Sannatanu Rahashy - Part 1 books and stories free download online pdf in Gujarati

સન્નાટાનું રહ્સ્ય , ભાગ-૧

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

સન્નાટાનુ રહસ્ય- એક ભયાનક વાર્તા

વિષય : નવલકથા

પ્રકરણ : 1

લેખકના બે બોલ

સૌ પ્રથમ મિત્રો, મારી નોવેલ વાંચવા માટે પસંદ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર.મે પ્રથમવાર આ વિષય પર નોવેલ લખી છે.હોરર અને સસ્પેન્શ એ બે એવા વિષય છે જે આપણને મોટેભાગે ખુબ જ રોમાંચકારી લાગે છે જો તેમા ખુબ જ સુંદર રંગ પુરવામાં આવ્યા હોય તો. મેં આ બંન્ને વિષયોને સાંકળીને એક રોચક નવલકથાનુ સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો છે.આ મારી એક એવી નવલકથા છે જે તમને પાને પાને સુધી જકડી રાખશે અને તમને છેક સુધી કંટાળો ન આવે તેવા શબ્દપ્રયોગ કરવાનો મે પ્રયાસ કર્યો છે.તો આ મારો પ્રથમ પ્રયાસ તમને કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો. મારી આ નવલકથાની ખુબીઓ લખવા માટે તમને શબ્દો ન મળે તો કાંઇ નહીં, પરંતુ મારી ખામીઓ શોધી શોધીને મને ખાસ કહેજો જેથી કરીને હુ તમને ઉત્તોમત્તમ લખાણ પીરસી શકું. મારી બે નોવેલ “તૃષ્ણા” અને “બંગલા નં.313” આપ સૌ એ ખુબ જ બિરદાવી અને ખુબ જ સારા પ્રતિભાવો મોકલાવ્યા તે બદલ આપનો ખુબ ખુબ આભાર રીડરમિત્રો. મારી આ નોવેલ “સન્નાટાનુ રહસ્ય” વિશે થોડું કહી દઉં.આ નોવેલ તમને ડરાવી તો દેશે જ પરંતુ તમને રડાવી પણ દેશે.તમારા દિલમાં થોડી પણ ઋજુતા હશે તો તમે ધ્રુસકે ધ્રુસકે રડી પડશો વાર્તાનુ રહસ્ય જાણીને.પરંતુ હા એક વાત કહી દઉ તમે છેક સુધી જરા સરખો પણ રહસ્ય વિશે અંદાજો નહિ લગાવી શકો. તો વાંચતા રહો વિચારતા રહો અને આપ સૌ પોતપોતાના જીવનમાં આગળ વધતા રહો તેવી શુભકામના સાથે વાંચો પ્રથમ ભાગ સન્નાટાનુ રહસ્ય.

