. આવું લગભગ આપણે ત્યાં દરેક પ્રોગ્રામમાં થાય જ છે. જેમાં મહેમાનોનું સ્વાગત, મુખ્ય અતિથિ વિશેષશ્રીની લાંબી લચક સ્પીચનો મુખ્યત્વે સમાવેશ થાય છે અને ઘણા આમંત્રિત મહેમાનો તો સ્વિમિંગનો ઇતિહાસ શરૂ કરે અને પૂરો કરવાનું નામ ના લે. હવે આવો ખોટો કારણ વગરનો સમય બગાડ્યા બાદ જજીસે નામ જાહેર કર્યું.

(સ્વિમિંગ વિશેની લાંબી લચક સ્પીચ કર્યા પછી)

“ઓકે ફાઇનલી વધુ કઈ ના કહેતા હું વિજેતા જાહેર કરું છું. નંબર 3 પર છે જૈમિની ત્રિવેદી, ત્યારબાદ નંબર 2 પર છે રાધિકા મકવાણા અને લાસ્ટ બટ નોટ લિસ્ટ નાવ ફર્સ્ટ નંબર પર છે રાજકોટના એ. જી. સ્કૂલ ના વિધ્યાર્થિની ‘દિયા કે. જોશી’ “, આ નામ આવતા જ પાંચ ફૂટ પાંચ ઇંચ ઊંચાઈ, દુધિયા કલરના બરછટ સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરેલ જેના પર ગુલાબી કલરના ફૂલોની ડિઝાઇન હતી સાથે સ્કાય બ્લેક ટોપી સ્વિમિંગ કેપ પહેરેલી દિયાએ જોરથી ‘યસ’ એવી બૂમ પાડી. આ સાથે જ પાછળથી પોતાની ફ્રેન્ડના જીતના સમાચાર સાંભળતા જ આરતી, ઈશા અને કાવ્યાએ જોરથી ચીસ પાડી અને દિયાને ટાઈટ હગ આપ્યું અને ત્યારબાદ દિયા દોડતી મંચ પર પોતાનું સર્ટિફિકેટ લેવા આવી. પ્રતિક, રાહુલ અને અભિષેક પણ જોર જોરથી તાળીઓ પાડી રહ્યા હતા. કોઈ દિવસ આટલી સુંદર છોકરી જોઈ ના હોય એમ તેમના મોં તો ખુલ્લા જ રહી ગયા. દિયાએ આંખમાં સ્વિમિંગ કોમ્પિટિશન પહેલા હંમેશાની જેમ જ આંજણ આંજયું હોય તેમ તેની આંખો કાળી કાળી થઈ ગઈ હતી. તરત જ તે આવી પોતાનું મેડલ પહેરી અને સર્ટિફિકેટ લઈ અને જતી રહી. ત્યારબાદ તૃતીય અને દ્વિતીય ક્રમ ધરાવતી છોકરીઓ અનુક્રમે જૈમિની ત્રિવેદી અને રાધિકા મકવાણા સાથે તેણે ફોટોસ ક્લિક કરાવ્યા અને ત્યારબાદ ચેન્જરૂમમાં જતી રહી. ત્યારબાદ પ્રતિક અને અભિષેક અને રાહુલ તો પોતાની વાતોમાં વળગી ગયા અને થોડીવાર બાદ દિયા કપડાં ચેન્જ કરી ખુલ્લા ભીના ભીના વાળ સાથે તે ચેન્જરૂમમાંથી બહાર આવી અને તરત જ પોતાની બેગમાંથી નંબરવાળા ચશ્મા કાઢીને પહેર્યા. દિયાને બહુ જ ઓછા નંબરના ચશ્મા હતા, અંદાજિત બંને આંખે અડધો નંબર હશે. દિયાના ચેન્જરૂમમાંથી બહાર આવતાની સાથે જ આરતી અને સાથી મિત્રોએ જોરથી રાડો પાડી પાડીને વિશ કર્યું.

“ઓહો.. ઓહો.. કોંગ્રેચ્યુલેશન્સ મેડમ“, હસતાં હસતાં જોરથી આરતી, કાવ્યા અને ઈશાએ સાથે કહ્યું.

“થેન્ક યુ. થેન્ક યુ સો મચ“, દિયા પોતાના ત્રણેય મિત્રોને કહ્યું.

“ઓય આ બોય્ઝ આપણી સ્કૂલના છે ને?“, દિયાએ દૂર ઉભેલા રાહુલ, આદિત્ય અને અભિષેકને વાતો કરતાં જોઈને આરતી અને તેના બીજા મિત્રોને પૂછ્યું.

“હા.. કેમ? આદિત્યને જોવો છે તારે? ઓહહો..“, કાવ્યએ આદિત્ય વિશે પૂછતાં લહેરકા સાથે દિયાને પૂછ્યું.

