Sannatanu Rahashy - Part 3 books and stories free download online pdf in Gujarati

સન્નાટાનું રહ્સ્ય , ભાગ-૩

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

email –

સન્નાટાનુ રહસ્ય- એક ભયાનક વાર્તા

વિષય : નવલકથા

પ્રકરણ : 3

સાંજે આઠ વાગ્યે સમીરભાઇ અને તેમનો પરિવાર ડિનર માટે આવી ગયા. ડિનર લેતા લેતા સમીરભાઇએ કહ્યુ, “વાહ શું રસોઇ બનાવી છે ભાભી,તમારા હાથમાં તો જાદુ છે હો. બહુ મજા આવી ગઇ આજે તો.” “થેન્ક્સ અ લોટ ભાઇ.એવુ ના હોય કે ખાલી સુરતી લોકો જ રસોઇકળામાં હોશિયાર હોય.અમને પણ થોડુ ઘણુ બનાવતા આવડે છે હો.” અંજલીએ હસતા હસતા મજાકમા કહ્યુ. “સુરતીની કયાં વાત કરો છો અમે તો રસોઇ માં માસ્ટર હોઇએ અને તમે કાઠિયાવાડી લોકો તો બધા ફિલ્ડમાં ખુબ જ જબરા હોવ છો” વર્ષાબહેને કહ્યુ. “અંજુ હવે આપણે પણ સુરતી જ બનવા જઇ રહ્યા છીએ.” અજયે કહ્યુ “હા સુરત હોય કે રાજકોટ આપણે તો બધા સારા બનીને રહીએ એટલે બધા પોતાના જ છે.” “બરોબર ભાભી” સમીરભાઇએ કહ્યુજમીને બધા હોલમાં બેઠા હતા. બધા બાળકો ઉપરના રૂમમાં જતા રહ્યા અને વડીલો હોલમાં બેઠા. થોડીવાર ગપાટા મારવા માટે ત્યારે વર્ષાબહેને કહ્યુ. “તમારી ફેમિલી તો ખુબ જ ગ્રેટ છે.આ સરખા નામનુ શું રહસ્ય છે?” “કાંઇ નહિ બહેન અજયને અંજલી મળી ગઇ એટલે નક્કી કર્યું કે ફેમિલીમાં નામનુ ટ્યુનિગ એક રાખવુ.હુ ખાસ એવુ કુંડળી કે ગ્રહોમાં માનતો નથી.મનમાં સ્નેહ અને આદર હોય તો કોઇ વસ્તુ તમને નડતી નથી.” અજયે કહ્યુ