અસ્તુ

“હાશ સામાન બધો શિફટ થઇ ગયો.આદી બેટા જરા પાણીની બોટલ લાવ ને.આજ તો બહુ થાકી ગઇ છું.” સોફા પર બેસતા અંજલીએ કહ્યુ. “હા મોમ હું પણ બહુ થાકી ગયો છું. રાજકોટથી સુરત સુધી મુસાફરી કરીને આવ્યા છે અને ત્યાંથી આટલો સામાન રાત્રે ભર્યો.આજ તો પપ્પાને કહેજે કે આપણે બધા આજે બહાર જમીએ અને પછી નીરાંતે આરામ કરીશું અને કાલથી બધો સામાન ગોઠવીશું” પાણીની બોટલ આપતા આદિત્યએ કહ્યુ. મિ.અજય દેસાઇ, તેમની પત્ની અંજલી દેસાઇ અને તેઓના ચાર સંતાનો આદિત્ય, અદિતી, આર્યા, અપુર્વા સાથે રાજકોટથી સુરત શિફટ થયા હતા.અજય અને અંજલીને સુરતની મલ્ટીનેશનલ કંપનીમાં ઉંચા ગ્રેડની નોકરી મળી હતી.આથી તેઓ વતન અને કુંટુબ છોડીને સુરત રહેવા આવી ગયા હતા. સુરતના હીરાના વેપારી માણેકલાલનો સુંદર મજાનો બંગલો તેમને ખુબ જ વાજબી કિમંતે તુરંત મળી ગયો હતો તેથી ભાડેના મકાન કરતા તાત્કાલિક ઘરનું જ મકાન ખરીદી લીધુ હતુ.મકાન એકદમ સુંદર હતુ.4બી.એચ.કે.નુ બંગલો જેવુ સુંદર મકાન અને આગળ ખુબ મોટુ ફળીયુ હતુ.ઉપર રવેશ અને તેમાં ઝુલો હતો.મકાનની આસપાસ સુંદર મોટો બગીચો હતો.ફાર્મ હાઉસ જેવુ ગામથી દુર શાંત અને રમણીય ઘર અજય દેસાઇને સરળતાથી વાજબી કિંમતે મળી ગયુ હતુ એટલે દેસાઇ ફેમિલી ખુબ જ ખુશ હતી.ગઇ કાલે રાત્રે જ તેઓ બધો સામાન ટ્રકમાં ચડાવી અને પોતાની કારમાં તેઓ રાજકોટથી નીકળ્યા હતા.સવારે તેઓ સુરત પહોંચી ગયા હતા.અજયનો મિત્ર સમીર સુરત રહેતો હતો.તેને જ આ મકાન શોધી આપ્યુ હતુ.તેને થોડા મજુર સાથે લઇને સામાન ઉતાર્યો હતો.બપોરે બધા સમીરના ઘરે જ જમ્યા હતા અને પછી નિરાંતે અહીં આવ્યા ત્યારે 4:00 વાગી ચુક્યા હતા. “પપ્પા આટલા સુંદર લોકેશન પર આવડુ મોટુ મકાન આપણને કેમ સસ્તામાં મળી ગયુ? તમને નવાઇ નથી લાગતી?” અદિતીએ પુછ્યુ “બેટા સમીરે એમ કહ્યુ કે મકાનમાલિક મણીલાલનો દીકરો મુંબઇ જોબ કરે છે અને મણીલાલનો એક જ દીકરો છે.હવે મણીલાલ અને તેમના પત્ની વયસ્ક થતા તેઓ તેમના દીકરા સાથે રહેવા જતા રહ્યા હતા.આથી ત્યાં મકાન વસાવવા માટે, તેને પોતાના બંને મકાન માટે જ્યાં તેઓ રહેતા હતા તે અને આ રોકાણ માટે ખરીદ્યુ હતુ તે વેચવા કાઢેલા હતા અને સમીરને પણ તેઓએ વાત કરી હતી અને આપણે મકાનની તાત્કાલીક જરૂર હતી અને એ વાત મે સમીરને કરી હતી તો તેણે મને આ મકાન બતાવ્યુ અને મને પણ મકાન પહેલી જ નજરમા ગમી ગયુ અને ડીલ ફાઇનલ કરી લીધી.” “પપ્પા મકાન અને તેનુ લોકેશન આટલુ સુંદર છે છતાય મણીલાલ અને તેનો પરિવાર અહી રહેતા ન હતા,એવુ શું કામ? આવુ સુંદર મકાન મુકી બીજે રહેવા જવાનુ મન પણ કેમ થાય કોઇને?” આદિત્યે પુછ્યુ. “બેટા આ મકાન તેઓએ માત્ર રોકાણ માટે જ ખરીદ્યુ હતુ અને વળી મકાન શહેરથી બહારના વિસ્તારમા આવેલુ હોવાને કારણે તેઓને ધંધા માટે રોજ અવરજવર કરવી મુશ્કેલ લાગતી હશે.”

“આવા સુંદર ઘરમાં રહેવા મળતુ હોય તો થોડી તો અગવડ વેઠી લેવી પડે.વેલ,તેઓ તો કયારેય આ મકાનમા ન રહ્યા પણ હવે આપણે અહીં શાંતિથી રહીશુ.” અંજલીએ કહ્યુ. બધા વાતો જ કરતા હતા ત્યાં રસોડામાં કાંઇક પડવાનો અવાજ આવ્યો એટલે બધા દોડીને રસોડા તરફ ગયાં ત્યાં એક બિલાડીએ દુધ ઢોળી નાખ્યુ હતુ બધાને જોઇ બિલાડી બારીમાંથી ભાગી ગઇ. “શિટ.......... અજય આ બિલાડીએ બધુ દુધ ઢોળી નાખ્યુ.આ ઘરમા આવતાવેંત જ અપશુકન થયા.આ બિલાડાને પણ ન જાણે કેમ ખબર પડી જતી હશે કે અહી રસોડુ છે.મેં રસ્તામાંથી વળી દુધ લીધુ કે નિરાંતે ચા નાસ્તો કરીશુ આ નફ્ફ્ટ બિલાડીએ બધુ દુધ ઢોળી નાખ્યુ.આદી હવે સ્કુટી લઇને જા અને પાસેની કોલોનીમાં આવેલી ડેરીમાંથી થોડુ દુધ લઇ આવ થોડી ચા બનાવી લઇએ” અંજલીએ કહ્યુ.

