Darna Mana Hai - 15 books and stories free download online pdf in Gujarati

Darna Mana Hai-15 સમુદ્ર પર સરકતી ભૂતાવળઃ ક્વીન મેરી

ડરના મના હૈ

Darna Mana Hai-15 સમુદ્ર પર સરકતી ભૂતાવળ: ક્વીન મેરી

લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧

ચેલ્સિયા રેસ્ટોરાંની યુવાન હોસ્ટેસ રિસેપ્શન ટેબલ પર બેઠી હતી. ત્રણ યુવાન પુરુષોને તેણે રેસ્ટોરાંમાં પ્રવેશતા જોયા. એકબીજાની બાજુબાજુમાં ચાલી રહેલા એ પુરુષો તરફથી ઘડીભર નજર હટાવી રિસેપ્શનિસ્ટે ટેબલ પર પડેલા રજિસ્ટરમાં નજર નાખી. બે સેકંડ બાદ તેણે નજર ઉપર ઉઠાવી તો પેલા ત્રણે પુરુષો તેના ટેબલ પાસે ઊભા હતા. તેમણે પોતાના રિઝર્વ કરાવેલા ટેબલ વિશે પૂછ્યું. રિસેપ્શનિસ્ટે તેમને કહ્યું, ‘આપનું ટેબલ ફક્ત બે વ્યક્તિઓ માટે રિઝર્વ કરાવવામાં આવ્યું હતું એટલે હું તમને ત્રણે જણને જગ્યા ફાળવી શકું એમ નથી.’

‘ત્રણ?’ રિસેપ્શનિસ્ટે જે કહ્યું એનાથી આશ્ચર્ય પામતાં એક પુરુષે પૂછ્યું અને કહ્યું, ‘પણ અમે તો બે જ છીએ!’

તે બંનેની પાછળ ઊભેલા પુરુષ તરફ રિસેપ્શનિસ્ટે ઈશારો કર્યો એટલે પેલા બંનેએ પાછળ ફરીને જોયું. તેમની પાછળ કોઈ પણ ઊભું નહોતું! એ ત્રીજો પુરુષ ફક્ત પેલી રિસેપ્શનિસ્ટને દેખાતો હતો. હકીકતનું ભાન થતાં રિસેપ્શનિસ્ટ સખ્ખત ડરી ગઈ અને તેના ચહેરા પર ડરના હાવભાવ જોતાં જ પેલો ત્રીજો પુરુષ જાણે કે હવામાં ઓગળી ગયો હોય એમ અદૃશ્ય થઈ ગયો!

વેલકમ ટુ ક્વીન મેરી: ધી હૉન્ટેડ શિપ..!

ઉપરની ઘટના એચ.એમ.એસ. ક્વીન મેરી નામના વિશાળ દરિયાઈ જહાજની રેસ્ટોરાંમાં બની હતી.

ક્વીન મેરીની ભવ્યતાઃ

ઈસવી સન ૧૯૩૦માં યુરોપના સ્કોટલેન્ડ દેશના નગર ‘ક્લાઈડ રિવર’ ખાતે ‘કુનાર્ડ વ્હાઈટ સ્ટાર લાઈન’ નામની કંપની દ્વારા ક્વીન મેરી નામના એક ભવ્ય જહાજનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જહાજનું વજન ૭૫૦૦૦ ટન હતું અને તેનો નિર્માણ ખર્ચ સાડા ત્રણ મિલિયન સ્ટર્લિંગ પાઉન્ડ થયો હતો. અલગ અલગ લેવલ પર કુલ મળીને સત્તર ડેક ધરાવતા ક્વીન મેરી જહાજમાં બે ઈન્ડોર સ્વિમિંગ પૂલ, અનેક બ્યુટી પાર્લર, મ્યુઝિક સ્ટુડિયો, લેકચર હોલ, ટેનિસ કોર્ટ અને લાઈબ્રેરી જેવી સગવડો હતી. પ્રવાસીઓના ત્રણ અલગ વર્ગો પાડવામાં આવ્યા હતા જે ફર્સ્ટ ક્લાસ, કેબિન ક્લાસ અને ટૂરિસ્ટ ક્લાસ તરીકે ઓળખાતા. જહાજની વિશાળતાનો ખ્યાલ એ વાતે આવશે કે ફર્સ્ટ ક્લાસના ૭૧૧, કેબિન ક્લાસના ૭૦૭ અને ટૂરિસ્ટ ક્લાસના ૫૭૭ નંગ બેડ જહાજમાં હતા. તમામ વર્ગના બાળકો માટે અલાયદાં પ્લે હાઉસ અને મોટેરાંઓ માટે મનોરંજન કક્ષ હતા.