“સાચી વાત છે દોસ્ત ગ્રહો અને કુંડળીને બધા નવરા લોકોના તુત છે હુ પણ ખાસ એવુ માનતો નથી.” સમીરભાઇએ કહ્યુ “બાય ધ વે તમે વાસ્તુ પુજન અને હવન એવુ બધુ તો માનો છો ને?” વર્ષાબહેને પુછ્યુ “હા સો ટકા માનીએ છીએ ને પરંતુ નવી જોબ હતી એટલે રજાની મુશ્કેલીને કારણે એ પ્રોગ્રામ થોડો પાછળ રાખ્યો છે. હમણાં બે મહિના પછી અમારી કંપની દુબઇના “ શોપીંગ ફેસ્ટીવલ” ભાગ લેશે ત્યારબાદ અમને બધા એકાઉન્ટ સ્ટાફને થોડા દિવસની રજા મળશે ત્યારે હવન કરાવવાનો વિચાર છે” અજયભાઇએ કહ્યુ. “અંજલીબહેન એક વાત પુછુ? ખોટુ ન લાગે તો.” વર્ષાબહેને કહ્યુ. “હા બહેન પુછો ને એક વાત શું બે વાત પુછો.” અંજલીએ હસીને કહ્યુ. “મને એ સમજાતુ નહી કે તમે બન્ને મલ્ટીનેશનલ કંપનીમા જોબ કરો છો અને તમે આટલા હાઇલી ક્વોલીફાઇડ છો અને તમારે ચાર સંતાન છે,એ વાત સમજાણી નહી મને.હું તો હાઉસવાઇફ છું અને મારે બે સંતાન છે તો પણ તેઓ નાના હતા ત્યારે હું થાકી જતી અને તમે તો જોબ કરો છો અને ચાર સંતાનને મોટા કરવા એ તો બહુ કઠીન કામ છે.” વર્ષાબહેને કહ્યુ. “હા તમારી વાત સાચી છે.સંતાનોને મોટા કરવા અને તેમને યોગ્ય કેળવણી આપવી અને સાથે સાથે જોબ પણ કરવી આ બધુ મેનેજ કરવુ બહુ અઘરૂ છે પણ વાત એવી છે ને કે અમે બન્ને આખો દિવસ જોબ પર હોઇએ અને બાળકોને એકલા રહેવાનુ હોય એટલે અમે બન્નેએ ત્રણ બાળકોનુ તો પ્લાનીંગ કરેલુ જ હતુ કે તેઓ અહી ઘરે એકલા હોય તો તેઓને એકલુ એકલુ ન લાગે અને કંપની મળી રહે અને રહી વાત ચોથા બાળકની તો જ્યારે મને ખબર પડી કે હું ચોથી વખત પ્રેગ્નેંટ છું તો મે કુદરતની ઇચ્છા માની મારી નાની બેટી અપુર્વાને જન્મ આપ્યો.મને એબોર્શન કરાવવુ ઉચિત ન લાગ્યુ એ સમયે.બસ આ રીતે અમારી છ વ્યકિતોની ફેમેલી બની.” અંજલીએ કહ્યુ. “બહુ હિંમતવાન છો હો બહેન તમે.જોબ અને બાળકોને મોટા કરવા એ બહુ અઘરૂ છે છતા તમે ચાર ચાર સંતાનોને મોટા કર્યા અને યોગ્ય કેળવણી આપી એ બહુ કહેવાય.મે જોયુ કે તમારી ત્રણેય દીકરીઓ રસોઇમા બધી રીતે તમને હેલ્પ કરતી હતી.તેઓને તમે બહુ યોગ્ય અને સારી કેળવણી આપી છે.સલામ છે તમને હો બહેન.” વર્ષાબહેને કહ્યુ. “થેન્ક્સ બહેન.ભગવાનની દયાથી બધુ સારૂ થઇ ગયુ અને બાળકો પણ મોટા થઇ ગયા પણ સાચુ કહુ બાળકોને મોટા કરવામા અજયનો પણ મને ખુબ સાથ સહકાર મળ્યો છે.આ બધુ ત્યારે જ શક્ય બન્યુ જ્યારે તે હરહંમેશ મારી સાથે રહ્યા.” અંજલીએ કહ્યુ. ઉપર રૂમમા અજય અને અંજલીના ચાર સંતાનો તથા સમીરભાઇ અને વર્ષાબેનના સંતાનો બધા મસ્તી કરી રહ્યા હતા અને સમીરભાઇનો મોટો પુત્ર રોનક અને અજયભાઇનો પુત્ર આદિત્ય બન્ને લેપટોપ પર અવનવું સર્ચ કરી માહિતી મેળવી રહ્યા હતા. બધી ગર્લ્સ વાતોના ગપાટા મારતી હતી ત્યારે અચાનક પાછળ બગિચામા ધડામ કરતો અવાજ સંભળાતા બધા બાળકો સ્તબ્ધ બની ગયા. “આદી , તે કાંઇ અવાજ સાંભળ્યો કે ફક્ત મને જ ભ્રમ થયો?” રોનકે કહ્યુ. “રોનક મને અવાજ સંભળાયો.કોઇ બુમો-બરાડા પાડી આપણે બોલાવતુ હોય તેમ મને અવાજ આવ્યો.” અદિતીએ કહ્યુ. “અરે ના બાબા ના.બિલાડી બોલતી હોય તેવો અવાજ આવે છે અને અદિતી તને તો ખબર જ છે કે અહી બહુ વધુ સંખ્યામા બિલાડીઓ છે.” આદિત્યએ કહ્યુ. “ભાઇ મને તો કોઇ નાનુ બાળક રડતુ હોય તેવો અવાજ આવ્યો.” રોનકની બહેન પ્રિયાએ કહ્યુ. આ શું છે? બધા લોકોને અલગ અલગ અવાજ આવ્યા એ કઇ રીતે શક્ય છે? એક કામ કરીએ ચલો આપણે બગીચામા જઇ જોઇએ કે ખરેખર છે શું અને શેનો અવાજ આવે છે?” રોનકે આઇડિયા આપતા કહ્યુ. “હા લેટ્સ ગો.આપણે બધા જઇએ.અદિતી મમ્મી પપ્પાને કાંઇ કહેતી નહી.તે લોકોને વાતો કરવા દે આપણે જ જોઇ આવીએ.તને ડર તો નહી લાગે ને?” આદિત્યએ હસતા હસતા કહ્યુ.