“અરે મોમ આમ કાંઇ શુકન અપશુકનમા વિશ્વાસ ન રખાય.જસ્ટ ચીલ આવુ બધુ તો ચાલ્યા કરે.મુંગા જીવો આપણી પરિસ્થિતિ થોડી સમજી શકે? તેને પણ ભગવાને પેટ આપ્યુ છે તો તેને પણ ભુખ લાગે ને? કામ ડાઉન હમણાં હુ બધુ સાફ કરી નાખુ છુ અને ભાઇ તુ દુધ લઇ આવ.” અદીતીએ તેની મમ્મીના ગુસ્સાને ઠંડો પાડતા કહ્યુ. “ઓ.કે. દીદી હમણા જ લઇ આવુ છું.મોમ એક લિટર ચાલશે ને?” આદિત્યે પુછ્યુ “ના બેટા બે લિટર લઇ આવજે સવારે પણ નાસ્તા સાથે ચા બનાવવા કામ આવશે.વળી ફરી કોણ દુધ લેવા ધક્કા ખાશે” અંજલીએ કહ્યુ આદિત્ય દુધ લેવા નીકળો.જોયુ તો સ્કુટીમા પંક્ચર હતુ.શીટ.......આજે તો બધુ ઉલ્ટુ જ થઇ રહ્યુ છે.આમ બોલતા તે ચાલતા દુધ લેવા નીકળો.થોડો દૂર ગયો તો તેને એવો એહસાસ થયો કે પાછળથી કોઇ આવી રહ્યુ છે.જેવુ તેણે પાછળ ફરી જોયુ તો કોઇ ન હતુ.તે પોતાના મનનો વહેમ સમજી ફરી ચાલવા લાગ્યો.આખો રસ્તો સુમસામ હતો અને બિલાડીઓની ચીચીયારીઓ સંભળાતી હતી.જરા આગળ ગયો તો ઓચીંતી જ બે બીલાડી ઝઘડતી ઝઘડતી તેના રસ્તે પડી. “ઓહ માય ગોડ..........આ ક્યાં પહોંચી ગયા? આજુ બાજુ તો બહુ ડર લાગે તેમ છે.” બોલતો બોલતો તે મેઇન બજારે પહોંચ્યો અને દુધ લઇ ફટાફટ ઘરે પહોંચ્યો.

