Aayanbil odinu mahatv books and stories free download online pdf in Gujarati

આયંબિલ ઓળીનું મહત્વ

જૈનોની પવિત્ર આયંબિલ ઓળીનું મહત્વ

સંસારના પ્રાચીન ધર્મમાંનો એક જ એક ધર્મ એટલે જૈન ધર્મ. યોગ્વિષ્ઠ, શ્રીમદ ભાગવત, વિષ્ણુપુરાણ, મત્સપુરાણ જેવા અનેક ધાર્મિક ગ્રંથોમાં પણ જૈન ધર્મનો ઉલ્લેખ જોવા મળે છે. અગિયારમી સદીની આસપાસ ચાલુક્ય વંશના રાજા સિધ્ધરાજ તથા કુમાર પાળે જૈન ધર્મને પ્રસ્થાપિત કર્યો અને ત્યારથી જ સમાજમાં જૈન ધર્મનો ઉદભવ થયો હોવાનું મનાય છે..

’જીન’ શબ્દ માંથી જ જૈન નામ પડ્યું છે. ’જીન’ કોઈ વ્યક્તિનું નામ નથી પણ જે લોકો પોતાની પાંચ ઇન્દ્રીઓને કાબુમાં રાખી શકે છે તેવા આત્માને ’જીન’ (જૈન) તરીકે ઓળખવામાં આવે છે...

જૈન ધર્મનો ઉદભવ થતા જૈન અનુયાયીઓ તથા જૈન મુનિઓમાં મતભેદ શરૂ થવા લાગ્યા કે જૈન ધર્મની દિક્ષા ગ્રહણ કરનાર મુનિઓએ વસ્ત્ર પહેરવા કે નહીં? પરિણામે જૈન ધર્મ બે સંપ્રદાયોમાં વિભાજીત બન્યો (૧) દિગંબર (વસ્ત્રો ન પહેરનાર) અને (૨) શ્વેતાંબર (શ્વેત વસ્ત્ર ધારણ કરનાર). દિગંબર પંથના અનુયાયઓ નિયમોને પાળવા વધુ કઠોર હોય છે, જ્યારે શ્વેતાંબર સંપ્રદાયમાં થોડી ઉદારતા જોવા મળે છે. સમય જતા દિગંબર સંપ્રદાયમાં ત્રણ પેટા સંપ્રદાયો જેવા કે મંદિરમાર્ગી, મૂર્તિપૂજક અને તેરાપંથી એમ ત્રણ પંથો અસ્તિત્વમાં આવ્યા, જ્યારે શ્વેતાંબર સંપ્રદાયમાં દેરાવાસી અને સ્થાનકવાસી એમ બે પંથો અસ્તીત્વમાં આવ્યા. મંદિરમાર્ગી, મૂર્તિપૂજક, તેરાપંથી અને દેરાવાસી પંથના અનુયાઇઓ મૂર્તિપૂજામાં માને છે, જ્યારે સ્થાનકવાસી પંથના અનુયાઈઓ મૂર્તિપૂજામાં માનતા નથી. જૈન ધર્મના દરેક અનુયાઈઓ પોતાની શ્રધ્ધા અનુસાર ધર્મના નિયમોનું પાલન અલગ અલગ રીતે કરે છે. આમ છતા દરેકનો ઉદેશ્ય એક સરખો જ છે. ’આત્માની ઓળખ’ અને ’અહિંસા પરમો ધર્મ’..

જૈન ધર્મમાં તિર્થંકરોનું એક આગવું અને વિશિષ્ટ સ્થાન રહેલું છે. જે સ્વયં તરે અને અન્યને પણ તારે છે એને તિર્થંકર તરીકે ઓળખવામાં આવે છે. તિર્થંકર ધર્મ અને મૃત્યુના બંધનથી મૂક્ત હોય છે. જૈન ધર્મના ૨૩માં તિર્થંકર પાશ્વનાથને જૈન ધર્મના સંસ્થાપાક માનવામાં આવે છે, જ્યારે ૨૪માં તિર્થંકર મહાવીર સ્વામીને જૈન ધર્મના સંશોધક માનવામાં આવે છે. જૈન ધર્મમાં એવી પણ માન્યતા પ્રવર્તે છે કે આવતી ચોવીસીમાં ભગવાન શ્રીકૃષ્ણ તિર્થંકર તરીકે જન્મ લેશે. પ્રાચીન કાળમાં તપ અને મહેનતથી જ્ઞાન પ્રાપ્ત કરનારને શ્રમણ તરીક ઓળખવામાં આવતા. જૈન મુની અસત્ય, ચોરી, બ્રહ્મચર્ય અને સાંસારિક સંબંધોથી મૂક્ત હોય છે અને કઠોર તપ તથા મહેનત કરીને મોક્ષના માર્ગે પ્રયાણ કરે છે માટે તેને શ્રમણ તરીકે ઓળખવામાં આવે છે...