હવે જવા દે ને.બહુ આવ્યો છે ડરી જવા વાળો તે ખબર છે.ચાલ ચાલ.” અદિતીએ કહ્યુ. “બધા બાળકો સાથે નીચે ઉતરતા જોઇ સમીરભાઇ બોલ્યા , “શું બાળકો તમારી વાતો પુરી થઇ ગઇ તે નીચે આઇ ગયા?” “ના પપ્પા અમે લોકો તો બગીચો જોવા જઇએ છીએ.અંકલ આન્ટી બગીચો બહુ મસ્ત છે અમે લોકો જોઇ આવીએ?” પ્રિયાએ કહ્યુ. “હા બેટા જઇ આવો બગીચામા પણ જરા ધ્યાન રાખજો. બગીચામા અંધારુ હશે અને વળી ત્યાંની લાઇટ પણ બંધ છે. જરા લાઇટ ચાલુ કરીને જજો. ” અંજલીબહેને કહ્યુ. “ઓ.કે. શ્યોર આન્ટી.અમે ધ્યાન રાખશું” કહેતા બધા બાળકો બગીચામા ગયા. બગીચો જોઇ રોનક અને પ્રિયા તો ખુબ આનંદમા આવી ગયા. તેઓ તો એ ભુલી જ ગયા કે તેઓ અહીથી આવતા અવાજની તપાસમા નીકળ હતા. “ભાઇ કેટલો મસ્ત ગાર્ડન છે કેમ? આ મોટા વૃક્ષો,ફુલના છોડની ક્યારીઓ અને આખા બાગમા આ રીતે પથરાયેલુ હરીયાળુ ઘાસ...મને તો અહી બહુ મજા આવે છે.” પ્રિયાએ કહ્યુ. “હા પ્રિયા મને પણ આ ગાર્ડન સૌથી વધુ ગમ્યો.” રોનકે કહ્યુ. બધા બાળકોએ બાગમાં બેસીને વાતો કરી હવે તેઓને કોઇ જાતનો અવાજ આવતો ન હતો.