આદિત્ય આવ્યો ત્યાં અદિતી અને આર્યાએ દુધ ઢોળાયેલુ હતુ તે સાફ કરી નાખ્યુ અને આદિત્ય દુધ લઇ આવ્યો એટલે અંજલિએ ચા બનાવી બધાને આપતા કહ્યુ. “અજય રાત્રે બહાર ડિનર લઇ આવીશુ હવે આજના દિવસમાં કાંઇ કરવુ નથી.હુ કાલે ઓફિસ જોઇન નહી કરું તમે હાફ લીવ લઇ બપોરે આવી જજો આપણે કાલે બધુ ગોઠવીને વ્યવસ્થિત કરી લઇશુ” “હા શ્યોર અંજલી હુ કાલે ઓફિસ માંથી હાફ લીવ લઇ બપોરે આવી જઇશ પછી સાથે મળી બધો સામાન ગોઠવી લઇએ એટલે શાંતિ.પછી કોઇ ચિંતા ન રહે.” “મોમ ડેડ આપણે નવા જ મકાનમા રહેવા આવ્યા છીએ તો વાસ્તુપુજન કે હવન એવુ કાંઇ કરાવવાનુ નથી?” અદિતીએ પુછ્યુ. “ બેટા તારા પપ્પા અને મારે બન્નેને નવી જોબ છે અને જોબ જોઇન કરતા જ જો વારેવારે લીવ લઇએ તો એ યોગ્ય ન કહેવાય.વાસ્તુ અને હવન એ બધુ રજાઓમાં રાખીશુ.જુનુ મકાન છે એટલે ચાલે તેઓ ઘણીવાર અહીં આવતા જતા રહેતા હતા અને કદાચ એવુ પણ બને કે આ મકાનમા તેઓએ કોઇ હવન કે વાસ્તુ કર્યુ હોય.” અંજલીએ કહ્યુ. “બેટા હુ સવારે નાહી ધોઇ ફ્રેશ થઇ બધા રૂમમાં ગાયત્રી મંત્રના જાપ કરી લઇશ અને પછી રજાઓમાં આપણે હવન કરાવી લઇશુ.અંજલી મને સવારે વહેલા ઉઠાડી દેજે.” અજયે કહ્યુ. “હા અજય શ્યોર” ચા પાણી લઇને થોડો આરામ કરીને તેઓ બધા ડિનર લેવા માટે હોટેલ પર ગયા.ડિનર કરીને બધા થોડીવાર ત્યાં હોટેલના બગિચામા બેઠા અને રાત્રે અગિયાર વાગ્યે તેઓ બધા ઘરે આવવા નીકળ્યા. મેઇન બજારેથી ઘરે આવી રહ્યા હતા ત્યાં ફરી એક બિલાડી ઓચિંતી જ બહુ ઝડપથી રસ્તા પર આવી ગઇ.આમ અચાનક જ બિલાડીને આવતી જોઇ અજયે જોરથી કારને બ્રેક મારી.અચાનક જ બ્રેક લાગતા બધા ગભરાઇ ગયા.અજયે નીચે ઉતરી જોયુ કે બિલાડી તેની કાર નીચે આવી ગઇ નથી ને...તેણે આજુબાજુ નજર કરી તો ત્યાં કાંઇ પણ ન હતુ તેને થયુ કે એકાએક બિલાડી કયાં જતી રહી.કયાંક ભાગી ગઇ હશે એમ વિચારી ફરી કારમા બેસી ઘર જવા નીકળ્યા. “પપ્પા કેમ અચાનક શું થયુ હતુ?કેમ તમે નીચે ઉતર્યા?અને આમ અચાનક બ્રેક મારી તો મારો તો જીવ અધ્ધર થઇ ગયો હતો.” અદિતીએ પુછ્યુ. “ના બેટા કંઇ નહી.મને એમ લાગ્યુ કે બિલાડી આડે આવી તો ઓચીંતી જ બ્રેક મારી.” અજયભાઇએ કહ્યુ.

“થેન્ક ગોડ મને તો એમ લાગ્યુ કે ગયા કામથી.” આદિત્યએ કહ્યુ.

“ના બેટા એવુ કાંઇ પણ ન હતુ.જસ્ટ દોડતી એક બિલાડી આવી હોય એવુ લાગ્યુ એટલે મે બ્રેક મારી દીધી.” પછી બધા વાતો કરતા કરતા ઘરે પહોચ્યા.

ઘરે પહોંચ્યા અને જોયુ તો રસોડામાં લાઇટ ચાલુ હોય તેવુ લાગ્યુ.અંજલી રસોડામાં ગઇ તો લાઇટ ચાલુ જ હતી અને જોયુ તો દુધ પાછુ ઢોળાયેલુ હતુ અને લોટનો ડબ્બો પણ નીચે ઢોળાયેલો પડ્યો હતો.આખુ કિચન ખરાબ થયેલુ હતુ. “ઓહ માય ગોડ આ બધુ કોણે કર્યુ? આજે આ થઇ શું રહ્યુ છે કાંઇ સમજાતુ નથી.”અંજલિએ રસોડામાં વેરણછેરણ દુધ અને લોટ ઢોળાયેલો જોઇને કહ્યુ. “મમ્મી સવારે નાસ્તામાં ભાખરી બનાવવા આ લોટનો ડબરો શોધી મે પ્લેટફોર્મ પર રાખેલો હતો.નીચે કોણે ઢોળી નાખ્યો હશે?” અદિતીએ કહ્યુ. “અદીતી બીલાડી હશે કદાચ.બંધ ઘરમાં બીજુ કોઇ ના આવે” અજયે કહ્યુ “બંધ ઘરમાં બિલાડી પણ કેમ આવે, પપ્પા?” અપુર્વાએ કહ્યુ. “મોમ આ દરવાજો જુઓ ખુલ્લો રહી ગયો છે.આદિત્યે રસોડાની બાજુમાં રહેલી નાનકડી છીતરીનો દરવાજો ચેક કરતા કહ્યુ.