“હા.. બતાવને કોણ છે આદિત્ય?“, દિયાએ આદિત્યને ઓળખવવા માટે કાવ્યાને પૂછ્યું.

“જો લાલ કલરના ટી-શર્ટમાં દેખાયને રૂપાળો હેન્ડસમ છોકરો એ મહાશય આદિત્ય આચાર્ય છે. કેટલો મસ્ત છે નહીં? હવે તો તને એના જ સપના આવશે. આજ સુધી જોયો નહોતો છતાં સપના આવતા હતા તો હવે તો આવવાના જ છે.“, ઈશાએ દિયાને આદિત્ય વિશે વાત કરતાં રોમેન્ટીક અંદાજમાં કહ્યું.

“બસ, હો હવે ચાલો એ લોકો પણ ઘરે જાય છે. આપણે પણ ઘરે જઈએ. આમ પણ હવે અંધારું થતું જાય છે.“, દિયાએ પ્રતિક અને રાહુલ અને અભિષેકને ઘરે જવા માટે સાઇકલ પાર્કિંગમાંથી કાઢતા જોઈને ઈશાને કહ્યું.

“શું ઘરે ? ના હો હજી તો આપણે પફ સોડાની પાર્ટી કરવાની છે પછી ઘરે જવાનું છે.“, આરતીએ દિયાને ઘરે જવાની મનાઈ કરતાં કહ્યું.

“પણ ઘરે પપ્પા રાહ જોતાં હશે.“, દિયાએ પોતાના પિતાની પોતાના માટેની ચિંતા વ્યક્ત કરી.

“અમે કે. જી. અંકલને કહી દીધું છે કે દિયા ઝોન લેવલ પર સ્વિમિંગ ચેમ્પિયન થઈ છે. આ સફળતાની ઉજવણી કરવા અમે પૂલેથી પાર્ટી કરવા જઈશું તો થોડું મોડુ થશે તો તમારી પાસે હવે કોઈ ઓપ્શન જ નથી માટે ચુપચાપ આપની લેડી બર્ડ લઈ લો. (લેડી બર્ડ 2009 ની પ્રખ્યાત ગર્લ્સ સાઈકલ હતી) આપણે બાજુમાં જ દુકાન છે, ત્યાં પફ સારા મળે છે અને મશીનની સોડા પણ સારી મળે છે. આપણે પહેલા ત્યાં જઈશું, મસ્ત પાર્ટી કરીને પછી ઘરે.“, આરતીએ દિયાને ઘરે જવાનો સમગ્ર પ્રોગ્રામ સમજાવ્યો.

સ્વિમિંગ ચેમ્પિયન દિયા જોશીની સાથે આરતી, કાવ્યા અને ઈશાએ પફ સોડાની પાર્ટી કરી અને ત્યારબાદ બધા સાથે ઘરે જવા રવાના થયા. ઘરે જઈને દિયાએ સૌ પ્રથમ પોતાની સફળતાની ઉજવણી પોતાના મમ્મી પપ્પા અને ભાઈ સાથે કરી ત્યારબાદ બધા સગા સંબંધીઓને ફોન કરીને દિયાના પિતા કે. જી. જોશીએ પોતાની દીકરીના ચેમ્પિયન બનવા વિશે જણાવ્યું. આપણા ગુજરાતમાં આ તો ટ્રેન્ડ છે કે કઈ પણ નાનામાં નાની ખુશીની વાત હશે તો પણ આપણે બધા સગા સંબંધીઓને અને પડોશીઓને ખુશી વહેંચીને સફળતા મનાવીશું. આ આપણાં ગુજરાતનો એક પ્રકારનો રિવાજ છે.

દિયાને ઘરે ગયા બાદ રાતના નીંદર પણ ના આવી જેના કારણ બે હતા : એક પોતાની ઝોન ચેમ્પિયન બનવાની સફળતા અને બીજું રાહુલ. યસ રાહુલ. દિયાને સપનામાં પણ રાહુલ દેખાતો હતો. હું અને તમે બંને જાણીએ છીએ કે આ એવી ઉંમર હતી કે જેમાં આ પ્રેમ ન હતો માત્ર આકર્ષણ હતું. એક પ્રકારનું ક્રશ જેને અંગ્રેજીમાં કહી શકાય. દિયા માટે તો તે આદિત્ય હતો પણ હકીકતમાં રાહુલ હતો.

*****

સ્કૂલમાં બીજા દિવસે દિયાની સફળતા માટે દિયાને સેન્ટ્રલ અનાઉન્સમેન્ટ દ્વારા શુભેચ્છા આપવામાં આવી.