આવા આ ભવ્યત્તમ જહાજનો સૌથી વિશાળ ખંડ ફર્સ્ટ ક્લાસ પેસેન્જર્સ માટેનો મુખ્ય ડાઈનિંગ રૂમ હતો જેની છત ત્રણ માળ જેટલી ઊંચી હતી. જહાજ પરના ટેલિફોનથી દુનિયાના કોઈ પણ ખૂણામાં સંપર્ક સાધી શકવાની સગવડ હતી. એ જમાનામાં દુનિયા પ્રથમ વિશ્વ યુદ્ધનો માર વેઠી ચૂકી હતી અને એ યુદ્ધમાં હારેલું જર્મની ગમે ત્યારે બીજા વિશ્વ યુદ્ધનો પલીતો ચાંપે એવી દહેશત પ્રવર્તતી હતી. જર્મની અને એના મિત્ર દેશોની સ્થાનિક પૂજામાં યહૂદીઓ પ્રત્યે ભારે રોષ પ્રવર્તતો હતો, પણ બ્રિટન વંશીય ભેદભાવમાં નથી માનતું એ સાબિત કરવા માટે ક્વીન મેરી પર યહૂદી લોકો માટે ખાસ પ્રાર્થનાખંડ બનાવવામાં આવ્યો હતો.

ક્વીન મેરીની કામગીરીઃ

૨૭મે ૧૯૩૬ના રોજ ક્વીન મેરીને પ્રથમ વાર દરિયાઈ સફર માટે ઉતારવામાં આવ્યું ત્યારે મીડિયામાં તેને ભારે પ્રસિદ્ધિ મળી હતી. એટલાન્ટિક મહાસાગર પારના બે દેશો ઈંગ્લૅન્ડ અને અમેરિકા વચ્ચે ખેપ મારવા માટે જ તેને બનાવવામાં આવ્યું હતું. શરૂઆતનાં વર્ષોમાં તેનો ઉપયોગ લકઝરી લાઈનર તરીકે જ કરવામાં આવ્યો અને યુરોપ-અમેરિકાના હજારો પ્રવાસીઓને તેણે એટલાન્ટિક પારની મુસાફરી કરાવી. યાદ કરો તો, આ જ રૂટ પર પોતાની પ્રથમ યાત્રા દરમિયાન વિશ્વ વિખ્યાત ‘ટાઇટેનિક’ જહાજ અકસ્માતગ્રસ્ત થઈને જળસમાધિ લઈ ચૂક્યું હતું. વિશ્વ એ દુર્ઘટનાને હજી ભૂલ્યું નહોતું. ટાઇટેનિકની અસફળતાને લીધે પણ ક્વીન મેરીની સફળતા ઘણી નોંધપાત્ર ગણાતી હતી. ધનવાન લોકો ક્વીન મેરીની સહેલ માણવા માટે અમસ્તા જ યુરોપ-અમેરિકા વચ્ચે આંટો મારી લેતા, એવી એ જહાજની ખ્યાતિ હતી.

સન ૧૯૩૯માં બીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ જતાં ક્વીન મેરીની રેગ્યુલર ખેપ પર બ્રેક લાગ્યો એટલે એનો ઉપયોગ સૈનિકો અને યુદ્ધને લગતા માલસામાનની હેરફેર માટે થવા લાગ્યો. આ જ દિવસો દરમિયાન આ વિશાળ જહાજે એક ટ્રીપમાં ૧૬૬૮૩ અમેરિકન સૈનિકોને દરિયાપાર લઈ જવાનો એ જમાનાનો રેકોર્ડ બનાવ્યો હતો. દરેક દેશ, વ્યક્તિ અને વસ્તુની જેમ ક્વીન મેરી જહાજે પણ દ્વિતિય વિશ્વયુદ્ધનાં માઠાં પરિણામો વેઠવાં પડ્યાં હતાં.