“ઓહ માય ગોડ નવા મકાનમાં આ ટેંશન રહે. ક્યા ક્યા બારી દરવાજા છે તે યાદ જ ન રહે” અંજલિએ પણ દરવાજા પાસે જઇને કહ્યુ.

“અંજલી પણ દુધ તો ફ્રિજમાં રાખી દેવાય ને ફ્રિજ તો એટલે જ મેં પહેલા જ ચાલુ કરી લીધુ હતુ.” અજય દુધ ગરમ હતુ એટલે હુ તૈયાર થવા જતી રહી પણ તૈયાર થવા માટે કોઇને કાંઇ મળતુ જ ન હતુ બધાને બધી વસ્તુઓ શોધી આપીને પછી ફટાફટ તૈયાર થઇ તેમાં દુધ ફ્રિજમાં રાખવાનુ ભુલાઇ જ ગયુ.આદિ તારે સવારના વહેલા કોલેજ જવાનુ છે તો હુ બાજુમાંથી કયાંકથી દુધ લઇને આવુ.” “મોમ રહેવા દો તમે.આ મેઇન બજાર સુધીનો રસ્તો બહુ ડરામણો છે અને વળી આખા રસ્તે કોઇ માણસ પણ હોતુ નથી.હુ કોલેજ કેન્ટિનમાંથી મેનેજ કરી લઇશ અત્યારે રાત્રે અજાણી જગ્યાએ તારે કયાંય જવુ નથી.” આદિત્યે કહ્યુ. “ઓ.કે. બેટા” અંજલીએ કહ્યુ. બધા સૌ સૌના બેડરૂમમાં આરામ કરવા જતા રહ્યા.ઉપરના બેડ રૂમમાંથી એક આદિત્યએ રાખ્યો.બીજો ત્રણેય બહેનોએ રાખ્યો.નીચેનો એક બેડરૂમ અજય અને અંજલિએ રાખ્યો અને બીજો એક ગેસ્ટ માટે રાખ્યો.તેઓ અહીં રહેવા આવ્યા તે પહેલા જ સમીરે થોડા માણસોને બોલાવી ઘરની સાફ સફાઇ કરાવી લીધી હતી.ઘરમાં બધુ ફર્નિચર તો સાથે જ હતુ આથી સૌ કોઇ પોતપોતાના બેડરૂમમાં જઇ આરામથી સુઇ ગયા.

ઓચીંતુ જ આર્યાને રાત્રે કોઇ રડતુ હોય તેમ આભાસ થયો.તે જાગી ગઇ.જોયુ તો તેની બન્ને બહેનો તો સુતી હતી.તેણે વિચાર્યુ કે બાજુના મકાનમા તો કોઇ રહેતુ નથી તો આ રડવાનો અવાજ ક્યાંથી આવી રહ્યો હશે.તે થોડી ડરી ગઇ પણ પછી ભગવાનનું નામ લેતા લેતા સુઇ ગઇ.