ધર્મ એક કળા છે, એક દ્રષ્ટી છે. કોઈ પણ ધર્મની ધાર્મિક ક્રિયા વ્યક્તિને મોક્ષના માર્ગે તો પ્રયાણ નથી કરાવી શકતી પરંતું ’સ્વ’ની ઓળખ જરૂર કરાવે છે. દરેક ધાર્મિક ક્રિયાની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છુપાયેલું હોય છે. આપણે જ્યારે માળા કરીએ છીએ ત્યારે એ સમય દરમિયાન આપણા મગજમાં અવિરત ચાલતું વિચારોનું ચક્ર થોડીવાર માટે થંભી જાય છે, પરિણામે આપણું મગજ શાંતિનો અનુભવ કરે છે. એ જ રીતે જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણી હોજરી ને આરામ મળે છે માટે આપણું સ્વાસ્થ્ય જળવાય રહે છે. જૈન ધર્મ સ્વાસ્થ્યની જાળવણી બાબતે અમુક અંશે મોખરે છે...

જૈન ધર્મમાં ઉપવાસ, આયંબિલ, અઠ્ઠાઈ, છક્કાઈ, એકાસણુ, બેસણુ, રાત્રી ભોજનનો ત્યાગ વગેરે જેવા તપ અને નિયમોનું પાલન કરાવવામાં આવે છે. આપણા શરીરમાં જેટલી આવશ્યકતા લીલ શાકભાજીની છે એટલી જ આવશ્યકતા કઠોળની પણ રહેલી છે માટે જ જૈન ધર્મના અનુયાઈઓ વર્ષના અમૂક દિવસો દરમિયાન કંદમૂળ તથા લીલા શાકભાજીનો ત્યાગ કરે છે કે જેથી એ દિવસો દરમિયાન ભરપૂર પ્રમાણમાં કઠોળ જમી શકાય. રાત્રી ભોજનનો ત્યાગ કરવાથી ઊંઘ સારી આવે છે પરિણામે દિવસ દરમિયાન તન અને મન પ્રફુલ્લીત રહે છે. એકાસણુ (એક ટંક જમવું) કરવાથી શરિરમાં ચરબી વધતા અટકે છે તથા સ્વાસ્થ્ય યોગ્ય રીતે જળવાય રહે છે...

જૈન ધર્મના પવિત્ર તહેવારમાનો જ એક તહેવાર એટલે આયંબિલની ઓળી. જૈન ધર્મના લોકો આ દિવસો દરમિયાન પોતાની પાંચ ઇન્દ્રીય માની એક ઇન્દ્રીય પર કાબુ રાખી છ વિગયનો ત્યાગ કરી નવકાર મંત્રના નવ પદની આરાધના કરે છે...

આયંબિલની ઓળીની વાર્તા રાજકુમારી મેણાસુંદરી અને તેમના પતિ શ્રીપાલ સાથે જોડાયેલ છે. ઉજ્જૈન નગરીના રાજા પ્રજાપાલ પોતાની એકની એક દીકરી મેણા સુંદરીને પૂછે છે કે

"તું આપ કર્મમાં માને છે કે બાપ કર્મમાં?"

મેણાસુંદરી જવાબ આપે છે કે

"પિતાજી, હું આપકર્મમાં વિશ્વાસ રાખુ છું"

ગુસ્સે ભરાયેલા રાજા આ વાક્ય સાભળતા ક્રોધીત અવસ્થામાં મેણાસુંદરીના લગ્ન એક કોઢિયા યુવાન શ્રીપાલ સાથે કરાવી દે છે. પોતે આટલા સુંદર અને પોતાનો ભરથાર કોઢિયો હોવા છતા મેણાસુંદરીને પોતાના કર્મથી નારાજ ન હતી. મેણાસુંદરી નવકાર મંત્રના જાપમાં અખૂટ શ્રધ્ધા ધરાવતી હતી માટે તે એને તેમનો પતિ શ્રીપાલ આયંબિલ ઓળી દરમિયાન નવપદની આરાધના કરી નવ આયંબિલની ઓળી પૂર્ણ કરે છે. સમય પસાર થતા મેણાસુંદરીના પતિ શ્રીપાલની કાયા ફરી કંચનવર્ણીય બની જાય છે...