એ ભયાનક દુર્ઘટનાઃ

એ જમાનામાં મોટા દરિયાઈ જહાજો દરિયા પાર હંકારતાં ત્યારે ઘણી વાર તેમની સાથે નાનાં જહાજો પણ સફર ખેડતાં. ૨ ઓક્ટોબર ૧૯૪૨ના દિવસે ક્વીન મેરી અમેરિકાથી ઊપડ્યું ત્યારે તેની સાથે હળવા વજનનું જહાજ નામે ‘કુરાકોઆ’ પણ હતું. બંને જહાજ પર હજારોની સંખ્યામાં અમેરિકન સૈનિકો હતા. તેમને ઈંગ્લૅન્ડ લઈ જવાઈ રહ્યા હતા. આઈરિશ કોસ્ટ નજીક પહોંચ્યા ત્યારે બંને જહાજ અકસ્માતે ખૂબ નજીક આવી ગયાં અને કટોકટીની એ ક્ષણથી હેમખેમ ઊગરી જવાય એ પહેલાં જ બંને શિપ ટકરાઈ ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે કુરાકોઆ જહાજનો પાછળનો હિસ્સો તૂટીને રીતસર છૂટો પડી ગયો. કોઈ કંઈ સમજે-કરે તે પહેલાં તો કુરાકોઆ પર સવાર સેંકડો અમેરિકન સૈનિકો સમુદ્રના ઠંડા પાણીમાં જઈ પડ્યાં. ચારે તરફ રાડારાડ અને હો-હા મચી ગઈ. કુરાકોઆનાં તૂટેલા હિસ્સાએ જળસમાધિ લીધી. ડૂબતા હિસ્સાએ પોતાની પાછળ એક ભયાનક વમળ સર્જ્યું અને એમાં સપડાયેલા સૈનિકો ઘૂમરી ખાતા ખાતા સાગર પેટાળમાં ગરક થવા લાગ્યા. ગણતરીની ક્ષણોમાં કુરાકોઆનું અર્ધું અંગ ડૂબ્યું અને પોતાની સાથે અનેક સૈનિકોને સમુદ્રની ઊંડી ગર્તામાં તાણી ગયું.

વમળ શાંત થતાં બચી ગયેલા સૈનિકો પાણી પર તરતા રહ્યા, પરંતુ તેમની જીવનદોરી પણ ટૂંકી હતી. ક્વીન મેરી પરથી બચાવ નૌકાઓને સમુદ્રમાં ઉતારવામાં આવે તે પહેલાં જ દૈત્ય સમી શાર્ક માછલીઓએ સમુદ્ર સપાટી પર તરતા રહેલા સૈનિકો પર હુમલો કરી દીધો. વિકરાળ શાર્કના તીક્ષ્ણ દાંતોમાં ઝડપાયેલા અભાગિયા સૈનિકોનાં લોહીથી સમુદ્ર રક્તરંજિત થઈ ગયો.

દરિયામાં ચીસાચીસ મચી હતી તો ક્વીન મેરી પર દોડધામ મચી હતી. માનવ લોહીની ગંધ દરિયામાં ફેલાતાં બીજી અનેક શાર્ક માછલી ત્યાં ઘસી આવી અને આતંક મચાવવા લાગી. મોતના આ તાંડવે ઘડીભરમાં સેંકડો જાન છીનવી લીધા. ક્વીન મેરીના તૂતક પર ઊભેલા સૈનિકો પોતાના સાથીઓને ક્રૂર મોતને ભેટતાં જોવા સિવાય કંઈ કરી શક્યા નહીં. દરિયામાં પડેલા બહુ થોડા સૈનિકોને બચાવનૌકા બચાવી શકી. કુલ મળીને ૨૩૯ નરબંકાઓએ એ હોનારતમાં જીવ ગુમાવ્યા. પોતાના ૩૪ વર્ષના કાર્યકાળ દરમિયાન ક્વીન મેરી જહાજે વેઠેલી એ સૌથી ગમખ્વાર દુર્ઘટના હતી. જોકે ક્વીન મેરીએ વેઠેલી એ એકમાત્ર દુર્ઘટના નહોતી.