વર્ષા તમારી લેડીઝની વાતો ખત્મ થઇ કે નહી? જરા ઘડિયાળમા તો નજર કર અગિયાર વાગી ગયા છે.ચલો હવે ઘરે જવુ છે ને કે પછી અહી જ બેસી આરામથી વાતો જ કરવી છે?” સમીરભાઇએ મજાક કરતા કહ્યુ. “ઓહ...સોરી સમીર વાતો માં ને વાતોમા મને સમયનુ ભાન જ ન રહ્યુ.સોરી અંજલીબહેન તમારે પણ મૉડુ થતુ હશે ને? વળી સવારે વહેલા ઉઠી જોબ પર પણ જવાનુ હશે.” વર્ષાબહેને કહ્યુ. “અરે એમા સોરી શું કહેવાનુ બહેન. તમે આવ્યા અને આપણે સમય વિતાવ્યો તો મને પણ મજા આવી.અમે તો અહીં નવા છીએ અને સ્ટાફમાં પણ બધા સાથે ખાસ પરિચય નથી.આથી આજે ઘણા દિવસે દિલ ખોલીને વાતો કરવાની મજા પડી અને મારા બાળકોને પણ આજે મજા આવી હશે તમારા બાળકો સાથે.” અંજલીએ કહ્યુ. રાત્રે અગિયાર વાગ્યા સુધી વાતો કરીને સમીરભાઇ અને તેમના પત્ની ઘરે ગયા.તેઓ ગયા પછી બધા ખુબ જ થાકી ગયા હતા એટલે ફટાફટ સૌ પોત પોતાના રૂમમાં જઇ સુઇ ગયા. રાત્રે અંજલિને તરસ લાગી એટલે તે પાણી પીવા માટે રસોડામાં ગઇ. તેને ફિલ્ટરમાંથી પાણી ભર્યુ ત્યાં તેને એવુ લાગ્યુ કે ક્યાંક પાણીનો નળ ચાલુ રહી ગયો હોઇ તેને અવાજની દિશા તરફ ચાલવાનુ શરૂ કરી દીધુ. અવાજ ગેસ્ટરૂમમાંથી આવતો હોય તેવુ લાગ્યુ તે ગેસ્ટ રૂમ ખોલીને જોવા ગઇ તો બાથરૂમમાંથી જોર જોરથી પાણીનો અવાજ આવતો હતો. “આ બાળકો પણ સાવ કેરલેસ છે. આમ કાંઇ પાણીના નળ ચાલુ રાખી દેવાય.” તેવુ બબડતા તેને બાથરૂમનુ બારણુ ખોલ્યુ.અંદરનુ દ્રશ્ય જોઇ તે એકદમ ગભરાય ગઇ. ગભરાહટના હિસાબે તેના મોમાંથી અવાજ પણ નીકળતો ન હતો. અને તેના ધબકારા વધવા લાગ્યા. તેને હિંમ્મત કરીને એક ચીસ પાડી. અજય અને બધા બાળકો બધા તેના પલંગ પર આવી ગયા તે પથારીમાં બેઠા બેઠા ધ્રુજતી હતી. “અંજલિ, શું થયુ કેમ તુ આટલી ધ્રુજે છે?” અજયે પુછ્યુ. “અજય લોહી લોહી બાથરૂમના નળમાંથી લોહીની ધારો વહે છે.” અંજલિએ ધ્રુજતા સ્વરે કહ્યુ. “મમ્મી, બાથરૂમ અને લોહી કેવી વાતો કરે છે.તને સપનુ આવ્યુ હશે? અમે ક્યારના ઉઠી ગયા છીએ અને તુ આરામથી અહીં સુતી હતી.તો લોહી ક્યાંથી આવ્યુ?” આદિત્યએ કહ્યુ. “કેટલા વાગ્યા છે? તમે બધા ઉઠી ગયા મને કેમ ન ઉઠાડી?”

“મમ્મી સાડા છ વાગ્યા છે.તુ આરામથી સુતી હતી એટલે અમે તને ઉઠાડી નહી.હમણાં તને ઉઠાડવાના હતા ત્યાં તારી ચીસ સાંભળી” અદિતિએ કહ્યુ. “ઓ.કે.મોમ રિલેકસ અમે તૈયાર થઇ જઇએ છીએ. તુ ઘડીકવાર આરામ કર. મારે કોલેજ થોડુ મોડુ જવાનુ છે હું આ બધાને સ્કુલે મુકી આવીશ.” આદિત્યે કહ્યુ અને પછી તે અને ત્રણેય બહેનો તૈયાર થવા જતા રહ્યા.

અજય અંજલિ પાસે રહ્યો. “રિલેકસ અંજલિ ઇટ્સ જસ્ટ અ ડ્રિમ. ડોન્ટ ટેક ઇટ ટુ સિરિયસ. ટેક રેસ્ટ.”