વહેલી પરોઢે ચાર વાગ્યે કિચનમાંથી ધડામ કરતો અવાજ આવ્યો અંજલી તો સફાળી જાગીને કિચન તરફ દોડી. તેમનો બેડરૂમ કિચન પાસે જ હતો.કિચનમાં જઇને જોયુ તો કાંઇ પણ ન હતુ.કોઇ પણ વસ્તુ આડી અવળી પડેલી ન હતી.તો અવાજ ક્યાંથી આવ્યો.કિચનની પાછળ આવેલી બાલકનીમાં પણ જોયુ ત્યાં પણ બધુ વ્યવસ્થિત જ હતુ.ઘરમાં બધે જોઇ લીધુ પરંતુ કાંઇ દેખાતુ ન હતુ.તેને ખાતરી હતી કે તેનો ખાલી ભ્રમ ન હતો.તેને ખરેખર કોઇ વસ્તુ પડવાનો ધડામ અવાજ આવ્યો જ હતો.આખા ઘરમાં તપાસ કરતા કાંઇ મળ્યુ નહી. બધા ઘરમાં થાકીને ઘસઘસાટ ઉંઘતા હતા આથી તેને કોઇને ઉઠાડયા નહિ.તેને લાગ્યુ કે આસપાસમાં કયાંકથી અવાજ આવ્યો હશે.તેને પણ ખુબ જ થાક લાગ્યો હતો ઘડિયાળમાં જોયુ તો સવારના ચાર વાગ્યા હતા.હજુ ઉઠવાની ઘણી વાર હતી આથી તે બેડરૂમમાં જઇને સુઇ ગઇ. સવારના છ વાગ્યે અંજલીની ઉંઘ ઉડી એટલે તેણે અજયને પણ ઉઠાડયો અને આદિત્યને પણ કોલેજે જવાનુ હતુ આથી તેને પણ ઉઠાડી આવી.આદિત્ય ફ્રેશ થઇને કોલેજ જતો રહ્યો.અંજલીએ ત્રણેય બહેનોને પણ ઉઠાડી લીધી તે ત્રણેય તૈયાર થઇ ગઇ એટલે અંજલી કાર લઇને ત્રણેય ને શાળાએ મુકી આવી. અહીં શિફટ થયા પહેલા જ થોડા દિવસ અગાઉ અજય આવીને બધાનુ એડમિશન કરી ગયો હતો.તેમના ઘરથી થોડે દુર શાળામાં જ તેમનુ એડમિશન કરાવ્યુ હતુ અદિતી ધોરણ 12 માં, આર્યા ધોરણ 1૦ માં અને અપુર્વા ધોરણ ૮ માં અભ્યાસ કરતી હતી અને આદિત્ય કોલેજના બીજા વર્ષમાં કોમર્સ શાખામાં અભ્યાસ કરતો હતો.અજયને આજે હાફ લીવ લેવાની હતી આથી તેના માટે ટિફિન બનાવવાનુ ન હતુ.તેથી તે કિચનમાં બધુ વ્યવસ્થિત ગોઠવવા લાગી.કામવાળી દસ વાગ્યે આવવાની હતી.સમીરની પત્ની વર્ષાએ એક કામવાળી પણ શોધી આપી હતી. અજય ઉઠીને ફ્રેશ થઇ ગયો પછી નાહીધોઇને તે ગાયત્રી મંત્રના જાપ બધા રૂમમાં કરવા લાગ્યો.દસ વાગ્યા એટલે તે તૈયાર થઇને ઓફિસે જવા નીકળી ગયો.અંજલિએ કિચનમાં થોડુ ઘણુ ગોઠવી લીધુ પછી તે દુધ લઇ આવી અને બપોર માટે રસોઇ કરી લીધી કામવાળી આવી એટલે તેની સાથે મળીને બધે સાફ સફાઇ કરી લીધી બપોરે બધા ઘરે આવ્યા એટલે બધાએ સાથે મળીને લંચ લીધુ.

સાંજ સુધીમાં બધાએ સાથે મળીને સામાન ગોઠવી લીધો.રાત્રે જમી લીધુ ત્યાં બધા થાકીને લોથ પોથ થઇ ગયા આથી તુરંત જ સુઇ ગયા.બીજા દિવસથી બધા પોતપોતાના કામે વળગી ગયા.આદિત્ય સવારે કોલેજે જતો હતો આથી બપોર પછી આખો દિવસ ફ્રી ના રહેવુ પડે એટલે તે બીજા દિવસે પાર્ટ ટાઇમ જોબ શોધવા ગયો અને તેને સાઇબર કાફેમાં સાંજના 5 થી 8 વાગ્યા સુધીની જોબ મળી ગઇ.પહેલી તારીખથી જોઇન થવાનુ હતુ. બીજે દિવસે સાંજે બધા સાથે મળીને બહાર આવેલો બગીચો સાફ કરતા હતા.તેમના આ નવા ઘરને ચારેય ફરતે બગીચો હતો અને પાછળની બાજુ તો વિશાળ બગીચો હતો જેમા તુટેલો ફુટેલા ફુવારા જેવુ હતુ અને ક્યારાઓ પણ તુટી ગયા હતા અને જંગલી વનસ્પતિઓ ઉગી નીકળી હતી.સમીરે તેઓને જણાવ્યુ હતુ કે થોડા વર્ષો પહેલા અહી સુંદર બગીચો હતો પરંતુ માલિકની તબિયત લથડી જતા બગીચો તુટી ફુટી ગયો. બધાએ ખાલી સાફ સફાઇ કરી લીધી પરંતુ વ્યવસ્થિત માટી નખાવી અને કડિયા દ્વારા કયારા અને ફુવારા રિપેર કરાવીને પછી જ સુંદર બગીચો બની શકે તેમ હતો.અજયને બગીચાનો ખુબ જ શોખ હતો માટે તેઓ નક્કી કર્યુ કે થોડી સાફ સફાઇ કરી બાદમા કડિયાને બોલાવી બધુ વ્યવસ્થિત કરાવી લઇશું.