ક્વીન મેરી પર મોતનું ઈનામ પામેલા કમભાગી લોકો અને તેમના ભૂતોઃ

વિવિધ સફર દરમિયાન ઘણા લોકોએ ક્વીન મેરી જહાજ પર જીવ ગુમાવ્યા હતા. અલગ અલગ અકસ્માતોમાં અપમૃત્યુ પામનારાનો આંક કુલ મળીને ૪૯ થતો હતો! શિપ પર મરનાર કમભાગી લોકોમાં પહેલું નામ છે જોન હેન્રી. આ યુવાન ખલાસી એન્જિન રૂમ નંબર ૧૩માં કામ કરતો ત્યારે એન્જિનમાં અકસ્માતે આગ ફાટી નીકળતાં તે આગમાં જીવતો ભૂંજાઈ ગયો હતો. જોન હેન્રીના મોત બાદ અન્ય કર્મચારીઓએ તેના ભૂતને એન્જિન રૂમ નંબર ૧૩માં જોયા હોવાનો દાવો કર્યો હતો. શિપ પર અવારનવાર દેખાતું રહેતું બીજું ભૂત એક દસ વર્ષની બાળકીનું હતું. જહાજના નીચલા ડેક પરના દાદરના કઠેડા પરથી નીચે સરકતી વખતે એ બાળકી પોતાનું સંતુલન ગુમાવી બેઠી હતી અને લાકડાના ફલોર પર પડતાં જ એની ગરદન તૂટી ગઈ હતી. જે જગ્યાએ એ બાળકી મૃત્યુ પામી હતી એ જગ્યાએ જ પછીથી એનું પ્રેત દેખાતું રહ્યું હતું. જહાજના સ્વિમિંગ પુલમાં પણ બે મહિલાઓ અલગ અલગ સમયે ડૂબીને મૃત્યુ પામી હતી. એ બંને મહિલાનાં પ્રેત પણ એ સ્વિમિંગ પુલની આસપાસ ભટકતાં જોવામાં આવ્યાં હતાં.

ક્વીન મેરીના અનેક રૂમોમાં પણ ભૂતાવળ દેખાતી રહી હતી અને તેમાંના ઘણાં પ્રેત જહાજ પર ભટકતાં જોવામાં આવ્યાં હતાં. રૂમ નંબર બી-૩૪૦માં એટલા મોટા પ્રમાણમાં ભૂતાવળ થતી હતી કે અમુક વર્ષો પછી આ રૂમમાં કોઈને પણ ઉતારો આપવાનું જ બંધ કરી દેવામાં આવ્યું. એ કમરામાં રોકાયેલા એક પુરુષની એક રાતે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કરાયેલા એ પુરુષનું ભૂત ત્યાર પછી એ કમરામાં દેખાતું રહેતું અને ત્યાં રોકાનારા મુસાફરોને હેરાન કરતું. ક્યારેક એ રૂમના એટેચ્ડ બાથરૂમના નળ આપોઆપ જ ચાલુ થઈ જતા અને પાણી વહેવા લાગતું. તો ક્યારેક એ પ્રેત સૂતેલા મુસાફરોના પગ કચકચાવીને પકડી લેતું. ડરેલો મુસાફર ઊંઘમાંથી જાગી જાય તો પણ એ પકડ આસાનીથી છૂટતી નહીં. એ કમરામાં ઊંઘતા માણસોએ ઓઢેલી ચાદર અચાનક જ દૂર ફંગોળાઈ જવાના કિસ્સા તો બહુ સામાન્ય થઈ ગયા હતા. ભૂતિયા એવા બી-૩૪૦ રૂમમાં રોકાનાર અનેક મુસાફરોની અનેકાનેક ફરિયાદો બાદ શિપના વહીવટકર્તાઓએ હંમેશ માટે એ રૂમને તાળું મારી દીધું હતું.