“અજય ઇટસ નોટ જસ્ટ અ ડ્રિમ. મને તરસ લાગી હતી હુ ઉઠી હતી અને ગેસ્ટ રૂમના બાથરૂમમાં પાણીના અવાજની તપાસ કરતા ત્યાં લોહીની ધાર નળમાંથી નીકળતી હતી અને આખુ બાથરૂમ લોહીના લાલના રંગથી રંગાઇ ગયુ હતુ. પરંતુ મને એ સમજાતુ નથી કે હુ અહીં કેમ આવી ગઇ?” અંજલિએ પલંગ પર બેસીને કહ્યુ. “અંજુ, તુ પણ શુ યાર? ક્યારેક ગાઢ ઉંઘમાં જોયેલા સપના વાસ્તવિકતા જેવા લાગે છે. તુ પેલી ભુતિયા સિરિયલો જોવાનુ છોડી દે હવે.કેટલાય વર્ષોથી તને કહુ છુ એવુ બકવાસ જોઇને પછી આવા જ સપના આવે ને. ચાલ હવે ફ્રેશ થઇ જા.” અજયે અંજલિનો હાથ પકડીને પલંગ પર ઉઠાડતા કહ્યુ. અંજલિ ઉઠીને ફ્રેશ થવા બાથરૂમમાં તો ગઇ. પરંતુ તેનુ મન હજી તેને જોયેલી વસ્તુને સપનુ માનવા તૈયાર ન હતુ. એટલે આદિત્ય તેની ત્રણેય બહેનોને શાળાએ મુકવા ગયો અને આદિત્ય નાહવા ગયો ત્યારે તે તપાસ કરવા ગેસ્ટ રૂમના બાથરૂમમાં ગઇ. ત્યાં ખરેખર કાંઇ પણ ન હતુ. પરંતુ પાણીનો નળ ચાલુ જ હતો!!!

◌◌◌◌◌◌◌◌◌

થોડા દિવસ પછી

બે ત્રણ મહિના પછી સુરતના અડાલજ પોલીસ થાણામાં એક કોલ આવ્યો કે જલ્દીથી “અક્ષર આનંદ” બંગલા પર આવી જાવ અહી એક ખુન થઇ ગયુ છે. પોલીસ ઇન્સપેકટર શ્રી ગિરધારીલાલ, સબ ઇન્સપેકટર માનસિંહ સાથે જીપ લઇને “અક્ષર આનંદ” બંગલામાં પહોચી ગયા. ત્યાં નો નજારો જોઇ ઘડીકવાર પોલીસ ઇન્સપેકટર ગિરધારીલાલ અને સબ ઇન્સપેકટર માનસિંહ સ્તબ્ધ બની ગયા. બંગલાના માલિક અશ્વિન પુરોહિતની ભયાનક અવસ્થામાં લાશ પડેલી હતી. અશ્વિન પુરોહિતના શરીર પર પુષ્કળ ઉઝરડા પડેલા હતા અને કોઇકે મોઢેંથી બચકા ભરીને અથવા નખથી તેના શરીર પરથી માંસના લોચા કાઢી લીધા હતા અને પુષ્કળ લોહી વહી જતુ હતુ.તેની લાશ અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી. બેડરૂમમાં પલંગ નીચે લાશ પડેલી હતી. લોહીના નિશાન પલંગ પર પણ પડેલા હતા. જમીનમાં નીચે પણ લોહીના ટીપા પડેલા હતા. થોડીવારમાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયો. બંગલામાં ઘણા બધા લોકો એકઠા થઇ ગયા હતા. પોલીસ કાફલાએ બધાને બંગલાની બહાર મોકલી દીધા અને આગળ પોલીસ જવાનો ગોઠવાઇ ગયા.

અશ્વિન પુરોહિત શહેરના જાણીતા બિઝનેશમેન હતા.તેમને હોટેલનો બિઝનેશ હતો. તેમની ત્રણ મોટી હોટેલો અલગ-અલગ વિસ્તારમાં ખુબ જ વિખ્યાત હતી. તેઓ ખુબ જ ધનવાન હતા. સમાજમાં તેમનુ ઉચ્ચ સ્થાન હતુ તેમના મૃત્યુના સમાચાર સાંભળીને લોકો બધા એકઠા થઇ ગયા. પોલીસ ઇન્સપેકટર ગિરધારીલાલ બેડરૂમને ઝીણવટપુર્વક જોવા લાગ્યા. લાશને ઢસડીને લાવવામાં આવી હોય તેવા કોઇ નિશાન દેખાતા ન હતા. તેનો સીધો મતલબ એમ જ હતો કે બેડરૂમમાં જ ખુન કરવામાં આવ્યુ હતુ. ગિરધારીલાલે તેમને ફોન કરનાર નોકરને પુછ્યુ. “તારુ નામ શું છે?”