આજના આ ઝડપી યુગમાં હર એક વ્યક્તિ નાની મોટી બિમારી માંથી પસાર થઈ રહ્યો હોય છે, જેમ કે હાઇ બી.પી., લો બી.પી., ડાયાબીટીસ, સાંધાનો દુખાવો, ડીપ્રેશન વગેરે પરિણામે આજે દરેક વ્યક્તિ માટે દવા તેની પ્રથમ આવશ્યકતા બની ચૂકી છે પરંતુ જો ખોરાકમાં કરી પાડવામાં નહીં આવે તો દવા પણ એ બિમારી માંથી આપણને નહીં બચાવી શકે માટે ખોરાક લેવામાં અમૂક પ્રકારનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આયંબિલની ઓળીમાં ખવાતો ખોરાક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પૂરવાર થઈ શકે છે. આયંબિલની રસોઈ મીઠુ, મરચું, તેલ, ઘી, ગોળ, ખાંડ, દહીં, દૂધ જેવા દ્રવ્યોથી મૂક્ત હોય છે. આ રસોઈ માત્ર મરી પાવડર અને હીંગનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવે છે. ઉનાળામાં અમૂક દિવસો આવો ખોરાક લેવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે અને વ્યક્તિ પોતાન ક્રોધ પર નિયંત્રણ રાખી શકે છે. સમાજની દરેક વ્યક્તિ જૈન ધર્મની આ ઉમદા પરંપરાને અમૂક અંશે પોતાના જીવનમાં અપનાવી શકે તો શરિરનું સમતુલન પણ જળવાય રહે અને મન પણ શાંતિનો અનુભવ કરી શકે...

જૈન ધર્મના અનુયાઈઓ આ નવ દિવસ દરમિયાન ’આત્માની ઓળખ’ અને ’સ્વ’ સાથેનો સંવાદ સાધવામાં ઓતપ્રોત રહે છે તથા સંસારમાં રહીને પણ આધ્યાત્મિકતાના જીવનનો એક ભાગ બને છે. આયંબિલની ઓળી ધર્મની આરાધના તથા ધર્મના નિયમોનું ચુસ્તપણે પાલન કરી સ્વને ઓળખવાનો શ્રેષ્ઠ માર્ગ દેખાડે છે, તદ ઉપરાંત આત્મ ચિંતન પણ કરાવે છે...

જૈન ધર્મમાં મહાવ્રત અને અણુવ્રતનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે. મહાવ્રત એટલે પાપ કર્મોનો સર્વથા ત્યાગ અને અણુવ્રત એટલે મર્યાદિત સમય પૂરતો ત્યાગ. જૈન ધર્મની દિક્ષા અંગીકાર કરનાર જૈન મુનીઓ મહાવ્રત કરે છે જ્યારે જૈન ધર્મનું ચુસ્તપણે પાલન કરનાર અનુયાઈઓ અણુવ્રત કરે છે. આયંબિલની ઓળીમાં વ્યક્તિ અણુવ્રત કરી અમૂક મર્યાદિત વસ્તુઓનો જ ઉપયોગ કરે છે...

જૈન તત્વજ્ઞાનમાં પાંચ પ્રકારના અણુવ્રતો બતાવવામાં આવ્યા છે:

૧) પ્રણાતિપાત: સ્થૂળ હિંસાનો ત્યાગ અર્થાત અહિંસા

૨) મૃષાવાદ: જૂઠઠાણાનો ત્યાગ અર્થાત સત્ય

૩) અદતાદાન: ચોરીનો ત્યાગ અર્થાત અસત્યનો ત્યાગ

૪) મેહુણ : પરસ્ત્રી કે પરપુરુષ સેવનનો ત્યાગ અર્થાત બ્રહ્મચર્ય

૫) પરિગ્ગહ: પરિગ્રહનો ત્યાગ અર્થાત સંપતિ સંચયનો ત્યાગ

જૈન ધર્મમાં હિંસા તો પાપ છે પણ સૌથી મોટુ પાપ ભાવ હિંસા છે માટે જ આયંબિલની ઓળીના નવ દિવસ દરમિયાન ભાવથી પણ કોઈની હિંસા ન થાય એ વાતનું ધ્યાન રાખવુ. કર્મ મર્મને ભેદવાની તાકાત ધરાવતા આ માંગલિક પર્વની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ...

ભગવાન મહાવિરનો ઉપદેશ:

"સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. આ ત્રણેય મળીને જ મોક્ષનો દ્વાર ખુલે છે અને માટે આ જ છે કૌશલ્ય માર્ગ"

ધર્મિષ્ઠા પારેખ

૮૪૬૦૬૦૩૧૯૨