રૂમ નંબર એમ-૦૦૨માં એક મધ્ય વયસ્ક સ્ત્રીનું પ્રેત દેખાતું જેણે ૪૦ના દાયકાની ફેશનનાં વસ્ત્રો પહેર્યાં હતાં. જોકે તેના પ્રેતે કદી કોઈને ડરાવ્યા નહોતા કે નુકસાન પહોંચાડ્યું નહોતું. રૂમ નંબર એમ-૦૦૭માં મુસાફરો સવારે ઊઠતા ત્યારે ફર્નિચરમાં બનેલાં તમામ ડ્રોઅર ખુલ્લાં પડેલાં જોવા મળતાં. રાત્રિ દરમિયાન કોણ એ ડ્રોઅર ખુલ્લા કરી દેતું એ કદી જાણી શકાતું નહીં. રૂમ નંબર એ-૧૨૮માં કોઈ અદૃશ્ય વ્યક્તિનાં નસકોરાં સંભળાતાં. રૂમમાં હાજર તમામ માણસો જાગતા બેઠા હોય તો પણ ઘણી વાર આવાં નસકોરાં સંભળાતાં રહેતાં. રૂમ નંબર ૧૬૨ના બંધ કબાટમાંથી જાણે કે અંદર લટકતાં હેન્ગર આમતેમ ખસી રહ્યાં હોય એવા અવાજો આવતા. કબાટ ખોલીને તપાસ કરતાં હેન્ગર હંમેશાં સ્થિર દેખાતા.

કુરાકોઆ જહાજ સાથેની ટક્કર દરમિયાન માર્યા ગયેલા અમેરિકન સૈનિકોનાં ભૂત પણ ક્વીન મેરી પર સહેજ અલગ રીતે પોતાની હાજરી પુરાવતા. ક્વીન મેરીનો જે હિસ્સો કુરાકોઆ સાથે ટકરાયો હતો એ હિસ્સા પર બહારની તરફ ઘણી વાર આછું ધુમ્મસ ચોંટેલું જોવા મળતું. આસપાસનું વાતાવરણ તદ્દન સાફ હોવા છતાં ફક્ત એ જ જગ્યાએ ઘુમ્મસ દેખાતું. કેટલાક મુસાફરોએ એ ધુમ્મસમાં માનવ આકૃતિઓ જોઈ હોવાનો પણ દાવો કર્યો હતો.

અને ક્વીન મેરી સમાધિસ્થ થયું…

એક કરતાં અનેક ભૂતાવળોના સાક્ષી બનેલા ક્વીન મેરીને ૧૯૬૭માં સેવા નિવૃત્ત કરી દેવામાં આવ્યું હતું. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ‘લોંગબીચ’ ખાતે તેને હંમેશ માટે પાર્ક કરી દેવામાં આવ્યું. બોઈલર રૂમ, એન્જિન, વોટર સોફ્નિંગ પ્લાન્ટ, જનરેટર રૂમ જેવી હવે બિનજરૂરી થયેલી યંત્રણાઓ કાઢી નાખ્યા બાદ તેને મ્યુઝિયમ કમ હોટેલ કમ ટૂરિસ્ટ સ્પોટ બનાવી દેવામાં આવ્યું. દર વર્ષે હજારો લોકો તેની મુલાકાત લેવા લાગ્યા. જહાજ પર થતાં ભૂતપ્રેતમાંથી પૈસા કમાવા ઘોસ્ટ ટૂરનું આયોજન કરવામાં આવે છે. જેમાં મુલાકાતીઓને એ દરેક જગ્યાએ લઈ જવામાં આવે છે જ્યાં વર્ષોથી ભૂતપ્રેત દેખા દેતાં આવ્યાં છે. કહેવાય છે કે, આજે પણ ઘણાં લોકોને ક્વીન મેરી પર ભૂતાવળ દેખાઈ જાય છે.