“સાહેબ, ગોપી નામ છે મારું” “હા ગોપી તુ અહીં જ રહે છે કે ખાલી કામ કરવા માટે જ અહી આવે છે?” “સાહેબ બહાર સર્વન્ટ કર્વાટરમાં હુ રહુ છુ” “ઓ.કે.તે સવારે અહી આવીને શું જોયુ?” “સાહેબ હુ મારા રોજના કામ માટે સવારે 6:00 વાગ્યે આવ્યો અને સાહેબની સુચના મુજબ તેમને ઉઠાડવા માટે તેમના રૂમમાં ગયો ત્યારે રૂમમાં ખુબ જ અંધારુ હતુ. મેં લાઇટ કરીને જોયુ તો સાહેંબની લાશ અહીં પડેલી હતી એટલે મે તુંરત તમને ફોન કર્યો.” “રાત્રે અહી અશ્વિન પુરોહિત સાથે કોણ કોણ રહે છે?”

“સાહેબ એકલા જ રહે છે. તેમના પત્ની તેને છોડીને જતા રહ્યા છે હવે કોઇ તેની સાથે રહેતુ નથી. તેઓ એકલા જ અહીં રહે છે. કોઇ વસ્તુની જરૂર હોય તો અમને સર્વન્ટ કર્વાટરમાંથી બોલાવે છે” “ઓ.કે. તે કોઇ વસ્તુને અડકી નથી ને?” “ના સાહેબ તમને ફોન કર્યા બાદ અમે બધા નોકરો અહીં હોલમાં જ તમારી રાહ જોઇ રહ્યા હતા”

ગિરધારીલાલ પુછપરછ કરતા હતા ત્યાં એક જાજરમાન લેડી એક આધેડ પુરૂષ સાથે અંદર આવ્યા. તે લેડી બેડરૂમમાં જઇને મોટે મોટેથી રડવા લાગી. ગોપીએ ગિરધારીલાલને કહ્યુ “સાહેબના પુર્વ પત્ની મંદાકિનીદેવી છે. બે વર્ષ પુર્વ તેઓનો ડાયવોર્સ થઇ ગયો હતો અને અત્યારે તેઓએ સાહેબ ના પાર્ટનર શ્રી કાંતિલાલ સાથે લગ્ન કરી લીધા છે. સાહેબ બે વર્ષથી એકલા જ રહે છે.” સબ ઇન્સપેકટર માનસિંહે મંદાકિની દેવીને દુર રહેવા કહ્યુ. મંદાકિનીદેવી ખુબ મોટે મોટેથી રડી રહ્યા હતા. કાંતિલાલ તેમને સાંત્વના આપતા હતા. ગિરધારીલાલે બધાને કહ્યુ કે જ્યાં સુધી ફોરેન્સિક તપાસ ના થઇ જાય ત્યાં સુધી અહીં કોઇ વસ્તુ કોઇએ પણ અડવાની નથી અને ગોપીને કહ્યુ કે થોડીવાર પછી તે પોલીસથાણા પર મળવા આવે અને સાથે ઘરમાં કામ કરતા તમામ નોકરોને પણ લઇને આવે. મંદાકિનીદેવી અને કાંતિલાલને પણ પોલીસ થાણે આવવા કહ્યુ. હોસ્પિટલમાં ફોન કરીને લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી. થોડીવાર પછી બધા પોલીસથાણે એકઠા થયા. ગિરધારીલાલે વારાફરતી બધાની પુછપરછ કરીને ઝીણી ઝીણી વિગતોના સવાલ પુછ્યા પછી તેમને જરૂરી વિચાર કરીને બધા જતા રહ્યા પછી હવાલદાર દયારામ અને તુકારામને મંદાકિની તથા કાંતિલાલ પર નજર રાખવા કહ્યુ.

વધુ આવતા અંકે.......................

જરા સાંભળો મારી વાત.

મિત્રો હોરર અને સસ્પેન્સ થ્રિલર વિષય પરનો આ મારો પ્રયાસ કેવો લાગ્યો દોસ્તો મને મારા મેઇલ આઇ.ડી.પર જરૂરથી જણાવજો. અને હા ખાસ વાત તમે મારી આવી હોરર સસ્પેન્સ થ્રિલર બુકની પેપર બેક કોપી મેળવવા માંગતા હોય તો મારો સંપર્ક જરૂરથી કરજો. આભાર