બધા પરિવારના સભ્યો અલગ અલગ જગ્યાએ સાફ સફાઇ કરી રહ્યા હતા.અદિતિ પાછળના ભાગે સફાઇ કરી રહી હતી.સફાઇ કરતા કરતા અદિતિએ જોયુ કે બગીચામાં ખુણાની બાજુ એક મોટો પથ્થર ખોસેલો હતો.અદિતિએ વિચાર્યુ કે પથ્થર હટાવી નાખે તો સરસ ખુલ્લી જગ્યા બની શકે અને ત્યાં કોઇ મોટુ વૃક્ષ ઉછેરી શકાય. તેણે પથ્થર હટાવવાની કોશિશ કરી પરંતુ તે હટ્યો જ નહી.ઘણી વાર પથ્થરને દુર કરવાની કોશિષ કરી પણ પથ્થર જરા પણ ખસ્યો નહી.તે પથ્થરને અડતા જ અદિતિને વિચિત્ર લાગણી થવા લાગી.ઓચીંતુ જ તેને કોઇ બચાવવા માટે પોકારી રહ્યુ હોય તેમ એહસાસ થવા લાગ્યો.કોઇ તેને પોતાની પાસે બોલાવતુ હોય તેમ તેને આભાસ થયો.આમ પણ અદિતિ સાવ પોચા હ્રદયની અને મગજ ધરાવતી હતી આથી તેને થોડો ડર લાગ્યો અને તે પોતાનો ભ્રમ માની ને બીજે સફાઇ કરવા લાગી અને આ વાત વિષે કોઇને કાંઇ ન કહ્યુ. થોડી વાર સફાઇ કર્યા બાદ અંજલી અને અદિતિ બન્ને ડિનર બનાવવા માટે જતી રહી અને બાકીના સભ્યો સફાઇ કરતા હતા.બગીચામા આગળના ભાગમા બે મોટા લીમડાના ઘટાદાર વૃક્ષો હતા.અજય ત્યાં આજુબાજુમા સફાઇ કરતો હતો ત્યાં અચાનક જ વૃક્ષમાંથી અચાનક જ મધમાખી ઉડવા લાગી.અજયભાઇ મધમાખીને જોઇ દુર ખસી ગયા અને બધાને જલ્દી ઘરમા આવી જવા કહ્યુ.બધા જલ્દી દોડીને ઘરમા જતા રહ્યા.

“પપ્પા જુવો તો કેટલી મધમાખીઓ છે? સારું થયુ તમે અમને જલ્દી બોલાવી લીધા.” આર્યા બોલી. “હા પપ્પા,મે પણ તમામ બારીઓ બંધ કરી દીધી છે.ચલો હવે આપણે બધા જમી લઇએ.એ તો જતી રહેશે.” અદિતીએ કહ્યુ અને બધા સભ્યો જમવા માટે ગયા. “અજય તને આ ઘરમા બહુ અજીબોગરીબ ઘટનાઓ બનતી હોય તેમ નહી લાગતુ?” અંજલીએ પુછ્યુ. “અરે એવુ કાંઇ નથી.આ તો આ મકાન ઘણા સમયથી બંધ હતુ તો આવુ તો બનતુ હોય.મધમાખીઓ અને બિલાડીઓ અને જીવજંતુઓ તો હોય જ બંધ ઘરમા.બાકી ડરવા જેવુ કાંઇ નથી.” અજયભાઇએ કહ્યુ. “હા એ વાત સાચી છે.થોડા સમયમા બધુ વ્યવસ્થિત થઇ જશે.બગીચો પણ આપણે કડિયા અને માળીને બોલાવીને સાફ સફાઇ અને ચોખ્ખો કરાવી લઇશુ.” અંજલીએ કહ્યુ.

બધા લોકોએ જમી લીધુ અને આખા દિવસના થાકને કારણે રાત્રે બધા સુઇ ગયા.