એ. જી. સ્કૂલ – રાજકોટ

“ઘણા વર્ષોથી આપણે જે રમતમાં અવ્વલ નંબર પર આવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા તે દિવસ આખરે આવી ગયો છે. ગઈ કાલે રાજકોટમાં જ યોજાયેલ સ્વિમિંગ કોમ્પિટિશન ઓફ રાજકોટ ઝોનમાં આપણી જ સ્કૂલના નવોદિત વિધ્યાર્થિની દિયાબેન જોશીનો વિમેન્સ ચેમ્પિયનશીપમાં પ્રથમ નંબર આવ્યો છે. આપણી સ્કૂલના ટ્રસ્ટી શ્રી રશ્મિકાંત રાવલ તરફથી દિયા જોશીને રૂપિયા એક હજારનું કેશ પ્રાઇઝ આપવામાં આવે છે. સ્કૂલ પરિવાર, પ્રિન્સિપાલ ભરતભાઇ પંડ્યા તરફથી હાર્દિક શુભેચ્છા આપવામાં આવે છે. ખૂબ ખૂબ અભિનંદન.“, આવું સેન્ટ્રલ અનાઉન્સમેન્ટ સ્કૂલના સ્પીકરમાંથી કરવામાં આવ્યું.

“આખરે આપણી સ્કૂલને એક સ્વિમિંગ ચેમ્પિયન મળી ખરા“, મેં પ્રિયંકને કહ્યું.

“તું ગ્યો તો કાલે કોમ્પિટિશન જોવા? “, પ્રિયંકે મને ગઈ કાલની કોમ્પિટિશન વિશે પૂછ્યું.

“હા, યાર પણ મારે મારા કાકાના ઘરે જમવા જવાનું હોવાથી પપ્પાનો ફોન આવ્યો અને હું કોમ્પિટિશન ચાલુ થયા પહેલા જ નીકળી ગયો.“, મેં પ્રિયંકને કોમ્પિટિશન ના જોઈ શકવાના અફસોસ સાથે કહ્યું.

“ઓહહ.. પ્રતિક તમે લોકો તો હતા ને આ.. (થોડા નજીક જઈને) નવી છોકરી કેવીક છે? “, પ્રિયંકે પ્રતિકને દિયા વિશે પૂછ્યું.

“કઈ નથી. આરતી જેવી નથી. એક તો ચશ્મા પહેરે છે અને બીજું તો આંજણ એટલું બધુ આંજે છે કે જેનાથી સ્વિમિંગ કર્યા પછી આખું મોઢું કાળું કાળું થઈ જાય. બસ, લાંબી છે અને નમણી છે.“, પ્રતિકે પ્રિયંકને દિયાનું વર્ણન કરતાં કહ્યું.

(બે મિનિટના અલ્પ વિરામ બાદ)

“એ આદિત્ય આરતીએ મને ઈશારાથી તને બતાવવા કહ્યું અને પછી મેં તને બતાવ્યો પણ ખરા પણ સમજાતું નથી કે આવું કેમ કહ્યું? “, પ્રતિકે મને ગઈ કાલની વાત યાદ આવતા પૂછ્યું.

“તો ભાઈ તારું પત્તું કપાણું સમજી લે. હા.. હા.. “, પ્રતિકની મજાક ઉડાવતા હસતાં હસતાં પ્રિયંકે કહ્યું.

“ના હવે એવું કઈ ના હોય. અચ્છા મને બતાવજે તો ખરા આ.. ( અચકાતા અચકાતા ) દિયા જે ગઈ કાલે ચેમ્પિયન બની એ છોકરી કોણ છે ? “, મેં પ્રતિકને દિયાને બતાવવા માટે કહ્યું.

“ઓકે બોસ આજે જ રિસેસ પડે એટલે મારી સાથે ઉપર લાઈબ્રેરીના કામના બહાને આવી જજે બતાવીશ તને કે આ દિયા જોશી કોણ છે ? રેડી ? “, પ્રતિકે મને દિયાને બતાવવા માટે પ્રોમિસ કરીને હાથ મિલાવતા કહ્યું.

“ ઓકે ડન, જઈએ આજે બ્રેકમાં “, મેં પ્રતિકને કહેતા હાથ મિલવ્યો.

રિસેસ પડતાં જ હું અને પ્રતિક લાઈબ્રેરીના કામના બહાને ઉપરના સેકન્ડ ફ્લોર પર ગર્લ્સ ક્લાસરૂમ પાસે રહેલા પગથિયાં પર પહોંચી ગયા.

હવે? હવે શું આદિત્ય દિયાને મળી શકશે? શું હજી આ સ્ટોરીમાં કોઈ ટ્વિસ્ટ આવવાની શક્યતા છે? દિયાની અસમંજસ છે કે તેણે આદિત્યને જોયો છે પણ હકીકતમાં તો એ રાહુલ હતો. શું થશે હવે પછીના પ્રકરણમાં? મળીશું આવતા અંકમાં.. ત્યાં સુધી આવજો.